અઘરો મોકો


ઊંઘરેંટી આંખે બારીમાંથી બહાર જોયું. એ સાચું હતું કે સ્વપ્ન? એક તરંગી વિચાર ઉપસી આવ્યો. એક મોટી આળસ મરડી અને વિચાર્યું ‘આજે ઉજાસભર્યો દિવસ છે પણ ધોધમાર વરસાદ આવે તો?’ આંખો બંધ કરી પડ્યો રહ્યો. અભાવોભરી જિંદગી બદલ ભગવાન સાથેની તમામ દલીલો એને યાદ આવી.

અચંબાથી એ ઊભો થઈ ગયો. બહાર અચાનક વાદળોનો ગડગડાટ શરૂ થયો હતો. ‘ઓ માય ગોડ, આજે હું ભગવાન!.’

બે બે પગથિયા ટપતો, ઉતરતો એ લકવાગ્રસ્ત દાદાના રૂમ તરફ ઘસી ગયો. જો કે ઉપર બેઠા એ દાદાને બેઠા કરી શક્યો હોત. ‘ઓહ’, ‘હવે ભગવાન તું આમને લઈ લે. નથી મારાથી જોવાતું કે નથી સેવા થતી.’ દાદીનું મન વાંચતા એ ચકિત થઈ ગયો. દેવામાં ડૂબેલા પપ્પા અને ઘરમાં મરણ થાય તો બહેનનું લેવાયેલું લગ્ન અટકી જશે એવી ચિંતા કરતી મમ્મી બધાનાં વિચારો ટકરાતા હતાં.

‘ભગવાન તરીકે હું શું કરું?’ વિચારતો એ પોતું મારતી કામવાળી તરફ જોઈ રહ્યો.’ આવા બધા લોકોને અમીર બનાવી દઉં? પણ તો મમ્મીને મદદ કોણ કરશે?’ ગૂંચ વધી રહી હતી.

નાસ્તાની પ્લેટમાં રોજ નવી વાનગી હોવી જોઈએ એવું વિચાર્યું. ‘આ ખાખરાને કારણે કોઈને જીમમાં નથી જવું પડતું.’ મમ્મીનો અવાજ કાને પડ્યો.આર્થિક સંકડામણ સામે કેવું આશ્વાસન!

કમનીય નયના યાદ આવી અને લગ્ન કરવાની ઉતાવળ, ઉત્તેજના સાથે નિરાશા વ્યાપી ગઈ. સાવ ધૂળ જેવી નોકરી એને લાયક મૂરતિયો ક્યાં બનવા દે છે! બાકી  માબાપને મનાવી ન લઉં! પણ આ શું? તત્કાળ લગ્ન માટે દબાણ કરતી નયના તો અન્યથી ગર્ભવતી છે!

ભગવાન બનીને દેશ અને દુનિયામાં ઝપાટાબંધ સુધારો લાવવા તડપતો આદર્શ આજે એનાં પોતાનાં ઘરની અને જીવનની સ્થિતિ જોઈ સૂન્ન હતો. એની આજુબાજુ રહેલા બધાં જ લોકોનાં વર્તન અને સંજોગો સમજી રહ્યો હતો. સાચે જ ઈશ્વર બની કોઈનો ન્યાય કરવાનો નિર્ણય ખરેખર આકરો લાગ્યો.

આમ તો હતાશા, નિરાશા,આશા, ઉત્સાહ જેવી બધી જ લાગણીઓનાં ઝંઝાવાત વચ્ચે એક આખો દિવસ વીતી જશે.

મોડી રાતે ઈશ્વર પાસે કબૂલ કરવું કે ઈશ્વર બનવું આકરું અને અઘરું છે કે પછી બચેલા સમયમાં સાચે જ ઈશ્વર બની નિર્ણયો લઈ લેવા?

એણે એની ઈચ્છાઓની યાદી બનાવી દિવાલ ઘડિયાળ સામે સજળ આંખે જોયું.  મોટો કાંટો નાના કાંટાને ભેટવા ઘસી રહ્યો હતો.

— નીવારોઝીન રાજકુમાર

બટકણી સમજણ


આપણે ત્યાં સંબંધો બંધન જેવા છે. તસુભાર લાગણી ન હોય તોય વેંઢાર્યા કરવાનું. શોભાનાં પૂછડાં જેવા !!! સાવ નકામાં હોય તોય ચોંટાડીને ફર્યા કરવાનું. All is well એમ દેખાડ્યા કરવાનું. ઘણી વાર લોકલાજે જે નથી એ દેખાડ્યા કરવાનું.

અને જો સંબંધ જાહેરમાં તૂટે તો તો ખલાસ.. ! લોકોને જોણું થાય જ !!! વીતેલી બધી સારી પળો પર કડવાશનો લેપ મરતા સુધી લગાડ્યા કરવાનો.

સંબંધોમાં લાગણી ન રહે એટલે કાંઈ માણસ લાગણીહીન નથી થઈ જતો પણ એક ગરિમાપૂર્ણ વર્તનની અપેક્ષા તો રાખવાની જ નહી. સારું ન બોલી શકો તો ખરાબ બોલવું પણ જરુરી નથી જ. પણ કડવાશ સતત ઉલેચાતી રહે છે.અરે, કશું જતું કરવાનું જ નહી. સામાવાળાને ઉતારી પાડવાનો એક મોકો છોડવાનો નહી. હું વિચારું એ જ તમે વિચારો એ જ સાચો સંબંધ… બાકી બધુ ફોક !!! મારા અલગ વિચારો હોઈ જ ન શકે ! આવું જડબેસલાક બંધન એટલે સંબંધ… આ આપણી સંસ્કૃત સમાજની વ્યાખ્યા છે.

હું પણ આ જ સમાજની વ્યક્તિ છું. 😏

— નીવારોઝીન રાજકુમાર

શ્રધ્ધા


કડક અને ક્રાંતિકારી આધુનિક શિક્ષકાની છાપ નીચે સળવળાટે ચડેલી એની લાગણી આજે કૂદકો મારી બહાર આવી રહી હતી.

ઘણા દિવસ પછી આજે એ વાતોકડી સ્કૂલે આવી હતી.

“બેન, એને ખબર નથી પાડવી. શકિત હશે ત્યાં સુધી એ આવશે. જીવનનો આનંદ અમે વહેલો વિખેરવા માંગતા નથી”તાકિદભરી વિનંતી તો પંદર દિવસથી હતી.

“તમે અંધશ્રધ્ધાનો પાઠ ભણાવ્યો હતો. પણ બેન, મમ્મી કેટલાય મંદિરે લઈ જાય છે. છાનામાના આ દોરો હું કાઢી નાખીશ હો”.

“ના ના , રહેવા દેજે. તારી મમ્મીને દુ:ખ થશે.” આટલું તો જીજ્ઞા માંડ બોલી શકી. મેદાનમાં દોડી જતી અનુરાધાને એ રોકી પણ ન શકી.

પંદર મિનીટ પછી સાવ સફેદ પડી ગયેલી હાંફતી,ફસકાઈ પડી.

બ્લડ કેન્સર….

કાન ફાડી નાખતા એમ્યુલન્સનાં અવાજો, નર્સો-ડોક્ટરોની દોડાદોડ, મશીનોનાં ધડકારા વચ્ચે દમ તોડી દેતા મોટાભાઈ અને સ્તબ્ધ માતાપિતા, વિધવા ભાભી અને બાપવિહોણી બનેલી બે બાળકીઓ …

જીજ્ઞાએ ઘરમંદિરને અને મનની પીડાને તાળામાં કેદ કરી દીધા હતા…

અચાનક જીજ્ઞા એક ઝાટકા સાથે ઉભી થઈ …

ઘરનાં સભ્યોનાં આશ્ચર્ય વચ્ચે ઘંટારવ ગુંજી ઉઠ્યો.

— નીવારોઝીન રાજકુમાર

મકબરો


‘આંગળા કપાયાનો ઘરવ નહોતો તને? 

અરે ,જહાંપનાહનાં જલ્લાદની અવાજમાં મને ભીનાશ કેમ લાગી?

બેગમની યાદમાં દિવસ રાત બેચેન સાહેબે આલમે મને દિવસ રાત આરસ ટાંકવાનો સરપાવ આપી દીધો હતો. પણ આંગળા વગરનો કારીગર દીકરાને કારીગરી ન શીખવી શકે?

મારા દડતા પડતા મસ્તકમાંથી લોહીનું ટીપું આંખોમાં અંજાઈ ગયું અને સામે ઉભેલું આખું સંગેમરમર લાલઘૂમ થઈ ગયું…

આ બધુ જોઈ રહેલા મારા દિકરાનો તંગ ચહેરો પણ .

એની વળી ગયેલી એ મૂઠ્ઠી  ઓહ, હું એને કેવી રીતે કહું કે ઉમદા અને સાચો કલાકાર કયારેય બદલો ન લઈ શકે.

— નીવારોઝીન રાજકુમાર  

રીહેબીલીટેશન


મારિયા આજે સખ્ત ચિંતામાં હતી.

આજે છેલ્લા ત્રણ મહિનાનાં હોસ્પિટલવાસનો છેલ્લો દિવસ હતો. જિંદગીને નવેસરથી ગોઠવવા એના મનમાં ગોઠવણ ચાલ્યા કરતી.

“દીકરી  હવે આપણે અહીંથી જઈશું.” એ સામાન પેક કરતી રહેતી.
“મારી ચીજો અહીં જ રહેવા દે”

હવે રીહેબીલીટેશન સેન્ટરમાં મસ્તીથી ફરી વળતી સ્ટેફી અહીંથી જવા ક્યાં તૈયાર હતી !

“ડોક્ટર, હવે શું થશે ? ત્યાં કશું થશે તો હું કેવી રીતે મેનેજ કરીશ ?” આંખો વહી જ નીકળતી.

“મેમ, ફિકર ન કરો. આ હંગામી અવલંબન છે. નવા વાતાવરણમાં એ જલ્દી સેટ થઇ જશે.” ડોકટર જોયને પોતાના શબ્દો જ ખોખલા લાગી રહ્યા હતા.

નવા આવેલા જોયને દર્દી સાથે નિકટતા બદલ સીનીયર વઢતા.

રાતે પેક થયેલી બેગ સવારે સ્ટેફી ખાલી કરી દેતી. “નહી જ આવું”

પાગલપનના હુમલા પછી તત્કાળ દવાખાને પહોંચેલી સ્ટેફી સારવાર અને થોડી અંગત કાળજીથી જલ્દી ઠીક  થઇ ગઈ હતી. પણ અહીં એને ડોકટર જોયની માયા લાગી ગઈ હતી. 

ટ્રેનમાં બેઠેલી મારિયાનાં મનમાં ઘણી દ્વિધાઓ હતી. તો સ્ટેફી આવનારા સોનેરી દિવસોની કલ્પનામાં હતી.

“તો તમે હવે જલ્દી આવી જજો. ત્યાં પણ હોસ્પિટલ છે ” પ્રેમાળ નજરે જોય સામે એ તાકી રહી.

સતત સમજાવટ અને અનેક વચનો પછી સ્ટેફી જવા તૈયાર થઈ હતી.
એક હળવા ધક્કા સાથે ટ્રેન ઉપડી .

જોયથી એના ગાલે અવશપણે અછડતો સ્પર્શ થઇ ગયો .

કદાચ છેલ્લી વાર.

— નીવારોઝીન રાજકુમાર

છઠ્ઠી ઇન્દ્રિય


મયુરીની કચકચ આજે પણ ચાલુ જ હતી.ઈશાન પાસે એનાં સવાલોનાં જવાબ પણ કયાં હતા! “વીક એન્ડ એટલે આપણું ઘર અનાથાશ્રમ બની જાય. હું જોબ નથી કરતી એનો અર્થ તમે એ કરો છો કે મને વેકેશન કે આરામ ન જોઈએ?” મળતાવડા ઈશાનને પણ સમજ પડતી હતી કે હવે એક નાનકડું વેકેશન પોતે લેવું જોઈશે. બધા મિત્રદંપતીઓનાં બાળકો માટે  આ ઘર એટલે મોકળાશ હતી.

“હું તો તમારી સાથે વેકેશનમાં પણ આવીશ” ખુશ્બુ બીજા બાળકો સામે કયારેક જીદ્દી પણ લાગતી. કોઈનાં ઘરે તો એ જશે જ નહી એ ખાતરી હતી. અંતે મયુરીની સખી શીલા એના પતિ સાથે રહેવા આવે એવી યોજના પછી બંને ખુશીથી વેકેશન માટે નીકળી શક્યા. ‘એ અંકલ મને નથી ગમતા’ની રોકકળ તો નાટકનાં નામે કયાંય દબાઈ ગઈ હતી.

અચાનક થયેલી વાવાઝોડાની આગાહીએ વેકેશન સંકોરી નાખ્યું. મયુરી આખા રસ્તે નારાજ રહી. પહોંચતા જ ભટકાતા દરવાજા જોઈ બંનેનાં એક આશંકા ઘેરી વળી. ઇશાન દોડી ગયો.

ઈશાન રુમની બહાર આવ્યો ત્યારે આઘાતથી ગાંડા જેવો થઈ ગયેલો.. સ્તબ્ધ મયુરી અને જોબ પરથી આવેલ શીલા પોક મૂકીને રડી પડ્યા. દગો તો બેય સાથે થયો હતો ને… એકની છઠ્ઠી ઈન્દ્રીયે કર્યો તો બીજીનાં પતિ પરનાં અતિ ભરોસાએ!

ફકત અઠવાડિયામાં છાપા અને ન્યુઝ ચેનલોએ ન્યાયતંત્રની ઝડપી કામગીરીને બીરદાવી અને ખુશ્બુની ઉદાસ ખુશ્બુ આખા ઘરમાં ફરી વળી.

— નીવારોઝીન રાજકુમાર

સુ-વાવડ


જોરજોરથી ઉલ્ટી કરી નયના હાંફતી બાથરુમ બહાર નીકળી. “ત્રણેક મહિના સુધી ઘણાની હેલ આવી હોય પણ ઘરબાર રેઢા મૂકી આમ આટલું જલ્દી પિયર સુવાવડ કરવા ન જવાય” પડોશી રમીલાબેને એની પીઠ પર હાથ પસવારી લિંબુ પાણીનો પ્યાલો પકડાવ્યો. થાકેલી આભારવશ આંખે એ તાકી રહી.

“કયારે બંધ થશે તારા આ નાટક?”  રમીલાબેન દરવાજો ખેંચી ગયા કે કેતને સખત ચીડથી પૂછ્યું.

“શાનાં નાટક ! અને હું નાટક કરું છું?” એ તોછડા સ્વરે તાડૂકી.

“મોઢામાં આંગળા નાખી ખાધેલું ઓકી નાખવાનો મનેય કોઈ શોખ નથી.”

કોમ્પ્યુટર સામે બેસી એક મેઈલની પ્રિન્ટઆઉટ કાઢી એણે કેતનને થમાવી.

.”એની ડીલીવરી ન થાય ત્યાં સુધી મારે ત્યાં જ રહેવું પડશે અને…” અધુરા વાક્યની એ ધાર  કેતનને વિંધી ગઈ અને બંનેની નજર સામે કેતનનાં મેડિકલ રિપોર્ટસ તરવરી ઉઠ્યા.

થોડી વાર પછી મેઈક માય ટ્રીપમાં બે ટીકીટ બૂક થઈ ગઈ. છેક વારાણસીનાં આશ્રમની.

ફેફરું


એક ઘબાકાનાં અવાજે ટ્રેનમાં બધા સફાળા ઉઠ્યા. “આંધળી છો ?” બોલી પુરુષે રડી ઉઠેલા બાળકને સંભાળી લીઘું.  પણ  ઘુંમટાવાળી સાતેક મીનીટ સુધી એમ જ બેઠી રહી. કળ નહી વળી હોય

ફેરિયાઓની ચહલપહલથી  સવારે થોડી મોડી આળસ મરડી.  દોડતી ટ્રેનમાં ભાગતી જીંદગીઓ આરામ કરતી હોય છે.

બપોરે બારેક વાગે સફરજન કાપતી છરી સાથે ફરી એ જ ઘુંમટો અને એ જ ધબાકો.  “અરે રે હમણાં છરી વાગી જાત.”

” આવું તો એને વારે વારે થાય છે પણ કયારેય લોહી નથી નીકળતું.  માતાજીની આડી છે એટલે દવા નથી લેતા. આમેય ફેફરાની દવા થોડી હોય ? “

આટલી બધી  ચિંતિત આંખો જોઇ એના પતિએ ટાઢા ઢોળ્યા.

“દીકરો હોય તો આને સાચવીએ. આ બે પથરા તો આપોઆપ ઘડાઈ જશે. ” માસાનો બબડાટ લગભગ બધાએ સાંભળ્યો . અમુક વયે બાઇઓ બેબાક બનતી હશે

બપોરે એ બધા આડે પડખે થયાં.સાડલા નીચે બાળકીની હલનચલનથી  ઘુંમટો જરીક આઘો પાછો થયો. ગોરી તો ન કહેવાય કદાચ  એનીમીક હતી એટલે ચામડી સફેદ હતી .

આ બધું સતત જોઇ રહેલી સ્વાતિએ ચૂપચાપ એના હાથમાં પાણી અને પેઇન કીલર પકડાવી દીધા. સજળ આંખે એણે કોણી અને કપાળ પર મરી ગયેલું લોહી બતાવ્યું.

“પિયર નથી” ગણગણાટ. … ઘટનાઓનો સાર.

લેપટોપ તરફથી નજર હટાવી એક ઉત્સાહી  જુવાનિયાએ વધાઇ આપી

આખા ડબ્બામાં ઓલમ્પિકસમાં જીતેલી સ્ત્રીશકિત માટે તાળીઓ પડી.

સ્વાતિ વિચારે ચડી .

— નીવારોઝીન રાજકુમાર

કાટમાળ


ટીવીનાં એક ફોટા પર એની આંખો જડાઈ ગઈ .

“આ પ્રાજ્કતાનો અખિલ ખોવાયો હશે ?”
કોરીયાના ભૂકંપની માહિતી આપી રહેલી રિપોર્ટરનાં શબ્દો અખિલનાં કાનોમાં અથડાઈ રહ્યા હતા. શબ્દો સમજાય અવાજ તો અથડાય જ ને.

સુન્ન થઇ ગયેલો અખિલ ૧૯૯૩નાં સમયગાળામાં પહોંચી ગયો હતો.

બાબા અને આઈની પચીસમી લગ્નગાંઠ હજુ કાલે જ ઉજવી હતી  પરિવાર ભેગો થયો હતો.

“અખિલ , હવે બીજો મોટો પ્રસંગ તારા સાખરપૂડાનો હશે.”

ખીલખીલાટ મશ્કરીઓ વચ્ચે એની નજર દૂર બેઠેલી પ્રાજ્કતા પર ગઈ.

ચાલમાં ત્રીજા ઘરમાં એ રહેતી. જાહેર શૌચાલય પાસે કે પાણીની લાઈનમાં આંખો ટકરાતી.
“તુ માલા આવડ્તેસ” સુધી પહોંચેલી એમની શબ્દયાત્રા આગળ વધી જ નહોતી. કાકુ અને આઈ તો મુલગીઓનું લીસ્ટ લઈને બેસી ગયા હતા.

‘બધા મહેમાન જાય પછી અશ્વિનીતાઈના કાને વાત નાખવી પડશે’ અખિલે નિર્ણય કરી લીધો.

એના હાથમાંથી રીમોટ ઝુંટવી સુલભાએ ટીવી બંધ કરી દીધું. “જે સમાચાર આપણને દુઃખી કરે એ ન જોવા.”

લાતુરનાં ભૂકંપ પછી અખિલને સુલભાનાં પરિવારે સાચવી લીધો. પછી લગ્ન અને સંસાર.

અખિલ આડો પડ્યો.

પ્રાજ્કતાનું મન ખોલે એ પહેલા આખો મહોલ્લો તૂટી પડ્યો હતો.

લંગડાતા અખિલે રાડો પાડી હતી. કાટમાળમાંથી નીકળેલી એ આઈબાબા સાથે જ ગઈ.

પાડોસીએ ખુલ્લા દરવાજામાંથી અવાજ કર્યો,“ટીવી જોયું ? તમારા લાતુર જેવું જ થયું છે.”

“મન હજુ કાટમાળ જ છે”, અખિલ બબડી ઉઠ્યો.

— નીવારોઝીન રાજકુમાર  

વહુ દીકરી


“બહેનનાં બધા ઘરેણાં એ જંગલીએ ગીરવે મૂક્યા છે આ સોનાની ચૂડી એને પહોંચાડી દેજે “

પિતાજીએ આપેલી ડબ્બી અને આજ્ઞા નકારી શકવાની હિંમત કયાં હતી !

રસોડામાં ઢગલો વાસણ માંજી  રહેલી જીજ્ઞાનાં સૂના હાથ એ જોઇ રહ્યો.

વર્ષો પહેલા બોલાયેલા શબ્દો ફરી એક વાર ઘુમરાયા ,

“જીજ્ઞા વહુ નહી અમારી  દીકરી જ છે.”

— નીવારોઝીન રાજકુમાર