૧…
રૂમ પર આવતા જ નૈતિકે રીતસર સોફા પર પડતું મુક્યું …આને રૂમ જ કહી શકાય ….ઘર તો કેમ કહેવું ? જ્યાં સાથે ઘરનું કોઈ રહેતું ન હોય ? ઉફ્ફ , આ ઉંમરે નવી જગ્યાએ નોકરી લેવી અને સેટ થવું અઘરું તો છે જ ….આટલા વર્ષોનો અનુભવ હોવાના કારણે કામ નહી પણ આજુબાજુના માહોલમાં થતા ફેરફારને સહજતાથી સ્વીકારવો અઘરો પડે છે ….અને એય પાછું જુવાન થઇ રહેલા સંતાનો અને નોકરી કરતી પત્નીને જામનગરમાં મુકીને અહીં અમદાવાદમાં આવીને રહેવું ….સૌરાષ્ટ્ર અને ગુજરાતનો ફર્ક તો જેણે અનુભવ્યો હોય તે જ સમજી શકે …લોકોની માનસિકતા તો એની એ જ હોય છે પણ તોય ફર્ક દેખાઈ જ આવે છે ….!!!
અનાયાસે હાથ મોબાઈલ તરફ લંબાઈ ગયો ….સામેથી પ્રેરણાએ “ઘરે પહોચી ગયા ?” એવું પૂછ્યું ત્યાં સુધી એમ જ બેસી રહ્યો …”હા, હમણાં જ આવ્યો …પણ તમારા વગર ..તારા , ધ્રુવ અને અનુષ્કા વગર સાવ એકલો પડી ગયો છું ..ઓફિસેથી મોડો નીકળ્યો અને જમીને આવ્યો ” એમ બોલતા નૈતિકથી રીતસર નિસાસો નખાઇ ગયો …. આમતેમ દિનચર્યાની વાતો કરી ફોન બાજુના ટેબલ પર મૂકી દીધો …. પરાણે શરીરને ઘસડીને ઉભો થયો અને ન્હાવા ચાલ્યો ગયો …ઠંડા પાણીનું શાવર લઇ થોડું સારું લાગ્યું …..!! કમર પર ટુવાલ વીંટાળી એ બાથરૂમની બહાર આવ્યો …નાઈટ ડ્રેસ પહેરી પલંગ પર લંબાવી દીધું ….!!!
આમ તો બહુ વાંધો ન હતો પણ સાવ લબરમુછીયા મેનેજમેન્ટ સાથે અને એમની બદલાતી નીતિઓ સાથે કામ પાડવું આકરું પડી ગયું …જૂની પેઢીના હાથમાંથી સરકીને બધી સત્તા આ ઉગીને ઉભી થતી પેઢીએ પોતાના હાથમાં લઇ લીધી એટલે જુના માણસોની કિંમત એ લોકો ન જ સમજી શકે ..એટલે જ તો રાજીનામું કોઈ સવાલ કે ખચકાટ વગર તરત સ્વીકારી લીધું હતું …. એ તો સારું હતું આ નવી જોબ તૈયાર જ હતી બાકી બંને બાળકોના ડીગ્રી અને લગ્ન બાકી છે એ ચિંતાએ ફાડી ખાધો હોત …!! બાકી હવે વાંધો નથી …ને અહીંના લોકોને મારા અનુભવ પર ભરોસો અને માન છે એ એમના વર્તનમાં દેખાઈ જ આવે છે …બસ સોમથી શુક્ર સાંજ પસાર કરવી આકરી પડે છે … થાક અને કંટાળો કામનો નહી અહીં એકલા રહેવાનો આવે છે ….!!
અને અનાયાસે આ એકલતાને એકાંતમાં બદલતો હોય તેમ નૈતિકને આ એકાંતના ફાયદા યાદ આવ્યા અને એણે બાજુમાં ખુલ્લી પડેલુ પુસ્તક ઉપાડી લીધું … ‘અશ્વિની ભટ્ટની વાર્તાઓ ફરી વાર વાંચવાનો મોકો મળી ગયો ..અને આ વખતે તો આખી સીરીઝ ખરીદી જ લીધી …બાકી તો ઘરે આવ્યા પછી ઘરના અને સામાજિક કામોના ભારણ નીચે જુવાનીમાં પાળેલા શોખો ક્યાં પોષી શકાયા હતા …!! મોડી રાત સુધી ….જ્યાં સુધી આંખ ન ઘેરાઈ જાય ત્યાં સુધી આ પુસ્તકો વાંચ્યા કરવાના અને વચ્ચે મન થાય તો કાનમાં પ્લગ લગાવીને મનપસંદ ગીતો સાંભળ્યા કરવાના … ચાલો , ૪૭-૪૮ વર્ષની ઉંમરે આટલું એકાંત અને પોતાની સાથે પોતાની રીતે જીવવાનો મોકો મળ્યો ..સારી વાત છે’ એમ વિચારી એનાથી મલકાઈ જવાયું .
પણ તોય પરિવાર એક એવું બંધન છે એનાથી છૂટવાની ઈચ્છા કોઈ કદી ન કરે ….!!! પ્રેરણા , એક ઘરરખ્ખુ પણ સ્માર્ટ સ્ત્રી … બાપ અને પછી માના પ્રેમથી વંચિત થઇ ગયેલા નૈતિકને અને તેના સંસારને ખુબીથી સંભાળી શકે તેવી …પતિની બધી જ જરૂરિયાતો માટે સહકાર આપી બાળકોના ઉછેરમાં પણ ધ્યાન રાખતી એક નોકરીયાત સ્ત્રી ……..બાપદાદાની કોઈ મિલકત વગર શરૂઆતમાં બે પાંદડે થવા માટે કરેલો સંધર્ષ અને સહકાર તો કોઈ સારા સંસ્કારવાળી સ્ત્રી જ કરી શકે એવું કામ છે …બાકી ઘણા મિત્રોની કથા સાંભળતી વખતે પોતાની પસંદગી પર ગર્વ થઇ આવે એવી પ્રેરણા …જામનગરના સારામાં સારા વિસ્તારમાં પોતાનું એક મોટું મકાન ….કાર જેવી આજકાલ જરૂરી બની ગયેલી અનેક ચીજોથી હર્યુભર્યુ ઘર …ધ્રુવ મોટો દીકરો અત્યંત મેઘાવી અને સમજદાર દીકરો ..બસ આ છેલ્લું વર્ષ પછી પિતા સાથે ખભેથી ખભો મિલાવી બધી રીતે મિત્ર થઇ જવાનો ….અનુષ્કા ..નાનકડી પરી ..જે લાડકોડમાં ઉછરીને થોડી જીદ્દી થઇ ગઈ છે એવું પ્રેરણા હંમેશા કહ્યા કરે છે ….હશે …એ તો માબાપના ઘરે લાડ નહિ કરે તો ક્યાં કરશે …!! પણ એય જવાબદારીપૂર્વક ૧૨મું ધોરણ પાસ કરી કોલેજના પહેલા વર્ષમાં આવી ગઈ છે … સમજદાર પત્ની અને સંસ્કારી બાળકો…..એટલે એક સફળ પુરુષ …!!
આવા બધા વિરોધાભાસવાળા વિચારોથી છૂટવા હાથ લંબાવી આળસ મરડી …એનો હાથ ટેબલ પર પડેલા મોબાઈલને અડકી ગયો ..કાંઈ ન સુઝતા નૈતિકે હેડફોન ભેરવી FM ચાલુ કર્યું …. RJ વૈષ્ણવી આજે ટ્રેનમાં કોઈ કેમ્પમાં જવા નીકળેલા રેલ્વે સ્ટેશન પર બેઠેલા કોલેજીયન યુવાનો સાથે વાત કરી રહી હતી …. ખડખડાટ હસતા અને ચહેકતા યુવાનોને સાંભળી નૈતિકે રેડિયો પર કાન માંડ્યા …આમ પણ યુવાનો અને યુવાન વિચાર ધરાવતા લોકોની આસપાસ રહેવાથી એક ઉર્જા અનુભવાય છે એ નૈતિક ઘણો મળતાવડો અને ખુશમિજાજ હોવાથી જાણતો જ હતો ….જામનગરના એના ઘરની આજુબાજુમાં રહેતા યુવાનો એના ખાસ મિત્રો હતા …એમની સાથે એમની ઉંમરનો બની એ વાતો કરી શકતો ..જ્યારે એનાથી સાવ વિરુદ્ધ પ્રેરણા પોતાનાથી મોટા કે નાનાઓ સાથે ભાગ્યે જ ભળી શકતી . એના મિત્રો સાવ સીમિત અને એની ઉંમરના જ હતા ….આવા વિચારો ખંખેરી નૈતિકે રેડિયો પર થતી વાતો સાંભળવા માંડી ….રેલ્વે સ્ટેશન પર થતી ગાડીઓની આવાજાહી અને અવાજ રેડિયો વીંધીને નૈતિક સુધી પહોંચી રહ્યો હતો … ….RJ વૈષ્ણવીએ એમણે કોઈ ખાસ ગીત ગાવાનો આગ્રહ કર્યો ત્યારે આવા અનેક કેમ્પસ કરી ચુકેલા યુવાનોએ એક ગીત ગાયું …” સુરાંગની ..સુરાંગની …સુરાંગનીક માલુ ગનવા “
ને નૈતિક જાણે એક સંમોહનમાં ખેંચાઈ ગયો …
મદ્રાસ રેલ્વે સ્ટેશન …
કોલેજના દિવસોમાં સરેરાશ યુવાનો જેવી આછકલાઈથી સાવ વિપરીત એકદમ શાલીન અને સભ્ય નૈતિક એના બધા જ શિક્ષકો અને કોલેજના બધા જ વિદ્યાર્થીઓમાં પ્રિય એવો નૈતિક વગર વિરોધે …વગર ચુંટણીએ આપોઆપ આગેવાન બની ગયો હતો . એની સજાગતા, સતર્કતા અને સમજ પર બધાને વિશ્વાસ હતો . આખા ગુજરાતમાંથી એકઠી થઇ બીજા રાજ્યમાં જઈ રહેલી એક ટુકડીના વિદ્યાર્થીઓના લીડર બનવું એ આમ પણ નૈતિક માટે કોઈ મોટી વાત ન હતી . NSS યુનિટ સાથે કામ કરવાની ફાવટ કોલેજના છેલ્લા વર્ષમાં આવેલ નૈતીકને ત્રણ વરસથી હતી જ ને ..!! .ભણવા ઉપરાંત બોલવા અને ગાવામાં પણ કુશળ એવા નૈતિકને એક ઠાવકા વિદ્યાર્થી તરીકે બધા ઓળખતા . એના ..જામનગરના ગ્રુપના નવાસવા યુવક-યુવતીઓને તો એણે આખી મુસાફરીમાં ગીતો ગાઈ ..જૂની વાતો કરી મોજ કરાવી દીધી હતી .
અજાણ્યા … અલગ શહેરમાંથી આવેલા અલગઅલગ ડબ્બામાં મુસાફરી કરીને આવેલા બધાને સાચવી લેવા એ ધ્યાનથી ઉભો હતો .ત્યાં જ દર્શનાબેન.. એમના અધ્યાપકે એને બોલાવ્યો અને જૂનાગઢથી ત્રણ યુવતીઓ આવી છે એમાંથી એકને લાંબી મુસાફરીથી ચક્કર આવે છે એને હોમિયોપેથ દવા આપવા કહ્યું …દોડીને દવાનો ડબ્બો ખોલી એમાંથી એક નાની બોટલ લઇ એ પાછો આવ્યો … દર્શનાબેનએ એક બેંચ પર બેઠેલી અજાણી યુવતી તરફ ઈશારો કરતા એની પાસે ગયો ….”મોં ખોલો” એમ કહેતા જ એ યુવતીએ ચહેરો ઉંચો કર્યો અને થાકેલી આંખે એની સામે જોયું …અનાયાસે જ નૈતિકે એની ચિબુક પકડી એના મોંમાં દવાના સફેદ દાણા સરકાવી દીધા …પછી અચાનક સંકોચથી હાથ પાછો ખેંચી “i m sorry ” પણ કહી દીધું …!!
એ યુવતીએ …..ત્વરાએ આભારવશ એની સામે જોઈ નજર ઢાળી દીધી …..
નૈતિકના કાનોમાં આખી મુસાફરીમાં ગવાયેલું ગીત ગુંજી ઉઠ્યું ” સુરાંગની ..સુરાંગની …સુરાંગનીક માલુ ગનવા “
અચાનક રેડિયો પર RJ વૈષ્ણવીનો અવાજ એના કાનમાં ગુંજી ઉઠ્યો અને એ હસી પડ્યો . યાદ …દરેક જીવન આવી કોઈને કોઈ યાદ છુપાવીએ બેઠું હોય છે …!!! નૈતિકના મનમાં એ કેમ્પના દિવસોની યાદે કબજો જમાવવા માંડ્યો . કાનમાંથી પ્લગ્સ કાઢી એણે આંખો બંધ કરી … ત્વરા ..ત્વરા એક એવી છોકરી જે બહુ ધીમા પગે એના જીવનમાં પ્રવેશી ગઈ હતી … એક અંતરાલ પછી એ થોડી સંપર્કમાં આવી જ હતી..આમ પણ મોટેભાગે કેટલીક યાદો લગોલગ ચાલતી હોય છે ..તો કેટલાક અફસોસો કાળક્રમે સળવળી લેતા હોય છે….ક્યારેક કેટલીક ઝંખનાઓ જાગૃત થતી હોય છે …તો વળી ક્યારેક કેટલીક કચડાઈ ગયેલી વસંતો પાછી ઉગી નીકળતી હોય છે …પણ આવું એકાંત અને વિચારો માટે આવી મોકળાશ મળતા આજે ફરી પાછી ત્વરા એના મનોપટ પર હાવી થવા લાગી .
મદ્રાસ સ્ટેશન પર થયેલી એક નાનકડી ઘટના પછી નૈતિક ફરી પાછો પોતાના દોસ્તો તરફ વળી ગયો …વાતો અને અનુભવો કહેતો ગયો . અને મદુરાઈ પાસેના ગાંધીગ્રામમાં પહોચતા સુધી ત્વરા સાથે કોઈ ઓળખાણ પણ ન થઈ . અને આમ પણ બહુ ચંચળ ન ગણાતા નૈતિકનું ધ્યાન ત્વરા તરફ અને બહુ જલ્દી ભળી ન શકતી ત્વરાનું ધ્યાન નૈતિક તરફ ન વળ્યું . કેમ્પના સ્થળે તો છોકરાઓ અને છોકરીઓના અલગઅલગ જગ્યાએ ઉતારા હતા . અન્ય શહેરોમાંથી આવેલ છોકરીઓ સાથે પણ ત્વરા ધીમે ધીમે મિત્ર બની રહી હતી .બાકી મોટાભાગે જુનાગઢની એની પોતાની કોલેજની સખીઓ હર્ષા અને પૂનમ સાથે જ વધારે રહેતી . ત્વરા … બહુ ગોરી ન કહી શકાય પણ એકંદરે ઘણો નમણો કહી શકાય તેવો નાકનકશો અને એકવડિયું શરીર … મોટેભાગે મોટીમોટી અને અત્યંત ભાવવાહી આંખોથી આજુબાજુ બનતી ઘટનાને કુતુહલથી જોયા કરવું અને વાતે વાતે મલકાયા કરવું . વધુ વાતો કરવી એ એનો સ્વભાવ ન હતો. પણ બીજાની વાતોથી કંટાળતી પણ નહી …એક સારી શ્રોતા કહી શકાય. હંમેશા બોલીને કે સવાલો પૂછીને જ શીખી શકાય એવું નથી હોતું …ચુપચાપ પરિસ્થતિને સમજી એને અનુકુળ થતા એને આવડતું … બાકી બીજી યુવતીઓની જેમ ખીલખીલાટ હસતા અને ખુલીને વાત કરતા ભાગ્યે જ કોઈએ જોઈ હશે. બધાને ક્યારેક લાગતું કે જાણે એ પોતાના મનના દરવાજાને સજ્જડ બંધ કરીને બેઠી છે .ધીમે ધીમે બધા એકબીજાના નામો અને ગામોથી પરિચિત થવા લાગ્યા. અને એકબીજા સાથે દોસ્તી થવા લાગી. દર્શનાબેનને આ ચુપચાપ રહેતી ત્વરા થોડી વધારે વ્હાલી લાગતી એટલે એને પોતાની સાથે અને પાસે રાખવાની કોશિશ કરતા .
એકરોમાં ફેલાયેલા ગાંધીગ્રામમાં …કેમ્પમાં સવારે વહેલા ઉઠી શ્રમદાન કરવાનું રહેતું …એટલે કે એક રોડ બનાવવાનો હતો …સાવ નવતર કહેવાય એવા કામમાં જોડાતા બધા થોડા વધારે ઉત્સાહી લાગ્યા . એમાંય ૧૦ વાગે એક ટ્રેક્ટર નાનકડી સિન્ટેક્ષની ટાંકી ભરી લીંબુ પાણી અને ખુબ બધા બાફેલા ચણા લઈને આવે એની રાહ બધા કાગડોળે જોતા . એકબીજા સાથે ગીતો ગાતા ગાતા કામ કરવાનો આ અનુભવ ત્વરા સહીત બધા જ યુવાનોને ખુબ નવો લાગ્યો … શરીર થાકે પણ મન ખુશ રહે એવી આ પ્રવૃત્તિ બધાને ખુબ ગમી … શરીરનો થાક ઉતારી બપોરે જમ્યા પછી કેટલાક વ્યાખ્યાનો ગોઠવાતા અને સાંજે આખા દેશમાંથી અલગઅલગ રાજ્યોમાંથી આવેલા યુવાનો પોતાના રાજ્યની ઝાંખી કરાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરતા . ત્વરા અને બીજી યુવતીઓ પોતાનાથી કરી શકાય તેટલું કામ કરતા .કેમ્પના અન્ય યુવાનો કરતા એ નૈતિકને થોડી વધારે ઓળખતી હોય તેવું ત્વરાને લાગવા માંડ્યું . સવારે શ્રમદાન વખતે ગોરા અને સારી કહી શકાય તેવી હાઈટબોડી ધરાવતા નૈતિકને સખ્ત પરસેવો પાડતા જોયા કરતી , બપોરે વ્યાખ્યાનમાં એક ઉત્સુક વિદ્યાર્થી તરીકે સવાલો પૂછતા જોતી તો સાંજે અન્ય રાજ્યોના કાર્યક્રમને બિરદાવતા પણ જોતી ….સમયપત્રક પ્રમાણે ગુજરાતનો વારો મહારાષ્ટ્ર સાથે છઠ્ઠા દિવસે આવ્યો .કુશળ અને પારખું દર્શનાબેને બધાને એમની રસ અને રૂચી પ્રમાણે કામો સોંપ્યા એટલે બધા બમણા જોશથી તૈયારીમાં મચી પડ્યા . મોડી રાત સુધી તડામાર તૈયારીમાં મદદ કરતા નૈતિકને જોઈ ત્વરાની આંખમાં એક અહોભાવ અંજાવા લાગ્યો . એની વાત કરવાની રીતભાત , બધાને પોતાના માની મદદ કરવાની તત્પરતા અને અનુભવ એ જોઈ રહેતી ..તો નૈતિક પણ ક્યારેક વધુ સમય શાંત પણ સહજ રહેતી ત્વરા તરફ કોઈ કામ કે ડાન્સના સ્ટેપ વખતે થોડું વધુ ધ્યાન આપતો . ધીમે ધીમે એકબીજાનું થોડું વધારે ધ્યાન રાખતા થઇ ગયા .પાણી પીધા પછી બોટલ આપોઆપ એકબીજા તરફ લંબાઈ જતી . જમતી વખતે કે કાર્યક્રમ વખતે એકબીજાની આજુબાજુમાં રહેવાની કોશિશ શરુ થઇ એ તો નૈતિકના મિત્રોના ધ્યાનમાં આવતું ગયું અને એમણે નૈતિકની મજાક કરવાનું શરુ કર્યું .પણ વાતને વધુ તુત આપ્યા વગર નૈતિકે સાવ સામાન્ય વ્યવહાર ચાલુ રાખ્યો . અને આમ પણ બીજી યુવતીઓમાં પણ એ ફેવરીટ તો હતો જ અને મદદરૂપ પણ .
પણ સંજોગો એવા બનતા ગયા કે એ બંને નજીક આવતા ગયા … બધાને અલગ અલગ કામો સોંપાયા એટલે કેમ્પના કેટલાક રીપોર્ટસ બનાવવામાં એકબીજાની મદદ કરવા બેસવું પડતું . બંનેનું અંગ્રેજી થોડું વધુ સારું હોવાથી મદુરાઈ રેડિયો સ્ટેશન પર એમના ઈન્ટરવ્યું પણ લેવાયા . ડાંસ માટેના ગીતો પસંદ કરવા પણ એક આખું ગ્રુપ બેસતું . છતાં કોઈ અંગત કે એકલા બેસી વાતો કરવાનો કોઈ સવાલ હતો જ નહિ .આંખના ખૂણેથી છાનુછ્પનું જોઈ લેવાતું . છતાં લાગણીનું વાવેતર થઇ ગયું હતું એ નક્કી વાત હતી . મૌનની પણ એક ભાષા હોય છે . એ ઝડપથી ઉકેલાવા લાગી . જાણે ઓળખીને ઓગળી જવું હોય તેમ ટોળામાં રહી એકબીજાને સમજવાનો અને સાંભળવાનો પ્રયત્ન આપોઆપ થવા લાગ્યો .
ગુજરાત ડે ને દિવસે અન્ય કાર્યક્રમો વખતે માહોલ ખુબ જામ્યો હતો અને અંતે નૈતિકે એક ગીત ગાયું અને અન્ય રાજ્યના લોકોના દિલ પણ જીતી લીધા …
“બડી દુર સે આયે હે પ્યાર કા તોહફા લાયે હે” …
ચારેબાજુ તાળીના ગડગડાટથી જાણે યાદોની વણઝાર વિખાઈ ગઈ હોય પડી હોય તેમ નૈતિકે એક ઊંડો શ્વાસ લઇ પડખું ફરી લીધું .
જીવનમાં આગળ વધી જઈને પાછળ વળી બે વાર જોવાતું હોય છે … એક વાર પોતે કેટલે દુર આવી પહોચ્યા છે એ જોવા અને બીજી વાર પાછળ કોણ કોણ છૂટી ગયું છે …શું શું છૂટી ગયું છે એ જોવા ….
નૈતિકના જીવનમાં કશાની દેખીતી કમી ન હતી ..સમાજમાં નામ , ઘરમાં સન્માન બધું જ હવે મળી ગયું છતાં આજે ફરી એક વાર ભૂતકાળે ઉથલો માર્યો હતો અને એ વીતેલા સમયમાં એ જાણીબુઝીને ખોવાઈ જવા માગતો હતો .કેટલાક ગૂંગળાઈ ગયેલા બનાવોનો ડૂમો ભરાઇ આવતો હોય છે ને ક્યારેક એનો વસવસો પણ તરી આવતો હોય છે …………! આજે જાણે ઊંઘવું જ ન હોય તેમ નૈતિકે યાદોની કડી સાથે ફરી પાછા તાર જોડવાની કોશિશ કરી … કોઈ અર્થ ન હોય …આવા ઉજાગરાની કોઈ જરૂર પણ ન હોય ..પણ માણસનું હૃદય નિષ્ફળતાઓને પણ ક્યારેક વાગોળી લે છે . કોલેજકાળમાં સાથે અને આગળપાછળ ભણતી ઘણી છોકરીઓ એની નજીક આવવા પ્રયત્ન કરતી ..એકાદબે યુવતીની થોડું વધુ નજીક એ પહોંચી પણ ગયો હતો . પણ કશુંક વિશેષ કે અંદરથી ઝંઝોડી નાખે , તરબતર કરી નાખે એવું બીજી કોઈ સાથે ક્યાં બન્યું હતું ..!!! ત્વરા સિવાય …..!!!
દિવસો વીતવા સાથે નૈતિકને આટલું બધું ચુપ રહેતી ત્વરા વિષે વધુ જાણવાની ઈચ્છા થઇ આવતી પણ સમય અને સંજોગો એવી છૂટ ન આપતા કે એકાંતમાં વાત થાય . આ બાજુ ત્વરા પોતાના મનોભાવો છુપાવાની મથામણ કર્યા કરતી … કેમ્પના દિવસો પુરા થવામાં હતા …આટલા દિવસોમાં ભાવનગર , અમદાવાદ , જુનાગઢ , વડોદરા , જામનગર અને સુરતથી આવેલા બધા જ એકબીજા સાથે ખુબ હળીમળી ગયા હતા . નાની નાની ટોળીઓ બની ગઈ હતી . એક દિવસ મદ્રાસ ફરવાનું નક્કી જ હતું એના બદલે અહીં સુધી આવ્યા છીએ તો કોડાઈકેનાલ જઈ આવીએ એવું નક્કી થયું . મોટાભાગે બધા જ મધ્યમ વર્ગમાંથી આવેલા હતા એટલે આવો ફરવાનો અને ખાસ તો દોસ્તો સાથે ફરવાનો મોકો કોઈ ગુમાવવા કોઈ તૈયાર ન હતું . દરેક હિલ સ્ટેશનને પોતાની એક આગવી સુંદરતા હોય છે .કોડાઈકેનાલ પણ અતિ સુંદર જગ્યા છે . બધા એ સ્યુસાઈડ પોઈન્ટ , ટેબલ લેન્ડ જેવા લગભગ દરેક હિલ સ્ટેશન પર હોય તેવા જોવા લાયક સ્થળો મોજથી જોયા …ત્રણ મેટાડોર ભાડે કરી હતી ….ત્વરા હંમેશની જેમ એની ટોળી સાથે જ ફરતી હતી . કોડાઈકેનાલમાં એક ઝીલમાં બોટિંગ માટે બધા ઉતાવળા થયા …પણ પેડલબોટમાં બેસવા માટેની કોઈ તાલાવેલી ત્વરાના ચહેરા પર ન દેખાઈ . બધા એકબીજાને આગ્રહ કરતા, બોલાવતા એક પછી એક ચાર, છ અને આઠ લોકોને બેસાડી શકે એવી બોટમાં બેસવા લાગ્યા … ત્વરા મિત્રોના આગ્રહને ખાળતી એક બાજુ ચુપચાપ ઉભી હતી … દર્શનાબેને પણ એકાદ વાર બોલાવી પણ વિચારોમાં ખોવાયેલી ત્વરાનું ધ્યાન એક જગ્યાએ જમા થયેલા પાણીના જથ્થા …તળાવ પર જ હતું .
એકટક તળાવના વિસ્તાર અને ડહોળાયેલા રહેલા પાણીને જોઈ રહેલી ત્વરાથી જીવન અને જળની સરખામણી આપોઆપ થઇ ગઈ .જીવન તો નદી કે ઝરણાની જેમ ખળખળ વહેવું જોઈએ . અઢળક મહેનત , અનેક મુશ્કેલીઓ ,અકલ્પ્ય મુકામો પાર કરી મંજિલે પહોંચવાની મજા સંકોચાઈને એક સ્થળે બેસી રહેતા ડરપોક માણસને કદી ન સમજાય . પણ એકબીજા સાથે ભળવાનું , ઓગળવાનું , સંકોચાવાનું , વિસ્તરવાનું આમ પણ બધાના નસીબના ક્યાંથી હોય ….!!!
લગભગ બધા જ બોટમાં બેસી ગયા . અને એમણે દૂર દૂર જતા જોઈ રહેલી ત્વરાને અચાનક બાજુમાં આવીને ઉભેલા નૈતિકના અવાજે ચમકાવી દીધી … “ત્વરા , બધાને બેસાડતા હવે હું એકલો જ બચ્યો છું અને તને અહીં ઉભેલી જોઈ . તું આવે તો હું પણ બોટિંગ માટે જઈ શકું … બે જણની બોટમાં જઈએ . આવે છે ? “
આટલા દિવસના નૈતિકના સંયમિત અને સભ્ય વર્તનથી પ્રભાવિત થયેલી ત્વરા બોટિંગ માટે જરાય ઈચ્છા ન હોવા છતાં નૈતિકને ખરાબ લાગશે એ લાગણીથી એની પાછળ ખેંચાઈ ગઈ . એમને એક બોટમાં બેસતા જોઈ દુર દુરથી તૃષા , કમલેશ , સાગર , પૂનમ અને હર્ષાના અવાજો આવ્યા ….”મસ્ત પ્લાનીંગ” , “ભારે જબરા” એવી ખુબ મશ્કરી કરી …એ જોઈ ત્વરા થોડી ઝંખવાઈ ગઈ . એને સહારો આપી બેસાડવા લંબાયેલા નૈતિકના હાથમાંથી પોતાનો હાથ એણે હળવેથી છોડાવી લીધો .પેડલબોટમાં બેસતા જ સામાન્ય સંજોગોમાં સાવ સહજ રહેતી ત્વરાના મોં પર શરમના શેરડા ઉતરી આવ્યા એ વાત નૈતિકે નોંધી . એને ત્વરાનું આ શરમાળ રૂપ બહુ ગમ્યું . જાણે કે એને ગમાડવાનું એક વધુ કારણ મળ્યું . પહેલી વાર આટલું એકાંત મળતા નૈતિક મનોમન ઘણો ખુશ થયો તો એમની બોટની નજીક આવી જતા મિત્રોની મજાક અને કોમેન્ટ્સથી ત્વરા થોડી અસ્વસ્થ લાગી. હળવા પગે મરાતા પેડલથી બોટ બીજા મિત્રો સાથે વાતો અને મસ્તી કરતા કરતા સરોવરની બરોબર વચ્ચે આવી . મિત્રો થોડા દુર રહી ગયા .ત્વરા એવી ટેવ પ્રમાણે એકદમ ચુપ હતી …અચાનક નૈતિકે ત્વરા સામે જોયું અને ફટાફટ પૂછી લીધું .
” એક વાત છે … પૂછું કે કહું ? ”
ત્યાં જ બાજુમાં પડેલો મોબાઈલ રણકી ઉઠ્યો ….અને નૈતિક પથારીમાંથી ઉભો થઇ ગયો . સામેના છેડે પ્રેરણા હતી . ‘શું કરો છો ?’ ‘કેમ હજી સુતા નથી ?’ ‘વાંચો છો કે ટીવી જુઓ છો ?’ આવા એક પછી એક સવાલો ફોનમાંથી ખરી પડ્યા . આવા પરવાહથી છલોછલ સવાલોથી ટેવાયેલા નૈતિક ને આજે ત્વરાના વિચારોમાંથી બહાર આવતા સ્વાભાવિક રીતે થોડી વાર લાગી . અવાજ ખંખેરીને થોડી વાર એણે પ્રેરણા સાથે આડીતેડી વાતો કરી પણ સામે છેડે અત્યંત હોંશિયાર એવી પ્રેરણાએ એના અવાજના સાવ બોદા રણકાને જાણે ઓળખી લીધો હોય તેમ એક ધારદાર સવાલ ફેંકી દીધો : ‘ આજે કેમ તમારા અવાજમાં આવો સુનકાર વર્તાય છે ? ‘નૈતિક તો જાણે કોઈ ચોરી કરતા પકડાઈ ગયો હોય તેમ ફોનના આ છેડે સાવ ચુપ થઇ ગયો . નૈતિકને અસ્વસ્થ અવસ્થામાં મૂકી ‘ જલ્દી સુઈ જજો..નકામી તબિયત બગડશે ‘ કહી પ્રેરણાએ ફોન મૂકી દીધો . એક ભારે નિશ્વાસ મૂકી નૈતિકે એક ઝાટકે આખી બોટલ પાણી પી લીધું .
પ્રેરણા ,આટલી સમજદાર પત્નીથી પોતાની મનોદશા અને કેટલીક વાત છુપાવી રાખવાનો અફ્સોસ એને થઇ આવ્યો .
યોગાનુયોગ કેમ્પમાં સાથે આવેલી તૃષા પ્રેરણાની ફોઈની દીકરી હતી . નૈતિક ખુબ વ્યવસ્થિત નોકરીમાં જોડાયો હતો અને એની ખુબ સરસ છાપના કારણે તૃષાએ એના ફોઈની દીકરી માટે આ સંબંધ કરવા તરત હા પાડી હતી .કેમ્પ દરમ્યાન ત્વરા અને નૈતિક વચ્ચે વિસ્તરેલી લાગણીઓની એ સાક્ષી હતી . અને આ વાત સાવ સહજતાથી એણે પ્રેરણાને કહી હતી . પણ નૈતિકને ચીડવવા થોડી વધારે લંબાણપૂર્વક કહેવાયેલી વાત પ્રેરણાના મન પર બહુ ઊંડી અસર મૂકી ગયા હતા .એણે નૈતિક અને ત્વરાના સંબંધો વિશે પોતાના મનમાં કેટલીક મનઘડંત ઘારણાઓ બાંધી લીધી હતી અને આટલા વર્ષોમાં અનેક વાર ‘તમને કોઈ વાર ત્વરાની યાદ આવે ખરી ?’ એવું એ પૂછી બેસતી .હદ તો એ હતી કે ક્યારેક અતરંગ અને એકાંત પળોમાં પણ અચાનક “અત્યારે આપણી બંનેની વચ્ચે ત્વરા છે એવું મને કેમ લાગે છે ? ” એવું પૂછતી ત્યારે નૈતિકનું મન અશાંત થઇ જતું અને એ પળો સાવ જ વેડફાઈ જતી . પ્રેરણા તો સાવ સહજતાથી પોતાના મનમાં સળવળતી વાત કહી ઘસઘસાટ ઊંઘી જતી પણ આવું પ્રેરણા કેમ વિચારે છે એ વાત સમજવી નૈતિક માટે બહુ અઘરી પડતી . આ શંકા છે કે માલિકીપણાનો ભાવ એ સમજાતું નહિ … અને આવુ કેટલા બધા વર્ષોથી ચાલતું આવ્યું હતું ….!!!
બહુ રાત વીતી હતી પણ નૈતિકની આંખમાં ઊંઘનું નિશાન ન હતું આજે એ યાદોના ટોળાને ઘક્કે ચડી ગયો હતો .
બોટમાં એણે જ્યારે ત્વરાને પૂછ્યું :
” એક વાત છે … પૂછું કે કહું ? “
ત્વરાએ એની સામે નજર માંડી …એની મોટીમોટી આંખોમાં છવાઈ ગયેલી આસક્તિની લાલીને નૈતિક જોઈ જ રહ્યો .જાણે નૈતિકના સવાલની એને ખબર હોય તેવા ભાવ સાથે આંખોથી જ સંમતિ આપી અને નજર વાળી લઈ પેડલ પર ટેકવી .
૩ …
ત્વરાને સવાલ ખબર છે તો જવાબ પણ તૈયાર જ હશે અને એ જવાબ મને માન્ય નહી હોય તો?એ ડરે અને વિચારે નૈતિક અચકાઈ ગયો અને હોઠે આવેલા સવાલની જગ્યાએ બીજો સવાલ આવી ગોઠવાઈ ગયો . અને વાતનો વિસ્તાર ફંટાઈ ગયો .
“તું આટલી શાંત કેમ રહે છે ?”
ત્વરા આ સવાલથી નવાઈ તો પામી પણ કશું કળવા ન દીધું અને સામો એક સવાલ કર્યો : “તમને શું લાગે છે ? હું કેમ શાંત રહેતી હોઈશ ?” તો નૈતિકને પણ આવા સવાલની અપેક્ષા ક્યાં હતી ? કશું ન સુઝતા એ ચુપ થઇ ગયો . ત્વરાએ એની મૂંઝવણ સમજી લીધી હોવા છતાં બીજો સવાલ કર્યો : “કોઈ બહુ બોલતું શું કામ હોય છે ? એના કોઈ કારણો હોય ?”
નૈતિક ફરી પાછો ઘેરાઈ ગયો પણ તોય બોલ્યો : “બેય નથી ખબર ….!!” ત્વરા બોટની આજુબાજુ વમળો રચતા પાણી તરફ જોઈ રહી અને બોલી :”આ એક સ્વભાવ છે …જેને માટે સામાન્ય રીતે લોકો કારણો શોધ્યા કરતા હોય છે …જે વાસ્તવિકતાથી સાવ અલગ હોય છે . કોઈ ખુશ હોય તો ચુપ રહે કોઈ દુઃખી હોય તો …દરેક વ્યક્તિની પરિસ્થિતિ સામે પ્રતિભાવ આપવાની રીત અલગ ન હોઈ શકે ? પણ આ બહુ ઓછા લોકોને સમજાતું હોય છે .અને પોતાના ત્રાજવે બધાને તોળ્યા કરીએ તો સાવ ખોટા અભિપ્રાયો બંધાય જાય એવું તમને નથી લાગતું ..નૈતિક ?”
ત્વરાને એકધારું આટલું બોલતા નૈતિકે પહેલી વાર જોઈ …એ એને જોતો જ રહ્યો …ત્વરાએ પાણી પરથી નજર હટાવી નૈતિક સામે જોયું …એને લાગ્યું એની વાત નૈતિકને સમજાઈ નથી એટલે એ આગળ બોલી :” ઘણા લોકો બહુ બોલીને સામાવાળાને સમજવા કોશિશ કરતા હોય છે તો કેટલાક શાંત રહીને …મમ્મી કહે છે … શાંતિથી સાંભળનાર જલ્દી શીખે-સમજે છે. સાંભળવું …સાંભળી શકવું એક કળા છે.. ક્ષમતા છે . બાળપણથી આવું સાંભળતી આવી છું ..એટલે શાંત રહું છું ..!!
નૈતિકને હજુ સમજાયું નહી કે એના એક સાદા સવાલના જવાબમાં ત્વરા આટલું કેમ બોલી ..પણ એની વિચારધારાથી અંજાયા વગર પણ ન રહ્યો !!! એટલે એણે કહ્યું : “અરે , હું તો એમ જ પૂછતો હતો …હું સમજુ છું કે બધાના સ્વભાવ અલગ જ હોય …!!”
“અનેક આંખોમાં મેં મારા માટે આ સવાલ વાંચ્યો છે પણ ખબર નહી આખી દુનિયાએ પૂછેલા સવાલનો જવાબ મને તમને જ આપવો ગમ્યો.”એમ બોલતા ત્વરાના ચહેરા પર એક સ્મિત આવી ગયું .એ જોઈ નૈતિકે પણ વાત હળવી પડી હોય તેવું અનુભવ્યું .આપોઆપ પેડલ પર જોર અપાઈ ગયું .હિંમત કરી એણે ત્વરાને કહ્યું : “તું મને બધા કરતા આમ પણ થોડી અલગ લાગે છે ” ત્વરાની આંખોમાં કુતુહલ તરી આવ્યું એ કાંઈ બોલે તે પહેલા તળાવના કાંઠેથી એમના નામની બુમો સાંભળી બંનેએ ફટાફટ બોટને કાંઠા તરફ વાળી . “એટલે શાંત હોવા ઉપરાંત ?” કાંઠા પર નજર ટેકવી ત્વરાએ પૂછ્યું. નૈતિક જવાબ માટે શબ્દો ગોઠવતો રહ્યો અને કાંઠો આવી ગયો. એ જેમ બોટમાંથી ઉતરી તેમ પૂનમ અને હર્ષા એને ઘેરી વળ્યા અને કાનમાં “શું વાતો થઇ ?” …”અમારી છુપી રુસ્તમ , તું તો બહુ સિક્રેટીવ નીકળી”..”અમને તો તેં ક્યારેય કશું કહ્યું જ નહી”… પર લડકા બહોત અચ્છા હૈ ઈસલીયે યે રિશ્તા હંમે મંજુર હૈ” એવી મીઠ્ઠી ફરિયાદો અને મશ્કરીથી ઘેરાયેલી ત્વરા ખાલી હસીને “અરે , તમે જેવું માનો છો એવું કશું નથી” એટલું જ બોલી શકી.
ત્યાંથી મદુરાઈ પહોંચી મીનાક્ષી મંદિર જોઈ ,થોડી ખરીદી કરી .બંને એ પોતપોતાની મમ્મી માટે સાડીઓ લીધી .મદ્રાસ પાછા ફરવા બસ સ્ટેન્ડ પર બેઠેલા બધાના મનમાં આ કેમ્પ બહુ જલ્દી પૂરો થઇ ગયો એવી લાગણી આવતી ગઈ અને હવે થોડા કલાકો કે એકાદ દિવસમાં છુટા પડવું પડશે એ વિચારે બધાના મન ભારે થઇ ગયા.જીવનમાં મળવાનું અને છુટા પડવાનું એ એક સામાન્ય નિયમ છે . કોઈને કોઈ કોઈ ખાસ રીતે આપણા માનસ પર હંમેશ માટે અસર કરી જતું હોય છે .આ કેમ્પમાં વીતેલા દિવસો ,બનેલા મિત્રો જીવનની ડાયરીમાં કેટલાક પાનાંઓ રોકી જ લેશે એ પાકું હતું ‘ બહુ મજા આવી , કોઈ માંદુ ન પડ્યું , બધા કેવા મસ્ત દોસ્ત બની ગયા છીએ , અરે ,યાર ,બધા બહુ યાદ આવશો’ એવી વાતો જ થવા લાગી .
બધાની વાતો સાંભળી રહેલા દર્શનાબેન બોલ્યા :
“અનેક કેમ્પસ કર્યા છે . છેલ્લે આવી જ લાગણીઓથી બધા ઘેરાઈ જાય છે . સ્વાભાવિક છે . પણ હું એવું માનું છું કે ભવિષ્યના વિચારે વર્તમાન બગડે એનો શો અર્થ ? બધા સાથે તો નહી પણ ઘણા સાથે તમે આખી જિંદગી જોડાયેલા રહી પણ શકશો .એટલે આજની ઘડીમાં જીવી લો.”
આટલા દિવસ મિત્રવત રહેલા દર્શનાબેનની વાત સાંભળી બધાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા સાથે સાથે સાચે જ આ ક્ષણોને સદા માટે યાદગીરી બનાવી લેવા આનંદમાં રહેવું એવું નક્કી કરી લીધું. બસ આવી.. બધા ધીમેં ધીમે ગોઠવાઈ રહ્યા હતા . પૂનમ અને હર્ષા જલ્દીથી એક સીટ પર બેસી ગયા. પાછળ આવતી ત્વરા “તમે મને એકલી મૂકી” એવી ફરિયાદ કરતી ઉભી રહી .પૂનમે એમની આગળની સીટ ખાલી જ છે એવો ઈશારો કર્યો એટલે કમને ત્વરાએ થોડો સામાન સીટની ઉપરની છાજલી પર અને થોડો પગ નીચે રાખ્યો અને બારી પાસે બેસી ગઈ . પણ એણે દર્શનાબેનને પોતાની પાસે બેસવા બોલાવી લીધા. એ જોઈ પૂનમ-હર્ષા અને બીજા મિત્રોના પ્લાન પર પાણી ફરી વળ્યું .
બધા અંતક્ષરીના મૂડમાં આવી ગયા અને થોડા છોકરાઓ નાચવા પણ ઉભા થયા .નૈતિકે પણ ગીતો ગાઈ એમને સાથ આપ્યો. પૂનમ,હર્ષા અને ત્વરા આ બધું માણી રહ્યા હતા . બધાએ દર્શનાબેનને પ્રેમથી આગળ ખેંચી લીધા. મોટેભાગે બધા ઉભા હતા એટલે એમને આગળ બેસવાની જગ્યા મળી અને થોડી વાર પછી એને એકલી બેઠેલી જોઈ નૈતિક એની પાસે આવીને બેસી ગયો. પાછળ બારી પાસે બેસેલી પૂનમે હાથ લંબાવી ત્વરાને એક ચીંટીયો ભરી લીધો. બધા શાંત થતા ગયા. નૈતિકે ત્વરા સાથે વાત કરવા કોશિશ કરી. સરકારી નોકર મમ્મી પપ્પા અને નાનો ભાઈ ..ત્વરાનું જીવન આ ત્રણ જણના બનેલા ત્રિકોણમાં સમાયેલું છે . બહુ સંતોષી અને શાંત વાતાવરણમાં ઉછરેલી ત્વરા અતિ તેજસ્વી તો નહી પણ ઘણા સારા માર્કસે પાસ થતી .ઈતર પ્રવૃતિઓ પણ ઘણી આગળ રહેતી . મમ્મીની અત્યંત નજીક હતી અને મમ્મી પપ્પાને એના પર ખુબ ગર્વ અને વિશ્વાસ છે એ વાત કરતા એની આંખોમાં ખુશી છલકાઈ આવી એ નૈતિકે નોંધ્યું . નૈતિકે પપ્પાના અવસાન પછી નોકરી કરતી મમ્મી અને એક નાની બેન એ એનું વિશ્વ છે એમ ત્વરાને જણાવ્યું . આવી થોડી વાતો કરતી વખતે બહુ ઉછાંછળી પણ નહી અને બહુ સંકુચિત પણ નહી એવી ત્વરાએ એકાદ વાર દર્શનાબેન આવશે કે કેમ એ જોઈ લીધું. નૈતિક એ સમજી ગયો અને આગળ જવા ઉભો થઇ ગયો. પણ દર્શનાબેન કલ્પેશ સાથે બેસી રીપોર્ટની વાત કરતા હતા ત્યાં એમની પાસે થોડી વાર ઉભા રહી નૈતિકે કેટલાક સુધારા સૂચવ્યા. પાછળ વળી જોયું તો ત્વરા ઝોકે ચડી હતી અને એનું માથું એક બાજુ નમી ગયું હતું … એને ઉભેલો જોઈ દર્શનાબેને ‘તું ત્યાં જ બેસ, મારે હજુ વાર લાગશે’ એમ કહેતા સંકોચ સાથે એ પાછો ત્વરા પાસે આવીને ઉભો રહ્યો …પાછળ બેઠેલી પૂનમ તો ઊંઘી જ ગઈ હતી એણે હર્ષા તરફ જોયું . હર્ષાએ મજાકના સ્થાને સમજણથી એને ત્યાં જ બેસવા ઈશારો કરી દીધો .
શાંત ત્વરાને વધુ શાંત ચહેરે ઊંઘતી જોઈ રહ્યો.એને આ છોકરી તરફ અકળ લાગણી ઉભરાઈ આવતી હતી . એ જાગે તો વધુ વાત કરવાની લાલચ જાગી આવી .થોડી વાર પછી એનાં પોપચા પણ થાકથી ઢળવા લાગ્યા. અચાનક બસની એક હળવી બ્રેક લાગી અને ઊંઘતી ત્વરાનું માથું નૈતિકના ખભે ટેકાઈ ગયું. નૈતિક થોડો વધુ સંકોચાઈ ગયો .બેએક મિનીટની અવઢવ પછી ત્વરાને જગાડવા એનો હાથ ત્વરાના હાથ પર મુક્યો અને એ ત્વરાને જગાડે એ પહેલા ખુલ્લી બારીમાંથી આવતા પવનની લહેરથી ઠંડી લાગતી હોય તેમ ત્વરાએ એનો હાથ પકડી પોતાના ખભા અને ગાલ વચ્ચે દબાવી દીધો અને થોડું એની બાજુ ફરી ગઈ .કદાચ આમ જ એના મમ્મી સાથે સુઈ જતી હશે એવું નૈતિકે વિચાર્યું. એકદમ નિર્દોષ, નિષ્પાપ અને નિર્ભય બાળકી જેવી લાગતી ત્વરાનાં શ્વાસ નૈતિકના હાથ પર ટકરાવા લાગ્યા. આટલા નજીકથી કોઈ યુવાન સ્ત્રીશરીરને મહેસુસ કરવાનો અનુભવ નૈતિક માટે સાવ પહેલો હતો ..એને સમજાયું નહી હવે શું કરવું ? કેવી રીતે એનો હાથ છોડાવી શકાય ? એક બાજુ ઘસઘસાટ ઊંઘતી ત્વરાને ખલેલ પહોંચે એ વિચાર પણ એને ન ગમ્યો .પાંચેક મિનીટ પછી ત્વરાની નાજુક હથેળીમાં જકડાયેલો હાથ નૈતિકનાં મનમાં અનેરા સ્પંદનો પેદા કરવા લાગ્યો. એને આ સ્પર્શ ખુબ ગમવા માંડ્યો .. આમ જ આ બસ ચાલ્યા કરે અને આમ જ …!! પવનના કારણે ત્વરાની ઉડતી લટો નૈતિકના ચહેરા પર છવાઈ જવા લાગી. પણ આ ઠીક ન કહેવાય એવું પણ અંદરખાનેથી ઉગવા લાગ્યું. લગભગ વીસેક મિનીટ સાવ અનિશ્ચિતતામાં પસાર થઇ. અને બસ હોલ્ટ માટે ઉભી રહી. લાઈટ અને ચહલપહલના અવાજોથી હાથ છોડી ત્વરા જાગી ગઈ પણ પાસે બેસેલા નૈતિકને જોઈ એના ચહેરા પર અસ્વસ્થતા અને શરમ ઉતરી આવ્યા. નૈતિકે કશું થયું નથી એવું બતાવવા હળવું હસી લીધું .હોલ્ટ પછી દર્શનાબેન ત્વરા પાસે આવી ગયા .
આખી રાતની મુસાફરી પછી સવારે મદ્રાસ રેલ્વે સ્ટેશને પહોંચી ફ્રેશ થઇ નવજીવન એક્સપ્રેસમાં ગુજરાત આવવા બેસી ગયા . ગઈ રાતના પોતાના વર્તન બદલ શંકાશીલ થઈ ગયેલી ત્વરાએ નૈતિક સાથે આંખો મિલાવવાનું ટાળ્યા કર્યું . આમ પણ જુનાગઢવાળી એ ત્રણે છોકરીઓનું રીઝર્વેશન અલગ ડબ્બામાં જ હતું એટલે ત્યાં પહોંચી ત્વરાએ હાશકારો અનુભવ્યો પણ એને રાતે એકલી મુકવા બદલ હર્ષા અને પૂનમ સાથે અબોલા લઇ લીધા. એ બંનેએ ‘નૈતિક અમારા કરતા તારો વધારે સારો મિત્ર છે એટલે કશો વાંધો નહી’ એવું એને સમજાવ્યા કર્યું. થોડી વાર પછી દર્શનાબેને જામનગરના ત્રણ છોકરાઓને એમની જગ્યાએ મોકલી આ ત્રણ છોકરીઓને એમની પાસે બોલાવી લીધી.પણ સામાન મુકીને એ છોકરાઓ પણ બધા સાથે મસ્તી કરવા આવી ગયા. નૈતિકની કોશિશ ઘણી રહી કે એ ત્વરાને વધુ શરમમાં ન નાખે. વારે વારે રમતો બદલાતી ગઈ .અને જગ્યા પણ .એકબાજુ ચુપચાપ બેઠેલી ત્વરાને જોઈ નૈતિકને દુઃખ લાગવા માંડ્યું. રાતે એને ન જગાડવા બદલ પોતાની જાતને એ કોસતો રહ્યો. બપોરે બધા આરામ કરતા હતા ત્યારે એની પાસે બેસી વાત કરવાની કોશિશ કરી પણ ત્વરાની આંખમાં ડબડબી આવેલા આંસુ જોઈ “કશું જ નહિ તને કદાચ મમ્મીનો હાથ પકડી સુવાની ટેવ હશે ..બે મિનીટ માટે જ તેં મારો હાથ પકડ્યો હતો” એટલું જ બોલી શક્યો. ઘણી વાર ચુપચાપ બેઠા પછી ત્વરા સહજ થઇ.એણે નૈતિકની સામે જોઈ ફિક્કું હસી લીધું.
જેમજેમ ટ્રેન ગુજરાત તરફ ધસી રહી હતી તેમ તેમ બધા જુદા પડવાના ભયે દુઃખી થવા લાગ્યા . પત્રો લખવા એકબીજાના સરનામા અને જન્મદિવસ વિશ કરવા જન્મતારીખ પોતપોતાની ડાયરીમાં નોંધવા લાગ્યા . ત્વરા તરફથી કોઈ હલચલ થતી ન જોઈ નૈતિકે પોતાની ડાયરી એની સામે ધરી …એની સામે એક આડી નજરે જોઈ ત્વરાએ લખી આપ્યું .અને સામે પોતાની ડાયરી ધરી દીધી . નૈતિકે ડાયરીના પાનાં ફેરવી પોતાના જન્મદિવસને શોધી ત્યાં લખ્યું …’અમે આવ્યા’ …અત્યંત સુઘડ અક્ષરે સરનામું પણ ત્યાં જ લખી આપ્યું . ત્વરાએ એ શબ્દો પર આંગળીઓ ફેરવી ડાયરી બંધ કરી દીધી. એક ભારેખમ વાતાવરણ આખા ડબ્બામાં છવાઈ ગયું . આંખો ડબડબી રહી હતી પણ પ્રયત્નપૂર્વક આંખોમાં તોરણ બની આવતા આંસુઓને બધા ખાળી રહ્યા હતા . ફરી પાછી એ જ ઘટમાળમાં લાગી જવાનું …છેલ્લા વર્ષમાં ભણતા આવતા વર્ષે નોકરી અને બાકીના અભ્યાસમાં લાગી જશે અને આ દિવસો હવાની જેમ યાદોમાં વિંઝાયા કરશે . અમદાવાદ સ્ટેશને ગાડી પહોંચી ..અત્યાર સુધી રડમસ રહેલા ચહેરાઓ હવે આંસુ વહાવી રહ્યા હતા ..ત્વરા સહિત …!! બધાથી છુટા પડતી વખતે ‘ યાદ કરજો , કાગળ લખજો, ફરી જરૂર મળીશું ‘ એવું બધું કહી રડતા ચહેરે બધા છુટા પડી રહ્યા હતા … નૈતિકે પોતાનો સામાન ઉઠાવી ત્વરા સામે જોઈ …”આવજે ત્વરા ,હું કાગળ લખીશ તો જવાબ આપીશને ?” એવું પૂછી લીધું …ત્વરાએ કશું બોલ્યા વગર એની સામે નૈતિકે લંબાવેલ હાથમાં હાથ મૂકી દીધો ..એક ક્ષણ સ્પર્શથી લાગણીની આપલે થઇ ગઈ. ઉષ્માની આપલે કરી ત્વરાએ સામે ઉભેલા દર્શનાબેનને ભેટી લીધું . એમણે કરેલા લાડ અને કાળજી માટે ખુબ આભાર માની એ પૂનમ અને હર્ષા સાથે ચાલી નીકળી …થોડે દુર જઈ એક વાર પાછા ફરીને જોયું … નૈતિક એકટક એની સામે જ જોઈ રહ્યો હતો …કશુંક અધૂરું છૂટતું હોય તેવું લાગ્યું અને બંનેની આંખોમાં ભેજ તરવરી ઉઠ્યો .
બહાર ગુરખાનો અવાજ સંભળાતા નૈતિક વર્તમાનમાં પાછો ફર્યો . સામે દીવાલમાં લટકેલી દીવાલ પરની ઘડિયાળ રાતના 3 વાગ્યાનો સમય બતાવતી હતી. નૈતિકે ચહેરા પર હાથ ફેરવી લીધો …એને લાગ્યું આજે પણ આંખોમાં ભેજ છવાઈ ગયો છે . સ્મરણોની એક ખાસિયત છે …વણઝારની જેમ એક પછી એક આવ્યા જ કરે .છાના ખૂણે ત્રાટક્યા જ કરે . .કેટલાય વર્ષો પહેલા બનેલી ઘટના જાણે આળસ મરડીને મનોપટ પર છવાઈ ગઈ …ક્ષણો પર વળેલી રાખ જાણે ઉડી ગઈ . આવું જ ત્વરાને થતું હશે ને …!! કદાચ થતું જ હશે .ક્યાં હશે ? શું કરતી હશે ? એવી જ ચુપચાપ અને શાંત હશે ? મને યાદ કરતી હશે ? મારી જેમ બધું મનમાં રાખી જીવતી હશે ? ‘ઉફ્ફ ….ત્વરા , તું ક્યાં છે ?’
જાણે ત્વરા સાથે વિતાવેલા એ ક્ષણોએ નૈતિકના મનને રીચાર્જ કરી દીધું .એની આંખોમાં ઊંઘનું નામો નિશાન ન હતું . એ ઉભો થઇ ગયો .બેગ ખોલી એમાંથી લેપટોપ કાઢ્યું .. નેટ કનેક્ટ કર્યું . ફેસબુક ખોલ્યું .એણે ટાઈપ કર્યું ……
ત્વરા …!!!
૪ …
ત્વરા …..!!!
નૈતિકે ફેસબુક પર નામ ટાઈપ કર્યું … મોટેભાગે ઘણા લોકો આજકાલ જુના મિત્રોને મળવા માટે આ સરનામે આવતા હોય છે …કદાચ ત્વરા પણ અહીં જૂના દિવસોને ફંફોસતી આવી ચડી હોય એવું ન બને ? સાત આઠ ત્વરાઓ એની નજર સામે આવી પડી . દરેકના ભૂત અને વર્તમાન કાળના શહેરોના નામ તપાસતા એ બે જગ્યા એ અટક્યો …સ્વાભાવિક છે નામ તો કદાચ એ જ હોય પણ લગ્ન પછી અટક જરૂર બદલાઈ હશે ..એ વખતે બે અટક રાખવાની ફેશન પણ ન હતી એટલે નવી અટક સાથેની ત્વરાને જ શોધવાની હતી . લગ્ન કર્યા હશે ..એને પણ જુવાન બાળકો હશે … પતિ સાથે ખુશ હશે …એમાં મારી રીક્વેસ્ટ કે મેસેજ ઠીક રહેશે ? એવું વિચારતા એણે એ બે ત્વરાના ફોટો આલ્બમ ધ્યાનથી જોવા માંડ્યા ..
yes …આ તો એ જ ત્વરા છે ..આંખે ચશ્માં ચડી ગયા પણ એ ચશ્માની આરપાર દેખાતી એ પાણીદાર , મોટીમોટી , અત્યંત ભાવવાહી આંખો એમની એમ હતી . સમયે એનું કામ ત્વરાના શરીર પર કર્યું હતું ..બહુ તો નહિ પણ થોડુંક ભરાવદાર શરીર એના નમણા ચહેરાને જાજરમાન બનાવતું હતું …નૈતિક એકધારું એ ચહેરા તરફ ત્રાટક કરતો હોય તેમ ક્યાંય સુધી જોઈ રહ્યો. એક આસક્તિ એની આંખોમાં ક્યારે આવીને બેસી ગઈ એને સમજાયું નહી …!!!
એક પરણેલો પુરુષ આવી રીતે એની જૂની મિત્રને રીક્વેસ્ટ મોકલે એ આજના જમાનામાં કાંઈ બહુ મોટી વાત ન હતી પણ એના સંજોગો અલગ હતા . પ્રેરણાની જાણ બહાર ત્વરાના સંપર્કમાં આવવું ઠીક નહી …પણ સામાન્ય મિત્રતા રાખવામાં કશું ખોટું પણ નહી એવી અવઢવમાં … બુદ્ધિ અને લાગણીના વિવાદમાં અંતે એની લાગણી જીતી ગઈ… ત્વરાને ઓળખીને નૈતિકે એને રીક્વેસ્ટ મોકલી દીધી . એના હાલના શહેર કે એવી કોઈ માહિતી ન મળી .. મિત્ર બન્યા પછી જ જાણવા મળશે એવું વિચારી એણે લેપટોપ બંધ કર્યું ….ને જાણ્યેઅજાણ્યે એનું ચેન એણે લેપટોપને સોંપી દીધું . એ પથારીમાં ફેંકાયો.
ત્વરા ….વર્ષો સુધી મનનાં એક લીલાછમ ખૂણામાં સુષુપ્ત અવસ્થામાં પડેલો વણકહ્યો સંબંધ ….!!! લગભગ ૨૫ વર્ષો પછી જોયેલો એ ચહેરો જે સમયના એક ખાસ ખંડમાં એના દિલોદિમાગ પર છવાયેલો રહેતો. ત્વરા …. એક શરુ થતા સાથે સ્થગિત થયેલો સંબંધ …. એક આરપાર જોઈ શકાય તેવો પારદર્શક સંબંધ ..!!!
એ સાંજે રેલ્વે સ્ટેશન પર બધાથી વિખુટા પડતી વખતે અનુભવાયેલી ટીસ આજે પણ એ અનુભવી રહ્યો હતો …આ સમય કેમ આટલો જલ્દી ભાગતો હશે ….!!! ઘણું કહેવાનું હતું , સાંભળવાનું હતું , સાથે સમય પસાર કરવાનો હતો …હવે એ દિવસો, એ સાથ, એ સંગાથ કેવી રીતે મળશે …!!! સાવ ખાલી મન સાથે એ ઘરે તો પહોંચી ગયો . ..’કાગળ લખું કે ન લખું …આટલું જલ્દી કાગળ લખીશ તો કેવું લાગશે , એ મારા કાગળનો જવાબ આપશે ?’ એવી અવઢવમાં એ બેત્રણ દિવસ રહ્યો .એના ખોવાયેલા વર્તનથી નવાઈ પામેલા એના મમ્મી સુધાબેને બેચાર વાર ‘બધું ઠીક છે ને ..?’ એવું પૂછી પણ લીધું હતું . નૈતિકે ‘કશું નવું નથી’ એવું કહી ત્યારે તો વાતને ટાળી હતી પણ સમજદાર સુધાબેનને એમના લાડલામાં બહુ ફેરફાર દેખાયો હતો …સામા પક્ષે નૈતિકને હવે સમય સાવ ધીમો ચાલતો હોય તેવું લાગવા માંડ્યું હતું .
આટલું વિચારતા વિચારતા નૈતિકની આંખ લાગી ગઈ અને સવારે સીધા સાડા આઠે એ જાગ્યો . ઓફિસે નવ વાગે પહોચવાનું હતું …’આજે તો બહુ મોડું થયું વિચારતા’ એ ફટાફટ તૈયાર થતો ગયો અને કાલની રાતે એણે એક આખો સમયગાળો જીવી લીધો હોય તેવું એને લાગ્યું. ત્વરાએ એની રીક્વેસ્ટ સ્વીકારી હશે ? સ્વીકારશે ? એવા વિચારોમાં એ ઓફિસે પહોંચી ગયો . રોજબરોજના કામમાં ..ઢગલાબંધ ફાઈલો અને કેટલીક મીટીંગોમાં એ વ્યસ્ત થઇ ગયો અને ત્વરાના વિચારો પર થોડી વાર વાદળો છવાઈ ગયા . લંચ બ્રેકમાં બધા સાથી મિત્રો સાથે જમતી વખતે પણ થોડો સમય ચોરી ફોન પર ચેક કરી લેવાની લાલચ વારે વારે થઇ આવી .પણ એવો મોકો ન મળ્યો ..સામાન્ય રીતે મળતાવડા નૈતિકને આજે થોડો શાંત જોઈ એકાદ મિત્રે કહ્યું પણ ખરું કે ‘આજે તો બહુ વિચારોમાં ખોવાયેલા છો’ . નૈતિક તરત હસીને મસ્તીના મુડમાં આવી ગયો એટલે વાત ત્યાં જ દબાઈ ગઈ.
ચારેક વાગે ફોનમાં ફેસબુક ખોલીને જોઈ જ લીધું ….ત્વરાએ એની રીક્વેસ્ટ સ્વીકારી ન હતી ..એ જોઈ નૈતિક સાવ મૂડલેસ થઇ ગયો. …તોય હિંમત કરી એણે એક મેસેજ કરી નાખ્યો … ‘hi , હું નૈતિક …યાદ આવ્યો ? ‘ રોજ ઓનલાઈન નહિ આવતી હોય …ફેસબુકનો ઉપયોગ નહીવત કરતી હશે …એવા વિચારો કરી પોતાની જાતને આશ્વાસન આપ્યા કર્યું તો એના પતિને નહી ગમતું હોય …એનો પરિવાર રૂઢીચુસ્ત હશે …એ પોતે હંમેશની જેમ જાતને સંકોરીને બેઠી હશે …એને મારું આમ મેસેજ કરવું નહી ગમે તો …તો હવે હું એની સાથે સંપર્ક કેવી રીતે કરીશ એવા વિચારો આવતા એ નિરાશાથી ઘેરાતો ગયો…એવું ક્યાં હતું કે ત્વરા વગર રહી શકાતું ન હતું? આટલા વર્ષ જીવાયું જ હતું ને …!! પણ હવે જ્યારે એની યાદ ભીતર ચીરી બહાર આવી ગઈ ત્યારે એના વિષે જાણવાની એની સાથે વાત કરવાની અદમ્ય ઈચ્છા જાગી ઉઠી હતી . આવા વિચારોમાં અટવાતો નૈતિક રોજના ક્રમ પ્રમાણે બહાર થોડું ચાલી આવ્યો ..પ્રેરણા અને બાળકો સાથે વાતો કરી લીધી . જેમતેમ જમી રૂમમાં આવી ગયો ..નાહીને પાછો લેપટોપ ખોલી બેસી ગયો . કોઈ જવાબ ન જોઈ ઉદાસ થઇ ગયો ..
કશું ન સુઝતા એને આ આખા ભૂતકાળના ખંડને વર્તમાન સાથે જોડનાર રેડિયો યાદ આવી ગયો . મોબાઈલમાં રેડિયો ઓન કર્યો… જૂના દર્દીલા ગીતો રેલાઈ રહ્યા હતા. એની ઉદાસી વધુ ઘેરી બની .એણે રેડિયો બંધ કરી દીધો.
ત્રણ ચાર દિવસ પછી એક રાતે એણે હર્ષા અને પૂનમને કાગળો લખ્યા અને અંતે ત્વરાને કાગળ લખવાની હિંમત કરી. પહેલા તો સંબોધનમાં જ એ અટવાઈ ગયો . પ્રિય , વ્હાલી કે ફક્ત ત્વરા ? …બે ચાર કાગળના ડૂચા ઉડાડી અંતે પ્રિય ત્વરા …લખી કાગળ આગળ વધાર્યો …. ‘તું ઠીક હશે …હું તને યાદ કરું છું’ …જેવી વાતો લખી ફરી પાછો અટકી ગયો. ખબર નહી કેમ મનમાં રહેલી વાત મોં સુધી તો ન આવી પણ લખી પણ ન શકાય એ કેવી મોટી મૂંઝવણ કહેવાય …!! એ મારા વિષે શું વિચારતી હશે ? શું ધારતી હશે ? તોય ‘કેમ્પમાં ખુબ મજા પડી ..આપણે સારા મિત્રો બની ગયા ..સમય ઓછો પડ્યો ..તારી મિત્રતા મને ગમી’ .. જેવી અને થોડી આડીઅવળી ..રોજબરોજની વાતો લખી કાગળ પૂરો કરી દીધો . અનેકવાર વાંચી પણ લીધો . એક કવરમાં નાખી બીજા દિવસે પોસ્ટ પણ કરી દીધો . કોલેજમાં વેકેશન હોવાથી લગભગ રોજ ૧૧ વાગ્યા સુધી મિત્રો સાથે ક્રિકેટ રમતો નૈતિક ૧૦ વાગે ટપાલીના આવવાના સમયે બીજા જ દિવસથી ઘરે હાજર રહેવા લાગ્યો હતો …અને ચોથા જ દિવસે એના નામની એક ટપાલ આવી હતી . પીળા કલરના કવરમાંથી એક પત્ર નીકળી આવ્યો અને જાણે નૈતિકનું હ્રદય એના હાથમાં હોય તેમ ધ્રુજતા હાથે એણે કાગળ ખોલ્યો . નૈતિક જેવા મરોડદાર તો નહી પણ સરસ કહેવાય તેવા અક્ષરોમાં લખાયેલો કાગળ ….’પ્રિય નૈતિક’ …….આહ, સંબોધન ..દિલમાં ઠંડક પ્રસરી ગઈ . સામાન્ય ઔપચારિકતા પછી ‘હું પણ તમને યાદ કરું છું .. કેમ્પની વાતો ..તમારી વાતો ઘરે કહ્યા કરું છું’ ..એવું બધું વાંચ્યું …પણ છેલ્લે ત્વરાએ એનું નામ લખ્યું ન હતું એ વાતનું કુતુહલ નૈતિકના મનમાં જાગી આવ્યું .
આગળ વધી રહેલા એમના પત્ર વ્યવહાર દરમ્યાન નૈતિક રીતસર ધીમી પણ મક્કમ ગતિએ ત્વરાના પ્રેમમાં પડતો ગયો . સાવ સામાન્ય પત્રોમાં પણ નીચે પોતાનું નામ લખવા નથી માંગતી એવું ત્વરાએ સ્પષ્ટ કરી દીધું ..પણ ત્વરા પત્રોમાં પણ કોઈ આછકલાઈ નહી પણ એકદમ સંયમિત વાતો જોઈ એ ત્વરા વિષે વધુને વધુ વિચારતો થઇ ગયો . અનેકવિધ વિષયો પર ખુલીને ચર્ચા કરતી ત્વરા એને બહુ પોતાની લાગવા લાગી ..કોઈ કોઈને ગમે તો શું ખોટું વગેરે વાતો કરી પોતાના સંદેશા ત્વરા સુધી પહોચાડવામાં નૈતિક જાણે સાવ નિષ્ફળ ગયો હોય તેવું એને લાગવા માંડ્યું …સામે પક્ષે તર્કબદ્ધ વાતો કરી ત્વરા હમેશા નૈતિકને વિચારે ચડાવતી ગઈ …જામનગર અને જુનાગઢ ખાસ દુર ન કહેવાય પણ મળવાની શક્યતાઓ કેવી રીતે ઉભી કરવી એ નૈતિકને સમજાતું ન હતું . આ બાજુ ત્વરા પણ સામાન્ય વાતથી આગળ વધતી ન હતી અને એટલે નૈતિક પણ વધી શકતો ન હતો. અંતે આ મૂંઝારો એણે અનીલ નામનાં એના મિત્ર આગળ ઠાલવી દીધો . અનીલને પણ વાતમાં રસ પડ્યો અને એણે ધીરજથી કામ લેવા સલાહ આપી .
પરિણામ આવતા જ નૈતિકને સરસ નોકરી મળી ગઈ. એના આત્મવિશ્વાસમાં વધારો થયો અને એણે ગમે તે રીતે ત્વરા સાથે વાત કરવાનું નક્કી કર્યું … એ સમયે ફોનની સુવિધા બંનેના ઘરે ન હતી એટલે રૂબરૂ મળવું હવે ખુબ જરૂરી બની ગયું … અને એક દિવસ અચાનક અહીં ‘એક નોકરીના કામે આવ્યો છું’ કહી એણે ત્વરાના ઘરે જઈ પહોંચ્યો …એને આવેલો જોઈ ત્વરા ખુબ ખુશ તો લાગી અને એના ઘરના લોકોએ પણ ત્વરાના મિત્ર તરીકે બહુ ભાવભર્યું સ્વાગત કર્યું . નૈતિકને આ લોકો બહુ વ્યવસ્થિત લાગ્યા . પણ વાત થઇ શકે એવી કોઈ મોકળાશ ન જ મળી …અને ‘મારે તારી સાથે ખાસ વાત કરવી છે’ એવા શબ્દો વારેવારે એના હોઠેથી પાછા વળી ગયા ..મનની વાત મનમાં રાખી એ પાછો ફર્યો … !!
દિવસો સુધી આમ જ ચાલ્યા કર્યું .. નૈતિક ધર્મો , શ્રદ્ધા-અંધશ્રદ્ધા , રીતરીવાજો વગેરે વિષે એના વિચારો કાગળમાં લખતો એમ કરતા કરતા સિફતથી જ્ઞાતિ.. જાતિ અને લગ્ન વિષેની ચર્ચા પત્રમાં ઉખેળતો થયો …સામે ત્વરા ..પણ આ બધા વિષયો વિષે પોતાના મત રજુ કરતી ..અલગ જ્ઞાતિ અને જાતિમાં કરેલા લગ્ન પછી આવતી સમસ્યાઓ …પારિવારિક સમસ્યાઓ વગેરે વિષે બહુ સ્પષ્ટ ચર્ચાઓ કરતી .અને નૈતિકને કિનારે પહોંચી ગયેલું વ્હાણ ડૂબી જતું લાગ્યું .ત્વરા પાસે સાવ ખુલીને વાત કરવી નૈતિકને બહુ અશક્ય લાગ્યું …છેલ્લા છેલ્લા બેત્રણ પત્રોમાં નૈતિક વધુને વધુ લાગણીશીલ વાતો અને વિષયો ઉખેળતો ચાલ્યો .. તો હવે ત્વરા એના સવાલોના જવાબ આપવાનું અવગણવા લાગી હતી એવું નૈતિકને લાગવા માંડ્યું . અને એણે લખી નાખ્યું ‘મારે તને એક ખાસ વાત કહેવી છે’ ….કોઈ જવાબ ન આવ્યો ….અકળાયેલા નૈતિકે ફરી પાછો કાગળ લખ્યો …અને એનો પણ જવાબ ન આવ્યો.
ઓહ …. અધવચ્ચે રોકાઈ ગયેલા નૈતિકના એ દિવસો અસહ્ય હતા ..રોજેરોજ ઝર્ઝરિત થતી ગયેલી આશા અને પત્રની રાહમાં નિરાશ આંખો …નવી નોકરી ..માનસિક હાલત ડામડોળ અને આ બધા વચ્ચે સ્થિર થઈ ગયેલી જિંદગી …..એના હૈયામાં જીવી રહેલા એક સંબંધને જતો કરવાથી લાગેલા મારની કળ વળતા ઘણી વાર લાગી . આમેય કહેલા શબ્દો કરતા ન કહેલા શબ્દોનો બોજ બહુ ભારે નથી હોતો ?
આજે લગભગ ૨૬ વર્ષો પછી ફરી પાછી એ પત્રો અને એમાંથી આવતી શબ્દોની મહેંક નૈતિકે ફરી અનુભવી …એવું તો શું થયું કે ત્વરાએ પાછુ વળી એ બે પત્રોનો જવાબ ન આપ્યો ..અરે , સ્પષ્ટ ના પાડતો જવાબ પણ લખી જ શકાયો હોત ને ….!!!! એવું તો શું થયું હશે કે ત્વરાએ જવાબ જ ન આપ્યો ? પોતે ફરી એક વાર ત્વરાના ઘર સુધી કેમ ન જઈ શક્યો એ વાતનો અફસોસ કરડવા લાગ્યો . એ નકાર સાંભળવાનો ડર હતો કે મનની વાત કહી દેવા માટે આત્મ વિશ્વાસનો અભાવ ?
અનીલ સાથે ઘણી વાર ચર્ચા થતી પણ એને સુરત પાસે કોસંબામાં નોકરી મળતા નૈતિક સાવ એકલો પડી ગયો … ત્રણેક વર્ષ આમ જ વિતાવ્યા પછી સુધાબેનના આગ્રહવશ એણે પ્રેરણા સાથે લગ્નની મંજુરી આપી …અને એણે પાછળ વીતેલી જીંદગી તરફ એક પડખું ફરી લીધું . ક્યારેક પ્રેરણાના સવાલો એને દઝાડી જતા …વગર કારણે ઉભી થતી ક્ષોભજનક સ્થિતિ એને ન ગમતી . અને દરેક વખતે ત્વરા તરફથી વીંઝાયેલા સન્નાટાનો કારમો ઘા ફરીફરીને દુઝાવા લાગતો .સમય જતા એ ત્વરાને યાદ ન કરવાના પ્રયત્નોમાં સફળ થતો ગયો …. !!!
કહેવાય છે કે સંબંધો ચાર પ્રકારના હોય છે …સુખના સંબંધો , સુખદુઃખના સંબંધો , જીવતાના સંબંધો અને મરણ પછીના સંબંધો ….પણ કેટલાક વણકહ્યા સંબંધ તો સાવ અલગ અને અનોખા હોય છે . પ્રેમ ક્યારેય નિષ્ફળ નથી હોતો … એના જવાબમાં નકાર હોઈ શકે …પણ બેમાંથી એક જણના નકાર કે મૌનથી પ્રેમ નિષ્ફળ થયો કેવી રીતે ગણાય ? સફળ થવાની જ આશા રાખે એ પ્રેમ હોય ? પ્રત્યુતર ન મળે તો પ્રેમ ખતમ થઇ જાય ? પ્રેમ કદાચ જીવંત ન રહી શકે પણ જીવતો તો રહે જ છે … કદાચ બહુ બોલકો ન રહી શકે પણ ભીતર પલોંઠી વાળીને બેઠેલો હોય છે …દરેકના જીવનમાં એક સંબંધ એવો હોઈ શકે જે અધુરો હોય છતાં મધુરો હોય ….!!!
ત્વરા સાથે જોડાયેલી યાદો એને દર્દ આપતી દુઃખ નહી …એ દગો ન હતો એટલે એનો દોષ ન હતો …એમની વચ્ચે એક સીમા હતી એટલે ક્ષોભ ન હતો …વિવેક હતો એટલે વહેમ ન હતો …એને મેળવવાની જીદ ન હતી એટલે જલન પણ ન હતી ….એ એક ઘારું હતું પણ ઘાતક ન હતું ….ત્વરાનું મૌન જો એક પલાયન હોય તો નૈતિકના મનમાં એક ફરિયાદ હતી …બસ ….વધુ કશું નહી …!!! એક ઋતુની જેમ ત્વરા એના જીવનમાં આવી અને ખસી ગઈ હતી …પણ પહેલા વરસાદના પહેલા છાંટા જેવી એ લાગણીની ભીનાશ હજુ નૈતિકના મનમાં તરોતાજા હતી … આ એક એવો સંકોચાઈ ગયેલો સંબંધ હતો જેને આજે યાદોની વાછટ લાગી ગઈ . હ્રદયના એક ખૂણામાં પડેલો સંબંધ આખા હ્રદય પર હાવી થઇ ગયો . એક પક્ષે થયેલો પ્રેમ એ પ્રેમ કહેવાય કે નહી એ પણ હવે આ વયે નૈતિક વિચારતો થયો . અત્યારે પણ એ ત્વરા વિષે આટલું વિચારતો હોય તો એ વખતે થયેલી લાગણી ઉભરો તો ન જ હતી . એ વાત પાકી હતી .
અડધી રાત સુધી ગઈકાલ વિષે વિચારતો નૈતિક ઊંઘી ગયો …સવારે ૬ વાગે ઉઠી પહેલું કામ લેપટોપ ચાલુ કરી ..ફેસબુક ખોલવાનું કર્યું .
આ ચહેરાચોપડી જાણે જીવનના ૨૬ વર્ષોનો હિસાબ આપવાની હોય એવું એને લાગ્યું …
ત્વરાએ એની રીક્વેસ્ટ સ્વીકારી હતી અને મેસેજના નોટીફીકેશનનો લાલ રંગ નૈતિકના લોહી સાથે ભળી દોડવા લાગ્યો. એનો ચહેરો ખીલી ઉઠ્યો …
એણે અત્યંત ઉતાવળે મેસેજ ખોલ્યો :
ત્વરાએ લખ્યું હતું …..” ઓહ ….hi 🙂 “
૫ …
ત્વરાનો મેસેજ વાંચી નૈતિકનું હ્રદય પુરપાટ ધડકવા લાગ્યું .
પરવારવાનું હતું …તૈયાર થવાનું હતું …પ્રેરણાને ફોન કરવાનો હતો …ઓફિસે જવાનું હતું . પણ લેપટોપમાં ઉલ્ઝાઈને એ બેસી રહ્યો . ” ઓહ hi 🙂 ” આ ત્રણ શબ્દોમાં અટવાઈને બેસી રહ્યો . પણ એકાદ બે પળ પછી એ ઉત્તેજનાએ ચચરાટનું સ્થાન લઇ લીધું ‘બસ આટલું જ કેમ લખ્યું હશે’ . ‘વધુ જાણવાની ..જણાવવાની ઈચ્છા એને કેમ નહી થઇ હોય ‘..’મારા પક્ષે આટલી તીવ્રતા છે અને સામા પક્ષે ત્વરા આટલી શાંત …!!’ ‘મારે ખરેખર આટલા ઉતાવળા થવાની જરૂર હતી ?’ આવું વિચારતા નૈતિકને રીતસર અપમાનજનક લાગવા માંડ્યું ….
આ બાજુ ત્વરા …
ત્વરા આટલા વર્ષે નૈતિકનો મેસેજ જોઈ થોડીક પળો અનેક સ્મરણોથી ઘેરાઈ ગઈ …!!! સામાન્ય રીતે દિવસમાં એકાદ વખત અમસ્તું જ બેચાર મિનીટ માટે ફેસબુક ખોલી જૂની સખીઓ કે પરિવારજનોના મેસેજ કે સમાચાર એ જાણી લેતી …વહેલી સવારે આંખ ખુલતા નૈતિકનો મેસેજ જોઈ એ અચંબામાં તો પડી પણ સાથે ખુબ ખુશ પણ થઇ ….ડે સ્કુલમાં ભણતા દીકરા સમર્થને થોડા કડક અવાજે ઉઠાડતી ત્વરા આજે એના વિખરાયેલા વાળ પર હાથ ફેરવી ઉઠાડ્યો ત્યારે સમર્થ જલ્દી ઉઠી ગયો .. બાળકોને સવારે મમ્મી ઉઠાડે ત્યારે બમણા વેગે ઘેન ચડતું હોય છે એટલે રોજ એક નાનકડા પ્રવચનથી થતી સવાર આજે અચાનક કેમ આટલી હળવી બની ગઈ એ સમર્થને સમજાયું નહી … ચા નાસ્તો તૈયાર કરતી …ગીત ગણગણતી ત્વરાને જોઈ પ્રેરક એના મોઢા પર છલકાતા મલકાટનો અર્થ વાંચવા પ્રયત્ન કરતો રહ્યો ….પ્રાપ્તિ …ત્વરાની દીકરી પણ મમ્મીને આટલા મુડમાં જોઈ આંખો ઉલાળતી પ્રેરકને ઇશારાથી પૂછી બેઠી .. ‘આ શું …!!’ પણ કોલેજનાં બીજા વર્ષમાં ભણતી ચુલબુલી પ્રાપ્તિ પપ્પા સાથે ક્લબની લાઈબ્રેરી જવા નીકળતી એટલે વધુ વાત ત્યાં જ પૂરી થઇ.
ફટાફટ કામ આટોપી ..મદદ કરતા બહેનને જરૂરી સુચના આપી ત્વરા બેંકે જવા તૈયાર થવા લાગી . સાડીનો કબાટ ખોલી એક કપડાના ચેઈનવાળા કવરમાં સાચવીને મુકેલી સાડી કાઢી એના પર હાથ ફેરવી લીધો અને પાછી સાચવીને મૂકી દીધી …મદુરાઈ … નૈતિકના મમ્મી સુધાબેન અને પોતાના મમ્મી વિજયાબેન માટે એક સરખી ગાજર કલરની સાડી લીધી હતી … ત્વરાને નવી નવી સાડીઓ પહેરવાનો શોખ એટલે એના મમ્મીએ સાચવીને રાખેલી ઘણી સાડીઓ એ ઉપાડી લાવી હતી . સમર્થ તો સ્કુલે ગયો હતો ..ટેબલ પર પ્રેરક અને પ્રાપ્તિ માટે જમવાનું મૂકી એ બેંકે જવા નીકળી ગઈ .નાનપણથી આવા રુટીનથી બધા ટેવાઈ ગયા હતા .
ત્વરાના ટૂંકા જવાબથી નાસીપાસ થયેલા નૈતિકને કળ વળતા હવે એની મિત્ર બનેલી ત્વરાના આખા પ્રોફાઈલ પર નજર ફેરવવા લાગ્યો . શાંત નદી , તળાવ અને કુદરતી દૃશ્યોના અનેક ફોટો હતા . ત્વરાનો એના પરિવાર સાથેનો એક જૂનો અને એક નવો ફોટો એ જોઈ જ રહ્યો … એકંદરે હેન્ડસમ કહી શકાય તેવો ત્વરાની બાજુમાં ઉભેલો પુરુષ …નૈતિકની આંખમાં એકાદ પળ માટે ઈર્ષ્યા ઝબકી આવી .. યુવાન થઇ રહેલા ખુબસુરત બાળકો સાથે ખુશખુશાલ ચહેરે ઉભેલી ત્વરા ..ઈર્ષ્યાનું સ્થાન હવે એક ઠંડક અને ખુશી બની નૈતિકની આંખોમાં વિસ્તરવા લાગ્યું ..અલબત થોડા ભેજસહિત ….!! ત્વરાના હાલના લોકેશન વિષે જાણતા એના ન ચાહવા છતાં એના ધબકારા વધી ગયા …ત્વરા પણ …. એની જેમ અમદાવાદમાં જ રહે છે …!!!!!
નૈતિકે ઘડિયાળમાં જોયું …ફટાફટ ઉભો થઇ તૈયાર થયો …આખા રસ્તે ત્વરા વિષે જ વિચારતો રહ્યો … અને જાણે ત્વરા મળી જવાની હોય તેમ દરેક સ્ત્રી તરફ એક નજર નાખતો ગયો …
બેંકે જવા નીકળેલી ત્વરા ..નૈતિકના સમાચાર મળવાથી ખુશખુશાલ હતી અને નૈતિક અમદાવાદમાં જ છે એ જાણી આવતા જતા દરેક પ્રુરુષ તરફ એક નજર નાખતી ગઈ ….
ઓફિસે પહોંચી પોતાના ટેબલ પર બેસતા જ બાજુમાં બેસતી નેન્સીની ખોટ સાલી …આજે નેન્સી મોડી હતી ….એ ક્યારે આવે અને ક્યારે આ વાત કરું એ વિચારે ત્વરા ઉંચી નીચી થયા કરી . અંતે નેન્સી આવતા એનો હાથ પકડી પાસેના પેસેજમાં ખેંચીને લઇ ગઈ અને એના કાનમાં ફૂંકી દીધું … ” નૈતિક સાથે કનેક્ટ થઇ છું “…. પ્રેમાળ ચહેરા અને સ્વભાવવાળી નેન્સીને આ નૈતિક કોણ છે એ ન સમજાયું …એ ફક્ત “સરસ” એટલું જ બોલી શકી ….ત્યાં ઓફિસર અંદર આવતા બંને પોતપોતાની જગ્યાએ જઈ ગોઠવાઈ ગયા . સાવ બાજુમાં બેઠેલી નેન્સીએ “એ કોણ ?” પૂછતાં ત્વરાએ સાવ ધીમા સાદે પોતાની વાત કહેવા માંડી …
નૈતિક …
ઘરે આવીને દિવસો સુધી મમ્મી સાથે કેમ્પના અનેક અનુભવોની વાતો કર્યા કરી અને એની પડોશમાં રહેતી બાળસખી ધરતી સાથે નૈતિક તરફ ઉગેલી લાગણી અને એ રાતની મુસાફરીનું વર્ણન કરી દીધું … ઘણી મસ્તીખોર પણ ઠાવકી ધરતીએ થોડો સમય મજાક કરી પણ ત્વરાને ગંભીર જોઈ આ બાબતમાં ખુબ વિચારીને આગળ વધવાની સલાહ આપી …પણ થોડા જ દિવસોમાં નૈતિકનો પત્ર આવ્યો . પત્ર હાથમાં આવતા જ એને ઉછળતી જોઈ વિજયાબેનને બહુ નવાઈ લાગી અને દીકરીના વર્તનમાં આવેલા આ નવા ફેરફાર એક અનુભવી માએ નોંધી લીધા . હળવાશથી ત્વરા સાથે નૈતિક વિષે જાણી તો લીધું જ … પણ બાળક અને ખાસ તો એક પુત્રીના ઉછેરમાં માતાએ ઘણી ચીવટ રાખવી પડતી હોય છે. પુત્રી સાથે મિત્રવત વ્યવહાર કરવાથી એક હદ સુધી સ્વતંત્રતા આપવાથી એક વિશ્વાસ ઉભો થાય છે અને એ વિશ્વાસ આખા પરિવારને નાલેશીમાંથી બચાવી શકે છે એ દરેક સમજદાર માતા જાણતી હોય છે .વિજયાબેને દીકરી છાનુંછપનું કોઈ કામ ન કરી બેસે એ માટે પત્રમાં નીચે પોતાનું નામ ન લખવાની તાકીદ સાથે કાગળનો જવાબ આપવાની મંજૂરી મોઘમમાં આપી દીધી સાથે કોઈ પણ અંગત વાત વધુ કરવી નહી એ પણ સમજાવી દીધું . મમ્મી તરફથી આટલી છૂટ મળતા સમજદાર ત્વરાએ એમની વાત ગાંઠે બાંધી અને ભવિષ્યમાં કોઈ સમસ્યા ન ઉભી થાય એ માટે પત્રમાં પોતાનાં નામનો ક્યારેય ઉલ્લેખ ન થાય એની કાળજી રાખવા માંડી .
એક બહુ જાણીતી ન હોય તેવી વ્યક્તિ સાથે સંબંધની શરૂઆતમાં કોઈ અંગત વાત ન થાય પણ સામાન્ય ચર્ચાઓ જ થાય એની કાળજી વિષે જાણી નેન્સી રીતસર પ્રભાવિત થઇ ગઈ . એને ત્વરાની વાતમાં રસ પાડવા માંડ્યો . લંચ બ્રેકમાં નેન્સીએ ત્વરાને શાંતિથી સાંભળવા માંડી ,,વરસોથી સાથે નોકરી કરતા હોવાથી બહુ પાકા બહેનપણા થઇ ગયા હતા બેઉના …ખુલીને એમના સંસારથી માંડી દરેક વાત કરી શકવાનો ભરોસો પેદા થઇ ગયો હતો . કુતૂહલવશ નેન્સીના “તો તને નૈતિક બહુ ગમતો ?”..”તો તમે પરણ્યા કેમ નહિ ?”.. “ઘરનાઓએ વિરોધ કર્યો ?”.. “કોના ?” એવા અનેક સવાલોનાં જવાબમાં એક ઊંડો શ્વાસ લઇ ત્વરાએ આગળ કહેવા માંડ્યું …
નૈતિક અને ત્વરાના વધતા પત્રવ્યવહારથી બંને વચ્ચે લાગણી અને વિશ્વાસ મજબુત થઇ રહ્યા હતા . વિજયાબેન આ હિલચાલથી વાકેફ થઇ રહ્યા હતા . એકાદવાર એમણે ત્વરાને નૈતિક અને એના સંબંધ વિષે ગંભીરતાથી પૂછ્યું પણ હતું …તો ત્વરાએ જવાબમાં અત્યંત સમજદારીભરી તંદુરસ્ત ચર્ચા કરતા પત્રો એમની સામે ધરી દીધા હતા . યુવાન પુત્રીના પત્રો ન વંચાય એટલી સમજ અને ભરોસો બતાવતા વિજયાબેને પત્રો વાંચ્યા વગર પાછા આપી દીધા હતા .ત્વરાના મનમાં આવી મમ્મી હોવાનો ગર્વ જાગી ઉઠ્યો હતો તો વિજ્યાબેને મનમાં એક હાશકારાનો અનુભવ કરી લીધો હતો . સંસ્કારી કુટુંબની કોલેજમાં ભણતી સુંદર અને સુશીલ કન્યા માટે માગા આવતા થાય તે એ જમાનામાં સહજ હતું .એટલે એ વિષયો પણ ઘરમાં ચર્ચાતા થયા …એકબાજુ નૈતિક પત્રોમાં ધીમેધીમે પોતાની લાગણી વ્યક્ત કરવા લગ્ન જેવા વિષયો તરફ જઈ રહ્યો હતો તો બીજી તરફ આ આખી લાગણીને સમજી રહેલી ત્વરા પણ એના વિષે ગંભીરતાથી વિચારતી થઇ હતી …!! એને પણ લાગ્યું હતું કે નૈતિક એક બહુ જ જવાબદાર અને સમજદાર વ્યક્તિ છે . પ્રેમ જ નહી લગ્ન કરી એની સાથે જીવન પણ વિતાવી શકાય એવી સરળ વ્યક્તિ પણ છે. એ જ અરસામાં નૈતિકે જુનાગઢ એમના ઘરની મુલાકાત લીધી . ત્વરાના મનમાં આકાર લેતી નવી લાગણીઓ અને વિચારોથી અજાણ એના મમ્મી પપ્પાએ સહજતાથી એનો આવકાર પણ કરેલો . ૧૨માં ધોરણમાં ભણતા નાના ભાઈ તરંગને ત્વરાના મોં પર આવનજાવન કરી રહેલા ભાવો જોઈ થોડી નવાઈ લાગી હતી .તરંગે નૈતિકના ગયા પછી વિજયાબેનને પૂછ્યું ” દીદી આમને પ્રેમ તો નથી કરતી ને !!!..બાકી કોઈ ઘર સુધી અમસ્તું ન આવે ”
આના જવાબમાં એમણે કહ્યું ” મને મારી દીકરી પર ગર્વ અને ભરોસો છે ..એ એવું કોઈ કામ નહી જ કરે કે જેનાથી આપણને સમાજમાં નીચાજોણું થાય . નૈતિક છોકરો સારો જ છે પણ ત્વરાએ મને કહ્યું છે કે એનો દોસ્ત્ત જ છે …. ત્વરા માટે આપણી જ્ઞાતિનો છોકરો જ આપણે પસંદ કરીશું ..બાકી તો પરજ્ઞાતિમાં લગ્ન કરી સમાજ અને સગાઓ વચ્ચે આપણું નાક કાપે એવી તારી દીદી તને લાગે છે ? મને મારા ઉછેર પર પૂરો ભરોસો છે ,ત્વરા આવી કોઈ વાત લાવી અમને અસમંજસમાં નહી જ મુકે ” ….નૈતિકને બહાર સુધી વળાવીને આવી રહેલી ત્વરાના કાનમાં આ આખો સંવાદ પડ્યો .. એ ત્યાં જ ઉભી રહી ગઈ ….આટલો વિશ્વાસ…!! સ્વતંત્રતા અને પ્રેમ આપનાર માબાપની લાગણી …!! અને એ જ ક્ષણે ત્વરાએ એના વેરવિખર થયેલા વિચારો અને નૈતિક તરફ ઢળી રહેલી લાગણીઓ સંકેલવાનું શરુ કરી દીધું . …..એક તરફ નૈતિક પોતાના મનની વાત ત્વરાને કહેવા ઉતાવળો થઇ રહ્યો હતો અને અહીં આ સંવાદ સાંભળ્યા પછી ઓછાબોલી ત્વરા સાવ સુન્ન થઇ ગઈ હતી . કોમળ વયે ઉગતી લાગણીઓને ડામવું કદાચ સહેલું તો પડે પણ મન પર ઉઝરડાઓ પડ્યા વગર કેવી રીતે રહે !!!. સમજુ ત્વરાએ નૈતિક સાથે ચર્ચા કરતા પત્રોમાં પોતાની વાત આડકતરી રીતે કહી દીધી ..આવા લગ્નો તરફ વિરોધ નોંધાવીને …!!! અને અંતે ત્વરાએ નૈતિકના છેલ્લા બે પત્રો વાંચીને ..તરત ફાડીને ફેંકી દીધા …!!!
એની જ ઉંમરની ધરતી ત્વરાની આંખમાંથી જ સુકાઈ ગયેલા આંસુની સાક્ષી હતી …ક્યારેક બંને સખીઓ ચુપચાપ બેસી વિધીનો આખો ખેલ સમજવા મથી પડતી તો ક્યારેક ધરતી ત્વરાને જે થયું તે બધા માટે સારું છે એવું વારે વારે કહ્યા કરતી હતી …ત્વરા પણ એવું તો માનતી જ હતી કે સાચા સમયે લાગણીઓ સચવાઈ ગઈ ..બાકી માબાપને દુઃખી કરી એ કેવી રીતે ખુશ રહી શકવાની હતી ..!!…કદાચ એની જીદની આગળ નમીને એના માબાપ એના અને નૈતિકના સંબંધ માટે હા પણ પાડી દે પણ એમના લાડ્પ્રેમ તરફ ત્વરાની ખુદ્દારીનું શું ? અને હજુ સુધી નૈતિક એની લાગણીઓ વિષે સ્પષ્ટ પણ કયાં હતો અને કદાચ એ કબુલ પણ કરે પણ એના પપ્પાની ગેરહાજરીમાં મામાઓના સહારે રહેલા એના મમ્મી આ સંબંધની ના પાડી દે તો ?…ઓહ , આવી અસંખ્ય સંભાવનાઓ …શક્યતાઓ અને શંકાઓ વચ્ચે ઘેરાયેલી ત્વરાએ આખરે લાગણીના વિચારને એક પથ્થર સાથે બાંધી વાસ્તવિકતાના પાણીમાં વહાવી દીધો .અનિશ્ચિતતાના વાવાઝોડામાંથી બહાર આવી એક નિશ્ચિત નિર્ણય લઇ ત્વરા હલકીફૂલ થઇ ગઈ . છેલ્લા બે પત્રો પછી નૈતિક તરફથી છવાયેલી શાંતિ એને એના નિર્ણયમાં મજબુત કરતી ચાલી .ઘરમાં એકલી પડેલી ત્વરાએ પાછળના નાનકડા ફળિયામાં બેસી પાણી ગરમ કરવા રાખેલા ચૂલામાં એક પછી એક કાગળો બાળી દીધા..એના મોં પર ફંગોળાઈ રહેલા ધુમાડાની આડશે રૂંધાઇ રહેલા બેચાર આંસુ ટપકાવી પણ લીધા …!!!
માનવસંબંધો એક બહુ મોટું આશ્ચર્ય છે ..ચમત્કાર છે …આમ જોવા જઈએ તો સંબંધ જ જીવન છે …ફક્ત એના આયામો બદલાયા કરે છે …નામ બદલાયા કરે છે ..અર્થો બદલાયા કરે છે …ભાવ બદલાયા કરે છે ..અને આમ પણ દરેક સંબંધ એક મુકામે પહોંચે જ એ ક્યાં જરૂરી હોય છે ..!! સંબંધોનું ખળખળ વહેતા ઝરણા જેવું છે ..વહેતા વહેતા વહેણ દિશા પણ બદલી શકે …સુકાઈ પણ જઈ શકે …કોઈ દેખીતા કારણ વગર અચાનક રસ્તાઓ અલગ થઇ પણ શકે ..
આ બનાવ પછી વધુ શાંત થઇ ગયેલી ત્વરાને જોઈ એના પપ્પા મેહુલભાઈ ચિંતિત હતા. ઓછાબોલા પણ બાળકોને સમજી શકતા મેહુલભાઇએ વિજયાબેનને કારણ પૂછ્યું .વિજયાબેને ત્વરાના લાંબા વાળમાં તેલ નાખી વાળની ગુંચ કાઢતા કહ્યું ‘ક્યારેક મન પણ આ વાળની જેમ ગૂંચવાઈ જાય છે .ધીમે ધીમે પ્રયત્ન કરવાથી વધુ નુકશાન વગર ગુંચ નીકળી શકે ..તારી આ મૂંઝવણનું કારણ નૈતિકની તારી સાથેની દોસ્તી તો નથી ને ? એવું હોય તો કહે ..હું પપ્પાને વાત કરીશ ‘ એના જવાબમાં પાછળ બેઠેલી મમ્મીનો હાથ પકડી લઈ ત્વરાએ ‘એવું કાંઈ નથી’ એટલું જ કહી વાતનું પીંડલુ વાળી દીધું હતું.
એક સંબંધ તુટવા પાછળ કોઈ એક વ્યક્તિ કે પ્રસંગ જવાબદાર ન પણ હોય .. નિયતિને દોષ આપવો પણ ઉચિત ન ગણાય .. બને કે લાગણીની તીવ્રતા ઓછી પડી હોય ….શક્ય છે કે લાગણીઓ સ્પષ્ટ ન હોય …કે પછી કદાચ માવજત ઓછી પડી હોય …આ અંગત કારણો ઉપરાંત આર્થિક , સામાજિક, પારિવારિક, મનોવૈજ્ઞાનિક એવા ઘણા કારણો એક બંધાઈ રહેલા સંબંધની દિશા બદલી શકે છે …!! જો કે હાથમાંની રેતીની જેમ સરી જતા ..અચાનક છૂટી જતા આવા સંબંધો જે તે સમયે જીવી લેવાના હોય છે …એ પછી જીવનમાં આગળ વધી જવાનું હોય છે .. કોઈ ખાસના મરણ પછી પણ જો જીવી શકાતું હોય તો એ અધુરી લાગણીઓનો બોજ લઈને જીવ્યા કરવું…. ડહાપણ કેવી રીતે કહેવાય ?
પ્રેરક … માતા પિતાએ પસંદ કરેલું પાત્ર … એક સરસ પરિવારનું સંતાન …પીએચ ડી કરી ગુજરાત યુનિમાં કોમર્સ ડીપાર્ટમેન્ટમાં ભણાવતો પ્રેરક અને એની સાથે સહજતાથી ગોઠવાઈ ગયેલી શાંત ત્વરા ..!!!
આખી વાત સાંભળી નેન્સીના ચહેરા પર પીડા ઉભરી આવી ..પણ સ્વસ્થ અવાજે એણે ત્વરાને પૂછ્યું ..” આટલા વર્ષે તારા મનમાં રહેલી એક વાતને વાચા મળી …તું ખુલી એ મને બહુ ગમ્યું ….પણ આટલા અંતરાલ પછી નૈતિક સાથે કનેક્ટ થઇ તું આટલી ખુશ કેમ થાય છે ? ” ત્વરા પાસે આ વાતનો જવાબ ન હતો …એની સામે જોઈ રહેલી નેન્સીએ બીજો સવાલ પૂછ્યો ” તું એને ભૂલી નથી એનો અર્થ મારે એ કાઢવાનો કે તું હજુ એને ચાહે છે ? કે પછી નૈતિકે સામેથી આવીને તારા અહંને પોષ્યો છે ? ” નેન્સીની આવી સીધી વાત ત્વરાને હચમચાવી ગઈ .એ ધીમેથી બોલી ” એવું થોડું હોય ? અને હવે આ ઉંમરે આવું કેવી રીતે વિચારી શકાય ? ” એને ઢીલી પડતા જોઈ નેન્સીએ આગળ ચલાવ્યું ..” તો પછી આટલા વર્ષે આ ભૂકંપ જેવી હલચલ સામે ચાલીને કેમ વહોરવી છે ? જરૂરી હતું નૈતિકના મેસેજનો જવાબ આપવું ? તારા પરિવારની શાંતિ હણાય જાય એવું કોઈ પણ કામ કરવું ઠીક છે ? “
ત્વરા એ નેન્સીનો હાથ પકડી કહ્યું , “તારા જેવી …મારા ચરિત્રનું સાચું ચિત્ર બતાવે એવી મિત્ર મેળવી હું ખુશનસીબ છું એ મને ખબર છે …મને આટલી બોલકી અને વ્યક્ત થતી કરવાનો શ્રેય તનેય જાય જ હો …” પછી હસીને ઉમેરતા કહ્યું “તને મારી મિત્ર હોવાનો અફસોસ નહી થવા દઉં એટલું વચન આપું છું ..ફિકર નોટ ..આ ત્વરા છે … ” . નેન્સીએ એક વિશ્વાસભર્યું સ્મિત આપી દીધું .
સાંજે ઘરે પાછા ફરતા પણ ત્વરાની આંખો નૈતિકને શોધતી રહી અને નૈતિકની આંખો ત્વરાને ….
‘કાલે શુક્રવાર ….શનિવારની રજા મૂકી રાતે જ જામનગર જવા નીકળવાનું છે ..મારા વગર રહેવાની ટેવ ધીમે ધીમે પડતી જતી હશે .. તોય પ્રેરણા અને બાળકો રાહ જોતા હશે ..પણ ત્વરાનો મેસેજ આવશે તો હું ઘરના બધાની સામે જવાબ આપી શકીશ ?’ આવા વિચારોમાં ઘેરાતો નૈતિક રૂમ પર આવી ગયો … ફ્રેશ થઇ પથારીમાં પડ્યો ..લેપટોપ હાથમાં લઇ બેઠો રહ્યો …એક સાવ ભુલાઈ ગયેલી અઘુરી વાર્તા એ ખોલી બેઠો હતો. ત્વરા વિષે જાણવાની કશીશમાં કેટલી નુકશાનકારક નીવડી શકે એ વિચાર એને વારંવાર આવતો હતો .પ્રેરણાનો સ્વભાવ …એના જીવનમાં વમળો પ્રવેશી ગયા કે શું ..!!! પણ સાથે સાથે ત્વરા સાથે સંપર્ક કરવાની લાલચ એને ઝંપવા નહોતી દેતી …લેપટોપ મૂકી એણે હાથમાં પુસ્તક લીધું ….અક્ષરો પર નજર ફર્યા કરી અર્થ મન સુધી પહોંચતો જ ન હતો ..કંટાળીને એણે પુસ્તક બંધ કરી દીધું .ફરી પાછો લેપટોપ તરફ હાથ લંબાવ્યો . ત્વરાએ જવાબ આપ્યો હશે કે કેમ એ કુતુહલ એના મનમાં ડોકિયા કર્યા કરતું હતું . ફેસબુક લોગ ઇન કર્યું અને કોઈ મેસેજ કે નોટીફીકેશન વગરની ટાઈમ લાઈન જોઈ એને પોતાના પર ગુસ્સો આવી ગયો . કાં તો એણે મેસેજ કરવાનો ન હતો અને કર્યો તો પછી વ્યવસ્થિત મેસેજ કરવાનો હતો ..જેના જવાબની કોઈ અપેક્ષા કરી શકાય .
ત્વરાએ સાંજે બધા કામોમાંથી પરવારી રોજના ક્રમ મુજબ આખા પરિવાર ટીવી સામે બેસી દિવસના બનાવોની વાત કરી લીધી …ચર્ચાઓ પણ કરી લીધી …કહેવાય છે જે ઘરમાં તંદુરસ્ત ચર્ચા થતી હોય તે ઘરનું વાતાવરણ પણ તંદુરસ્ત હોય છે .’જોયું ભાઈ ,આજે મમ્મી બહુ મસ્ત મૂડમાં છે . શું વાત છે મમ્મી , આજે તમારો ચહેરો વધારે શાઈન કેમ કરે છે ? ‘સમર્થ સામે જોઈ પ્રાપ્તિએ ત્વરાની ટીખળ કરી લીધી. ‘અરે ના ના , એવું કાંઈ નહિ એના જૂના મિત્ર સાથે કનેક્ટ થઇ એનો આનંદ છે’ ત્વરાએ સાવ નિખાલસતાથી કહી દીધુ . ટીવીમાં આંખો ટેકવી બેઠેલા સમર્થે થોડું હસી લીધું . પ્રેરકે ત્વરા સામે જોયા કર્યું .
પરિવાર સાથે જમ્યા પછી આગલા દિવસની થોડી તૈયારી કરી … ત્વરા સુવા માટે અંદર રૂમમાં ગઈ … પ્રેરકને મોબાઈલમાં રમત રમતો જોઈ સીધી બાથરૂમમાં ન્હાવા જતી રહી …બહાર આવી પ્રેરક પાસે જઈને એ બેઠી ..પ્રેરકની આંખોમાં આંખ નાખી ત્વરાએ કહ્યું :
” ફેસબુક પર નૈતિકની રીક્વેસ્ટ હતી ..મેં સ્વીકારી છે “
૬ …
‘ફેસબુક પર નૈતિકની રીક્વેસ્ટ હતી ..મેં સ્વીકારી છે’ કહી ત્વરા પ્રેરક સામે એક ઉત્સુકતાભરી નજરે જોઈ રહી .
પ્રેરકે સામે સવાલ પૂછ્યો ‘આ નૈતિક એટલે પેલા સાઉથના કેમ્પવાળો તારો દોસ્ત તો નહી ?
સ્લીપર કાઢી પગને પથારી પર લઇ પાસે પડેલી રજાઈ ઓઢતા ત્વરાએ કહ્યું : ‘એ જ … અમદાવાદમાં જ છે ..પણ ક્યાં અને શું કરે છે ખબર નથી..વધુ વાત નથી થઇ.’ પછી પ્રેરક તરફ પાસું ફરી એક હાથ એની છાતી પર ટેકવી દીધો .ત્વરાનો હાથ થપથપાવતા પ્રેરકે કહ્યું…
‘ઘણા વર્ષ પછી નહી …!! તારે એને મળવું નથી ? કે પછી આપણે મળીએ ? ‘
એકદમ ધીરા અવાજે ત્વરાએ ‘ જોઈએ ‘ કહી આંખ બંધ કરી. ક્યાંય સુધી પ્રેરકના ખભા પર માથું ટેકવી એ પડી રહી . પ્રેરકે પણ વધુ વાત ન કરી . કદાચ વધુ સવાલો કરવાથી ત્વરા સંકોચાશે એ પણ વિચાર્યું .જોકે ત્વરાની આંખોમાંથી આમ પણ ઊંઘ ગાયબ થઇ ગઈ હતી . બેચાર વાર પડખા ફરી એણે ઊંઘવાનો પ્રત્યન કર્યો. ચોમાસાના આગમને બહાર ફૂંકાવા શરુ થયેલા પવનો એના આટલા વર્ષો સ્થિર રહેલા મન પર વિંઝાયા હોય તેવું એને લાગ્યું .
ત્વરા તરફથી આટલા નાના જવાબ પછી હવે વાત આગળ કેવી રીતે વધારવી એ અવઢવમાં નૈતિક લેપટોપ સામે બેઠો હતો. બહુ વિચારને અંતે નૈતિકે મેસેજ બોક્ષમાં લખવા માંડ્યું:
‘ત્વરા, ઘણા વર્ષો પછી તને અને તારા આખા પરિવારને જોઈ ખુબ આનંદ થયો છે . ખુબ સુંદર અને સુખી પરિવાર . તું વધુ તો નહી પણ થોડીક તો બદલાઈ જ છે. છતાં ઓળખાઈ જાય તેવી તો છે જ 🙂 તે મને મેસેજનો જવાબ આપ્યો એ મને ખુબ ગમ્યું છે …તારો આભાર . ખોટું નહી કહું ..આજનો આખો દિવસ હું ફલેશબેકમાં રહ્યો. એ દિવસો જ અલગ હતા. પણ તારો સંપર્ક થયો તે ગમ્યું . તારા વિષે જણાવજે .’
આટલું લખ્યા પછી થોડી હળવાશ અનુભવતા નૈતિક પથારીમાં પડ્યો. બહાર વરસાદ પડું પડું થઇ રહ્યો હતો…..ત્વરા અને એનો પત્રવ્યવહાર ચોમાસામાં જ થયા કર્યો હતો ..એટલે જ વરસાદની ઋતુમાં એને ત્વરા જરૂર યાદ આવી જતી . આજે એને ત્વરા બહુ પાસે હોય તેવું લાગ્યું …!!
ત્વરાની આંખો સામે ભૂતકાળ તરવરવા માંડ્યો. કેમ્પ પછીનો છ મહિનાનો પત્રવ્યવહાર ….છેલ્લા બે પત્રો પછી નૈતિક તરફથી છવાયેલી ચુપકેદી …. એ માનસિક પરિતાપનો સમયગાળો અને પ્રેરક સાથેના સગાઈ અને લગ્ન વચ્ચેનો ૬ મહિનાનો સમય.
એક સગા દ્વારા પ્રેરકની વાત આવી. એકાદ મુલાકાત ગોઠવાઈ. વાતચીત દરમ્યાન જરૂર પુરતી બોલકી ત્વરા એ ખુદ બોલકો હોવા છતાં પ્રેરકને તરત પસંદ આવી ગઈ .દરેક વિષય તરફ ત્વરાનો અભ્યાસ અને રુચી જોઈ એ ઘણો પ્રભાવિત થયો. દેખાવડા પ્રેરકની સભ્ય ભાષા ..સારું કુટુંબ અને સારી નોકરી જોઈ ત્વરા અને એના ઘરનાને આ લગ્ન માટે ના પાડવાનું કોઈ કારણ હતું જ નહી . સગાઈ અને લગ્ન વચ્ચે મુલાકાતો અને એકબીજાને મળવા પ્રસંગો ઉભા થતા અને કરાતા ગયા. જીવન એક પરપોટાથી વિશેષ કશું જ નથી એવું માનતો અને એ ફૂલવાની અને ફૂટવાની વચ્ચે જે ક્ષણો છે એને માણવાની વૃતિ ધરાવતો એક જીંદાદિલ યુવાન હતો. એક પોઝીટીવ ઉર્જાથી હંમેશા ઉભરતો રહેતો પ્રેરક જ્યારે પણ ત્વરા સાથે વાતો કરતો ત્યારે ત્વરામાં કશુંક બદલાતું ..કશુંક ઉમેરાતું એવું ત્વરા અનુભવતી. શાંત ત્વરાને જોઈ પ્રેરક ક્યારેક ખચકાઈ જતો ..એને કશુંક ઠીક નથી એવું લાગ્યા કરતુ. અહીં ત્વરા આ નવા સંબંધમાં પોતાની જાતને ગોઠવવા મથ્યા કરતી.
પોતાના મનમાં નૈતિક પ્રત્યે જાગેલા અનુરાગને પાપ કહી શકાય કે નહી એ પણ ત્વરાને સમજાતું ન હતું . પણ રહી રહીને એને નૈતિક યાદ આવ્યા કરતો. ધૂળેટી રમવા આવેલા પ્રેરકને ત્વરાનો સંકોચ દૂર કરતા થોડી વાર લાગી. ગુલાલના સહેલાઈથી રેળાઈને ધોવાઈ રહેલા રંગો પોતાની હથેળીમાં જોઈ રહેલી ત્વરાને પ્રેરકે વારંવાર ખુબ રંગી. સંબંધો રંગો જેવા જ હોય છે . થોડી લાગણી …થોડી આળપંપાળમાં તરબતર થાય તો જેની આજુબાજુમાં હોય તેની ઉપર અસર છોડ્યા વગર રહેતા નથી એટલે શરૂઆતમાં પ્રયત્નપૂર્વક પણ ધીમે ધીમે ત્વરાનું મન ખુશમિજાજ પ્રેરક તરફ ક્યારે વળી ગયું અને ક્યારે એ એને અનુરૂપ થતી ગઈ એ એને પણ સમજાયું નહિ. . નિતનવું કર્યા કરતા પ્રેરકે મિત્રો માટે એક કોમન કાર્ડ છપાવ્યા. બંનેના મિત્રોના લીસ્ટ તો બનાવવા બેઠા પણ નૈતિકનું નામ ત્વરાએ ત્રણથી ચાર વાર લખ્યું અને એના પર જોરથી લીટા પાડી એક ઊંડો શ્વાસ ત્વરાએ લઇ લીધો ….એના મનમાં ચાલતી આ ગડમથલને ચકોર પ્રેરકે નોંધી લીધી. અંતે નૈતિકને કાર્ડ ન લખાયું . પણ એ પછીની પ્રેરકની એક મુલાકાતમાં બંને તળેટી રોડ તરફ ફરવા ગયા.સાંજના સમયે ચારેતરફ ગીરનારની ગિરિમાળા વચ્ચે દામોદર કુંડ અને મંદિરને વટાવી આગળ વધતા ગયા.
ક્યારેક થઇ જતા અછડતા સ્પર્શો સિવાય ખાસ કોઈ શારીરિક સામીપ્યનો પ્રયત્ન ન કરતા પ્રેરકે પાળી પર પાસે બેઠેલી ત્વરાનો હાથ પોતાના હાથમાં લીધો. એક ધ્રુજારી અને હિચકિચાટ ત્વરાના આખા શરીરમાં ફરી વળ્યા એ પ્રેરકે અનુભવ્યું. છતાં એના હાથને કોમળતાથી પણ એથી વધુ દ્રઢતાથી પકડી રાખી ત્વરાને સહજ બનાવવા એની સાથે વાતો કર્યા કરી. ત્વરાએ પણ એનો હાથ છોડાવવાના પ્રયત્ન ન કર્યા એટલે ધીમેથી પ્રેરકે પૂછ્યું …”ખોટું ન લગાડીશ પણ જાણવું છે કે આ નૈતિક કોણ છે ?” ફરી પાછુ એક આછું કંપન ત્વરાના શરીરમાં જણાયું. શાંત પણ સ્પષ્ટ ત્વરાને આ વાત ઠીક પણ લાગી . જીવનસાથી સાથે મનની વાત શેર કરી શકવાની એક તક જતી શું કામ કરવી ..!!. ધીમે ધીમે એણે કેમ્પ અને પત્રો દ્વારા એ નૈતિકથી પ્રભાવિત થઇ હતી એ કબુલ્યું . પણ ક્યારેક પ્રેરકની સામે તો ક્યારેક આડું અવળું જોઈ ત્વરાએ વાત પ્રેમ કહી શકાય એવા કોઈ પડાવ પર આવી ન હતી એ પણ ખાસ ઉમેરી લીધું . એની આંખોના લાલ થયેલા ખૂણા અને શરમ અને ક્ષોભ અનુભવતી ત્વરા સામે એકધારું જોઈ રહેલા પ્રેરક એની પ્રમાણિકતા પર વારી ગયો અને ત્વરાના હાથને હળવેથી પોતાના હોઠ સુધી લઇ જઈ એક હળવું ચુંબન કરી લીધું .
પ્રેરક શું કહેશે શું વિચારશે એ વાત ભૂલી એ એકદમ હળવી થઇ ગઈ. ત્વરાને મન આ કોઈ છુપાવવા જેવી વાત હતી જ નહી . અને પ્રેરકની માનસિકતા પણ એના પ્રતિભાવથી આજે ઓળખી શકાશે એવું એને લાગ્યું . સહજ ચુંબનથી વધુ હળવી બનેલી ત્વરાના સ્પર્શમાં ભળી રહેલી ઉષ્મા અને પોતાની હથેળી પર થોડી ભીંસ પ્રેરકે અનુભવી ..
એણે ત્વરા સામે જોઈ કહ્યું:
‘ તને એક વાત ખબર છે ત્વરા ..? પ્રેમ એટલે પાપ નહી ….!! ૨૨ કે ૨૩ વર્ષની ઉંમરે કોઈ કહે કે એમનું મન કોઈ તરફ ખેંચાયું જ નથી કે કોઈ તરફ થોડી વિશેષ લાગણી થઇ જ નથી તો હું તો એ વાત માનું જ નહિ. મારી આજુબાજુ દેખાતી ..સાથે ભણતી ..અને હવે મારી પાસે ભણતી ઘણી છોકરીઓ મને આકર્ષક લાગી છે …કોઈને કોઈ લક્ષણ વિશેષ હોય એટલે ધ્યાન બહાર જાય જ નહિ ..પણ એ ફક્ત આકર્ષણ હોય …આપણને ક્યારેક પ્રેમ જેવું પણ લાગે પણ એવું હોય પણ અને ન પણ હોય …ઘણીવાર એથી આગળ યા તો આપણે વિચારી નથી શકતા યા તો આપણે કબુલી નથી શકતા …અને એ સમય હાથમાંથી સરી જાય છે … આ જ આ ઉંમરની વિડંબના છે . પણ મને નથી લાગતું કે આવી …એક સમયે તીવ્ર લાગતી લાગણી જીવનભર કોઈને હેરાન કરે …!! અને આ તો પ્રેમ હતો કે નહી એ પણ તને ખબર નથી તો તારે નૈતિકને એક વણજોઈતા ભાર નહી એક સારા ભાઈબંધ તરીકે મનમાં સાચવી રાખવાનો . જો હું કહું કે ‘એને ભૂલી જા’ …તો તું કહીશ ‘ભૂલી ગઈ’ …પણ સાચું કહે .. તું ભૂલી જઈશ ? એના કરતા એ અધુરા સંબંધને એક નામ આપી દે ..એને દોસ્ત માની લે .. જીવન આસાન થઇ જશે . ન તું મારી સાથે અન્યાય કરીશ ન તારી જાત સાથે … !! એક આગવા ભૂતકાળ વગરની કોઈ વ્યક્તિ હોઈ જ ન શકે એ આપણું મન કબુલતું થાય એ બહુ જરૂરી છે…શું લાગે છે ? હું ખોટો છું ?
ત્વરા અભિભૂત થઇ પ્રેરક સામે જોઈ રહી …એણે આવા પ્રતિભાવની અપેક્ષા જ નહોતી કરી .આટલો સમજદાર અને પ્રેમાળ માણસ એની જીંદગીમાં પ્રવેશી ગયો છે એ વિચારતા એના મનમાં ક્યાંક અટકી પડેલી લાગણી વહેતી થઇ. એને લાગ્યું કે એ સભાનપણે આ માણસના પ્રેમમાં પડી રહી હતી….એને પોતાની સામે જોઈ રહેલી જોઈ પ્રેરક બાજુમાંથી ઉભો થઇ એની સામે આવી ઉભો રહી ગયો ..ત્વરાના બંને હાથ પકડી એણે ઉમેર્યું ‘તને જોઈ ત્યારથી તારી આ મોટી મોટી આંખોનું આકર્ષણ થયું … તને ચુપચાપ જોઈ થોડી બેચેની સળવળી પણ તારી બધી વાતો ગમવા લાગી એટલે તું વધુને વધુ ગમવા માંડી …તને ધીમે ધીમે મારી તરફ ઢળતી જોયા કરી ત્યારે બહુ વ્હાલ આવતું અને આજે તારી પ્રમાણિકતા જોઈને તો ઉંધેકાંધ પ્રેમમાં જ પડ્યો છું …મારા જેવા એક સાવ અજાણ્યા માણસને સમજવા તેં જે સમય લીધો એ આપણા સહજીવનનો ઊંડો પાયો નાખશે ‘ એને આવું બોલતો જોઈ તળેટી રોડ પર ચારેબાજુ અંધારૂ પ્રસરી રહ્યુ હોવા છતાં ત્વરાને એના જીવનનો રસ્તો ઝળહળ થતો જણાવા માંડ્યો .
એ પછી પણ પ્રેરકે ત્વરાની અડોઅડ ચાલતા એકાદ વાર એના ખભા પર હાથ મૂકી કહ્યા કર્યું ‘ અને હા , એવું પણ જરાય જરૂરી નથી કે મારો કોઈ દોષ છુપાવવા હું આ કહી રહ્યો હોઉં ..મેં આગળ કહ્યું તેમ મને પણ કોઈક વાર કોઈ ખાસ ગમ્યું જ છે પણ અને આખા જીવન માટે કોઈ દોષ કે કોઈ પાપ તરીકે હું નથી જોતો . એ વિચાર …એ લાગણી..એ ઉંમરનો તકાજો હોય છે . પણ ભૂતકાળમાં મને પ્રિય લાગતી કોઈ વ્યક્તિ મને મળી જાય તો હું એ જ સહજતાથી બદલાઈ ગયેલા પરિમાણો અને સંજોગોને નજરમાં રાખી એની સાથે આત્મીયતાથી વર્તુ .સંબંધનું રૂપ બદલાઈ જાય છે …એ ક્યારેય ખતમ નથી થતા. સરકી ગયેલા સમયને મન પર હાવી થવા દેવો કે નહી એ કોણે નક્કી કરવાનું ? મને સંબંધમાં પ્રમાણિકતા ગમે છે.એક જૂઠ એક આખા સંબંધને પાટા પરથી ઉતારી દે છે . હું ખુલ્લા દિલે કરેલી વાતને વધુ મહત્વ આપું છું . આપણો સંબંધ પારદર્શક હોય એ જ મારી એક માત્ર અપેક્ષા છે.’
એ ઘટના પછી ઘરે આવેલી ત્વરામાં થોડો તરવરાટ ઉમેરાયેલો વિજયાબેને અનુભવ્યો . બધા ખુશ થયા . ત્વરા લગ્નની તૈયારીમાં લાગી ગઈ. એના મન પર છવાયેલી ખુશી એના ચહેરા પર આવી ગઈ હતી.
બાજુમાં સુતેલા પ્રેરકને એ એકીટશે જોઈ રહી …પછી ધીમેથી ઉઠી સ્ટડીરૂમમાં નાઈટ લેમ્પ અને કોમ્પ્યુટર ચાલુ કર્યા. અપેક્ષા હતી જ કે નૈતિકનો મેસેજ હશે જ …નૈતિકનો મેસેજ વાંચ્યો …થોડું વિચારી એણે લખવા માંડ્યું.
‘same here ..તમે કેમ છો ? ઘણા વર્ષો થયા નહી ? હું ઘણી બદલાઈ ગઈ છું … તોય તમે ઓળખી ..મને ગમ્યું .ડો. પ્રેરક અહીં યુનિવર્સીટીમાં ભણાવે છે .પ્રાપ્તિ અને સમર્થ ભણે છે .હું બેંકમાં જોબ કરું છું ….તમે અહીં અમદાવાદમાં કેટલા વર્ષથી છો ? જોબ કે બીઝનેસ ? જાણવું ગમશે.’ આટલું ટાઈપ કરી ત્વરા ‘વધુ તો શું લખું ?’ એવું વિચારતી ઉભી થવા ગઈ ત્યાં જ એના મેસેજની રાહમાં ફરી ઓનલાઈન આવેલા નૈતિક તરફથી લીલી લાઈટ ઝબકી ઉઠી . ત્વરાને ઓનલાઈન જોઈ નૈતિકની આંખોમાંથી ઊંઘ ગાયબ થઇ ગઈ ..એવી જ હાલત આ બાજુ ત્વરાની થઇ …અને બહાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો.
વાતાવરણમાં ફેલાઈ રહેલી ઠંડક ત્વરા અને નૈતિક અનુભવી રહ્યા…. આંતરિક અને બાહ્ય ઠંડક. બે અલગઅલગ પાત્રો સાથે પરણેલા એક સમયનાં એકબીજાના પ્રિય પાત્રો આજે સાવ સામાન્ય મિત્રોની જેમ વર્તી રહ્યા હતા . લાગણીને બુરખો પહેરાવતા આવડી જાય પછી વ્યવહાર શરુ થાય છે એવો જ કોઈ વ્યવહાર આ બંને પોતપોતાની ઉંમર અને પરિસ્થિતિને ઘ્યાનમાં રાખી વાતો કરવા પ્રયત્ન કરી રહ્યા હતા.
ઘણીવાર સુધી બંને ચેટ કરતા રહ્યા. નૈતિકે એના વીતેલા વર્ષોનો સાર કહી દીધો .અને ત્વરાએ એના વિષે … બેય સમજદાર વ્યક્તિઓની જેમ ભૂતકાળના એ સંવેદનશીલ ખૂણાને અડ્કાઈ ન જવાય એ તકેદારીથી વાતોમાં ક્યાંય કોઈ ફરિયાદ કે ટીસ વગર બંને ખુલીને વાતો કરતા રહ્યા. ભણ્યા પછી દુનિયાની ભીડમાં ખોવાઈ ગયેલા મિત્રો અને લગ્ન કરી અલગ જગ્યાઓમાં ઠરીઠામ થયેલી છોકરીઓ વિષે વાત કરતા જ તૃષાની વાત નીકળી … ઓછાબોલી ત્વરા આમ પણ ધરતી સિવાય વધુ મિત્રો સાથે સંપર્ક જાળવી શકી ન હતી એટલે જામનગરના મિત્રોની વાત સહજતાથી નીકળી . તૃષાની વાત નીકળતા પ્રેરણા સાથેના લગ્ન વિષે કુતુહલથી પુછપરછ કરી . પ્રેરણાની વાત આવતા જ નૈતિક થોડો અચકાઈ ગયો . પણ ધ્યાન ત્વરાનું એ તરફ ન ગયું. એણે વારે વારે પ્રેરણા કેવી છે ? બાળકો કેવા છે ? કોના જેવા દેખાય છે? એવું પૂછ્યા કર્યું . નૈતિકે મોબાઈલમાં રહેલા ફેમીલી ફોટાને ફેસબુક પર ટ્રાન્સફર કર્યો . બાળકોને જોઈ ત્વરા રીતસર હરખાઇ ગઈ .અલબત પ્રેરણાના પણ વખાણ કર્યા. સાથે એમના આ નવેસરથી થયેલા સંપર્કની પ્રેરકને ખબર છે એ કહેતા નૈતિક વધુ ઓઝપાઈ ગયો.
બહુ રાત થઇ હતી. બંનેએ કમને વાત આટોપી .આટલા વર્ષે એકબીજા સાથે વાતો કરી સારું લાગ્યું ..વિચારોમાં સવાર પડી …એ જ ઘટમાળ પછી સાંજે જમી પરવારી નૈતિક જામનગર જવા નીકળી ગયો . ફોનથી ફેસબુક પર જવું ફાવતું નહોતું એટલે ગમતું પણ ન હતું ..છતાં આવતાજતા નેટવર્કમાં એક હોલ્ટ દરમિયાન મેસેજ બોક્ષ ખોલવાની લાલચ એ રોકી ન શક્યો . એણે મેસેજ કર્યો … ‘on the way to jamnagar …will be back by monday’ સામે મોબાઈલથી જ મેસેજનો જવાબ આવ્યો ‘ ok..tc n say hi to prerna …love to kids ‘
અને એ પછી આખા રસ્તે ત્વરા સાથેના સંપર્કની વાત પ્રેરણાને કહેવી કે નહી એ વિષે વિચારતો રહ્યો.એવું પણ બને કે પરણીને ઠરીઠામ થયેલી ત્વરા વિષે જાણી પ્રેરણા નૈતિક પ્રત્યે રહેલી રહીસહી ફરિયાદ પણ મનમાંથી ભૂંસી નાખે . ત્વરા સાથેની વાતચીત વિષે તો મારે પ્રેરણાને કહેવું જ જોઈએ એવું નક્કી કર્યા કર્યું તો ન કહેવાથી શું ફેર પડે એવી દલીલ પણ મનમાં ઉભી થયા કરી .
સવારે જામનગર પહોચ્યો ત્યારે અનુષ્કા કોલેજે જવા તૈયાર થઇ ગઈ હતી . પપ્પાને મળી ખુશખુશાલ થઇ ગઈ ..જલ્દી પાછી આવીશ એમ કહી એ નીકળી ગઈ …ધ્રુવની તબિયત થોડી નરમ હોવાથી એ સુતો હતો . પ્રેરણાએ નૈતિકને જોઈ રાહતનો શ્વાસ લીધો .એ પણ ઓફિસે ગઈ . નૈતિકે દવાખાના અને બેંકના એકબે મહત્વના કામો પત્યા અને ઘરની જરૂરી ખરીદી પૂરી થઇ ત્યાં રાત પડી ગઈ. જમીને બધા પરવાર્યા . હવે ધ્રુવને થોડું ઠીક હતું.
રાતે પાસે સુતેલી પ્રેરણા સામે જોઈ એણે ત્વરાનો ઉલ્લેખ કરવાની હિંમત એકઠી કરી.
૭ …
પોતાના સ્થિર જીવનમાં થયેલી હલચલ વિષે વાત કરવા નૈતિકે હિંમત એકઠી કરી . પડખામાં સુતેલી પ્રેરણા તરફ એ ફર્યો….. એના પર હાથ પર હાથ મુક્યો. એ જ વખતે
‘ પ્લીઝ…ધ્રુવની તબિયતને લીધે ઘણા દિવસથી નિરાંતે સુતી નથી. મને સુવા દો ને તમેય સુઈ જાઓ’ ઊંઘરેટા અવાજે પ્રેરણા બોલી …
નૈતિકનો હાથ સહેજ હડસેલી એ ઊંધું ફરી સુઈ ગઈ. વાત તો સાચી… એકલી સ્ત્રી બંને બાળકોને લઇ રહેતી હોય એવા સંજોગોમાં પતિ ઘરે આવે ત્યારે જ એને આરામ મળે એવું વિચારી નૈતિકે પણ પડખું ફરી લીધું . ત્વરાની વાત કહેવાનું થોડું પાછું હડસેલાઈ ગયું. એણે પોતે કરેલા પ્રયત્ન બદલ આશ્વાસન લઇ લીધું . બહુ નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલો નૈતિક ઉમરના પ્રમાણમાં તો પહેલેથી જ ઠાવકો હતો . પરણ્યા પછી આખા કુટુંબને બાંધી રાખવા એ ખુબ પ્રયત્નશીલ રહેતો. નાની બેન સીમાના લગ્ન પછી જીવ્યા ત્યાં સુધી સુધાબેન નૈતિક સાથે રહ્યા .સરસ રીતે ઘર ચલાવતી પ્રેરણા તરફ કોઈ ફરિયાદ એના મનમાં ઉઠતી નહી. આ વાત ઘણી નાજુક હતી ઉપરાંત હજુ સુધી કહું કે ન કહું ની અવઢવ પણ હતી. એટલે આજે એને એક દોસ્ત તરીકે પ્રેરણા સાથે વાત કરવી હતી ત્યારે પ્રેરણા ફક્ત પત્ની બનીને રહી ગઈ હોય તેવું લાગ્યું. ધરબી રાખેલી એક ફરિયાદ બહાર આવી.
ત્વરાએ ઓફિસમાં નેન્સીને નૈતિક સાથે થયેલી વાતો કરી દીધી. પ્રેરકને કહેવાનું બાકી છે એ જાણી નેન્સી થોડી ચિંતિત લાગી . પ્રેરકને આ કહેવું તો છે પણ કેવી રીતે એ વિષે વિચારણા ચાલી . અંતે કશુંક નક્કી થયું . આખો દિવસની દોડધામ પછી પરવારી સુવા ગઈ જોયું તો પ્રેરક વરસાદ પછી વાતાવરણમાં છવાયેલી ઠંડકથી ઘસઘસાટ સુતો હતો એને બ્લેન્કેટ ઓઢાડી એ પણ આડી પડી …દરેક વ્યક્તિ જીવનસાથી સાથે વાત કરવાનો સમય પસંદ કરી શકે તો ઘણા ઘર્ષણો અટકી શકે …વાંક વાતનો નહી એ કહેવા માટે પસંદ કરેલા સમયનો હોય છે એ વાત બરાબર સમજતી ત્વરાએ શનિવારે સાંજે બાલ્કનીમાં ઢાળેલી ખુરશીઓ પર બેસી વાતો કરી રહેલા પ્રેરકને નૈતિક વિષે એના પરિવાર , નોકરી અને પોતાની એની સાથે થયેલી વાતચીત વિષે જણાવી દીધું .
પ્રેરકે શાંતિથી એની વાતો સાંભળી પછી કહ્યું : ‘ ત્વરા , કોલેજમાં આટલા વર્ષ ભણાવ્યું ..અનેક પ્રેમ કહાનીઓ જોઈ . ક્યારેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મેળાવડો થાય ત્યારે મારી નજર સામે પાંગરેલી અને મુરઝાઈ ગયેલી કેટલીય પ્રેમ કહાનીઓ પાછી ટકરાતા જોઈ છે . શક્ય છે એમના પાર્ટનર્સને વાતની ખબર ન હોય પણ તોય એક મિત્ર તરીકે ફરી મળી શક્યાની ખુશી તો મેં એમના ચહેરા જોઈ જ છે . આપણે માનીએ છીએ એટલે સંકુચિત આપણે હોતા નથી .મોટેભાગે આવા સંજોગોથી આપણે દૂર ભાગીએ છીએ એટલે એ વખતે આપણે કેવી રીતે મેનેજ કરીશું એનો ખ્યાલ જ નથી હોતો .હા, પ્રેમ હોય …અનહદ હોય …ખરાબ રીતે તૂટેલા/તોડેલા વાયદાઓ હોય ….શારીરિક આકર્ષણ કે એવા સંબંધો હોય તો સામાન્ય રીતે મળવું થોડું મુશ્કેલ બને. રહી વાત તારી અને નૈતિકની તો આ ઉંમરે એક સરસ માણસની દોસ્તી પાછી મળે એ બહુ સરસ વાત કહેવાય. અને હવે તમે બંને ઉંમરના એક એવા વળાંકે પહોચ્યા છો જ્યાં તમારી પ્રાયોરીટી બદલાઈ ગઈ છે .એ સમયે તમારી વાતોનું કેન્દ્ર ‘તમે’ એટલે તમે બંને હશો ..હવે ‘અમે’ એટલે બંનેના પરિવારો હોઈશું …. બાકી મને બે જવાબદાર …પુખ્ત વ્યક્તિઓની આવી રીફ્રેશ થયેલી મૈત્રીમાં કોઈ મેલ દેખાતો નથી .બહુ બહુ તો બસ એક સંતોષ જ હોય કે એક જૂનો સંપર્ક જાળવી શકાયો છે.’
ત્વરાને એ જુનાગઢ …તળેટી અને એ પાળી , રસ્તો અને માહોલ યાદ આવી ગયો … ફરી વાર એના મનમાં પ્રેરક તરફ વ્હાલ ઉભરાઈ આવ્યું . લગ્ન પછી પ્રોત્સાહન આપી M COM કરાવ્યું …બેંકની પરિક્ષા પાસ કરાવી …નોકરીમાં લાગ્યા પછી પણ પ્રમોશન માટે પરિક્ષાઓ અપાવી .. એ ગર્વભરી નજરે પ્રેરકને જોઈ રહી ….
પ્રેરકે એને વિશ્વાસ આપતા કહ્યું .. ‘ મેં તને કેટલા બધા વર્ષોથી અનુભવી છે … એક શ્રેષ્ઠ પત્ની અને ઉત્તમ માતા તરીકે પુરવાર થતા જોઈ છે . મને મારા પર અને એથી વિશેષ તારા પર વિશ્વાસ છે . જો ત્વરા , સંબંધ એટલે બેઉ બાજુએ એક સરખી તીવ્રતા વાળું બંધન … એક સરખું બંધન … બાકી લાગણીઓનું પાણી જેવું છે … વહેતી જ સારી….તને રોકું કે ટોકું એવો પતિ હું નથી . અને આમ પણ હું તો માનું છું કે જે વસ્તુ કે વ્યક્તિ આપણી હોય એ ગમે તેવા ઝંઝાવાતો પછી આપણી જ રહે છે …… !! એટલે જે મારું છે એ મારું જ રહેશે.’ ત્વરા કાયમ પ્રેરકની આવી સકારાત્મક વાતોથી હળવી થઇ જતી.
નૈતિકનો રવિવાર સુવામાં અને સાંજે પ્રેરણાના ભાઈભાભીની મુલાકાતમાં વીતી ગયો. પણ એ પ્રેરણાને ત્વરાની વાત ન જ કહી શક્યો . નોકરી કરતી … પોતાની કેરિયર માટે ઘણી જાગૃત…સતત દોડધામ કર્યા કરતી પ્રેરણા નૈતિકને આજે અજાણી લાગવા માંડી ….રાતે બસમાં બેઠો અને ત્વરાના વિચારો એના મન પર પાછા સવાર થઇ ગયા. ફરી પાછું ફેસબુક ખોલી ‘જામનગરથી નીકળ્યો છું , કાલે સવારે ત્યાં પહોંચી જઈશ’ એવો એક મેસેજ ત્વરાને મોકલી દીધો. અને એને અમદાવાદ જલ્દી પહોચવાની અધીરાઈ થઇ આવી. અચાનક વિચારે ચડ્યો ‘ પ્રેરણા મને રોકશે કે એને નહી ગમે એ ડરે મેં જાણી જોઇને તો પ્રેરણાથી વાત છુપાવી એવું તો નથી ? આ ઉમરે આવું થવું કેટલું સ્વાભાવિક ગણાય ? જુવાન છોકરાના માબાપે પોતાની લાગણીઓ આમ ફેલાવા દેવી કેટલી ઠીક ગણાય ? વીતેલા દિવસોનો કેફ હવે ચડે એ ઠીક કહેવાય ? ત્વરાના વિચારો આમ મન પર હાવી થાય એ કેટલું વ્યાજબી ગણાય ? મારે આમ ત્વરા સાથે મૈત્રી વધારવી જોઈએ ? વાતો કરવી જોઈએ ? મારા આ પગલાથી એના અને મારા જીવનમાં આંધી નહી આવે એની શી ખાતરી ? ત્વરાએ પ્રેરકને મારા વિષે શું કહ્યું હશે ? પ્રેરક મારા વિષે શું વિચારતો હશે ? ઓહ ‘ … નૈતિક નવેસરથી એક અપરાધભાવ અને દ્વિધાની લાગણીઓથી ઘેરાઈ ગયો.
આ બાજુ નૈતિક પાછો આવે છે એવો મેસેજ મળ્યો એટલે હોલમાં ચુપચાપ બેઠેલી ત્વરા વિચારે ચડી .’ મેં પ્રેરણાને hi કહેવાનું નૈતિકને કહી તો દીધું પણ એનો સ્વભાવ કેવો હશે ? નૈતિકની પત્ની ઉપરાંત તૃષાની બહેન છે એવી પ્રેરણા મને કેવી રીતે ઓળખતી હશે? કેમ્પ વિષે એ શું જાણતી હશે ? હું અને પ્રેરક આવી મૈત્રીને સહજ માનીએ છીએ પણ શું પ્રેરણાને આ જૂની દોસ્તી નવા સમયે સ્વીકાર્ય હશે ? ‘ પ્રાપ્તિ એની સાવ બાજુમાં આવીને બેસી ગઈ એનો ખ્યાલ પણ એને ન રહ્યો.
પ્રેરક હંમેશા કહેતો કે ત્વરાને ખુલીને વાત કરતા અને થોડી વાચાળ બનાવતા એને નાકે દમ આવી ગયો હતો ત્યારે માંડ પોતાના મનની વાત સામે વાળાને એ કહેતી થઇ . આજે એકદમ શાંત બેઠેલી ત્વરાને જોઈ એને એ શબ્દો યાદ આવી ગયા.
‘ શું વાત છે ? આજે કેમ પાછી પુરાણી મમ્મીએ દેખા દીધી ? ‘ એવું પૂછતા એણે ત્વરાના ખોળામાં માથું ટેકવી દીધું. સંવેદનશીલ તો ત્વરા હંમેશા હતી જ … પણ વાતોકડા.. માનસશાસ્ત્રના જાણકાર અને એને જીવનમાં પચાવી શકનારા …સમજદાર પ્રેરકના પ્રભાવમાં માદીકરી વચ્ચે એકબીજાને સમજવાની ઉત્સુકતા અને વાતો શેર કરવાની મોકળાશ ઉભી થયેલી હતી . પારદર્શક સંબંધો … આ જીવાદોરી જેવા શબ્દોની વેલ આખા પરિવારને વળગેલી હતી . બાપદીકરો સમર્થનાં રૂમમાં કેરમ રમતા હતા.
પ્રાપ્તિનું વ્હાલ ત્વરાને વિચારોમાંથી બહાર દોરી લાવ્યું. ‘ચાલ , હવે કહી દે મારી મા …. એ કોણ દોસ્ત મળી આવી કે તું બે દિવસથી ખુશખુશાલ અને અત્યારે ચુપચાપ છે ?’ એવા સવાલના જવાબમાં યુવાન લાગણીઓને સમજી શકે એટલી મોટી થયેલી દીકરી પાસે ખુબ સંભાળપૂર્વક … થોડાક શબ્દોમાં નૈતિક એટલે એનો એક સારો વ્યક્તિ છે કહી એમની થોડા દિવસોની દોસ્તી વિષે સાવ સાચું ત્વરાએ કહી દીધું. ‘ઓહો.. એટલે તારે બોયફ્રેન્ડ પણ હતો ? ‘ પ્રાપ્તિનો એવો પ્રતિભાવ સાંભળી ખડખડાટ હસીને ત્વરાએ પ્રાપ્તિના ગાલ પર એક ટપલી મારી કહ્યું:
‘એ સમયે સંબંધોને કોઈ એક નામ આપતા બહુ વાર લાગતી .અત્યાર જેવું જલ્દી જલ્દી કશું ન થતું …ફોન ન હતા , નેટ ન હતું ….કશું જ સહેલાઈથી ન મળતું સંબંધ હોય કે સાધન. અને હું તો આમ પણ મારી જાત સાથે જ રચીપચી રહેતી એટલે મને તો એ પણ ખ્યાલ નથી કે એ મારો દોસ્ત હતો કે નહી …એક સરસ વ્યક્તિત્વ ..એક સમજદાર અને ઠાવકો પુરુષ …ઘણા લોકો વચ્ચે અલગ તરી આવે એવો પુરુષ….અમને કેમ્પ દરમિયાન એકબીજાની વાતો સાંભળવી અને એકબીજા સાથે વાત કરવી ગમતી પણ વધુ પરિચય કે દોસ્તી થાય એ પહેલા અમારી દિશાઓ ફંટાઈ ગઈ હતી. પણ આટલા વર્ષે પાછા ભટકાયા એટલે પાછો એ પરિચય તાજો કરી રહ્યા છીએ . ‘
પ્રાપ્તિને આમ બહેનપણી જેમ વાત કરતી એની મોમ બહુ ગમતી. એના મિત્રોની એની કોલેજની વાતો એ ત્વરા પાસે કહ્યા કરતી …યુવાન હૈયાની હલચલ જાણી શકે … સમય આવે રસ્તો બતાવી શકે કે સલાહ સુચના આપી શકે એવી મોમ કોને ન ગમે? એણે હસતા હસતા કહી નાખ્યું ‘ મારી પણ ઓળખાણ કરાવજે એ અંકલ સાથે….તને ઈમ્પ્રેસ કરી શકે એવા માણસને મળવું ગમશે ‘ .. ‘એમનું નામ નૈતિક છે.. દીકરા….જરૂર મળીશું . એ આમ પણ અહીં એકલા રહે છે ..કોઈક વાર ડીનર માટે બોલાવીશું ‘ કહી ત્વરાએ પ્રેરક ઉપરાંત પ્રાપ્તિને પણ નૈતિકનો શાબ્દિક પરિચય આપી દીધો .
સોમવારે સવારે અમદાવાદ પહોંચી ઓફિસે ગયો , કામની વચ્ચે વારે વારે ત્વરાનો મેસેજ છે કે નહી એ જોયા કર્યું. અંતે બપોરે અઢી વાગે ત્વરાનો ‘hi .. પહોંચી ગયા ?’ એવો મેસેજ આવતા બસમાં મન પર છવાયેલો અપરાધભાવ હવા થઇ ગયો. એક યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિ એ અનુભવવા લાગ્યો. ‘yes, સવારે… તું કેમ છે ?’ એવો જવાબ પણ ફટાફટ મોકલાઈ ગયો. એક બે મેસેજની આપલે થઇ . સાંજે પ્રેરણાનો ફોન આવ્યો કે ધ્રુવ આજે પાછો ઢીલો છે . ડોકટરે બધા રીપોર્ટસ માટે કાલે બોલાવ્યા છે એટલે ભાઈને લઈને એ જઈ આવશે અને પછી જણાવશે . નૈતિક ઘરની અને ધ્રુવની ચિંતા અને ત્વરા સાથે વાત કરવાની તડપ વચ્ચે અટવાતો રહ્યો. રાતે થોડી વાર ઓનલાઈન આવેલી ત્વરા સાથે ધ્રુવના સમાચાર શેર કરી એને થોડું સારું લાગ્યું . એ સિવાય થોડી ઘર પરિવારની વાતો થયા કરી . એકબીજાનો અવાજ સાંભળવાની ઈચ્છા તો હતી પણ પહેલ છેવટે નૈતિકે કરી . ફોન નંબરોની આપલે થઇ ગઈ. સવાર જલ્દી પડે અને ત્વરાને અનુકુળ સમયે થોડી વાતો થઇ શકે એવી ગણતરી નૈતિકના મનમાં ચાલવા લાગી…
બે અલગઅલગ વિચારધારાઓ લગોલગ ચાલતી રહી .
ત્વરા વિચારતી હતી …જેમ લગ્ન પછી બે જણના બધા સગા એકબીજાના થઇ જાય તો મિત્રો ન થાય ? ત્વરા માટે નૈતિક એક એવો મિત્ર હતો જે એક ખાસ સમયગાળામાં એના મન પર જીવી ગયો હતો . લાંબી પણ અનેક પડાવો વાળી મુસાફરી દરમ્યાન ફરી એક વખત એક જ ડબ્બામાં બે મુસાફરો અનાયાસે ફરી પાછા ભેગા થઇ જાય એવો ઘાટ થયો હતો . સમય, સ્વરૂપ , સંબંધો , સહજતા બધું જ બદલાઈ ગયું હતું . ત્વરા માટે નૈતિક જીવનનો એક અસ્પષ્ટ ખંડ હતો …જીવન નહી .. અને આમ પણ જેના વગર આટલા વર્ષો જીવાઈ ગયું હોય તે વ્યક્તિ એક હદ ઓળંગી એક પરણિત સ્ત્રીના મન સુધી તો ન જ પહોંચી શકે . ઘણા વર્ષો પછી નૈતિકના સમાચાર સાંભળી એને એક ઉતેજના થઇ હતી એ હવે ઓસરી રહી હોય તેવું ત્વરાએ અનુભવ્યું . સાથે સાથે કોઈ બીજો વખત કે અલગ સ્વભાવવાળો પ્રેરક હોત તો ત્વરા નૈતિક વિષે આટલું પોતે વિચારી શકત કે કેમ એ વિચારે ચડી..અને જેટલી સ્વતંત્રતા વધુ એટલી જવાબદારી પણ વધુ એ પણ એને ખબર હતી .ત્વરાને પોતાના પતિ અને પસંદગી પર નાઝ થઇ આવ્યો .
ઓફિસે પહોંચી નેન્સી સાથે આ વિચાર એણે શેર કર્યો. નેન્સીને ખાતરી જ હતી કે શાણી ત્વરા આવા જ વિચારોમાં અટવાયેલી હશે. એણે ત્વરાને બને ત્યાં સુધી સહજ રહેવા સલાહ આપી. થોડી વાર પછી લંચ બ્રેકમાં ત્વરાનો ફોનમાં મેસેજ ટોન રણક્યો …. ‘can call ?’ નૈતિકના મેસેજના જવાબમાં ‘hmmmm’ મોકલતા જ ફોન ગુંજી ઉઠ્યો ..નૈતિકનો ફોન છે એવું બોલી હાથમાંના ફોન સામે જોઈ રહેલી ત્વરાને નેન્સીએ આંખોથી ફોન રીસીવ કરવાનો ઈશારો કર્યો. અને એ હાથ ધોવા ગઈ .
ફોનના લીલા બટનને દબાવતા એનો હાથ ધ્રુજ્યો સાથે અવાજ પણ . વર્ષો પછી એના કાને પડેલા એક વધુ પુખ્ત થયેલા અવાજે એના હ્રદયના ધબકારા વીખી નાખ્યા. ખુશી, આનંદ,અવઢવ, ચિંતા આવા અનેક સ્પંદનો એને ચારેકોરથી ભીંસવા માંડ્યા. નૈતિક પણ ત્વરાનો અવાજ સાંભળી અવાજને સંયત કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો. મનમાં ઉછળતી લાગણી હોઠો દ્વારા બહાર ન ઠલવાઈ જાય એ માટે એનાથી ..’તું કેમ છે ?’ જેવો ચીલાચાલુ પ્રશ્ન પુછાઈ ગયો. વાતચીતનો આવો ઉપાડ થયો એ તકનો લાભ લઇ ત્વરા ખડખડાટ હસી પડી. ‘તો આટલી વારમાં મને થવાનું પણ શું હતું? આપણે રાતે તો ચેટ કર્યું હતું . હું ઠીક છું . ‘ત્વરા , વર્ષોના અંતરાલ પછી તારો અવાજ સાંભળીને …અને એ પણ આમ ખડખડાટ હસતી ત્વરા …શું કહું ? મને બહુ સારું લાગે છે’ નૈતિકના મોઢે વર્ષો પહેલા આવું સાંભળવા ઝૂરેલી ત્વરા આજે આવા તરબતર શબ્દોથી નવેસરથી ઢીલી થઇ ગઈ. એટલી વારમાં નૈતિક સ્વસ્થ થઇ ગયો. નેન્સી પાછી ફરતા ત્વરા પણ સ્થિર થઇ ગઈ . આમ પણ પુરુષો ભલે કહે કે સ્ત્રી લાગણીઓ કાબુમાં નથી રાખી શકતી પણ સત્ય એ છે કે પોતાની લાગણીઓને દબાવી રાખી આજુબાજુ રહેલા લોકોને ખુશ કર્યા કરવાની કળામાં સ્ત્રીને મહારથ હાંસિલ હોય છે ..!! કાલે આવેલા મિશ્ર વિચારોને ભૂંસી ત્વરાએ પ્રેરણા ,અને બાળકોના સમાચાર પૂછ્યા. અને એ બંને બાળકોને મળી ખુબ વ્હાલ કરવાની લાગણી વ્યક્ત કરી .’નૈતિકના અંશને સ્પર્શવું છે’ …એવું જ્યારે ત્વરા બોલી ત્યારે નૈતિકને ખુબ ગમ્યું. પણ નેન્સીની આંખો પહોળી થઇ ગઈ … એ વાતોમાં વહી ગયેલી ત્વરાના ધ્યાન બહાર ગયું ..!!
એ રાતે પણ બાળકો અને પ્રેરકના ઊંઘી ગયા પછી ત્વરા અને નૈતિક online આવ્યા. ત્વરા બપોરે નૈતિક સાથે વાત કર્યા પછી ઘણી રિલેક્ષ લાગતી હતી. પોતપોતાની ઓફીસ અને ઘરની વાતો પરથી ફરી પાછી વાત કેમ્પના દિવસો તરફ વળવા લાગી . કોડાઈકેનાલ , બોટ અને બસની મુસાફરી યાદ આવતા બંને ભાવુક થઇ ગયા. પત્રો , પત્રોના વિષયો અને એવી બધી વાતો કરતા રહ્યા .
અને નૈતિકથી કહેવાઈ જ ગયું ‘ તું મને બહુ ગમતી ,ત્વરા …!! ‘
એ જ બોટવાળી અદા સાથે ત્વરાએ તરત જવાબ આપ્યો ‘ આ વાતની મને ખબર છે ..પણ એથી શું ? ‘
હવે ચોંકવાનો વારો નૈતિકનો હતો. ‘ખબર હતી ? તોય તું સાવ ચુપ રહી ? મારા પત્રોના જવાબ પણ ન આપ્યા ? ‘
ત્વરા પાસે આનો પણ મસ્તીભર્યો જવાબ હતો ‘ સાચું , મેં તો જવાબ ન આપ્યા પણ તમે તો મારું ઘર જોયું હતું. કારણ જાણવા કેમ ન આવ્યા ? 🙂 ‘
પણ પછી ત્વરા અને નૈતિક વધુને વધુ લાગણીશીલ થતા ગયા.
નૈતિકને શબ્દો ગોઠવવામાં વાર લાગી ‘ મને લાગ્યું કે તને મારી વાતો ગમતી નથી ..પત્રો દ્વારા થતી ચર્ચામાં તું હંમેશા મારી સામે ઉભેલી મને દેખાતી મારી બાજુમાં નહી …એટલે વાતને વળ ન આપ્યો. મારી વાતો તને કેવી રીતે સમજાવું એ મને ન સમજાતું ..એટલે હું શાંત થઇ ગયો.’
‘હં… ઘણીવાર આપણે પાસા ફેંકી સંજોગો અનુકુળ થઈ જીતને આપણી બાજુ ધકેલે એવી અપેક્ષાએ પોતાના દાવની રાહ જોયા કરીએ છીએ . પણ જીવન રમત નથી … નૈતિક, આવી જ વિમાસણ અને રાહ બંને બાજુ રહ્યા કરે અને વાત વટે ચડી જાય કે પછી આડાપાટે ચડી જાય એવું પણ બને… દરેક નવો બંધાઈ રહેલો..નવો ઉછરી રહેલો સંબંધ સામાન્ય કરતા થોડી વધુ માવજત માંગે ..આવા સમયે એકબીજાના મનમાં રહેવા એકબીજાના સતત સંપર્કમાં રહેવું પણ એટલું જ જરૂરી હોય છે. કોઈ ખાસની આપણને જરૂર છે એ અહેસાસ બીજી કઈ રીતે જણાવી શકાય ?’
મનની વાત આમ બહાર તો આવી ગઈ પણ પછી ત્વરાએ ઝડપથી જાત સંભાળી લીધી . જે વાત નથી કે નહોતી એનો અહેસાસ આ વયે કરાવીને નૈતિકને દુઃખ આપવાનું કોઈ કારણ પણ ન હતું એટલે એણે આગળ લખવાનું શરુ કર્યું,
‘ જો કે આપણા કિસ્સામાં એવું કશું નથી બન્યું એનું હું તમને આશ્વાસન આપું છું . મારી પાસે ચુપ રહેવાના કારણો હતા જ ..એટલે તમારો કોઈ દોષ હું જોતી નથી.કેટલીક કૌટુંબિક વ્યવસ્થા અને અપેક્ષાઓના બોજ નીચે હું તમારા તરફ ધ્યાન આપી ન શકી . પણ જુઓ, આજે આપણે બંને આપણા જીવન અને જીવનસાથીઓ સાથે ખુશ છીએ. કોઈ વાતની કમી ક્યાં રહી છે ? એટલે આવું વિચારી હાથે કરી શુળ ઉભું કરવાનો અર્થ પણ નથી.’
સામે લેપટોપ પર બેઠેલા નૈતિકને ત્વરાની ચિનગારી પર પાણી છાંટવાની આ રીત સમજાઈ ગઈ. ત્વરામાં આવેલા ફેરફારો પણ આપોઆપ નોંધાઈ ગયા .
એણે લખ્યું …’ હા હા હા , કેટલીક વાતો સમય પર કહેવા ખુબ બધું ડહાપણ નહી થોડું ગાંડપણ જરૂરી હોય છે … હું સમય ચુક્યો ….!!!’
સામે ત્વરાએ કોઈ જવાબ ન આપ્યો … થોડી વાર બંને કશી ચેટ ન કરી શક્યા ..એકબીજાને good night કહી . ofline થયા.
સવારે ત્વરાએ પ્રેરકને રાતે નૈતિક સાથે વાત થયેલી એ જાણ કરી . પ્રેરકે હસીને ‘ સરસ … ત્વરા, … એકાદ વાર નૈતિકને જમવા બોલાવ . બધા મળીએ . અને હા, તને સંબંધોની પરિભાષા ખબર છે …એટલે આટલી એલર્ટ ન રહે .’ કહી દીધું . આ સાંભળતા જ ત્વરાનું મોં ખીલી ઉઠ્યું. સવાર સવારમાં થયેલી આવી કેટલીક વાતો આખા દિવસ માટે ઉર્જા પૂરી પાડી દે છે . પ્રેરક એના રોજના નિયમ પ્રમાણે લાઈબ્રેરી જવા નીકળી ગયો. પ્રાપ્તિને કાલે કોલેજમાં ટેસ્ટ હતી એટલે એ ઘરે રહી . ઓફિસે જવા તૈયાર થઇ રહેલી ત્વરાનો ફોન ગર્જી ઉઠ્યો …!!
‘ત્વરા, ખુબ મુંઝાયેલો છું….મળવું જરૂરી છે ….અત્યારે જ મળી શકાય ? ‘
સામે છેડે નૈતિક હતો …..
૮ …
‘ત્વરા, ખુબ મુંઝાયેલો છું….મળવું જરૂરી છે ….અત્યારે જ મળી શકાય ? ‘
સામે છેડે નૈતિક હતો …..
નૈતિકનો વાત સંભળાઈ તો ખરી પણ સમજાઈ નહિ …. સમજ્યા પછી એકાદ બે પળ શું જવાબ આપવો એ ન સમજાયું . હાથમાં ફોન લઇ એ એમ જ ઉભી રહી ગઈ . નૈતિકના અવાજમાં રહેલો ગભરાટ એના માટે બહુ અજાણ્યો અને નવીન હતો . મોટેભાગે એણે સ્થિર અને સુલઝેલા નૈતિકને જ જોયો ….કલ્પ્યો હતો … આજે એ આવું વર્તન કેમ કરે છે એ તો ન જ સમજાયું પણ પછી ‘કેમ શું થયું છે ? ‘ એવું બહુ ધીરજથી પૂછી લીધું . ‘એ બધું મળીશ ત્યારે કહીશ … પણ મારે તને મળવું જ છે . બોલ ક્યાં મળીએ ? જલ્દી બોલ … ‘ ઠાવકી ત્વરાને એ ન સમજાયું કે શું થયું હશે પણ એણે તરત નૈતિકને કહી દીધું કે ‘એડ્રેસ મેસેજ કરું છું . ત્યાં આવી જજો .’ ફોન કપાયા પછી એવું તે શું થયું કે નૈતિક આમ મળવા માંગે છે ? આટલા વર્ષે નૈતિકને આમ મળવાનું ? . અંતે એણે સરનામું મોકલી દીધું.
અચાનક બેંક યાદ આવતા એણે નેન્સીને એ મોડી આવશે એવો મેસેજ કરી દીધો. નૈતિક વિષે સ્પષ્ટતા કરવાનો ન તો એની પાસે સમય હતો કે ન તો માનસિક તૈયારી .. સાચે જ એણે નૈતિકને આમ સાવ અચાનક મળવાનું થશે એવું ધાર્યું ન હતું . હજુ તો એ આ દોસ્તીને બરાબર સમજી પણ નથી શકી અને હવે નૈતિક સાથે સીધો સામનો થશે એ વિચારે એ થોડી અપસેટ પણ થઇ ગઈ. એમની સાથે કેવી રીતે વાત કરીશ ? શું વાત કરીશ? એવી મૂંઝવણ થઈ આવી . કામવાળાબેનનું કામ પૂરું થયું હતું. એ દરવાજો ઠાલો અડાડી જવા માટે નીકળ્યા .
ઓફીસ માટે તૈયાર થયેલી ત્વરા ખુલ્લા વાળ બાંધવા ડ્રેસિંગ ટેબલ પાસે ગઈ ત્યાં જ દરવાજે બેલ વાગી. બે હાથે વાળ બાંધતી ત્વરા દરવાજા પાસે આવી. અધખુલ્લા દરવાજામાંથી એને એના ભૂતકાળનો એક આખો ખંડ બહાર ઉભેલો દેખાયો. યુવાન બાળકોની માતા એવી ત્વરાએ આવા કોઈ સંજોગોની કલ્પના પણ કરી ન હતી .હ્રદય બે ધડકારા ચુકી ગયું . સામે નૈતિક ઉભેલો હતો . બ્લેક ફ્રેમના ફેન્સી ગ્લાસ પહેરેલો એકદમ સુઘડ અને પ્રભાવશાળી નૈતિક … સરસ સચવાયેલું શરીર અને ઉંમરના ચાસે વધુ પરિપક્વ દેખાતો નૈતિક…!!
દરવાજાની આ બાજુ ઠીકઠીક ભરાવદાર પણ આકર્ષક શરીર પર ખુબ ખૂબીથી પહેરાયેલી સાડી, હળવા મેકઅપ અને થોડા અસ્તવ્યસ્ત વાળમાં ત્વરા ખુબ સુંદર લાગતી હતી. રીમલેસ ગ્લાસ પાછળ એની મોટી મોટી આંખોમાં છવાયેલું આશ્ચર્ય અને અનેક ભાવોની ઉતરચડ નૈતિક જોતો જ રહી ગયો. દરેક ઉંમરને એક ગરિમા હોય છે ..એક ખુબસુરતી હોય છે ..કોઈ આધેડ વયની માતા યુવતી જેવી દેખાય સારું કહેવાય …પણ કુદરતે સમયે સમયે કરેલા ફેરફારોને સ્વીકારી અંતરથી ખુબ ખુશ રહે એ કદાચ ત્વરાનું સુંદરતા જોઈ સમજી શકાય…નૈતિકે ત્વરાનું આંતરિક સૌદર્ય મહેસુસ કર્યું …આમ ત્રાટક થતું જોઈ ત્વરા દરવાજા પાસેથી ‘આવો’ કહેતી આઘી સરકી …
દરવાજો આખો ખુલ્યો અને ત્વરાના પ્રભાવમાંથી બહાર આવતા જ નૈતિકના ચહેરા પર રીતસર અસમંજસ આવીને પથરાઈ ગઈ . આ ત્વરાનું ઘર છે એ સમજાતા એની છાતી ભીંસાવા લાગી. ત્વરાએ મને ઘરે કેમ બોલાવ્યો ? બહાર પણ મળી શક્યા હોત ….એક સમયના પ્રિય પાત્રને મળવાની તાલાવેલી અને પોતાની વાત કહેવાની પણ ઉતાવળ … હળવા થવા ઈચ્છેલી પળોમાં અનિચ્છાએ ભારે થઇ જવાયુ. છતાં એ ઘરમાં પ્રવેશી ગયો.
ત્વરાને એ ન સમજાયું કે એ શેક હેન્ડ કરે કે નમસ્તે ….!!! આ મિત્ર છે કે અજાણ્યો માણસ ..!! એણે આવકાર આપ્યો અને સોફા પર બેસવા હાથથી ઈશારો કર્યો. ‘કેમ છો ? ઘર તરત મળી ગયું ?’ એવા ઔપચારિક સવાલો પૂછી લીધા ….સામે નૈતિક પણ એકાક્ષરી જવાબ આપતો ગયો. સામે ત્વરા ઉભી છે … જેનાં વિષે હજારો રાતો વિચાર્યું છે …જેના માટે હજારો વાક્યો લખી લખીને કાગળો ફાડ્યા છે એ સ્ત્રી …. એણે પણ ક્યાં વિચાર્યું હતું કે મુલાકાત આમ થશે …!! બંનેની બોડી લેન્વેજ વીતેલા વર્ષો અને આજના સંજોગો વચ્ચે અવઢવમાં પડી હતી એ સ્પષ્ટ દેખાઈ આવ્યું. અલબત બે પુખ્તો જેમ વર્તે એમ સહજ વર્તવાના પ્રયત્નો ચાલુ હતા.
‘પાણી લઈને આવું’ એમ કહેતી ત્વરા રસોડા બાજુ સરકી ગઈ . નૈતિકની આંખો આખા રૂમ અને રૂમની સજાવટ તરફ ફરી વળી. ઘણી ટેલેન્ટેડ તો ત્વરા હતી જ એ ઘર જોતા સાવ અજાણ્યા પણ સમજી શકે એવી સાદી પણ સુંદર સજાવટ. એક પણ પ્લાસ્ટીકના ફૂલ વગર ફક્ત ઘાસ અને જૂવારના ડૂંડા રંગીને સજાવેલ વાઝ ખુબ આકર્ષક લાગ્યા. બહુ જ આછા રંગોવાળી દીવાલ અને સાગના લાકડામાંથી બનાવેલ ફર્નીચર આખા ઘરને અનેરો ઓપ આપતા હતા. બારીમાંથી દેખાતા નાનકડી બાલ્કનીના નાના છોડવાઓ વરસાદ પછી સ્વચ્છ થઇ ખુશમિજાજ લાગ્યા. દરેક ઘરને પોતાની એક અલગ ઉર્જા હોય છે …નૈતિકના અજંપ મનને અહીં શાંતિનો અનુભવ થયો .
રસોડામાં ફ્રીજમાંથી બોટલ કાઢી ઠંડામાં સાદું પાણી ભેળવતી ત્વરાના મનમાં ભૂત અને વર્તમાન કાળની ભેળસેળ થઇ રહી હતી. કેટલા વર્ષે નૈતિકને જોયા … ઉંમર બદલાય એ સાથે માણસ બદલાય ..અમે કેમ ભીતરથી જોડાયેલા રહ્યા ? ઓહ …. શું ખાસ કહેવું હશે ? એ સામેથી કહેશે કે મારે પૂછવું પડશે ? કેવી રીતે પૂછીશ ? દરવાજા પર લટકતું નાનકડું નેપકીન લઈ એણે મોઢા પર ફેરવી લીધું … જાણે યુવાન ત્વરાને આ આધેડ ત્વરાએ છાવરી લીધી. ટ્રેમાં ગ્લાસ મૂકી એ બહાર આવી.
થોડીક સ્વસ્થતા બંને પક્ષે છવાઈ ગઈ. હળવે ઘૂંટડે પાણી પી રહેલા નૈતિક સામે જોઈ ત્વરા બાજુમાં પડેલી ખુરશી પર બેઠી . મદ્રાસ સ્ટેશન પર એની ચિબુક પકડી મોંમાં દવા નાખતા નૈતિકની એક આછી છબી મન પર ઝબકી ગઈ . વાત શરુ કેમ કરવી એ અવઢવમાં બંને ચુપચાપ બેસી રહ્યા . નૈતિક શબ્દો ગોઠવતો રહ્યો અને ત્વરાએ પૂછી લીધું ‘શું વાત છે? બધું ઠીક છે ને ?’ કોલેજ પછી નોકરીઓની અરજીઓ અને ઈન્ટરવ્યું પછી ક્યારેક પત્રોમાં આમ કાળજીથી નૈતિકને આવું પૂછાઈ જતું એ ત્વરાને ઝડપથી યાદ આવી ગયું .
‘હમણાં પ્રેરણાનો ફોન હતો ….ધ્રુવના રીપોર્ટસ ઠીક નથી . મેં ડોક્ટરને ફોન કર્યો… એ બહુ ચિંતિત લાગ્યા ..કશું સ્પષ્ટ ખબર નથી પણ કાલે બાયોપ્સી માટે ધ્રુવને હોસ્પીટલમાં દાખલ કરવાનો છે …બપોરે ૩ વાગે એક મીટીંગમાં જવું જરૂરી છે એટલે સાંજની બસમાં જવાનું છે… ત્યાં તો મુસીબતોમાં પરિવાર અને મિત્રોથી ઘેરાઈને સચવાઈ જતો . અહીં નવી નોકરી … નવી જગ્યા … આટલે દૂર બેસી એકલા સાંજ નહી જ પડે એવું લાગ્યું …અહીં તારા સિવાય કોણ છે જેની પાસે હું દિલ ખોલી શકું ? ‘ કટકે કટકે આટલું બોલતા નૈતિકની આંખો સહેજ ભીની થઇ ગઈ . ત્વરા શું કહેવું એ કશ્મકશમાં પડી ગઈ.
આશ્વાસન એક બહુ પડકારરૂપ બાબત છે . કપરા સમયે સાવ ઔપચારિક ન લાગે એવા શબ્દો આમેય જડતા નથી .વળી લાગણીશીલ માણસો માટે શબ્દોનો સહારો બહુ મજબુત નથી હોતો. સામે જો પોતાનું સ્વજન હોય તો સંજોગો વધુ નાજુક થઇ જાય છે ..પણ સારું છે પ્રેમને …લાગણીને ભાષા નથી હોતી ….એકાદ હુંફાળો સ્પર્શ કે એકબીજાનું સાનિધ્ય બહુ મોટો આશરો બની જાય છે .
સ્પર્શ લાગણી વહાવી શકે પણ ત્વરા નૈતિકની મિત્ર જ નહિ પ્રેરકની પત્ની પણ છે …એ એક અચકાટ સાથે એ નૈતિક સામે કરુણ નજરે જોઈ રહી. એના પ્રિય પુરુષને આવી હાલતમાં જોઈ એનું દિલ બહુ દુઃખી આવ્યું.
જ્યારે નૈતિકને આજે એ સહારો વર્ષો પહેલા એના મનમાં દટાઈ ગયેલા એક વણકહ્યા સંબંધમાં દેખાયો . એને હજુ સમજાતું ન હતું કે ત્વરામાં એણે આજ સુધી એવું ખાસ શું જોયું છે કે એ એની પાસે ખેંચાઈ આવે છે . આજે પણ એને ત્વરા પાસે આવી જવાનું એની સાથે વાત કરવાનું કેમ સુઝ્યું ? આ એની અસ્વસ્થતા હતી કે ત્વરા તરફની આસ્થા ?
શબ્દો આમ તો વજન વગરના હોય છે પણ આવા સંજોગોમાં ખુબ ભારરૂપ લાગે એટલે ત્વરાએ બહુ ઓછા શબ્દોમાં ‘હજુ રીપોર્ટસ આવવાના બાકી છે અને અત્યારથી તમે ચિંતા કરો એ કેમ ચાલશે ? તમે જો આટલા ભાંગી પડશો તો કેમ ચાલશે ? તમારે પ્રેરણાનું પણ વિચારવાનું છે ….બધું ઠીક થઇ થશે ‘ ભરપુર લાગણીભર્યા અવાજે આશ્વાસન આપ્યું . દુઃખ કે ચિંતાભર્યા દિવસોમાં…..ક્ષણોમાં કોઈ સલાહ કે આશ્વાસન કરતા કોઈ સાંભળનારની જરૂર હોય છે . ત્વરાએ ધીમે ધીમે ખુલી રહેલા નૈતિકને સાંભળ્યા કર્યો . નૈતિકને કેમ્પ વખતની બધાને સાંભળ્યા કરતી ત્વરા યાદ આવી ગઈ.
નૈતિકે વારંવાર તાવ, શરદી અને નબળાઈથી પટકાયા કરતા ધ્રુવ વિષે વાત કરી. એકદમ મજબુત નૈતિક એકલતાના કારણે અને હવે ત્વરા છે એ વિચારે અહીં સુધી દોરાઈ આવ્યો એવું એણે વારંવાર કહ્યા કર્યું. એની મૂંઝવણ અને માનસિક સ્થિતિ ત્વરા બરાબર સમજી શકી. …જોકે એના મનના એકાદ ખૂણે એને નૈતિકનું આ અવલંબન રીતસર ગમ્યું. નૈતિકના હ્રદયમાં પોતે હજુ પણ વસી રહી છે એવું એને લાગ્યું .ત્વરાએ મનમાં લીલીછમ લાગણીઓનો પગપેસારો મહેસુસ કર્યો. એ વધુ વિસ્તરે એ પહેલા ‘મમ્મી, હજુ તું ગઈ નથી ?’ એમ બોલતી પ્રાપ્તિ એના રૂમમાંથી બહાર આવી . હોલમાં બેઠેલા અજાણ્યા અંકલને જોઈ થોડી ખચકાઈ ગઈ .
ત્વરાએ ઉભા થતા પ્રાપ્તિની ઓળખાણ નૈતિક સાથે કરાવી …અને ‘તમે બંને વાતો કરો હું હમણાં આવી’ એમ કહી એ રસોડા તરફ ગઈ. પ્રાપ્તિ બિન્દાસ સોફા પર પલોઠી વાળી બેસી ગઈ
મમ્મીના દોસ્તને મળીને પ્રાપ્તિને એક નવો અનુભવ થઇ રહ્યો હતો. એને નૈતિક પાસેથી જૂની ત્વરા વિષે ઘણું બધું જાણવાની ઈચ્છા થઇ આવી.
‘ ઓછા બોલી મમ્મી અને વાચાળ પપ્પા , ખબર નથી આવું ડેડલી કોમ્બીનેશન આટલું સફળ કેવી રીતે રહ્યું . પણ પપ્પા કહેતા કે એ બહુ ઓછું બોલતી. હવે ઘણી સુધરી છે … તો તમે તો મમ્મી સાથે કેમ્પમાં હતા ..કોલેજના સમયમાં પણ મમ્મી સાવ ખપ પૂરતું જ બોલતી ? ‘ તમારાથી મમ્મી ઘણી ઈમ્પ્રેસ હતી એ પણ મને ખબર છે . મસ્ત વાત કહેવાય નહી ? મને હમણાં જ ખબર પડી અને બસ ત્યારથી તમને મળવાનું મન હતું ..wow , મને તમે આવ્યા એ બહુ ગમ્યું . ‘
એકધારું બોલતું ત્વરાનું પ્રતિબિંબ નૈતિક જોઈ જ રહ્યો . નિખાલસ , જીવંત , ચુલબુલી છોકરી …નૈતિક બે ઘડી પોતાના બધા દુઃખો ભૂલી ગયો .
એના મોં પર હાસ્ય અને ખુશી બેસી ગયા. આખા ઘરના લોકોની પારદર્શિતા જોઈ નૈતિક અચંબામાં પડી ગયો . ‘ પપ્પા હમણાં આવશે , એ પણ તમને જોઈ રાજી થશે. તો બોલો , મમ્મી વિષે મને ખબર ન હોય એવું કશુંક કહો.’ પ્રાપ્તિએ પ્રેરકનો ઉલ્લેખ સાવ અજાણતામાં કર્યો પણ પછી નૈતિકના શબ્દો ગોથા ખાઈ જવા લાગ્યા. ત્વરાની વાત કહેવાથી છટકવા ‘ તું તો તારા મમ્મી વિષે બધું જાણતી જ હોય ને ..!! ‘ એમ કહી વાતનું વહેણ બદલી પ્રાપ્તિ શું ભણે છે અને ભવિષ્યના શું વિચાર છે એ પૂછવા લાગ્યો . પ્રેરક આવે એ પહેલા પોતે જતા રહેવું જોઈએ એવું એણે મનોમન નક્કી કરી લીધું … એક વાર ત્વરા આવીને ગઈ …બંનેને વાતો કરતા જોઈ , નૈતિકને થોડો હળવો થતા જોઈ મનમાં ખુશ થઇ ‘આ બહુ બડબડ કરશે’ એમ કહી એ હાથમાં મોબાઈલ લઇ પાછી અંદર ગઈ.
રસોડામાંથી ‘પ્રાપ્તિ, બે મિનીટ અંદર આવજે’ એવો અવાજ સંભળાતા ‘હમણાં આવું ..અંકલ’ કહી પ્રાપ્તિ અંદર ભાગી . નૈતિકના મોં પર હવે સ્મિત છવાયું હતું … જાણે અજાણે એના મનમાં અનુષ્કા અને પ્રાપ્તિની સરખામણી થઇ ગઈ .
ત્યાં જ ત્વરાએ આવી હાથમાંના મોબાઈલ ફોનને નૈતિક તરફ ધર્યો ‘ પ્રેરક છે , વાત કરો ‘ નૈતિકે હાથ લંબાવી ફોન તો લીધો પણ એ રીતસર ડઘાઈ ગયો . કાને ફોન લગાડી ‘હેલો’ બોલતા સુધીમાં એના શ્વાસ અધ્ધર થઇ ગયા.
સામેથી એક પડછંદ અવાજ વહી આવ્યો . ‘hi નૈતિક , પ્રેરક બોલું છું . ત્વરાએ હમણાં જ બધી વાત કરી . ફિકર નોટ . આપણે સારું જ વિચારીએ ..સારું જ થશે . જામનગર જઈ આવો . મને નથી લાગતું કે કશું ગંભીર હશે પણ જરૂર પડે તો અહીં અમદાવાદમાં ડોક્ટરોની ફોજ ઉભી કરી દેશું . ગઈ રાતે અહીં ક્લબમાં થોડી ભાંગફોડ થઇ છે .પોલીસ તપાસ ચાલુ છે અને મારું રોકાવું જરૂરી છે નહિતર પાકું મળત.’ સામે નૈતિક એ ઘેરા અવાજના અસ્ખલિત પ્રભાવમાં ‘હા ,thank you’ થી વધુ ન બોલી શક્યો . ફરી પાછો પ્રેરક બોલ્યો ‘ દીકરાની બરાબર સારવાર કરવી પાછા આવો ત્યારે જણાવજો સાથે જમીશું અને આમ પણ તમારી વિષે ત્વરા પાસેથી બહુ વર્ષો પહેલા સાંભળ્યું હતું . એટલેય મળવું જરૂરી છે ..તો મળીએ……બોસ ‘
ત્વરા એકધારું એની સામે જોઈ રહી હતી …પતિ અને મિત્ર આવી સહજતાથી વાતો કરે છે … એ ખુશખુશાલ થઇ ગઈ…નૈતિક ‘આવીશ .. જરૂર મળીશું’ બોલી ગયો. વાત પૂરી થતા ફોન એણે ત્વરાને આપી દીધો . પ્રાપ્તિ ચા નાસ્તાની ટ્રે લઇને આવી . ત્વરા પ્રેરક સાથે નૈતિકની વાત કરાવી સાવ હળવાશ અનુભવી રહી હતી.
નૈતિકનો ફોન વાગતા એક ચુપી છવાઈ ગઈ .સામે પ્રેરણા હતી .પ્રાપ્તિ ઉઠીને અંદર જતી રહી .ત્વરાએ પણ ખાલી કપ અને ટ્રે લઇ રસોડામાં મુકવાના બહાને નૈતિકને વાત કરવાની મોકળાશ કરી આપી .. નૈતિકે વાત કરી ફોન બંધ કર્યો. ત્વરાની અપેક્ષા જરૂર હતી કે નૈતિક એની વાત પ્રેરણા સાથે કરાવશે .પણ આ સંજોગોમાં કદાચ મનોમન તૈયાર નહી હોય એમ માની મન મનાવી લીધું. તો પાછી આવેલી ત્વરાના ચહેરાને જોઈ નૈતિક એજ બાબતે એક ગીલ્ટ અનુભવી રહ્યો.
ત્વરાએ સિફતથી વાત ફેરવી લીધી ‘પ્રાપ્તિની કાલે ટેસ્ટ છે એટલે વાંચવા ગઈ … અનુષ્કા ભણવામાં કેવી છે ?’ ‘સરસ પણ થોડી જીદ્દી છે …પ્રાપ્તિને જોઈ એ જ યાદ આવી ‘ એક ઝાંખો ફરિયાદનો સૂર સંભળાયો . પણ નૈતિકે તરત વાત બદલી નાખી. ફરી પાછી ધ્રુવની વાતો થવા લાગી …આજે થોડું જમ્યો છે … ઠીક છે …પ્રેરણાએ કહ્યું હતું.
‘તારે બેંકે જવાનું હશે..ચાલ . હું હવે નીકળું’ કહેતો નૈતિક ઉભો થયો. ત્વરાને એને જવા દેવાનું મન તો ન હતું .પણ વધુ રોકી પણ ના શકી . ઝડપથી એક નિર્ણય કરી લીધો અને પ્રાપ્તિને જણાવી નૈતિક સાથે જ એ પણ બહાર નીકળી. આજે એકટીવા નહી રિક્ષામાં જવું એને ઠીક લાગ્યું. રિક્ષામાં નૈતિકની સાવ બાજુમાં બેસતા એને બસની એ મુસાફરી યાદ આવી ગઈ …એણે બહાર જોવા માંડ્યું. કૈક એવી જ હાલત નૈતિકની હતી.
એણે ધીમેથી પૂછ્યું :’ત્વરા, તારા ઘરે આવી ચડ્યો એનું તને ખરાબ તો નથી લાગ્યું ને ..? પણ મને બીજું કશું સુઝ્યું જ નહિ .’ ભાવવાહી આંખો નૈતિક તરફ ફેરવી ત્વરાએ પૂછ્યું …’કોના વર્તનથી દૂભાઈને આવો સવાલ કરો છો ? મારા , પ્રાપ્તિના કે પ્રેરકના ? તમે આવ્યા એ શું કામ ન ગમે ? મારા મિત્ર છો આવી જ શકો. પ્રેરક હોત તો તને વધુ સારું લાગત.’ બેંક આવતા નૈતિક પણ રિક્ષામાંથી ઉતરી પડ્યો.
ત્વરા સાથે હજુ થોડી વાતો કર્યા કરવાનું નૈતિકનું મન હતું. પણ નેન્સીનો ફોન આવ્યો ‘મેસેજથી કોન્ટેક્ટમાં રહીશ..તમે ખોટી ચિંતા ન કરતા જોજો ધ્રુવના રીપોર્ટ સારા જ આવશે .’ કહેતી ત્વરાએ બેંકમાં જવા પગ ઉપડ્યા . બીજી રિક્ષામાં બેસી નૈતિક ઓફિસે ગયો . મીટીંગ પતાવી રજા મૂકી એ રૂમ પર જઈ એ આડો પડ્યો … ત્વરાને ત્યાં થોડો નાસ્તો કર્યો હતો અને ધ્રુવની ચિંતા …જમવાની રૂચી થઇ જ નહી . એકલો પડતા નૈતિક વિચારોથી ઘેરાઈ ગયો ….પોતે ત્વરાના ઘર સુધી આવી ગયો અને એના ઘરે કોઈ ત્વરા વિષે જાણતું નથી .કહેવું છે પણ કઈ રીતે એ સમજતું નથી . અને હવે ધ્રુવની આ હાલત . હમણાં કહી પણ શી રીતે શકાય ?
વીતી ગયેલી ઘટનાઓ આપણે મન પર પડેલા રેતીના પગલાની જેમ મન પરથી ખેરવી..ઝાટકી ..ખંખેરી ..વિખેરી નાખવા માંગતા હોઈએ છીએ પણ એ જ યાદોને વાગોળ્યા કરી …ચગળ્યા કરી ભીની માટીમાં પડેલા પગલાની જેમ એની છાપ મન પરથી ભૂંસવામાં નિષ્ફળ રહીએ છીએ. એ પછી સંબંધ હોય કે સ્મરણ હોય …વ્યક્તિ હોય કે વ્યથા હોય……એમ જલ્દી પીછો ક્યાં છોડે છે….!!
એક મુલાકાત પછી તો ત્વરા એના મન પર વધુને વધુ કબજો કરવા લાગી હતી .વર્ષો પહેલાની કેમ્પમાંની ત્વરા અને આજની ગૃહિણી ત્વરા બંનેમાં નૈતિક પોતાની ‘ખાસ’ ત્વરાને શોધવાની અકારણ મહેનત કરવા માંડ્યો . એને સમજાયું નહી કે ઈર્ષ્યા એને ત્વરાની થઇ રહી હતી કે પ્રેરકની ….!!! . એકબીજા સાથે એટલું ખુલીને વાત કરતા પતિપત્ની વચ્ચે કેવો તંદુરસ્ત સંબંધ હશે …!! પોતાના જીવનમાં ત્વરા હોત તો પોતે પ્રેરક જેવો બની શક્યો હોત ? એવો સવાલ એણે અજાણતામાં જાતને કરી લીધો. જવાબ ન આપી શકાયો. આમ પણ જાતને જવાબ આપવો બહુ આકરો હોય છે . રહી રહીને એની નજર મોબાઈલ ફોન તરફ લંબાયા કરતી હતી. ધ્રુવની ચિંતાથી દૂર રહેવા એને ત્વરા સાથે વાતો કર્યા કરવાનું મન થયા કરતું હતું કે પોતાની ઈચ્છાને કારણે ? એક નવો સવાલ ઉઠ્યો …જેનો જવાબ પણ એ આપી શકે તેમ ન હતો.
કશું ન સુઝતા એણે ત્વરાને મેસેજ કર્યો ….’ મારી ઓળખાણ પ્રેરકને કેવી રીતે આપી છે ?’ સામેથી એક સ્માઈલી જવાબમાં આવ્યું . અકળામણમાં વધારો થયો …સામે ‘એટલે?’ એવો મેસેજ પાછો ગયો . ‘તમે મને ગમતા ….!!!’ એવો જવાબ આવતા આજે પ્રેરક સાથે થયેલી વાત યાદ આવી . my God . કેવો સહજ માણસ છે આ …!!!
ત્વરાએ ધ્રુવ અને નૈતિકની આજની મુલાકાત વિષે નેન્સીને જણાવ્યું . નેન્સી પણ ધ્રુવ માટે દુઃખી થઇ . પણ પ્રેરકના વખાણ કર્યા વગર ન રહી શકી . ત્વરાએ એક અભિમાનથી નેન્સીને નૈતિકનું આગમન અને એ વખતનો સમય એ ખુબ સારી રીતે સંભાળી શકી એ પણ કહી દીધું .
સાંજે બસમાં બેઠા પછી ફેસબુક તો ચાલુ ન કરી શક્યો પણ મેસેજથી ત્વરાને જણાવી દીધું . સામે ‘આરામથી સુઈ જજો ..સવારે પહોંચીને મેસેજ કરી દેજો’ એવો મેસેજ ત્વરાએ કરી દીધો.
આજની નૈતિકની મુલાકાત વિષે અને ધ્રુવની તબિયત વિષે એની પ્રેરક અને પ્રાપ્તિ વચ્ચે વાત થયા કરી. પ્રાપ્તિએ સમર્થ સામે જોતા મજાકમાં કીધું ‘ તને ખબર છે ? મમ્મીના ફ્રેન્ડ એ અંકલ બહુ cool છે. આજે થોડા ચિંતામાં હતા બાકી છે મસ્ત…!! ‘ પછી પ્રેરક સામે જોઈ પ્રાપ્તિએ આંખ મારી દીધી . ‘ પપ્પા,તમે કેવી રીતે મમ્મીને જીતી શક્યા …બદલી શક્યા ….એ આજે હું વિચારું છું ‘ સામે પ્રેરકે પણ મજાકના સૂરમાં જીવનનું એક સત્ય બોલી ગયો …. ‘ કોઈ કોઈને બદલતું નથી હોતું ….સાચી વાત તો એ છે કે દરેક પોતાની જરુરિયાત પ્રમાણે અને જેટલું બદલાતા હોય છે……!!! પછી ત્વરા સામે જોઈ બોલ્યો …’તારી મમ્મીને બદલાવું હશે એટલે એ બદલાઈ …!!’ ત્વરા રસોડામાં કામ સમેટતી આ બધી મસ્તી જોઈ હસી રહી હતી . પ્રેરકને આમ બોલતો સાંભળી એ વિચારે ચડી ….ખરેખર ને બદલાવું હતું એટલે એ બદલાઈ ? એ પ્રેરક સામે જોઈ રહી . એ પોતે એક નદી છે ..વહેતી , ઉછળતી , કૂદતી , ઓગળતી અંતે તો સમુદ્રમાં રૂપાંતરિત થઇ ગઈ કે સુંદર ફળદ્રુપ જમીન જેમાં પ્રેરક વિષે વવાયેલો આદર પ્રેમ બની ઉગી નીકળ્યો હતો ?
આ બાજુ નૈતિક પ્રેરણા અને એના સંબંધ વિષે વિચારી રહ્યો હતો. એક સુખી પુરુષ આજે એના સંસાર વિષે વિચારી રહ્યો હતો. એક સારો પતિ એક સારી પત્ની વિષે વિચારી રહ્યો હતો. ચીજ જેટલી નજીક હોય છે, એટલી જ વધુ નજર બહાર નીકળી જાય છે….એવું જ વ્યક્તિનું હોય છે ..સતત સાનિધ્ય કે એકધારાપણું સંબંધ માટે ક્યારેક જીવલેણ હોય છે .પણ આટલા દિવસ દૂર રહી નૈતિકને પોતાનો પરિવાર ખુબ યાદ આવ્યો …. તો પછી થોડાક દિવસના ત્વરાના સંપર્કથી એવું તો શું બદલાયું છે કે પોતે આવા વિચારે ચડ્યો છે. એક વાત સમજાઈ કે આપણે ભલે એને અવશેષ માનતા હોઈએ પણ લાગણી હંમેશા વિશેષ હોય છે …..
ફરી પાછુ એનું ધ્યાન ધ્રુવ તરફ ખસી ગયું …..અને એ ચિંતામાં ગરકાવ થઇ ગયો….!!!
રાતે સુતી વખતે પ્રેરકે કહ્યું ‘ધ્રુવ વિષે બાળકો સામે વધુ ચર્ચા કરી એમને upset ન કર્યા પણ ચિંતાજનક બાબત તો ગણાય જ ,. કેટલીક વાર નાની લાગતી બીમારી પાણીની અંદર રહેલા બરફના પહાડ જેવી હોય છે બહુ મોટું નુકશાન કરી બેસે. આશા કરીએ ધ્રુવ ઠીક હોય …તું નૈતિક સાથે સંપર્ક જાળવી સમાચાર લીધા કરજે ..’
પ્રેરકના સુઈ ગયા પછી ત્વરા ક્યાંય સુધી નૈતિક , એની મુલાકાત, ધ્રુવ , પ્રેરણા એ બધા વિષે વિચારતી રહી …. !!
સંબંધનો અર્થ જોડણીકોશમાં સાવ અલગ હોય છે અને જીવનકોશમાં સાવ અલગ હોય છે ….કારણ સંબંધ લખવાનાં કે વાંચવાના નહી જીવવાના હોય છે . જીવનનાં એક પછી એક પડાવે એક જ સંબંધના અલગ અલગ રૂપ જોવા મળે છે …..આવા સમયે એક મોટો સવાલ સામે આવી જાય છે મહત્વનું શું – સંબંધ કે વ્યક્તિ ? વ્યક્તિ છે તો સંબંધ છે કે સંબંધ છે તો વ્યક્તિ છે ?
નૈતિક મારા માટે શું છે ? કદાચ મિત્ર છે પણ પ્રેરણા માટે હું શું હોઈશ ? કોઇ નિયમ કે બંધન , ન અપેક્ષા કે શરત વગરનો સંબંધ હોઈ શકે ? હકીકત એ છે કે મિત્રતા આપણે જાતે બનાવેલો …કમાયેલો …મેળવેલો …કેળવેલો ..સીંચેલો સંબંધ હોય છે …એટલે આવા સંબંધને હર્યોભર્યો રાખવા …જાળવવામાં લોહીના સંબંધ કરતા પડકાર વધારે હોય ……..!!!
મારા તરફની પ્રેરકની આસ્થા અને નૈતિકનો અનુરાગ બંને મારે કોઈ પણ ભોગે જાળવી લેવાના છે …. એવું એણે જાતને વચન આપ્યું ત્યાં જ મેસેજ ટોન સંભળાયો …….નૈતિકનો મેસેજ હતો ..
૯ …
નૈતિકનો મેસેજ વાંચતા જ ત્વરા સ્તબ્ધ થઇ ગઈ .બાપ રે …નૈતિક આટલું બધું તીવ્રતાથી વિચારે છે ….અનુભવે છે ….!! અને મેં માન્યું કે એક જૂની ઓળખાણ તાજી થઇ બસ …!!! એના મનમાં એક ડર પણ ઉભો થયો …અને સંકોચ પણ . પણ પછી તરત થયું ચાલો વર્ષોથી રહી ગયેલું કહેવાઈ ગયું . એક સપનું સંપન્ન થયું હોય એમ એના મોં પર અનાયાસે એક સંતોષનું સ્મિત આવીને ગોઠવાઈ ગયું. એને આ મેસેજ ગમ્યો . એણે એક એક શબ્દને ફરી ફરી ..વારે વારે વાંચ્યા કર્યો ….અને અનુભવી પણ લીધો ….એ પળોમાં બેપળ જીવી પણ લીધું …આથી વિશેષ કરવાની એને સત્તા પણ ન હતી અને ઈચ્છા પણ નહી ….!!
આ બાજુ નૈતિકે પણ મેસેજ મોકલ્યા પછી એ જ વિચાર્યું …. ‘આવો મેસેજ આ ઉંમરે મેં મોકલ્યો ? કાશ , સાચા સમયે કહી શકાયું હોત …!!’ ધ્રુવની તબિયત અને ત્વરા સાથેની મુલાકાત આ બંને વચ્ચે એણે મધરાત સુધી પીસાયા કર્યું .સવારે જામનગર પહોચતા જ પહોંચ્યાંનો એક મેસેજ ત્વરાને કરી દીધો .
ઘરે પહોચી ફ્રેશ થઇ તરત ધ્રુવને દવાખાને દાખલ કરવાની દોડધામમાં એ પડી ગયો. પ્રેરણાની હાલત પણ ચિંતાના કારણે ખરાબ હતી ..એને પણ સંભાળવાની હતી …બાયોપ્સી … ઓહ ..!!
દવાખાનું શબ્દ જ એક તો ડરામણો છે અને સ્વજનની માંદગીના સમયે સારા કરતા ખરાબ વિચાર વધુ આવે છે એ પણ એક અણગમતી વાસ્તવિકતા છે . વ્રુક્ષો પાનખર અને વસંતને તટસ્થ ભાવે જોઈ શકે છે ….બદલાતી ઋતુ અને એની અસરોને પણ સહી શકે છે ….પણ માણસનો મૂળભૂત સ્વભાવ લાગણીશીલ અને ચંચળ હોવાથી જીવનમાં થતી નાની હલચલથી પણ બેબાકળો થઇ જાય છે . અને આવા સંજોગોમાં મનમાં ચિંતા અને અજંપાનું ઘોડાપૂર ઉભરાતું હોવા છતાં પુરુષ તરીકે મનને મજબુત રાખી બધાને સાચવવા પડતા હોય છે … નૈતિક એક પિતાની ભૂમિકામાં સંપૂર્ણ રીતે ઓતપ્રોત થઇ ગયો …..
પ્રેરણાના કુટુંબીઓ પણ ખડેપગે હતા. એ એક મોટો સધિયારો હતો. ડોક્ટર સાથે વિગતે વાત કરતા સમજાયું કે વારે વારે બીમાર પડતા ધ્રુવનાં આગલા રીપોર્ટસ પછી એને ટીબીના રીપોર્ટસ અને ગળામાં થયા કરતી ગાંઠ માટે બાયોપ્સી કરાવી જરૂરી છે . ટીબીનું નામ સાંભળતા જ નૈતિક ચોંકી ગયો. આજકાલ માથું ઉંચકેલ આ જીવલેણ બીમારી વિષે એણે ઘણું વાંચ્યું હતું . એટલે એ ગભરાઈ ગયો . ડોકટરે ફક્ત શંકા છે એટલે ન ગભરાઈ હિંમત રાખવા સલાહ આપી. પોતે કુટુંબથી દૂર ગયો અને આ મુસીબત આવી પડી એવું બધું વિચારતો એ જાતને દોષી માનવા લાગ્યો. એકલી પ્રેરણા કેટલા મોરચે લડતી હશે એ વિચારી એના પર દયા પણ આવી ગઈ. એકબીજાના સહારે આખો દિવસ નીકળી ગયો . એક રાત દવાખાને રહી બીજે દિવસે રજા મળવાની હતી અને રીપોર્ટસ જલ્દી આવવાના હતા.
ત્વરાને પોતાના કામો ઉપરાંત વિચારવા માટે હવે નૈતિક અને ધ્રુવના મુદ્દાઓ પણ મળી ગયા હતા. શું થયું હશે એવું એ સતત વિચાર્યા કરતી … પણ નૈતિકના છેલ્લા મેસેજ પછી સામેથી મેસેજ કરું કે નહી એ અવઢવમાં હતી. તો બીજી બાજુ નૈતિકને આવા સમયે સાથ આપવો જોઈએ એ પણ લાગતું હતું …અને એટલે એણે ‘ all well ? ‘ એવો મેસેજ કરી દીધો. સામેથી ‘hope so’ નો નાનકડો જવાબ ત્વરાએ બધું ઠીક હશે એ અર્થમાં લઇ તો લીધો . પણ એ મનમાં વધુ ખળભળાટ કરવા માટે પૂરતો હતો. ત્વરાને નૈતિકનો આવો ટૂંકો અને એકાક્ષરી જવાબ મળ્યો એટલે એ ન ગમ્યું. ત્યાં શું થઇ રહ્યું છે એ મને જણાવી ન શકાય ? એક જાતનો હક , એક જાતની અધિકારની લાગણી એના મન પર હાવી થઇ ગઈ હતી . નૈતિક વિષે બધું જાણી લેવાની , જાણ્યા કરવાની સતત ઈચ્છા થઇ આવતી હતી .
એણે નેન્સીને પણ નૈતિકનું આ વર્તન નથી ગમ્યું એમ કહ્યું. નેન્સીએ અત્યારે નૈતિક તકલીફમાં છે અને સમય આવશે ત્યારે જણાવશે એવું કહી વધુ ચર્ચા ન કરી .તો ઘરમાં પ્રેરક ત્વરાના મનની દરેક હલચલ અનુભવી રહ્યો હતો . આખરે એણે આ સ્ત્રી સાથે વર્ષો વિતાવ્યા હતા …!!! પ્રેરક સામેની વ્યક્તિને ખુબ સારી રીતે સમજી શકતો અને વધુ લાંબી ચર્ચા કે સામેવાળાને અપમાનજનક અવસ્થામાં મુક્યા વગર સમસ્યા હળવી કરી શકતો હતો …. ત્વરાની ધ્રુવ માટેની ચિંતા દ્વારા એ ત્વરાને નૈતિકની થોડું વધુ નજીક જતી પણ જોઈ રહ્યો હતો…. એણે એકાદ બે દિવસ પછી ફોન કરી જાણી લેવું એવી સલાહ ત્વરાને આપી દીધી …. !!!
બીજે દિવસે મોડી રાતે “બધું ઠીક છે …રીપોર્ટ આવે એની રાહમાં છું …ધ્રુવને તો એકદમ સારું છે “. એવો મેસેજ આવી ગયો એ પછી કોઈ વાત ન થઇ . ત્રીજે દિવસે .. પ્રેરણાની નામરજી છતાં વધુ રજા લેવાય એવું નથી એવું લાગતા રીપોર્ટસ આવે એટલે આવી જઈશ કહી નૈતિક અમદાવાદ જવા નીકળી ગયો .સવારે ૧૧ વાગે ત્વરાને ફોન કરી બધું જણાવી દીધું …
નૈતિકનો ફોન આવતા જ બધી ફરિયાદો ભૂલી એની સાથે દોસ્તી ઉપરાંત દર્દના સંબંધથી જોડાઈ ગઈ હોય તેવું ત્વરાને લાગ્યું … એકાદ બે મેસેજ કરીએ એ નૈતિકને આડકતરો સધિયારો આપ્યા કરતી … પણ રાતે ફેસબુકની ચેટ બોક્ષમાં નૈતિક રહી રહીને ત્વરાને જૂના દિવસોની યાદ અપાવ્યા કરતો …સ્મરણો પર ચડી ગયેલી ધૂળ એ ખંખેર્યા કરતો …બોટિંગ , કેમ્પ અને કોડાઈકેનાલની વાતો વાગોળવી એને ગમતી હતી ….નૈતિકને ત્વરા સાથે વધુને વધુ વાતો કરવી ગમતી …. સામે ત્વરા સતત એના અને પ્રેરકના સંસારની , સમજણની.. દોસ્તીની વાતો કર્યા કરતી. નૈતિક ત્વરા વિષે આટલા વર્ષોના એના જીવન વિષે જાણવા ઉત્સુકતા બતાવતો એટલે એક સમયની શાંત ત્વરા ખીલી જતી. પ્રેરક અને બંને બાળકોનો આજુબાજુ એની દુનિયા સીમિત હોય તેવું નૈતિકને લાગતું.એ કાયમ સકારાત્મક રહેતી. એ કહેતી :’મારું ..સુખ એટલે મારી આજુબાજુનું વાતાવરણ એટલે ઘર , પરિવાર , મિત્રો અને વ્યવસાય બધે જ મારા કારણે ખુશખુશાલ રહે તે.’ નૈતિક એને સાંભળ્યા કરતો .
અનુષ્કા અને ધ્રુવ વિષે ત્વરા એટલું જાણી ચુકી હતી કે જાણે એમને વર્ષોથી ઓળખતી હોય …એ બંને વિષે વાત કરતા ત્વરાના મનમાં રીતસર વ્હાલ ઉમડતું. એ વખતે નૈતિકને પહેલી વાર ફોન પર થયેલી વાત યાદ આવતી …’નૈતિકનો અંશ’ ધીમે ધીમે ત્વરાએ અનુભવ્યું કે નૈતિકને પ્રેરણાની વાત કરવામાં બહુ રસ નથી .એવું કેમ છે એ જાણવાની ઈચ્છા તો થઇ પણ હાલના સંજોગોમાં આવું પૂછવાથી નૈતિક કદાચ અપસેટ થાય એવું વિચારી એણે વધુ પૂછવાનું ટાળ્યા કર્યું …
કેટલીક વાર એક ડર કે અંદેશાથી આપણે કોઈ ખાસ વિષય સ્પર્શતા નથી …..ખોલતા નથી .કદાચ કશુંક ન ગમે એવું સાંભળવા મળી જાય એ એક મોટો ભય હોય છે .
ત્રણ ચાર દિવસ સુધી સતત ત્વરાની વાતો એની પૂછપરછ અને કાળજી ..સંભાળ નૈતિકને ધીમે ધીમે ખુબ ગમવા માંડી. આમ પણ ત્વરાની આભાથી એ પહેલેથી અંજાયેલો હતો ….આધેડ વયે પુરુષને લલચાવે એવું નહી …ગમ્યા કરે એવું ત્વરાનું આંતરિક સૌદર્ય નૈતિકને વધુને વધુ અભિભૂત કરતું ગયું.
દરેક વ્યક્તિમાં અંદર એક બીજો ‘સ્વ’ રહેતો હોય છે જે લોકોથી, દુનિયાથી એક્દમ ખાનગી હોય છે. પોતીકો..સાવ અંગત……અંગત….!!
નૈતિકનો આ સ્વ ત્વરાની સાથે વાત કર્યા કરવાથી ખીલવા અને ખુલવા માંડ્યો હતો. એને પોતાની જાત પણ ગમવા માંડી હતી .સાવ અજાણ્યે એના મનમાં ત્વરા અને પ્રેરણાની સરખામણી થયા કરતી . પ્રેરણા તરફ કોઈ ફરિયાદ , અણગમો કે એવી કોઈ લાગણી હોવાનું કોઈ કારણ જ નહોતું મળતું પણ તોય આ પડાવ પર મળેલી ત્વરાની દોસ્તી અજાણતામાં એને ખાસ લાગવા માંડી હતી. એક જાતનું એટેન્શન એને મળવા લાગ્યું એટલે હશે કે પછી એની ત્વરા તરફની સુકાઈ ગયેલી લાગણી પર લીલોતરી છવાઈ એટલે હશે કે પછી પુરુષ તરીકે એનો અહં સંતોષાવા લાગ્યો હતો ? એને પોતાને આ બધું સમજાતું ન હતું.
આવી જ હાલત ત્વરાની પણ થઇ રહી હતી….જેમ જેમ નૈતિક એના અને પ્રેરણા વિષે કહેવાનું ટાળતો ગયો તેમ તેમ ત્વરા એ સંબંધોને સમજવા મથ્યા કરતી હતી . એટલે જ રહી રહીને એ આ વિચારે ચડી જતી હતી. ક્યારેક પોતાની જાતને પણ પૂછી બેસતી ..’આ બધું જાણીને મારે શું કરવાનું છે ? નૈતિકના જીવનમાં આટલો બધો રસ મને કેમ પડે છે ? મારે શું સાંભળવું છે ? એ કે નૈતિક મને હજુ miss કરે છે ? અને એમની કશુંક ઠીક ન હોય તો હું રાજી થઈશ કે દુઃખી ? પણ એણે મનોમન ધ્રુવની તબિયત ઠીક થાય એટલે સામેથી પ્રેરણા તરફ મૈત્રીનો હાથ લંબાવવાનું નક્કી કરી લીધું .
વચ્ચે વચ્ચે પ્રેરક સાથે પ્રાપ્તિ પણ ધ્રુવ અને નૈતિક વિષે પુચ્છા કરી લેતી. એક આખો પરિવાર બીજા એક પરિવારની એક વ્યક્તિ સાથે જોડાઈ ગયો હતો. જયારે ત્વરા આ બધું નૈતિકને કહેતી ત્યારે નૈતિકને પોતાની જાત વામણી લાગતી. નવેસરથી ફૂટેલો એક આખો સંબંધ એણે પ્રેરણાથી છુપાવ્યો હતો એનો અપરાધભાવ તો હતો જ પણ ત્વરાને આ નહી કહી શકવા બદલ અફસોસ પણ થતો.પણ ધ્રુવની બીમારીના વિચારો અને ચિંતામાંથી દૂર રહેવા એને ત્વરાની લાગણીનો મજબુત સહારો મળી ગયો હતો .સહજભાવે એણે શબ્દોમાં મઢ્યા વગર પોતાને ત્વરાની કિંમત છે એવું દર્શાવવા માંડ્યું .
જો કે નૈતિકના આ મનોમંથનથી ત્વરા સાવ અજાણ હતી.એ તો એક નિર્ભયતાથી , નીડરતાથી નૈતિક સાથે જોડાયેલી રહેતી .સંબંધમાં નિર્ભયતા અરસપરસના વિશ્વાસનું પરિણામ અને પરિમાણ છે…!!! એને પ્રેરક અને એની પરિપક્વતા પર આંધળો વિશ્વાસ હતો અને પોતાની જાત પર પણ ખરો. નેન્સીને પણ હવે ત્વરાની ઝાઝી ચિંતા ન થતી … છતાં એના મનના એક ખૂણામાં પ્રેરણાના પ્રતિભાવ વિષે રહી રહીને શંકા જાગ્યા કરતી …એકાદ વાર ત્વરા સાથે આ વાતનો અછડતો ઉલ્લેખ પણ કર્યો …અને ત્વરા તો એવું વિચારતી જ હતી.
રીપોર્ટસ તો ન આવ્યા ..શનિવાર આવી ગયો …નૈતિક જામનગર જવા નીકળી ગયો .એક રાતે પ્રેરકના ખભા પર માથું મૂકી સુતેલી ત્વરાએ પ્રેરણા અને નૈતિકનાં સંબંધો વિષે વાત છેડી . એની વાત સાંભળી પ્રેરકે કહ્યું
‘ પુરુષ કે સ્ત્રી કોણ વધારે અધિકારભાવ ,માલિકીભાવ ધરાવે છે એ બહુ ચર્ચાઓ પછી નક્કી થઇ નથી શક્યું . દરેક વ્યક્તિ અલગ અલગ સમયે સાવ અલગ હોય છે . નૈતિકને આપણે એક મિત્ર તરીકે જ જોયો છે ..જોવો પણ જોઈએ …એ સામેથી ન કહે ત્યાં સુધી એના ઘરના લોકો વિષે ઝાઝું કુતૂહલ ઠીક નહિ …. હા , ધ્રુવ માટેની આપણી ફિકર વ્યાજબી છે . પણ આપણી સીમા એની મૈત્રી સુધી જ છે ..એથી આગળ આપણે કશું વિચારવું ન જોઈએ કે ચર્ચવું પણ ન જોઈએ ‘
ત્વરાએ ‘hmm hmm’ કરી સામે ચર્ચા કર્યા વગર બધું સાંભળ્યા કર્યું … જાણે એના દરેક દુઃખ, તકલીફ કે સમસ્યાનો હલ પ્રેરક પાસે જ હોય.
શનિવારે સવારે લગભગ ૧૧ વાગે રીપોર્ટસ આવી ગયા …બધાનાં માથા પરથી એક મોટો બોજ ઉતરી ગયો… ધ્રુવની રોગપ્રતિકારક શક્તિ ઘણી ક્ષીણ થઇ ગઈ હતી …એ સિવાય બધું ઠીક હતું …છતાં એના ખોરાક અને દવા વગેરેની અત્યંત સભાળ રાખવાની ડોકટરે તાકીદ આપી .એક મેસેજ ત્વરાને પણ મોકલાઈ ગયો ..ત્વરાને પણ હાશકારો થયો . જાણે અજાણે આપણા સુખ અને દુઃખની ચાવી આપણે બીજાઓના હાથમાં સોપી દેતા હોઈએ છીએ .એના મોં પરની રાહત જોઈ નેન્સી આવા વિચારે ચડી ગઈ.
ધ્રુવના નોર્મલ રીપોર્ટ પછી ઘરમાં આનંદ છવાયો હતો .પ્રેરણા અને અનુષ્કા ખુબ ખુશ હતા અને નૈતિક ખુબ ચિંતામુક્ત …!!!
એ રાતે એકદમ હળવાશભર્યા પતિપત્ની વીતેલા દિવસોની વાત કરી રહ્યા હતા .નૈતિક પ્રેરણાની વાતો સાંભળી રહ્યો હતો .પોતાની સંગીનીથી છૂપાવી રાખેલી ત્વરાની વાત આજે એના હોઠ પર આવી જ ગઈ . એણે બહુ સહજતાથી ઝાઝી સચ્ચાઈ અને થોડા જૂઠ મિશ્રિત વાત કરી દીધી. નવરા બેઠા ફેસબુક પર અચાનક કોઈ કોમન મિત્રની પોસ્ટ પર એ અને ત્વરા મળી ગયા અને કોઈક વાર વાતો કે મેસેજ થાય છે એટલું ઉપરછલ્લું કહી બાકીની બધી જ વાત સિફતથી છૂપાવી દીધી. અને આટલું કહ્યા પછી પ્રેરણાના હાવભાવ અને પ્રતિભાવ જોવા એ એની સામે જોઈ રહ્યો .
બહુ સરળ પણ નોકરી કરતી અને જમાનાને જાણતી પ્રેરણા થોડી વાર તો કશું ન બોલી શકી પછી વેધક નજરે નૈતિક સામે જોઈ એક ધારદાર સવાલ પૂછી લીધો.
‘જો તૂટે એ સંબંધ અને ટકે એ વ્યવહાર હોય તો આ સંબંધ ક્યારેય તૂટ્યો હતો કે વિસરાયો હતો ? અને જો તૂટ્યો હોય તો હવે ફક્ત વ્યવહાર જ નિભાવવાનો છે ને ?
નૈતિક સડક થઇ એની સામે જ જોઈ રહ્યો ..એને અંદેશો હતો કે પ્રેરણાને નહિ ગમે પણ આ ઉંમરે નૈતિક વિષે એ આવું વિચારી શકે છે એ જાણી એની ખુલ્લા દિલે કરવા ધારેલી વાતો કોચલું વળી પાછી વળી ગઈ …..સંબંધ અને વ્યવહાર આ બેમાં સાચું શું એ તો એ પણ જાણતો ન હતો .
એને એકદમ ચુપ થયેલો જોઈ પ્રેરણાએ ઉમેર્યું ..’ તમારી તરફ મને કોઈ ફરિયાદ નથી …..તમે એક પત્નીને મળવા જોઈતા કોઈ હકથી મને વંચિત રાખી જ નથી ….અને હું એટલી સંકુચિત પણ નથી કે તમારા પર અવિશ્વાસ કરું ..શંકા કરું …પણ ત્વરા નામ પડતા જ મને તૃષાએ કહેલી એકએક વાતો યાદ આવી જાય છે . અને આજે સાચું કહી દઉં …મારા મનનાં એક ખૂણે મને એવું હંમેશા લાગ્યું છે કે ત્વરા તમારા માટે બહુ ખાસ વ્યક્તિ છે …અમીટ યાદ છે અને હવે જ્યારે એ હકીકત બની સામે આવી છે ત્યારે મને સખત અસુરક્ષિતતાનો અનુભવ થઇ રહ્યો છે ….!! આપણા આટલા વર્ષના સાથ અને મોટા થયેલા બાળકો પર આની અસર ન પડે એ વિચારવાનું કામ હવે હું તમારા પર છોડું છું .’
એની ભરાઈ આવેલી આંખોમાં નૈતિક પ્રત્યેની અશ્રદ્ધા લાલશ બની પ્રસરેલી જોઈ નૈતિક નવેસરથી અવઢવમાં ફસાઈ ગયો … આ એક એવો ચક્રવ્યૂહ હતો જે એ જેટલી વાર સુલઝાવવાનો પ્રયત્ન કરતો એટલી વાર એ નાસીપાસ થતો ….એને ઘણું કહેવું હતું …ગયા થોડા દિવસોમાં એણે અનુભવેલી સાફદિલ ત્વરાની મૈત્રી.. ફિકર , પ્રેરકનો અદ્દભુત સ્વભાવ ,પ્રાપ્તિની મીઠાશ અને આખા પરિવારની સંભાળ વિષે …પણ વાતાવરણમાં એવો ભાર છવાઈ ગયો કે એના હોઠે આવેલા શબ્દો પાછા વળી રીતસર ઠુંઠવાઈ ગયા.
હવે પ્રેરણા પાસે વધુ વાત કરવાનો કોઈ અર્થ જ નથી એ એને સમજાઈ ગયું.વર્ષો સુધી મનમાં સંગ્રહીને પાળી પોષી ઉછેરેલા પૂર્વગ્રહને દૂર કરવો આમ પણ અશક્ય લાગે . પ્રેરણાની માનસિકતા અને આજે ખુલીને બહાર આવેલી અસુરક્ષિતતાએ નૈતિકને આગળ કશું બોલવા લાયક રાખ્યો જ નહી .
પ્રેરણા પણ વધુ બોલ્યા વગર ચુપચાપ સુઈ રહી .અલબત ઊંઘ તો નૈતિકને પણ ક્યાં આવવાની હતી …..!!
એ પણ વિચારના ચગડોળે ચડી ગયો હતો ….આટલા દિવસની અવઢવ અને અનિશ્ચિતતામાંથી આજે મુક્તિ થશે એવું એને વાતનો ઉપાડ કરતી વખતે લાગ્યું હતું…પ્રેરણા એના એકરાર ..નિખાલસતા અને એના પરના વિશ્વાસને સમજશે ….અને આખી વાત હળવાશથી લેશે …પણ હવે એને કેવી રીતે અને શેની સાબિતી જોઈએ છે ? આટલા વર્ષે નિષ્ઠા ,વફાદારી ,લાગણી અને વિશ્વાસની સાબિતી હજૂ આપવાની બાકી છે ?
પ્રેમ હોય , નફરત હોય કે ક્ષમતા હોય….જ્યારે આપણે કશુંક સાબિત કરવા લાગી પડીએ છીએ ત્યારે સાબૂત નથી રહેવાતું…..કશુંક કોઇક ખૂણે વિખેરાતું , વલોવાતું કે તૂટ્તુ હોય છે….બહુ સુક્ષ્મ રીતે …. સાબિત કરવું પડે એ સંજોગો જ મારકણા હોય છે ….. !!
લાગણીનો સ્વભાવ કંઇક વધારે જ ચંચળ છે ….. કોઇ નવી વ્યક્તિના ઉમેરાવાથી સમીકરણો બદલાતા વાર નથી લાગતી…….!
એક ઘા નૈતિકના મન પર લાગ્યો જે હવે ઘારું બનવા જઈ રહ્યો હતો .
૧૦ …
પ્રેરણા પણ આ શાબ્દિક ઝપાઝપી પછી…..બોલતા બોલાઈ ગયું પણ પછી પોતાની જાતને કોસતી રહી … વર્ષોથી દબાવી રાખેલો ઉકળાટ બહાર આવી ગયો એટલે થોડોક ક્ષોભ એને પણ થઇ આવ્યો .છતાં દરેક સામાન્ય સ્ત્રીની જેમ ‘મને કોઈ સમજતું નથી’ એવું વિચારીને પણ પોતાના મનની વાત નૈતિક સમજે એવી અપેક્ષા પણ રાખતી ગઈ . ત્વરા એને હવે આ વયે શું નુકશાન પહોચાડી શકે એ તો એને પણ ખબર ન હતી પણ નૈતિકના જીવનમાં ત્વરા સાચે જ હોય એ કલ્પના પણ એના માટે અસહ્ય બની રહી હતી . તૃષા પાસેથી ત્વરા વિષે જે પણ સાંભળેલું હતું એ પછી એનું મન સતત પોતાની જાતની ત્વરા સાથે સરખામણીમાં લાગેલું રહેતું હતું. અને હવે અમદાવાદમાં એકલા રહેતા નૈતિક સાથે એ ક્યારથી જોડાયેલી હશે અને વધુ તો હજુ પણ આસાનીથી જોડાયેલી રહેશે એ વિચારે એ વધુને વધુ નારાજ થઇ રહી હતી …
બે સાવ અજાણ્યા જણની જેમ બેય એકબીજાની બાજુમાં સૂઈ રહ્યા…પાસા ફેરવતા રહ્યા …. સંબંધ જયારે કરવટ લે છે ત્યારે કરવત જેવા લાગે છે . ઉચાટ અને અશાંત મનો સાથે જ સવાર પડી …!!
પ્રેરણા દૈનિક કામોમાં લાગી તો નૈતિક આજે થોડા વધુ સ્વસ્થ લાગતા ધ્રુવ સાથે એની તબિયતની સંભાળ વિષે વાત કરતો રહ્યો . જુવાન થયેલા બાળકો પોતાના શરીર તરફ પોતે જ ધ્યાન રાખવું પડે એવી વાતો કર્યા કરી … અનુષ્કાને નૈતિકની ગેરહાજરી નથી ગમતી એનો પણ હમણાં કોઈ ઈલાજ નથી એવું એ સમજાવી શક્યો .પ્રેરણા સાથે ખપ પૂરતી વાત થઇ એટલે બાળકો સુધી આ ખટરાગ ન પહોંચ્યો . બીજા કામો અને મુલાકાતોમાં આખો દિવસ પસાર થઇ ગયો ….થોડોક ખાલી સમય મળતા આરામ કરવા એ રૂમમાં આડો પડ્યો ….એની પાછળ અંદર આવી એના કપડા પેક કરતી પ્રેરણા સામે એ જોઈ રહ્યો …કોણ વાત કરવાની પહેલ કરે એ રાહમાં ચુપકેદી વધુ સમય ચાલી . અંતે ભારેખમ મૌન તોડતા નૈતિકે કહ્યું ..
‘ હું તો કાલે જઈશ ….એકલી પડે ત્યારે બને તો એક કામ કરજે …તારી જાતને આટલા વર્ષોના મારા વર્તનનો હિસાબ આપજે ….મનમાંથી બધી જ નકામી વાતો ભૂંસી નાખજે અને ન્યાય કરજે …કાંઈ નહિ તો છેવટે તારી જાતને મારી જગ્યાએ રાખીને બેઘડી વિચારી લેજે ….કદાચ મારી લાગણી ..મારી સચ્ચાઈ તને દેખાઈ આવશે …!!’
આટલું બોલતા એની આંખોમાં ભીનાશ તરવરી આવી એણે અવળી બાજુ પડખું ફરી લીધું . …પ્રેરણાના મનમાં એક ચચરાટી થઇ ઉઠી …!!
લગ્નજીવનમાં ગેરસમજણ પ્રેમના નહિ….ખુલ્લા મને થતી વાતચીતના અભાવે …મૈત્રીના અભાવે સર્જાતી હોય છે .દરેક દંપતી સાચો અને સારો સાથી સામેવાળી વ્યક્તિ હોય તેમ ઈચ્છે છે .પોતાને ગમે તેવી રીતે સામેવાળી વ્યક્તિ વર્તે એમ ઈચ્છે છે …અને તકલીફ એ છે કે બંને એમ જ ઈચ્છે છે.
રાતે બસમાં બેસી એ અમદાવાદ જવા નીકળી ગયો ..હાથમાં રહેલા મોબાઈલ તરફ વારે વારે એની નજર રોકાઈ જતી ….ત્વરાને મેસેજ કરું કે ન કરું એવી અવઢવમાં એ ગૂંચવાયા કર્યો . પણ પ્રેરણાની તાકીદ એને અંદરખાનેથી જાણે ટોકતી હોય ….રોકતી હોય તેવું એને લાગ્યા કર્યું …. સારું થયું કે પ્રેરણાને ત્વરા અમદાવાદમાં જ છે એ કહ્યું નથી નહિ તો એ શું કહેત કે કરત એ વિચાર જ નૈતિકને વધુ ગુસ્સો અપાવવા માટે પૂરતો હતો .એ આખા રસ્તે પ્રેરણા અને ત્વરા વિષે વિચારતો રહ્યો …
તક ક્યારેય ખાલી નથી જતી એક જણ ચૂકે તો બીજો ઝડપી લે છે …સાચા સમયે તક ઝડપી ન શકવાની સજા માણસ આખી જીંદગી ભોગવ્યા કરે છે …. એ અફસોસ પર સમજદારીનું ચમકતું આવરણ ચડાવી લોકોને એ ચળકાટથી આંજી જાતને છેતર્યા કરે છે .
ત્વરા પ્રત્યેની લાગણી સમયસર વ્યક્ત કરવાનું તો ચૂકાઈ જ ગયું પણ પ્રેરણાના મનમાંથી એ અસુરક્ષિતતાનો ભાવ સમયસર દૂર કરવાનુંય ચૂકાઈ ગયું હતું . એ હવે આ સંજોગોમાં એક સારો ..વ્હાલો અને વર્ષો પહેલા ઈચ્છેલો એક સંબંધ હાથમાંથી સરી જશે એ ડરે નૈતિકને સમજાઈ રહ્યું હતું .
દરેક વખતે મૌન રહી સાચા સમયની રાહ જોયા કરનારને એ સાચો સમય વીતી ગયાનું ભાન બહુ મોડું થતું હોય છે .
‘આજે સોમવાર છે ..નૈતિક પાછા આવશે …પણ રાતે બસમાં બેસવાથી માંડી હજુ એક પણ મેસેજ ન આવ્યો ….પણ પ્રેરકની વાત સાચી છે ..મારે સામેથી વધુ પૂછપરછ ન કરવી જોઈએ ‘ ત્વરા પણ આવા વિચારોમાં અટવાઈ રહી હતી …
વિચારોને કોઈ મૂળ નથી હોતા … એમને કોઈ ઘર નથી હોતું …એટલે આડેધડ …ઝૂંડમાં આવીને બધું ખેદાનમેદાન કરી જતા વિચારો સાથે સંઘર્ષ કરવો ખુબ અઘરો પડે છે ….
ફરી જોડાઈ ગયેલા બે જણ ફરી પાછા અંતરથી અંતર જાળવી જાણે વિખૂટા પડવા લાગ્યા હતા …એવું બંને પક્ષે અનુભવાઈ રહ્યું હતું. બંને પોતપોતાની સામાજિક જવાબદારીઓ સમજી રહ્યા હતા. ત્વરા અને નૈતિક આટલા વર્ષો એમના જીવનસાથીઓને વફાદાર રહ્યા .હવે આ નાની હલચલ એમના લગ્નજીવનના કાંગરા ન ખેરવે એ માટે બંને સતર્ક હોય તે સ્વાભાવિક હતું . પણ નૈતિકના મનમાં પ્રેરણા તરફ ફરિયાદ સાથે એક અણગમો ઉમેરાઈ ગયો હતો. એના અહં પર ,એની સુઝબુઝ પર સીધો વાર થયો હતો .
ત્વરાએ આ નવા ઉભરી આવેલા સંબંધને પારિવારિક સંબંધ બનાવી જાળવી ડહાપણ કર્યું તો સામે પ્રેરણા એક સરેરાશ સ્ત્રી સાબિત થઈને રહી ગઈ . નિખાલસ બનવું ને નિખાલસતા સહી શકવી એ બંને હિંમતવાનનું કામ છે . પ્રેરકે ખરો હિંમતવાન સાબિત થયો .અને નૈતિક એના જ જીવનમાં બનતી ઘટનાઓ તરફ સાવ પ્રેક્ષક બની રહ્યો .
પણ નૈતિકના ગયા પછી પ્રેરણા ખાસી અજંપ રહી ..અંતે એણે તૃષાને ફોન લગાવી આખો ઘટનાક્રમ કહી સંભળાવ્યો .આટઆટલા વર્ષ પછી પોતાની મજાકને ગંભીર સ્વરૂપ આપી હિજરાયા કરતી પ્રેરણાને સાંભળી તૃષાને પ્રેરણાની રીતસર દયા તો આવી સાથે ગુસ્સો પણ આવી ગયો . એણે નૈતિક અને પ્રેરણાનો સુખી સંસાર જોયો હતો .પણ પોતાની એક નિર્દોષ જેવી લાગતી મજાકનાં કારણે બહારથી હસતો ખીલતો લાગતો એક પરિવાર વારે વારે ધારણાઓ અને વહેમોમાં સપડાતો રહ્યો હતો એ જાણી એણે પોતાની જાતને પણ ખુબ ટપારી લીધી …એને ખુબ જ અફસોસ થયો …પણ કોઈક કોઈકને કોઈક કાળે થોડું વધુ ગમ્યું હોય તે વાત આટલો મોટો ખટરાગ પેદા કરી શકે એ એના માનવામાં આવતું ન હતું એટલે એણે મનમાં આવી ફરિયાદ અને શંકા રાખીને જીવી રહેલી પ્રેરણાને એણે ઘણો ઠપકો આપ્યો .અને આવી રીતે નિખાલસતાથી ત્વરા સાથેની નવી દોસ્તીનો એકરાર કરનારા નૈતિકના અહં પર વાર કરવા બદલ ખુબ ખીજાઈ લીધું. તૃષા બરાબર સમજી હતી કે પ્રેરણાના આવા સ્વભાવ છતાં નૈતિકે છૂપાવ્યા વગર વાત કરી એ એની પ્રમાણિકતા હતી . અને આવી રીતે વાતને વળાંક આપ્યો એ પ્રેરણાની અસુરક્ષિતતાની લાગણી અને અપરિપક્વતા હતી. હવે બગડેલી બાજી સુધારવાનું કામ પ્રેરણાનું જ છે એમ એણે સ્પષ્ટ કરી દીધું .. …પણ તૃષાના મનમાં પણ ત્વરા સાથે વાત કરવાનું , એના વિષે જાણવાનું જાગી ઉઠ્યું ….જૂની દોસ્ત હતી … નૈતિક પાસેથી એની માહિતી લઈશ એવું મનોમન નક્કી કરતી એ વિદાય થઇ .
તૃષાનો ઠપકો સાંભળી આટલા વર્ષો ખુબ નજીક રહેલા નૈતિકને એક ઝાટકે દૂર કર્યા પછી પ્રેરણા હવે દુઃખી દુઃખી થઇ ગઈ.પોતાની ભૂલ હવે એને સમજવા લાગી હતી પણ એ કબૂલ કેવી રીતે કરવી એ સમજાતું ન હતું . હવે શું કરી શકાય એ બધી શક્યતાઓ વિષે વિચારી શકવું મૂંઝાયેલી પ્રેરણા માટે લગભગ અશક્ય હતું . ધ્રુવની બીમારીની ચિંતામાંથી બહાર આવેલી પ્રેરણા હવે આ નવી ચિંતામાં ડૂબી રહી હતી.
વ્રુક્ષો જેમ પાંદડા અને ડાળખાં ખેરવે છે તેમ કેટલાક સંબંધો સૂકાઈને ખરી ….સરી જાય છે …..વ્રુક્ષોનું તો કહી પણ શકાય કે કદાચ ઉગશે ….ફોરશે ….કોળશે …પણ માવજતના અભાવે સરી ..ખરી કે સૂકાઈ ગયેલા સંબંધોનું એવું કહી શકાય ?
બોલાતા શબ્દો ભલે અદ્રશ્ય હોય પણ એમની ધાર બહુ અણીયાળી હોય છે …. લાગણીના ચાબખા પર ફરિયાદ લપેટી એણે સંવેદનશીલ નૈતિકને તો ઘાયલ કરી જ નાખ્યો હતો પણ સાથે સાથે પોતે પણ ઘાયલ થઇ રહી હતી … અને ભૂલ એ થઇ હતી કે આ વખતે લાગણી ઓછી પણ ફરિયાદ વધુ ધારદાર દેખાઈ આવી હતી .બંને વચ્ચેની ગેરસમજ અને અવિશ્વાસ હવે સાવ ઉઘાડા પડી ગયા હતા . હવે એ બેઉ વચ્ચે પડેલી ખાઈને કેવી રીતે ભરવી એ એક મોટો પડકાર હતો .
અમદાવાદ આવીને સીધો નૈતિક ઓફીસે જવા નીકળી ગયો .વારે વારે એની અવશ નજર ફોન તરફ ફરી વળતી .પણ પ્રેરણા કે ત્વરાને મેસેજ કે ફોન ન જ કર્યો ……એકબીજા તરફથી મેસેજ કે કોલની અપેક્ષામાં આખો દિવસ વીતી ગયો. દિવસને અંતે એક ખટકો નૈતિક, પ્રેરણા અને ત્વરાના ત્રણેયના મનમાં વ્યાપી ગયો … !!
પણ તોય રાતે એ જ છૂપાવેલી અપેક્ષા સાથે બંને ઓનલાઈન થયા અને થોડા ખચકાટ પછી અવશપણે “hi આવી ગયા?” ….”આવી ગયો” જેવી સામાન્ય વાતોથી ચેટીંગ શરુ થયું .
અંતે ત્વરાએ જ્યારે ફરી એક વાર પ્રેરણા સાથે વાત કરવાની ઈચ્છા જાહેર કરી એ બાબતે વધુ પુછપરછ કરતા નૈતિકે આ જ સાચો સમય છે એમ વિચારી મન મક્કમ કરી આટલા દિવસ મન ખોલીને ન કહેલી વાતો ત્વરાને કહી દીધી …સાથે સાથે પોતે દિલગીર અને નિસહાય હોવાનું પણ જણાવી દીધું. પ્રેરણાને સમજાવી શકવી એના માટે હવે ખુબ અઘરું હતું અને એની જાણ બહાર જ એ ત્વરા સાથે વાત કરી શકશે એ પણ એણે તૃષાની મસ્તી અને પ્રેરણાની મનોસ્થિતિ સમજાવી લખ્યા કર્યું …
ત્વરા એક આઘાત સાથે આ બધું વાંચતી રહી … બધું વાંચી-સમજી એક સ્પષ્ટ સવાલ એણે નૈતિકને પૂછી લીધો …
‘ તૃષાની એક નાનકડી મસ્તીથી પ્રેરણા મારા વિરુદ્ધ આટલું નબળું વિચારે છે એ જ મારા માટે દુઃખદ વાત છે … તમે આટલા વર્ષમાં એના મનનું સમાધાન નથી કરી શક્યા એ તો સાવ ન માની શકાય તેવી વાત નથી ? આટલા બધા વર્ષો એકબીજા સાથે કોઈ સંપર્ક ન હોવા છતાં તમે એવું તો શું કરતા હતા કે પ્રેરણા આ વાતને વિસારે પાડી જ ન શકી ? ‘
‘ખબર નથી ત્વરા , પણ સાચું કહું છું ..જ્યારે જ્યારે તારો ઉલ્લેખ થતો ત્યારે ત્યારે હું મનના દરવાજાને સજ્જડ તાળા મારી જાણે એક બચાવના મોડમાં આવી જતો એ સંબંધબચાવ મોડ હતો , લાગણીબચાવ મોડ હતો કે જાતબચાવના મોડ હતો એ તો મને પણ ખબર નથી …… 😦 આજે ચોખ્ખું કહી દઉં …મને તારી તરફ એક ખાસ લાગણી હતી અને છે …. અને એ હું પ્રેરણાને કેવી રીતે કહી શકું ? અને મારે મારી પત્ની પાસે કાંઈ જ ખોટું નહોતું બોલવું એટલે હું ચુપ રહી જતો …. ઉપરાંત મને હંમેશા એવું લાગ્યા કરતું કે આટલા વર્ષમાં કોઈ ફરજ નથી ચૂક્યો છતાં પ્રેરણા મારા પર શક કરતી હોય તો હું કેટલો વામણો માણસ ગણાઉં કે મારે રોજ ઉઠીને સાબિતીઓ આપ્યા કરવી પડે ? બસ, મારો અંહ , જીદ, નારાજગી અને તારા તરફનો અનુરાગ મને કશું બોલવા ન દેતા .બસ , મારી એ ચુપ્પીના મનમાન્યા અર્થો કાઢી પ્રેરણા દુઃખી થતી ગઈ અને મને દુઃખી કરતી ગઈ.’
ફટાફટ આટલું લખી નૈતિક શાંત થઇ ગયો.
ત્વરા પણ આવા સીધા એકરારથી હવે શું લખવું એ સમજી ન શકી. પણ મનની ખુબ અંદર એને આ ગમ્યું ખરું પણ પ્રેરણાની જાણ બહાર નૈતિક સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ એટલે પ્રેરણાને મન શું હશે એ સમજાતા એ સાવ થાકી ગઈ . એણે ટાઈપ કર્યું :
‘તો હવે તમે તમારા પરિવારથી છૂપાવીને મારી સાથે સંબંધ રાખી રહ્યા છો … અને હવે આ સંબંધને શું નામ આપશો ? ‘
અકળાયેલા નૈતિકે જવાબમાં લખી નાખ્યું : ‘ નામ વગરનો સંબંધ… 😦 ‘
આ સાંભળતા જ શાંત ત્વરા એકદમ ઉકળી ઉઠી …. નૈતિકની પ્રેરક સાથે પોતાના આખા કુટુંબ સાથે ઓળખાણ કરાવી અને એક સ્વસ્થ સંબંધ બાંધવા એણે કરેલા પ્રયત્નો પર નૈતિકે રીતસર અપમાનજનક રીતે પાણી ફેરવી દીધું હતું …. એક બહુ મોટો દરજ્જો એણે નૈતિકને આપી દીધો હતો અને આજે એ જ નૈતિક એમના નિર્દોષ સંબંધોને એક નામ પણ આપવા તૈયાર નથી એ જાણી એ રીતસર છટપટી ઉઠી . એણે ગુસ્સામાં ટાઈપ કરવા માંડ્યું :
‘આજે હું તમારી સાથે આટલી બિન્દાસ વાત કરું છું એનું કારણ એ છે કે મારું મન સાફ છે અને મારા પતિને આ બધું ખબર છે અને તમારી સાથે મારે કોઈ આડો સંબંધ નથી….એક તંદુરસ્ત દોસ્તી …જે આ ઉંમરે શોભે એ જ છે……પણ તમને તો એ કબૂલતા પણ આટલો વખત લાગે છે કે આપણે દોસ્ત છીએ ..!!!.. તમે એક નામ ન આપી શકો ? આપણે એટલા ખરાબ છીએ ? નામ વગરનો સંબંધ ? 😦 રોમાન્સ કરવાનો સમય તો ક્યારનો જતો ન રહ્યો?… જુવાન બાળકોના આપણે માતાપિતા છીએ ..હવે એકબીજાને મીત્રદાવે સાચવી લેવાનો સમય આવ્યો છે…એક હુંફ એથી વધુ શું ?.ધ્રુવની બીમારીની ચિંતા વખતે હું યાદ આવી એ યોગાનુયોગ હતો કે બીજું કોઈ ન હતું એ એક માત્ર કારણ હતું ?…સાથે રહીને નહી દૂર રહી દોસ્તી નિભાવીને સાથે રહેવાનો સમય છે….આથી વિશેષ કશું નથી…..એમાં પણ ડરવાનું ?…..જૂઓ ..એવું નથી કે હું તમારી દોસ્તી વગર મરી જઈશ … 😦 . પણ એક સરસ …તંદુરસ્ત સંબંધ હોય તો એ ખરાબ કહેવાય ?…..મારો ભગવાન સાક્ષી છે …હું મારા સંસારમાં ખુબ ખુશ છું અને તમારા માટે દિલથી દૂઆ છે કે તમે કાયમ ખુશ રહો …પ્રેરણા સાથે જ રહો..ખુબ ખુશ રહો ….!!
આટલું લખ્યા પછી જાણે શ્વાસ લેતી હોય તેમ ત્વરા અટકી ગઈ …
‘અરે ,એવું નથી પણ પ્રેરણાના મનનું સમાધાન હું કરી શકું તેમ નથી અને દોસ્તી કોઈ છૂપાવીને કરવાની વસ્તુ નથી … 😦 ..આપણે મિત્રો છીએ ? જો એમ હોય તો એમાં છૂપાવવા જેવું શું છે ? …. આપણે પ્રેમીઓ છીએ ? એ તો નથી જ ….!! તો હું શું નામ આપું ? તું મારી વાતનું આટલું ખરાબ ન લગાડ .:( ‘
એવા નૈતિકના જવાબમાં એણે લખ્યું….
‘ના ..હું જરાય ખરાબ નથી લગાડતી પણ તમારો એ ભ્રમ દુર કરી દઉં…..કલાકો સુધી ચેટ કરનારને…પોતાના જીવનની બધી વાતો , મુશીબતો શેર કરનારને ખબર ન હોય કે એનો સામે વાળી વ્યક્તિ સાથે સંબંધ શું છે ..? હું સારા અને ઉદાર મનની મિત્ર ખરી ….ભલી ખરી ભોળી નથી … 😦 મારા જીવનમાં તમે હોવાથી મને કોઈ ખતરો નથી …પણ એનાથી ઉલટું તમારે લાગે છે…. તમારી વિષે …પ્રેરણાના સ્વભાવ વિષે તમે જાણતા હોવા છતાં સામેથી મારો સંપર્ક કરવાનો….મારા ઘરે આવવાનો …મારી સાથે કનેક્ટેડ રહેવાનો હેતુ મને હવે નથી સમજાતો ….!!!
નૈતિક પાસે પોતાના મનમાં ઉઠતા સવાલો , પ્રેરણાના મનમાં ઉઠતી શંકા અને ત્વરાના મનમાં ઉઠતી ફરિયાદોના કોઈ જવાબ ન હતા … એ ચારેબાજુથી ઘેરાઈ ગયો હોય તેવું એને લાગવા માંડ્યું … પોતે ક્યાં ભૂલ કરી બેઠો એ જ એને સમજાતું ન હતું.
વાતના વેરવિખેર થયેલા તારને સરખી રીતે સંકેલ્યા વગર જાણે કાયમ માટે જૂદા પડતા હોય તેમ …કમને ગુડ નાઈટ કહી દઈ બંને ઉભડક, ઉચક અને ઘવાયેલા ચિત્તે ઓફલાઈન થયા. ત્વરા પાસે રોકાવાનું કારણ ન હતું તો નૈતિક પાસે રોકવાનું .
જેમ છેક કિનારાને સ્પર્શીને મોજાઓ પાછા ફરવા લાગે છે તેમ યાદોના ઝબકારે જેમ વીતેલા દિવસો પર ક્ષણભર પથરાયેલા અજવાળા ઝાંખા પડી રહ્યા હતા.
પથારીમાં પડતા જ નૈતિકની આંખો સજળ થઇ ઉઠી ….. ત્વરા એના માટે પહેલા શું હતી કે હવે છે એ એને પણ ખબર ન હતી …પણ હવે ફરી વાર ત્વરાને પોતાની જીંદગીથી દૂર થતી એ કેવી રીતે જોઈ શકશે એ વિચારે એ વિહ્વળ બની ગયો હતો … એને પણ ત્વરા સાથે સંપર્ક જાળવી જ રાખવો હતો …પણ પ્રેરણાની જાણબહાર જળવાયેલ એ સંબંધ કેટલો ઠીક કહેવાય ? છેતરામણી ન કહેવાય ? જો કે ત્વરાની બધી દલીલ સાથે એ સંમત હતો કે આ ઉંમરે દૂર રહીને બસ એકબીજાને એક સહારો કે સાથ આપવાની વાત ખોટી કેવી રીતે કહેવાય ? શારીરિક આકર્ષણ કે એવા કોઈ સંબંધોમાં સપડાઈ જવાનો ભય ત્વરા કે નૈતિક બેમાંથી કોઈને ન આવે એટલી પીઢતા બંનેમાં હતી અને એ રીતે બંને પોતાના જીવનસાથીઓ સાથે ખુશ પણ ક્યાં ન હતા ? ત્વરાને દુઃખી કરી હોવાના વિચારે નૈતિક નાસીપાસ થઇ ગયો ..
પ્રેરણા આ વાતને હળવાશથી ન જ લઇ શકી એનો સખ્ત અફસોસ અને ગ્લાની એને થઇ આવી …એક પુરુષ તરીકે એ ભલે સફળ રહ્યો હોય પણ એક પતિ તરીકે સાવ નિષ્ફળ ગયો હોય તેવું તેને લાગ્યું .. અને પ્રેરકની યાદ આવી જતા એનું મનમાં એક ગીલ્ટ અને નિરાશા ઉભી થઇ આવી .
આ બાજુ કોમ્પ્યુટર બંધ કરીને પ્રેરકની પડખે આવી આડી પડેલી ત્વરાની આંખોમાં પણ ક્યાં ઊંઘ હતી ? આટલી ખરાબ રીતે નૈતિક સાથે વાત કરવા બદલ એ પોતાની જાતને એ જરૂરી હતું એમ સમજાવવામાં લાગી હતી. ખુલ્લી આંખે છત સામે જોઈ રહેલી ત્વરાની આંખોમાંથી એ ગુસ્સો ખારું પાણી બની ઓશીકા પર ટપકી રહ્યો હતો. સ્વભાવે થોડું વધુ લાગણીશીલ હોવાથી સંબંધનો અસ્ત સ્ત્રીના મનમાં થોડો મોડો થતો હશે કે પછી વાતને વિસારે પાડવામાં થોડી વધારે વાર કદાચ વાતને વાગોળ્યા કરવાની આદત જવાબદાર હશે .પણ આટલા વર્ષે નૈતિકનું એના જીવનમાં પુનરાગમન અને ઉભી થયેલી સાવ અવઢવ જેવી સ્થિતિ ત્વરા માટે અસહ્ય બની રહી હતી.
કેટલાક સંબંધો માવઠા જેવા હોય છે ….સાવ બેમોસમી વરસાદ જેવા …..આવે ત્યારે ઘડી બેઘડી માટીની મહેક મનને તરોતાજા ..તરબતર કરી મુકે …પણ પછી બધું વેરવિખેર …..અસ્તવ્યસ્ત કરી મુકે …..!!!!
જેમતેમ સવાર પડી …. કોલેજમાં મીડ ટર્મ વેકેશન આપ્યું હોવાથી પ્રેરકે રજા લીધી …. એણે ત્વરાને પણ રજા લઈ લેવા આગ્રહ કર્યો ..આમ પણ ત્વરા ઘણી ઉદાસ હતી અને ઉજાગરાને કારણે એનું મન પણ હતું જ નહી ..એક ફોન નેન્સીને કરી ‘તબિયત ઠીક જ છે પણ પ્રેરક ઘરે છે એટલે અમસ્તી જ રજા લે છે’ એવું જણાવી દીધું .ગમે તેની સાથે તમે હસી શકો પણ આંસુ સારવા માટે એક મિત્ર મળવો બહુ દુર્લભ છે …. ત્વરા માટે નેન્સી એક સામાન્ય મિત્રથી ઘણી વિશેષ હતી એટલે એનાથી કોઈ વાત છૂપાવવી શક્ય ન હતી પણ રૂબરૂ મળીને બધી વાત અને મૂંઝવણ કહીશ એવું ત્વરાએ આશ્વાસન લઇ લીધું .
સવારથી ત્વરા ખુબ વિચારોમાં ખોવાયેલી જ આખા ઘરનું કામ સમેટતી ગઈ .ગઈ રાતે થયેલી વાતો રહી રહી એના મનને દૂભાવતી હતી…દુખાવતી હતી…નૈતિક આવી છૂપા છૂપી શા માટે રમે છે ? નૈતિક જેવા ઠરેલ માણસના જીવનમાં આટલી બધી ઉલઝનો હોય શકે એ માનવામાં ન આવે એવી વાત હતી .પણ એ ખોટુ પણ શા માટે બોલે ? પુરુષને પોતાનો અહં ન હોય ? આવા વિચારોમાં ત્વરા વ્યસ્ત રહી .
સવારે નૈતિક ઉજાગરાને કારણે સાવ થાકેલો ઉઠ્યો. ઉઠતાં વેંત ત્વરા સાથે રાતે થયેલી વાતો એને વીંટળાઈ ગઈ. એના લાગણીશીલ મનને હવે રહીરહીને પોતાની ભૂલ દેખાવા માંડી …. રેડિયો પરના એક કાર્યક્રમ અને કેમ્પના વાતાવરણના સંમોહનમાં એણે ત્વરાને મોકલેલી રીક્વેસ્ટ ભૂલ જેવી લાગી …ત્વરા સાથે ચેટ માટેની ઈંતેઝારી … ફોન પર વાતો અને છેવટે એના ઘર સુધી પહોંચી ત્વરા ઉપરાંત એના આખા પરિવાર સાથે જોડાયો એ બધું ભૂલોની વણઝાર જેવું લાગ્યું … તો સામે એની વ્યવહારુ સમજ પ્રમાણે વિચારતા એ ત્વરાથી પ્રેરણા અને પ્રેરણાથી ત્વરાને એ કેટલા દિવસ દૂર કે છૂપાવીને રાખી શકવાનો હતો ? એને એટલે પોતાની બધી વાતો અને વર્તન ઠીક અને યોગ્ય સમયના લાગ્યા … ઉફ્ફ ..આ બધા વિચારોના વંટોળમાં એનું માથું ભારે થઇ ગયું. ચા મંગાવી એણે એક સાથે બે એનાસીન ગળી લીધી.
ચુપચુપ દેખાઈ રહેલી ત્વરાને જોઈ બપોર પછી પ્રેરકે અચાનક લોંગ ડ્રાઈવ પર જવાનો પ્રસ્તાવ મૂક્યો . જો કે એમાં કશું નવું ન હતું .તરવરીયો પ્રેરક આવું તો ઘણું કર્યા કરતો. એનું મગજ સતત કશુંક નવું વિચાર્યા કરતું. હાલતી ચાલતી ઉર્જા હતો એ .ત્વરાને વરસાદ અને એ પછી છવાતું વાતાવરણ ખુબ ગમતું એ પ્રેરકને ખબર હતી .દરેક માટે એનું પ્રિય પાત્ર જ નબળાઈ પણ હોય છે અને શક્તિ પણ હોય છે . ત્વરાનું તો આખું વિશ્વ જ પ્રેરક હતો એટલે એની કોઈ પણ વાત ઉથાપવા માટે ત્વરા પાસે કોઈ દિવસ કોઈ બહાનું રહેતું જ નહી. આજે કમને પણ ત્વરા તૈયાર તો થઇ જ ગઈ.
ઘરેથી નીકળ્યા પછી ત્વરાએ વાદળછાયા વાતાવરણમાં ક્યાંક થોડી વાર બેસીએ એવી ઈચ્છા કરતા … પ્રેરકે કારને રીવરફ્રન્ટ તરફ લઇ લીધી . શાંત પાણી સામે એકટશ જોઈ રહેલી ત્વરાની સામે જોઈ પ્રેરકે પૂછ્યું
‘શું વિચારે છે ?’
‘સાગરને મળવાની આશામાં આ નદી કેટલું ભટકીને , કેટલું ધરબીને ..કેટલું ઢસડીને અહીં શાંત બની બેસી રહી હોય તેવું કેમ લાગતું હશે ?’
એવો જવાબ સાંભળી પ્રેરક એની સામે જ જોઈ રહ્યો . પછી બે કાંઠે વહી રહેલી નદી તરફ હાથ લંબાવી પ્રેરકે કહ્યું:
‘એ એની નિયતિ છે … તો જેવી હોય તેવી , જ્યારે આવે ત્યારે , જેટલી પહોંચે એટલી ..એની રાહમાં રહેવું એ સાગરની નિયતિ નથી ?’
ત્વરાએ એક પ્રેમાળ નજર પ્રેરક પર નાખી લીધી. પ્રેરકે એનો હાથ પોતાના હાથમાં લઇ કહ્યું ….કાલે રાતે તું સુવા આવી ત્યારે હું જાગતો હતો. તને મેં બહુ અપસેટ જોઈ … આજે રજા લેવા અને લેવડાવાનું કારણ એ જ છે ….શું વાત છે ? મને નહી કહે ?
એની આંખોમાં છલકાતો વિશ્વાસ અને લાગણી જોઈ ત્વરાએ પ્રેરણાના શંકાશીલ સ્વભાવ અને એ પછી થયેલી ચર્ચાઓ અને પોતાનો પક્ષ પણ કહી દીધો …અને આમ પણ છૂપાવવા જેવું હતું પણ શું …!!! લાંબા લગ્નજીવન પછી પતિપત્ની અનાયાસે એકબીજાની ટેવો અપનાવી લેતા હોય છે … શાંત ચિત્તે સાંભળવું એટલે જ સમજવું એવું માનતી ત્વરાની અસરમાં વાતોડિયા પ્રેરકે પણ સાંભળવાની કળા હસ્તગત કરી લીધી હતી…. આ બધું સાંભળી નદીકિનારાના ઠંડા પવનોથી ઉડાઉડ કરતા પોતાના વાળને બે હાથે સરખા કરતા પ્રેરકના મોં પર હળવું સ્મિત આવી ગયેલું જોઈ ત્વરા એની સામે અચંબાથી જોઈ રહી. એના મોં પર પથરાયેલી નવાઈને સમજી ગયો હોય તેમ પ્રેરકે બોલ્યો : …
‘મને હતું જ કે આવું કશુંક હશે.અને મેં તમે હિન્ટ પણ આપી હતી ..તને યાદ હોય તો .’
જવાબમાં કશું ન સમજતા ત્વરા બોલી ..
‘એટલે ?એ તો અમસ્તી વાત નહોતી ? તમને કેવી રીતે ખબર હતી કે પ્રેરણા આવી શંકાશીલ છે ?’
જોર જોરથી માથું ધુણાવતા પ્રેરક બોલ્યો …
‘સાવ એવું તો નહી પણ જે રીતે નૈતિક તને પ્રેરણાથી દૂર રાખી રહ્યો હતો એ જોઈ સમજવું બહુ સહેલું હતું કે આવું કશુંક હશે .કોઈ પણ પાત્રને ભૂતકાળ સાથે જોડયા વગર સમજવું એક અન્યાય છે ….ભૂતકાળ સિવાય વર્તમાનકાળ ન જ સમજી શકાય …. તારી પાસેથી નૈતિક વિષે મેં જે પણ જાણ્યું છે એ પ્રમાણે નૈતિક એક લોકપ્રિય અને સહ્રદયી વ્યક્તિ છે એટલો તો ખ્યાલ હતો જ … હવે આવી વ્યક્તિ જે ઘણી સક્રિય હોય અને જેના દોસ્તો ઘણા હોય અને તેની પત્ની જો એને સાચે જ પ્રેમ કરતી હોય તો અસુરક્ષિતતા ન અનુભવે તો જ નવાઈ લાગે. તેં કહ્યા પ્રમાણે નૈતિક ઘણા કેમ્પસ અને એવી સાંસ્કૃતિક પ્રવૃતિમાં સક્રિય હતો … સારો સિંગર હતો તો મારું એ પણ અનુમાન છે કે એના જીવનમાં ઘણી સ્ત્રી મિત્રો હશે જ અને એટલે પ્રેરણાની શંકા દ્રઢ થઇ હશે…. શંકા કોઈ વ્યક્તિનો મૂળભૂત સ્વભાવ નથી હોતો …સંજોગોને આધીન… કેટલાક અનુભવોને આધીન હોય છે . ખોટો પણ હોઈ શકું પણ આવું મારું માનવું છે . ‘
એ આટલું બોલી રહ્યો ત્યાં જ ત્વરાએ પૂછ્યું :
‘પણ આવું હોય …સંબંધો ખુબ નાજૂક હોય …શંકાની સોયથી વીંધાયા કરતા હોય તો વ્યક્તિ અને વખત વેડફાઈ જવાની શક્યતા બહુ વધારે હોય. અને એક વાત સાચે સાચી કહો …સગાઈથી માંડી આજ સુધી મારી નૈતિક સાથેની દોસ્તીથી કોઈ જલન, ઈર્ષ્યા, ગુસ્સો કે અસુરક્ષિતતાનો અનુભવ તમને થયો હોય એવું મને તો ન લાગ્યું . બધી જ વાત તમને ખુલ્લા દિલે કહી શકાય એટલા સહજ કેમ છો ? જો પ્રેમમાં ઈર્ષ્યા જરૂરી હોય તો તમને ઈર્ષ્યા કેમ નથી થતી ? એનો અર્થ હું એ કરું કે તમે મને પ્રેમ નથી કરતા ?’
એકટક એની સામે જોઈ સવાલો પૂછતી ત્વરાને નદીના પાણી તરફ જોઈ અત્યાર સુધી મરકી રહેલા પ્રેરક ના મોં પર સહસા એક ગંભીરતા પ્રસરતી દેખાઈ ….એક સોપો પડી ગયો ક્ષણો વચ્ચે …પછી શાંત પણ સ્વસ્થ અને સ્થિર અવાજે ભાવવાહી અને થોડી દ્વિધાસભર આંખે ત્વરા સામે જોઈ પ્રેરકે કહ્યું ….
‘ત્વરા , મારે આજે એક કબૂલાત કરવાની છે … !! ‘
૧૧ …
હળવા પવન અને માછલીની ચહલપહલથી પાણીમાં હરકત થઇ ઉઠતી હતી … પ્રેરકની વાત સાંભળી ત્વરાના મનમાં પણ તરંગો ઉભા થઇ ગયા .સાંજ અને રાત વચ્ચેનો ગાળો હતો … ડૂબતા સુરજના આછા અજવાળા નદીના પાણીને આછેરો ઝળહળાટ આપી રહ્યા હતા . હજુ ફ્રન્ટ પરના થાંભલા પર રોશનીનો શણગાર લાગ્યો ન હતો …ત્વરા ઈચ્છતી હતી કે એના જીવન પર રાતના ઓળા ન પથરાઈ જાય .
એક અછડતી નજર ત્વરા પર નાખી પ્રેરકે જાણે ત્વરાની આંખોમાં ડોકાઈ રહેલા સવાલનો બોજ ન ઝીલી શકતો હોય તેમ નજર પાછી વાળી પાણી તરફ જોયા કર્યું .અચાનક એ ઉભો થયો ‘હમણાં આવું’ કહી ઝડપી પગલે ચાલતો થયો …ત્વરા એને જતા જોઈ રહી એનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું …એને ગળે સોસ પડ્યો ..બાજુમાં હાથ ફેરવ્યો ..પાણીની બોટલ ન હતી …એને સમજાયું કે પ્રેરક કારમાં પડેલી પાણીની બોટલ લેવા જ ગયો હશે … એ એમ ને એમ બેઠી રહી .. હાથમાં રહેલા ફોન પર પ્રાપ્તિનું નામ ઝબકયું ..એણે ‘અમે રીવર ફ્રન્ટ પર બેઠા છીએ અને થોડું મોડું થશે’ ..એમ કહેતા જ સામેથી ખળખળ વહેતી ખુશી એના કાનમાં ઠલવાઈ ગઈ ..’હા હા , ઘરડે ઘડપણ જલસા કરો ..આરામથી આવજો’ એમ કહી પ્રાપ્તિએ ફોન મૂકી દીધો ….. !
ફરી પાછી પળો થંભી ગઈ હોય તેવું લાગ્યું … એના ધબકારા વધી ગયા . એવું તો શું કહેવાનું હશે ? આટલા વર્ષો સુધી પ્રેરકે શું છુપાવ્યું હશે ? ઈશ્વરની જેમ આરાધેલા માણસ વિષે કશુંક અણગમતું સાંભળવા મળશે તો હું શું કરીશ ? પ્રેરકે મને જેવી હતી તેવી ….જેવી છું તેવી સ્વીકારી છે ..હું એવું કરી શકીશ ? એક સાથે અનેક સવાલો ત્વરાના મન પર હથોડાની જેમ વિંઝાયા . એના હાથના ટેરવા બરફ થવા લાગ્યા .એ ઠંડક આકરી લગતી હોય તેમ બંને હાથની હથેળીઓ એણે ઘસી નાખી .અને પોતાની હથેળી પરની આડી અવળી ફંટાયેલી રેખાઓ જોઈ રહી .આપણો હાથ એક બીજી વ્યક્તિના હાથમાં સોંપવાથી હસ્તરેખામાં કોઈ ફેરફાર થતો હશે ? રેખાઓનાં શાસ્ત્ર વિષે એણે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું ન હતું .સંબંધોને જીવી જિંદગીની ગતિ સીધી કરવામાંથી એને ફુરસત ક્યાં મળી હતી ?પાછો આવી પ્રેરક ક્યારે બેસી ગયો એ ધ્યાન ન રહ્યું …પાણી લેવાના બહાને પ્રેરકે પોતાના મનમાં રહેલી બધી વાતોને ભેગી કરી લીધી હતી….મનને તૈયાર કરી લીધું હતું …આજે એને પૂરું ખુલવું હતું .વિચારમગ્ન ત્વરાને જોઈ એને ખરાબ લાગવા માંડ્યું …ધીમેથી એના હાથમાં પાણીની બોટલ મુકાતા ત્વરાએ પ્રેરક સામે જોયું ….!
ફિક્કું હસી ‘તમે કૈક કહેતા હતા’ એમ બોલી ત્વરાએ પોતાના હાથની રેખાઓને છૂપાવતી હોય તેમ મુઠ્ઠીઓ વાળી લીધી અને અધીરાઈ દબાવી બને એટલી સહજતાથી કહી જોયું.
લાંબો શ્વાસ લઈ પ્રેરકે ત્વરા સામે જોઈ શરુ કર્યું :
‘તું નથી જાણતી એવા પ્રેરકને જાણવો છે ? એક નહી અનેક કબૂલાતો કરવાની છે આજે …. મને એ વાતનો અહેસાસ છે કે તારા માટે હું પતિ કે મિત્ર ઉપરાંત ઘણું વધારે છું ….. પણ તું ધારે છે એટલો સારો હું નથી .’
આવી શરૂઆત થતા જ ત્વરા વધુ ગંભીર થઇ ગઈ. પણ જે હોય તે બધું આજે સાંભળી જ લેવું છે એમ એણે મન મક્કમ કરી લીધું અને હંમેશ મુજબ એનું મન આંખ અને સમજ કાન પર આવીને બેસી ગયા.
‘લાંબી વાત છે ત્વરા ,
પપ્પામમ્મીના આગ્રહથી તને જોવા આવ્યો એ પહેલા જ મને કોલેજમાં નોકરી મળી હતી . મારી સાથે કામ કરતી એક સરસ., હોંશિયાર અને ચંચળ યુવતી શલાકા સાથે ઘણી સારી દોસ્તી થઇ રહી હતી . ક્યારેક સાથે આવવા જવાનું પણ બનતું …લીફ્ટ આપી દેતો. એક સાથે નોકરીમાં જોડાયા હોવાથી નવું કામ અને વિદ્યાર્થીઓના માનસ અને એવા પડકારોની ચર્ચા કરવાથી ઘણું શીખી રહ્યા હતા . સતત સાથ હતો …મને એ ધીરે ધીરે ગમવા લાગી હતી …કશુંક પ્રેમ જેવું થઇ પણ જાત .એ પહેલા જ એક વાર એની કોઈ મિત્રે અમને સાથે જોયા પછી કોઈ ફોનમાં પૂછપરછનાં જવાબમાં એણે મારી સામે આંખ મારતા ‘કશું નથી યાર , જસ્ટ ટાઈમપાસ છે’ એવું કહેતા હું સડક થઇ ગયો હતો. જે છોકરી મારી મિત્ર છે એ મારા માટે આવું વિચારે છે એ વાતે મને હેરાન પરેશાન કરી નાખ્યો … કોલેજમાં ભણાવતા એક જવાબદાર માણસનું નામ આમ ખરડાઈ જાય તો મારે કામ કેવી રીતે કરવું ? બધા અમને ખુબ નજીક માનતા હતા આવી મજાક બન્યા પછી નજરોનો સામનો કેવી રીતે કરવો ? વાત વધે એ પહેલા મેં ધીમેથી એ દોરીને ખેંચી લઇ સંકેલી લીધી..વીંટી લીધી .એ વાત ત્યાં જ ખતમ થઇ.
જો કે એ દિવસ પછી હું એક વાતે સ્પષ્ટ થયો કે સંબંધો બહુ ગંભીર જવાબદારી છે… એ તકલાદી કે તકવાદી હોઈ જ ન શકે .… જીવન વિતાવી શકાય તેવી ન લાગે ત્યાં સુધી તનમનથી કોઈની નજીક ન જ આવવું .ત્વરા , લાગણી બહુ અમુલ્ય વસ્તુ છે …એને વેડફવી એટલે આખી એક વ્યક્તિ વેડફવી …એક આખો સંબંધ વેડફવો . એટલે મારી વાતો અને ભણાવવાની રીતથી પ્રભાવિત થતી કોઈ છોકરીમાં મને મારી સંગીની દેખાઈ જ નહી .’ટાઈમ પાસ’ શબ્દ જાણે મનમાં જડાઈ ગયો હતો .મનના દરવાજા મેં સજ્જડ બંધ કરી દીધા હતા.એ આપમેળે જ ખુલે તેમ હતા… કોના ધક્કાથી નહિ . શલાકાના લગ્ન થતા એ તો લંડન જતી રહી.
ખોટું નહિ કહું … તને જોવા આવ્યો ત્યારે એકદમ પહેલી નજરે સાવ શાંત ત્વરા મને બહુ વધુ ગમી નહોતી …હું પોતે વાતોડિયો એટલે મને એવી જીવનસાથી જોઈતી હતી કે જે મારી સાથે અનેક વિષયો પર ચર્ચા કરે , ખુબ વાતો કરે . પણ થોડીક વાર તારી સાથે વાત કરી તો લાગ્યું કે તું ઓછું બોલે છે ….પણ ઓછું જાણે છે એવું નથી . તું ગમી . પણ તારી ચુપ્પી મને સદા પરેશાન કરતી રહેતી હતી . સાવ ખપ પૂરતું બોલતી ત્વરાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિષે હું ખુબ વિચારતો .મમ્મીપપ્પા તો આપણા લગ્ન પછી તરત મોટાભાઈ પાસે અમેરિકા જતા રહેવાના હતા અને મારે ક્યારેય જવું ન હતું એટલે મારી સાથે રહેનાર વ્યક્તિને જાણવી ખુબ આવશ્યક તો લાગતું હતું પણ પૂછવું કોને અને શી રીતે એ સમજાતું ન હતું .મને ચિંતા ફક્ત એ હતી કે જો તું પરાણે એટલે કે તારી નામરજીથી લગ્ન કરવાની હોય તો એવા ખોખલા સંબંધને વેંઢારવાની મને કોઈ ઈચ્છા ન હતી. કોમર્સનો વિદ્યાર્થી અને શિક્ષક હોવા છતાં હું સાહિત્ય ખુબ વાંચતો અને એવું માનતો કે મનમાં ઉઠતી એક સળ કે સળવળ પણ એકબીજાથી ન છૂપાવે તે સાચા સાથી. તારી નજીક આવતો ગયો તને સમજતો ગયો .. પણ કબૂલ કરું છું કે મનમાં એક સવાલ ઉઠતો જ હતો .
દરેક વ્યક્તિને પોતાના જીવનસાથીના જીવનમાં એના અગાઉ કોઈ હતું કે નહી એ જાણવાની કાતિલ ઈચ્છા હોય છે .અને કોઈ ન જ હોય તેવી … સાથીની દિલની પાટી સાવ કોરી હોય તેવી એષણા પણ …જે ઘણી વાર ઘાતક નીવડતી હોય છે . એ જાણવા છતાં તારા જીવનની એ હકીકત મારે પણ જાણવી હતી પણ હું પૂછી શકતો ન હતો .મનમાં સવાલો ખડકાતા હતા અને પુસ્તકોના શબ્દો એમ કહેતા હતા કે લગ્ન એની સાથે જ કરાય જે તમને પ્રેમ કરે ..એની સાથે નહિ કે જેને તમે પ્રેમ કરો .આપણા અરેંજ મેરેજમાં પ્રેમ તો લગ્ન પછી આપણે સમજદારી અને સ્નેહથી પેદા કરવાનો હતો . સગાઈ પછી બીજા જ દિવસે પુરુષને વેલની જેમ વીંટળાઈ બાઈક પર બેસતી છોકરીઓ મને જરાય ન સમજાતી .એકાએક તેટલો પ્રેમ કે નિકટતા કેવી રીતે ઉભી થાય ? જોતાવેંત થાય એ આકર્ષણ જ હોય.. પ્રેમ એટલે તો સમજદારી અને સમર્પણની ધરી પર પાંગરતી લાગણી.થેંક ગોડ …. તારામાં મેં એ આછકલાઈ ક્યારેય ન જોઈ . અને મને લાગ્યું કે મારે તારી સાથે જીવન વિતાવવું જ જોઈએ .હું તારા પ્રેમમાં પડતો જતો હતો અને પેલો કાતિલ સવાલ બુઠ્ઠો થતો જતો હતો.
દરેક નવો રચાઈ રહેલો સંબંધ એક નવી ચણાતી ઈમારત જેવો હોય છે ….એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંપર્કમાં આવતા જ સંબંધોનો પાયો રચાઈ જાય છે. કેટલાક માત્ર નકશા પૂરતા રહી જાય છે, કેટલાક પાયા ખોદાઈને રહી જાય છે જ્યારે કેટલાક મોટી ઈમારત બની જાય છે. આપણા સંબંધના નકશા રંગીન સપનાઓથી ચીતરી , પાયા સમજણથી મજબુત કરી લગ્ન જીવનની મજબુત ઈમારત મારે ચણવી હતી . પણ કંકોત્રી લખતી વખતે નૈતિકના નામની સરવાળા બાદબાકી થતી જોઈ મારા મનમાં એક ગણિત ગોઠવાતું ગયું અને એ સવાલ પાછો ધારદાર થતો ગયો….તળેટી સુધી પહોચતા સુધી કેવા જવાબ સામે કેવું વર્તન કરવું એ નક્કી કરતો રહ્યો હતો. તું એટલી નાજૂક અને સીધી હતી કે હું તારી મને દુઃખી કરી મુકે એવી કોઈ વાતના કેવા પ્રતિભાવ આપીશ એ મને પણ ખબર ન હતી .પણ હું કબૂલ કરું છું કે મારે કડવું હોય તો કડવું પણ એ સત્ય જાણવું જ હતું .ફફડતા જીવે હિંમત કરી પૂછેલા સવાલનો તારો અત્યંત નિખાલસ જવાબ મને ખુબ પ્રભાવિત તો કરી ચુક્યો હતો .’
ત્વરા એક શ્વાસે આ નવા પ્રેરકને સાંભળી રહી હતી . આટલો હસમુખો ..દરેક સમસ્યાને ધુમાડાની જેમ ઉડાડી દેતો પ્રેરક આટલા બધા વિચારો કરતો હશે એ તો માની શકાય તેવું હતું પણ છતાં સાવ કશું થયું ન હોય તેમ વર્તી શકતો હતો એ એના માટે બહુ નવી વાત હતી … એને હંમેશા એવું જ લાગતું કે પ્રેરક જેવો છે એવો જ દેખાય છે . એક પણ શબ્દ બોલ્યા વગર એણે ખુલી રહેલા પ્રેરકને સાંભળ્યા કર્યો. પહેલી વાર એ પ્રેરકને કોઈ વિષય પર આટલી લાંબી અને ગંભીર વાત કરી રહ્યો હતો ….ઠલવાઈ રહેલા શબ્દોમાંથી ત્વરાએ અર્થો અને લાગણી સમજવાના હતા કારણ…. મનમાંથી તો શબ્દો નીકળે છે ..અર્થો કે અનર્થો મગજ પેદા કરે છે .પાણીની બોટલ ઉઠાવી બે ઘૂંટ મારી પ્રેરકે આગળ બોલવાનું શરુ કર્યું ,
‘ તે દિવસે ખુલ્લા દિલે વાત કરતી તને સાંભળતો તો હતો પણ મારી પોતાની સાથે હું સંવાદ પણ કરી રહ્યો હતો …મન બહુ અગમ જગ્યા છે … કેટકેટલા વિચારો , યાદો અને અનભવો કાયમ માટે ત્યાં ખૂણેખાંચરે પડ્યા પાથર્યા રહે છે . કોઈ વ્યક્તિ ન કહે ત્યાં સુધી કોઈ વાત સમજી શકાતી નથી ….તેં તો કહી જ દીધું … મનમાં એક વિચાર ઝબુક્યો …તારી જગ્યાએ બીજી છોકરીએ છૂપાવ્યું હોત કે સાચે જ કોઈ ગંભીર સંબંધમાંથી છૂટી પડીને મારાથી છૂપાવ્યું હોત તો હું તો ભ્રમમાં જ જીવ્યા કરત ને !! મને તો એક આડંબર વગરનો સાફ સંબંધ જોઈ તો હતો …એટલે તારી નિર્દોષતા જોઈ મેં મનોમન જાતને પડકાર આપ્યો હતો કે મારા પ્રેમથી તારા મન પર આછું લખાયેલું નૈતિકનું નામ હું ભૂંસીને રહીશ…તારી એક કબૂલાતે આપણા સંબંધને અતૂટ મૈત્રી બનાવી દીધો.
ત્વરા , સંવેદનાઓને એકમેક સુધી પહોચાડવા શબ્દો બહુ અસરકારક માધ્યમ છે …મને ખબર નથી મેં તને ક્યારેય કીધું હશે કે નહી ..પણ લગ્ન પછી જે સમર્પણથી તું મને અને આખા કુટુંબને સંભાળતી ગઈ એ મેં બહુ ધ્યાનથી જોયું છે ..અનુભવ્યું છે .સંબંધમાં જ્યારે વ્યક્તિઓ અસ્તિત્વહીન બની જાય છે ત્યારે એ સંબંધનું અસ્તિત્વ ચિરકાળ થઇ જાય છે . તું ઓગળતી ગઈ એટલે ભળતી ગઈ કે ભળતી ગઈ એટલે ઓગળતી ગઈ ….ગમે તે હોય પણ એકબીજાને સમજતા ગયા અને બંધાતા ગયા .પ્રેમ અને સુંદરતા બંને આંતરિક બાબતો મોટેભાગે બાહ્ય બાબતો પરથી મુલવાયા કરે છે .પણ મને તું અને તારો આત્મા બધુ જ પવિત્ર લાગ્યું .સંબંધો શરતી હોઈ શકે પ્રેમ નહી .તારા બિનશરતી પ્રેમને કારણે આટલા વર્ષો કોઈ પણ ઝંઝાવત વગર સરળતાથી પસાર થઇ ગયા …. મારો વિશ્વાસ સાચો હતો….પ્રેમ પણ ….!!
પણ વર્ષો પછી જે દિવસે તે નૈતિકની રીક્વેસ્ટ આવી છે અને તે સ્વીકારી છે એ કહ્યું ત્યારે હું નવેસરથી થોડો હલબલી ગયો હતો . એ દિવસે તારી ખુશી તારા આખા અસ્તિત્વમાં દોડતી હું અનુભવી રહ્યો હતો … એ રાતે હું સુઈ ગયો છું એમ ધારી તું ઉભી થઈને સ્ટડી રૂમમાં ગઈ ત્યારે કબૂલ કરું છું કે એક ખાલીપણું મારા દિલમાં વિસ્તરવા માંડ્યું હતું .એ પછી પણ રોજ રાતે ઊંઘમાં પડખું ફરી તારી તરફ હાથ લંબાવતો ત્યારે તારી એ ખાલી જગ્યા મારા મનમાં એક ન સમજાવી શકું એવી લાગણી ભરી દેતી . નૈતિક તારા માટે એક પ્રિય પાત્ર રહ્યું છે એ વર્ષો પહેલા જાણ્યા પછી હવે રહી રહીને હું મિત્ર મટી ફક્ત પતિ બની જતો હતો .અલબત તારી પર શંકા કરું એટલી હલકી માનસિકતા મારી નથી .પણ એક અધિકારભાવ હળવેથી માથું ઊંચકતો હતો .
હું માનું છું કે એક અદૃશ્ય દોરીથી આપણે બધા બંધાયેલા છીએ. સમય …સ્થાન અને સંજોગો આપણને અનાયાસે જોડ્યા કે છોડ્યા કરે છે પણ ક્યારેય તોડતા નથી .એ ન છૂટેલો ..ન તૂટેલો સંબંધ ફરી પાછો જોડાઈ ગયો હતો …નૈતિકનું પૂનરાગમન દેખીતી રીતે આપણી વચ્ચે કોઈ ચિંતા ઉભી કરે એવું હતું જ નહી .પણ મનમાં ઉગતા વિચારોનું ખેતરમાં પાક સાથે ઉગી નીકળતા ઘાસ જેવું છે …. ઘણું બિનજરૂરી ઉગી નીકળે …સમયે સમયે નિંદામણ ન થાય તો મનને ..સારા વિચારોને ..સંબંધને નુકશાન થાય જ .અને કેટલાક ખુલાસોઓ સમયસર થવા ખુબ જરૂરી હોય છે . એટલે મેં તને ટપારી હતી …નૈતિક ભલે એક મિત્રની હેસિયતથી આવ્યો હોય પણ જીવન વિષેનું તારું કુતુહલ મને બહુ ઠીક ન લાગ્યું પણ એ બહુ સ્વાભાવિક હતું એ પણ મને ખબર હતી .એટલે હું તને ભાર દઈને ટોકી કે રોકી ન શક્યો. ‘
‘ઓહ , પ્રેરક ..મારી સમજણમાં એટલી ખોટ પડી કે હું તમારા મનમાં ચાલતી વાત સમજી ન શકી … !!”
ત્વરા તરત જ અફસોસભર્યા નિરાશ સૂરે બોલી ઉઠી .
‘ના ના ત્વરા , વર્ષો પહેલા મેં ઇચ્છેલો પારદર્શક સંબંધ તું આજ સુધી નિભાવી રહી છે .પણ રોકટોક કરીને બનાવેલો સંબંધ કાપીકૂપી ઉછેરેલા બોન્સાઈ જેવો બની જાય છે .એના સંદર્ભો બહુ સીમિત બની જાય છે .બહુ બહુ તો શોભા આપે . બાકી નિયંત્રણમાં ઉછરેલી લાગણીઓ શી રીતે ખૂલી કે ખીલી શકે ….!! એના કરતા સમજણથી આજુબાજુ વિસ્તરીને પણ પ્રેમથી પોતાના મૂળ સાથે જોડાઈ રહે એવો વડલા જેવો ઘેધુર સબંધ વધુ જરૂરી છે .આમ પણ દરેક વ્યક્તિ એક જીવનમાં ઘણા સંબંધો જીવે છે પણ પોતાનો મૂળ સંબંધ ….પરિવારને ભૂલ્યા વગર ….!!!
એક ધ્યાનથી સાંભળી અને સમજી રહેલી ત્વરાનો હાથ પોતાના હાથમાં લઈ પ્રેરકે કહ્યું :
‘સામાન્ય રીતે બે વાત બને ….એક .. એક ટોકે અને બીજું એની વાત માની લે પણ ટોકનારને શંકાશીલ ગણી આખી જિંદગી મનોમન હિજરાયા કરે …. મનમાં ઈજ્જત ન રહે …અને બીજું… એ છૂપાવીને પોતાના દોસ્ત સાથે સંબંધ રાખે …. મને આમાંથી એક પણ મંજૂર ન હતું .જોકે બીજી વાત થવાની શક્યતા ઓછી હતી પણ તું એટલી બધી લાગણીશીલ છે કે મારી વાત માનત પણ મનમાં એક રંજ અને મારી તરફ એક ફરિયાદ રહી જાત કે મેં તને સમજી નહી .અને થાગડ થીગડ કરેલો સંબંધ મને મંજૂર ન હતો .જે વાત ખોલવાથી હલ થતી હોય એને તોડવાની શું જરૂર ? અને સાચું કહું તો આજે તેં દિલ ખોલીને બધી વાત કરી ફરી પાછો મને હરાવી દીધો છે .’
આટલું સાંભળતા જ ત્વરાના મોં પર સંતોષનું સ્મિત ફરકી ગયું . અજાણતામાં જ એણે એક મોટી પરિક્ષા પાસ કરી લીધી હતી .શંકાના તાપ ભલભલા સંબંધોનો ભોગ લઇ લે ત્યારે આજે ફરી એક વાર એના સાફ દિલ અને નિખાલસતાએ એને સાંગોપાંગ બચાવી હતી . એ જ વખતે રીવર ફ્રન્ટ પર રહેલા થાંભલા લાઈટોથી ઝળહળી ઉઠ્યા .અને બંને પર એ લાઈટ રેળાવા લાગી. આજુબાજુના વાતાવરણ અને ચીજોનો રંગ થોડો અલગ અને અનોખો દેખાવા લાગ્યો…. કદાચ પુખ્ત પ્રેમ અને સમજનો રંગ પણ હશે …!!
‘તમારી દોસ્તીમાં મને કશું ખોટું નથી લાગતું …. ત્વરા,પ્રેમ , સ્નેહ , લાગણી , સ્પંદન આ બધું એક જ છે … વ્યક્તિ અને લાગણી એક જ હોય બસ …સમયે સમયે ફક્ત સંબંધ નામ બદલે છે …. પ્રેમી પતિ બનતા જ સંબંધ નામ બદલે છે ….અને પ્રેમી પતિ ન બની શકે તો મિત્ર ન બની શકે ? લાગણીમાં શું ફેર પડે ? એટલે તને રોકી તારી લાગણીને ઠેસ પહોચાડવાનો કોઈ અર્થ પણ ન હતો .પણ નૈતિક અને પ્રેરણાનો વિસંવાદ તારા કારણે વિખવાદ ન બને અને નૈતિક તારામાં એક સહારો ન શોધે એ જોવું પણ એટલું જ જરૂરી હતું. એક પુરુષ તરીકે બીજા પુરુષને સમજવો અઘરો નથી .
એટલે તું ઘારે છે એટલો હું નિર્દોષ કે સારો નથી રહી શક્યો …. પણ એ ખટકો એટલો તીવ્ર ન હતો કે મારે તને રોકવી પડે . ‘
ત્વરાની આંખોનો સાથે મનનો એક એક ખૂણો ભીંજાઈ ગયો ….તો આ હતી આ માણસની કબૂલાત …!!! સામાન્ય દોસ્તીમાં પણ હક કે માલિકીભાવ જાગતો હોય છે ત્યારે આ તો પોતાનો પતિ હતો …પોતાની ધૂનમાં મશગુલ ઘણું સમજવાનું ચૂકી ગઈ હોય તેવું ત્વરાને લાગવા માંડ્યું . દરેક માણસ એક પુસ્તક જેવો હોય છે .અલગ અલગ શબ્દોના અલગ અલગ અર્થો સંજોગો પ્રમાણે સમજીને વાંચીએ તો જ માણસ વંચાઈ શકે કે સમજાઈ શકે ….મનની આંખોથી આજે ત્વરા પ્રેરકને આખો વાંચી શકી….એક સીધા સાદા ભાવોથી ઘેરાયેલો સીધો સાદો પ્રેરક એને આજે હજૂ વધુ સંપૂર્ણ લાગ્યો … વધુ વ્હાલો લાગ્યો .
હસ્તમેળાપ પછી એકમેકની રેખાઓ મળીને જ એક સીધી જિંદગી બનાવે છે . હસ્તમેળાપ સાથે આજે ફરી એક વાર મનમેળાપ પણ થયો હોય તેવી અનુભૂતિ સાથે બાજુમાં બેઠેલા પ્રેરકના ખભા પર માથું ટેકવી એનો હાથ પોતાના હાથમાં લઇ બેસી રહી … હથેળી આખા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. સ્પર્શ એ લાગણી પણ કહી શકે છે જે કોઈ શબ્દોની મોહતાજ નથી… બોલેલા શબ્દો ન બોલાયેલા શબ્દો સાથે ચુપચાપ સંવાદ કરતા રહ્યા.
ફક્ત હસ્તમેળાપ થવાથી મનમેળાપ ન થઇ શકે એ પ્રેરણાને મોડે હવે લાગવા માંડ્યું હતું .કોઈ પૂરું નથી હોતું ખબર હોવા છતાં કોઈને કોઈ અઘૂરું પણ નથી જોઈતું હોતું ….એવું કેમ હશે ? આટઆટલા વર્ષો નૈતિક પર જેનાં લીધે શંકા કરી એ ત્વરા વિષે જાણવાની ઈચ્છા અચાનક થઇ આવી .સંબંધની ઈમારત ગમે તેટલી કાળજીથી બનાવેલી હોય … ધરતીકંપ જેવો એકાદ હળવો આંચકો એને જમીનદોસ્ત કરી મુકે છે .એક એક ઈંટ મૂકી વ્યવસ્થિત ગોઠવેલા એના સંસારના પાયા એક આવી વાતના લીધે વધુ હચમચી ન જાય તે માટે પોતે શું કરે ? નૈતિકે અમદાવાદ પહોચી એક પણ ફોન કે મેસેજ નથી કર્યો .આખો દિવસ વીતી ગયો….મનમાં એક મૂંઝારો વ્યાપી ગયો.
પ્રેરક અને ત્વરા…બે હૈયા એકબીજાને વધુ સમજી શક્યા હતા ….નૈતિક અને પ્રેરણા હજૂ એકબીજાને સમજવામાં નહી …સામેની વ્યક્તિ પોતાને સમજે એ અપેક્ષા લઈને બેઠા હતા.
સાંજે રૂમ પર આવેલા નૈતિકે એક ખાલીપાનો અનુભવ કર્યો . ઘર યાદ આવ્યું સાથે જ પ્રેરણા પણ …લગ્નના ઘણા વર્ષો પછી નૈતિક અને પ્રેરણા વચ્ચે અહંની પાતળી પણ મજબૂત દીવાલ ઉભી થઈ હતી . એ તોડવા પહેલો વાર કે પહેલ કોણ કરે એ સવાલ આવી રહ્યો હતો.વિખવાદ વારવા મૌન સારું પણ અબોલા તોડવા તો સંવાદ જ કરવો પડે. એકબીજાની મનોદશા વિષે અજાણ બનીને રહેવું એ એક વ્યવહારથી વિશેષ કશું ન કહેવાય .કહીને તો આવ્યો છું ‘વિચારજે’ …પ્રેરણા શું વિચારતી હશે ? એ મને સમજવાનો પ્રયત્ન કરતી હશે ? વચ્ચે એક આખું અઠવાડિયું હતું . ઘણો લાંબો સમય …બે વ્યક્તિને એકબીજાથી વધુ દૂર કરવા માટે પર્યાપ્ત સમય…..!!
હસમુખો ,મળતાવડો , પરિપક્વ નૈતિક ફેસબુક ખોલીને એમને એમ સાવ એકલો અને અસ્પષ્ટ બેઠો હતો .ત્વરા ઓનલાઈન આવે એવી કોઈ શક્યતા ન હતી અને કહેવા કે સાંભળવા માટે વાત પણ ન હતી.
અચાનક સ્ક્રીન પર એક રીક્વેસ્ટ દેખાઈ . પ્રાપ્તિ ત્વરા પ્રેરક …. !! ઓહ…. પ્રાપ્તિએ એના નામ પાછળ પ્રેરક સાથે ત્વરાનું નામ પણ જોડ્યું છે .આજકાલના યુવાનોમાં ધીમે ધીમે ફેલાતી આ ફેશન કોઈ પણ મા માટે ગર્વથી ઓછી નથી .ચુંબક હોય તેમ આટલી બધી અવઢવો વચ્ચે પણ નૈતિકે એક ક્ષણના વિલંબ વગર વિના વિચારે રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી.
બીજી જ પળે એની વોલ પર એક પોસ્ટ આવી .
Thank you so much uncle for being my friend . Feeling so… very special to have my mom’s friend as my friend . 🙂 Hope dhruv is ok now . mom was much worried n even dad too . 😦 we really prayed for him …. say hi to aunty n anushka . wud love to meet them all . God willing… we will … (Y) enjoyed talking with you…. come home again when free … stay connected … thanx once again .
: prapti ❤
નટખટ , પ્રેમાળ અને ચુલબુલી પ્રાપ્તિની પોસ્ટ વાંચતા જ નૈતિકની ઝળઝળિયાંથી છલોછલ આંખો આગળ કશું જોઈ ન શકી.
બરાબર એ જ સમયે ફેસબુક પર ભાગ્યે જ આવતી પ્રેરણાએ ત્વરાનો ફોટો જોવા અને એના વિષે વધુ જાણવા લોગ ઇન કર્યું .અને નૈતિકનું ફ્રેન્ડ લીસ્ટ જોવા એની વોલ પર ગઈ ત્યાં હમણાં જ પોસ્ટ થયેલા પ્રાપ્તિનાં મેસેજ પર એની આંખો જડાઈ ગઈ .
૧૨ …
પ્રેરણા નજર સામે રહેલા મેસેજને જોઈ રહી હતી …. થોડી વાર તો એને કશું સમજાયું નહી …અને પછી એક ઝાટકે આખી વાત સમજાઈ ગઈ . ઝાઝો વિચાર કર્યા વગર એણે તૃષાને ફોન લગાવ્યો અને તાત્કાલિક નૈતિકની વોલ ચેક કરવા કહી દીધું . અને પોતે એના ફોનની રાહે બેચેન થઇ ફેસબુક ખોલી બેસી રહી …!!
‘ઓહ , એનો અર્થ એ થાય કે નૈતિક મારી પાસે ખોટું બોલ્યા . ત્વરાના સંપર્કની ઉપરછલ્લી ને ખોટી માહિતી આપી દીધી અને હકીકત તો કૈક બીજી જ છે .. નૈતિક ત્વરાના ઘરે જઈ આવ્યા , એના પરિવારને મળી આવ્યા , ધ્રુવની બીમારીની વાત પણ બધા જાણે છે …ઓહ ઈશ્વર … આ નૈતિક મારી સાથે આવી બનાવટ કેમ કરી ગયા .. !! એની આંખો દુઃખ અને અપમાનથી ગરમ બની ગઈ …!! એને શું વિચારવું એ સમજ જ ન પડી ….!!
કશું છાનું નથી રહેતું પણ તોય લોકો થપ્પો રમ્યા કરતા હોય છે . દ્વિધાઓ અને સમસ્યાઓ પર ચાદર ઢાંકી દેવાથી એ હંમેશા ઢંકાઈ નથી રહેતી એ સમજતા નૈતિક પાસે પ્રેરણાથી આ છૂપાવવા સિવાય કોઈ રસ્તો જ ન હતો … શંકા …માણસ અજાણ્યાને માફ કરવામાં એક પળ લગાડતો નથી પણ પોતાનાને માફ કરવા બહુ અઘરા હોય છે .પ્રાપ્તિની પોસ્ટ વાંચી એ ફરી પાછો લો ફીલ કરવા માંડ્યો . એણે પ્રાપ્તિની પોસ્ટનો જવાબ લખવા વિચાર્યું .
પ્રેરણા અસહ્ય વિચારોથી ઘેરાઈ ગઈ . એવી તો ઘણી વાતો હશે જે નૈતિક મારાથી છૂપાવતા હશે . એને એ ન સમજાયું કે એ કઈ વાત પર ગુસ્સે થાય . ત્વરા સાથે સંપર્કમાં આવ્યો એ વાત કે એનાથી આટલું બધું છૂપાવ્યું એ વાત . પ્રેમાળ નૈતિક આવું કરી શકે એ એના વિચારની હદમાં જ ન હતું . જ્યારે પણ ત્વરાનો ઉલ્લેખ થતો પ્રેરણા નૈતિકને થોડો વધુ પડતો શાંત થઇ જતો અનુભવતી હતી . ટકોરા મારવાથી ન ખુલતો દરવાજો એ ધક્કો મારીને ખોલવા મથતી . અને એમ સમજતી કે નૈતિક કશુંક છૂપાવે છે ..અને આજે સાબિત થઇ ગયું કે સાચે જ નૈતિક કશુંક નહી ઘણું છૂપાવે છે . હવે શું ? એનો અર્થ હું શું કરું ? ત્વરા અને નૈતિક કેટલું આગળ વધ્યા હશે ? પરિવારની આડમાં … ઓહ … પ્રેરણા આજકાલમાં નૈતિકમાં થયેલું પરિવર્તન યાદ કરવા લાગી.
માણસનો સ્વભાવ છે … જો પ્રેમ ઉભરાય તો બધું સવળું જ દેખાય અને જો શંકા સળવળે તો બધું અવળું જ દેખાય . પ્રેરણા વીણી વીણીને…પ્રયત્નપૂર્વક એની સાથે થયેલા અન્યાયો અને નૈતિકનું ખરાબ વર્તન યાદ કરવામાં લાગી ગઈ .અઠવાડિયે એક વાર આવતો નૈતિક સ્વાભાવિક રીતે પત્નીનો સહવાસ ઈચ્છે … પણ છેલ્લા દિવસો દરમ્યાન એને યાદ આવ્યું કે નૈતિક એક દૂરી બનાવી રાખતો હતો …. ઉફ્ફ … હવે સમજાયું કે આ બધું ત્વરાના આગમનની અસર હતી . નારાજ પ્રેરણા એ પણ ભૂલી ગઈ કે બધાનું ધ્યાન ધ્રુવની તબિયત પર હતું . ગુસ્સામાં એક પછી એક ખડકાતી ફરિયાદની ઇંટો સડસડાટ ગેરસમજણની મોટી દીવાલ ચણી બેસે છે . ધીમે ધીમે નૈતિકે ન કહેલી વાત એણે ઘણી કરેલી વાતો પર હાવી થવા લાગી . અનુષ્કા જમવા બોલાવા આવી . ત્યારે માથું પકડીને બેઠેલી પ્રેરણાને જોઈ એણે સામે રહેલા કમ્પ્યુટર પર નજર કરી . નૈતિકની વોલ પર કોઈ અજાણી છોકરીનો મેસેજ જોઈ એ કુતુહલની મારી પ્રાપ્તિના પ્રોફાઈલ પર નજર કરવા લાગી. એકદમ સ્ટાઇલીશ અને આત્મવિશ્વાસથી ભરપૂર પ્રાપ્તિના ફોટા એ રસથી જોવા લાગી . પ્રેરણાને એને કેમ રોકવી એ સમજાયું નહી .
અનુષ્કા પ્રાપ્તિનો એક ખીલખીલાટ હસતો ફોટો જોઈ બોલી . ‘ કેટલું બિન્દાસ હસે છે આ છોકરી … કોઈના મનમાં એક ક્ષણ પણ ખરાબ વિચાર ન આવે એવું સાફ અને મસ્ત … wow . આ પ્રાપ્તિ કોણ છે મમ્મી ? ‘
અનુષ્કાના સવાલના જવાબમાં ગીન્નાયેલી પ્રેરણાથી બોલાઈ જવાયું: ‘ તારા પપ્પાની કેમ્પ વખતની એક જૂની મિત્ર છે ત્વરા ….એની દીકરી છે . ‘ બોલ્યા પછી આ ઠીક થયું કે નહિ એ સમજે એ પહેલા આ સાંભળી ઉછળી પડેલી અનુષ્કા બોલી ઉઠી : ‘ oh , you mean GF ? મને હતું જ કે આટલા હેન્ડસમ પપ્પાને કોઈ gf તો હશે જ…..તારું મગજ તો હજુ જૂના જમાનાનું છે …મારા દોસ્તો સાથે પણ તને વાંધા પડ્યા જ કરે છે ….. વિશ્વાસ નામની પણ કોઈ ચીજ હોય છે દુનિયામાં …પણ તને એ નહી સમજાય ……..તેં તો આ વાત માટે પપ્પા સાથે લડ્યું હશે ….જે હોય તે ….now let me see that lucky lady …!!!’ કહી એણે તો આલ્બમ્સ ખોલવા માંડ્યા.
આજના યુવાનોની એક બહુ સરસ ખાસિયત છે …. બહુ નિખાલસ અને સ્પષ્ટ હોય છે . જે માને છે તે કહે છે અને જે કહે છે તે કરે છે . કોઈ ડબલ ગેમ નહી ….સંતાકૂકડી નહિ .પણ એને જોઇને પ્રેરણાને સખ્ત ગુસ્સો આવી રહ્યો હતો પણ એ રોકી પણ શકતી ન હતી .જીદ્દી અને મોંએ ચડાવેલી અનુષ્કાએ ઘણું સંભળાવી દીધું … એક માની ચિંતા એ ન સમજી શકે … રોકટોક પાછળ ચિંતા તો હોય જ છે સાથે પ્રેમ પણ હોય છે …સાથે સાથે એની નજર પણ વિના પ્રયત્ને સ્ક્રીન પર દોડી રહી હતી . જો કે એનું ફેસબુક પર આવવાનું કારણ તો એ જ હતું . એક સરસ ફેમીલી ફોટો સામે આવીને સ્થિર થઇ ગયો . પ્રેરક ,ત્વરા ,પ્રાપ્તિ તો ઓળખાઈ ગયા .સમર્થને ટેગ કર્યો હતો એટલે એનું નામ પણ સમજાઈ ગયું . એક ઉભડક નજરે બીજું બધું જોઈ પ્રેરણાની નજર ત્વરા પર જઈને અટકી . પ્રેરણા કરતા થોડી વધુ તંદુરસ્ત પણ ખુબ જ શાલીન અને એલીગન્ટ લાગતી હતી ત્વરા .ચશ્માની આરપાર દેખાતી એની ચમકતી આંખોમાં જાણે એક સંમોહન હતું . ચોકસાઈથી પહેરેલી સાડી અને ફરફર ઉડી રહેલા વાળ …એના ફોટા પરથી નજર હટાવવાનું થોડું મુશ્કેલ લાગ્યું …. પ્રેરણાએ મનોમન કબૂલ કરી લીધું કે ત્વરામાં કશુંક આકર્ષણ આજે પણ છે તો વર્ષો પહેલા પણ હશે જ . આવી સ્ત્રીથી પ્રભાવિત ન થાય એવો કોઈ પુરુષ ન હોઈ શકે . નૈતિક આજે ફરી પાછો આ પ્રભાવના પાલવમાં લપેટાઈ રહ્યો છે એ વિચાર એક ઉછાળા સાથે બહાર કુદી આવ્યો.
એ જ વખતે અનુષ્કા બોલી : ‘ ત્વરા.. નામ પણ બહુ મસ્ત છે …કેટલા ઇમ્પ્રેસિવ છે આ આંટી નહી ? અને અંકલ પણ …. !! પ્રાપ્તિના મેસેજ પરથી લાગે છે કે મસ્ત છોકરી છે .. i m happy …. ચલો , પપ્પા એક સરસ પરિવારના મિત્ર છે .એકલા નથી ….great .’ અનુષ્કા વિચારે ચડેલી પ્રેરણાને એમ જ મૂકી એને બહુ ભૂખ લાગી છે એટલે જલ્દી જમવા આવવાની તાકીદ બહાર જતા કરતી ગઈ … પ્રેરણા એની પર ચિડાઈ ગઈ હતી … ‘તું જમી લે હું એક ફોનની રાહમાં છું’ કહી દરવાજો બંધ કરી દીધો .પોતાના ઉછેર પર ગુસ્સો આવી રહ્યો હતો . આટલું બારીકાઈથી આ ફોટો , પ્રાપ્તિ , ત્વરા અને પ્રેરક સામે જોઈ કોમેન્ટ્સ કરી શકતી છોકરીને એક વાર મમ્મીના મોં પર ઝળુંબી રહેલો ગુસ્સો જોવાની ફૂરસત નથી. અને બીજી જ પળે ગુસ્સો શમવા લાગ્યો. અનુષ્કાને આ બધું શું કામ જણાવવું જોઈએ ? આવી વાતોમાં એને સામેલ શું કામ કરવી ?
ખુશખુશાલ ત્વરા અને પ્રેરક વધુ સ્પષ્ટતા સાથે ઘર તરફ જઈ રહ્યા હતા.રસ્તામાં સ્વીટ કોર્ન જોઈ કાર રોકી પાડી બંને બાળકો માટે ખરીદી લીધા. એ જોઈ પ્રેરકથી મલકાઈ જવાયું. કોઈ પણ સંબંધ હોય ….એકમેકની નાની નાની વાતોના ચાહક હોવું બહુ જરૂરી હોય છે …એના માટે ખુબ બધો સમય એકબીજાને સમજવા અને નિહાળવા જરૂરી હોય છે . પ્રેરકે જોયા કર્યું …દરેક માતાના મનમાં બાળકોની પસંદગી વસેલી હોય છે …અને ગમે ત્યાંથી પોતાના બાળકને ગમતી વસ્તુઓ મળી જ રહે છે. આજે દિલ ખોલીને થયેલી વાત પછી બહાર રાત હોવા છતાં બંનેના મનમાં સરસ ઉઘાડ થયેલો હતો. જો ભારેખમ વાતો ચર્ચી શકે એટલી હળવાશ અને મોકળાશ સંબંધમાં હોય તો સંબંધ વેંઢારવો નથી પડતો …જીવી શકાય છે …!!….ક્યારેક લાગે કે આપણા જીવનમાં “શું” છે એ કરતા “કોણ” છે એ બહુ અગત્યનું હોય છે .હકીકતમાં સંબંધોની ગુણવત્તા જ જીવનની ગુણવત્તા છે .
ઘરમાં પ્રવેશતા જ પ્રાપ્તિએ નાક પર આંગળી મૂકી ચુપચાપ …જલ્દીથી ટીવી સામે બેસી જવા તાકીદ કરી. ટીવી પર એક ટોક શો આવી રહ્યો હતો… કશું સમજાયું નહી ….તરત જ બ્રેક આવ્યો. “લગ્ન પછી વિજાતીય પ્રેમ ….. શક્ય છે ? માન્ય છે ?” આ વિષય પર ચાલી રહેલી ચર્ચા હવે પરાકાષ્ઠા પર હતી. છેલ્લો અભિપ્રાય આપનાર નામાંકિત વ્યક્તિ હતી . પ્રાપ્તિએ ફટાફટ આટલું સમજાવી દીધું….એને આવા સંવેદનશીલ વિષયોમાં બહુ રસ પડતો. રસોઈ પ્રાપ્તિએ બનાવી લીધી હતી એટલે કશી ઉતાવળ વગર ત્વરા અને પ્રેરક એકબીજા સામે સૂચક નજરે જોઈ સોફા પર બેસી ગયા. બાળકો જયારે મિત્રવત બને છે …કહ્યા વગર જવાબદારી નિભાવવાનું શરુ કરે છે ત્યારે એક મોટી તાલીમનો સમય પૂરો થાય છે …. બ્રેક પૂરો થયો ….ફરી એક વાર ટૂંકમાં વિષય જણાવી એન્કરે સીધો સવાલ છેલ્લા વક્તાને પૂછ્યો:
‘લગ્ન પછી વિજાતીય પાત્ર સાથે સાચો પ્રેમ થઇ શકે ? અને થાય તો તે પ્રેમ કેટલે અંશે વ્યાજબી ગણાય ?’
કોઇપણ જાતની પ્રસ્તાવના વગર વક્તાએ સીધો સંવાદ કરવાનું શરુ કર્યું :
‘એક ચોખવટ કરી દઉ ….અહી આપણે પ્રેમની વાત કરી રહ્યા છીએ ..લગ્નેતર સંબંધોની નહી .
અરે ,આ તો પ્રેમ છે … ગમે ત્યારે થાય ….
પણ સૌથી પહેલા તો પ્રેમની તમારી વ્યાખ્યા શું છે એ જાણવું પડે …. લગ્ન પછી અન્ય વ્યક્તિ તરફ થતી વિશેષ લાગણી એટલે પ્રેમ ? જો એવું માનો તો પ્રેમ કોઈ પણ સમયે થનાર લાગણી છે …ઉંમર કે જાતિના કોઈ સીમાડા ઓળંગીને થાય તે જ પ્રેમ …!!
એક મૈત્રીથી થોડું વધુ હોય … કોઈ ખાસ થોડું વધુ ગમતું હોય … કોઈ ખુશ રહે એ ગમતું હોય …એની ખુશી…. એના દુઃખ સાથે સંકળાઈ જવું ગમતું હોય … એવું બને …બને જ .આપણી કામ કરવાની કે અવરજવરની જગ્યા પર કોઈક એવું હોય જ છે કે જેની સાથે થોડું વધુ અંગત અનુભવાય છે … પણ આવા સંજોગોમાં સામેવાળા પાત્રને કહેવાની ભૂલ લોકો કરી બેસતા હોય છે ….જયારે લાગણી કહેવા બેસીએ ત્યારે એને એક નામ આપવું પડે છે ….અને એ ખરેખર બહુ અઘરું કામ છે …!!
અને આમ પણ પોતાની લાગણી કહીને કોઈનો વસાવેલો સંસાર …આખું જીવન ડહોળી નાખવું જરાય વ્યાજબી ન કહેવાય …ને અરસપરસ પ્રેમ હોય એટલે સાથે રહેવું એવું થોડું હોય ? માબાપ , સગા સ્નેહીઓને પ્રેમ કરવા છતાં બધા સાથે …બધો સમય રહી શકીએ છીએ ? રહીએ છીએ ? ….એકમેકથી દૂર રહી ….એકબીજાને જાણ પણ કર્યા વગર એની ખુશી માટે દુવા કરવી ….એ પ્રેમની પરાકાષ્ઠા કહેવાય ……!!
જો પ્રેમ એટલે શરીર , ઉન્માદ , મુલાકાત , ઇશારા , આછકલાઈ કે એવું બધું હોય તો આવો પ્રેમ પરણ્યા પછી નકામો …………આમ પણ માબાપ, ભાઈબહેન , મિત્ર કોઈ પણ સંબંધ જૂઓ …દરેકની એક સીમા હોય છે …મર્યાદા હોય છે ..આપણી આજુબાજુ આપણે ચકરડા મૂકી એમાં સંબંધો ગોઠવી દીધા હોય છે ..કોને કેટલું નજીક આવવા દેવું એ આપણે નક્કી કરેલું જ હોય છે …પરણી ગયેલી દીકરીના સંસારમાં સગો બાપ દખલ નથી દેતો તો બીજા કેવી રીતે દખલ કરી શકે ? સમજવા જેવી વાત છે …ક્યાં ટકવું અને ક્યાં અટકવું બહુ શીખવા જેવી બાબત છે .
પણ ……
પરણ્યા પછી અન્ય તરફ થતી વિશેષ લાગણી એટલે પૂજા , શુભેચ્છા , ત્યાગ , બલિદાન , સહકાર , પ્રોત્સાહન , સહારો હોય અને એ પણ શરીર બહારની લાગણી હોય એ અપેક્ષિત છે .
લગ્ન એક સામાજિક સંસ્થા છે ….બંધન છે ..શિસ્ત છે …એક લગ્નમાં ફક્ત બે જણ નહિ … ભારતમાં તો બે આખે આખા પરિવાર જોડાઈ જાય છે … કોઈ એક વ્યક્તિની ભૂલનું પરિણામ બંને પક્ષે ભોગવવાનું આવે ….પોતાના જીવનસાથીને તો માણસ પ્રેમ કરતો જ હોય …પણ પોતાને થયેલી કોઈ વિશેષ લાગણીને કારણે બીજાને સહન કરવાનું થાય એ ક્યાંનો ન્યાય ? સંબંધમાં પ્રેમ ઉપરાંત એકબીજા તરફ માન હોવું જરૂરી હોય છે … કોઈ લગ્નબહારનો સંબંધ ખુલીને બહાર આવે પછી માન જ ન રહે ત્યાં પ્રેમ તો રહે જ કેવી રીતે ?.
પરણ્યા પછી કોઈ જુના પાત્ર તરફ ઉગી ઉઠેલી લાગણી પાપ ન કહી શકાય કારણ સાચી લાગણી કદી મરતી નથી .પ્રેમમાંથી નફરતમાં બદલાય તો નફરત પણ એક લાગણી જ કહેવાય .પણ જો પ્રેમ યથાવત હોય અને ફરી મળવાનું બને અને બંને પક્ષના જીવનસાથી તરફ અપ્રેમ , અન્યાય , બેકાળજી , ધોખો કે છેતરપીંડી થવા લાગે તેવી લાગણીને પ્રેમ નહી વ્યભિચારનું નામ આપવું પડે ……!!!!
તાળીના ગડગડાટ સાથે આ કાર્યક્રમ જોઈ રહેલા નૈતિકની તંદ્રા તૂટી ….. ત્વરા આ જ વાત કહેતી હતી …. એ ખોટું શું કહેતી હતી ? પોતે વામણો રહી ગયો…મનમાં અનુભવેલા પણ ક્યારેય ન કહી શકાયેલા એક સંબંધ માટે કારણ વગર કોકડું ગુંચવાઈ ગયું હતું .
હાથમાં મોબાઈલ લઇ અવશપણે એણે પ્રાપ્તિની પોસ્ટ નીચે લખ્યું ..
“મને પણ તારી સાથે જોડાઈ ખુબ આનંદ થયો … તારી જેવી દીકરી કોને ન ગમે ? તારી વાતો અને ખડખડાટ હાસ્ય હજુ મારા કાનોમાં ગુંજે છે . ધ્રુવ ઠીક થઇ રહ્યો છે ….તમે કરેલી પ્રાર્થના બદલ ખુબ આભાર ….પપ્પા મમ્મીને યાદી આપજે …આપણે જરૂર મળીશું. .. 🙂 “
હાથમાં રહેલા મોબાઈલમાં આવેલા જવાબથી ખુશખુશાલ પ્રાપ્તિએ અંદર રૂમમાં ગયેલા ત્વરા અને પ્રેરકને બૂમ પાડી કહ્યું ….’ મા , નૈતિકઅંકલ અને હું હવે ફેસબુક ફ્રેન્ડસ છીએ ….એમણે મારી થેન્ક્સવાળી પોસ્ટનો જવાબ આપ્યો છે ….તમને બેયને હલ્લો કીધું છે …how cool ..!!!
રૂમમાં કપડા બદલવા ગયેલા બેય જણ એકબીજાની સામે જોઈ રહ્યા …અને પછી હસી પડ્યા. સુખ અને દુઃખ સાપેક્ષ હોય છે . આમાં કોઈ બીજાએ આપેલી વ્યાખ્યા કામ ન આવે . એક જણનું સુખ બીજા માટે દુઃખનું કારણ બને એંવું તો હંમેશા બનતું જ હોય છે …ત્વરા અને પ્રેરકે પ્રાપ્તિ અને નૈતિકની દોસ્તીને સહજતાથી લઈ લીધી .
પણ નૈતિકે આપેલો જવાબ ફ્લેશ થતા પ્રેરણા નવેસરથી ભીડાઈ ગઈ. આ જૂઠડો માણસ..!! ત્યાં જ તૃષાનો ફોન આવ્યો…. ફોન ઉપાડતા જ પ્રેરણાએ ગુસ્સો કરી લીધો … ‘ આટલી વાર ? ક્યારની રાહ જોઉં છું … તેં પોસ્ટ જોઈને ? કેટલો ખોટો છે આ માણસ ..!! ‘ તૃષાએ સીધો સવાલ પૂછ્યો … ‘કેમેરા છે ? સ્કાઇપ ઓન કર .. ‘ પ્રેરણા સ્કાઈપ પર ઓનલાઈન આવતા જ તૃષાએ કહ્યું ‘હવે બોલ …’ પ્રેરણાએ બધી જ ભડાશ કાઢવા માંડી. થોડી વાર એને બોલવા દઈ તૃષાએ શાંતિથી સાંભળી લીધું . એને ચુપચાપ જોઈ પ્રેરણા વધુ મૂડમાં આવી ગઈ. એનો ઉકળાટ ઠંડો પડતા એ ધીમી પડી … તૃષાએ ધીમેથી એક અફસોસના સ્વરે કહ્યું : ‘ તારી પાસેથી મને આ અપેક્ષા આમ તો ન હતી પણ છેલ્લા દિવસોમાં મેં તને સાવ અલગ જોઈ … આજે તો તેં હદ જ કરી નાખી …’ તૃષા બોલતી ગઈ … પ્રેરણા સાંભળતી ગઈ … એક એક શબ્દની ધાર જાણે એના મનના બારી દરવાજા પર લાગેલો વર્ષો જૂનો કાટ ઉખાડી રહ્યા હોય એવું બની રહ્યું હતું .. તૃષા બોલી રહી …
‘ત્વરાની દીકરી નૈતિકની વોલ પર પોસ્ટ મુકે એ તને દેખાયું …પણ એ કેમ ન સમજાયું કે ત્વરા જ નહી એની દીકરી પણ નૈતિકની મિત્ર છે ….એણે એના પતિ અને પરિવાર સાથે નૈતિકની ઓળખાણ કરાવી છે …. બે વ્યક્તિના ..મિત્રોના સંબંધને કારણે એમના પરિવારો પણ બંધાઈ જાય એ આદર્શ પરિસ્થતિ ગણાય .તારા ધ્રુવની માંદગીમાં એ આખો પરિવાર માનસિક સહારો બન્યો હતો ….અને નૈતિક એ સહારો બહાર એના મિત્રમાં ..હમણાં જ મળેલી ત્વરામાં શોધે છે એનો અર્થ તારે સમજવાનો છે .જીવન ગુંચવાડા ભર્યું છે જ્યાં બે પળ શાંતિ મળે ત્યાં માણસ સ્વાભાવિક ખેંચાઈ જવાનો … ત્વરા એના પરિવારથી કશું નથી છૂપાવતી પણ નૈતિક બધું છૂપાવે છે ….એવું કેમ બન્યું એ તારે વિચારવાનું છે .વિજાતીય મૈત્રી એટલે સેક્સ એવું કોને ખબર કોણે તારા મનમાં ઘુસાડ્યું છે …તારા બાળકોના મિત્રોને તું સહન નથી કરી શકતી એટલે સ્વાભાવિક છે કે તારા પતિના મિત્રો તું સહન ન જ કરી શકે …. કેમ્પમાં સાથે ગયેલા ઘણા મિત્રો જોડે મારી સાથે સાથે મારા પતિ તપન પણ વાતો કરે છે … એમને તો શંકા નથી આવતી ..!….તો તું વિચારજે તું આ ઠીક કરે છે ? ત્વરાની દીકરી નૈતિક સાથે આટલી બિન્દાસ વાત કરી શકે છે એનો મતલબ તને સમજાય છે ? એનો ઉછેર કેવો સરસ થયો હશે ….! તારી અનુષ્કાને આ મૈત્રી ગમી અને એણે પ્રાપ્તિ અને ત્વરાના વખાણ કર્યા એમાં તું હચમચી ગઈ ….એવું કેમ ? સ્ત્રીઓના પ્રમાણમાં પુરુષો પોતાના જૂના સંબંધોની વાત હસતા હસતા પણ થોડાક ખુલીને કહી શકતા હોય છે ….થોડુક અભિમાન અને ગર્વથી પોતાની બહેનપણીઓ , આકર્ષણો ,ક્રશ વિષે વાત કરી શકતા હોય છે ….જ્યારે સ્ત્રી અણગમતા સવાલોનો…સંજોગોનો સામનો ન કરવો પડે માટે ચુપકેદી રાખી એક આખા સંબંધને મનમાં દબાવી રાખે છે ..અહીં સાવ ઊંધું નથી લાગતું? ત્યાં ત્વરાએ એના પરિવાર સાથે કેવા તંદુરસ્ત સંબંધો બનાવ્યા હશે …એ સમજાય છે ? ૧૫ દિવસ મેં જે ત્વરાને જોઈ છે …થોડી ઘણી સમજી છે એ પરથી કહું છું ….એ બહુ સ્પષ્ટ વક્તા છે … એ ઓછુ બોલતી પણ બોલતી ત્યારે એને જે સાચું લાગતું એ જ બોલતી .ખબર નથી કેમ પણ મને હજુ લાગે છે કે ત્વરાએ એના પતિને જે હશે તે બધું કીધું જ હશે …. કશું જ છૂપાવ્યું નહી હોય .
અને પ્રેરણા , અને જે નૈતિક પર તું શંકાના ટોપલા ઢોળી રહી છે એ નૈતિક તારી સાથે વાત કરવા આવ્યો ત્યારે તારું વર્તન કેવું હતું યાદ છે ? શક્ય છે તેં એની વાત શાંતિથી સાંભળી હોત તો એણે ખૂલીને બધી વાત કરી હોત … તું રોજ રોજ કલ્પનાઓ કરી દુઃખી થવા તૈયાર છે ….ખુલીને વાત સાંભળવા નહી …..એ તો કેવું ? તારાથી છાનું છાનું નૈતિક ત્વરાને મળતો હશે ..ફોન કરતો હશે એવું વિચારીને તમારા સંબંધને તું પોતે ભયજનક સ્થાને લઇ જઈ રહી છે ..સમજાય છે કે નહી ? ત્વરાના ઘરે જઈ મળતાવડા લોકો સાથે વાત કરી નૈતિકને તું ને તારો સ્વભાવ અને તારું વર્તન અને તારી શંકા યાદ નહી આવતી હોય ? સંવાદ એકબીજાને નજીક રાખવા માટે કરાતો હોય છે ..જ્યારે વિખવાદને કોઈ બહાનાની જરૂર જ નથી . તને તો સંવાદ કરતા પણ નથી આવડતું … એક વાત ગાંઠે બાંધી લે …લાગણીમાં જતુ કરીને જીતી શકાતું હોય છે …ક્યારેક હાથવગું કરીને પણ હારી જવાતું હોય છે . તારી પાસે બાંધી રાખવાની લ્હાયમાં નૈતિક મનોમન જોજનો દૂર થઈ રહ્યો છે એ પણ તને સમજાતું નથી ? પરણ્યા પછી પડખે સુતેલું પાત્ર પામી લીધું છે , એના પ્રેમને પામી લીધો છે એનું કોઈ પ્રમાણપત્ર મળે ? શરીર પામવું અને મન પામવું બે સાવ અલગ વાત છે ….અને મન વગરનું શરીર લગ્નજીવનમાં ખતરાની ઘંટી જેવું હોય છે . સામે ત્વરા આટલી નિખાલસ હોય તો એના પરિવારને નાલેશી થાય એવું વર્તન એ કરે ? પ્રેરણા , આપણે બધા અલગ અલગ સમયે એક સરખા જ હોઈએ છીએ પણ મનથી અને મગજથી વિચાર કરવાના સમય અલગ અલગ હોય છે …એકાદ વાર તારી જાતને નૈતિકની નજરે જોઈ હોત તો તને શરમ આવી ગઈ હોત . પણ એક કામ તો તું કરી જ શકે …. નૈતિકની જગ્યાએ તારી જાતને રાખી જો … આખીપરિસ્થિતિ અને એનું વર્તન સમજાઈ જશે . આટલા વર્ષે મારે તને સમજાવું પડશે કે લગ્ન એટલે એકબીજાને બદલવાની કવાયત નહી પણ લગ્ન એટલે એકબીજાને જેવા છે તેવા સ્વીકારવાની કોશિશ … !! એવું જરાય જરૂરી નથી કે સરખા વિચારોવાળા યુગલો સુખી હોય છે …પોતાના વિચારો સુધારીને અને બીજાનાવિચારો સ્વીકારીને વિરોધી વિચારોને માન્યતા આપવાનો શરૂઆતમાં પ્રયત્ન કરવો પડે છે પણ એ આદત બનતા જ એક મજબૂત બોન્ડ બની જાય છે અને એકબીજાને ખુશ કરવાની કસરત કરતા કરતા બે જણ છાના છાના એકબીજાના વિચારોને સમર્થન આપવા લાગતા હોય છે ..એકમેકનું ઉત્તમ બહાર આવે ……… એ જ સંબંધ પરિપક્વ થયો કહેવાય . સાચું કહું તો તારી વાતો સાંભળીને અને પ્રાપ્તિના ફોટામાં જોઇને જ મને લાગે છે કે મારે ત્વરાને મળવું છે .’ ખુબ ગુસ્સો કર્યા પછી સામે બેઠેલી દયામણી પ્રેરણાને જોઈ તૃષાને ખરાબ તો લાગ્યું પણ ત્વરા અને નૈતિકની મિત્ર સાથે એ પ્રેરણાની બેન પણ હતી .સાચા સમયે થોડું કડવું …સાચું કહેનાર બહુ અંગત હોય છે . ‘ તને ફોન કરવામાં મોડું થયું એનું કારણ આપવાનું તો રહી જ ગયું ‘…એમ કહી ટીવીના ટોક શોનાં ટોપિક વિષે વાતો કરી .અને સવારે આ કાર્યક્રમ યુ ટ્યુબ પર આવી ગયો હશે તો જરૂર જોઈ લેવા આગ્રહ કરી તૃષા ઓફલાઈન થઇ .
સજ્જડ બંધ રહેલી બારી ઉઘડી જતા ધધુડાભેર અજવાળું પ્રેરણાના મનમાં ફેલાઈ ગયું . બહુ સાચું છે … પોતાની સાચી જાતને..મનને જોઈ શકે એવો અરીસો બનવો હજૂ બાકી છે .માણસ આખી દુનિયાને જવાબ આપીશ શકે છે પણ પોતાની જાતને જવાબ આપવો બહુ અઘરો પડે છે … પ્રેરણા એકના એક વિચારો હજાર વાર કરી રહી હતી …આટલા વર્ષ નૈતિકને ખુલીને વાત કરવાનો મોકો ન આપવા બદલ એને શરમ લાગવા માંડી. એને વિચાર આવ્યો એ કઈ રીતે બિચારી છે ?પતિ છે ,ઘર છે , બાળકો છે , નોકરી છે ,શું નથી ? સરેરાશ પત્નીઓ બહુ મોટી ભૂલ કરતી હોય છે .. સારી પત્ની બનવાની ચિંતામાં સારી મિત્ર બનવાનું ચૂકી જતી હોય છે . પોતાના પીંજરામાં કેદ થયેલો નૈતિક કદાચ પૂરાઈ પણ રહે …બહુ બહુ તો પાંખો ફફડાવશે પણ પાંખ ફેલાવાનું ભૂલી જશે . કેટલીક વાર આપણે ઈચ્છેલી પરિસ્થિતિ પણ અણગમતી બની જાય છે …. આપણે ઈચ્છીએ કે માણસ બદલાઈ જાય … આપણી ધારણા મુજબ વર્તન કરે અને જો એ બદલાઈ જાય તો સહન પણ નથી થતું …!! આવું કશુંક બને તો જીવન જીવવું બહુ આકરું બની જાય .. એનો જીવ બળવા લાગ્યો … તૃષાએ કહેલા એક એક શબ્દ એના મન પર કાંટાની જેમ વાગી રહ્યા હતા. પોતાનામાં મશગુલ રહી સમયે સમયે સંબંધની માવજત લેવાનું ચુકાઈ ગયું હતું . મગજ તો એ જ યાદ રાખે છે જે હ્રદય ભૂલી શકતું નથી . એ એને સમજાઈ રહ્યું હતું .
પ્રેરણાએ ફોન હાથમાં લીધો…. શું લખું ? શું કહું? એવી અવઢવમાં જે મનમાં સુઝ્યું એ લખી નાખ્યું અને નૈતિકને એક મેસેજ કરી દીધો . ઊંડો શ્વાસ લઇ એ બેસી રહી .
પ્રેરણાનો મેસેજ મળતા નૈતિકના મનમાં સખ્ત ઉથલપાથલ મચી ગઈ …. પ્રેરણા આવે છે …. તૃષા સાથે કોઈ વાત થઇ હશે ? ..તૃષા માટે ત્વરાનો નંબર માંગ્યો એનો અર્થ એ કરવો કે એ ત્વરા બાબતે થોડી કૂણી પડી છે ? કેટકેટલું વિચારી રહી હશે પ્રેરણા ? ત્વરા સાથે થયેલી છેલ્લી વાત પછી નૈતિક પાસે ચોખવટ કરવા માટે શું બચ્યું હતું ? …એટલે વધુ વિચાર્યા વગર નૈતિક એક નિષ્કર્ષ પર પહોચ્યો કે બહુ થોડા શબ્દોમાં પ્રેરણાની ગેરસમજણ દૂર કરી નાખવી છે .પાટા પરથી ઉતરી ગયેલી ગાડીને ફરી ઠેકાણે લાવવા જે થાય તે કરી ચૂકવું છે .
એણે ફોન લગાડ્યો …પ્રેરણાનો અવાજ સાંભળતા જ ‘ ધ્રુવને કેમ છે ? ટીકીટ બૂક કરાવી કે હું અહીંથી કરાવી આપું ? છોકરાઓ આવે તો લેતી આવજે . ..અહીં જરાય ગમતું નથી … તું આવે છે …તો સારું લાગે છે . ‘ સામે છેડે પ્રેરણા આ અવાજને જાણે અંદર ઉતારી રહી હોય તેમ ચુપચાપ સાંભળી રહી. સખ્ત તાપ પછી પડી રહેલા વરસાદના ફોરા જમીનની અંદર ઊંડે ઊંડે જઈ સૂકાઈ ગયેલા બીજને કોળવા માટે ઢંઢોળી રહ્યા હોય …ઉઠાડી રહ્યા હોય તેમ એક ઠંડક એના હ્રદયમાં વ્યાપી રહી હતી.
નૈતિકના મેસેજ આવતા બંધ થઇ ગયા છે …. ચલો ઇક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો …ગીતના શબ્દો મનમાં ઘુમરાઈ રહ્યા હતા . એક સારો ..પ્રિય મિત્ર ગુમાવી દીધો એવું ત્વરાને લાગી રહ્યું હતું . એક સંબંધને બચાવવાના પ્રયત્નો હંમેશા બંને પક્ષે થવા જોઈએ . એકબીજાને એકબીજાની જરૂર છે એ જણાવવાનો એક પણ મોકો ચૂકવા જેવો નથી હોતો .પણ ત્વરાએ જે કક્ષાની અપેક્ષા આ સંબંધમાંથી રાખી હતી એ પ્રેરણાની સમજ બહાર હતી .વચ્ચે નૈતિક પીસાઈ રહ્યો હતો . ત્વરાને નૈતિક માટે લાગી આવ્યું .
તૃષા ફોન કરશે જ … એવું વિચારી નૈતિકે એક મેસેજ ત્વરાને કરી જ નાખ્યો . આ મેસેજ અંતિમ હોય તેટલો ભાર લાગી આવ્યો એને …
આજે છોકરાઓએ સ્વીટ કોર્ન ખાધા હવે મોડેથી જમશે એમ લાગતા એ ને પ્રેરક જમવા બેઠા ત્યાં જ ત્વરાના ફોનમાં મેસેજ આવ્યો ….
ત્વરાએ હાથ લંબાવી મેસેજ પ્રેરકને બતાવી દીધો અને આંખમાં તરવરી ઉઠેલા આંસુઓને પાછા ધક્કો મારવા પ્રયત્નપૂર્વક હસી લીધું . આંસુ .. આ આંસુ શેને માટે આવી રહ્યા હતા એ ત્વરાને સમજાતું ન હતું અને એ સમજવા માંગતી પણ ન હતી…થાળીમાંથી પહેલો કોળીયો મોમાં મૂકી ચાવ્યા વગર પાણી પી લીધું એ સાથે જ આવેલી અંતરસના ઠસકામાં બધા જ ભાવો છૂપાવી દેવા ઈચ્છ્યું પણ … ટીપું બની વિખાઈ જતા આંસુઓની અવઢવ ..ત્વરાના મોં પર આવીને ફેલાઈ જતા વિચારોની અવઢવ જોઈ પ્રેરકે ત્વરાના હાથ પર હાથ મૂકી દીધો …એક હથેળીમાંથી સમજણ અને સાથ …ઉષ્મા અને હુંફ સાગમટે બીજી હથેળીમાં પ્રવાસ કરી રહ્યા હતા.
– ક્રમશ ? લખું કે ન લખું ? બને કે પ્રેરણા હજુ લડ્યા કરે , બને કે એ ત્વરાને મળવાની ઈચ્છા કરે , બને કે બંને સખી બની જાય , બને કે તૃષા પર અમદાવાદ આવી જાય … બને કે બધું સરસ બને ….બને ….કે બધું ન પણ બને …. આગળનું વિચારવાનું કામ તમારું ……
— નીવારાજ
🙂 … મિત્રો , ….લખનાર પોતે અનુભવ્યા વગર લખે ત્યારે વાંચનાર પણ કશું અનુભવતો નથી એ મને બહુ જલ્દી સમજાઈ ગયું છે …એ અનુભવવા સુધી રાહ જોવામાં ક્યારેક સમય ચૂકી જવાતો હતો …મારી સાથે તમે પણ પ્રેરક , ત્વરા , નૈતિક અને અન્ય પાત્રો સાથે જોડાઈ ગયા હતા ..જીવી રહ્યા હતા એ મેં અનુભવ્યું છે … ઢગલાબંધ મેસેજ આવતા… પાત્રો વિષે ચર્ચા કરતા …આ મારી બીજી વાર્તા છે … મારી શબ્દ યાત્રામાં સામેલ થઇ રહ્યા છો મારા માટે એ ગર્વની વાત છે . ઋણી છું ..રહેવા માંગુ છું …. કેટલાક ઋણ આમ પણ ઉતારવા જેવા ક્યાં હોય છે . 🙂 ઘણા અજાણ્યા મિત્રો મને વાંચી રહ્યા છે ..સર્વનો આભાર …. અહીં કોમેન્ટ કરી પ્રતિભાવો આપશો તો ખુબ ગમશે …
આભાર… 🙂
નીવાજી રોજ ..રોજ નૈતિક,તવરા,વ…ને ઼ફે/બુ ખોલતાં જ સામે મળતા ,ઉપરાંત સરસ મઝાના પકચરથી વઘુ લોભાવતા પરંતુ કરમશ: ખુચે તેથી હવે અેકસાથે જ વાંચી જરુર પરતિસાદ અાપીશ.
બહુ ગમશે
Bhu j sunder story che. Hu tema khovai gai. Biju kam muki tema j khovai gai… 😊 👏 👏
અરે વાહ , તમને ગમી એ મને ગમ્યું . તમારો ખુબ આભાર
…………. vah !!!!
🙂
Niva Raj
avadhav…laghu naval…
khub sunder vanaako thi bharpur..
aaje j ekaj bethake vaachi
અરે વાહ … અહીં સુધી આવવા બદલ અને અવઢવ વાંચવા બદલ તમારો ખુબ આભાર 🙂
“મંજુ” ની જેમજ આના પાત્રો આંખ સામે નહી હ્રદયમાં જીવવા લાગ્યા છે.
નિવામે’મ બહુજ સારી અને એનાથી ક્યાંય વધારે સાચી વાતો આજે એકી સાથે ફરીથી વાંચવા મળી છે.
હા..
અમુક અમુક ઘટનાઓ,વાત-ચીત અને વિચરો થોડા સ્રમય પુરતા મારા માટે થોડાક ભારેખમ લાગ્યા પણ ધીમે ધીમે એ સમજાઇ ગયા પણ થોડીક વાર લાગેલી…..થોડુ ઘણું એવુ છે જે સમય આવ્યે અનુભવ થયે જ સમજાશે…અને ત્યારેજ સાચુ સમજાશે..
સંબંધો ખરેખર લખવાના-વાંચવાના-સાંભળવાના કે સંભળાવવાના નહીં અનુભવવાના-સમજવાના અને
જીવવાના હોય છે……
અરે યારરરર…સુપર્બ.. 🙂
થેન્ક યુ સો મચ ફોર ધીસ ઓસમ સ્ટોરી….
🙂 આભાર dear
Tame Purush prakruti ane stree prakruti ne anurup banneni manobhavnao ne khub sundarta thi samvadit kari chhe.Juni pedhi ane navi pedhi ni samvedana ne pan yogya raju kari chhe.Kyany rasbhang pan nathi thato.Utkrushtha lekhan!…Hats off!
ખુબ આભાર 🙂
niva I really enjoyed ur AVDHAV…so deeply described about human relations ..congratulations.
thank you so much 🙂
osm niva di..yr work and yr language profeciency…luv u
❤
Bahu j saras….!!
ખુબ આભાર
Hu Avdhav ma chhu. Shu kahu?
આખી વાર્તા વાંચો ..ગમશે
love to read the short story… Nice words… nicely characterised each person… The best one is Prerak….
thank you so much 🙂
મારા મતે જે વાર્તા એક પણ લીટી કૂદાવ્યા વગર વાંચવી ગમે ને જેમાં નજર સામે દ્રશ્યો ભજવાતાં જાય તે વાર્તા સારી. પહેલો ભાગ વાંચ્યો ને ગમ્યો. જેમ જેમ વંચાશે, લખતી રહીશ. તમને ખૂબ શુભેચ્છા ને અભિનંદન.
Thanks
ખુબ આભાર
ભઈ, સૌથી પહેલાં તો તમે કબૂલ કરી લો કે તમે સારા લેખક/વાર્તાકાર છો.બાકી મારે કંઈ નથી કહેવું.
શુભેચ્છા.
😂
Tandurast sabandho na tanavana thi bharpur
જી બેન ..આભાર
Badha ne javab apvo sehlo che..pn potanijaat ne nhi…
*Saacha samaye thodu kadvu sachu kehnar khub j kaas hoy che
owsm story di…
pn bv jldi khtm thai gyi evu lagyu
tamara sabdo ma aagad no part vachva ni iccha che..
part 2 pn lakhsho to sone pe suhaga thai jase..
waiting….
ખુબ આભાર
Aje ahi aa blog par akhi story vanchi bhu j mja avi…shbdo momemts ek ek pal ni ktli saras gothavn kari jane ek jivant atmosphere hoi evu lagtu…
Superb story..
How nicely n appropriately you have described everyone’s feelings..!!
All the characters look real..
Just one request.. give it a good, happy end.. on Both sides, in both the couples lives..
ખુબ આભાર .
સરસ વાર્તા.
ખુબ આભાર 🙂
ખૂબ ગમ્યું તમારા વિચારપ્રેમ અને મૈત્રી પરત્યે નો તમારો સૂજવ કેટલા બધા એવા યુગલ હસે જેને આ જોઈ ને એક સલાહ મળી જતી હસે….
એક એક વાત મે વાંચી વિચારી માનસપાતાળ પર કોતરી રાખી …..
આના પછી ના પાર્ટ ની ઇંતેજારી રહેસે.
તમારા વિચારો ખુબ સરસ છે એ લખવાની જરૂર તો નથી જ છતાં કવ છું ખૂબ ગમ્યું.
મે વાંચ્યું એના કર્તા આખી સ્ટોરી હું જીવી એવું કેવું મને વધુ ગમસે.
Thank you so much 😍
કાલે સાંજ થી માંડી ને રાત ના 3 વાગે વાંચવાનું પૂરું કર્યું…2 કે 3 વાર મૂકવું પડ્યું તો એટલી વાર એ જ બધું વિચારો માં ફર્યા કર્યું… એકદમ આંખ સામે જાણે બધુ જ જોયું… તમારા માટે માન ખુબ વધી ગયું… લખવું અને જીવવું બન્ને માં ફરક હોય… એવું લાગ્યું કે અવઢવ ને તમે જીવી હશે..
Thanks a lot
બહુ જ સરસ વાર્તા ..એક પણ લીટી ગુપ્ચાયા વગર વાંચી..તમે બહુ સરસ લખો છો…
Thanks dear 😍 ❤️ 💐 🙏🏾