Presentation1કક્ક

શીર્ષક વગરની વાર્તા … ૧

એ અરીસા સામે જોઈ રહી ….. આજે જ હેરકલર કરાવેલા વાળ પર હાથ ફેરવતા એને પાર્લરવાળી સખી અવનીની વાત યાદ આવી ગઈ … એના ચહેરા પર એક દર્દીલું હાસ્ય ઝબકી વિલાઈ ગયું …!!

અવનીએ કહ્યું હતું કે “આજે તો તમારા વાળનો રંગ અને ખુશ્બુ પર સર વારી જશે .”

એના કાનોમાં કોલેજ સમયનો કલબલાટ પ્રસરી ગયો …
કેન્ટીનમાં બેસી પોતાના લાંબા ઘટાદાર વાળ પર હાથ પસવારતા સપનાએ કહેલું : ” હા , મારા વાળ પર મને ગર્વ છે પણ હું તો એવો છોકરો પસંદ કરીશ જે મારા માથાના વાળ નહી મારા દિલની સચ્ચાઈને પ્રેમ કરે .”

દક્ષા ..એની ખાસ સખીએ હસતા હસતા કહ્યું હતું :
“પુરુષને મનની સુંદરતા સાથે શું લાગે વળગે ? ” પણ તારે કોઈ ચિંતા કરવાની ક્યાં જરૂર છે ? ભગવાને રંગ હોય કે નાક નકશી કે પછી કાઠી કદ કઈ વાતમાં કસર છોડી છે ? અને આટલી એક્ટીવ અને હોંશિયાર છોકરી જેને મળશે એને શી ફરિયાદ હશે ? ”

“શરીર સંસાર આગળ વધારવાનું માધ્યમ ખરું પણ સારા સહજીવન માટે એથી વધુ એક સમજદાર મનની જરૂર પડે …કદાચ અકસ્માત કે એવા કોઈ સંજોગોમાં ઝર્ઝરિત થયેલા શરીર સામે મનની મજબૂતી જ બચાવી રાખે ” એવો જવાબ આપી સપનાએ વાતને ઉલાળી દીધી હતી .

હાથમાં પકડેલી વાળની લટને ઠીક કરતા સપનાએ વિચાર્યું ….ક્યારેય ડાઈ નહી કરાવવાનું નક્કી કર્યું હતું અને કેટલા વર્ષથી હેરકલર કરાવે છે એ પણ હવે યાદ નથી .

વિચાર્યું હોય તેમ ન જીવાય તેનું નામ જીંદગી …!!!
ફોનની રીંગ વાગતા જોયું …. સંયોગનું નામ ઝબકયું … ને ફોન બંધ થઇ ગયો … હજી ક્યા સેન્ડલ પહેરવા એ નક્કી નથી કર્યું અને સંયોગનો મિસ્ડ કોલ આવી ગયો … હવે એક પળનો વિલંબ કરવો એટલે રાડારાડ અને બુમાબુમ સાંભળવાની તૈયારી રાખવી …આમેય કેટલા બધા દિવસો પછી એક પાર્ટીમાં સપનાને લઇ જવા એ તૈયાર થયો હતો … આજે એને નારાજ કરવો એટલે ફરી પાછુ ૬ મહિના ઘરમાં જ રહેવાની સજા …!!

ડિઝાઈનર સાડી સાથે પહેરવા ધારેલા સેન્ડલ ન પહેરી શકી એનો અફસોસ કરતી સપના ફટાફટ પગથીયા ઉતરી ગઈ. કારમાં બેસી મોબાઈલ પર નજર રાખી બેઠેલા સંયોગ પાસે એ ઝડપથી બેસી ગઈ …બેસતા વેંત એક કોમ્પ્લીમેન્ટની લાલસાભરી આંખે સપનાએ સંયોગ તરફ જોયું …

ફોનમાં મશગુલ સંયોગની નજર સપના આવીને બેસી ગઈ છે એટલું સમજી પાછી વળી .. ફોનની સ્ક્રીનની લાઈટ ઓલવાઈ ગઈ અને કારની હેડલાઈટ સળગી ઉઠી …. !!

હાથમાં પહેરેલી ડઝનેક બંગડીઓ સપનાના હાથની હલનચલન સાથે રણકી ઉઠતી હતી . એ તરફ નજર કરી સંયોગે પૂછ્યું …”આવું આજકાલ કોણ પહેરે છે ? ડ્રેસિંગ સેન્સ જેવું કશું છે કે નહી ? ” ડાબો હાથ ઉપાડી જમણા હાથની બંગડીઓ પર મૂકી સપના ચુપચાપ બેસી રહી ..અલબત હલનચલનનાં નામે હવે શ્વાસ જ ચાલતા હતા.

“બહુ વધુ વાતો કરવાની જરૂર નથી ..જેટલું પૂછે એટલો જ જવાબ આપજે અને ખડખડાટ હસવું એ પાર્ટીમાં ઠીક નહિ ..ધ્યાન રાખજે ..જો કે તને કહીને આમ પણ કોઈ ફાયદો નથી…જેટલું છે એટલું જ્ઞાન આવી પાર્ટીઓમાં જ ઠાલવી દેવું હોય છે તારે … ” સાવ અણસમજુ બાળકની જેમ ખાલી ખાલી આંખોથી એ સંયોગની સામે જોઈ રહી …

૪૨ વર્ષેય સૂચનાઓ સાંભળવી પડે …એક બાજુનો હોઠ અણગમાથી વંકાઈ ગયો . આંસુઓ તો આંખના રસ્તે વહેવાનું ક્યારના ભૂલી ગયા હતા … આંખ ભીની થતી અને પળવારમાં કોરી પણ થઈ જતી …કેટલીક સ્ત્રીઓ માટે આંસુ અને પાણીમાં કોઈ ફેર નથી હોતો …પી જ જવાના ….આંસુઓ જ્યારે વહી નથી શકતા ત્યારે એમનું શું થતું હશે ? એ આંસુ જતા ક્યાં હશે …!! માથું હલાવી વિચારો ખંખેરી લીધા… ડૂમો ભરાઈ ગયો પણ આજે પ્રસન્ન રહેવાનું હતું . મનને મનાવવાની મથામણ કરતી રહી અને ઠેકાણું આવી ગયું ….

સંયોગ એટલે શહેરનો એક જાણીતો બીઝનેસમેન. એની દેખાવ,પહેરવેશ , વાત કરવાની સ્ટાઈલ અને સંપર્કોના કારણે એ પાંચમાં નહી પચાસમાં પૂછાતો. સપના અને સંયોગ એક આંખ ઠારે તેવી જોડી ગણાય .

— નીવારોઝીન રાજકુમાર

કડી…૨

11421519_790647214382067_1400228335_n

ગાડી આવીને પોતાના મુકામ પર આવી ને ઉભી રહી પણ સપનાના વિચારોની ગાડી તો પુરપાટ દોડી રહી હતી.
” સાથીયા યે તુને ક્યાં કિયા બેલીયા યે તુને ક્યા કિયા ”
સપનાના ફોન ની રીંગ વાગતા જ એની તંદ્રા તૂટી,સંયોગ નો અવાજ આવ્યો
” શું વિચાર છે તારો ??? આવવુ છે કે ઘરે પાછા ઘરે જવું છે. ”
સપના જરા અટવાઈ ગઈ, ફોન બંધ કર્યો અને કહ્યું હા આવું કહીને ગાડી બહાર નીકળી ત્યાંજ પાર્કિંગ કરવાવાળો વેલેટ આવી પહોંચ્યો અને લળીને બોલ્યો
” Good evening sir,Good evening mam. ”
સંયોગે ગાડી ની ચાવી આપી અને સાથે ૧૦૦ ૧૦૦ ની બે નોટ આપી. ”Thank you very much sir” કહીને વેલેટ ગાડી લઇને જતો રહ્યો.
આ વખતે પાર્ટી શહેર ની બહાર દરિયા કિનારે હતી. આ જગ્યા જોતા જ સપનાની આંખમાં એક અનેરી ચમક આવી ગઈ.
જેમ કોઈ નાના બાળકને પોતાને મનગમતી વસ્તુ મળે તો જેટલું રાજી થાય એટલીજ અથવા કહી શકાય કે એના કરતા વધારે ખુશ હતી સપના.
એને બચપણથી દરિયા કિનારો બહુ જ ગમતો હતો જેવા એ લોકો પાર્ટીમાં ગયા. થોડા આગળ વધ્યા કે પાછળથી એક અવાજ સંભળાયો,
” લો રોમિયો & જુલિયેટ આવી પહોચ્યાં. ”
બને એ પાછળ ફરીને જોયું તો સંયોગ નો મિત્ર સ્પર્શ અને તેની પત્ની સંવેદના હતી.
સંવેદનાએ સપના પાસે આવીને પૂછ્યું,
” શું વાત છે યાર, ચડસાચડસી થઇ કે શું ” કઈ નહિ ચાલ્યા કરે કહીને સપનાએ વાત ઉડાડી મૂકી.
ત્યાંજ musical orchestra માં ગીત સંભળાયું
” હમ ના સમજે થે બાત ઇતની સી ખ્વાબ શીશે કે દુનિયા પથ્થર કી ”
આ વક્તે પાટીમા એક જ વાત પર ચર્ચા થતી હતી. આ વખત નો કોન્ટ્રાકટ કોને મળશે ???
” સ્પર્શ આ વખતે નો કોન્ટ્રાકટ પણ મારા હાથમાંથી નીકળી જશે અને કઈ નહિ રહે, મારું બેટું ખબર જ નથી પડતી કે આ કોન્ટ્રાકટ હાથ માં કેમ નથી આવતો . ”
સંયોગે સ્પર્શ સામે જોયું અને કહ્યું
” શું યાર તું પણ,બધું તું જ ખાઈશ તો અમારા જેવા એ ક્યાં જવું ”
સ્પર્શ વાતાવરણ ને હળવું બનાવવાનો પ્રયત્ન કરતો હતો હતો.
એમ જોવા જાય તો એ કોન્ટ્રાકટ ના મળે તો પણ સંયોગને કઈ ફરક નહતો પડવાનો પણ છેવટે આ પોતાની ઈજ્જતનો સવાલ હતો.
” તુમ સે મિલકે એસા લગા તુમસે મિલકે,અરમાન હુવે પૂરે દિલકે એ મેરી જાને વફા,, તેરી મેરી તેરી એક જાન હે ”
musical orchestra માં ના ગીત પાર્ટી માં હવે ધીરે ધીરે રોનક વધારતા હતા. પણ આ બાજુ તો કઇંક અલગ પરિસ્થિતિ હતી.
સંયોગનું માથું ભમતું હતું હતું આટલી બધી મહેનત કરી હોવા છતા એને એક એ કોન્ટ્રાકટ મળતો ના હતો
” જમવા જશું ??? “
સપના એ પાછળ થી આવી ને સંયોગ ના ખભા પર હાથ મુકીને પૂછ્યું
” ના મને ભૂખ નથી તું જમી આવ “
ભલે કહીને સપનાબુફે ટેબલ તરફ ગઈ
સપનાને જતા જોઈ સંયોગ વિચારતો હતો આ એજ સપના છે જેને મેં ચાહી હતી ???
સપના ડીશ લેવા ગઈ ત્યાં પાછળથી કોઈ આવ્યું અને સપનાના આંખ પર હાથ મૂકી ને કહ્યું
” Surprise પહેચાન કોન ”
અચાનક આવા સંજોગ થી સપના ગભરાઈ ગઈ શું કરવું કે ના કરવું એની કઈ ગતાગમ ના પડી અને પાછળ ફરીને જોયું તો એને વિશ્વાસ ના થયો.
હાઈ વ્યોમા, what a pleasant surprise.
” તું અહિયાં ક્યાંથી, ??? તું તો લંડન જતી રહી હતી ને સાવ આમ અચાનક અહિયા, બધું બરાબર છે ને તને કઈ તકલીફ તો નથી ને ત્યાં ” સપનાએ એકીશ્વાસે પ્રશ્નોની ઝડી વરસાવી દીધી.
” અરે બસ બસ મારી માં! હવે તો ખમ્મા કર, જરા શ્વાસ તો લેવા દે ” વ્યોમા એ કીધું
અને પાછળ ગીત વાગતું હતું.
” એક દિન આપ યુ હમકો મિલ જાયેંગે, ફૂલ હી ફૂલ રહો મેં ખીલ જાયેંગે, મેને સોચા ના થા ”
સપનાને તો જાણે આજે જેકપોટ લાગ્યો હોય એવી હાલતમાં હતી એક તો ૬ મહિના પછી સંયોગ સાથે ઘરની બહાર નીકળવા મળ્યું હતું સંયોગ સાથે એ પણ પોતાની મનગમતી જગ્યાએ એમાં વળી પોતાની એક સમયની નિકટ સહેલી વ્યોમા મળી એટલે એની ખુશી માં જાણે ચાર ચાંદ લાગ્યા.
બંને સહેલી ઓ વાતોએ વળગી ઘણી પુરાણી વાતો નીકળી.
ત્યાં પાછળ થી અવાજ સંભળાયો,
” your attention please હવે થોડા જ સમય માં આ વરસનો કોન્ટ્રાકટ કોને મળે છે એ જાહેર કરવામાં આવશે. “
ત્યારે જ સપનાએ વ્યોમાને કહ્યું કે, ” સંયોગ આ કોન્ટ્રાકટ પાછળ છેલ્લા ૩ વરસ થી મહેનત કરે છે પણ એને આ કોન્ટ્રાકટ નથી મળતો.”
ત્યારે વ્યોમાએ કહયું, ” ચિંતા ના કર આ વખતે આ કોન્ટ્રાકટ સંયોગ ને જ મળશે.”
સપના કુતુહલ ભાવે અને અનિમેષ આંખો થી વ્યોમા તરફ જોઈ રહી હતી.
વ્યોમાએ એને ટપલી મારી ને જતા જતા કહ્યું,
” મને મળ્યા વગર ના જતી. ”
સપના સંયોગ ને શોધવા લાગી ત્યાં તો એને સંયોગ દેખાયો એક ખૂણામાં ઉભો એ શાંત ચિતે દરિયા સામે જોતો હતો એના ચહેરા પર એક મુજવણ દેખાતી હતી.
સપનાએ આવી ને પૂછ્યું,
” હજી વાર છે ??? “
” ના નીકળીએ બસ.”
કહી ને બંને જણા જવા નીકળ્યા ગેટ પાસે પહોંચ્યા, ત્યાંજ એમને announcement સંભળાયું.
” Your attention pleas ladies & gentlemen.This year’s Contract goes to Mr. Sayog. ”
સંયોગ ને પોતાના કાન પર વિશ્વાસ ના બેઠો એણે સપના ની સામે જોયું, અને જાણે એને પૂછવા માંગતો હોય કે આ કદાચ સપનું તો નથી ને!
સપનાએ હસીને ફક્ત પાપણ મીંચીને એમાં હામી ભરી.
સંયોગએ ત્યાં જ સપનાને આલિંગનમાં જકડી લીધી અને એ જાણે સાતમાં આસમાનમાં ઉડતો હોય એવું લાગવા માંડ્યું!
પણ એને એ ખબર નહોતી કે આ ખુશી એના માટે ક્ષણજીવી જ રહેવાની છે.
એ બંને ત્યાંથી પાછા સ્ટેજ તરફ જવા નીકળ્યા.
રસ્તામાં એમણે જોયું કે સામેથી જે કંપનીએ સંયોગ સાથે કોન્ટ્રાકટ કરેલો તેના
CEO મી. રાહુલ આવી રહ્યા છે.
” હેલ્લો મિસ્ટર રાહુલ , આય એમ સંયોગ. ”
આટલું કહી ને સંયોગે હસ્તધૂન કરવા જેવો હાથ લાંબો કર્યો ત્યાં એને સંભળાયું,
” હાય તમે સપના ના પતિ ને ??? ”
સંયોગને કઈ સમજાયું નહિ એને લાગ્યું જાણે કોઈએ એનો હોઠ સુધી આવેલો પ્યાલો જુટવી લીધો હતો..
ત્યાં સુધી સપના ત્યાં આવી પહોચી. સંયોગ તો એને એવી રીતે જોતો હતો જાણે હમણાં જ એને કાચી ને કાચી ખાઈ જાય.
” હાઈ સપના મીટ માય હસબંડ રાહુલ ” પાછળ આવી રહેલી વ્યોમા ટહુકી.
પહેલા તો ના સંયોગ ને કઈ સમજાયું નહિ સપના ને.
થોડા સમય બાદ ખબર પડી કોન્ટ્રાકટ આપનારી કંપની રાહુલ અને વ્યોમા સંભાળે છે.
” જેનું અંત ભલું એનું બધું ભલું. ”
એમ કહી બધા છુટા પડ્યા.
” સપના આઈ હોપ કે આપણે જલ્દી પાછા મળશું પ્રોજેક્ટ માં ” કહી ને વ્યોમા નીકળી ગઈ.
સંયોગ સપના ને એકીટશે જોતો રહ્યો.સપના તો હજી સુધી કઈ સમજી નહોતી શકી.
બંને જણા ગાડીમાં પોતાને ઘરે જવા નીકળ્યા.
રસ્તા માં એક અજીબ પ્રકાર ની ખામોશી છવાયેલી હતી.
શું આ અંત હતો ???
ના આ ખામોશી બંનેના જીવનમાં આવનારી તુફાન પહેલાની ખામોશી હતી…

— પ્રતિક ગાલા

કડી…૩
અજબ ખામોશીની સાથે ઘરે આવ્યા બન્ને ..
સપના તો બહુ ખુશ હતી પણ એ અજાણ હતી કે સંયોગનો અહમ ઘવાયો હતો, એટલે એ દુવિધામાં હતી કે જે કોન્ટ્રાક્ટ માટે સંયોગ આટલા વરસોથી આતુર હતો એ ખુશ કેમ નથી…?
રાત વિચારોમાં ગઈ. સપનાની સવાર પડી તો સપનાને થયું લાવ સરસ નાસ્તો બનાવી એને ખુશ કરું…
” સંયોગ, તું નાસ્તો શું કરશે?
સપનાએ પ્રેમથી પૂછ્યું…”
સંયોગે એની વાતને નજરઅંદાજ કરી તો , સપનાએ બીજી વાર પૂછ્યું ..
ત્યાં તો સંયોગ ઉગ્રતાથી મોટે અવાજે બોલવા લાગ્યો કે “ શું છે તારે..?, “તું શું એમ માને છે કે આ કોન્ટ્રાકટ અપાવી તે મારી પર ઉપકાર કર્યો છે એમ…?”
પણ આ બધું સપનાની સમજની બહાર હતું આ બધું કે એ શું બોલી રહ્યો છે !
એણે સંયોગને વળતો પ્રશ્ન પૂછી લીધો કે “તુ ફોડ પાડી ને બોલ, કે તું કહેવા શું માંગે છે.?”
સંયોગ પાસે ગુસ્સો હતો, પણ જવાબ નહિ ..બસ, ઘરેથી પગ પછાડી નીકળી ગયો એ તો .. સપના વિચારતી રહી ગઈ કે આ હતું શું.? શું કરે એની કઈ સૂઝ પડતી નહોતી અને એને.. ત્યાં જ પછડાઈ પડવાના અહેસાસમાંથી બહાર આવી, વિચારો પર અને મન પર કાબુ કરીને કામમાં મન પરોવવા લાગી.

ત્યાં જ અચાનક ફોનની રીંગ વાગીને. સામે છેડેથી વ્યોમા બોલી … ” હેય ડીઅર શું કરે છે…?”
ને બીજી જ ક્ષણે સપનાએ પોતાની જાતને સંભાળી, વિચારોના વમળમાંથી બહાર નીકળી, ટેન્શનને ભૂલી, હસતા મોઢે જવાબ આપ્યો ” કાંઈ નહિ બસ જો કામ…”
બસ પછી તો શું પૂછવું બન્ને એકબીજાના જુના દિવસોની એ આભને આંબવાની અને સાથે વિતાવેલ એ મોજ ભરેલ દિવસોની ખુબ વાતો કરી, ને ત્યાં વ્યોમાએ સવાલ કર્યો .. તારા જેટલી મહત્વાકાંક્ષી , ને દરિયા ના સુસવાટા મારતા મોજા જેવી વ્યક્તિ શાંત કેમ પડી ગઈ છે ..?
“તું કેમ કઈ કરતી નથી.? તું તો કોલેજમાં સૌથી હોશિયાર હતી યાર, તને આમ હાઉસ વાઈફ તરીકે જોઇને બહુ ખરાબ લાગે છે…તને એવું મન નથી થતું કે તું કઈ કરે..?” વ્યોમાએ પૂછ્યું.
બસ, સપનાની આ દુખતી નસ હતી માટે એના અવાજમાં અચાનક થોડી નરમાશ આવી ગઈ.
“સંયોગને પસંદ નથી હું જોબ કરું એ”
બસ આટલું બોલી સપના ગળે ડૂમો ભરાઈ આવતા અટકી ગઈ.

“આટલો મોટો બીઝનેસ મેન, ને આવા વિચારો…!.?” વ્યોમા એ એવી નવાઈ બતાવી અને તેનાથી બોલાઈ જવાયું કે “તો એની કંપનીમાં જા ને કોઈ હિસ્સો બની કામ કર ને .. અગર એને તું બીજે કામ કરે એ પ્રોબ્લેમ હોય તો .!”
સપના શું બોલે? સંયોગ પોતાની સાથે બહાર લઇ જવામાં પણ નાનપ અનુભવતો હોય તો એ ઓફિસે કઈ રીતે લઇ જશે વળી ? એ આગળ કાંઈ બોલી શકી નહિ…
“જે ચાહો તે બધુ નાં મળે છતાં જીવવી પડે એનું નામ જિંદગી”
ક્યારેય પૈસાની ખોટ ન હતી એટલે આ વિચાર ખાસ આવ્યો નહોતો , પણ આજે વ્યોમાની વાતોએ સપનાના અંદરની સાચી સપનાને જગાડી દીધી …. બસ, પછી તો ફોન મૂકી સપના ફરી એકવાર વિચારે ચડી. ને તેણે મનમાં નિર્ધાર કર્યો કે “ભલે પહેલા આ મુદ્દે અગાઉ એકવાર નિષ્ફળતા મળી હતી પણ, આજે કદાચ સંયોગમાં સમયને હિસાબે જો કોઈ પરિવર્તન આવ્યું હોય આમ વિચારીને સપનાએ મક્કમ મનોબળ સાથે મનમાં દઢ નિર્ણય કર્યો કે સંયોગ આવે એટલે આજે આ વાત વાતની રજૂઆત તો કરવી જ રહી …”
થોડીવાર બાદ સંયોગ આવ્યો. બંનેએ જમી લીધું સપનાએ રસોડાનું કામ ઝટપટ પતાવ્યું અને સંયોગ પાસે જઈ ધીમેથી દબાતા અવાજે બોલી “સંયોગ , એક વાત કહું .?”
એના મનમાં ડર તો હતો પણ આજે એણે હિંમત કરીજ દીધી હતી …
“બોલ, હું ના કહીશ તોય બોલવાની તો છો જ ને તું ? “..!

સપના બોલી
“હું આપણી કંપની જોઈન કરું તો ? કોઈ એક વિભાગ સંભાળું તો ..?”
ને વાક્ય આટલું સાંભળતા જ સંયોગનો પારો ચડી ગયો ..
“ઘરનું કામ સરખું કરો તો બહુ છે.આ ભૂત ક્યાંથી વળગ્યું તને ? બહાર લઇ જાઉ તો બોલતા ,બેસતા-ઉઠતા, હસતા આવડે છે? એ શીખો પહેલા …”
” સંયોગ હું મારી કોલેજમાં હું હોશિયાર, અગ્રેસીવ ,ને દરેક જગ્યા એ અવ્વલ આવનાર છોકરીઓમાંની એક હતી. તો હું થોડી ઘણી તો હેલ્પ કરી શકું ને તને ને .? સાવ આવું વર્તન કેમ કરે છે મારી સાથે.? મેં વિચાર્યું એ બહાને હું પણ તમારી સાથે થોડો વધારે સમય વિતાવી શકું તો એમાં ખોટું શું છે…?”
બસ આટલુ સાંભળતા સંયોગ તાડૂક્યો “હવે હોશિયારી મારવાની બંધ કર અને કામ કર તારું.” એકીટસે એ સંયોગ સામે જોતી જ રહી….વિચારતી રહી કે ઘરની ચાર દીવાલોમાં જે દુનિયા દેખાય છે ને એવી સરળ કે આસાન નથી હોતી ,. સપના શું કરે ..?…
તે વિચારી રહી.
“કે આ એ જ સંયોગ છે કે જે ઘરની બહારની દુનિયાની સ્ત્રીઓના આત્મવિશ્વાસને પોષતો હું જોઉં છું.? ઓફીસ માં રહેલી દરેક સ્ત્રીનું સન્માન જાળવતો ,કાળજી રાખતો, એ કોઈના આત્મસન્માન ને ઠેસ ન પહોંચે એ ખાસ ધ્યાન રાખતો જોઉં છું ..?
“ તો શું એક મારા આત્મસન્માનની જ કોઈ કિંમત નથી એને મન ? પ્રિય વ્યક્તિના શોખ, એની ઇચ્છાઓ જેવું કઈ હોતું જ નથી કાઈ ? પુરુષની જરૂરિયાતો પૂરી કરવી, એના પડ્યા બોલ ઝીલવા, એના ડરથી જીવવું આજ એના ભાગે આવે કે .?”
“ઘણી વાર તેને સ્ત્રી સજાગતા કે એના આત્મસન્માન માટે ભાષણ આપતો .જોયો છે. મેં તો શું આ એ જ સંયોગ છે ..? એની કઈ વાત સાચી?”

આ વિચારોમાં પછડાઈ પડી સપના …… ત્યાં સામે સંયોગના મનમાં પણ ઘણા વિચારો હતા. ને, આખી મથામણ નું બીજ બહુ નાની ઉંમરમાં જ સંયોગના મનમાં રોપાયેલ હતુ . કારણ કે સંયોગના મમ્મી નાની ઉમર માં જ સ્વર્ગ સિધાવેલા.તેને એના માસીએ મોટો કર્યો હતો. એને માસી નોકરી કરતા હતા. સંયોગ થોડો સમજદાર થયો ત્યારે જોયું કે , માસીના પગારથી જ ઘર ચાલતું એટલે એમનું વર્ચસ્વ. માસાનું કઈ ચાલે નહિ. સંયોગને માસા પર બહુ દયા આવતી, એમ જ માસી પર ગુસ્સો. માસીના એમની ઓફીસના કોઈ પરપુરુષ સાથેના સંબંધને લીધે ઘરમાં થતા ઝગડા, માસીના જોહુકુમીવાળા વર્તનો, ને છેલ્લે એમનું ઘર છોડીને જતા રહેવું .

માસીની વર્તણુકે નાના સંયોગના દિમાગ પર સ્ત્રીઓ માટે નફરત જગાવી દીધી હતી. એના મનમાં એ વિચારો ઘર કરી ગયેલા કે અગર સ્ત્રી અગર કમાય તો ઘરમાં એનું જ વર્ચસ્વ હોય, આને કારણે સ્વતંત્રતા મળે તો એ ગેરફાયદો લે, બધા પર જોહુકમી કરે વગેરે….વગેરે….
આ બધા કારણોસર એ સપનાને પૂરી છૂટથી જીવવાની આઝાદી નહોતો આપી શકતો.
સપના જો કે સમજદાર સ્ત્રી હતી એ જાણતી તો હતી જ કે આ જ કારણ હશે. છતાં એણે નક્કી કર્યું કે હવે સંયોગના મનમાંથી આ ભ્રામક વિચારોને તિલાંજલિ અપાવીને જ રહેશે.
અને હવે તો વ્યોમાનો પણ સાથ હતો એને..

એ વિચારતી રહી કે મારા સપના પૂરા થશે કે સંયોગના હઠીલા વિચારોનો વિજય થશે ?..

— મનીષા દરજી

કડી…૪

11205019_919211398130933_5041921274877982263_n

એકદમ શાંત ચિત્તે એકલાં રહેવાં ટેવાઈ ગયેલ સપનાના મનમાં સંયોગના ઉગ્ર સ્વભાવની તુલના ચાલી રહી હતી… બહાર ખૂબ નમ્રતાથી રહેતો સંયોગ ને સ્ત્રી સ્વતંત્રતાની વાતો કરતો સંયોગ અને ઘરમાં એકદમ વિરુધ્ધ રીતે વર્તતો ને પોતાની વાતને એક ઝાટકે ઉડાડી દેતો સંયોગ..
ખેર, વીતી ગયેલો સમય સુધારવાની તક ક્યારેય પાછી મળતી નથી,
…સાવ ઘરરખ્ખુ ગૃહીણીની પાડી દીધેલ ઓળખ હેઠળ એજ કોચલામાં ગુંચળું વળીને સંકોચાઈને રહી ગયેલ પોતાની પત્નીને જોવા ટેવાયેલ સંયોગને પોતાનો અહંમ ઘવાયેલ લાગ્યો પોતાને છેવટે તો એક નગુણી સ્ત્રીનાં ઉપકાર થકીજ આ ડીલ મળી હતીને !!
ત્યાં અચાનક એનાં મોબાઇલની રીંગ રણકી ઉઠી … અને તે સામેથી ફોન કરનાર સાથે એકદમ નરમાશથી વાત કરવા લાગ્યો, તેના ચહેરાની તંગ રેખાઓ હળવી થતી ગઈ…પંદરેક મિનિટ ચાલેલી વાતો પછી ઓફિસના દરવાજે ટકોરા પડ્યા ને ફોન બંધ કરીને..” યસ કમ ઈન..”કહ્યું… અને જરુરી કામ સંભળવા લાગ્યો…
…તો આ તરફ સપના નોકરને જરુરી સુચના આપી પોતાના રુમમાં ગઈ એક મેગેઝિન પર નજર પડતાં વાંચવા લાગી…જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ તેના મનમાં લાગવા લાગ્યું અરે..!! આ બધું તો હું પણ વિચારી શકુ છું. જોને હું યે કેવી મુર્ખી છું…
વ્યોમા સાચું જ કહેતી હતી … ” જો પુરુષ ભલે બહાર ગમે એટલો વટથી રહે કઠોર થઈને રહે.. અંદરથી તો એ પણ મ્રુદુ હૃદયનો જ હોય છે એને પણ થાય કે કોઇ એના મનની સ્થિતિ સમજે…કશું નહી તો તને ગમતી પ્રવ્રુત્તિ કર”.અને એણે પોતાના મનની ઉદાસીનતા ખંખેરી..
પેન અને કાગળ લઈને તે કશુંય વિચાર્યા વિના લખવા લાગી, પેનમાંથી પણ સાવ દિશાહિન પ્રવાસીની જેમ શબ્દોય જાણે એનાં અંતરના ઉંડાણને ઉલેચીને બહાર આવવા મથી રહ્યાં હોય એમ સફેદ કાગળનાં ઉજાશમાં અલગ આભા પાથરી રહ્યાં હતાં.
…જેમ જેમ લખતી ગઈ (એમ જાણે) એના મનનો ભાર હળવો થતો ગયો…એણે પતિના ઓશિકાની નીચે એ કાગળ મૂકી દીધા અને સાંજના નાસ્તા અને ચાની તૈયારી સાથે ટેબલ પર સંયોગની રાહ જોતી બેઠી.. થોડીકજ વારમાં સંયોગ ઉતાવળે પગલે ઘરમાં પ્રવેશ્યો… ચહેરા પર થોડીક ખુશી છલકતી હતી… તે ફ્રેશ થઈને આવ્યો બાદ બન્ને એ ચા નાસ્તો કર્યો.. સપના વિચારતી હતી કે કશું પણ કહીશ તો ફરી પાછાં મહેણા સાંભળવા પડશે અથવાતો તે ઉગ્ર થઈને કશું બોલે એના કરતાં સપના ચુપ રહી..”.વ્યોમા હોંશિયાર બાઈ લાગે છે કહેતાં “સંયોગ પણ આજે સપનાને કંઈ જુદીજ રીતે જોઇ રહ્યો… એવું સપનાએ પોતે મહેસૂસ કર્યું ને તેનાં મોઢે પોતાની પ્રિય સખીનું નામ સાંભળતાં સપનાનો ચહેરો ખીલી ઉઠ્યો..ને સંયોગને જાણે સપના આજે વધુ સમજદાર થઈ હોય એમ કેમ લાગી રહ્યું તે સમજાયું નહીં..??” ..અને ક્યાંક અલગ પણ…કે પછી પોતાને જ આમ આભાસ થાય છે..!!!..વધું ધ્યાનથી જોતાં એ થોડીક બદલાયેલે લાગી..અને સામે સપનાને પોતે પણ સંયોગની નજર આટલા વરસે કેમ જાણે એને જુદીજ રીતે ઉંડાણથી માપી રહી હોય એવું લાગ્યું ! એને સંયોગને પોતાને આવી કંઈક જુદી રીતે નિહાળતો પહેલી વાર જોયો હતો ,અને બેય જણ બોલ્યા વગર એકબીજા પ્રત્યે વિચિત્ર પણ સારી અને સાચી કુણી લાગણી અનુભવી રહ્યાં હતાં કે હમણાં નજરો જાણે સ્વગત્…બોલી પડશે ? કે ચાલને પહેલાંનાં જેવાં હતાં એવાં થઈ જઈએ !
…સપનાએ આજે પ્લાઝો અને કુર્તી પહેર્યા હતાં કાનમાં નાનકડા ટોપ્સ અને હાથમાં બંગડીઓની જગ્યાએ સુંદર બ્રાસ્લેટ…ઓહ, મેડમને કાલની ટકોરની અસર થઈ લાગે છે.. એમ નોંધ લેતો વિચારતો સંયોગ ઈવનિંગ વોક માટે રોજની જેમજ નીકળી ગયો.. ખરેખર તો એ પણ પેલા ફોન આવ્યા પછી ક્યાં ખુશ ન હતો..??
સાંજનું જમવાનું એને ભાવતું જ સપનાએ ખાસ બનાવડાવ્યું હતું…..પણ કંઈ કહેવાય નહી, એને ખોડ કાઢવી હોય તો ગમે એમ કરીને કાઢે…એમ વિચારતી સપનાએ સંધ્યા આરતીમાં મન પરોવ્યું…. ને મન જાણે પોકારતું હતું કે “પ્રભુ મોરે અવગુણ ચિત ન ધરો”…
મનોમન પ્રભુ પાસે ઉપાડેલા કામની સફળતા માટે શક્તિ માંગી.. અને હા,, પહેલાં કરતાં વધુ ધીરજ અને સહિષ્ણુતા પણ, કારણ ધીરજ રાખીનેતો આટલા સમય લગી પોતાને પહેલાં કરતાં સમુળગી બદલી ચુકેલી છતાં યંત્રવત જીવી રહી હતી સપના.
જમ્યા પછી સંયોગ પોતાના લેપટોપ પર રોજીંદું કામ જોવા લાગ્યો તો સપના ટીવી પર આવતી “અજીબ દાસ્તાં હૈ યે” સીરિયલ જોવામાં રોકાઇ ને રોજના નિત્યક્રમ મુજબ આ ટેલી સીરીયલ એ એના માટે સમય પસાર કરવા કરતાં જીવી લેવાનો સમય કાઢવાનુ માધ્યમ બની રહ્યું હતું
સવારે આંખ ખુલતાં જોયું તો સંયોગ આજે રોજ કરતાં પાર્કમાં જવા માટે વહેલો તૈયાર થઈ ગયો હતો…એનો ચહેરો શાંત હતો.. સપનાએ ચાદર ઠીક કરવાના બહાને જોઇ લીધું કાગળ છે કે સંયોગે લઈ લીધા ?? તેને એક ઘડી ધ્રાસ્કો પડ્યો,,,!! ‘ હમણા જોશે એટલે એનો ગુસ્સો ફૂટી પડશે’ .. એમ સમજી એ રૂમમાંથી બહાર નીકળવા લાગી…
ત્યાંજ સંયોગના જુદાજ પ્રકારના સંબોધને એને ઉભી કરી દીધી “સપના, મારે તને એક વાત કહેવી છે… સંયોગના શબ્દોએ સપનાને આજે જો એ કશું બોલશે તો શું કરવું તે વિચારમાં .. તેનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું.. તે અજાણ થઈ સંયોગને જોઇ રહી .. સંયોગે પ્રેમથી તેનાં ખભે હાથ મૂકીને કહ્યું” મને માફ કરે દે સપના, અત્યાર સુધી મેં તને ખૂબજ અન્યાય કર્યો છે અને કેટલીયવાર અપમાનિત કરી છે” શબ્દોની આટલી જાદુઈ માવજતની ધારી અસર થઈ છે એ એ જાણી ખુશી થઈ … “તું સાદગીમાં પણ સારી જ લાગતી હોઇશ. મજાક મસ્તીને કારણે તું વધુ ખીલી ઉઠતી હોઇશ …હસતો ચહેરો રાખીને તેં કેટલાયે કડવા ઘુંટ પીધા ”
અને સપનાને તો જાણે બત્રીસ કોઠે દીવા ઝળહળી ઉઠ્યા.. તો સંયોગ માટે ફોન પર થયેલી વાતે વધુ અસર કરી હોય એમ લાગ્યું…
સંયોગે સપનાએ લખેલી વાતો જે માસીના સ્વરુપે સ્ત્રીની ખોટી છાપ પડી હતી એના સંબંધિત લખાણ વાંચ્યું હતું … કોઇ દલીલ નહ્તી કે ફરિયાદ પણ નહતી . બસ જે રુબરુ કહેવાની વાત હતી તેનેજ સપનાએ શબ્દોનું સ્વરુપ આપીને કહી જોઇ હતી.
પણ,પત્ર વાંચ્યા પછી કેટલીક વાતો કબૂલતાં હજીયે એનું પૌરુષત્વ તેને અટકાવતું હતું, તેણે કાગળ કે લખાણ વિષે મન ખોલીને કશુંજ ન કહ્યું.
પણ બન્નેય જણાં જાણે અચાનક આંવનારા આંધી ને તોફાન જેવા સંજોગો ને એથી થનાર બેકાબુ અને પુરપાટ ગતીથી વહેતી જિંદગીને ગડથોલીયું ખવરાવી દે એવાં કદીય નહી ધારેલા ખતરનાક વળાંકથી સાવ અણજાણ હતાં…

— ચંદ્રલેખા રાવ

કડી…૫

11651039_473967946104976_481332496_n

માણસ કેટકેટલા ભ્રમને સહારે જીવી જતો હોય છે! જીવનને સમજવા કરતાંય માનવમનને સમજવું વધારે અઘરું છે. જે માણસ કોઈ એક વ્યક્તિ માટે ખુદનો જીવ કુરબાન કરી શકે એ જ માણસ બીજી કોઈ વ્યક્તિને જાનથી મારી પણ નાખી શકે ! બધો જ આધાર માણસ પોતાના મનમાં ઊઠતા ક્યા પ્રકારના વિચારોને પોષે છે એના પર રહેલો છે. સાંજ પડવા આવી, સપનાના મનમાં સંયોગે માગેલી માફીના પડઘા હજી રાજીપાની વાઈબ્સ ઊભી કરતા હતાં. અને તે ખુશ હતી. ઘણા સમય બાદ જીવનસાથી દ્વારા થઈ રહેલા ગેરવર્તનને કારણે પોતાની લાગણીના છોડમાં કરમાઈ જઈને ખરવાને આરે આવી ચુકેલા પ્રેમને આજ નવી કૂંપળો ફૂટી રહી છે… કોઈ સ્ત્રી પ્રેમ વગર જીવી શકતી નથી અને એટલે જ જરાક જેટલો , સાચો કે બનાવટી પ્રેમ મળતા જ એ ધન્યતા અનુભવવા લાગે છે.

અહિં ઓફિસમાં સંયોગને પણ બધુ હળવું હળવું અને તાજગી ભર્યું લાગતું હતું. ઘણાં સમયથી મન પર ઘેરાયેલા અકળાવી નાખનારા કુવિચારોના વાદળ કોઈના આગમનથી વિખેરાવા લાગ્યા હતાં. વ્યોમા જેવી તેજસ્વી અને સાલસ સ્ત્રીએ પોતાના માટે આટલી કેર બતાવી હતી. બહુ જતનથી પાળેલી ડીલ મેળવવાની ઈચ્છા આજ પત્નીની જૂની સખીના સંબંધને કારણે પૂરી થઈ હતી. સંયોગને ખુદને પણ આ નમણી, આખાબોલી અને દેખાવે સુંદર સ્ત્રી પ્રત્યે આદર જાગવા લાગ્યો હતો. સાવ સાદુ સત્ય કે દુનિયાના બધા માણસો સરખા નથી હોતા એ આજ સંયોગને વ્યોમાના વર્તનથી સારી રીતે સમજાઈ ગયું હતું. એક થોડી મિનીટની વાત, અને એ સ્ત્રીના અવાજ, એટીટ્યુડનો અસર એવો થયો કે સંયોગને પોતાની ભૂલ સમજાવા લાગી. “મિસ્ટર સંયોગ, જિંદગીમાં લોકો આવે ને જાય, પણ જે એકવાર આવી ગયાં પછી જવાના હજારો કારણોને ન ગણકારતા રોકાઈ રહે એ સંબંધને ન સાચવવો એમાં મોટો લોસ છે” રાત્રે ઘરે આવતા નાના બાળકની જેમ સંકોચાઈને સૂતી સપનાના ચહેરા પરની પતિ તરફથી સતત થતી રહેતી અવહેલનાને કારણે પરમનેંટ બની ગયેલી ઘસારાના પ્રતિક સમી કરચલીઓ જોઈ સંયોગના ગીલ્ટનો પાર ન રહ્યો. પોતે જેને પરણીને ખૂબ અભરખાથી લાવેલો અને પોતાના ઓર્ડર્સને વફાદારીથી પાળતી સપનાથી થયેલી નાનકડી ભૂલની આવડી સજા અપાતી હશે કાંઈ ? સપનાના મનોભાવો, અનુભવો અત્યારે સંયોગ સમજી રહ્યો હોય એમ વિચારે ચડ્યો ..અને એક પછી એક પડદા પર ભજવાતા દૃશ્યોની જેમ ભૂતકાળના ઓળા ઊતરી આવ્યા..

ભોળી અને ખુબસૂરત પત્ની મેળવવા બદલ બધા સંયોગનો ખભો થાબડતા અને સપનાના ગાલ રતૂમડાં થઈ આવતા! કુદરતે બન્નેમાં ઘણા contradiction મૂકેલા, પણ લાગણીની વેલ તો અધ્ધર હવામાંય મૂળિયાં નાખવા લાગી હતી. પરસ્પરના સાથની ઘેલી ઘેલી ઝંખના ને આકર્ષણનો સુંદરતમ દોર શરૂ થયો. સંબંધની શરૂઆતમાં માણસ સામેવાળી વ્યક્તિની પોતાના મનમાં એક ઈમેજ બનાવી લે છે. આ ઈમેજમાં ખુદની અપેક્ષાઓનું આરોપણ વધુ અને સામી વ્યક્તિના ખરાં સ્વભાવનું આરોપણ નહિવત્ હોવાથી એ ઈમેજ હકીકત સાથે મેચ થતી નથી આ કડવી સચ્ચાઈ માણસ પચાવી શકતો નથી. માનવ સંબંધોમાં તદ્દન ઊલટું વલણ અપનાવે છે. જે સંબંધ આજીવન ટકાવવાના છે તેને અપેક્ષાઓનો લૂણો લગાડીને, બેકાળજીથી ખલાસ કરતો જાય છે.

પ્રેમના આલાપો આલાપ્યે જનાર સંયોગને જ્યારે જાણ થઈ કે બિઝનેસમાં આપવા પડતા વધુ પડતા સમયને કારણે પત્ની ફરિયાદ કરી રહી છે તો તેણે ગણકાર્યું નહીં. પ્રેમ ક્ષમાશીલ અને મહાત્યાગી હોવો જોઈએ એવું ભારેખમ અને પ્રેક્ટીકલી પોલુ વાક્ય સત્ય સમજીને એણે સપનાને લેક્ચર આપવા શરૂ કર્યાં હતા .બહેનપણીઓ અને મા બાપ પાસે પોતાની તકલીફ સંભળાવતી સપનાને બધાએ સરખી જ સલાહ આપી કે પતિની પાસે સમય ન હોય તો તું પણ જાતને પરોવા માંડ કોઈક કાર્યમાં. ઘણી વાર આપણે આપણી જ સકુચિત નજરથી બધુ જોઈને એના સંકુચિત અર્થો લઈ લેતા હોઈએ છીએ. વિલા મોંએ પરાણે હસીને સપનાએ જ્યારે જોબ કરવાની , કેરિયર બનાવવાની વાત કરી કે સંયોગ પેલા માસીના બનાવની ઘેરી અસર નીચે પત્ની પર વરસી પડ્યો અને એ જ સમયે હૂંફાળા સંબંધમાં પહેલવહેલી તિરાડ પડી હતી. સંબંધની અને સંબંધીની નાજુકાઈને સમજીને કરવામાં આવતું વર્તન લાગણી માટે અમૃતસમાન છે. પણ ગુસ્સામાં ઉચ્ચારાયેલા કઠોર શબ્દોના ઘા સીધા સંબંધની ઈમારતના પાયા પર પ્રહાર કરે છે! સ્ત્રીની નબળાઈ કહો કે સૌથી મોટી સબળાઈ , તે એક વાર સંબંધમાં બંધાઈ ગયાં પછી એને ચલાવવા પોતાનો જીવ રેડી દે છે અને છેલ્લે બાકી ઢસરડાની જેમ પણ ઘવાયેલા હૈયે પતિના બદલાયેલા સ્વભાવને સહી લે છે, જીવ્યે જાય છે. સપના એવી જ સ્ત્રી હતી. બીજા પુરૂષ સામે નજર સુદ્ધા ન કરવાવાળી સીધી સાદી , ગમાર નહીં પણ ગ્લેમરસ ન કહી શકાય એવી સપનાની સરલતા શબ્દોના કિમીયાગર અનંત મહેતાને બહુ આકર્ષી ગઈ! બહેનપણીએ કરેલા અતિઆગ્રહને કારણે મુશાયરામાં જઈને પહેલી જ હરોળમાં શરમાતી બેઠેલી પચ્ચીસેક વર્ષની સ્ત્રીની વિષાદ ભરેલી આંખો પોતાની પ્રેમ વિશેની કવિતાના એક એક શબ્દે ભીંજાતી જતી જોઈને અનંત પ્રોગ્રામ પૂરો થતાં જ દોડી ગયો અને પોતાનો ખાદીનો રૂમાલ સપનાને આપીને smile please કહીને ભીડમાંથી રસ્તો કરતો જતો રહ્યો. અજાણ્યા માણસના આવા વર્તનથી સપના ડઘાઈ જ ગઈ! એને એ રૂમાલ ફેંકી દેવાનું મન થયું હતું .. મનમાં ઘૃણાનો ભાવ જાગતા તેના પછી તરત કારણ વિના ગુસ્સો અને આંખમાં નિઃસહાયતાના આંસુ ધસમસતા પૂરની જેમ વહેવા લાગ્યાં! પતિના હૃદયની રાણીને બદલે મકાનના ફર્નિચરની હૈસિયતથી રહેતી સપનાનાં સપનાંઓ તો ક્યારના કફન ઓઢીને સૂઈ ગયાં. હવે એને સજવા સંવરવામાં, ઘરનાં કામોમાં કે સોશીયલ લાઈફ જીવવામાં કોઈ રસ રહ્યો નહીં. જીવનના એક વળાંક પર બધું જ થીજી ગયેલું લાગે છે. ઠંડીગાર એકલતા ભરડો લઈ રહી અને સપના ચૂપચાપ એને શરણે થઈને ગુંગળાઈ મરવાની સ્પષ્ટ શક્યતાને સ્વીકારી રહી.

પતિ પત્નીના જ નહીં મોટાભાગના સંબનધોમાં ઊભા થતાં પ્રશ્નો જો પૂરી સંવેદનશીલતાથી ચર્ચવામાં આવે તો સંબંધ ખીલે છે અને પોતાનો જ કક્કો ખરો કરવાની હોડમાં ઊતરનારને આજીવન સંબંધના નામે એક ફોર્માલિટીની લાશ જ કંધા પર ઊંચકીને ચાલતા રહેવું પડે છે. કરુણાજનક વાત તો એ છે કે અકસ્માતની જેમ જ સંબંધમાં પણ જો એકની અતિ ઝડપ અને જાત પર કાબુ ન હોય તો બીજું પણ જીવથી જાય છે! સંયોગના મનમાં નાનપણથી માતાના હાથે ન થઈ શકેલા હૂંફાળા ઊછેરના પરિણામ સ્વરૂપે ઘર કરી ગયેલા જક્કી વિચારો એને ખુદને તથા સપના સાથેના સંબંધને અને સરવાળે તો બન્નેના જીવનને ધીમા ઝેરની જેમ મારવા લાગ્યાં. પોતાની નબળાઈઓ તરફ નજર પણ ન કરનારા પોતાના અને બીજાના હૃદય તથા ચેતનાને ઘણા ઊંડા ઘાવ આપી જતા હોય છે. આવા કારમા ઘાના મૂળ સમાન પોતાના ભૂતકાળને ઘૃણાથી જોનાર સંયોગ બહારથી ભલો દેખાવાનો પ્રયત્ન કરતો રહેતો અને તેને કારણે લોકોમાં તેની સ્ત્રીઓ પ્રત્યેની સમ્માનની ભાવનાની વાહ વાહ સાંભળી સપનાના હૃદડના ચૂરેચૂરા થતાં રહેતાં. એનું મન સતત પોતાનો શું વાંક છે એ જ શોધતું રહેતું અને લઘુતાગ્રંથીથી પીડાવાને કારણે અણઘડ સ્ત્રી જેવું જાહેરમાં વર્તન કરી બેસતી સપનાને હવે સંયોગ ગુસ્સાથી અને ચીડાઈને જ જવાબ આપવા લાગ્યો હતો ! પોતે જેના પર પૂરા જીવનનો વિશ્વાસ મુકીને પરણી એ જ માણસ કારણ પણ જણાવ્યા વગર આટલો તોછડો કેમ થઈ ગયો છે એ જાણવાની મથામણોથી કંટાળેલી સપનાને એક દિવસ પોતાના જૂના પાકીટમાંથી પેલો ખાદીનો રૂમાલ મળી આવ્યો! જોતજોતામાં સરી પડેલ બોર જેવડું આંસું રૂમાલ પર પડતાં નીચેની ગડી પર બ્લ્યુ શાહી જેવું કંઈક દેખાયું હતું ! રૂમાલની બીજી ગડીની અંદરની બાજુ અનંતના મરોડદાર અક્ષરોમાં લખેલું પોતાનું નામ , મોબાઈલ નંબર અને સાંત્વનની એક પંક્તિ લખેલી જોવા મળી : “ગુજારે જે શિરે તારે જગતનો નાથ એ સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિપ્યારું ગણી લેજે!”

સ્તબ્ધ થઈ ગયેલી સપનાને કોઈ અજાણ્યાના આશ્વાસન ભર્યા શબ્દોથી હૈયાનાં રણમાં થયેલાં અમીછાંટણાં જેવી અનુભૂતી થઈ ..! અમુક લોકો માટે સ્નેહ એ જીવન જરૂરિયાતનું તત્વ હોય છે જેના વગર શ્વાસ હાલતા હોય પણ જીવી શકાતું ન હોય. ક્ષીણ થતી જતી ચેતનાની શગને ફરી સંકોરનારનો એક વાર તો આભાર માનવો જ જોઈએ એવા ભાવથી સપનાએ લેપટોપ ખોલ્યું અને સુંદર શબ્દોમાં દીલી આભાર વ્યક્ત કરતો ઈ મેઈલ અનંત મહેતાના આઈ ડી પર મોકલી દીધો હતો …

— ડોલી ઠકરાર ‘હરિણી’

કડી…૬

201506190128011

‘ગુજારે જે શિરે તારે જઞતનો નાથ સહેજે, ગણ્યું જે પ્યારા એ તે અતિ પ્યારું ગણી લેજે’ ગણગણતી સપના ઈમેઇલ આઇઙી પર આભાર વ્યક્ત કર્યા પછી વિચારતી રહી..એક સ્ત્રી પુરુષ પાસે થી શું ઝંખે …?..માત્ર પુરુષત્વ? ના..પુરુષ એ સ્ત્રીના જીવનનું સબળ કારણ છે. આધાર છે, હુંફ છે, ભરોસો છે…અને એથી વધુ એક મિત્ર છે… સંયોઞ પાસેથી એ શું પામી??….. જિંદગીના એવા તાલમેલ બેસાડતી સપના જાણે અજાણ્યે અંનત મહેતાના શાબ્દિક,હુંફાળા સ્પર્શમાં તણાતી રહી. ઈમેઇલ ચેટ દ્વારા તેના જીવનને એક નવો જ ઓપ આપતી રહી.
સપના જેમ દિવસો આવે તેમ પસાર કરતી ગઈ અને જીવનની જંજાળમાં ગુંથાતી ગઇ…તેના જીવનમાં એક રુપકડી દીકરી સ્નેહાનું ઉમેરણ થયું. આ ઉમેરણના કારણે સપના ખુશ રહેવા લાગી અને સંયોગ વધતી જવાબદારીના કારણે વધુને વધુ વ્યસ્ત ..બે અજાણ્યા જણ એક નાનકડા તાંતણે જોડાઈ રહ્યા . જીવનના તબક્કાઓ આમ પસાર થતા ચાલ્યા..

સંયોગ પોતાના બિઝનેસમાં બિઝી રહેતો.. એક દિવસ એનું ઓફિસનું લેપટોપ બગડતા ઘરે રાખેલા લેપટોપ પર કામ લઈને બેઠો હતો … અચાનક એક નામ સ્ક્રીન પર ફ્લેશ થયું. અનંત મહેતા. સંયોગ ચમક્યૉ…આ કૉણ? સપનાનો કૉઈ ભાઈ તો નથી..આ નામનો ! મિત્ર હશે ?..સપનાને અણઘડ સમજતા સંયોગને આ વાતે ઝાટકો લાગે તે સ્વાભાવિક હતું ત્યાં સપના ચા લઈને આવી .સ્માર્ટ સપના પરિસ્થિતિનો તાઞ પામી ગઈ ખૂલેલું લેપટોપ, સંયોગનો ચહેરો એને વાત સમજતા વાર ન લાગી.

સંયોગની સામેની ખુરશીમાં બેસીને સપનાએ સ્વસ્થતાથી બોલવાનું શરુ કર્યું .દ્રઢતાથી બોલી રહેલી સપનાને સાંભળવા સિવાય સંયોગ પાસે વિકલ્પ નહોતો . અનંત મહેતાના અસ્તિત્વ અને તેના સપના સાથેના સંપર્ક સમજવા આ જરૂરી હતું .
“સંયોગ વગર સપના ફળે નહી અને સપના વગર સંયોગ બને નહી. જીવનને વહેતી સરવાણી રાખવા માટે એમાં સ્નેહ ,હુંફ, આધાર, ભરોસૉ..જરુરી હોય છે…એનાથી જીવન જીવંત બને છે. તમે મને પત્ની તો બનાવી…પણ…સ્ત્રી નહી .મારું સ્ત્રીત્વ ખોવાયુ. અનંતે…મને ફરી મારા સ્ત્રીત્વની ઓળખ આપી છે . અને એ માટે મારે કોઈ અજૂગતા સંબંધની જરુર નહોતી.ક્યારેય રૂબરૂ મળવાની જરૂર નહોતી ..માત્ર મિત્રભાવે કેળવાયેલા સંબંધથી હું મને ઓળખતી થઈ ..ઓળખતી રહી…..મારું સ્ત્રીત્વ અનુભવતી રહી..આ સંબંધ મારી માનસિક તાકાત બની રહયો…પ્રેરકબળ બની રહ્યો…એથી વિશેષ કંઈ નહી…હુંફ, સાંત્વન.,આધાર,ભરોસો, અને પ્રેમ….આ બધું જ્યારે મળે ત્યારે સ્ત્રી શક્તિ બને છે અને
સર્વસ્વ મળ્યાનો સંતોષ અનુભવે છે…..મેં ક્યારેય કોઈ પાસે તમારી ફરિયાદ કરી નથી એટલે મને તમારી સાથે દગો કર્યાનો કે તમને ધોખો દીધાનો જરાય અહેસાસ નથી …..બસ એટલી જ વાત છે ….છતાં તમે બધા જ મેસેજ વાંચી શકો છો ”

શાંત પણ સંયમથી બોલી રહેલી સપનાને સંયોગ સાંભળી રહ્યો….પોતાની જાતને તપાસતો રહ્યો..સપનાએ સ્પષ્ટ કરી દીધું કે સ્ત્રીને ફરી ઉભી થવા માટે એક આશા અને લાગણીના વહેણની જરુર હોય છે. જેના થકી જીવન રુપી ગાડી પૂરપાટ દોડી શકે. એના મનમાં સંયોગમાં પરિવર્તનની એક આશા અને અનંતની શબ્દરુપી હુંફ હતા…
સંયોગ બધું સમજતો ગયો ..પણ એ હકીકત એ સ્વીકારી શક્યો નહી. છતાં સપનાને અનંતથી દૂર રાખવાનું કોઈ કારણ કે રસ્તો એને જડ્યા નહી. બે અંગત જણ વચ્ચે પડેલી ખાઈ વધુ ઊંડી ખોદાઈ ગઈ હતી .ઘવાયેલા સંયોગે સપના સાથે બહાર હરવું ફરવું લગભગ બંધ જ કર્યું હતું અને એમ અણગમો જાહેર કર્યા કર્યો હતો .
અચાનક પડખું ફરેલી સપનાના સળવળાટથી સંયોગ વર્તમાનમાં પાછો ફર્યો . રાત્રે બાળકસમ નિર્દોષ સુતેલી સપનાને જોઈને ઘણી બધી મિક્સ્ડ લાગણીઓથી ઘેરાતો રહ્યો .. તાજેતરમાં થયેલી સપના અને વ્યોમાની મુલાકાત , મળેલો કોન્ટ્રાકટ અને ફોનમાં વ્યોમા સાથે થયેલી વાત .. આટલા વર્ષનો રોષ એક વ્યોમાના ફોનથી કેમ ઓસરી ગયો ? ઘવાયેલો અહં એક ઝાટકે ઉડી કેમ ઉડી ગયો ? અને આજે થયેલી વાત મુજબ સપના બિઝનેસમા જોડાશે તો વ્યોમાને પણ ગમશે પરિણામે વ્યોમા સાથે નજદીકી વધશે એવા વિચારો આવતા રહ્યા. પહેલા અનંત , હવે વ્યોમા …..એની આંખ લાગી ગઈ .
સવારે એક ઘરેડ પ્રમાણે સ્નેહાની સ્કૂલ અને સંયોગની ઓફિસની તૈયારીમાં સપના વ્યસ્ત રહી .
સંયોગે સાંજે ઓફીસથી આવીને ટેબલ પર ચાનાસ્તો કરતા સહેજ મલકતા ચહેરે સપનાને કહ્યુ “તું બિઝનેસ..જોઈન કરી શકે છે..ઓફીસમા તને ક્યા ઙીપાટઁમેન્ટમાં કામ કરવું ફાવશે ?”
સપનાને થયું આ સપનું છે કે શું?
એ સ્તબ્ધતાથી સંયોગ સામે જોઈ રહી…ગઈકાલથી સંયૉગમાં આવેલ પરિવર્તનને જોયા કરતી હતી.અત્યારે તરબોળ થઇ અનુભવી રહી……..ભીંજાતી રહી…..પતિમાં આવેલ બદલાવને સ્વભાવિકતાથી માણી રહેલ સપનાને કયાં ખબર હતી કે જિંદગીના નાજૂક રસ્તા પર એક મોડ રાહ જોઇ રહ્યો છે… ખતરનાક મોડ ..

— જહાનવી અંતાણી

કડી…૭

FB_IMG_1430471906882

..”નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના..ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના”…
..સપના કાયમ રોજજ સવારે રોજિંદા કામો આટોપતાં આટોપતાં લગ્ન પહેલા તેનાં બાળપણનાં સમયથી તેની મમ્મી જે પ્રભાતીયા ને ભજનો ગાતી તેમાંના અમુક ભજનો જે સાંભળીને તેનાં મનમાં જડાઈ ચુક્યાં હતાં તેને તે યાદ આવે એમ ગણગણતી, ને આજે એમાંનું તેને ખાસ ગમતું આ અર્થસભર ભજન ગણગણી રહી…જાણે એનાંથી એને એક પ્રકારની શક્તિ અને પ્રેરણા મળી રહી હોય એમ લાગી રહ્યું ,ને જાણે તેને થતું કે ઇશ્વર તેની પડખે તો છે…ને એ સાચું નથી કે દરેક વ્યક્તિને વારસામાં મળેલ સારા સંસ્કારોજ તેનાં જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા જાણે બખ્તર ની ગરજ સારતાં હોય ? ?….અને આજે જોને અચાનક સંયોગ તરફથી સવાર સવારના ખુશી રુપ સરપ્રાઈઝ સમાચારમાં તેને બિઝનેસ જોઈન કરવાની સામેથી કરેલ વાત ખરેખર રોમાંચ જગાવી ગઈ…
…એક વાત સપનાને કાયમ ખટકતી કે સંયોગ સાથેનાં લગ્નજીવનનાં આટલાં બધાં વિતાવેલ અરસા બાદ પણ તે નિકટતા બાબતે હજુંય લગી યંત્રવતજ મહેસૂસ કરતી…
” સંબંધમાં અણગમો પણ નહીં ને ઉમળકો પણ નહીં”…પણ લાગણીનું એક ઝળુંબતું છત્ર મહેસૂસ થવું જોઈએ એની ઉણપ એને કાયમ સાલતી…અને પેલાં તેને ગમતાં ગીતમાનાં શબ્દો ના અર્થ પ્રમાણેનાં ભાવ… जीये तो जीये…कैसे ….हाय…बिन आप के..જેવા ભાવ કાયમ તેને કેમ નથી અનુભવાતાં ? તે વિચારતી રહેતી…અને એવા વિચારોનાં પ્રવાહમાંજ તણાંતા તણાંતા કાયમ એક સહારા રુપ તરાપા જેવું અનંત રુપી વળગણ તેને ક્ષણીક વળગી જતું ને તેને થોડીકવાર ગમતું પણ ખરું…
…સપના… ઓ… સપના… ક્યાં ખોવાઈ ગઈ ? સંયોગના અચાનક તેનાં નામ જોગ સંબોધને તેને તંદ્રામંથી જગાડી અને સંયોગે હમણાંજ તેને કહેલ જિંદગીમાં બદલાવ રુપી ગમતીલી ઓફર વિશે શું પ્રતિભાવ આપવો તે બાબતે રોમાંચીત થઈ ઝટપઝ વિચારવા લાગી અને એક બાજુ સ્નેહાને હમણાંજ સ્કુલમાં મુકવા જવા માટેની તૈયારી કરી પછી વિચાર કરીને સંયોગને એને તેનાં બિઝનેસમાં કયા પ્રકારનું કામ કરવું ગમશે તે બાબતે જલદી જણાવશે તેમ મનમાં ખુશીથી થતાં ગલગલિયાને મહાપરાણે દબાવતાં કહ્યું…. હવે ઓફીસ જાઓ, હું જલદીથી તમને ઓફીસ જોઈન કરવા બાબતે ક્યારે અને કેમની અને મને કેવા પ્રકારનું કામ કરવું ગમશે એ બાબતે જણાવીશ…, ને સંયોગ આ સાંભળીને “હું તારા પોઝીટીવ જવાબની રાહ જોઈશ” કહીને ઓફીસ રવાના થયો.
… ને આ બાજુ સપના જિંદગી પણ અચાનક કેવી કરવટ બદલે છે તે વિચારતી …કે જે સંબંધોમાં શુષ્કતા મહેસૂસ થવા માંડેલી તેમાં અચાનક આમ વાસંતી વાયરાની જેમ રંગીન માહોલ જેવાં બદલાવની પાછળનું કારણ શોધવાની પળોજણમાં પડવામાં તેને કોઈજ રસ ન હતો…તેને તો હવે બદલાયેલ માહોલની જિંદગીને જલદી માણવાની તાલવેલી જાગી હતી .
…ક્યારેક ક્યારેક આગીયાના પ્રકાશની જેમજ સપનાનાં મનમાંં ઝબકી જતો અનંત આમ તો એનો ભૂલાઈ ચુકેલો ભૂતકાળ હતો પણ કોલેજનાં વખતનો બેય જણે સાથે ગુજારેલો સમય અને હાલની આજ પહેલાં સુધી પોતાની નીરસ અને કશાય ધ્યેય પ્રાપ્તી વિનાની જિંદગી બાબતની ફરીયાદ કરે તો પણ ક્યાં અને કોને જઈને કરવી એના વિચારોમાં મૂરઝાયેલી રહેતી સપનાએ ગઈકાલે અચાનકજ અનંતનો સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું અને તેથી તેણે તેની પાસે રહેલ અનંતના મેલ આઈ.ડી પર મૂકેલ મેસેજના જવાબમાં અનંત તરફથી મોબાઈલ પર આવેલ મેસેજ ચમકતાં સપનાની તંદ્રા તૂટી અને તરત એણે અનંતને ફોન કર્યો અને હાલની પરીસ્થિતિથી વાકેફ કરી કોન્ટેક્ટમાં રહેવાનુ કહી ફોન મૂક્યો.
…આ બાજુ સંયોગ પોતે સપનાની સહેલી વ્યોમાની સાથે નવા કોન્ટ્રેકના કામના સલાહ સૂચનના બહાને વધુ ને વધુ નિકટતા માણવાના બહાના શોધતો થઈ ગયો હતો પણ એને ક્યાં ખબર હતી કે તે બધું વ્યોમાના પ્લાનિંગ મુજબજ તેની ચાલબાજીની જાળમાં સપડાવાની સામે ચાલીને પેરેવી કરતો હતો ?
…વ્યોમાજ એમ વિચારતી હતી કે ભલેને સપના સંયોગની ઓફીસ જોઈન કરે અને તેના કહેવા મુજબજ સંયોગે સપનાને આ વાત કહી હતી…એની પાછળ સંયોગની મરજી કામ કરી રહી હતી કે સંયોગની વ્યોમાને પામવાની લાલસા એ બાબતે સપના ને સંયોગ બેય વ્યોમા માટે અજાણ ને ભોટ સાબિત થવા જઈ રહ્યા હતાં…પણ વ્યોમા પોતે પતિ રાહુલના સાથે બેસી નક્કી કરેલ પ્લાન મુજબ એમના બિઝનેસના એકમાત્ર સબળ હરીફ બનવા તરફ આગળ વધી રહેલ સંયોગની પેઢી ‘S.Sheth & Co.’ને તોડવા માટે સંયોગને નવો કોન્ટ્રેક અપાવીને એની નજીક જઈને સપનાથી નારાજ સંયોગને તેની લીલામાં સપડાવા લપેટવાનો પ્લાન કરી ચુકી હતી. આ બાજુ સંયોગ એની સીધી સાદી પત્ની સપનાથી કંટાળેલો તો હતોજ…તેને તો ભાવતુંતું ને વૈદે કહ્યું એવો ઘાટ ઘડાઈ રહ્યો હતો, વ્યોમાને મન સંયોગ એ એક માત્ર મ્હોરું હતો, ને એ મ્હોરાને મ્હાત આપવા એનાં જુના સપના સાથેના કોલેજકાળના મૈત્રીનાં સંબંધો યાદ કરી એક બાજું સપનાને એની ઇચ્છાઓ ને આકાંક્ષાઓ તરફના ઉદાસીન વલણની ટીકા કરી એને સંયોગ તરફથી થતાં ઉપેક્ષીત વલણનાં કારણોમાં સપનાને પોતેજ કારણભૂત જણાવી તેના વર્તન અને વલણ બદલવાની વાત કરી સહાનુભૂતી મેળવીને એની ખાસ હીતેચ્છુ હોવાનું ઠસાવવાનો ખોટ્ટો ડોળ કરવામાં સફળ રહી હતી.
…દરેક વ્યક્તિમાં ઇશ્વર પહેલેથીજ તેની હાર્ડ-ડીસ્કમાં સારા અને ખરાબ બેય પ્રકારનાં ગુણોનો ડેટા ભરીનેજ આપતો હોય છે અને વ્યક્તિ તે ડેટામાંના કેવા પ્રકારનાં ગુણને એપ્લાય કરી પોતાનાં જીવનને આગળ વધારવું એ એના પોતાના પર નિર્ભર હોય છે.
…કદાચ સંયોગ અને વ્યોમા એ બેય એમનામાનાં રહેલ એવાં કોઈ ખરાબ ગુણોનાં ડેટાને સીલેક્ટ કરી પોતાની સાંસારીક જિંદગીને નવીજ રીતે માણવાના ખયાલમાં રાચતાં એક બીજાને મ્હાત આપવાના પેંતરા કરી રહ્યા હતાં અને એમાં વ્યોમા જાણે વધુ પાવરધી સાબીત થવા જઈ રહી હતી…આમતો વ્યોમા અને રાહુલનાં લગ્નજીવનમાં પૈસો અને માત્ર પૈસોજ મહત્વનો હતો પણ તોય આટલાં વર્ષોના લગ્નજીવન બાદ તેમના પરિવારમાં સંતાનના ક્લબલાટની ગેરહાજરી રાહુલને તો ખટકતી પણ તોય એ બિઝનેસમા ગળાડૂબ રહી હજું ને હજું આગળ વધીને તેની શ્રીમંતાઈ અને સમાજમાં માન અને વધતાં મોભાથી એ અભાવને ભૂલવાના પ્રયત્નો કરતો,વ્યોમા આ વાતથી વાકેફ તો હતી પણ એક સંપૂર્ણ સ્ત્રી તરીકે માતૃત્વ પ્રાપ્ત કરી શકવાના પ્રયત્નોથી તે થાકી ચુકી હતી અને હવે તો એની આશા પણ બેય જણે મૂકી દીધી હતી અને તેથીજ કદાચ તેને સપનાનાં ભર્યા સંસારને જોઈ ઇર્ષા થઈ આવતી હતી ભલે તેને સંયોગનો માનસીક સહારો ન મળે પણ સ્નેહાને સ્નેહથી ઉછેરવામાં સપના બધાંય દુઃખો ભુલી જતી, પરાણે વ્હાલ કરવી ગમે એવી દીકરી આંમતો વ્યોમાને પણ ગમતી.
..સપનાને હજું સંયોગના બિઝનેસને જોઈન કરવાને માનસીક રીતે રાજીખુશીથી તૈયાર થયા પહેલાંજ વ્યોમાની અવરજવર સંયોગની ઓફીસમાં કામના બહાના હેઠળ વધતી જતી જોઈ ઓફીસના કર્મચારીઓમાં ધીમા અવાજે ગણગણાટ શરુ થવા લાગ્યો હતો ને આ તરફ સપના આટલાં વર્ષોના વનવાસ જેવા ઘરસંસારના વાતાવરણમાંથી મુક્તિના વિચારોથી રોમાંચીત થતી નવા પ્રકારના વાતાવરણને માણવાની એષણા સંતોષાતી અનુભવી રહી હતી,
…સપના તેનાં હાલ સુધીના વિતી રહેલાં શુષ્ક જીવનમાંના બદલાવને હકીકતના રુપમાં પલટવાની તૈયારીના ભાગરુપ સંયોગની ઓફીસમા નિયમિત જવાનું શરુ કરતાં પહેલાં નવા ડીઝાઈનર કપડાં લેવાનાં વિચારને અમલમા મૂકવા આજે જાતે કાર લઈને નીકળી પડી અને કાર ડ્રાઈવિંગ કરતાં કરતાં વિચારોમાં ખોવાયેલ સપનાને ક્યારે તેને ગમતો બુટીકનો શો-રુમ “વસ્ત્ર” જતો રહ્યો તે ખબર પડતાંજ કારને થોડે આગળ પાર્ક કરી પાછા ચાલતાંજ બુટીકમાં જવા વિચારી કાર પાર્ક કરી સપના ચાલતાંજ “વસ્ત્ર”માં પહોંચી. અંદર જતાં આજે તેને નવા પ્રકારનાં આનંદની અનુભૂતી થઈ આવી …કાઉન્ટર પરની સેલ્સગર્લે હસીને મેડમ કેવા પ્રકારની પસંદગી છે એ બાબતે પૃચ્છા કરી તે મૂજબના હાલમાં ચાલી રહેલ લેટેસ્ટ પ્રકારનાં ડ્રેસ બતાવતી ગઈ,,,ને સપનાએ લગ્ન બાદ પહેલી વખત મનભરીને ફક્ત પોતાનાં માટેજ ખરીદી કરવાના વિચારની ખુશી મોં પર જણાવ્યા વિના એક મરુન કલરના ડ્રેસની ટ્રાયલ લેવાની ઇચ્છા વ્યક્ત કરતાંની સાથે ટ્રાયલ રુમમાં મરુન ડ્રેસ પહેર્યાં બાદ આયને પોતાનું બદલાયેલ સ્વરુપ નિહાળતાંજ અચાનક અનંતની કોલેજ સમયનાં તેને પહેરેલ ડ્રેસની પ્રશંશા કરતી વખતે કહેલ પંક્તિઓ યાદ આવી ગઈ અને એ યાદ આવતાંજ ખુશીની મારી ગમતાં ગીતની કડીને ગણગણતાં બીજા ડ્રેસની પસંદગીમાં ખોવાઈ ગઈ ને એ ખરીદી પતાવી જેવી બુટીકનાં કાઉંન્ટર પર પેમેન્ટ કરવા આવી ત્યારે બિલ બનવાની થતી પ્રક્રીયા દરમ્યાન તેની નજર અનાયસેજ પેઈડ બિલ ભરવેલા ખીલા વાળા સ્ટેન્ડમાંના પહેલાંજ ડોકાઈ રહેલાં બિલ તરફ ગઈ ને તે ચમકી …આમાં તો સંયોગ. આર. શેઠનું નામ ડોકાઈ રહ્યું હતું…
….કાઉંન્ટર પરનાં હાજર વ્યક્તિને એ બિલ વિશે તેનાંથી પૂછ્યાં વિના ન રહેવાયું…અને તે બાબતે તે વ્યક્તિએ કહેલ વાત મુજબ એ સાહેબ એમની મેડમને ગીફ્ટ કરવા માટે છેલ્લાં ૬ માસથી નિયમીત ડ્રેસ લઈ જતાં હોવાનું જણાવ્યું ને એ સાંભળતાં સપનાને આંચકો લાગ્યો…પણ જાતને માંડ માંડ સંભાળી બિલ ચુકવી જેવી બહાર નીકળવા ગઈ તેવાંજ વ્યોમા-સંયોગને હાથમાં હાથ નાંખી ખીલખીલાટ હસતાં “વસ્ત્ર” બુટીકનાં પગથીયા ચઢતાં જોયાં ને એ દ્રશ્ય જોતાં સપનાને એની દુનિયા ડામાડોળ થતી લાગી ને એક ખુણામાં સંતાઈ તે બેયને અંદર આવ્યાં બાદ તે સડસડાટ મોં છુપાવી બુટીકનાં પગથીયા ઉતરી ગઈ…ને લગભગ દોડતી જ્યાં કાર પાર્ક કરી હતી ત્યાં જઈ બારણું ખોલી સીટ પર ફસડાઈ પડી…ને કારનું એન્જીન ચાલું કરી કશુંજ ન સુજતાં એ.સી ઓન કરી આંખો બંધ કરી બેસતાં જ સવારે ગણગણાંતા ગમતીલા પણ હમણાંતો ગમ ભૂલવાંના સહારારુપ એવી ભજનના અંતરાની કડી એના મનમાં પડઘાતી રહી…..
…….”સ્વાર્થનું સંગીત,ચારેકોર વાગે…કોઈનું કોઈ નથી દુનિયામાં આજે..કોઈનું કોઈ નથી દુનિયામાં આજે..”….પણ ત્યાંજ કારના કાચ પરના ટકોરાએ એને તંદ્રામાંથી જગાડી ને આરપાર નજર નાંખતા અનંતને ઉભેલો જોયો ને શું કરવું તે વિચારોમાં એની આંખોમાં આંસુ રેલાઈ રહ્યા અને આ જોઈ અનંત પણ થોડો ડીસ્ટર્બ થઈ ગયો…સપના કારની અંદર અને અનંત કારની બહાર થોડી વાર એમજ બહારના વાતાવરણને અવગણી બેય નજરમાં નજર મીલાવી નિઃશબ્દ રહ્યા…ભરચક ટ્રાફીકના ઘોંઘાટમાં પણ સપનાના મનમાં શૂન્યતા વ્યાપી રહી અને એને સમજવાનો પ્રયત્ન કરતો અનંત શું કરવું એની દ્વિધામાં ત્યાંજ ખોડાઈ રહ્યો…
…અચાનક અનંતને બહાર ઉભેલ હોવાની સપનાના સભાન મને નોંધ લીધાં બાદ તેણે આંખો લુછીને કારનું લોક ખોલી અનંતને અંદર આવવાનો ઇશારો કર્યો ને એનું મન અનંતને શું કહેવું એની વિટંબણા અનુભવતું વિચારવા માંડ્યું…અનંતને ડાબી બાજુની સીટ પર આવી ગયા બાદ સપનાએ અનંતની મૌખીક સંમતી મળતાં શાંતીથી વાત કરવા ગાડી ટ્રાફીકમાંથી બહાર કાઢીને શહેરની બહારના બાયપાસ રોડ ભણી લઈ લીધી ત્યાં લગી વાતાવરણમા સ્તબ્ધતા છવાઈ રહી…
…આમ પણ સપના હજું એ નહોતી કળી શકી કે માની શકી કે નક્કી પણ કરી શકી કે એની નજરે જે જોયું હતું તેનો અર્થ તે વ્યોમા ને સંયોગ વચ્ચેના સબંધની ઘનીષ્ટતાં વિશે જેવું માની બેસી છે તેજ હોઈ શકે ?
…એકદમ થોડા સમય બાદ અનંતે પોતાનું મૌન તોડતાં કહ્યું.
.”સપના એવું તે શું થયું કે તું આટલી ડીસ્ટર્બ થઈ ગઈ છે…મને કંઈ કહીશ તો સાંભળ્યા બાદ કદાચ હું કંઈ તે બાબતે તને મદદ કરી શકું !” ….સપનાએ ગળે બાઝેલાં ડુમાને દબાવતાં અને હળવેથી ખારાશને ખસેડવા ખોંખારીને મૌન તોડીને જે આજે હજું હમણા થોડાકજ સમય પહેલાં જે થયું હતું અને એણે જોયું હતું તે વિગતવાર અનંતને કહ્યું અને અત્યાર સુધીના સંયોગના તેના પ્રત્યેના વર્તન અને હમણાનાં તેનામાં થઈ રહેલ ફેરફારની વાત કરી, ને જવાબમાં અનંત પ્રત્યુત્તર રુપે શું કહે છે તે સાંભળવા સપનાએ કારની ગતી એકદમ ઓછી કરી એ.સી બંધ કરી કાચને થોડાં ખોલીને બહારની ઠંડી હવાને અંદર આવવા મોકો આપ્યો… કાચ ખુલતાંજ મળેલ જગ્યામાંથી હવાના આવેલ ઝોકાથી સપનાના ખુલ્લા વાળની લટ કપાળ પર આમતેમ ઉડતી અનંત જોઈ રહ્યો… અને સપનાને સાંત્વના આપી બોલ્યો કે સપના તું જે માને છે એમ ન પણ હોઈ શકે ! અને તેંં નક્કી કર્યા મુજબ જેમ બને એમ તું જલદીમાં જલદી સંયોગની ઓફીસ જોઈન કરી દે… જેથી કરીને કદાચ ભગવાન ન કરે ને કદાચ વાત બગડી રહી હોય ને સંયોગ આ ખોટા સંબંધના વમળમાં વધું ગરક થયો હોય તો પણ ધીરજથી કામ લઈને તેમાંથી બહાર કાઢી શકાશે પણ તું હવે આ બાબતે એકદમ પેનીક ન થઈ જઈશ ને થોડી ધીરજથી કામ લે તો સૌ સારા વાના થશે ….ને ત્યાં સુધીતો સપનાને અનંત પાછા વળીને અનંતે તેને બેસતા અગાઉથી જણાવ્યા મુજબના ઠેકાણે આવી પહોંચ્યા…બેય જણ આંખોમાંના ન કળી શકાય એવા ભાવ સાથે છુટ્ટા તો પડ્યા પણ સપનાની કોરી ધાક્કોર આંખો હજુંય અનંતને કંઈક અલગ લાગણીના ભાવથી દૂર જતો જોઈ રહી …
…સપનાને ત્યાંજ સમયનું ભાન થતાં સ્નેહાને સ્કૂલમાંથી છૂટવાના સમયે લઈ આવવાનું યાદ આવ્યું ને હાંફળી થઈને તેણે કારનું સ્ટીયરીંગ એકદમ સ્નેહાની સ્કુલ તરફ વાળી લીધું… નવા આવનાર પડકારને પહોંચી વળવા સપના મનોમન સજ્જ થઈ રહી, અનંતને થોડીક ગમગીન ક્ષણોને ભૂલવામાં સાથ આપવા બદલ આભારનો મેસેજ સ્નેહાની સ્કુલની બહાર પહોંચીને કાર સાઈડમાં પાર્ક કરી તરતજ કરી દીધો…..ને સ્નેહાને બહાર આવવાની રાહ જોતી શાંતીથી ઉંડા શ્વાસ ભરતી બેઠી હતી ત્યાંજ કારની બહાર સ્નેહાની બૂમ સાંભળીને સઘળા વિચારોને હાલ તુરંત મનનાં એક ખુણે હડસેલીને કારનું બારણું ખોલીને મોં પર ત્વરીત ખુશીના ભાવ લાવીને બહાર નીકળી, ને સ્નેહાની સ્કુલબેગ લઈ લેવા અને એને પ્રેમથી તેડી લેવા જેવાં હાથ લંબાવ્યાં એવાંજ એ હાથોમા સ્નેહાને આવતાં વ્હેત વ્હાલથી છાતી સ્રરસી ચાંપી એવીજ આજે અલગ પ્રકારની લાગણી અને હુંફ મહેસુસ કરી રહી…ને જાણે એનું પોતાનું કોઈક છે અને એ પોતાના ગણેલાને પણ પોતીકાપણાની નિર્દોષ લાગણીની કદર પંણ છે અને બદલામાં એ કદરદાનની કશુંજ આશા નથી ! બસ, આવાંજ પ્રેમનાં ગીવ એન્ડ ટેક જેવા નિર્દોષ વહેવારની આશા સંયોગ તરફથી સપના અત્યાર સુધી ઝંખી રહી હતી….
– આશિષ ગજ્જર…..

કડી…૮

11650505_10206035065348313_1654654667_n

સ્નેહાને ઘરે પાછા લઇ જતી વખતે રસ્તો ખુબ લાંબો લાગ્યો. કારની ગતિ પણ જાણે મંદ પડી હતી. પણ સપનાના વિચારો મંગળયાનની ગતિ એ ચાલી રહ્યા હતા. સ્નેહા એના આખા દિવસનો રીપોર્ટ આપતી રહી અને એના જવાબમાં સપના “હા” કે “નાં” કે પછી એક શુષ્ક સ્મિત જ આપતી રહી. સપનાના મનોવિશ્વમાં અનંત ફેલાયેલો હતો. સપના વિચારતી રહી કે આ કેવા મોડ પર અનંત એની જીંદગી માં પાછો આવ્યો. કુદરત નું કોઈ પ્રયોજન હશે? અને અનંત કોણ? મિત્ર, હમદર્દ, ધર્મનો ભાઈ કે કૈક વિશેષ?કોઈ નબળી ક્ષણે કદાચ માનવ સહજ આસક્તિ , ખેંચાણ પણ થયું હોય .ખાસ કરીને કલુષિત લગ્નજીવનમાં આ વધારે શક્ય છે અને આમેય સપનાનું લગ્નજીવન ક્યાં ઉદાહરણરૂપ હતું ? નારી સ્વતંત્રતાની વાતો એની જગ્યાએ બરાબર છે પણ હકીકતમાં લગ્નેત્તર સંબંધો એ એક છેવાડાનો આખરી અને કડવો વિકલ્પ છે. મહદઅંશે પ્રયત્નો એવા જ રહે છે કે કેમેય કરી બાજી સુધરી જાય અને ગાડી પાટે ચડી ચડે. ગળથુથીમાં મળેલા સંસ્કાર આગળ આવી કોઈક નબળી ક્ષણ અંતે તો હારી જ જવાની. ક્ષણીક નબળા વિચારો ખંખેરી સપનાએ વિચાર્યું કે બધાજ સંબંધોને નામ આપવું ક્યાં જરૂરી છે. જિંદગીના આ ઉફાન માં અનંત એક મસીહા, નાખુદા જેવો લાગ્યો. એણે આપેલી સલાહ બહુમુલી લાગી. મનોમન નક્કી કર્યું કે જિંદગીના આટલા વર્ષો પછી આવેલી આ તકને વેડફી નથી નાખવી અને બનતા બધાજ પ્રયત્નો કરવા છે કે જેથી એનો સંસાર જીવવા યોગ્ય, ભોગવવા યોગ્ય લાગે. ઘર પહોચતા સુધીમાં તો એક દ્રઢતા સપનાના ચહેરા પર છલકાતી હતી.

દિવસ દરમ્યાન ઓફીસમાં સંયોગના મનમાં પણ ગડમથલ ચાલતી રહી. માણસ ભલે કોઈ ખોટા વ્યવહાર- વર્તન કરતો હોય, કોઈને દુઃખી કરતો હોય, અન્યાય કરતો હોય પણ એનો માંહ્યલો તો જાણતો જ હોય છે કે એ ખોટું કરી રહ્યો છે. જ્યારે બહારનો ઘોંઘાટ ધીમો પડે ત્યારે જ અંદરનો આત્મા સંભળાય છે. આજે સંયોગને પણ આવી જ કૈક જરૂરીયાત મહેસુસ થઇ અને બધા સ્ટાફના ગયા પછી ઓફીસના એકાંતમાં પોતાની જાત સાથે વાતોએ વળગ્યો. ઘણા વર્ષો પછી સંયોગ જૂના સંયોગને મળ્યો, મનોમન સંવાદ થયા અને એકદમ હળવોફૂલ થઇ ઘરે જવા નીકળ્યો.

મોડી સાંજે સંયોગની કારનું હોર્ન વાગ્યું. સપના સફાળી દોડી અને પોર્ચમાં ગઈ. સ્મિત સાથે સંયોગ ને આવકાર્યો. રોજ ઘરના કપડામાં રહેતી સપનાએ આજે સુંદર Evening Gown પહેર્યો હતો. સંયોગને ગમતું પરફ્યુમ પણ હવાને મદહોશ બનાવી રહ્યું હતું. શેમ્પુ કરેલા વાળ માંથી મીઠી ખુશ્બુ આવી રહી હતી. સંયોગ પણ રોજ કરતા આજે જરા વધારેજ ખુશમિજાજ લાગ્યો. Hi Honey કહી એક હળવું આલિંગન આપી બંને ઘરમાં દાખલ થયા.

બોલ સપના આજ નો દિવસ કેવો રહ્યો? સ્નેહાની સ્કુલના કોઈ સમાચાર? પછી ઓફિસમાં કામ બાબતે તે શું વિચાર્યું? સંયોગ ના પ્રશ્નોની ઝડી વરસતી રહી. એજ સંયોગ જે પહેલા ઘરે લગભગ મૌનવ્રત પાળતો. સપના હસી પડી. મીઠા નખરા વાળા અવાજમાં સંયોગ ને કહ્યું ” પહેલા બેસો તો ખરા, થોડો શ્વાસ લો, પાણી પીઓ પછી નિરાંતે વાતો થશે. રાત આખી આપણીજ છે” સંયોગ અને સપના બંને માટે આ બદલાવ intoxicating હતો.

સંયોગ ફ્રેશ થયો, કપડા બદલ્યા અને સપના રસોડે કામે લાગી. સંયોગ સપનાના Laptop પર કામ કરવાના બહાને બેઠો. આશય તો એ જ હતો કે અનંત ની કોઈ પોસ્ટ છે કે નહિ તે જોવું. જયારે અનંત-સપના વચ્ચે કોઈ મેસેજ ની આપ-લે થઇ નથી એવું જાણ્યું ત્યારે એક અજબની શાંતિ નો અહેસાસ થયો. રસોડામાંથી કોઈ ખાસ ડીશ ની સોડમની સાથે સાથે સપનાના અવાજ માં ગવાતું “આજ મેં ઉપર, આસમાં નીચે” ગીતનું ગુંજન પણ ધીમે ધીમે દિવાન ખંડ માં પ્રસરી રહ્યું હતું. સંયોગ માટે સપના નું આ નવું રૂપ આહલાદક હતું.

આમતેમ કામ કરવાનો ડોળ કર્યા પછી સંયોગે સપના ને સાદ દીધો. “ડાર્લિંગ, જમવાને કેટલી વાર છે? આજે ખુબ ભૂખ લાગી છે” તો સપના એ પણ લહેકા સાથે જવાબ આપ્યો “જનાબ ના હુકમ ની જ રાહ જોઉં છું. તમારું કામ નીપટ્યું હોય તો પીરસું”. Dining Table સજાવાઈ ગયું. આજે સંયોગ ને બહુ જ પસંદ એવો રીંગણ નો ઓળો, જુવાર ના રોટલા અને ખાટી-મીઠ્ઠી કાઢી પણ ખરી. એક લાંબા અરસા પછી આજે સંયોગ-સપના અને સ્નેહા એ સાથે Dinner લીધું. જમતા જમતા સ્નેહા ના progress report પર ચર્ચા થઇ. સ્નેહા પણ અચંબા માં હતી કે આજે પાપા-મોમ બંને કેમ આટલા ખુશ છે. પણ બાળમાનસ આથી વધુ કઈ સમજી શકે એમ નોતું. પાપા-મોમ આજે મારે ખુબ home work છે એટલે હું study માં જાઉં છું અને Complete કરી ને ઊંઘી જઈશ એમ કહી સ્નેહા ઉભી થઇ. બસ આજ સમય નો તો સપનાને ઈન્તેજાર હતો.

સપના-સંયોગ સોફા પર ગોઠવાયા અને સંયોગે આદતવશ TV ચાલુ કર્યું. સપનાથી કહેવાઈ ગયું “સંયોગ આજે TV ને રજા નાં આપી શકાય?” એક આજ્ઞાંકિત બાળકની જેમ સંયોગે તરત TV બંધ કર્યું અને ખુબ ભાવભરી નજરે સપના સામે જોઈ બોલ્યો “ડાર્લિંગ, બોલ શું કહેવું છે તારે? This entire evening is yours. મારે પણ તને ખુબ વાતો કરવાની છે”. વળી વળી ને સપનાના મગજમાં આ વિચાર આવી જતો કે આ સંયોગ જ છે? આટલા વર્ષો કેમ વેડફાઈ ગયા? જાગ્યા ત્યાર થી સવાર એવું મનોમન બબડી એણે સંયોગ નો હાથ એના હાથ માં લીધો અને ધીમે ધીમે પસારવા લાગી.

“સંયોગ, મને લાગે છે કે મારા માટે માર્કેટિંગ વધારે યોગ્ય રહેશે. તને ખબર છે ને કે MBA ના છેલ્લા વર્ષ માં મેં માર્કેટિંગ માં એક પ્રોજેક્ટ કર્યો હતો જે ખુબ વખણાયો હતો. તારો શું અભિપ્રાય છે? મારી ચોઈસ બરાબર છે?” સપના ના આશ્ચર્ય વચ્ચે સંયોગે તરતજ હા ભરી. ધીમે રહી ને, સંયોગ નો મુડ જોયા પછી સપનાને થયું કે હવે મૂળ વાત પર આવવામાં વાંધો નથી. હિંમત એકઠી કરી અને ધડકતા હૃદયે એણે દાણો ચાંપી જોયો. મનમાં એક અદ્રશ્ય શંકા હતી કે રખે ને આ વાત કરવા માં કિનારે આવેલું વહાણ પાછું ડૂબી નાં જાય.

“સંયોગ મને ખાતરી હતી કે તું મારી વાત સાથે સંમત હોઈશ જ અને એટલેજ આજે હું “વસ્ત્ર” માં જઈ આવી. મને થયું કે ઓફીસ ને લાયક થોડા સારામાંના dresses લઇ આવું.” આટલું સાંભળતાજ સંયોગની ભ્રુકુટી તણાઈ ગઈ. ચહેરો તગતગી ગયો. સપનાનું દિલ ધબકારો ચુકી ગયું. ચહેરાપર નો રંગ ઉડી ગયો અને ધ્રુજતા હાથે એણે સંયોગ નો હાથ દબાવ્યો. અને પછી સપનાના આશ્ચર્યનો પાર ના રહ્યો. સપનાએ સપનામાં પણ વિચાર્યું ના હોય એવું કૈક થયું.

સંયોગ પણ જમાનાનો ખાધેલ હતો. બે ઘોડા પર સવારી કરવાના એના મનસુબા પર એકદમ પાણી ફરી જતું લાગ્યું. સામાન્ય મગજ કરતા શેતાની મગજની વિચારવાની ઝડપ આમેય વધારે હોય છે. સંયોગને થયું કે હવે વ્યોમા વાળી વાત છુપાવવાનો કોઈ મતલબ નથી. ઘડી ના છઠ્ઠા ભાગમાં શું કહેવું અને કેવી રીતે સપનાની આંખો પર પડળ પાડેલાજ રાખવા એ ઝબકારો એના દિમાગ માં થઇ ગયો. માસ્ટર સ્ટ્રોક હાથમાં આવતાજ એક કુશળ અદાકારની જેમ સંયોગના ચહેરાના હાવભાવ બદલાય ગયા જાણે અંદરથી કોઈ નિર્દેશકે બુમ પડી હોય ……. Action સંયોગ બોલ્યો “અરે ગાંડી, મને કહેવું તો હતું. આજે હું અને વ્યોમા પણ “વસ્ત્ર” માં ગયા હતા. ભૂતકાળમાં પણ મેં વ્યોમાને ત્યાંથી dress અપાવ્યા હતા એ એને ખુબ પસંદ આવ્યા હતા એટલે આજે વ્યોમાને બીજા થોડા dresses લેવા હતા. મને ખબર હોત તો તને પણ સાથે લઇ લેત ને, પાગલ. વ્યોમાએ જયારે આપણી કંપની ને આટલી બધી મદદ કરી છે તો મને પણ થયું કે Reciprocal gesture જરૂરી છે.”

સપનાતો બિલકુલ દિગ્મૂઢ થઇ ગઈ. સપનાને થયું કે એ કોઈ સ્વપ્નશ્રુષ્ટિમા તો નથી ને. સંયોગ આટલો પ્રમાણિક અને સરળ!!! સમય અહીયાજ કેમ થંભી નથી જતો !!! સ્ત્રીના માટે એના પતિનો પ્રેમજ સૌથી મોટી મૂડી હોય છે અને વર્ષો પાછી સપનાને એવું લાગ્યું કે એ બાબતે એ જરાય કંગાળ નથી.

સંયોગ ના બે હાથ સપનાને આશ્લેષ માં લઇ રહ્યા હતા. શિકારી જમાનાથી વર્ષો સુધી ભાગતા રહેલા હરણ ને કોઈ આશરો મળે એમ સપના સંયોગના બાહુપાશમાં લપાઈ ગઈ. સપનાને લપાતા જોઈ સંયોગના ચહેરા પર એક વિજયી સ્મિતની લકીર અંકિત થઇ, સપનાની જાણ બહાર. સંયોગ બે ઘડી પોતાની જાત પર પોરસાતો રહ્યો અને સપના આ આહલાદક પળોને કસોકસ વળગી રહી. અને તંદ્રા માંથી જગાડતો હોય એમ સંયોગ બોલ્યો. “સપના, મને શંકા છે, શંકા જ નહિ બલ્કે ખાતરી છે કે આ બધી મહેરબાની પાછળ વ્યોમા નું કોઈ ખતરનાક ગણિત છે, કોઈ મોટો game plan છે. તને પેલો સહદેવ યાદ છે? પેલો ખુબ તરવરીયો સહદેવ? આપણાથી બે વર્ષ જુનિયર હતો. હા, એ સહદેવ મને થોડા દિવસ પહેલા મળ્યો હતો. પહેલા Hi -Hello કર્યા પછી એણે મને જે વાત કરી એ સાંભળીને તો મારું મગજ સાવ બહેર મારી ગયું. જેમ જેમ એ વાત કરતો રહ્યો એમ એમ મને સમજ પડવા માંડી કે આપણે કેટલા મોટા સંકટ નો સામનો કરવાનો છે. સહદેવ વ્યોમાની કંપની માં જ Business Development Head હતો પણ વ્યોમા ના કાવા-દાવા અને કોઈ પણ ભોગે પૈસા કમાવાની લાલશાથી વાજ આવી ગયો અને Resign કર્યું. એણે મને જે Hints આપી છે એના ઉપરથી મને ખ્યાલ આવી ગયો છે કે વ્યોમાના મગજ માં શું રમત ચાલી રહી છે. હું તો સાવ હેરાન રહી ગયો છું કે કોઈ ફક્ત પૈસા ખાતર આ હદે જઈ શકે. હવે આપણે બંને એ ભેગા થઇ ને વ્યોમા ને એની જ game માં માત કરવાની છે. આપણે સાથે હોઈશું તો કશું અશક્ય નથી. કાલે તું ઓફીસ આવે પછી વિગતે વાત કરીશું અને વ્યોમા ને કેમ કરી ને પહોચી વળવી એ નક્કી કરીશું.”

સપના તો જાણે કોઈ બીજાજ વિશ્વમાં આવી ગઈ હોય એમ અનિમેષ નજરે સંયોગની સામે જોતી રહી અને ધ્યાનથી એને સાંભળતી રહી. સપનાની આંખોમાં છવાયેલા ભાવો જોઈ સંયોગના હાથ ની ભીંસ વધારે સજ્જડ થઇ. આજે સંયોગ બધાજ બંધનો, વળગણો, પૂર્વગ્રહો તોડીને બોલી રહ્યો હતો. એના હુફાળા આલિંગન માં સમેટાઈ ગયેલી સપનાના કાન માં સંયોગ કહે છે. “સપના, અત્યાર સુધી મેં તને ફક્ત પીડા, તડપન, દુ:ખ અને નિરાશાજ આપ્યા છે. તને સમજ્યો તો નથી જ પણ તને સમજવાની કોશિશ પણ નથી કરી. આ રંજ મને જીવનપર્યંત રહેશે. પણ હવે બસ. હવે આવનારી હરેક પળો માં મારે તને તારો પ્રેમ વ્યાજસહિત પરત કરવો છે. આજથી તું અને સ્નેહા એજ મારું વિશ્વ, એજ મારા જીવન નું કારણ.”

સમય ક્યાં સરી ગયો બંને ને ખબર ના પડી. મોબાઈલ માં જોયું તો રાત નો એક વાગ્યો હતો. હળવે થી સપના સંયોગથી અળગી થઇ. બંને ઘણા મહિનાઓ પછી સાથે બેડરૂમમાં ગયા. આવતીકાલે એક નવી સહિયારી સવારની આશા સાથે લાઈટો બંધ થઇ. સપનાએ વિચાર્યું અત્યાર સુધી ફક્ત જિસ્મ મળ્યા હતા. આજે બે આત્માઓનું મિલન થશે.

— રાજેન્દ્ર જોશી

કડી…૯

11638097_872485466158541_551820550_n

સપના ઘસઘસાટ ઊંઘતા સંયોગના ચહેરાને પ્રેમભરી નજરે જોતી રહી.

સવારથી એક પછી એક બનેલી ઘટનાઓ આંખ સામે ફિલ્મની જેમ તરી ગઈ.

‘વસ્ત્ર’માંથી નીકળી અને સ્નેહાને સ્કૂલથી પીક અપ કરી ઘેર પાછા ફરતા એના મગજ પર સંયોગ-વ્યોમા સવાર હતા. તેણે વિચાર્યું કે ઘરે જઈ શાંતિથી અનંત સાથે વાત કરીશ. એ કદાચ મને હવે શું કરવું તે વિષે સલાહ આપી શકે …ઘરે પહોંચી તેણે મશીનની જેમ તેણે સ્નેહાના favourite પનીર પરાઠા તેની મીકી માઉસવાળી પ્લેટમાં પીરસ્યા અને કહ્યું ‘ચાલ બેટા, જમી લે’.

સ્નેહા નવાઈભરી નજરે મમ્મીને જોઈને બોલી , ‘મમ્મી, આજે તેં મને uniform change કરવાનું ન કહ્યું?! વળી મેં હેન્ડ પણ વોશ નથી કર્યા ! આજે તો તું ભૂલકણી થઈ ગઈ હોય એવું લાગે છે’. સપનાને સ્નેહાના હાસ્યમાં સંયોગનો ચહેરો દેખાયો .

આજે મમ્મી તેની વાતોનો જવાબ નથી આપતી એ જોઈ નાનકડી સ્નેહા ચૂપચાપ જમવા લાગી . અચાનક તેની નજર પોતાની હથેળી પર ગઈ. ખુશ થતાં થતાં તેણે સપના તરફ હથેળી લંબાવી. ‘જો મમ્મી , મને આજે ટીચરે સ્માઈલી આપ્યું .’

‘very good બેટા ‘ સપના અન્યમનસ્ક અવાજમાં બોલી .

સ્નેહાએ ઉત્સાહપૂર્વક વાત ચાલુ રાખી ‘મમ્મી, આજે ટીચરે પૂછ્યું , what is a family? મને તો જવાબ આવડતો હતો એટલે મેં જલદીથી કહી દીધું , family એટલે હું-મમ્મી અને પાપા. ટીચરે હેપ્પી થઈને મને સ્માઈલી આપ્યું ‘

સાંજે સ્નેહાને music ક્લાસમાં મૂકી આવ્યા પછી પણ તેનો હસતો ચહેરો સપનાને કહેતો હતો. ‘family એટલે હું-મમ્મી અને પાપા’…. સપના ભીતર સુધી ખળભળી ગઈ હતી . તેણે ધીરજથી કામ લેવું પડશે. વ્યોમા વિશે સંયોગને પૂછતા પહેલાં વધુ ખાતરી કરવી પડશે. સ્નેહાની family ની વ્યાખ્યા પોતાની ઉતાવળના લીધે ખોટી ન પડે તે વાતનું ધ્યાન એ જરૂર રાખશે. એવું બધું સપનાએ મનોમન નક્કી કરી લીધું હતું. જો કે સંયોગના વર્તનમાં હમણાં હમણાં ઘણા positive changes આવ્યા હતા,જે આમ તો ઘણું સારું હતું અને અત્યારે વિતાવેલો અત્યારનો સમય ઘણા સમય પછીનો શ્રેષ્ઠ સમય હતો .

ત્યાં જ સંયોગે ખાંસી ખાધી એટલે સપનાએ ‘પાણી પીવું છે ?’ એવું પૂછતા સંયોગે ઊંઘરેટા અવાજે ‘જરૂર નથી’ એવો જવાબ આપી પોતાનો હાથ સપના પરથી લઇ લીધો અને પડખું ફરી ગયો .

સપના વિચારે ચડી ..’મેં તો સંયોગને મારા શંકાભર્યા સવાલોથી નવાજ્યો. એ તો બિચારો મારી ખાતર જ વ્યોમા સાથે વ્યવહાર જાળવતો હતો. અને હવે જ્યારે સહદેવની વાતોથી એના મનમાં વ્યોમા માટે શંકા જાગી છે ત્યારે પણ સંયોગે મારો જ સાથ માગ્યો છે વ્યોમાના પ્લાનને અસફળ કરવા ! હું જ સંયોગને સમજી ન શકી ! ‘

પણ રહી રહીને એની અંદર એ સવાલ ઊઠતો હતો. દુકાનદારે સંયોગ છ મહિનાથી ડ્રેસ લઇ જાય છે એમ કેમ કહ્યું હશે? સપનાની આંખ સામે હાથમાં હાથ રાખી ખીલખીલાટ હસી રહેલા સંયોગ અને વ્યોમા વારે વારે આવ્યા કરતા હતા ..તેના મનમાં વિચારોનું ઘમસાણ ચાલતું હતું “સંયોગે કહ્યું એ માની પણ લઉં પરંતુ આજે તો વ્યોમા એની સાથે હતી અને વ્યોમા સાથે એની ઓળખાણ તો મેં જ કરાવી પેલી પાર્ટીમાં . તો પછી?… કંઈક છે જે સમજાતું નથી. કયાંક વાંચેલું કે પતિ જ્યારે અચાનક વધારે પડતું attention આપવા લાગે ત્યારે એ પોતાની guilt છાવરતો હોઈ શકે… શું સંયોગ પણ ?!

માથું ઝાટકી તેણે બધું જ ખંખેરી નાખવાની કોશિશ કરી.. અત્યારે જે પરિસ્થિતિ છે એમાં એણે સંયોગને સાથ આપવાનો છે. હવે પોતે ઓફિસે જઈ શકશે. સારું કામ કરી જાતને સાબિત કરવાનો મોકો હવે ચૂકવો નથી એવા ઉત્સાહભર્યા વિચારો કરતી સપના એકાદ બે દિવસમાં ઓફિસ જવાનો નિર્ણય લઈ, સંયોગના ખભે માથું રાખી ઊંઘી ગઈ.

બીજે દિવસે સપના સાથે થોડી છેડછાડ કરી, મસ્તીભરી સવાર માણી, સંયોગ ઓફિસ પહોંચ્યો . કેબિનમાં રીવોલ્વિંગ ચેર પર ઝૂલતા ઝૂલતા તેના મગજમાં વિચાર પણ pendullum ની જેમ ઝૂલતા હતા .રાત્રે સપનાએ જ્યારે ‘વસ્ત્ર’માં શોપિંગ કરવા ગયાની વાત કરી ત્યારે ઘડી બે ઘડી તો એના હોશ ઊડી ગયા હતા. પણ પછી તેના intelligent અને strategic દિમાગે સાથ આપ્યો અને તેણે આખી વાત જ ફેરવી નાખી .

વ્યોમા સાતેક મહિના પહેલા તેને એક trade fair માં મળી હતી . business cards exchange થયા અને વ્યોમા કામ માટે તેની ઓફિસમાં આવી . વ્યોમાની vibrant personality અને એની છટાઓએ સંયોગને આકર્ષ્યો. ધીમે ધીમે બંને વચ્ચે નો સંબંધ વ્યાપારિક સંબંધોથી આગળ વધી ગયો. પાર્ટીમાં વ્યોમાએ સપના સાથે ઓળખાણ કાઢી અને રાહુલ પાસેથી પોતાને contract દેવડાવ્યો. આ પ્રસંગ પછી બંને વધુ નિકટ આવી ગયા હતા . વ્યોમા સંયોગને એક આકર્ષક પેકેજ જેવી લાગતી. એનામાં એ બધું જ હતું જે સપનામાં નહોતું . એટલે જ પાર્ટી પછી પોતાનો ego હર્ટ થયો છે એવું નાટક પણ કરવું પડ્યું હતું . જો કે રાહુલ આમ પોતાને જીતવા દેશે એવો ખ્યાલ પણ ક્યાં હતો ? કયારેક સંયોગને તેનું inner conscience ટોકતું પણ હતું . સપનાએ પોતાને ખુશ રાખવા જાતમાં કરેલા બદલાવો એની જાણમાં ન હતા એવું નહોતું. વ્યોમા સાથેના સંબંધની શરૂઆતમાં એણે બહુ વિચાર્યું હતું. અને આમ પણ સપના અને અનંત પણ મિત્રો હતા જ ને? તો વ્યોમા સાથે મારી મૈત્રી કેમ ન હોઈ શકે ! પોતાના સંબંધને યોગ્ય સાબિત કરવાની મથામણ એણે કર્યા કરી .

‘May I come in ?’ વ્યોમાનો અવાજ સાભળી સંયોગ વિચારોમાંથી બહાર આવ્યો .

‘શું થયું ? આજે જનાબને સવારના પહોરમાં કેમ મારી યાદ આવી? ‘

Red top અને black denim પહેરેલી વ્યોમા કોઈને પણ બીજી વાર નજર ફેરવી જોવા મજબૂર કરે એટલી beautiful લાગતી હતી .

‘સપના ક્યારેય આવી ન લાગી શકે ‘ સંયોગને વિચાર આવ્યો .

સંયોગે વ્યોમાને ‘વસ્ત્ર’ વાળી વાત કહી સંભળાવી .

‘અત્યારે તો મેં બધું સંભાળી લીધું છે આજે રાત્રે તું અને રાહુલ મારે ત્યાં ડીનર પર આવો . તમને સાથે જોઈને સપનાના મનમાં રહી સહી કોઈ શંકા હોય તો તે પણ નીકળી જાય. જશે’

કોફી પીને વ્યોમા સંયોગની કેબિનથી બહાર નીકળી . પાસે જ સંયોગની સેક્રેટરી અવનીનું ટેબલ હતું . અવનીએ વ્યોમા તરફ કંઈક અણગમા સાથે જોયું . વ્યોમાને પણ અવની પહેલેથી જ નહોતી ગમતી. એની નજર જાણે કે એકવારમાં જ પોતાનો ઇરાદો માપી લે છે એવું એને હમેશા લાગતું . સંયોગ સાથેના પોતાના સંબંધો અને એમાંથી થનાર ફાયદાઓ વચ્ચે આ અવની દીવાલ બને એવી શક્યતા હતી .પહેલા તો એને ખ્યાલ ન હતો કે સંયોગ એની સખી સપનાનો પતિ હતો પણ સંયોગને પામવાની લાલસા એટલી તીવ્ર હતી કે એને સંબંધોની શરમ હવે નડવાની ન હતી …અને સપના જો ઓફિસમાં વ્યસ્ત રહે તો એ અને સંયોગ કામના બહાને , મીટીંગના બહાને મળી શકે .

હજી સુધી શારીરિક મર્યાદા ઓળંગવાના સંજોગો ઉભા થયા ન હતા . પણ કોલેજકાળમાં પોતાની જાતને ખુબ હોશિયાર માનતી સપનાના પતિને પડાવી લેવાનો કારસો એણે મનમાં રચી કાઢ્યો હતો .એક વાર સંયોગ ફસાઈ જાય પછી એની દીકરીને પોતાના તરફ વાળવાનો નિર્ણય નિસંતાન વ્યોમાએ કરી લીધો હતો …જો કે એના આવા બધા વિચારોથી સાવ અજાણ રાહુલ, વ્યોમા ક્યારેય મા નહી બની શકે તે જાણતો હોવા છતાં એની ખુશી માટે એને દરેક પ્રકારની સ્વતંત્રતા આપ્યા કરતો હતો .

સંયોગે રાહુલને ફોન પર આમંત્રણ આપી અને સપનાને ફોન કર્યો . ‘ડાર્લિંગ, આજે રાહુલ અને વ્યોમાને ડીનર પર બોલાવ્યા છે. એમની સાથેની વાતચીતમાં કદાચ આપણને એમના પ્લાનનો અણસાર મળી જાય. હું સાત વાગ્યા સુધી આવી જઈશ અને હા, તું પેલો ગુલાબી ડ્રેસ પહેરજે. You look very pretty in pink.’

ફોન મૂકી તેણે બેલ વગાડી.

‘ Red roses નું બુકે મારા ઘરે મોકલી આપ અને આ કાર્ડ એની સાથે મોકલજે. સેક્રેટરી અવનીએ બહાર જતા જતા કાર્ડ પરનો મેસેજ વાંચ્યો ‘love you my wife’ અને તેના ચહેરા પર વ્યંગભર્યું સ્મિત આવ્યું .

સપનાની તૈયારી પૂરી થઈ. સંયોગે suggest કરેલો ડ્રેસ પહેરી, લાઈટ લિપ્સટીક લગાવી તેણે અરીસામાં પોતા પર ઠીકથી નજર કરી. ગુલાબી રંગ એના પર સાચે જ ખીલતો હતો.

સંયોગ પોતાની ચાવીથી દરવાજો ખોલી ઘરમાં આવ્યો . સપનાની પરફેક્ટ તૈયારીને તેણે મનમાં જ સરાહી. રૂમમાંથી નીકળતી સપનાને જોઈ તરત બોલ્યો ‘ hey pretty woman.. you are looking gorgeous. બસ પાંચ મિનિટમાં તૈયાર થઈ ને આવું …

સપના ફ્લાવર અરેન્જમેન્ટ ને ફાઈનલ ટચ દેતી હતી ત્યાં જ સ્નેહા દોડી ને આવી .
‘ મમ્મી , વ્યોમા આંટી ક્યારે આવશે? એ કેટલા સ્વીટ છે ને? તું કેમ એમના જેવા ડ્રેસ નથી પહેરતી? સપના સ્નેહાને જવાબ આપે કે રૂમમાંથી બહાર નીકળતા સંયોગની આંખમાં સ્નેહાની વાત સાંભળી આવેલા ભાવ વાંચીને analyse કરે એ પહેલાં જ ડૉરબેલ વાગી ……

– રીના બદિયાણી માણેક

કડી…૧૦

11268973_451775134998793_7234053425261321816_n

ડોર બેલ ફરી એક વાર રણકી ઉઠી … સપના , નોકરને સૂચના આપવામાં વ્યસ્ત હોઈ સંયોગ જ બારણું ઉઘડવા ગયો . કુરિયર કંપનીનો માણસ એક નાના સરખા પેકેટ સાથે ઉભો હતો . બેધ્યાન પણે સંયોગે સહી કરીને માણસને રવાના કર્યો . પેકેટ ખોલીને અંદરના ડોક્યુમેન્ટસ ઉપર એ ઉપરછલ્લી નજર ફેરવવા લાગ્યો . સંયોગની કંપનીથી નાની, એવી કંપની , પોતાની પ્રોડક્ટના માર્કેટીંગ માટે સંયોગની કંપનીનો સહકાર ચાહતી હતી અને એ અંગેની પ્રપોઝલના પ્રારંભિક દસ્તાવેજ હતા . વ્યોમાનાં આગમનના વીચારોમાં ખોવાયેલા સંયોગને બીઝનેસ માઈન્ડેડ હોવા છતાં અત્યારે આવેલા કાગળો અળખામણા લાગ્યા . “સાલા આ લોકોને પણ આ કાગળો કંપની પર મોકલતાં શું જોર પડે છે , મારા બેટાઓને ઘરનું એડ્રેસ પણ ક્યાંથી મળી જાય છે ..?” સ્વગત બબડતાં બબડતા એણે કાગળોનો ટેબલ પર ઘા કર્યો . કાગળો નિશાન ચુકી જવાને કારણે આરસની ફર્શ પર પછડાયા અને એની વચ્ચેથી નીકળેલી તસ્વીરે જાણેકે ધરતી કંપ સર્જી નાખ્યો .

બસ …ત્રણ મહીના પહેલા …એર કન્ડીશંડ ઓફીસના એકાંતમાં વ્યોમા સાથે ,પ્રેમના ઈજહાર સમી એક અને માત્ર એક લીપ ટુ લીપ કીસ અને એની એ તસ્વીર …કોણે …?…કેવી રીતે …? ફોટાને ઉથલાવતાં જ પાછળ લખેલી પંક્તિ પર તેની નજર પડી ….

चाहे दिनका उजाला हो ,या फिर हो रातकी सियाही मेरी निग़ाहें खूब देख रही है ,तुम्हारी हर शनाशाही ….

ખુરસી પર ફસડાઈ પડેલા સંયોગનું મન વિચારે ચડ્યું ..કોણ હોઈ શકે આ હરકત કરનાર …? ચોક્કસ અવની જ …પોતાની ઓફિસ બહાર તો એ જ બેસતી હતીને …એનું મોઢું કેટલું …? બહુ બહુ તો એક કે બે લાખ …એક વાર આ મામલો રફે દફે થઇ જાય પછી જો સાલીને નોકરીમાંથી જ નહીં પણ શહેરની બહાર તગેડી મુકું છું ..એક નિરાંતનો શ્વાસ લીધો સંયોગે …

વિચારમાં ભંગ પડાવતો સંયોગનો મોબાઈલ ગુંજી ઉઠ્યો સ્ક્રીન પરનો નંબર અનલીસ્ટેડ હતો …સામેથી એક અજાણ્યો સ્ત્રી અવાજ સંભળાયો …ફોટો જાહેર ના કરવા માટે શું માંગું છું એ જ જાણવું છે ને …?….અવની ની નોકરીમાંથી હકાલ પટ્ટી …કાલે અને કાલે જ…, અને ફોન કટ થઇ ગયો . સ્તબ્ધ થઇ ગયો સંયોગ . તો શું આ પરાક્રમ અવનિ નું ના હોય તો આ કોણ સ્ત્રી હતી જે અવનીની નોકરી છૂટી જાય તેવું ઇચ્છતી હતી ..? તો આ કામ પૈસા માટે તો ના હોતું જ થયું .અને આ ફોટો જો રાહુલ સુધી પંહોચે તો ..?…તો પછી તો ઘર સંસાર અને બીઝનેસ બન્ને ને ભારે નુકશાન થાય . ફૂલ સ્પીડ પંખા નીચે પરસેવે રેબઝેબ થઇ ગયો સંયોગ .

પાછી ફોનની રીંગ ગુંજી ઉઠી . આ વખતે કોઈ બીજી સ્ત્રીનો અવાજ …પહેલી સ્ત્રી કરતાં વધારે તીણો ..અને ફક્ત ઈંગ્લીશમાં જ …ડોન્ટ વરી સર , રાહુલ વીલ નોટ કમ ટુ નો , ફોર નાઉ ટૂ વિલ ડુ ..પછી મજાક કરતી હોય તેમ તે બોલી …ઓફ કોર્સ વી આર ટોકિંગ ઇન ટર્મ્સ ઓફ કરોડસ ..આરન્ટ વી ..? યુ ડોન્ટ વોન્ટ ટુ સ્પોઈલ યોર બીઝનેસ રીલેશન્સ વીથ રાહુલ સર , ડૂ યુ ..? ..ગેટ રેડી વીથ મની સર …ટુ કરોડસ ઓન્લી … સંયોગ કંઈ બોલે તે પહેલાં ફોન કટ થઇ ગયો

પોતાના જમણા હાથનાં અડધા કપાયેલા અંગૂઠાથી ફોન કટ કર્યા પછી તેણે ફોનના સ્પીકર સાથે જોડેલું માઈક્રોફોન એણે અનપ્લગ કર્યુ …રેકોર્ડીંગ સ્ટુડીયોનું આ અતિ સંવેદનશીલ અને પીચ કંટ્રોલ અને ઓટો ટ્યુનીંગ કરી શકવાની ક્ષમતા ધરાવતા માઈકનો તેણે યોગ્ય ઉપયોગ કર્યો હતો . પોતાના મર્દાના અવાજને અલગ અલગ ફ્રીકવન્સીમાં ચેન્જ કરીને , બે અલગ અલગ સ્ત્રીઓનો અવાજ કાઢીને સંયોગને ચકરાવે ચઢાવવામાં અનિકેત બીલકુલ સફળ રહ્યો હતો . હવે બને એટલું જલ્દી અનંત મહેતાનાં આ પર્સનલ રેકોર્ડીંગ સ્ટુડિયોમાંથી નીકળી જાવું જરૂરી હતું . ધીરે રહીને એણે સ્ટુડિયો નું બારણું બંધ કર્યું . બારણાની સામેની દીવાલે આદમ કદની ફ્રેમમાં ખડખડાટ હસતા બે હેન્ડસમ યુવાન ભાઈઓની તસ્વીર જડેલી હતી . બંને ભાઈઓ એક બીજાને ભેટીને ઉભા હતા ..અને તસ્વીરમાં અનંત ને વળગીને ઉભેલા તેના ભાઈના જમણા હાથનો અડધો અંગૂઠો ગાયબ હતો …!!

બહાર નીકળીને અનિકેતે અવનીને ફોન કર્યો …અવનીનું “હલો” સંભળાતા જ તેણે આનંદથી કહ્યું …”હાય હની ..મિશન એકમ્પલીસ્ડ ..” ….પછી પાંચ મિનીટ લાંબી ચાલેલી અનિકેતની સૂચનાઓ સાંભળ્યા પછી અવનીના મગજમાં બે વાત સ્પષ્ટ થઇ ચૂકી હતી એક તો એ કે , કાલે સંયોગે જ મજબૂરીથી એને નોકરીમાંથી કાઢી મુકવી પડશે એટલે એની પર કોઈ શક કરી શકે એવી કોઈ ગુંજાઇશ જ રહી ના હતી .બીજું એના પેટમાં પાંગરી રહેલો અનિકેતનો અંશ આ ધરતી ઉપર એક સરેરાશ મીડલ ક્લાસનું બાળક બનીને નહી જન્મે પણ પોતાના બોય ફ્રેન્ડના કાબેલ દિમાગને કારણે ટૂંક સમયમાં જ ગઈ કાલ સુધી એ જ્યાં નોકરિયાત હતી એ કંપનીનો વારસ બનીને જ રહેશે …!!અને સંયોગની ઓફિસમાંના એક્વેરિયમના પાણી ફીલ્ટર કરવાની મોટરમાં છુપાવેલો કેમેરા …? એ તો ગયા મહીને ફીલ્ટર સાફ કરવા સર્વિસ બોય બનીને આવેલા અનિકેતે કાઢીને ક્યારનો એનો નિકાલ કરી નાખ્યો હતો . પોતાના ઋજુ હૃદય વાળા ગઝલ ગાયક ભાઈની જેમ એ સંબંધ કે વસ્તુ …કામ પતી ગયા પછી સંઘરી રાખવામાં માનતો ના હતો . હા જો કે કેમેરાનું રિમોટ , જેનો ઉપયોગ જયારે સંયોગ અને વ્યોમા ઓફિસ માં એકલા હોય ત્યારે કેમેરા ઓપરેટ કરવા માટે થતો ,એ તો હજી અવનીના ડેસ્કના ડ્રોઅરમાં જ રહી ગયું હતું . “કાલે સવારે સૌથી પહેલાં એનો નિકાલ કરવો પડશે ” ..અવનીએ વિચાર્યું ..

રસ્તો ક્રોસ કરીને પોતાની બાઈક તરફ જઈ રહેલા અનિકેતને સહેજે અણસાર ના હતો કે સામેના અપાર્ટમેન્ટના આઠમાં માળેથી બે આસમાની આંખો એને એકીટસે જોઈ રહી હતી ….અનિકેતની બાઈક રસ્તો વળી ગઈ અને આસમાની આંખોએ પોતાના ફોનના સ્ક્રીન પર ટાઈપ થયેલો મેસેજ ફરી એક વાર વાંચી લીધો ….”હી ઇસ ઓન હીસ વે …” અને એની આંગળીએ સેન્ડનું બટન દબાવી દીધું …!!!

***********************************************************************************

સંયોગના બંગલા તરફ મર્સિડીઝ GL 450નું લેટેસ્ટ મોડેલ પાણીના રેલા જેમ વહી રહ્યું હતું . પાછળની આરામદાયક સીટમાં રાહુલ અને વ્યોમા હાથમાં હાથ પરોવીને બેઠાં હતા . અચાનક રાહુલના જેકેટના જમણા ખીસ્સામાં પડેલો ફોન વાઈબ્રેટ થયો ..ફોનના સ્ક્રીન પર અછડતી નજર ફેરવી રાહુલે …અને જલ્દીથી મેસેજ ડીલીટ કરતાં મનમાં જ બોલ્યો …”Well done ..blue eyes…” . મર્સિડીઝ સંયોગના બંગલામાં પ્રવેશી ચૂકી હતી . બારણામાં જ સ્વાગત માટે પ્રફુલ્લિત વદને સપના અને તેની પાછળ જ સંયોગ ઉભો હતો . ઔપચારિક હાઈ હેલ્લો પછી બધા દિવાન ખંડ તરફ વળ્યા ,અને ઈરાદાપૂર્વક પાછળ રહેલી વ્યોમાએ સંયોગના હાથ પર ચુંટી ખણતા ,અનાયાસે જ પાછળ જોવાઈ ગયું સંયોગથી ….વ્યોમા જાણે આંખોથી સંયોગને પૂછી રહી હતી ..”ઈઝ એનીથિંગ રોંગ …?” …હજી સંયોગની આંખો વ્યોમાને કંઈ પ્રત્યુતર આપે તે પહેલા તો રાહુલનો રણકદાર અવાજ દિવાનખંડમાં રેલાઈ રહ્યો …”ઓહ શીટ .. આઈ ટોટલી ફરગોટ ..હેય બડી ..આઈ ગોટ એ બ્લૂ લેબલ ફોર યુ , વી નીડ ટુ સેલિબ્રેટ … ઇવન વ્યોમા ડઝન્ટ નો અબાઉટ ધીસ … નાઉ સપના , આઇ હોપ યુ ડોન્ટ માઈન્ડ ઇફ વી ગેટ ડ્રંક ટુનાઈટ ..ડુ યુ ..? ” “નોટ બીફોર ડીનર …રાહુલ તને ખબર છે , સપના ઈઝ હેલ ઓફ અ કૂક “વાતોનો દોર વ્યોમાએ હાથમાં લઇ લેતાં કહ્યું . “ધેર આર ટૂ ટ્રીક્સ ટૂ વીન મેન્સ હાર્ટ …ઈધર બાય ફીડીંગ હીમ ,ઓર બાય કિસિંગ હીમ … ઇધર વે ઈઝ ફાઈન બાય મી …હાઉ અબાઉટ યુ ..સંયોગ ..?” …બોલતા બોલતા રાહુલના કસરતી હાથનો વજનદાર પંજો સંયોગના ડાબા ખભે દબાયો …સંયોગને પોતાના પગમાંથી સંવેદના હરાઈ જતી લાગી ….શું રાહુલને ખબર પડી ગઈ હતી ..?….શક્ય છે કે પેલું પેકેટ રાહુલે જ મોકલાવ્યું હોય …તો પછી ઉપરાછાપરી આવેલા ફોન પર સ્ત્રીઓનો અવાજ .. “માઈન્ડ યોર લેન્ગવેજ હની ,ઘરમાં નાનું છોકરું છે , એ તો સમજ …” વ્યોમા એ છણકો કરતાં કહ્યું … “ઓહ આઈ એમ સો સોરી …આપણે ત્યાં કીડ નથી , એટલે આવી મેટર્સમાં ભૂલ થઇ જાય છે …સપના આઈ રીઅલી ડુ એપોલોજાઈઝ “…રાહુલના અવાજમાં સપનાને ભારોભાર નિખાલસતા અને નિસંતાન હોવાની વેદના લાગી . “ઓકે ચાલો સમાધાન કરીએ , અમે જમવાનું ગરમ કરીએ ત્યાં સુધીમાં યુ ગાયસ કેન હેવ વન ડ્રીંક ,..ડન ..?” વાતાવરણ હળવું કરવા માટે સપનાએ કહ્યું . “ડન ..લેટ મી ગેટ ધ બોટલ ફ્રોમ ધ કાર બાય માયસેલ્ફ ..વ્હેન ઇટ કમ્સ ટુ બ્લુ લેબલ , આઈ ડોન્ટ ટ્રસ્ટ બ્લડી સર્વન્ટ્સ ઓર ડ્રાયવરસ “…બોલતા બોલતા પોર્ચના પગથીયા ઉતરી ગયો રાહુલ … કારની પાછળથી બોટલ કાઢવા માટે વાંકા વળેલા રાહુલે બોટલની બાજુમાં પડેલી ચીજ કોઈ જોતું નથી એની ખાતરી કરીને એના જેકેટના ડાબા ખીસ્સામાં સરકાવી દીધી …આ ઘટનાની પંદર સેકંડ પછી આસમાની આંખો પોતાના ફોનના સ્ક્રીન પર ઝબકેલો મેસેજ વાંચી રહી હતી .. ” Tell sharma to make the move now…”

— હેમલ વૈષ્ણવ

કડી…૧૧

20150301031206

રાહુલ બ્લુ લેબલ લેવા ગયો તે સમય દરમ્યાન સપનાએ સ્નેહાને મંગલા સાથે રમવા એના રૂમમાં મોકલી દીધી. મંગલા રસોઈવાળા કાંતાબેનની સ્નેહા કરતા જરાક મોટી દીકરી હતી.સાવ એકલી સ્નેહાને ઘણી વાર રમવા આવતી મંગલા સાથે સારા બેનપણા હતા. સપનાએ રસોડામાં જઈ કાંતાબેનને બંને છોકરીઓને જમાડ્યા પછી બધા માટે નવ વાગ્યા સુધીમાં જમવાનું ગરમ રાખવાં કહી દીધું. ”સ્નેહા માટે એકાદ ભાઈની જરૂર નથી લાગતી ?” એવા વ્યોમાના સવાલને મીઠ્ઠું મલકી ઉડાડી દઈ સપનાએ ઘર અને ઇન્ટીરીયર દેખાડવા માંડ્યું. એ બંનેના બેડરૂમ અને વિશાળ, નકશીકામવાળા પલંગની બરાબર ઉપર સપના અને સંયોગનો ખુશખુશાલ મુદ્રામાં આદમકદ ફોટો જોઈ વ્યોમા રીતસર આડું જોઈ ગઈ … વ્યોમાને અત્યાર સુધી સપના સંયોગની પત્ની હોવાની ઈર્ષા હતી. હવે એના ઘરસજાવટના ટેસ્ટ અને કલેક્શનની પણ ઈર્ષા થઇ આવી. પોતાની પાસે જે હોય તે ઓછું જ પડે. કેટલાકનો એવો અસંતોષી જીવ હોય છે. તો સામે સપનાને કોલેજકાળની સખીને પોતાનો ઘરસંસાર અને અસબાબ દેખાડવાની ખુશી હતી. ઘરની અંદર અને મનની અંદરના ખળભળાટનો બહારના લોકોને આસાર ન આવવા દેવો એ કળામાં સ્ત્રીઓ માહિર હોય છે.

બહારથી બંને હાથમાં બોટલ્સ લઈને આવતા રાહુલે “લેટ્સ એન્જોય” કહેતા સાઈડ ટેબલ પર કલાત્મક રીતે ગોઠવેલા ગ્લાસીસમાંથી ગ્લાસ લઇ ત્રણ પેગ બનાવ્યા. ઘરમાં ફરીને ખુશખુશાલ સપના અને ઓઝ્પાયેલી વ્યોમા હોલમાં પાછા ફર્યા અને યુ શેઇપના સોફા પાસે બધા ગોઠવાયા. કાંતાબેને બે પ્લેટમાં બાઇટ્સ અને સાથે આઈસ ક્યુબ્સ સોફા સામેની કોતરણીવાળી ટીપોઈ પર મૂકી દીધા. સપના સિવાય દરેક પોતાની જરૂરિયાત મુજબ આઈસ ક્યુબ્સ નાખી ચિયર્સ કરી ડ્રીંક લેતાં લેતાં વાતે વળગ્યાં. રાહુલે એક માહીરની અદાથી હળવેથી ગ્લાસને હલાવતા નીટ વ્હીસ્કીના ઘૂંટ ભર્યા કર્યા. એ બ્લુ લેબલનો આઈસ કે સોડા વગર અસલ રીતે આનંદ લેવામાં માનતો. એમની વાતો રીયલ એસ્ટેટથી લઇ રાજકારણ સુધી વિસ્તરતી રહી.

થોડી થોડી વારે રાહુલનો હાથ એના જેકેટના ડાબા ખિસ્સામાં રહેલી પેલી વસ્તુ પર ફરી વળતો હતો. એ વસ્તુનો ઉપયોગ યોગ્ય કરવા જેવો માહોલ બનાવવો પડશે એવું એ વિચારતો રહ્યો. બીઝનેસ પાર્ટીઓમાં આવું કરવાનો એને ઘણો મહાવરો હતો. યેનકેન પ્રકારેણ પોતાનું ધાર્યું કરવું ..કરાવવું એની આદત હતી. સ્પર્ધા એક ચડતા ઉતરતા નશા જેવી હોય તે સારી વાત હોય છે પણ એ હેંગઓવર બને ત્યારે દિવસરાત અને સુખચેન દાવ પર લગાવી દે છે. રાહુલ વ્યોમા અને સંયોગ વિષે ઘણું જાણી ગયો હતો. હવે એને એક કબૂલાતની જરૂર હતી, જેને હુકમનું પાનું બનાવી એ સંયોગને બીઝનેસમાં અને વ્યોમાને ઘરમાં હરાવી શકે. સ્પર્ધાએ હવે ઝનુનનું સ્વરૂપ લઇ લીધું હતું અને રમતિયાળ મદારીની જેમ એ બધાને નચાવવાનો મોકો માણવા તલપાપડ થઇ ગયો હતો.

કોઈના હાથનું રમકડું બની ગયેલો સંયોગ સાવ પરવશતા અનુભવી રહ્યો હતો. થોડી વાર પહેલા આવેલા ભૂકંપ જેવા પાર્સલમાંનો ફોટો રહી રહીને સંયોગના મનમાં હલચલ ઉભી કર્યા કરતો હતો …એને શાંત ચિત્તે આ બાબતે વિચારવાનો સમય જ ક્યાં મળ્યો હતો! એ સાવ સામાન્ય દેખાવાના દેખાડા અંદર સતત અવની અને પેલા બે સ્ત્રી અવાજો વિષે વિચાર્યા કરતો હતો . બે કરોડ।…. અત્યંત મોટી નહિ તો સાવ નાની રકમ પણ ના જ ગણાય. અને આ માંગ પૂરી થયા પછી આગળ શું ? આવી માંગો સતત થયા જ કરે તો શું કરવું ? એના ચહેરા પર આ ચિંતાના ચાસ ઘડી ઘડી આવજા કરતા હતા. રાહુલના વર્તનથી એ આમાં જવાબદાર ન હોય તેવું લાગી રહ્યું હતું પણ આજે આ બેઉને ડીનર પર બોલાવ્યા ન હોત તો સારું થયું હોત…કારણ આજે બ્લુ લેબલ મન પર ઝાઝી અસર કરે તેમ ન હતી એવું એને લાગ્યું. ચિંતાથી ઘેરાયેલા મગજમાં નશાને માટે જગ્યા જ ક્યાં હતી!!

રાહુલ પોતે ચાલેલી ચાલ અને એની સંયોગ પર થયેલી અસર જોઈ મનોમન હરખાયા કરતો હતો. એને આડી વાતે ચડાવી તડપાવવાની મજા લઇ રહ્યો હતો. વારે વારે વ્યોમાના વખાણ કરી એને વ્હાલ કરતો હોય તેમ સ્પર્શી રહ્યો હતો … તો સામે વ્યોમા પણ ક્યારેક ટપારી રહી હતી, તો ક્યારેક બહેકાવી રહી હતી … દરેક એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય તેમ બધા બીઝનેસ ઈમ્પ્રુવમેન્ટની વાતો કરતા રહ્યા. માર્કેટના તાજા ચડાવઉતરાવ વિષે વાત નીકળતા કંપનીનું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હવે સપના સંભાળશે એમ સંયોગે જણાવતા જ સપનાનો ચહેરો ખીલી ઉઠ્યો અને સપનાએ વાતથી ખુશ હતી કે એ પોતાની સ્વતંત્રતા પાછી મળશે … કોલેજકાળમાં જોયેલા સ્વપ્નાઓ સાચા પડશે …એકદમ આવેશમાં આવી એણે વ્યોમાનો હાથ પકડીને સંયોગને સપનાને કામ કરવા દેવા રાજી કરવા બદલ આભાર માની લીધો. વ્યોમા અને રાહુલના આગમનથી …એમના એકમેક તરફના પ્રેમભર્યા વ્યવહારથી ‘વસ્ત્ર’ બુટીકમાં બનેલા બનાવ અને સંયોગ અને વ્યોમાના સંબંધ વિષે રહી સહી શંકા નિર્મૂળ થવાના રસ્તે હતી.

પણ સપના બીઝનેસમાં જોડાશે અને એ પણ વ્યોમાની ભલામણથી ….એ સાંભળી રાહુલ બે ઘડી અચકાઈ ગયો. એના મોં પરના હાવભાવ બદલાઈ ગયા. બધા એને જોઈ રહ્યા છે એવું લાગતા એણે સ્પષ્ટ કરી લીધું … “Yeah, that’s great ..but what about sneha? મને નથી લાગતું કે હજુ સ્નેહાને તમારે એકલા મૂકવી જોઈએ” એને સપના નાનકડી સ્નેહાથી દૂર રહેશે એ વાત જરા ખટકી છે એવું દેખાડી દીધું …જો કે એને બાળકોની પરવાહ નહોતી એવું ક્યાં હતું …!!! વ્યોમા ક્યારેય માતા નહી બની શકે તેવું જાણતા રાહુલે વ્યોમાને દિલથી ચાહી હતી, પણ રાહુલના મનથી આમ પણ બનીઠની ફરવામાં જ રસ ધરાવતી વ્યોમા કોઈ સંજોગોમાં સારી ગૃહિણી અને માતા ન હતી .અને સંયોગ સાથે જોડાઈ ગયેલી વ્યોમા તરફ હવે પ્રેમ કે ઈજ્જત હોવાનો કોઈ સવાલ જ ન હતો. કેટલાક સંબંધો જ્યારે છોડી કે તોડી નથી શકાતા ત્યારે એ સમાધાન નહિ, ઔપચારિક વધુ બની જાય છે. ન છોડી શકાય …ન તોડી શકાય તેવી ગાંઠો સતત ખટક્યા કરે છે ..અટક્યા કરે છે… અમુક ગાંઠો ફક્ત બંધન હોય છે …લાગણી વગરનું શુષ્ક બંધન.

બેધ્યાનપણે આ બધી વાતોમાં ભાગ લઇ રહેલી વ્યોમા સપના વિષે વિચારતી હતી. સફરની શરૂઆતમાં વાતાવરણ સાનુકૂળ લાગતું હોય પણ બંને કિનારા દૂર હોય અને તોફાનના એંધાણ થાય ત્યારે સહારો ક્યાંથી મળશે તેવી ગભરામણ થઇ જ આવે છે. સંયોગના કહ્યા મુજબ જો સપનાને શંકા થઇ હોય તો આગળ શું ? આમ પણ આજકાલ રાહુલ થોડો રહસ્યમય બનતો જતો હતો. મનથી દૂર જતો રહેલો રાહુલ છેલ્લા કેટલાક સમયથી સાવ બેદરકાર અને તોછડો બનતો જતો હતો અને અચાનક આજે એના આવા મસ્તીભર્યા વર્તાવથી એની છઠ્ઠી ઇન્દ્રિય ‘કશુંક ઠીક નથી’ એવું એલાર્મ વગાડી રહી હતી. પલટાતા પુરુષને પરખતા ચબરાક સ્ત્રીને વાર નથી લાગતી. પણ એવું શું થઇ રહ્યું છે કે જે એના માટે ખતરારૂપ છે એ વ્યોમાને સમજમાં નહોતું આવતું.

રાહુલ , સંયોગ અને વ્યોમાના મનોમંથનથી અજાણ સપના વ્યોમાની કોઈ વાત પર ખડખડાટ હસી રહી હતી. અને પિંક ડ્રેસમાં ખુબ સાદી પણ જાજરમાન લાગી રહેલી સપના તરફ એક આસક્તિથી રાહુલ જોઈ રહ્યો છે એવું સંયોગે નોંધ્યું. અને એક ગુસ્સા અને ઈર્ષ્યા સાથે એણે સપના સામે નજર ઠેરવી. પત્નીને પોતાની મિલકત સમજતા પતિ પોતે બીજે વેચાઈ ગયા હોય છે તેનું ભાન ગુમાવી ચુક્યા હોય છે. ડીલ મળ્યા પછી એને કામ કરવાની મંજૂરી આપી માંડ મૂડમાં આવેલા સંયોગના મોં પર ઘેરાતા વિખાતા ચિંતાના વાદળો અને અચાનક ગુસ્સો જોઈ શું થયું એ ન સમજાતા સપના એના હાથમાં રહેલ સૂપનો બાઉલ ટીપોઈ પર મૂકવા ઝૂકી અને બાઉલમાંથી સૂપ ઉડીને એના ડ્રેસ પર છંટકાઈ ગયો. સંયોગની નજરથી છટકવાનું એક બહાનું મળ્યું હોય એમ એક ઝાટકા સાથે ઉઠી ‘ચેન્જ કરીને આવું ‘ બોલતી એ અંદરના રૂમ તરફ દોડી ગઈ.

બીજી જ પળે હાથમાંના ફોનને કાને મૂકી ‘plz …excuse me’ ગણગણતો રાહુલ જેકેટના ડાબા ખિસ્સામાંથી રૂમાલ કાઢી .. સોફા પર મૂકી, રૂમમાં રહેલી બાલ્કની તરફ દોડી ગયો. અને ધીમા અવાજે વાતો કરતો રહ્યો. બહાર આંટા મારતા રહી એક નજર સંયોગ અને વ્યોમા તરફ નાખતો રહ્યો. માંડ મળેલા બેઘડીના એકાંતમાં સંયોગ વ્યોમાને બધું કહી દેવા શબ્દો ફંફોસતો રહ્યો. અવની ….બે કરોડ ….ફોટો! રાહુલના આવતા સુધી શું શું કહી શકાય?
“every thing is not ok …you be careful now and stay away from me.” એની આવી સાવ વિચિત્ર વાત સાંભળી વ્યોમા અપમાનજનક મહેસુસ કરવા લાગી. સાવ દબાયેલા… ધીમા પણ મજબુત અને ધારદાર અવાજે દાંત ભીસીને ગુસ્સાથી એણે કહેવા માંડ્યું ” that means … હવે તારી પત્ની ઓફિસે આવશે એટલે તું મને અવોઇડ કરીશ એમ જ ને …!! Look Mr … તું મને સીધી સાદી સ્ત્રી માનવાની ભૂલ કરતો નહી ..હું જળો જેવી છું …હવે તારો ઈલાજ કરીને …તને બરબાદ કરીને જ રહીશ. તેં મને છેડી છે …પરિણામ ભોગવવા તૈયાર રહેજે …તને તારી પત્ની અને દીકરીની પડી છે ને …!! તો હવે તું મારી રમત જોયા કરજે.” સ્તબ્ધ બની ગયેલો સંયોગ આગળ કશું બોલે એ પહેલા રાહુલ ફોન પર આંગળી ફેરવતો પાછો આવીને બેસી ગયો. ખુબ જ સ્વાભાવિકતાથી એણે બાજૂમાં પડેલો રૂમાલ પાછો ડાબા ખિસ્સામાં ગોઠવાઈ ગયો .સંયોગ વેરવિખેર થયેલા પોતાના હાવભાવોને સરખા કરવાની વ્યર્થ મહેનત કરતો રહ્યો. રીઢા ગુનેગારો પણ પકડાઈ જતા હોય છે જ્યારે સંયોગ માટે આવા સંજોગો સાવ નવા હતા.

લગભગ થઇ ગયેલા કામની ખુશીમાં અનિકેત વ્હીસલ મારતો નીકળી ગયો … આવા નાના ગુન્હાઓમાં સંડોવાયેલા રહેતા અનિકેતને માટે પૈસા એક પૂજા હતી. પૈસા મેળવવા એ કોઈ પણ કક્ષાએ જઈ શકતો . દરેક અમીરે એક ગુંડો પાળ્યો હોય છે. પોતાને નડતા બધા જ ગ્રહણો દૂર કરવા માટે આવા પાળીતા લોકો કામ આવતા હોય છે. સહેલાઈથી ..ઝાઝી મહેનત વગર ઢગલો રૂપિયા કમાવા આવા ધંધામાં આવી પડેલો અનિકેત થોડો ભોળો હતો …લાગણીભૂખ્યા અનિકેતને વ્યોમાનું પગેરું દબાવતા સંયોગની ઓફિસમાં કામ કરતી અવની એક પ્રેમાળ સ્ત્રીરૂપે મળી ગઈ. રસ્તામાં અનિકેતનો ફોન વાઈબ્રેટ થયો. બાઈક સાઈડ માં ઉભી રાખી ફોન ઉપાડતાં એને સામેથી અવનીનો અવાજ સંભળાયો,
“આપણી રોજની જગ્યાએ 15 મિનીટ માં પહોંચ. હું પણ પહોંચું છું”
જવાબમાં “ઓકે આવું છું” કહી ફોન બંધ કર્યો …
હમણાં જ ફોન પર વાત કરી અને અચાનક હવે શી વાત હશે એવું વિચારતો અનિકેત બાઈકનો યુ ટર્ન લઈ પુરપાટ ઝડપે અવની એ કહેલ જગ્યા પર પહોંચવા નીકળ્યો .
ફરી પાછો ફોન વાઈબ્રેટ થયો …ચાલતી બાઈકે મોબાઈલ તરફ જોયું ‘બડે ભૈયા’ એવું નામ ફ્લેશ થઈ રહેલું જોતા બ્રેક મારી.
”કેતુ , તું ક્યાં છે ? રાતે જલ્દી આવવાનું વચન આપ્યું છે . આજે તો તને ઘણું મોડું થયું.” અનંતનો પ્રેમાળ અવાજ એના મન પર ઠંડી હવાની જેમ લહેરાઈ ઉઠ્યો.
“બસ ત્રિસેક મીનીટમાં આવ્યો સમજો… બડે ભૈયા ..ફિકર નોટ ..તમારો કેતુ આજે જલ્દી આવી જશે ”
સામે છેડેથી અનંતે “ભલે , જલ્દી આવ , સાથે જમીશું” કહેતા અનિકેતે અવનીને જલ્દી મળીને ઘરે જવાનું નક્કી કર્યું. બીજાને વર્ષો સુધી રંજાડનાર પણ પોતાના કોઈને બેઘડી હેરાન થતા જોઈ શકતા નથી. પણ મોટાભાઈ એમની જે દોસ્તનું ઘર સંભાળવામાં પડ્યા હતા એ જ ઘર પોતે ઉજાડવા જઈ રહ્યો છે એ હકીકતથી એ બિલકૂલ બેખબર હતો.

ફોન મૂકી અનંતે અનિકેતના કપાયેલા અંગુઠાને યાદ કર્યા કર્યો. જાણે પંપાળ્યા કર્યો …માબાપની છત્રછાયા ગુમાવ્યા પછી અનિકેતને એણે દીકરાની જેમ લાડ લડાવ્યા હતા પણ બંદુકની ગોળીના ઘસરકાથી લોહીલૂહાણ અંગુઠા સાથે એણે અનિકેતને જોયો ત્યારે ઉછેરમાં ક્યાંક ચૂક થઇ હોય તેવું એને લાગ્યું હતું. પોતાના લોહીનું લોહી વહેતું જોવું બહુ મુશ્કેલ કામ હોય છે …યા તો માણસ અત્યંત નરમદિલ બની જાય છે યા તો પથ્થરદિલ …. જો કે અત્યંત મૃદુ અનંતે મારીને નહી.. વારીને અનિકેત પર ધ્યાન આપવાનું નક્કી કર્યું હતું.

અહીં બેડરૂમમાં કપડા બદલવા ગયેલી સ્તબ્ધ સપના જમીન પર વિખરાયેલા કાગળીયાઓ વચ્ચે એક ફોટો હાથમાં લઈને ઉભી હતી .

વહેતી વાતમાં સાથ પૂરાવતા રાહુલે હાથમાં રહેલા ફોન પર તીરછી નજર નાખી ફ્લેશ થયેલો મેસેજ વાંચ્યો … Avani meets Aniket …

— નીવારાજ

કડી…૧૨

253886_103391979683208_4266239_n

તે રાતે આગળ વધુ કઈ બન્યું નહીં.
પણ જે કઈ બન્યું તેનું મહત્વ સહુને પોતપોતાની રીતે અદકેરું હતું.
સંયોગ અને વ્યોમાની પ્રગાઢ નિકટતાની ચાડી ખાતો ફોટો જોઈ સપના સ્તબ્ધ હતી.
તેને સમજાતું ના હતું કે તેના પતિની વાણીનો વિશ્વાસ કરવો, કે તેના આચરણ નો.
આ ફોટો ક્યારનો હોઈ શકે ?
હાલનો કે જુનો?
કોઈ અલ્લડ નવ યૌવના હોત, તો બેડરૂમની બહાર પગ પછાડતી આવી હોત, અને બહાર બેઠેલા બંને પ્રેમપંખીડા સામે તેમનો જ ફજેતો કરીને જવાબ માંગ્યો હોત.
પણ ના..
સપના ચાળીસી વટાવી ચુકેલી, એક ઠરેલ પ્રકૃતિની સ્ત્રી હતી..
મૂંઝવણ તો હતી..
સવાલો પણ મનમાં ઘણા ઉઠતા હતા..
શંકા તો કપડાની દુકાનમાં જ આવી હતી.
.
પણ તેની શંકાનું નિરાકરણ તો તેના પતિએ સામે ચાલીને, પોતે કંઈ પૂછે એ પહેલા જ કરી આપ્યું હતું.
અને આજે ડીનરપર રાહુલ અને વ્યોમાને પણ તેના પતિએ જ ઇન્વાઇટ કર્યા હતાને..!
.
તો પછી આ ફોટો ?
વ્યોમા રાહુલને ફસાવવાની પેરવીમાં હતી એ વાત પણ સંયોગે જ પોતાને કરી હતી ને.. -સપના વિચારવા લાગી- કદાચ પહેલા સંયોગ વ્યોમની આ ચાલમાં થોડો વખત અટવાઈ પણ ગયો હોય..!
આમેય વ્યોમા માટે સતી સાવિત્રીની ઉપમા ક્યારેય લાગુ ન પાડી શકાય, એ વાત તો સપના કોલેજ-કાળ થી જાણતી હતી.
તો સંયોગ વ્યોમની અસલીયતથી વાકેફ થયો હોય એ પહેલાનો આ ફોટો હોય..?
હોય શકે.. અને ના પણ હોય શકે..
કેવી પ્રતિક્રિયા આપવી તેની સપનાને કોઈ ગડ નહોતી પડતી.
.
તેણે થોડું ખમી જવાનું નક્કી કર્યું..
આમેય આજ કાલથી તે ઓફિસે જવાનું શરુ કરશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ રહેશે.
.
.
આમ..
ડીનર-પાર્ટીવાળા એ ઘરમાં એક તોફાન આવતા આવતા રહી ગયું.
આમેય જે ઘરમાં એક મેચ્યોર-ટાઇપની ગૃહિણી હોય છે..એવા ઘરમાં આવા તો કંઇક કેટલા વાવાઝોડા ને તોફાનો પોતાનો કહેર વરતાવ્યા વિના પસાર થઇ જતા હોય છે.
આવા ઘરોને સહેલાઇથી ઉજાડી શકતા નથી..
આમ ત્યારપછી.. તે ડીનરની સાંજ વધુ કોઈ નોંધનીય ઘટના બન્યા વિના જ પસાર થઇ ગઈ.
.
.
.
રાહુલે સંયોગની અને વ્યોમાની કબુલાતના પુરાવા એકઠા કરવા પોતાના રૂમાલમાં માઈક્રોફોન સંતાડી બંને જણાની થોડી ક્ષણોનું એકાંત આપેલ.
પરંતુ બહાર ગેલેરીમાં ઉભા ઉભા બંને જણાના હાવભાવ પરથી, કોઈ વધુ વાત કરતુ હોય તેવું લાગ્યું નહિ.
સંયોગના એકાદ બોલાયેલ વાક્ય પર વ્યોમનું ગુસ્સે ભરેલું વર્તન..
બસ એટલું જ…!
.
જે કઈ હશે તે ઘરે જઈને રેકોર્ડીંગ સાંભળ્યા બાદ જ ખબર પડશે, પણ ખાસ કંઈ ફાયદો થયો નથી એવા અહેસાસ સાથે રાહુલે વધુ કંઈ આશા ન રાખતા, બંને યુગલો એકમેકથી છુટ્ટા પડ્યા.
.
રાતના એકાંતમાં રાહુલે રેકોર્ડીંગ સાંભળ્યું.
પોતાથી દુર રહેવાની સંયોગની વાત પર વ્યોમાનો ગુસ્સો, અને સંયોગને જોઈ લેવાની તેની ધમકી.. !
સાંભળીને રાહુલ મલકાયો.
ખંધુ હસ્યો તે..!
.
.
.
એ રાતે અનિકેત અને અવનીની મુલાકાત થઇ.
કોઈ ખાસ કારણ તો ન હતું તેમ છતાંયે અવનીએ અનિકેતને મળવા બોલાવ્યો હતો.
પોતાની પ્રેગનેન્સીને કારણ તે થોડી અસ્વસ્થ અને ઉતાવળી થઇ ગઈ હતી.
તે જાણતી હતી કે જો લગ્નની ઉતાવળ નહીં કરે, તો તેને ગામમાં મોઢું દેખાડવું ભારે પડી જશે.
બીજું.. અનિકેત સાથે મુલાકાત કરવાથી..તેનું સાનિધ્ય મળવાથી પોતે થોડી હળવાશ અનુભવશે તે અવની જાણતી હતી.
આમેય..ગર્ભાવસ્થા દરમ્યાન પોતાના પ્રેમી/પતિનો મહત્તમ સહવાસ એક યા બીજા કારણસર મળી રહે એવું દરેક સ્ત્રી ચાહતી જ હોય છે ને..અને અવની આમાંથી બાકાત ન હતી.
અનિકેતે અવનીને ફરીથી ધરપત આપી.
બહુ જ થોડા સમયમાં એક ખુબ જ સારી કહેવાય એવી રકમના બેઉ માલિક થઇ જશે અને ત્યાર પછી તુરંત જ લગ્ન કરી લેશે એવી અનિકેતે અવનીને ખાતરી આપી.
ખુબ જ સારું લાગ્યું અવનીને..ફૂલ જેવું હળવાશ અનુભવવા માંડી તે.
.
પ્રેમની લાગણીનું આ જ તો જાદુ હોય છે. પોતાની પ્રિયતમ વ્યક્તિનો જરાક એવો પણ સહવાસ દુનિયાભરની ચિંતાઓ અને પીડાઓમાંથી આપણને મુક્તિ અપાવી જાય છે.
એમાંય.. માધ્યમ વર્ગની વ્યક્તિને જો મોટીમસ રકમની મિલકત મળવાની આશા આ પ્રેમમાં ભળી જાય તો તો પછી.. જાણે કે સોનામાં સુગંધ ભળી..!
.
અવનીને પોતાનું ભવિષ્ય ઉજળું બનતું નજર આવવા લાગ્યું.
જીંદગી જાણે કે એકદમ જ જીવી જવા જેવી લાગી.
“આજ મૈ ઉપર..આસમાં નીચે..!
આજ મૈ આગે ઝમાના હૈ પીછે…!”
આવું જ કંઇક તેને લાગવા માંડ્યું.
પોતે, પોતાનું આવનારું બાળક અને અનિકેત..
ત્રણેય એક સુખમય જીવન જીવી શકાશે તેવી તેને ધરપત થવા લાગી.
અનિકેત ભલે ગુનેગારીભર્યું જીવન જીવતો હોય.. પણ ખૂન કે બળાત્કાર જેવા કોઈ પણ ગંભીર પ્રકારના ગુનામાં તેની સંડોવણી ન હતી.
એટલે જો પૂરતા પૈસા મળી જાય તો તેને બેઈમાનીના રસ્તેથી પાછો વાળી શકાય, તેવો અવનીને વિશ્વાસ હતો.
ઘણાય ડાકુઓ અને ગુંડાઓ આ માર્ગેથી પાછા વળી ગયા છે.
“વાલીયો ય વાલ્મીકી બની શકે છે,’ -અવનીએ વિચાર્યું- “અરે, વાલ્મીકી ન બને અને અનિકેત જો સામાન્ય પ્રકારનું પ્રમાણિક ગુના-રહિત જીવન પણ જીવે, તો ય અમારા ત્રણ જણા માટે એ પુરતું છે. આ કારસામાં મારી સંડોવણી તો પુરવાર થવાની નથી. કારણ ટેલીફોનની વાતમાં શંકાની સોય મારી તરફ ન તકાય તેની કાળજી તો લેવામાં આવી જ છે. બસ કાલે સવારે એક કામ કરવાનું બાકી છે. સંયોગ અને વ્યોમની જાસુસી કરતો ફીશ-ટેંકમાં બેસાડેલો કેમેરા તો કાઢી નાખ્યો છે, પણ એ કેમેરાને ઓપરેટ કરતુ પેલું રીમોટ..તે તો હજી મારા પર્સનલ ડ્રોઅરમાં મોજુદ છે. તેને સગેવગે કરવું પડશે. અને તે પણ પહેલી જ તકે.. નહી તો શંકાની સોય આ તરફ ફરી પાછી વળી શકે છે.”
સવારે દસ વાગ્યાના રોજીંદા સમય કરતા પંદર મીનીટ વહેલું જઈને કામ ને અંજામ દેવાનું નક્કી કરી, અને ભવિષ્યના શમણામાં ગુંથાતી અવની નિંદ્રાધીન થઇ ગઈ.
.
પણ આ તરફ સંયોગની તો નીંદર જ હરામ થઇ ગઈ હતી.
ઓફિસમાં જ કોઈકે આ ફોટો પાડ્યો છે એવું દેખાઈ આવે છે, તો ઓફિસમાં થોડી ચકાસણી તો કરવી જ પડશે.
અવની ભલે એમાં સંડોવાઈ ન હોય, પણ હાલ પુરતું તો કોઈને પણ વિશ્વાસમાં લીધા વિના જ, પોતાથી થાય એટલી શોધખોળ સંશોધન કરવાનું સંયોગે નક્કી કરી લીધું.
રાત આખી પડખા ફેરવી ફેરવીને કાઢી, છતાય સવારે તે વહેલો ઉઠી ગયો.
અને..
જયારે તો ઓફિસે પહોચ્યો ત્યારે તો હજી બસ..સવા આઠ જ વાગ્યા હતા.
.
.
.
સવા નવે જ્યારે તે પોતાની ચેર પર નિરાશવદને બેઠો હતો, ત્યારે તેને પોતાની મહેનત વ્યર્થ ગઈ હોવાનું લાગતું હતું.
કંઈ જ શંકાસ્પદ હાથ લાગ્યું ના હતું.
અજાણતા જ, પણ વારે વારે તેની નજર કેબીનના પારદર્શક કાંચની આરપાર, સામેની પેલી ફીશ-ટેંક પર જતી હતી.
એન્ટીક-પીસ જેવી અતિ મુલ્યવાન એવી આ ફીશ-ટેંક તેની ઓફીસની ‘સેન્ટર-ઓફ-એટ્રેકશન’ જેવી હતી, અને તેનું સંભાળપૂર્વક જતન કરવું તેવી ઓફિસમાં સહુને સુચના હતી.
તે છતાયે..
તેનું કાંચનું ઢાંકણુ એક ખૂણામાં બટકી ગયું, અને કોઈએ તેને વાત પણ ન કરી..?
આ તો હમણાં કંઇક શંકાસ્પદ હાથ લાગી જાય એ હેતુથી પોતે આ ઢાંકણું ખોલ્યું ત્યારે ખબર પડી.
.
“ખેર..એ બધી વાત પછી.. હાલ તો જે કામ માટે આવ્યો છું એ થઇ જાય તો બસ છે,” -સંયોગે વિચાર્યું
અને બેધ્યાનપણે તે ફરીથી ઉભો થઇ પાછો બહાર ગયો.
.
આ વખતે એકદમ યંત્રવત તે અવનીના ડેસ્ક તરફ ગયો.
“આની પર તો શંકા કરવાનો કોઈ મતલબ જ નથી” -એવું વિચારતા વિચારતા સાવ સાહજીકતાથી તેણે અવનીના ડેસ્કનું ડ્રોઅર ખોલ્યું.
ઉપર પડેલા કાગળો વચ્ચે ફંફોસતા અચાનક જ એક રીમોટ કંટ્રોલ તેના હાથમાં આવતા તેને અચંબો થયો.
.
ઓફીસ-ટીવી અને ડીવીડી પ્લેયરનું રીમોટ તો કોન્ફરન્સ રૂમમાં હોય, અહિયાં આ રિમોટનું શું કામ?
અને આ આટલું નાનું રિમોટ શેનું હોય શકે?
ઓફીસ તો સેન્ટ્રલી એરકંડીશંડ છે..અને તેનું રિમોટ તો અંદર કેબીનમાં પોતે હમણાજ જોયું હતું..
તો પછી આ શેનું?
.
તેણે રીમોટનું વધુ નિરીક્ષણ કર્યું.
રીમોટ પરનો નીકોન કંપનીનો લોગો પોકારી પોકારીને કહી રહ્યો હતો કે -આ કેમેરાનું રીમોટ કંટ્રોલ છે.
કેમેરા.. જેનાથી ફોટા પડાય…!
એવા કેમેરા..
જે છુપાયેલા હોય, અને જાસુસી કરવા કામ લાગે..
કોઈને બ્લેકમેલ કરવા કામ લાગે….!!!!
.
સંયોગ વધુને વધુ વિચારવા લાગ્યો અને..
બે ને બે ચાર કરતા તેને વાર ના લાગી.
.
.
રીમોટ પોતાના ખિસ્સામાં મૂકી તે પોતાની કેબીનમાં આવી બેસી ગયો.
જેની પર શક નહોતો કરવાનો તેની જ સંડોવણી વરતાઈ રહી હતી.
માધ્યમ વર્ગની આ સામન્ય યુવતી આટલી ચપળ, ચાલક અને ગુનાહિત માનસવાળી હોઈ શકે?
કે પછી એને બીજા કોઈનો પણ સાથ હશે?
હોય જ.. એકલા હાથનું આ કામ ના હોય..ડેફીનેટલી ના હોય..!
.
.
કેબીનના પારદર્શક કાંચની આરપાર તેણે અવનીને ઓફીસમાં દાખલ થતી જોઈ.
રોજ કરતાં થોડી વહેલી આવી હતી આજે, તે.
શું કારણ?
અને રોજની જેમ વોશ-રૂમમાં જઈ ફ્રેશ થઈને, પછી જ કામે ચડવાની બદલે આજે તે સીધી તેના ડેસ્ક ભણી ગઈ.
સંયોગ જોઈ રહ્યો.
અવનીની દરેક હિલચાલ તે બારીકાઇથી નીરખી રહ્યો.
ખુરશીપર બેસતાવેંત તેણે તે જ ડ્રોઅર ખોલ્યું, જે થોડી ક્ષણો પહેલા જ ખુલી ચુક્યું હતું..
તેની દગાખોરીની જુબાની દઈ ચુક્યું હતું.
.
.
એક તો બોસનું રોજ કરતા આજે વહેલું આવવું..અને પાછુ ઊંડે ઊંડે હાથ ફંફોસવા છતાંયે રીમોટ-કંટ્રોલનું હાથમાં ન આવવું..અવનીને અસ્વસ્થ કરી દેવા માટે આટલું પુરતું હતું.
તે કોઈ એવી અનુભવી, પહોચેલી કે પ્રોફેશનલ ટાઇપની ગુનેગાર ન હતી, કે ગમે એવા વિપરીત સંજોગોમાં પણ પોતાની સ્વસ્થતા જાળવી શકે.
તેના ચહેરા પરના બધા હાવભાવનું સંયોગ બાર્કીકાઈથી નિરીક્ષણ કરતો હતો.
તેણે અવનીને પાંચ સાત મીનીટનો વધુ સમય આપ્યો.
.
પરંતુ આ સમય-ગાળો અવનીને વધુ ને વધુ જ નર્વસ બનાવતો ગયો.
તેની સામે તેનો બોસ નહોતો બેઠો.. બલ્કી એ માનવી બેઠો હતો જેને ફસાવવાની પોતે જાળ રચી હતી.
અને તેની પોતાની જ સંડોવણી પુરવાર કરતુ હથિયાર અત્યારે તેનાં હાથમાં નહોતું આવતું.
અત્યારે.. જ્યારે તે ઇસમ રોજ કરતા પણ વહેલો આવીને તેની નજર સમક્ષ જ ગોઠવાઈ ગયો છે..
અને..
અને સતત તેની તરફ જ જોઈ રહ્યો છે.
.
.
.
આખરે.. ઇન્ટરકોમ પર સંયોગે અવનીને અંદર કેબીનમાં આવવા માટે સુચના આપી.
અવની કેબીનમાં આવે તે દરમ્યાન, વાત કેમ શરુ કરવી તે વિષે સંયોગ વિચારવા લાગ્યો.
બાકીના સ્ટાફના આવવાનો સમય થઇ ગયો હતો. અને આવે વખતે કોઈ તમાશો થાય, તેવું તે ઈચ્છતો ન હતો.
બીજું, અવની પાસેથી જે રીમોટ મળ્યું હતું તે તો કોઈ પણ કેમેરાનું હોય શકે. ગઈકાલનો ફોટો જે કેમેરામાં ક્લિક થયો તેનું જ હતું તેવી તેની પાસે કોઈ સાબિતી ન હતી.
આ તો ફક્ત એક સંકેત હતો..
અને આ સંકેતને સહારે તેણે પુરવાર કરવા તરફ આગળ વધવાનું હતું.
આમેય કાલે ફોન પર રૂપિયા આપવાની જે વાત થઇ હતી તે તો અધુરી જ હતી.
ક્યાં, ક્યારે, કઈ રીતે આપવાના છે તેની કોઈ સુચના હજી તેને મળી ના હતી.
તેના માટે હજી બીજા ફોન આવવાની વાત જોવાની હતી.
અને તે ઉપરાંત..બે કરોડ જેવી રકમ કોઈ રાતોરાત દઈ પણ ન દે.
તેના માટે બે ચાર દિવસનો સમય મળવાની તેને સારી એવી આશા હતી.
એમાંય..જો અવની આમાં સંડોવાયેલી હોય, તો તો કોઈ મોટા ગુનેગારની હાજરીની શક્યતા નહીવત હતી.
માટે અવની સાથે ખુબ જ કળથી કામ લેવાનું હતું.
ડાઈરેક્ટ, મૂળ વાત પર જવાની બદલે વાત કેમ શરુ કરવી તેની તે વિમાસણમાં હતો.
અવની આજે વહેલી આવી હતી, પણ એટલી વહેલી પણ નહીં કે એ બાબતમાં આશ્ચર્ય વ્યક્ત કરી કોઈ પૂછપરછ કરી શકાય.
તો કયો વિષય લઈને વાત શરુ કરવી?
.
હા.. વિષય તો હતોજ.. અને ખુબ સબળ વિષય હતો.
ઓફિસમાં સૌ જાણતા હતા કે પેલી ફીશ-ટેંક સંયોગને બહુ પ્રિય હતી.
અને જો એને કોઈ નુકસાન થાય તો પોતે જરૂર તેની પૂછપરછ કરવાનો એ તો સ્વાભાવિક જ હતું, માટે તે વિષયને જ લઇને વાત શરુ કરવાનો તેણે નિર્ણય કર્યો.
“અવની, આ ફીશ-ટેંક ક્યારે તૂટી?” -અંદર કેબીનમાં તે આવી એટલે સંયોગે તરત વાત શરુ કરી.
.
ખલ્લાસ…
અવની માટે તો જાણે આ વાક્ય બ્રહ્માસ્ત્ર જ પુરવાર થયું.
સંયોગને અહેસાસ પણ ન હતો કે તેનું તીર એકદમ લક્ષ્યવેધી પુરવાર થયું હતું.
ગઈકાલે પ્રાપ્ત થયેલ ફોટો જે કેમેરામાં ક્લિક થયો હતો તે આ ફીશ-ટેંકમાં છુપાયેલ તે તો સંયોગ જાણતો જ ન હતો, પણ અવની તો જાણતી હતી ને..!
એક તો બોસ આજે રોજ કરતા ઘણા વહેલા આવ્યા..
બીજું, પોતાનાં ડેસ્કમાં રાખેલ કેમેરાનું રિમોટ ગાયબ હતુ..
એટલું ઓછું હોય, તેમ જે ફીશ-ટેન્કમાં કેમેરા છુપાવ્યો હતો તેની જ પૂછપરછ તેનાં આવતાવેંત જ થઇ રહી હતી.
તેમને કેવી રીતે ખબર પડી કે ફીશ-ટેંકને નુકસાન થયું છે?
મતલબ કે તેઓએ જરૂર ફીશ-ટેન્કને તપાસી છે.
પણ શા માટે? કોઈ દિવસ નહીં ને આજે જ શા માટે?
અવનીની તો જાણે..કાપો તો લોહી પણ ન નીકળે, તેવી હાલત થઇ ગઈ.
તેનો ચહેરો ફિક્કો પડવા લાગ્યો.
.
“જી સર, ફીશ-ટેંક તૂટી ગઈ છે? મને તો એ બાબતમાં કઈ જ ખ્યાલ નથી.” -અવનીના સ્વરમાં રહેલ કંપારી સાફ વર્તાઈ રહી હતી.
“જો અવની..આખો દિવસ ઓફિસમાં તું હાજર હોય છે અને જો તને જ આ બાબતમાં ખ્યાલ ન હોય એ વાત હું માની શકતો નથી. ફીશ-ટેંક મેન્ટેનંસ કરવાવાળા તારી પ્રેઝન્સમાં જ આવે છે. આઈ એક્ષ્પેક્ટ સમ ફર્મ આન્સર ફ્રોમ યુ.”
.
શું જવાબ આપે અવની? શું તે એમ કહે કે કેમેરા અનઇન્સ્ટોલ કરતી વખતે તેના ઢાંકણનો ખૂણો બટકી ગયો હતો?
તેની આંખો ભરાઈ આવી.
આગળ શું બોલવું તેની કઈ જ ગતાગમ તેને પડતી ન હતી.
જો અત્યારે પોતે કંઇક બહાનું આપી વાત ટાળવાની કોશિશ કરશે..તો આગળ કેમેરાના રિમોટની સફાઈ તો દેવાની હજી બાકી જ છે…
કેટલું ખોટું બોલી શકશે પોતે..?
.
અવનીનો આત્મ-વિશ્વાસ ડગમગવા લાગ્યો.
તેને ચક્કર આવવા જેવું લાગવા માંડ્યું, અને ટેબલનો ખૂણો પકડીને અત્યાર સુધી ઉભેલી અવનીની નજર કોઈ ખુરશી ગોતવા લાગી.
“સીટ ડાઉન, અવની.” -સંયોગ અવનીની હાલત પામી ગયો, અને તેને બેસી જવાની સલાહ આપી.

— અશ્વિન મજીઠીયા
કડી…૧૩

10435135_909145759112476_2678651868239430_n

અવની ને અસ્વસ્થ જોઈને સંયોગ મનોમન ખુબ જ ખુશ થયો અને ઝડપથી પોતાના પાસા ફેંકવાની તૈયારી કરવા લાગ્યો.એણે કલ્પના પણ નહોતી કરી કે આટલી જલ્દી એને આ બાબતમાં આટલી મોટી જાણકારી મળી જશે.એને તો બીક હતી કે કોઈ મોટી ગેંગ આમાં સંડોવાયેલી હશે તો એ લાંબો સમય સુધી એને બ્લેકમેઈલ કરીને એને ચુસી લેશે પણ અવનીને તો એ સંભાળી શક્શે.અવનીને તો એ સારી રીતે ઓળખતો હતો એ સંયોગને એટલી ખતરનાક નહોતી જણાતી.

પણ એ એની ભુલ હતી.આટલો સમય વિચારવામાં સંયોગ કરતા પણ વધુ ઝડપથી અવનીએ આગળ શું કરવું એ વિચારી લીધેલું એના જ ભાગ રૂપે એણે સ્ત્રીનું અકસીર હથિયાર રૂદન અજમાવેલું એ રોતી રહી અને આગળ શું કરવું એ વિચારતી રહી.અવનીએ રોવાનુ પુરૂ કર્યું એ સાથે જ સંયોગ બોલ્યો
“ તું તારો ગુનો જાતે જ કબૂલી લેશે કે પોલીસને ફોન કરવો પડશે?તું એકલી જ છે કે તારી સાથે બીજું કોઈપણ સામેલ છે આ કાવતરામાં? “ એ જ એની ભુલ હતી કેમકે અવનીને ખાતરી થઈ ગઈ કે સંયોગ ને ફક્ત એના ઉપર જ શંકા છે અનિકેત વિશે એ કાંઈ જ જાણતો જ નથી.આથી એનો આત્મવિશ્વાસ બુલંદ બની ગયો.

તરત જ અવની સંયોગના પગે પડતાં બોલી “ સર તમે તો મારા ઘરની હાલત જાણૉ છો.જો પોલીસને જાણ કરશો તો સમાજમાં મારી શું આબરૂ રહેશે.મને બીજે ક્યાંય નોકરી પણ નહીં મળે. “
આટલું કહીને એ મંદ મંદ હસતી ઉભી થઈ ગઈ અને બોલી કે “ જો તમે એવું ધારતાં હો કે હું આવું કંઈ બોલીશ તો તમે હજી મને ઓળખતા નથી. “ આટલું બોલતાં જ એની આંખમાં આવી ગયેલી ચમક જોઈને સંયોગ તો ચકીત જ થઈ ગયો.
“ સર મને ખબર છે કે તમારી હાલની ફાઈનાન્સિયલ કંડિશન ધ્યાને લેતાં તમે રાહુલ સર અને એમની કંપની ની મદદ વગર માર્કેટમાં એક ડગલું પણ ભરી શકો એમ નથી.અને વ્યોમા મેડમ સાથેના તમારા ફોટોગ્રાફ્સ જોયા બાદ તમને એવું તો બિલકુલ નહીં જ લાગતું હોય કે રાહુલ સર દ્વારા તમને ત્રણ વર્ષ બાદ મળેલી ડીલ તેઓ કન્ટિન્યુ કરે.એટલે તમારી ભલાઈ તો ચુપચાપ બે કરોડ આપી દેવામાં જ હતી પણ અમારા સદનશીબે હજી
ગઈકાલે જ મારા ધ્યાનમાં આવ્યું છે કે આ ડીલ થી તમારી કંપનીને પુરા ૧૦૦ કરોડનો ફાયદો થવાનો છે.હવે ૧૦૦ કરોડ ની ડીલ બચાવવા માટે ફક્ત ૨ કરોડ?I think its not fair.Now You have to give us 5 crores.”
આ સાંભળીને સંયોગ બિલકુલ ડઘાઈ જ ગયો પણ પોતાની મુંઝવણ ચેહરા ઉપર બતાવ્યા સિવાય એ બોલ્યો “ ૫ નહીં ૧૦ કરોડ આપીશ.પણ તારે મારું એક કામ કરવું પડશે.”
આ સાંભળીને હવે ચોંકવાનો વારો અવનીનો હતો એ થોથવાતા થોથવાતા બોલી “ દ દ દશ કરોડ? “
સંયોગ ખોવાઈ ગયેલી અવનીની નજીક જઈને એના કાન પાસે જઈને બોલ્યો “ હા દશ કરોડ.જે રકમ વિશેં તેં ક્યારેય સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય એ તારે થઈ શકે છે.બોલ છે મંજુર? “
અવની સાવધાન થઈ ગઈ અને બોલી “ પહેલા કામ શું છે એ જાણ્યા વગર હું કંઈ નહીં કહી શકું..”
સંયોગ બોલ્યો “ કામ બહુ જ સિમ્પલ છે.પહેલા જે ફોટોગ્રાફ્સ રાહુલને નહીં બતાવવાના તું કરોડ માગતી હતી હવે એ ફોટોગ્રાફ્સ રાહુલને બતાવવાના તને દશ કરોડ મળશે.”
આ સાંભળીને અવની ઉછળી પડી “ What r u talking sir? Have u gone crazy? “
સંયોગ બોલ્યો “ બિલકુલ નહીં.આજે સવારથી જ આ પ્લાન મારા દિમાગમાં ઘુમરાઈ રહ્યો હતો પણ કોઈ પ્રોફેશનલ બ્લેક મેઈલર સાથે આ વાત હું ન કરી શકું પણ તારા ઉપર તો ભરોસો છે મને કે કામ પત્યા બાદ તું બિલકુલ ગુપ્તતા જાળવીશ. “
અવની બોલી “ પણ સર એ ફોટો રાહુલ સરને મળશે તો તેમનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટશે.એ તમારી આ ડીલ તો કેન્સલ કરશે જ પણ કદાચ વ્યોમા મેડમને ડિવોર્સ પણ આપી શકે છે. “
સંયોગ બોલ્યો “ એ જ તો કરવાનું છે.આ ડીલ ફક્ત ૧૦૦ કરોડની છે બેબી પણ રાહુલ ની પ્રોપર્ટી ૧૦૦૦ કરોડની છે. “
અવની બોલી “ પણ હું કંઈ સમજી નહીં. “
સંયોગ બોલ્યો “ મને ખબર છે કે રાહુલ વ્યોમાથી છુટવાનું બહાનું જ શોધે છે. આ ફોટોગ્રાફ્સ મળતાં જ રાહુલ નું કામ આસાન થઈ જશે.એ વ્યોમાને આ ફોટોગ્રાફ્સને આધારે જ કોર્ટમાં ડિવોર્સ આપે તો પણ એની પ્રોપર્ટીમાં વ્યોમા અડધી ભાગીદાર છે.આથી મિનીમમ ૫૦૦ કરોડ તો એણે દેવાજ પડશે.વકીલ સારો હોય તો ખાધા-ખોરાકીના અલગ !!! “
“ પણ એનાથી તમને શું ફાયદો? “ અવની બોલી
“ કેમ ફાયદો જ ફાયદો છે ને?રાહુલ બાદ વ્યોમાનું મારા સિવાય કોણ છે? “
“ સપના અને સ્નેહાનું શું ? “ અવની બોલી
“ વ્યોમા ક્યારેય મા બની શકે એમ નથી.આથી સ્નેહા ને મેળવવાથી એ ખુશખુશાલ થઈ જશે.જ્યારે સપના વિશે મેં એક બીજો પ્લાન વિચારી રાખ્યો છે.તને શું લાગે છે કે ફક્ત એક ફોટોગ્રાફ મોકલવાના હું તને ૧૦ કરોડ આપી દઈશ? “ સંયોગ બોલ્યો.
અવની બોલી “ એ તો મને લાગ્યું જ કે ફક્ત ફોટોગ્રાફ મોકલવાના કોઈ ૧૦ કરોડ આપે જ નહીં. “
“ Exactly.જેવો રાહુલ અને વ્યોમાનો ડિવોર્સનો કેઈસ કોર્ટમાં ફાઈલ થઈ જાય સપનાનું મોત થઈ જવું જોઈએ. “
અવની લગભગ ચિલ્લાઈને બોલી “ What r u talking sir? હું એક સીધુંસાદું બ્લેકમેઈલીંગનું કામ કરી શકું છું પણ મર્ડર નેવર.હું સપનામાં પણ વિચારી શકતી નથી. ”
“ ઘણી બધી ચીજ દુનિયામાં એવી હોય છે કે જે આપણે વિચારી હોતી નથી પણ સામે આવે ત્યારે થઈ જતી હોય છે અને હું એટલી સિફતથી એ પ્લાન કરીશ કે કોઈ કહી જ નહીં શકે કે એ મર્ડર છે કે અકસ્માત.બસ એ વખતે હું એની સાથે ન હોઉં એટલે મારા ઉપર શંકા ન આવે અને સપનાના મૃત્યુ બાદ વ્યોમાના ડિવોર્સ થતાં જ હું એની સાથે લગ્ન કરી લઉં તો કોઈને શંકા પણ ન જાય અને એક કાંકરે અનેક પક્ષીઓ મરી જાય.બોલ છે મંજુર? “
અવની વિચારમાં પડી ગઈ એને એ.સી. રૂમમાં પણ પરસેવો વળી ગયો પણ છેવટે નીતીમત્તા આગળ એનું મિડલક્લાસી અતિ મહત્વકાંક્ષી મન જીતી ગયું અને એ બોલી “ ડન “
એ સાથે જ સંયોગે સાંત્વના આપવાના બહાને અવનીનો હાથ દબાવ્યો જે એક જ જાટકે પાછો ખેંચતા અવની બોલી “ સર પ્લીઝ દરેક સ્ત્રી વ્યોમા નથી હોતી.મારે મારા સપનાઓ છે જેથી હું તમારા પ્લાનમાં સામેલ છું પણ હું બિકાઉ નથી.Dont ever cross your limits in future.”
એ સાથે જ સંયોગે એનો હાથ પાછો ખેંચી લીધો અને જોરજોરથી ખંધું હસવા લાગ્યો અને બોલ્યો “ ઓકે ડન “

એ જ સમયે ઓફિસથી નવ કિલોમીટર દૂર બીજી એક ઓફિસમાં રાહુલના મોનિટર ઉપર આ દ્રશ્યો લાઈવ ચાલી રહ્યા હતાં કે જે જોઈને એ ઓફિસમાં રહેલી વ્યક્તી ખુરશીમાં જ ફસડાઈ પડી.એની આંખ સામે આખી દુનિયા ગોળ ગોળ ફરતી લાગી.

એ વ્યક્તી હતી સપના……..!!

— ડો ભસ્માંગ ત્રિવેદી
કડી…૧૪

11261696_477885262361405_4836896095193875144_n

પરસેવાથી રેબઝેબ થઇ ગઇ હતી સપના. એના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને જાણે તેનું શરીર હવામાં ફંગોળાતું હતું. દિશાહીન, એક કટી પતંગની જેમ શુન્યતાનાં અવકાશ અને દુ:ખનાં વાદળોની વચ્ચે..! શું આ જ મારો પતિ.. ! જેની દરેક હા માં હા અને દરેક ના મા મારી ના તેનો ગમો-અણગમો,તેનો ગુસ્સો તેની નાદાનિયત, તેની ભ્રમરવૃતિ, તેનો શંકાશીલ સ્વભાવ બધું જ સ્વીકાર્યું. અરે મારી ઉજ્જ્વળ કારકીર્દીને ઠોકર મારવા્માં એક પળનો પણ વિલંબ ન કર્યો અને એક ઘરરખ્ખુ આદર્શ ગૃહિણી બની ગઇ.તેના સુખને ઉમંગથી વધાવ્યું,તેના દુ:ખમાં ખભ્ભો ધર્યો.તેની ટીકાઓનાં વરસાદથી ભીંજાતી રહી છતાં પણ હસતું મોં રાખી તેનો સાથ આપતી ગઇ.તેની ચડતી-પડતી દરેક વખતે તેની સાથે ખભેખભો મિલાવીને ઉભી રહી.અને હું ફક્ત તેની શારીરિક ભૂખ સંતોષવાનું સાધન..? મારી મરજી- નામરજી, મારુ વજૂદ, મારી લાગણી,મારા સ્વપ્નાઓ, મારી જરુરિયાતોનું શું? એને મન કોઇ મહત્વ નહી?શું પત્નિને ફક્ત કપડા,ગાડી અને બંગલો આપી દીધા પછી પતિની ફરજ પૂરી થઇ ગઇ ?સ્ત્રીની જરુરિયાત બસ આટલી જ .. ? છતાં પણ હું મૂંગે મોઢે સહન કરતી રહી. પણ બદલામાં મને શું મળ્યું ..? શું સ્ત્રીઓએ જ વારંવાર પોતાની વફાદારી અને પવિત્રતાનાં ચોપાનિયા વહેંચવાના ? પુરુષોની ભ્રમરવૃતિ, તેની બેવફાઇ પ્રત્યે કોઇ જ પ્રશ્નાર્થ નહી..?દૂનિયાની કોઇ પણ સ્ત્રી ગરીબ કે સાધારણ દેખાવવાળા પુરુષ સાથે ખુશીથી આખી જીંદગી ગૂજારે શકે પરંતુ એક શંકાશીલ અને બેવફા પતિ સાથે એક દિવસ પણ ન રહી શકે. અને આ મારો પતિ મને જ પતાવી દેવા માટે ઉભો થયો છે …? એ પણ મારા આટ આટલા બલિદાન છતાં ! આજે સપનાની આંખોએ બધા જ બંધનો તોડી નાંખ્યા હતાં. તે નિસહાય બની ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી.

રાહુલ તેનાં ખભા પર હાથ મૂકી તેને આશ્વાસન આપતો હતો.
“ડોન્ટ વરી સપના, પ્લીઝ ટ્રસ્ટ ઓન મી. આઇ વીલ મેનેજ ધેટ ઓલ મેટર. મને ખબર છે કે તને મારા પર અખૂટ ભરોસો છે. અને એટલે જ તું વ્યોમા અને સંયોગનાં ફોટોગ્રાફ્સ લઇને મને મળવા આવી ગઇ.વિશ્વાસ રાખજે આ તારો દોસ્ત કે હમદર્દ તારો વિશ્વાસ ક્યારેય તૂટવા નહી દે.”
બેલ વગાડી રાહુલે કોફી મંગાવી અને સપનાને પાણી આપ્યું. હવે સપના રીલેક્ષ થતી જતી હતી.
‘હવે આગળ શું કરું?’

‘તું કાલથી ઓફીસ જોઇન કરી લે અને અવની ઉપર ખાસ નજર રાખજે. હું વ્યોમાને સંભાળી લઇશ. મને રહી રહીને એક વાતની શંકા જાય છે કે અવની એકલા હાથે કશું જ નહી કરી શકે.તેણે કોઇક્નો તો સહારો લેવો જ પડશે.તેની સાથે કોણ કોણ છે તે જાણવું ખૂબ જ જરુરી છે. આટલું મોટુ કામ એક બે જણ તો ન જ કરી શકે.આમાં કોણ કોણ સંડોવાયેલું છે એની જેવી તને ખબર પડે કે તરત જ મને જાણ કરજે’
‘પણ વ્યોમાને આ બધી ખબર ?’ સપના એ પૂછ્યુ
‘ના..બિલકુલ નહી તેને ખબર જ ન પડવી જોઇએ.અને હું વ્યોમાને ડીવોર્સ આપી શકું તેમ નથી.મારી અમુક મજબૂરી છે’
એ રાહુલ પાસે જાય છે એ વાત છૂપાવવા ટેક્ષીમાં આવેલી સપનાને રાહુલનો ડ્રાઇવર ઘર સુધી ડ્રોપ કરી ગયો.સપના હવે ઘણુ ખરું આઘાતમાંથી બહાર આવી ગઇ હતી.

આ તરફ અવનીએ અનિકેતને ફોન લગાવ્યો.’હાય….અનુ હાઉ આર યુ? આજે તો હું ખૂબ જ ખુશ છું.હવે નાના નાના સપના જોવાનું બંધ કર અને મોટા સપના જો. આપણે બે કરોડનાં નહી પણ દસ કરોડનાં માલિક થવાના છીએ.’
‘ઓહ…નો…શું વાત કરે છે યાર ?’ અનિકેતે કહ્યું
‘યેસ્સ…યુ ડોન્ટ વરી ડીયર..બસ મને સાથ આપતો જા. ઔર આગે આગે દેખતા જા હોતા હૈ ક્યા !’
‘પણ..શેમાં કઇ રીતે? મને કંઇ સમજણ પડતી નથી’
‘ઓ…મારા બુદ્ધુરામ સાંજે મળ એટલે સમજાવું’
‘પણ ક્યાં?’
‘જહન્નમમાં….હજારો વાર મળ્યા પછી પણ પૂછે છે ક્યાં? ચલ..બાય’
ફોન મૂકાઇ ગયો. સાંજે નક્કી કરેલી જગ્યા પર અનિકેત અને અવની પહોંચી ગયા.હાથનો હાર બનાવી અવની અનિકેતને ભેટી પડી.
‘બસ…હવે વધુ સમય નહી..ફક્ત થોડા જ દિવસો.પછી તુ ,હું અને આપણું બાળક અને ખુશીઓનો વરસાદ’
‘પણ કરવાનું શું? ફોટોગ્રાફ આપી દઇએ, પૈસા લઇ લઇએ કામ ખતમ.’અનિકેતે કહ્યુ
‘ના હવે પ્લાનમાં થોડો ચેન્જ આવ્યો છે.હવે ફોટોગ્રાફ્સ તો રાહુલને આપવાનાં જ પરંતુ સાથે સાથે સપના મેડમનાં ફોટા પર સુખડનો હાર પણ પહેરાવાનો છે.એટલે કે તેને ઉપર પહોંચાડવાના છે.’
‘રકમ?’
‘દસ કરોડ’આંગળી ઉપર કરી અવનીએ ઇશારાથી કહ્યું.
‘અરે..ના..બાબા..ના. એવા દસ કરોડ મારે નથી જોઇતા.હું નાનાનાના ગુનાઓનો કિમિયાગર છું.કોઇ ખૂની નહી.મારાથી એ નહી બને !’ અનિકેત એકી શ્વાસે બોલી ગયો.
અવનીએ સમજાવાની ખૂબ કોશીશ કરી.પણ તે ન જ માન્યો.એટલે અવનીએ છેલ્લુ બ્રહ્માસ્ત્ર ઉઠાવ્યું.
‘તો તું પણ જોઇ લે હું શું કરુ છું !’ વિફરેલી વાઘણની જેમ અવની બોલી
‘બળાત્કારનો કેસ ઠોકી દઇશ અને સાબિતી આપશે પેટમાં રહેલું આ બાળક ! હું કોઇપણ સંજોગોમાં ગરીબીમાંથી અમીર બનવાની જ છું.અને હાં..બે દિવસનો સમય છે. વિચારી લેજે ‘અને તે ધમધમ કરતી ચાલવા લાગી.
અનિકેત રીતસર થથરી ગયો..કપાળે પરસેવો બાઝી ગયો.
‘ના ના ના…એવું ન કરતી હું કૈક વિચારુ છું’ અનિકેતે મોટેથી કહ્યું.
અનિકેત અવનીનું આ નવું રુપ જોઇ ડઘાઇ ગયો.

આ બાજુ સંયોગ ખુશ થઇને ઘરે પહોંચી ડોરબેલ દબાવી.ડોર ખોલી સામે સપના હતી.મંદમંદ માદક સ્માઇલ આપતી.જાણે કશું જ બન્યુ નથી.
‘ડાર્લીંગ, આજે ફટાફટ ડીશ તૈયાર કર. વહેલુ સુઇ જવું છે.ખૂબ થાકી ગયો છું.સંયોગે કહ્યું.
‘આજે તો મારા નાથે બહુ મગજ દોડાવ્યુ લાગે છે’સપનાએ હળવાશથી પૂછ્યુ
‘હેં? હ્મ્મ્મ’ સંયોગે ટૂંકમાં પતાવ્યું.
જમી લીધા પછી સંયોગે લાઈટ ઓફ કરતા પહેલા કહ્યુ ‘સવારથી ઓફીસ જોઇન કરે છે ને?’
‘હા..હા..શ્યોર અને હા,સ્નેહાનાં વેકેશનમાં આપણે પૃથ્વી પરનું સ્વર્ગ કાશ્મીરની સેર કરી આવીએ તો કેવું?’
‘હા…શક્ય હશે તો તે પહેલા જ સ્વર્ગની સહેલ કરાવી દઇશ મતલબ કાશ્મીર !
પરંતુ સંયોગ સપનાનાં ચહેરા પરની કડવાહટ ક્યાં જોઇ શકે તેમ હતો? બેડરૂમમાં અંધારુ હતુ ને !
ગુડનાઇટ કહી બન્ને સુઇ ગયા.

સવારે વહેલી ઉઠી ઘરનું રુટીન પતાવી સપના ઓફીસ જવા તૈયાર હતી પરંતુ સંયોગને એક પાર્ટીને મળી ને ઓફીસે જવાનુ હતું.એટલે સપના પોતે જ પોતાની કાર લઇને ઓફીસ જવા નીકળી ગઇ.ઓફીસનો સ્ટાફ આવવાનો શરુ થઇ ગયો હતો. બધા આશ્ચર્ય સાથે સપનાને વેલકમ કરતા હતા.સાથે એ ટોળામાં અવની પણ હતી . પહેલી જ વાર સપના પોતાની ઓફીસમાં માલિકની હેસીયતથી બેસવાનો રોમાંચ માણી રહી હતી અને મનમાં ને મનમાં સપના ખુશ થતી હતી ત્યાં જ સપનાનાં ફોનની રીંગ વાગી. સંયોગનું નામ વાંચી “Yes Dear” બોલી પણ સંયોગ ને બદલે સામેથી અજાણ્યો અવાજ હતો. “આ ફોન ધરાવનાર વ્યક્તિ નો ટ્રક સાથે એક્સીડેન્ટ થયો છે અને સરદાર પટેલ ઓવરબ્રીજથી ગાડી ફંગોળાઇ ગઇ છે ને નીચે પડી ગઈ છે. કાર ચલાવનારની હાલત ખુબ ગંભીર છે. તમે તાત્કાલિક આવી જાઓ.”‘ અને ફોન મૂકાઇ ગયો.

સપના તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઇ, ભીડને ચીરીને તે સંયોગ પાસે પહોંચી ગઇ. કાર તો જાણે પડીકું વળી ગઇ હતી અને થોડે દૂર લોહીનાં નાના ખાબોચિયામાં પડેલો સંયોગ ! હાથ ભાંગીને પાછળ જતો રહ્યો હતો. પગનો પંજો બેવડ વળી ગયો હતો.માથાના હાડકા તૂટીને ચામડી ચીરીને બહાર દેખાતા હતાં.કાન અને નાકમાંથી લોહી નીકળતું હતું. કાન અને નાકમાંથી નીકળતુ લોહી હેમરેજ હોવાની ગવાહી આપતું હતું.

શતરંજની દરેક ચાલનો ઉસ્તાદ એવો સંયોગ આજે કુદરતની ચાલનો ભોગ બનીને એક એક શ્વાસ માટે મોહતાજ બની ગયો હતો. સપનાનું મગજ ચકરાવે ચડી ગયું.પોતાને મારવા મથતો માણસ આજે ખુદ મરણપથારી એ છે. એટલે ખુશ થવું? કે પોતાનો ચૂડી ચાંદલો દાવ પર છે. એ વાત પર દુ:ખી થવું?
છેલ્લા ઘણા દિવસોમાં ઘટનાઓની એવી વણઝાર ચાલી હતી કે મગજની નસો તંગ થઇ ગઇ હતી.વિચારવાની ક્ષમતા જ જાણે ખલાસ થઇ ગઇ હતી.શું કરવું અને શું ન કરવું? તે જ સમજાતું ન હતું .તેને લાગ્યુ માથુ જાણે કે જીવતું બોમ્બ બની ગયું છે.હમણાં જ ફૂટશે અને એક ધડાકે ફૂરચે ફૂરચા ઉડી જશે.તે માથું પકડી દિગ્મૂઢ બની બેસી પડી.૧૦…

એમ્બ્યુલન્સ આવી ગઇ હતી.સંયોગને શહેરની મોટામાં મોટી મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પીટલની લાઇફ સેવમાં ખસેડવામાં આવ્યો.
આ તરફ રાહુલ સવારે ફ્રેશ થઇ, પુરા કદનાં આઇના સામે શેવ કરતો હતો.પોતાનું પુરા કદનું પ્રતિબીંબ જોઇ તે હસવા લાગ્યો. અને મનોમન બબડ્યો…હે ભગવાન…આ પોણા છ ફૂટનાં શરીરમાં કેવું શેતાની દિમાગ આપ્યું છે !
ત્યાં જ તેના ફોનની સ્ક્રીન ફ્લેશ થઇ. મેસેજ હતો’સર, આઇ હેવ ડન યોર વર્ક સક્સેસફુલી.–ફ્રોમ બ્લ્યુ આઇઝ’
‘યેસ્સ્સ….’રાહુલે મુઠ્ઠી ઉછાળી. ‘સંયોગ તો હવે ગયો. હવે સપનાને તેની કંપનીની બોસ બનાવી ધીરે ધીરે મારી કંપનીનાં બધાં જ શેર અને કોન્ટ્રાક્સ ખુદ ખોટ ખાઇને પણ સંયોગની કંપનીને આપી સપનાને સદ્ધર બનવતો રહીશ. એટલે વ્યોમાને વારસામાં મળેલી આ કંપની માંથી પણ હું મુક્ત અને જુની તારીખનાં રદ્દી થઇ ગયેલા ન્યુઝપેપર જેવી અને બદચલન વ્યોમામાંથી પણ હું મુક્ત ! ધીમેધીમે હું સપનાનો વિશ્વાસ અને છેલ્લે તેનું દિલ પણ જીતી લઇશ.પછી તો હું, સપના અને અમારા બાળકો ! બસ..ખુશી અને શાંતિની જીંદગી.અને મારી પાસે કંઇ રહેશે જ નહી તો આ વાંઝણી વ્યોમાને અડધોઅડધ ભાગ પણ શું આપવાનો? હવે મારે પહેલુ કામ સપના સાથે કોન્ટેક વધારવાનું કરવું પડશે.’તે મનોમન વિચાર્યું
અને તેણે હોઠ વંકાયેલું એક કાતિલ સ્મિત ફેંક્યું.એના મોં પર ઝડપથી આવજા કરતા હાવભાવને આ જ સમયે અર્ધખુલ્લા બારણામાંથી કોઇ જોઈ રહ્યું હતું …

અને તે હતી વ્યોમા !
આ બાજુ સાંજે ‘લાઇફ સેવ’ હોસ્પીટલે ઓફીસનો લગભગ સ્ટાફ પહોંચી ગયો હતો.ઓપરેશનો થઇ ચૂક્યા હતાં.ડોકટરોની આખી એક ટીમ સંયોગને બચાવવા માટે ઝઝૂમી રહી હતી.અને તે સફળ પણ રહી.ડોકટરોનાં જણાવ્યા મુજબ સંયોગ બચી તો જશે માથામાં લાગેલા ઊંડા ઘાવને કારણે કદાચ તેની યાદદાસ્ત જતી રહે તેવું બની શકે .જો કે સાચું તો એ ભાનમાં આવે પછી જ કહી શકાય .

ઓફીસનો આખો સ્ટાફ મુંઝાયો હતો. હવે ઓફીસ અને કંપનીનું શું?
સપનાએ મનોમન નક્કી કરી આખા સ્ટાફને જણાવ્યુ કે ઓફીસ કે કંપની બંધ નહી થાય.હું સંભાળીશ,તમે મને સાથ આપશો? આપણે કંપનીને ખૂબ ઉપર લઇ જશું. મને તમારા લોકો પર પૂરો ભરોસો છે.
પછી સામે પથારીમાં પડેલા સંયોગ સામે જોઈ મનમાં વિચાર્યુ….’સંયોગ, કાલની વાત જુદી હતી, હવે હું મારા સંયોગને નહી જ છોડું.કોઇ પણ સંજોગમાં નહી.હું તમારી યાદદાશ્ત બનીશ.અત્યાર સુધી તમને સજાવતી અને સંવારતી આવી જ છું તો પછી હજું પણ એમ જ કરીશ. એક આદર્શ પત્નીની જેમ ! તમે મુંઝાતા નહી..હું છું ને !ફેરા ફરતી વખતે જ તમારો ધર્મ,અર્થ,કામ, મોક્ષમાં સાથ આપીશ એવા સોગંદ લઇને આવી છું. આમ અડધે રસ્તે તમને નહી જ છોડું.તમે ભલે મારા મૃત્યુનું કારણ બનવા તૈયાર થયા હતા. પણ હું તમારી જીંદગીનું નિમિત્ત બનીશ.’

અને તેની આંખનાં એક ખૂણેથી લાગણી નામનાં પ્રવાહીનું ખરું ટપકું પડ્યું !

— નિપુલ કારિયા

કડી…૧૫

11650478_1456440334656405_816582403_n

દુઃખી મન સાથે સપનાએ પોતાની જાતને ઘણા વચન આપી તો દિધા પણ મનોમન એ હોસ્પીટલના બેડ પાસે બેઠા બેઠા વિચારતી હતી. આપણી સંસ્કૃતિનો બોજ ક્યાં સુધી સ્ત્રીઓને ઉપાડવાનો રહેશે? પતિ ગમે તેવો હોય છતાં એ પરમેશ્ર્વર. મારા જીવનનાં વીસ વર્ષ બરબાદ કર્યા પછી પણ આજે એના પર મુસીબત આવી ત્યારે એક પત્નિ તરીકે મારે શું કરવાનું? બિમાર પતિની સેવા. આપણે પત્નિઓ પણ ગજબ હોઇએ છીએ, પતિનું મોઢુ જોવુ ભલેના ગમતું હોય છતાં પતિને મુસિબતમાં જોઇ શક્તા નથી.
આ બધી ગડમથલ વચ્ચે એક અવાજ આવ્યો , “મેમ આઇ. એમ સોરી આ બધું મારી લાલચને કારણે થયું છે.” સપના ચોંકી ઉઠી , રડમસ આંખે સામે જોયું તો અવની અને અનિકેત ઉભા હતા ..

એણે અવની સામે જોઈ કહ્યું “તું કેમ માફી માંગે છે? હજુ તો તારે મારૂ ખૂન કરવાનું બાકી છે.”
થોડી વાર સન્નાટો છવાય જાય છે. અનિકેતની પાછળથી અનંત આવતો દેખાયો , “સપના માફ કરી દે આ લોકોને. તું જે સમજે છે સંયોગ એટલો પણ ખરાબ નથી.” અનંત બોલ્યો. સપના કાંઈ પણ સમજી હોય તેવું તેના ચહેરા પરથી લાઞતુ ન હતું. “તો પછી સાચુ શું છે? કોઇ કહેશે મને. ?”
“અનિકેત મારો ભાઇ છે, અવની એની પ્રેમીકા છે. રાહુલે અનિકેતને હાયર કરેલો સંયોગ અને વ્યોમા વચ્ચેના સંબંધ માટે પ્રૂફ મેળવવા માટે. એક દિવસ મને મારા સ્ટુડીયોમાં એક રેકોર્ડીંગ મળ્યુ જેનો મુખ્ય અવાજ અનિકેતનો હતો જે પ્રોસેસ કરી બદલવામાં આવ્યો હતો, જેમાં કોઇને બ્લેકમેઇલ કરવાની વાત હતી, રાહૂલ, વ્યોમા સંયોગનો ઉલ્લેખ હતો. મને ખ્યાલ હતો મારો ભાઈ ખોટા રસ્તે છે, પણ એ પૈસા માટે એટલી હદ સુધી જશે એ મને ખબર નહતી.બધુ જાણવા પછી હું તેને ગુનેહગાર બની જેલની પાછળ જોવા નહોતો માંગતો. એટલે મેં તેની પાસેથી બધી હકીકતજાણી. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ બધું તારા જીવન સાથે સંકળાયેલું હતું.
તે દિવસે પાર્ટી પછી હું અવની અને અનિકેતને લઇને સંયોગને મળવા લાવ્યો હતો ત્યાં આ લોકોએ પોતાની ભૂલ કબૂલ કરી. અને એ પણ જાણવા મળ્યુ કે, ફિશ ટેંકની સાથે એક સી.સીટી.વી. કેમરો સંયોગ ની કેબીનમાં પણ લગાવ્યો છે, જેનાથી રાહુલ બધું તેની ઓફીસમાં બેઠા બેઠા લાઇવ જોઇ શકે.
તેથી સંયોગે અવનીને નવો પ્લાન જણાવ્યો, જેમાં રાહુલના ઘરે જઇને ફોટો આપવાની વાત, રાહુલના છૂટાછેડાની વાત, અવનીનાં પાંચ કરોડ માંગવાની વાત અને રાહુલને વાત પર પુરો ભરોસો આવી જાય એટલે સપના તને મારવાની વાત કરી. પણ બિચારા સંયોગને શું ખબર હતી કે તું પણ ત્યાં હોઇશ અને આ બધી વાત સાચી માની લઇશ.એટલા માટે સંયોગ અને અવનીએ તે નાટક કર્યુ હતું. નાટકનો એક ભાગ ભજવાયો સંયોગની ઓફીસમાં અને બીજો એક અવની અને અનિકેત વચ્ચે. રાહુલ કોઈ કાચો ખેલાડી નહતો, તેણે અનિકેત અને અવની પર પણ નજર રાખવા માટે એક માણસ હતો, માટે અવનીએ અનિકેતને મળવા બોલાવ્યો, બંને વચ્ચે ઝગડો થયો, આખરે એણે તને મારવા માટે તૈયાર કર્યો. હવે રાહુલને આ નાટક હકીકત લાગવા લાગી હતી.પ્લાન મુજબ અવની રાહુલને એ ફોટો આપવા ગઇ, રાહુલ ખુબ ગુસ્સે થયો કારણ કે તેમાં ફોટોગ્રાફ નહોતા, પણ એક પેપર કટીંગ હતું.

એટલામાં રાહુલનાં મોબાઇલ પર રીંગ વાગી … હાથમાં પકડેલા પેપર પરથી મજબૂરીથી નજર હટાવી ચીડાયેલા સ્વરે એણે ફોન રીસીવ કર્યો …અને બોલ્યો “હેલો કોણ?” સામેથી મજાકિયા અવાજમાં જવાબ આવ્યો, “રાહુલ નામ તો સુના હોગા. હાહાહા રાહુલ તો તમે છો, હું સંયોગ અને આતો પેપર કટીંગ જોયા પછી કદાચ તમારા હોશ ઉડી ગયા હશે એટલે મને થયું તમને થોડા હળવા કરી દઉ. રાહુલ તે ગેઇમ તો ખુબ સારી રમી છે, પણ સપનાને આમાં involve કરીને તે ખૂબ ખોટુ કર્યુ છે. ખેર, હવે રીમોટ મારા હાથમાં છે, મને લાગે છે તમારી જેલ યાત્રા વિશે તમે વ્યોમાંને કઇ કહ્યુ નથી લાગતુ? but don’t worry, I will do that for you… Rahul ”
રાહુલ ગુસ્સામાં બરાડી ઉઠ્યો – “f*** off, how dare you fu*** basta*** તુ શું સાબિત કરીશ આ કટીંગથી. તુ ઓળખતો નથી અસલી રાહુલને,” જવાબમાં સંયોગે સ્વસ્થતાથી કહ્યું – “હવે ઓળખવાની શરૂઆત થઇ રહી છે, તો ઓળખાણ પુરી પણ થઇ જશે.”
5…
નવા ઉભા થયેલા સંજોગોમાં રાહુલે એક ધમકી ઉચ્ચારી લીધી .” વ્યોમા ને જણાવવા માટે તમારે જીવતુ પણ રહેવુ પડશે મીસ્ટર સંયોગ…..સંયમ રાખો. મારી પત્નિના બોય ફ્રેન્ડ સાહેબ, ચાલ તારા પર એક ઉપકાર કરૂ છું, તને એક વાત જણાવું પહેલા તારા અને અવનીના પ્લાન મુજબ હું એક એકસીડેંટ કરાવાનો હતો, જેમાં સપનાનું મોત થવાનું હતું અને તને જેલની સજા, પણ હવે જ્યારે મારા વિશે આટલુ બધુ જાણી જ ગયો છે ત્યારે તુમ્હારા મરના તો બનતા હે બોસ, ડ્રાઇવ સેફલી. ” એટલું બોલીને રાહુલ ફોન કાપી નાખે છે. ”

સપના રડતા રડતા હિબકા ભરતી બોલવા લાગે છે “ઓહ , હવે મને સમજાયું કે અમે બન્ને સાથે .એક કારમાં.ઓફિસ જવાના હતા પણ સંયોગે મને બહાનું કરી અલગ કારમાં જવા કહ્યું.” પછી સંયોગનો હાથ પકડીને એ પસ્તાવાના સૂરમાં બોલી ,” I Am really very sorry, સત્ય સમજયા વગર મે તારા વિશે ખોટુ વિચાર્યુ. હવે આ સન્માનની લડાઇ હું લડીશ.”

એને સધિયારો આપતા અનંત બોલ્યો ,”તું એકલી નથી ..અમે બધા તારી સાથે છીએ.”

— અનિરુદ્ધ ત્રિવેદી

કડી…૧૬

કેટલાય દિવસથી બનતી અણધારી ઘટનાઓ દરમ્યાન ભરી રાખેલો ડૂમો આજે અચાનક જ છૂટી ગયો અને થોડીવાર માટે સપના શૂન્યમનસ્ક થઇ ગઈ. સપનાને અનંત એની પાસે હતો એટલે એક સધીયારા જેવું લાગ્યું અને હવે આગળ કેવી રીતે એસ.શેઠ એન્ડ કંપનીને કાયમ બીઝનેસમાં કિંગ રહેવા ટેવાયેલા અને તે માટે ગમે તે ગુન્હો કરી શકે તેવા શાતીર માઈન્ડ ધરાવનાર રાહુલથી બચાવવી તથા એક ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડવી , એ પણ ખુબ સંયમ અને ધીરજ સાથે પતિ સંયોગની ગેરહાજરી અને સારવારને ધ્યાનમાં રાખીને તે અંગે વિચારમગ્ન થઇ ગઈ.

કોઈપણ સંજોગોમાં મારે રાહુલ અને વ્યોમા એ શરુ કરેલી આ ગેમની પૂર્ણાહુતિ કરવી જ રહી,સંયોગને આ હાલતમાં પહોંચાડવા બદલ એ બંનેને કાનૂન દ્વારા સજા મળે અને મને મદદ કરનાર મિત્ર અનંતને કે અવની તથા એના પ્રેમી અનિકેતને ઉની આંચ ના આવે તેવા સંજોગો ઉભા કરવા પડશે. રાહુલ નથી જાણતો કે સ્ત્રી શક્તિ શું છે ! ભલે મારા અને સંયોગ વચ્ચે થોડા ઘણા વાદવિવાદ વારે ઘડીએ સર્જાતા હતા પણ તે છતાં હજી અમારા સંબંધમાં શ્વાસોશ્વાસ ધબકે છે, અમારો સંબંધ જીવંત છે.સ્નેહાના અસ્તિત્વરૂપે હજી અમે એકબીજા પ્રત્યે ઓછાવત્તા અંશે લાગણી ધરાવીએ છીએ તે સાબિતી આજે સંયોગે આપી છે,રાહુલના ષડ્યંત્રની જાણકારી હોવા છતાં મને વહેલી એકલા કારમાં ઓફીસ જવા કીધું અને ષડ્યંત્રનો ખુદ ભોગ બન્યો …સીધી સાદી, સરળ અને સૌમ્ય પ્રકૃતિની સ્ત્રી જયારે પોતાના કુટુંબ પર કે પતિ પર સંકટ આવે ત્યારે પ્રચંડ શક્તિશાળી મા દુર્ગાનું રૂપ ધારણ કરતા પણ ખચકાતી નથી. ભગવાને એટલે જ વિવિધરૂપમાં સ્ત્રી શક્તિને દર્શાવી છે.સ્ત્રી એટલે સહનશક્તિ,ધૈર્ય , સંસ્કાર, વિનય વિવેક, મર્યાદા એવા અનેક ગુણોથી સરભર એવું સંસારની ધરોહરને સંતુલિત રાખતું સંવેદનશીલ સ્વરૂપ. કેટકેટલી ટીકા,અપમાન, અપયશ,પડકારો અને સંઘર્ષનો સામનો કરવા ઉપરાંત ક્ષમા આપવામાં દરિયાદિલ.

હોસ્પિટલના ઓપરેશન થીયેટરમાંથી સંયોગને બહાર લાવ્યાને ઘણો સમય વીતી ગયો હતો તે છતાં સંયોગ હજી બેભાનવસ્થામાં જ હતો.સપના એને એક ક્ષણ માટે પણ એકલો મુકવા નહોતી માંગતી.એક બીઝનેસમેન સંયોગને એના રુતબા મુજબના જ સ્પેશીયલ રૂમમાં રાખવામાં આવ્યો હતો.. તે રૂમમાં બે દીવાલોને અઢેલીને સુંદર થ્રી સીટેડ સોફા રાખવામાં આવ્ય હતા ને બંને બાજુ કોતરણી વાળા એન્ડ ટેબલ પર સુંગંધવિહોણા પ્લાસ્ટીકના ફ્લાવરસ વાઝમાં એટ્રેક્સ્ન થઇ આવે તે રીતે ગોઠવવામાં આવ્યા હતા, ઈચ્છા મુજબ ઉચો નીચો એડજેસ્ટ કરી શકાય તેવો બેડ ઉપરાંત એરકન્ડીશન અને પેશન્ટ સાથે રહેનાર ફેમિલી મેમ્બર માટેની સુવાની વ્યવસ્થા પણ હતી . વિચારોની તંદ્રામાં ખોવાયેલી સપનાને અવની અને અનિકેતે જે બહાર વિઝીટર્સ એરીઆમાં સંયોગની ભાનમાં આવવાની રાહ જોતા અનંત સાથે બેઠા હતા એમને આવીને જરાક ઢંઢોળી બીજા દિવસે હોસ્પિટલ આવશે અને કઈ કામ હોય તો ફોન કરી જણાવશો કહી ઘરે જવાની રજા માંગી , અનંતભાઈ હજી બહાર બેઠા છે એ હોસ્પિટલના વિઝીટર્સ અવર્સ પુરા થાય ત્યાં સુધી તો અહી જ છે તમારી સાથે.. અવની એ જતા જતા ફરીથી સહાનુભુતિ બતાવતા કહ્યું મેમ અમે તમારી સાથે જ છીએ ડોન્ટ વરી એમ કહી બંને લાઈફ સેવ હોસ્પિટલથી ઘરે જવા રવાના થયા. એમના ગયા પછી સપનાએ સ્નેહા સ્કૂલથી ઘરે ક્ષેમકુશળ પહોંચી ગઈકે નહિ તે માટે ઘરે વર્ષોથી કામ કરતા કાન્તાબેન જે એક ઘરના સદસ્ય જ હતા તેમને ફોને લગાવ્યો અને બે મિનીટ સ્નેહા સાથે પણ વાત કરી એનો અવાજ સાંભળી લીધો અને એક મા ના હૈયાને હૈયાધારણ આપી.

વિશાળ ઓફીસની રીવોલ્વીગ ચેરમાં બેઠેલ રાહુલ પેપર વેઈટ ને હાથમાં ગોળ ગોળ ઘુમાવતા હજી એમ જ જાણતો હતો કે સપનાને એના પર અખૂટ ભરોસો છે. એ ગર્વ અનુભવતો હતો કે એની જાણ બહાર મેં જ કરાવેલા સંયોગના અકસ્માતને એ હકીકતમાં ષડ્યંત્ર નહિ પણ અકસ્માત જ માનતી હશે એટલે સપનાની આગળ સંયોગ અને વ્યોમાના લફરાને ઉઘાડું પાડી પુરેપુરો વિશ્વસનીય દોસ્ત બની ગયો છું . એ અજાણ હતો કે સપના અનિકેતના મોટાભાઈ અનંત એના ખુબ જ કરીબી દોસ્ત દ્વારા અત્યાર સુધી રમાયેલી તેની બધી રમત જાણી ગઈ છે. સમય સંજોગોની અવળી ચાલ સમજવા માણસનું માનસ અસમર્થ હોય છે. અધુરામાંપુરું આ તો વિશ્વાસઘાતી ગુન્હેગાર માનસ ધરાવનાર અહંકારી માણસ જેને સમયની ચાલને પોતે ચાહે ત્યારે ઉલટાવી શકશે તે માટેનું ગુમાન!

આ બધી હિલચાલ ઓપોઝીટ કેબીનમાં બેઠેલી વ્યોમાની કાળી આંખોની નજર બહાર નહોતી રહી ,પોતે બીઝી છે ફાઈલ્સ જોવામાં તેવો ડોળ ઉભો કરતા કરતા એ રાહુલના મુખ પર આવેલા લુચ્ચા હાસ્યને કળવાની કોશિશ કરતી હતી.આમ પણ એ ચાલકને ચબરાક તો પહેલેથી હતી. વ્યોમાને થોડી શંકા તો થઇ જ આવી હતી કે રાહુલ એના અને સંયોગના સંબંધોને જાણી ગયો લાગે છે! વ્યોમા જાણતી હતી કે રાહુલ એને વારસામાં મળેલી જાયદાદને લઈને જ… મન જરાક આળું થઇ ગયું રાહુલ સાથે લગ્ન કર્યા તે એક ભૂલ હતી અને એ વિધાતાએ મારેલી એક થપાટ..હું કોલેજકાળથી લઇ આજ દિન સુધી લોકોના દિલ સાથે ખેલતી રહી છું આજકાલ સંયોગ એક ગભરુ બકરો છે ને મારા જેવી શેરનીનો શિકાર ! પ્રેમની વ્યાખ્યા સમજવામાં જિંદગી શું કામ વેડફવી? એ તો પ્રેમથી જ જગ જીતાય એવું માનનારા લોકોનું કામ અને એવા લોકોના લોજીક પર હસવું આવે છે કે સાચો પણ નિષ્ફળ પ્રેમ પીડા આપે છે તો ક્યારેક સફળ પ્રેમીને સંસારમાં રહીને સ્વર્ગલોકમાં વિહરતા હોય તેવું ચરમસીમા સુધીનું સુખ…પણ મેં તો પ્રેમને હમેશા રમત જ સમજી છે કેવી રીતે એક સ્ત્રી અઢી અક્ષરના પ્રેમ જેવા શબ્દને લઇ નબળી પડી શકે ?કેવી રીતે લાગણીની કુંપળો દિલમાં વિસ્તરી શકે ? ને દુનિયામાં મારા જેવી સ્ત્રીઓ જે સુંદરતા ને સાથે અઢળક સંપતિની માલિક હોય તે ફક્ત એન્જોય કરવા જ ઈશ્વરે ઘડી છે અને મને તો સુંદરતાનું વરદાન છે , જે ધારે તે પુરુષ પાસે કરાવી શકે છે.હવે જો રાહુલ મારા અને સંયોગના સંબંધ વિષે જાણી ચુક્યો છે તે તેના મ્હોએથી કહે ત્યાં સુધી રાહ જોવી જ રહી.એ જાણતી તો હતી કે રાહુલ જાતે નહિ જ કહે નહીતો હું ડિવોર્સ માંગીશ અને પૈસાનો લાલચી રાહુલ એનું કાસળ કાઢવા માટે શતરંજની ચાલ જરૂર રમશે,આખરે થોડા વર્ષો એના પડખા તો સેવ્યા છે એક પત્ની તરીકે.અત્યાર સુધી રાહુલને પણ મેં પૈસાના જોરે ડમરું વિના પણ નચાવ્યો જ છે જોઈ લઈશ એને એ તો મારો ડાબા હાથનો ખેલ છે.

અનિકેત અવનીને હોસ્પીટલથી એના ઘરે ડ્રોપ કરવા ગયો.બાઈકની રફતાર થોડી તેજ હતી. મંદમંદ પવન ફૂંકાતો હતો. અવની ઉભા થયેલા વિપરીત સંજોગો માટે હજી પણ ખુદને માફ નહોતી કરી શકી. વિચારોના વમળમાં અટવાઈ ગઈ કે કેવું હશે મારું અને અનિકેતનું તથા મારા બાળક નું ભવિષ્ય ? પૈસાની લાલચમાં અનિકેત નો સહારો લઇ સંયોગ સરને બ્લેકમેલ કર્યા પણ જે રાહુલે સંયોગ સરને જીવન મરણની પથારીએ પહોંચ્ડ્યા તેની હવે પછીની ચાલના પ્યાદા અમે હોઈશું કે સત્યને,અચ્છાઈને સાથ આપવા માટે ઈશ્વર પણ સજા આપતા પહેલા એક ક્ષણ માટે વિચારશે અને અમને બક્ષશે , ઓલરેડી મોટાભાઈના સમજાવ્યા બાદ સંયોગ સરને સાથ આપવાના હેતુ હેઠળ રાહુલે પંદર વર્ષ પહેલા કરેલા એના ગુન્હાને સાચો પુરવાર કરતું પેપરનું કટિંગ મારા આ જ નાજુક હાથોથી એને સુપ્રત કરી એની નજરમાં આવી ગઈ છું. અનિકેત પણ બાઈક ચલાવતા ચલાવતા એની વિચારધારામાં મગ્ન હતો. એના મગજમાં પણ આ જ બધી વાતોનું ટોળું પગ જમાવી રહ્યું હતું. શું રાહુલ માટે કામ કરવાની ના પાડી મેં યોગ્ય પગલું ભર્યું છે ? રાહુલને તો આવા ગુન્હા આદરવા માટે પૈસા વેરતા ગમે ત્યારે બીજા માણસ મળી રહેશે! જાણું છું ,ગુન્હાની દુનિયામાં એકવાર એન્ટર થયા બાદ બહાર નીકળવા માટે નો એન્ટ્રીનું બોર્ડ હોય છે. એન્ટર થયા બાદ માત્રને માત્ર વન વે … કોઈપણ સંજોગોમાં મારે મોટાભાઈ અનંતની સલાહને અનુસરવી જ રહી. એ મારા ભાઈ છે,એક હિતેચ્છુ આખરે લોહીની સગાઇ જ કામ લાગશે. આ દુનિયામાં કોઈ કોઈનું નથી થયું. અવનીના ગર્ભમાં આકાર પામી રહેલ એના અને અવનીના પ્રેમની નિશાનીના સારા ભવિષ્ય માટે થઇને કોઈ ખોટા કામ નહિ કરું ના પોતાના નિર્ણયને વળગી જ રહેવું જોઇએ એમ વિચારતા વિચારતા અવનીના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. ખુલ્લા કુદરતી વાતાવરણમાં હળવાશને બદલે એમની ચિંતાનો ભાર વર્તાતો હતો. બંને ખુબ જ શાંત હતા અને બેખબર કે રાહુલે એની અને અવનીની દરેક હલચલ પર નજર રાખવા માણસો ગોઠવ્યા હતા તે અત્યારે એમનો પીછો કરી રહ્યા છે.

લાઈફ સેવ હોસ્પિટલના સ્પેશિયલ રૂમની બહાર બેઠેલ અનંત માટે હોસ્પિટલના વિઝીટર્સ અવર્સ પુરા થવા આવ્યા હતા.નર્સ,ઘરે જવાનું ફરમાન આપે તે પહેલા અનંતે હોસ્પીટલની બહાર આવેલા રેસ્ટોરેન્ટમાંથી સપના માટે બે સેન્ડવીચ અને એક કોફી પેક કરાવી. અકસ્માતનું સાંભળ્યા બાદ આખા દિવસમાં સપનાએ અન્નનો દાણો પણ મ્હોમાં નહોતો મુક્યો જયારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે માણસને ભૂખ પ્યાસ નથી લાગતી, ચિંતાઓથી જ પેટ ભરી લે છે. અનંતે રેસ્ટોરેન્ટનું બીલ ચૂકવી પાછા હોસ્પીટલના સંયોગના રૂમમાં દબાતા પગલે પ્રવેશ કર્યો અને સપનાને ઇશારાથી બહાર આવવા કહ્યું અને સપનાને ફૂડનું પાર્સલ આપતા કીધું કે કોઈપણ આનાકાની વિના ખાઈ જ લેવાનું છે. હજી તો તારે સંયોગ ભાનમાં આવે નહિ ત્યાં સુધી અને એને ઘરે લઇ ગયા બાદ ઘણી લાંબી લડાઈ લડવાની છે એના માટે દિમાગની શક્તિ સાથે ફિઝીકલી ફીટ હોવું પણ એટલું જ જરૂરી છે.બાકી અર્ધી રાત્રે પણ સંયોગ ભાનમાં આવે કે તરત એને ફોન કરી જણાવે એમ કહી ઘરે જવાની પરવાનગી લીધી. અનંતના ગયા બાદ ફૂડ પાર્સલ હોસ્પીટલના રૂમના એન્ડ ટેબલ પર મુક્યું અને સંયોગના બેડની બાજુમાં પ્રભુ સ્મરણ કરતા બેઠી. ઈશ્વરમાં પુરેપુરી શ્રદ્ધા હતી.આટલા મોટા અકસ્માતમાંથી સંયોગ બચ્યો હતો આ એક પોસીટીવ સાઇન હતી ” લાખ બુરા ચાહે ફિરભી ક્યાં હોતા હૈ ,વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ “.

આખા દિવસના ઉચાટ છતાં સપનાની આંખો બે ઘડી માટે આરામ લેવા તૈયાર નહોતી.જુદા જુદા તબીબી વિજ્ઞાનના સાધનો તથા ઓક્સીજન માસ્ક સાથે સંયોગના ધબકારા શાંત રૂમમાં સંભળાતા હતા અને આ શું ! જાણે ચમત્કાર થયો હોય ભગવાને સપનાની આખો દિવસ ને સાંજ સુધી કરેલી પ્રાર્થના સાંભળી લીધી હતી.સંયોગના પોપચાં ધીરે ધીરે ખુલી રહ્યા હતા,એ ભાનમાં આવી રહ્યો હતો.સપના દોડીને બહાર નર્સને બોલવા ગઈ કે સંયોગ ભાનમાં આવી રહ્યો છે એના ચહેરા પર ખુશી સાથે વિષાદના વાદળ પણ છવાયેલા હતા. જીવન મરણની જંગમાં સંયોગે મરણને માત આપી હતી પણ સવારે ઓપરેશન બાદ ડોકટરના બોલાયેલા શબ્દો એના કાનમાં પડઘાતા હતા કે ઓપરેશન સફળ રહ્યું છે પણ એને અટકેલા શબ્દોને કઠણ કાળજે સાંભળ્યા હતા કે માથામાં પડેલા ઊંડા ઘાવને કારણે એની યાદદાસ્ત કદાચ જતી રહે પણ ભાનમાં ના આવે ત્યાં સુધી કશું કહી ના શકાય તો શું એની યાદદાસ્ત જતી રહી હશે ! કે એને બધું યાદ હશે ???? અને એ વિચારે જ એના શરીરમાં કંપારી આવી ગઈ.

— નિશિતા પંડ્યા

કડી…૧૭

11016813_10205499809111175_4846665589151052557_n

લાઈફ સેવ હોસ્પીટલની એરકન્ડીશંડ ઓફિસમાં બેઠેલા ડોક્ટર માથુર ખુબ જ વ્યગ્ર હતાં. રીવોલ્વીંગ ચેર પર માથું ઢાળી દઈ પગ લાંબા કરીને હતાશ ડોક્ટર વિચારોની ગર્તામાં ડૂબેલા હતાં જ ને એમાં હાંફળી ફાફળી દોડતી આવેલી નર્સે સમાચાર આપ્યા કે સંયોગના ભાનમાં આવવાના અણસાર જણાયા છે. એ સમાચારે ડોક્ટર માથુંરને વધુ વ્યગ્ર બનાવ્યાં. “ઓકે, આઈ અમ કમિંગ, યુ ગો.” કહીને ડોકટરે ઝડપથી ફોનનું રીસીવર હાથમાં લીધું. કાંપતા હાથોએ એમણે નંબર ડાયલ કર્યો. “હેલો, મી. રાહુલ” સંયોગના સમાચાર આપતાં એમના શબ્દો ધ્રુજતાં હતા. ” પેશન્ટ ભાનમાં આવી રહ્યો છે……….. હું તપાસીને પછી તમને જાણ કરું છું. પ્લીઝ…….., જો જો મારી એકની એક દીકરીને કંઈ પણ ન થાય, પ્લીઝ…..”

સંયોગની આંખના પોપચા હલન ચલન કરી રહ્યા હતાં. સપના આતુર નજરે સંયોગની હિલચાલ નિહાળી રહી હતી. પાસે ઉભેલી નર્સે સપનાનો હાથ પકડીને, સહેજ દબાવીને હૈયા ધારણ આપી. ડોક્ટર માથુરે આવીને સંયોગને તપાસ્યો. મોનીટર પર બદલાઈ રહેલા આંકડાઓને જોતા બોલ્યા, “સપના, તમારી પ્રાર્થનાઓ સફળ થતી લાગે છે.” સંયોગે ધીમે થી આંખો ખોલી. અકસ્માત જીવલેણ ના નીકળ્યો છતાં પણ એને ઘણી બધી ઈજાઓ થઇ હતી. સીટબેલ્ટ ના પહેર્યો હોવાને કારણે એ કારમાં ફંગોળાયો હતો. એનું માથું વિન્ડસ્ક્રીનમાં સખત રીતે અથડાયું હતું. માથામાં સખત ઈજાઓ થઇ હતી. છાતી પર સ્ટીયરીંગનો જોરદાર માર લાગ્યો હતો. જમણાં હાથનું હાડકું ભાંગી ગયું હતું. ફંગોળાવાને કારણે એની કમરમાં સખત ઈજાઓ થઇ હતી. ડોકટર માથુર બાહોશ સર્જન હતા. વરસોની સર્જરીના અનુભવે એ જાણતાં હતા કે એમણે સંયોગની જીન્દગી તો બચાવી છે પણ….

સંયોગ ચિત્કારી ઉઠ્યો. “ડોક્ટર, આઈ કેન નોટ ફિલ માય લેગ્સ”. એનું માથું ભમતું હતું. ચહેરા પર થયેલ મૂઢ માર ને કારણે ચહેરો સુઝી ગયો હતો. ચહેરા પર વેદનાના વીંછી ચટકા ભરતા હતા. ડોક્ટર માથુર જાણતાં હતા કે કરોડરજજુમાં થયેલા ઘા ને કારણે સ્પાઈનમાંથી પગ માં જતી નસો પર દબાણ આવવાથી સંયોગના પગ પેરલાઈઝડ થઇ ગયા હતાં. સપના પર તો જાણે આસમાન તૂટી પડ્યું. જીવનમાં એવી બધી ઘટનાઓ બની ચુકી હતી જેમાંથી બહાર નીકળવાનો એ માર્ગ શોધે એ પહેલા તો સંયોગના પેરલાઈઝડ થવાના સમાચારે એને હલબલાવી મૂકી. કહે છે ને કે “જયારે પડે છે ત્યારે સઘળું પડે છે”. હજુ આનાથી પણ વધુ એક આઘાત સપનાએ સહન કરવાનો હતો. મનુષ્યને મજબુત કરવાની કુદરતની કરામત બહુ જ અજીબ હોય છે. કુદરત મનુષ્યને એનામાં પડેલી શક્તિઓ ને જાગૃત કરવા માટે એની આજુબાજુ રહેલી તમામ મદદગાર શક્તિઓને ધીરે ધીરે હટાવી લે છે. સપના સાથે પણ એમ જ બની રહું હતું. ડોક્ટર માથુરે સંયોગને બરાબર તપાસ્યો. નર્સ પાસેથી ચાર્ટ લઈને તાજેતરમાં આવેલા રીપોર્ટસ તપાસ્યાં. સંયોગ દર્દ અને આઘાતથી ભાંગી ચુક્યો હતો. સપનાએ સંયોગનો હાથ ધીમેથી એના હાથમાં લીધો અને સંયોગ બરાડી ઉઠ્યો. “તમે…….તમે , કોણ છો. ડોક્ટર આ કોણ છે જે મારો હાથ પકડે છે?”
સંયોગે સપનાનો હાથ ઝાટકી નાખ્યો. સપનાના પગ નીચે થી જમીન સરકી ગઈ. “સંયોગ, સંયોગ, હું તમારી સપના …..!” . સપનાના બાકીના શબ્દો ધ્રુસકાં માં જ અટવાઈ ગયા. ડોક્ટર માથુરે સપનાને સંભાળી લીધી. હળવેકથી સપનાને ખભેથી પકડીને બહાર લાવ્યા. “સપના, પેરલાઈઝડ થવાની સાથે સાથે સંયોગ એની યાદદાસ્ત પણ ખોઈ ચુક્યો છે. મારા મનમાં આ જ ચિંતા હતી.” સપના પૂરી રીતે ભાંગી ચૂકી હતી. હતાશાએ એના મનને ઘેરી લીધું. કુદરત કોણ જાણે કેવી પરીક્ષા લઇ રહી હતી.

અવનીને એના ઘરે ઉતારીને અનિકેતે બાઈક એના ઘર તરફ મારી મૂકી. એનું મન પશ્ચાતાપના અગ્નિમાં બળી રહ્યું હતું. એ એક એવા ષડયંત્રનો હાથો બની ગયો હતો કે જેનાથી એક જીંદગી લગભગ હણાઈ ચુકી હતી. એને મોટાભાઈ અનંતનો માસુમ ચહેરો યાદ આવી ગયો. અવનીને ઉતાર્યા પછી એને એવો અંદેશો થયો હતો કે કોઈક એનો પીછો કરી રહ્યું હોય. અનિકેતે રિઅરવ્યુવ મિરરમાં જોયું તો લાગ્યું કે પીળા કલરની એક કાર લગાતાર એની પાછળ હતી. એના ચહેરા પર ગભરાટ છવાઈ રહ્યો હતો. થોડે દુર એણે બાઈકની ગતિ ઓછી કરી તો પીળી કારની ગતિ પણ ઓછી થઇ. એનો શક મજબુત બન્યો. એનો પીછો થઇ રહ્યો હતો. અંધારું થઇ ચુક્યું હતું. રસ્તા પર અવરજવર ખુબ જ ઓછી હતી. થોડે દુર પછી નો રસ્તો થોડો સુમસામ હતો. એણે વિચાર્યું કે અચાનક ક્યાંક બાઈક ઉભી રાખવી. આગળ એને એક આમલેટની લારી દેખાઈ. અનિકેતે બાઈક ઉભી રાખી. માથા પરથી હેલ્મેટ ઉતારી અને બાઈકને લારીની પાસે સ્ટેન્ડ પર ઉભી કરી. પીળી કારના સવારે અનિકેતની આ ગતિવિધિ જોઈ. એ થોડો ગુંચવાયો. અચાનક જ બાઈક ઉભી રહી ગઈ તેથી એણે આગળ નીકળવું જ પડ્યું. અનિકેતે તીરછી નજરે જોયું તો કારમાં બે પઠ્ઠા બેઠા હતા. પેસેન્જર સાઈડ પર બેઠેલા પઠ્ઠાએ અનિકેત સામે સાહજીકતાથી જોયું અને કાર પસાર થઇ ગઈ. અનિકેતે લારી વાળા પાસે માંગીને પાણી પીધું. પાણીની છાલક મારી ચહેરા ને સાફ કર્યો. ખિસ્સામાંથી હાથ રૂમાલ કાઢીને ભીનો ચહેરો લૂછ્યો. પીળી કાર પસાર થઇ ગઈ અને આગળ ક્યાય ઉભી રહી ગઈ હોય એવું લાગ્યું નહીં. અનિકેતના જીવ માં જીવ આવ્યો અને એણે બાઈક ઘર તરફ મારી મૂકી. અનિકેત સમજ્યો કે એનો ખતરો ટળી ચુક્યો છે. પરંતુ એ અનિકેત ની ભૂલ હતી. રાહુલે મોકલેલા પઠ્ઠાનું કામ તો અનિકેતના ખબર આગળની પાર્ટી ને પહોચાડવાનું જ હતું. આસમાની આંખોએ અગાઉથી નક્કી કર્યાં મુજબના પ્લાનને અંજામ આપવાનો સિગ્નલ આપી દીધો હતો. અનિકેત જેવો સુમસામ રસ્તા પર આવ્યો કે અચાનક જ સામેથી પુરપાટ આવતી ટ્રકે અનિકેતની બાઈકને ટક્કર મારી. અનિકેતની બાઈક રોડ ના ખૂણા પર ધસેલાઈ ગઈ. અનિકેત બાઈક પરથી ફંગોળાયો અને સડકની પાસે પડેલા કાટમાળના ઢગલામાં પટકાયો. કાટમાળમાં રહેલો તીક્ષ્ણ સળીયો અનિકેતના ગળામાં ઘુસી ગયો. અનિકેતના પ્રાણ તત્કાળ જ ઉડી ગયા. ફોનથી રાહુલને અનિકેતના અન્જામનો મેસેજ મળી ગયો. રાહુલ એમ સમજતો હતો કે એના કાળા ભૂતકાળના પડછાયા અનિકેતના મોત સાથે દફનાઈ ગયા હતા.

અવનીના માથા પર આભ તૂટી પડ્યું. અનિકેતની સાથે મળીને જોયેલા સપના અકાળે નંદવાઈ ગયાં. અવની અનિકેતના સહારે થોડો ગુનો આચરી, કરોડો કમાઈ લઈને પોતાની સામાન્ય જિંદગીને એક એવા મોડ પર લઇ જવા ચાહતી હતી, જ્યાં એમની રોજે રોજ ની આર્થિક મુંઝવણો દુર થઇ જાય. માનવીનું ધારેલું જ બધું થતું નથી. અવનીના મગજમાં વિચારોનું ઘમસાણ ચાલ્યું. રાહુલના હાથે પ્યાદું બની જઈને એણે પોતાની જીંદગી વખ જેવી બનાવી દીધી. હવે પછી પરિસ્થિતિની ગંભીરતાનો અવનીને ખ્યાલ આવ્યો. એ અનિકેતના બાળકની બિનબ્યાહી મા બનવાની હતી. અનિકેત એને સદાય માટે છોડીને ચાલી ચુક્યો હતો. અવનીનું મગજ લાગણીઓના ઘમસાણમાં અટવાઈ ગયું. એક તરફ સપના અને સંયોગની જીંદગીમાં તોફાન લાવવા માટે પશ્ચાતાપનો અગ્નિ જલતો હતો અને બીજી તરફ રાહુલને એના કરેલા કર્મોનો ભાંડો ફોડી ને સજા અપાવવા માટે બદલાનો અગ્નિ પ્રજ્વલિત થઇ રહ્યો હતો. એણે કઠણ મન થી કંઈક નિર્ણયો લીધા. દુનિયાના નિયમોની પરવા કર્યાં વિના એણે એના અને અનિકેતના પ્રણયથી પાંગરેલા પુષ્પને જીંદગી આપવાનું નક્કી કર્યું. એને ખાતરી હતી કે અનંત એને આ કાર્ય માં જરૂર સાથ આપશે. એણે મનોમન નક્કી કર્યું કે હવે રાહુલ સામેના જંગમાં એ સપનાને જરૂર સાથ આપશે.

રાહુલ એના વિશાળ ડ્રોઈંગરૂમના ખૂણામાં બનાવેલા ઇટાલિયન માર્બલ્સના બાર પર “જ્હોનીવોકર બ્લેક લેબલ” વ્હીસ્કી ની ચુસ્કીઓ લઇ રહ્યો હતો. ગ્લાસમાં રહેલા બરફના ટુકડાને ગ્લાસને ધીમે ધીમે હલાવીને ઓગાળીને વ્હીસ્કીની માદકતા ને હળવી કરતો વિચારી રહ્યો હતો. એણે શરુ કરેલી ગેમની બાજી થોડી ઘણી બદલાઈ હતી પણ રાહુલ આ ગેમનો “માસ્ટર માઇન્ડ” હતો. વ્યોમાએ એની સાથે ચાલ ખેલવા સંયોગને પ્યાદું બનાવ્યો. પણ બાજી ખેલી રહ્યો હતો રાહુલ. સંયોગે બાજી પલટવાનો પ્રયત્ન કર્યો અને એણે સંયોગને રસ્તા માંથી હટાવ્યો. પણ એમાં સંયોગનું નશીબ કામ કરી ગયું. સંયોગ મર્યો નહીં. સંયોગ મોત અને જીવનની વચ્ચે લડી રહ્યો હતો. એટલે રાહુલે બીજી ચાલ ખેલી નાખી. લાઈફ સેવ હોસ્પિટલના સર્જનની દીકરી સીમલા માં અભ્યાસ કરતી હતી. રાહુલના માણસોએ એને ઉઠાવી અને સર્જન ઉદય માથુરના હાથ લાચાર થઇ ગયાં. છતાં પણ દર્દીની જીંદગી બચાવવાની કસમ ખાધેલા માથુરે સંયોગને મરવા તો ના દીધો કેમ કે એ સમજી ચુક્યા હતા કે સંયોગની યાદશક્તિ ગુમાવવાના ચાન્સીસ ખુબ જ હતા. જેથી સંયોગને જીવતો રાખવામાં રાહુલને ખતરો નહિ જ લાગે ડોક્ટર માથુર કદાચ સંયોગને અપંગ બનતો અટકાવી શક્યા હોત પરંતુ દીકરીની જીંદગી સલામત રાખવા માટે ડોક્ટર માથુરે જાણી જોઇને સંયોગની દબાયેલી નસોને જેમ ની તેમ રાખીને સંયોગને કાયમ માટે લાચાર હાલત માં મૂકી દીધો. હવે સંયોગ થી રાહુલને કોઈ જ ખતરો ન્હોતો. પણ હવે પછીની ચાલ ખુબ જ સંભાળીને ચાલવાની હતી. કેમ કે વ્યોમાને અંદેશો આવી ચુક્યો હતો કે રાહુલ ખતરનાક હતો. રાહુલે વિચાર્યું કે હવે પછી ધીરજપૂર્વક રાહ જોઇને સપનાને ફસાવવા માટે જાળ બિછાવવી પડશે.

સમય વીતતો ગયો. સપનાની જીન્દગી હતાશ થઇ ચુકી હોત પરંતુ અનંતે સપનાને આ હાદસામાંથી બહાર આવવામાં ઘણો જ સહારો આપ્યો. અનંતે એક મિત્ર તરીકે હતાશ અને બેબશ થયેલી સપનાને સમજાવ્યું કે આ રીતે હતાશ થવાથી જીન્દગી નહિ જીવાય. આખરે સ્નેહાની જીન્દગીને સંવારવા માટે અને લાચાર અને બીમાર સંયોગની સારવાર અને માવજત કરવા માટે પણ સપનાનું હતાશામાંથી બહાર આવવું જરૂરી હતું. સંયોગના સાયા માં સપનાની જીન્દગી દબાયેલ જીન્દગી હતી પણ હવે સપનાએ જ ઘરની અને બીઝનેસની ડોર સંભાળવાની હતી. સપનાના મગજમાં રાહુલની ચાલબાજી આવી ગઈ હતી એટલે સપનાએ પણ બહુ જ સંભાળીને બાજી ખેલવાનું નક્કી કર્યું. સપના સાદગીમાં જીવન જીવતી હતી પણ એ ખુબ જ સમજદાર સ્ત્રી હતી. પતિની લાગણીઓ સાચવવા અને જીન્દગીને કોઈ ખટરાગ વિના આગળ ધપાવવા માટે જ એણે સંયોગના સંકુચિત વર્તનને સ્વીકારીને જીન્દગીને સંયોગની ઈચ્છા મુજબ જે રીતે ચાલે એ રીતે ચલાવવાનું સ્વીકાર્યું હતું. પરંતુ સપના શિક્ષિત અને સમજદાર સ્ત્રી હતી. હવે એણે ખુબ જ કુનેહપૂર્વક ઓફીસ ના કામકાજ સંભાળવા માંડ્યા. બીઝનેસના કામકાજ ને કારણે વ્યોમા અને રાહુલ ના સંપર્ક અનિવાર્ય હતા કારણ કે બીઝનેસ ડિલ તો રાહુલ-વ્યોમા થકી જ મળેલ હતી. રાહુલ-વ્યોમા પણ ખુબ જ સાચવીને કામકાજ કરતા હતા. એ બે વચ્ચે પણ શંકા અને અવિશ્વાસનું બીજ રોપાઈ જ ચુક્યું હતું. આ અરસામાં રાહુલની જાણ બહાર એક ઘટના આકાર લઇ રહી હતી.

રાજકારણ માં ધીમે ધીમે એક બદલાવ આવી રહ્યો હતો. વર્તમાન સરકારની નિષ્ક્રિયતા, વધી રહેલા ભ્રષ્ટાચાર અને અમર્યાદિત મોઘવારીને કારણે જનતાની નારાજગી વર્તમાન સરકાર પ્રતિ દિન પ્રતિદિન વધતી જતી હતી. સરકાર આમે ય શંભુમેળાના ટેકાથી ચાલતી ખીચડી સરકાર જ હતી. એમાં જનતાની નારાજગી અને વધતી જતી મોંઘવારીના રોષ ને કારણે સત્તા લાલચુ રાજકારણીઓના અમુક પક્ષોએ વર્તમાન સરકારને આપેલો ટેકો ખેંચી લીધો. અને અચાનક જ મધ્યસત્રી ચુંટણી આવી ચુકી. સપનાની જીંદગીમાં એક મોટો બદલાવ આ ચુંટણી લાવનારી હતી એનો અંદેશો ના સપના ને હતો કે ના રાહુલ ને.

યશપાલ સક્સેના. આ એક બહુ જ જાણીતું નામ હતું વર્તમાન રાજકારણમા. 45 વર્ષીય સોહામણા યુવાન નેતા રાજકારણમાં એક ઉભરતો સિતારો હતાં. અત્યંત ગરીબીમાં ઉછરેલા યશપાલ સક્સેના એ જિંદગીની ઘણી ચડતી ઉતરતી બાજુઓ જોઈ હતી. જિંદગીએ ઘણી જ થપાટો મારી હતી આ શખ્શને. માં બાપ ના મરી જવાને કારણે યશપાલનું બાળપણ ખુબ જ કષ્ટપૂર્ણ વીત્યું હતું. ગરીબીમાં ઉછરેલ યશપાલે બાળપણ વિતાવ્યું એક અનાથાશ્રમ માં. અનાથાશ્રમમાં રહીને જીંદગી વિતાવતા યશપાલની જીંદગી માં એક ફરીસ્તાનું આગમન થયું અને એનું નશીબ પલટાઈ ગયું. પ્રૌઢ અવસ્થામાં પત્ની ગુમાવી ચુકેલા નિસંતાન વિરેન્દ્ર સક્સેનાએ યશપાલને અપનાવ્યો, એને પોતાનું નામ આપ્યું અને યશપાલની નશીબે એક મોટો વળાંક લીધો યશપાલને અદ્યતન શિક્ષણ મળ્યું. યશ્પાલની જીંદગી બદલાઈ ચુકી હતી. પરંતુ યશપાલ એના બાળપણમાં અનુભવેલી કઠણાઈઓથી ઘણું બધું શીખી ચુક્યો હતો. અચાનક મળેલી સફળતા યશપાલના મગજ પર હાવી ના થઇ. યશપાલ કોલેજ નેતામાંથી રાજકારણમાં પ્રવેશી ચુક્યો હતો. શહેરના મ્યુંનીશીપલ રાજકારણમાં સફળતા મેળવી ચૂકેલ યશપાલને વર્તમાન રાજકારણમાં આવેલા પલટાવે એક મંત્રી ની હેસિયત માં મૂકી દીધો. નવી સરકારે ઉદારીકરણની નીતિ અપનાવી જેને કારણે એક નવી જ તક અનાયાસે સપનાની કંપનીને મળી. ઉદારીકરણની નીતિના કારણે સરકારી દફતરમાંથી વિદેશો સાથે નવા નવા કોન્ટ્રકટની તકો ઉભી થઇ. યશપાલ સક્સેનાના દફતરમાં સ્વચ્છ ભ્રષ્ટાચાર વિનાની કંપની ને વધુ તક મળતી. યશપાલના સેક્રેટરીએ સામેથી સપનાને નવા કોન્ટ્રકટ માટે મંત્રી સાથેની મુલાકાત માટે કહેણ મોકલ્યું. સપનાની જીંદગીમાં એક મહત્વની ઘટના આકાર લઇ રહી હતી જે આવનારી જીંદગી માં ઘણા બદલાવ સાથે તોફાન પણ લાવનાર બની રહેવાની હતી. એક સમયે સપનાની જીંદગીને ધૂળધાણી કરવા કટિબદ્ધ થયેલી અવની પણ અનિકેતના અકાળે થયેલા કમોત પર આંસુ વહેવવા ને બદલે બદલાની આગમાં ધૂંધવાઈ રહી હતી. આંસુ સ્થગિત થઇને ચિનગારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા. એ ચિનગારી પણ સપનાની જીંદગીમાં રાહુલે ઉભા કરેલા ભૂકંપોનો બદલો લેવા માટે એક ઇંધણ રૂપ બની રહેવાની હતી.

— અજય પંચાલ
કડી…૧૮

nitin_2013

“આવો મેડમ, સાહેબ થોડી વારમાં આવી જશે.”

યશપાલ સકસેનાના સેક્રેટરીએ સપનાને ઉદ્યોગમંત્રીની ઓફિસમાં આવકારતા જણાવ્યું. સપના મુલાકાતીઓના કક્ષમાં બેસી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના વર્તમાન અને ભવિષ્યના આંકડા વિષે LCD પ્રોજેક્ટર પર આવતા આંકડા જોતી હતી ત્યાં કોફી-બિસ્કીટ હાજર થયા.થોડા સમયમાં મંત્રીશ્રીની કેબીનમાં જવાનું કહેણ આવ્યું.

“ગુડ મોર્નિંગ સપના મેડમ.” મેજ પાછળ બેઠેલા યશપાલ સક્સેનાએ આવકાર આપ્યો અને બેઠક લેવા ઈશારો કર્યો. સપનાએ તેમની તસ્વીરો જોયેલી પરંતુ રૂબરૂમાં તે વધારે પ્રતિભાશાળી લાગ્યા.

પોતાનું નામ તેમણે કઈ રીતે ખબર છે તેવો પ્રશ્ન અનુભવતી સપનાએ જોયું કે તેની કંપનીની સંપૂર્ણ વિગતની ફાઈલ મંત્રીશ્રી પાસે હતી.

“હા મેડમ તો જણાવો, અમે તમારે માટે શું કરી શકીએ?” યશપાલનો ઘેરો અવાજ તેના વ્યક્તીત્વને સુસંગત હતો.

સપનાએ “અમારી કંપની પાસે દવાઓની એજન્સી છે તેના વિસ્તાર માટે એક અમેરિકાની કંપની…”

“એ દરખાસ્ત હું જોઈ ગયો છું. વધુ વિગત મારા ખાતાના અધિકારી કરશે. હું બે વાત કહું. એક એમ લાગે છે કે તમારા માર્જીનમાં તમે એસ્ક્ચેંજ રેટમાં ફેરફાર થાય તેની ગણતરી ધ્યાનથી નથી કરી. બીજું મારું સૂચન કે તમે ટેલીમેડીસીનને લગતી કોઈ પ્રોડક્ટ માર્કેટ કરો. આપણે છેવાડાના માણસ સુધી તબીબી સહાય પહોંચાડવા આધુનીકતમ ઉપાય કરવા છે. કંપનીના વિસ્તરણ વિષે વિચારતા હો તો સોલાર પાવર જનરેશન ભવિષ્યમાં બહુ ઉપયોગી થશે.”

બપોર સપના ઓફિસમાં પાછી આવી ત્યારે કોઈ સ્વપ્નલોકમાંથી આવી હોય તેવું અનુભવતી હતી. તેણે સંયોગ અને રાહુલને સરકારી કચેરીઓને ભરપેટ ગાળો દઇ,તેમની આળસ અને કામચોરીની કુટેવને અનેક વખત વખોડતા સાંભળેલા. આજનો અનુભવ તદ્દન નવો અને અત્યંત સુખદ હતો.

મંત્રીશ્રી આટલા તલસ્પર્શી રસથી પોતાના પ્રોજેક્ટમાં રસ લેશે અને ત્યારબાદ ખાતાના અધિકારીઓ પણ તત્પરતાથી કામ કરશે તેનો તેને સ્વપ્નેય ખ્યાલ નહોતો. છેલ્લા થોડા મહિનાઓમાં સંયોગની બીમારીની સારવાર અને વ્યવસાયની સંભાળમાં કરેલ તનતોડ મહેનત હવે સુખદ પરિણામ લાવતી હતી તેમ લાગતું હતું……

અવનીએ પોતાના વધતા જતા પેટ પર નજર કરી એક આછો નિસાસો નાખ્યો. વિપળમાં કેવી પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે!..ક્યાં એ પળ જયારે તે પોતાના આવનાર બાળક અને અનિકેત સાથે વૈભવી જીવનના સ્વપ્ના જોતી હતી અને ક્યાં આ પળ, જયારે સેવેલા સપના ભાંગીને ભુક્કો થઇ ગયેલા. બસ, બે વાતના બળથી તે જીવી રહી હતી. એક તેના આવનાર બાળકની રાહ અને બીજી તેની જિંદગીમાં ઉલ્કાપાત લાવનારા રાહુલ પ્રત્યે ભડભડતી વેરની ચિનગારી.

ઇન્ટરકોમ રણક્યો અને અવની તંદ્રામાંથી બહાર આવી. “પેલા ચાર્ટ્સ તૈયાર થઇ ગયા?” સપનાનો અવાજ આવ્યો.

“હા મેડમ, તમને હમણાં મેઈલ કરી દઉં છું.” અવનીએ જણાવ્યું

“એમ કર, આજે સાથે લંચ લઈએ. પેનડ્રાઈવ પર ચાર્ટ્સ લેતી આવ” સપનાએ સૂચવ્યું.

આટલું આટલું બન્યું છતાં તે હજુ સપના સાથે કામ કરતી હતી અને હવે વધુ નિકટ આવી ગઈ હતી તે પણ નસીબની જ બલિહારી હતી ને? આમાં અનંતનો સહારો બહુ પ્રેરક નીવડેલો. અનંત અને સપનાને સહારે જ તે આવનાર બાળકને આવકારવા કટીબદ્ધ થઇ શકેલી.

અવનીને અહેસાસ થયેલો કે પોતે જે થોડો સમય પણ પાપના રસ્તે ચાલી તેનું બહુ કપરું પરિણામ તેણે ભોગવવાનું આવ્યું. જો કે હવે તે અનંતે બતાવેલા મારગ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ચાલી રહી હતી. આવનાર બાળક પર પોતાના ભૂતકાળની જરા પણ અસર ન થાય તેની તકેદારી તેને રાખવાની હતી અને સાથે જ દુષ્ટોને યોગ્ય સબક શીખવવાનો હતો. કઈ રીતે થશે આ બધું?

આ વિચાર સાથે તે પોતાનું ટીફીન લઇ સપનાની કેબીનમાં દાખલ થઇ..

વ્યોમા સફાળી જાગી ગઈ..

છેલ્લા પંદર દિવસથી તે નિરાંતે ઊંઘી નહોતી શકતી..એવું નહોતું કે તેને પશ્ચાતાપ થતો હતો. હજુ તેને આશા હતી કે તેણે બનાવેલી ‘યોજના’ સફળ થશે. પરંતુ અર્ધજાગ્રત અવસ્થામાં એના કાને જે અથડાયું તેનાથી તે વિહવળ થઈને ઉઠી ગયેલી…

સંયોગના અકસ્માત બાદ તેને હોસ્પીટલમાં જોયો ત્યારે વ્યોમાને અરેરાટી થઇ ગયેલી. સંયોગને ગભરુ બકરો માનીને પોતે શેરની બની તેનો ‘શિકાર’ કરવા તત્પર થયેલી પરંતુ તેનો આવો અંજામ આવશે તેવો તેને અંદાજ ન હતો. ત્યારબાદ તેણે જોયું કે સપના સંયોગની કાળજીભરી સારવાર કરતી હતી ત્યારે પણ તેના મનમાં ન સમજાય તેવો ઉચાટ પેદા થયેલો..શું પોતે બીમાર થાય તો તેનો કોઈ ‘શિકાર’ આવી કાળજીથી તેની સારવાર કરે ?
સંયોગને ભાન આવ્યું પણ લાગતું હતું કે તેની યાદદાસ્ત ચાલી ગઈ છે. એકવાર લોક લાજે તેને હોસ્પિટલમાં જોવા ગઈ અને તે બંને થોડી ક્ષણો માટે એકલા પડ્યા ત્યારે સંયોગ એકીટશે તેની સામે જોતો હતો. દ્રષ્ટિ ભાવહીન જણાતી હતી પણ સંયોગના મનમાં શું ચાલી રહ્યું હતું ? પોતાની પ્રત્યે નફરત? કે હજુ આકર્ષણ?..
પણ આ બધી વાત આજે રાહુલના શબ્દો સાંભળ્યા એટલે હાંસિયામાં ધકેલાઈ ગઈ…..

દારૂના નશામાં ચુર રાહુલ એકલો બકવાસ કરતો હતો. “એ સપના શું સમજે છે? બહુ મોટો બીઝનેસ કરવા માંડી છે.. મંત્રીઓ સાથે મુલાકાત-મંત્રણા ચાલે છે ને કાંઈ! તેને ખબર નથી ડોક્ટર માથુરની દીકરીને જેમ ઉપાડી લીધી હતી તેમ સ્નેહાને ઉપાડી લેતા વાર નહિ લાગે! ”

વ્યોમા આ સાંભળીને થીજી ગયેલી. ગમે તેવી કાવતરાખોર પણ તે સ્ત્રી હતી. સંતાનસુખથી વંચિત વ્યોમા સ્નેહાને મનોમન અઢળક વ્હાલ કરતી હતી.
તેણે મક્કમ નિર્ધાર કર્યો કે રાહુલ જો સ્નેહાને કાંઈ હાની પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો પોતે ઢાલ જેમ સ્નેહાની આડે ઉભી રહી જશે. તે આ બાબતે પોતાનું જીવન પણ જોખમમાં મુકવા તૈયાર હતી.

સંપત્તિ માટે કોઇપણ સ્ત્રી કદાચ શુર્પણખા બની જાય પરંતુ સંતતિ માટે તો એ સીતા જ હોય છે ને?

રાહુલે ગ્લાસમાં વ્હીસ્કી કાઢીને પાણી કે સોડા મેળવ્યા વિના જ બે ઘૂંટ ભરી લીધા..

“સા…લા હરામીઓ,સમજે છે શું?” સ્વગત બબડતો તે ફ્રીજ તરફ ગયો. બે મિનિટ પહેલા તેના મોબાઈલ ફોન પર આવેલા કોલે તેના ગળામાં શોષ લાવી દીધેલો…

સંયોગને અપંગ બનાવીને અને અનિકેતનું કાસળ કાઢીને રાહુલને થયેલું કે પોતે પોતાના પ્લાનમાં ઘણો સફળ થયો છે. બસ, હવે સપના પર જાળ ફેંકી તેને વશમાં કરી લેવાય અને વ્યોમને ‘ઠેકાણે’ પાડી દેવાય એટલે ધારેલી દોલત તેના પગમાં આવી પડવાની હતી. સાંભળ્યું હતું સપનાની કંપની નવા ક્ષેત્રમાં વિસ્તરણ કરી રહી હતી. એ તો વધુ સારું!

રાતે સાડાબારે તેના મોબાઈલની રીંગ વાગેલી. તેણે અડધી ઊંઘમાંથી ઉઠી કહ્યું “હેલ્લો”

“ક્યા હેલ્લો રાહુલ સેઠ,તુમને કહા થા હમકો ખુશ કરેગા,તો કબ કર રહે હો ?” સામેથી ઘોઘરો અવાજ આવ્યો.

“અરે કૌન ગધા ઇતની રાત ગયે બાત કર રહા હૈ?” રાહુલે ચિડાઈને કહ્યું…

“બસ ક્યા, ભૂલ ગયે?. અનિકેત ઔર સંયોગકો ..”

રાહુલે અવાજ ઓળખી તરત વાત કાપતા કહ્યું “અરે ફોન કરનેકા મના બોલા થા ના? વૈસે ભી જ્યાદા પૈસે..”

“પૈસા કૌન માંગતા હૈ ? તુમ્હે તો હમારા એક છોટા સા કામ કરના હૈ” સામા છેડેથી મશ્કરી કરતો અવાજ આવ્યો

રાહુલ ગુસ્સામાં બોલ્યો “ઔર ન કરું તો? ક્યા કર લોગે?”

અચાનક ફોન પર એક બીજો,ઠંડોગાર, ભયજનક અવાજ સંભળાયો “રાહુલ સેઠ, તુમ્હારા કામ બરાબર કર દિયા થા ના? અબ હમારા કામ આયા તો નખરે કરતે હો? જાન પ્યારી હૈ કે નહિ?” .

રાહુલને AC રૂમમાં પણ પરસેવો થઇ ગયો. તેને યાદ આવ્યું કે સોપારી લેનારે જણાવેલું કે “સેઠ, અપુનકા ભાઈ અગર કોઈ કામ દે તો કરના પડેગા…તબ ના મત બોલના”

મનમાં નહોતી તે હીંમત અવાજમાં લાવવા પ્રયત્ન કરતા રાહુલે જણાવ્યું “ક્યા..ક્યા કરના હૈ?

“છોટાસા કામ હૈ. વો તુમ્હારા મંત્રી યશપાલ હૈ ના? ઉસકા સેક્રેટરી….”

— નીતિન ભટ્ટ

કડી…૧૯

11120600_1126655104026701_43731450_n

મારે શું કરવાનું છે ? -રાહુલે પૂછ્યું.
સામેથી ઘેરો કડક અવાજ સંભળાયો- યશપાલના સેક્રેટરી આતીફ્ખાનને એક પેકેટ પહોચાડવાનું છે.
રાહુલ ચોકી ગયો -ક્યાં ? અને ક્યારે ?
જીતના બોલા જાયે ઉતના હી કરો -સામેથી કડકાઈ ભર્યો આદેશ મળ્યો.
રાહુલને પરસેવો છૂટી ગયો. તેણે ફોન મુકીને વિચાર્યું કે એણે કહ્યું ડ્રગ્સ છે અને યશપાલ જેવા એક ઈમાનદાર મંત્રીના સેક્રેટરીને પહોચાડવાનું છે અને ફોન પર ધમકી પણ મળી છે. જોતનહીં કરું તો ક્યાંક સંયોગ અને અનિકેતની જેમ મને પણ…?
પરિણામનો વિચાર કરતા જ કમકમાટી આવી ગઈ અને નક્કી કર્યું કે -પહોચી જશે પેકેટ, ગમે તે થાય.માણસ ગમે તેટલો ક્રૂર અને ઘાતકી હોય પણ બીજાનું ખરાબ કર્યા પછી પોતાની સાથે જ્યારે આવું કંઇક થાય તો ત્યારે તે બેબાકળો બની જાય છે.

આવું જ રાહુલ સાથે થયું. તે પરસેવે રેબઝેબ થઇ ગયો. દારૂનો નશો તો ક્યારનો ય ઉતરી ગયો. મનોમન ગુસ્સામાં બબડવા લાગ્યો -આ ભાઈલોગને ક્યારેય ન પહોચાય, દોસ્તી ય ન કરાય ને દુશ્મની તો ક્યારેય નહિ, કંઇક કરવું તો પડશે જ.. સાલું કરોડપતિ કહે છે લોકો મને, પણ હું તો જાણે કે રોડપતિ થઇ ગયો. કાલે સવારે જેલમાં જવાની તૈયારી પણ રાખવી પડશે. રાહુલ અંદરથી ફફડી રહ્યો હતો. એક અજાણ્યો ડર જાણે માથે ઝળુંબી રહ્યો હતો, તે બેડરૂમમાં ગયો. ચેન્જ કરીને નાઈટસુટ પહેરીને બેડપર સુવા ગયો, અને ત્યાં જ એની નજર ઘસઘસાટ સુતેલી વ્યોમા પર ગઈ. તે વિચારવા લાગ્યો કે -જીંદગીની મોટામાં મોટી ભૂલ, જાયદાદની લાલચમાં આ ચરિત્રહીન સ્ત્રી સાથે લગ્ન કર્યા…પોતાની એ જાયદાદ પર તો આ કાળોતરો બનીને બેઠી જ છે અને રોજ નવા નબીરાઓને ફસાવીને જલસા યે કરે છે. નથી એ મને જાયદાદ આપવાની કે નથી એક બાળક આપવાની. વાંઝણી…! મન તો એવું થાય છે કે એનું ગળું જ દબાવી દઉં …ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી …!!!

સપના મક્કમ પગલે હોસ્પિટલના પગથીયા ચડી રહી હતી. આત્મવિશ્વાસના અનેરાં તેજથી તેનો ચહેરો ઝગમગી રહ્યો હતો…મા દુર્ગા બનીને જાણે જીંદગીનો કોઈ જંગ લડવા તૈયાર હતી સપના, અને એક સાથે ત્રણ ત્રણ મોરચે લડતી અડીખમ હતી. બીમાર, અપંગ પતિની દેખભાળ, વ્હાલસોયી દીકરી સ્નેહાનો ઉછેર અને કંપનીનો વિકાસ. તે ઉપરાંત રાહુલ સાથે બદલો પણ લેવાનો…રાહુલના નામ સાથે અંદર લાવા ધગધગતો હતો પણ ધીરજ અને કુનેહના શસ્ત્ર વાપરવાના હતા. ઉતાવળે આંબા ક્યાં પાકે છે ? મારે તો મારા સંયોગને જીતાડવો જ છે. અન્યાય સામે ન્યાયની લડત છે આ …ગમે તે ભોગે મારે જીતવાની જ છે, -આવા મક્કમ મનોબળ સાથે તે આગળ વધતી જ ચાલી.

સંયોગના કરાવેલા નવા ટેસ્ટના રીપોર્ટ માટે સપના, ડો,માથુરની કેબીનમાં ગઈ અને દરવાજે નોક કરવા હાથ ઉંચો કર્યો કે અંદર ચાલતી વાતચીતના અસ્પષ્ટ શબ્દો સંભળાયા અને તે પળભર ત્યાં જ અટકી જઈ અંદરથી આવતા શબ્દોને ઉકેલવાનો પ્રયત્ન કરવા લાગી. એટલામાં જ નર્સને કેબીન તરફ આવતી જોઇને તેણે પોતાનો આ પ્રયત્ન રોકી દીધો,
અને દરવાજો હળવેથી થપથાપવી પૂછ્યું -મે આઈ કમ ઇન ?
યસ કમ ઇન -અંદરથી ઉત્તર સંભળાતા સપના અંદર દાખલ થઇ. પણ તેને લાગ્યું કે પોતાને જોઇને ડો.માથુર ચોંકી ઉઠ્યા છે, કારણ એરકંડીશંડ કેબીનમાં પણ ડોક્ટરના કપાળ પર પસીનો વળી ગયો હતો
આવો સપના બેન, બેસો -ડોકટરે કહ્યું તો સાહજીકતાથી, પણ સપનાની સિકસ્થ સેન્સે તેને ચેતવી કે દાળમાં કંઇક કાળું તો છે જ.
ડોક્ટર સાહેબ, સંયોગની બાબતમાં બધું બરાબર તો છે ને ? મારાથી કોઈ વાત છુપાવશો નહિ પ્લીઝ, જે પણ હોય તે સાંભળવા અને મારી જાત સંભાળવા પુરતી હું મજબુત અને મક્કમ છું. -સપનાએ કહ્યું.
ના રે ના સપનાબેન, એવું કંઈ જ નથી. આમ તો રીપોર્ટમાં બહુ ઝાઝા ચેન્જ નથી. છતાં યે હું મારાથી બનતું તો કરી જ રહ્યો છું. અને આશા છે કે આપની પાર્થના અસર કરી જાય -ડોકટરે જવાબ આપ્યો.
ડોક્ટરની આ ધરપતથી સપનાને સંતોષ ન થયો. કંઇક રંધાતું હોય એવી પ્રતીતિ થવા લાગી. તે વિચારવા લાગી કે -પોતે કોઈ ભૂલ તો નથી કરી રહી ને? જે હોય તે, પણ હવે કશું કાચું તો નહીં જ કપાવા દઉં. સજાગ થઈને હવે આંખ કાન બંને ખુલ્લા રાખવા પડશે, – આમ વિચારી સપનાએ બીજા ડોકટરનો સેકંડ ઓપીનીયન લેવાનું નક્કી કર્યું. કારણ કેટલીક વાર કોઈ પર મુકેલ આંધળો વિશ્વાસ ક્યારેક દગો દઈ જાય છે.
પોતાની હોન્ડા સીટી કારમાં ઓફીસ તરફ જતી સપના વિચારોમાં મગ્ન હતી. અનેક જાતના વિચારો એનો પીછો નહોતા છોડતા. જેવી કેબીનમાં પ્રવેશી કે થોડી વારમાં ઓફીસ બોય પાણી લઈને આવ્યો. સપનાએ એને પોતાની કેબીનની બહાર ‘ડોન્ટ ડીસ્ટર્બ’ નું બોર્ડ લગાવવાનું કહ્યું. હવે સપનાએ જરા હાશકારો અનુભવ્યો કારણ જીંદગી જયારે પ્રશ્નાર્થ બનીને સામે ઉભી હોય ત્યારે એકાંતમાં જ એના જવાબો શોધવાના હોય છે. એને સંયોગ યાદ આવી ગયો.
અનાયાસે જ ભૂતકાળ અને વર્તમાનની તુલના થઇ ગઈ. જયારે પોતે નવોઢા હતી ત્યારે સાંજે સાડા છના ટકોરે શણગાર સજીને સંયોગની રાહ જોવી… જેવું એની કારનું હોર્ન વાગે ને દરવાજે દોડી જવું.. કોઈ વેલ એક વૃક્ષને વીંટળાઈ જાય તેમ તેના આલિંગનમાં વીંટળાઈ જવું. અને હવે તો.. બસ ઘર અને ઓફીસ વચ્ચે અફળાતુ જ રહેવાનું.. ધૈર્યનો બંધ તોડીને સપનાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ક્યારેક ઓફીસ જોઈન કરવાની વાત કરતા પણ પોતે ગભરાતી અને આજે જુઓ તો પૂરો બીઝનેસ સંભાળી રહી છે. ત્યાં જ ફોનની રીંગ રણકી ઉઠી. સામે છેડે વ્હાલસોયી દીકરી સ્નેહાનો રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળી ને તે ભાવવિભોર થઇ ગયી, ઓચિંતા આંસુ રોકાઈ ગયા અને એક મમતાભર્યું સ્મિત તેના ચહેરાપર રેલાઈ ગયું. આ જ તો હોય છે સ્ત્રીની શક્તિ.

અવની પણ ઓફીસમાં સપના મે’મ બોલાવે તેની રાહ જોતી બેઠી હતી, કારણ તેમની કેબીનની બહાર ‘ડોન્ટ ડીસ્ટર્બ’ નું બોર્ડ લટકતું હતું. ડેસ્કટોપ પરના સુખડનો હાર ચઢાવેલા અનિકેતના ફોટા સામે તે અનિમેષ નયને તાકી રહી. અજાણતા જ પેટ પર તેનો હાથ ફરી વળ્યો અને ગર્ભમાં પાંગરી રહેલા પોતાના વ્હાલા અનિકેતના પ્રતિક સમ બાળકપર વ્હાલનો હાથ પસવારતા કહેવાઈ ગયું -બેટા, હું છું ને ? તને કોઈ વાતની ખોટ નહિ પડવા દઉં, એક સ્ત્રી જયારે માતા બને છે કે પછી બનવાની હોય ત્યારે પોતાનું બાળક જ તેની ફર્સ્ટ પ્રાયોરીટીમાં આવી જાય છે અને ઘણું બધું હાશિયામાં ધકેલાઈ જતું હોય છે.
અવની પોતાના વિચારોમાં મગ્ન હતી ત્યાં જ ફોનની રીંગથી તે ઝબકી ગઈ.
સપના મે’મનો ફોન આવ્યો અને તેને પોતાની કેબીનમાં બોલાવી. અવની સપના મે’મની કેબીનમાં પ્રવેશી અને ત્યાં અનંતને બેઠેલો જોયો, અને તેને આશ્ચર્ય થયું. પોતે શું વિચારમાં એટલી ખોવાઈ ગઈ હતી કે અનંતને કેબીનમાં દાખલ થતો ય ન જોઈ શકી.
કેમ છો ? -નો વિવકે કરી અવનીએ પોતાની સીટ લીધી. સપનાએ કહ્યું -અનંત આવ્યો છે એટલે તને પણ અંદર બોલાવી લીધી.

શરૂઆતની ઔપચારિક વાતો પત્યા પછી સપનાએ કહ્યું, -સંયોગને બીજા ડોક્ટરને બતાવવા લઇ જવો છે. આવતી કાલની એપોઇન્ટમેંટ લીધી છે. અવની, તું આવી શકીશ સાથે? અનંત પણ આવવાનો છે, કારણ ડોક્ટર મિતેશ શાહ કે જેમને બતાવવા જવાનું છે એ અનંતના જીગરી દોસ્ત છે.
અવની એ હા પાડી. પછી સપનાએ અવનીને એ પણ પૂછી લીધું કે તેણે આ મહીને ગાયનેક પાસે ક્યારે જવાનું છે. અનિકેતના મૃત્યુ પછી અવની અને તેના આવનારા બાળકની જવાબદારી સપનાએ સ્વેચ્છાએ પોતાના શિરે લઇ લીધી હતી, કારણ અનિકેતના મૃત્યુ પછી અનંત તો લગભગ ભાંગી જ પડ્યો હતો.આજે કેટલા દિવસો પછી અનંતને મળવાનું થયું, -સપનાએ આગળ વિચાર્યું, -જો કે જયારે મારે જરૂર હતી ત્યારે આ અનંત જ સાચા અર્થમાં મારો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બન્યો હતો. આજે મારામાં જે આત્મવિશ્વાસ છે તે બધો આ અનંતને જ કારણે જ તો. અને હવે જ્યારે અનંતને મારી જરૂર છે ત્યારે જો હું પાછીપાની કરું, તો હું નગુણી જ કહેવાઉ ને?
અનંતે પણ સંયોગના ખબર અંતર પૂછ્યા અને પછી સપનાએ મોકો જોઇને અવની અને અનંતને પોતાના બંગલે ડીનર માટે ઇન્વાઇટ કરી લીધા.

– નીતા શાહ
કડી…૨૦

11651135_10207052518701204_515290361_n

અનંત અને અવનીના ગયા પછી સપના એ ઘરે ફોન કરીને કાંતાબેનને સાંજના કાર્યક્રમ અંગે સુચના આપી દીધી. ત્યારબાદ કંઈ કેટલીય વાર સુધી એમને એમ શુન્યમનસ્ક બેસી રહી. તેની નજર સામે છેલ્લા કેટલાક સમયમાં ઘટેલી ઘટનાઓ ફિલ્મની પટ્ટીની માફક ફરી ગઈ. એણે વિચાર્યુ; કેવી છે આ જિંદગી? કેટલાય વર્ષોથી એને ભાગે ઘર અને ઘરના કામ સિવાય કશુ જ નહોતુ આવ્યુ. સ્કુલ-કૉલેજ કાળમાં અતિસફળ રહેલી એ લગ્નબાદ સંયોગની ઈચ્છાઓને માન આપવામાં ઘરની ચાર સિવાલોમાં સમેટાઈને રહી ગઈ હતી. પણ છેલ્લા ૫-૬ અઠવાડીયામાં જે બની ગયુ એ કોઈ ફિલ્મથી કમ ન હતુ.

કેટલાય વર્ષોની તપસ્યા બાદ એને સંયોગનો એક સાચા અને સમજુ સાથી તરીકેનો સહવાસ પ્રાપ્ત થવાની ક્ષણ આવી હતી. ત્યાં અચાનક જ તેમના જીવનમાં ઝંઝાવાત આવી ગયો – પ્રથમ વ્યોમા નામનુ વાવાઝોડુ અને હવે આ રાહુલ નામનુ ભયંકર તોફાન. સંયોગનો અકસ્માત; અનંત-અનિકેત અને અવનિ દ્બારા કરાયેલા ખુલાસા અને તેના લીધે જે સંયોગ પર બિઝનેસ જોઈન કરવાની વાત થઈ ત્યારે પહેલા પ્રેમ ઉમટી આવેલો અને રાહુલની કૅબિનમાં તેના માટે ભારોભાર નફરત પેદા થયેલી એ જ સંયોગ પર બમણા ઉમળકાથી પ્રેમનુ ઘોડાપૂર આવેલુ.. પણ, અફસોસ એ સંયોગને આ વાતનો અહેસાસ કરાવી શકે એવી પરિસ્થિતિમાં અત્યારે સંયોગ નથી.

વિચારોનો તંતુ તેના મોબાઈલ પર વાગેલી રીંગથી તૂટ્યો. જોયુ તો ડૉક્ટર માથુરનો પર્સનલ નંબર એના મોબાઈલના સ્ક્રીન પર ઝબકતો હતો..!! અને નવાઈને સાથે ધ્રાસ્કો પણ લાગ્યો કે કોઈ અનિચ્છનીય સમાચાર તો નહી હોય ને?? આમેય તે એને ડૉક્ટર માથુરનુ વર્તન જ્યારથી સંયોગ હૉસ્પીટલમાં પહોંચ્યો તે દિવસથી જ શંકા ઉપજાવે તેવુ લાગી રહ્યુ હતુ પણ કંઈ અંદાજ આવતો ન હતો કે શુ કારણ હોઈ શકે? એની વે, ફોન રિસિવ કરવાથી જ કશી ગડ પડે.
“હેલ્લો ડૉક્ટર માથુર.. ગુડ ઈવનિંગ”.
સામે છેડેથી સહેજ થોથવાતો હોય એવા અવાજમાં માથુરે કહ્યુ :”ગુડ ઈવનિંગ, સપના”… “યેસ ડૉક્ટર, ટેલ મી. બધુ બરાબર તો છે ને? ડૉક્ટર થોડા ગભરાયેલા અને થોડા અસમંજસમાં હોય એવા અવાજમાં બોલ્યા “No, no, no.. સંયોગની તબિયત સ્થગિત છે . તમારા કોઈ એનું સગા ધ્યાન રાખવા આવી જશે પછી ઝડપથી સારું થતું જશે પણ, મારે તો અત્યારે બીજુ જ કામ છે અને એક ખાસ બાબતે આપની સાથે વાત કરવી છે તો આપણે હમણા મળી શકીએ?”
” હા,મારા ફોઈ આવી જશે , અને હા, સંયોગને લગતી કોઈ વાત હોય હું મળવા માંગીશ .બધી એપોઈન્ટમેન્ટ્સ કૅન્સલ કરી દઈશ.”
“સપનાજી, hmmm એ વાતને સીધી રીતે નહી તો આડકતરી રીતે સંયોગની સારવાર સાથે સંબંધ પણ છે.”

“Ok ok, ડૉક્ટર આપણે ચંદ્રકલા પેટ્રોલપંપની નજીક આવેલુ કાફે કૉફી ડે માં આવતી ૨૦ મિનિટમાં મળીએ તો કેવુ? “..
“સારુ, સારુ હું ૨૦ મિનિટમાં જ ત્યાં મળુ છુ..”. સપના પણ આમ તો તૈયાર જ હતી અને આજ-કાલ એ જાતે જ ડ્રાઈવ કરતી હતી; એણે જલ્દીથી ઑફિસ બૉયને બોલાવીને જરૂરી કાગળીયા-ફાઈલો પોતાની કારમાં રાખવાનુ કીધુ અને ટેબલ પર રાખેલા સંયોગ-સ્નેહા-સપનાના ફોટા પર એક નજર ફેરવી; ફોટામાંના સંયોગના તાજ્જા ખીલેલા ફૂલ જેવા ચહેરા પર આંગળીઓ ફેરવતા અનાયાસ જ એની આંખને ખૂણે થોડી ભિનાશ આવી ગઈ; અને આદતવશ એના હોઠ ચુંબનની મુદ્રામાં આવી ગયા. બીજી જ ક્ષણે આંખ સાફ કરી; ગળુ ખોંખારીને પોતાની બેગ ઉઠાવીને એ ચાલવા માટે તૈયાર થઈ.. એની આંખોમાં એક નવી જ ચમક હતી. જાણે કે સંયોગને કહેતી હોય; Don’t worry, I will do it, I will fight for it. (i will save our complany) જોઈએ ડૉક્ટર માથુર શુ નવી વાત લાવ્યા છે.”
.
સડસડાટ ચાલીને એ ઑફિસના પાર્કિંગ લૉટમાં આવી તો ઑફિસ બૉયે ગાડીમાં બધો સામાન મૂકી દીધો હતો .ગાડીનો ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલીને ચાવી હાથમાં પકડીને ઉભો હતો. સપના ડ્રાઈવરની સીટ પર ગોઠવાઈ એટલે તેના હાથમાં ચાવી આપી, અંદર બેસતા સપનાએ દરવાજાનો કાચ ખોલી અને એક આભારની નજર એની સામે નાખીને કહ્યુ :”ઑકે, બધુ બરાબર બંધ કરીને ઘરે જજો .. અને હા, પેલા ઍક્વેરિયમમાં ફીશ-ફૂડ દરરોજ સાંજે જ નાખો છો ને?? જો જો ભૂલાય નહી” કાચ બંધ કરી, ચાવી ઈગ્નીશનમાં ફેરવીને ગાડી ચાલુ કરતા તેને એક નજર પોતાની રિસ્ટવૉચ પર નાખી.. દશ જ મિનિટ બાકી હતી પણ, ડૉક્ટરને ટાઈમ આપ્યા મુજબ એ પહોંચી જશે.

ચંદ્રકલા પેટ્રોલપંપનું આ સી સી ડી સપનાનું ફેવરિટ કાફે હતુ. હતું ઘણું જૂનું કદાચ શહેરમાં આવા કાફૅની ફેશન જે દશ-બાર વર્ષ પહેલા આવી હતી તે સમયનું આ બનેલુ હતુ; એટલે સજાવટ અને ફર્નિચર થોડા જૂનવાણી ટાઈપના અને આપણા ગુજરાતી પરંપરા કલર-સ્ક્રેચ બાબતમાં થોડા જૂના પણ દેખાતા હતા. પણ, એને અહીંનો હસમુખો સ્ટાફ અને પેટ્રોલપંપ પર હોવા છતાં ત્યાંની ચોખ્ખાઈ બહુ જ ગમતી હતી. કેટલીય વાર એ અહીં આવીને બેસતી અને પોતાની ફેવરિટ કૉફી “કેફે-લાતે” ની ચુસ્કીઓ લેતી. જો કે આજે અહીં પહોંચતા એના દિલમાં ડૉક્ટર માથુર વિષે થોડો ઉચાટ હતો .ગાડી પાર્ક કરતી હતી ત્યારે જ એની નજર કાચની દિવાલની આરપાર ખૂણાની જગ્યા પર આરામ-દાયક સોફા પર પણ કંઈક ઉચાટથી ઉભડક બેઠેલા ડોક્ટર માથુર પર પડી.. અને એની નવાઈ અને ચિંતા પણ બેવડાઈ ગઈ. જલ્દીથી ગાડી લૉક કરીને એ બેગ હલાવતી; મોં પર સ્મિત લાવીને ડૉક્ટર જયાં ત્યાં પહોંચતા અધવચ્ચે કાઉન્ટર પર રહેલા છોકરાએ જરા થોડા નવાઈના ભાવથી એને આવકારી – “ગુડ ઈવનિંગ મેડમ, વેલકમ બેક. બહુત દિન બાદ આપ આયી?” ઉત્સાહમાં એનો અવાજ થોડો ઉંચો થઈ ગયો હતો એના લીધે ડૉક્ટર પોતના મોબાઈલમાં ખોવાયેલા હતા એમનો ધ્યાનભંગ થયો અને એમણે ઉપર જોયુ કે આ કોને આવકારી રહ્યો છે.. અને સપનાને જોતા એના હોઠ પર પણ એક સ્માઈલ આવી ગયુ અને આંખોમાં થોડી રાહતની લાગણી ડોકાણી. “વેલ ડૉક્ટર, ગુડ ઈવનિંગ..” સપના સાડી સંકોરીને ડૉક્ટરની સામેના સોફામાં આરામથી ગોઠવાઈ; અને એમના તરફ એક પ્રશ્નભરી નજર નાખી. એટલામાં એને જોઈને સીસીડીનો એ તરવરિયો છોકરો તેમની બાજુમાં આવીને ઉભો રહી ગયો.. આમ તો ઑર્ડર લેવાની પ્રથા સીસીડીમાં ન હોય , તેમના જૂના અને નિયમિત ગ્રાહકોને સ્ટાફ સામે ચાલીને આવી સગવડ આપે છે.. જેવુ સપનાએ એની સામે જોયુ એ સાથે એના હોંઠ પૂરી રેતે ખેંચાઈને સ્માઈલની મુદ્રામાં આવી ગયા અને બોલ્યો: “વ્હૉટ વિલ યુ હેવ? યોર રૅગ્યુલર – કેફે લાતે લાર્જ??..” જવાબની રાહમાં પાછું એવુ જ સ્માઈલ આપીને ઉભો રહી ગયો. સપના એ હકારમાં માથુ હલાવ્યુ સાથે કહ્યુ, ” આજે લાર્જ નહીં પણ મિડિયમ લાવજે, ઉતાવળ છે…” બોલતા એની નજર છોકરાના સુઘડ યુનિફોર્મ પર ગઈ અને એની પર લગાવેલ નેઈમ-ક્લીપ પર આવીને અટકી ગઈ. આનું નામ પણ રાહુલ હતુ. રાહુલ નામ યાદ આવતા એક આછી લકીર અણગમાની એના ચહેરા પર આવી ગઈ… તરત જ આ બધુ ખંખેરીને એણે ડૉક્ટર સામે પ્રશ્નસૂચક નજરે જોયુ.
ડૉક્ટર રાહુલની સામે જોઈને તરત જ બોલ્યા – “અમેરિકાનો – મિડિયમ – નો મિલ્ક”.

ડૉક્ટરને ખબર નહોતી પડતી કે વાત ક્યાંથી ચાલુ કરે. એટલે એ આડી- અવળી વાતો કરતા-કરતા સીસીડીના કાઉન્ટર પર જોયા કરતા હતા.. કે ઑર્ડર સર્વ થઈ જાય પછી પોતાની વાત ચાલુ કરે.. સપનાને પણ ઈંતેજારી હતી અને ખાત્રી હતી કે વાત કંઈક વધારે પડતી ગંભીર છે; પણ, પાછલા ૫-૬ અઠવાડિયાના ઘટનાક્રમે એને એકદમ જ વધારે પાકટ બનાવી દીધી હતી અને એણે ચહેરા પર સાવ સામાન્ય ભાવ લાવીને ડૉક્ટર સાથે અન્ય વાતો કર્યા કરી ઑર્ડર સર્વ થતા જ સપનાએ પોતાની કૉફીનો કપ નજીક કરી, સુગરની એક પડીકી ફાડીને પોતાના કપમાં નાખી અને કૉફી વડે હલાવતા-હલાવતા પોતાની રિસ્ટવોચ પર નજર નાખી અને એક પ્રશ્નસૂચક નજર ડૉક્ટર પર નાખી..
ડૉક્ટર પણ સમજી ગયા હોય એમ પોતાની કાળી ગરમા-ગરમ કૉફીનો એક નાનકડો સિપ લઈને હોઠ પર જીભ ફેરવીને સપનાની આંખોમાં આંખો પરોવીને બોલ્યા “તમે રાહુલને ઓાળખો છો ને??” વલ્લભ એન્ટરપ્રાઈઝ વાળા રાહુલ ગાંધીની વાત કરુ છુ..”,
એકદમ સ્વસ્થતાથી સપના એ જવાબ આપ્યો;
“હા, કેમ? એના લીધે અમને શેઠ એન્ડ કંપનીને ઘણી મોટી ડીલ મળી છે અને અમારા એ બિઝનેસ કલીગ છે..” સપનાએ અવાજ અને બોડી લેન્ગવેજ સ્થિર રાખ્યા.
“તમારા હસબન્ડ સંયોગની આજની હાલત પાછળ એ રાહુલ નો જ હાથ છે એની તમને ખબર છે??”

ડોક્ટરને સપનાના મોં પર જે ભાવો જોવાની અપેક્ષા હતી, બરાબર એવા જ ભાવ લાવીને સપના એ પોતાના હાથમાંનો કપ કાચની ટીપોય પર જોરથી મુક્યો.. આમેય સપનાને નવાઈ તો લાગી જ હતી એ વાતની નહીં કે રાહુલ ગાંધી આ બધામાં સંડોવાયેલો છે; પણ એ વાતથી કે ડૉક્ટરને આ બધી વાતની જાણ છે. સપનાએ નક્કી કર્યુ કે એ પોતાની એક્ટીંગ ચાલુ રાખશે.. પણ આખી વાત કઢાવીને જ રહેશે.આવેલા ઝટકાને પચાવવા સમય લેતા એણે હાથમાં મોબાઈલ લઈ અવનીને ઘરે જલ્દી પહોચવા મેસેજ આપી દીધો .

પછી ચહેરા પર ચિંતા-ગુસ્સો-ઈતેજારીના ભાવ લાવી દીધા. અને ડૉક્ટરે આખી વાત એક શ્વાસે સપનાને કહી દીધી..સંયોગનું હોસ્પિટલ આવવું ,અજાણ્યા નંબર પરથી સંયોગને સરકારી દવાખાને મોકલવા . પોતાનો ઇન્કાર , અને થોડા કલાકો પછી ફોન પર એમની દીકરીનો રડતો અવાજ , અને એમણે કરેલી સારવારમાં ઢીલાશ આ બધું કહેતા ડોક્ટર ભાંગી પડ્યા .

“સપના શેઠ, છેલ્લા પાંચ અઠવાડીયાથી હું મારા મન પર આ બોજ લઈને ફરતો હતો; આજે આ કહ્યા પછી મનમાં હળવાશ લાગે છે; તમે કહેશો એ સજા ભોગવવા તૈયાર છુ. પણ, હવે મી સંયોગની વિશેષ કાળજી રાખવી પડશે ” જેમ જેમ ડૉક્ટર પોતાની વાત કરતા જતા હતા તેમ-તેમ સપનાની આંખોમાં ગુસ્સો વધતો જતો હતો.. જ્યારે વાત પૂરી થઈ ત્યારે તેની આંખોના ડોળા લાલ ઘૂમ થઈ ગયા હતા, ગૌર ચહેરો સિંદુરિયો થઈ ગયો હતો..એને રાહુલ પ્રત્યે ગુસ્સો હતો પણ એ આટલી હદે જઈ શકે એનો એને અંદાજ નહોતો.. સૌ પહેલુ કામ એણે ઘરે ફોન કરીને કાંતાબેનને કહીને સ્નેહા સાથે વાત કરવાનુ કર્યુ. કારણ કે જે વ્યક્તિ સિમલામાં રહેલી દિકરીને એક જ દિવસમાં ઉઠાવી શકે એ પોતાના જ શહેરમાં રહેતી દિકરીને તો અડધા કલાકમાં ઉઠાવી લઈ શકે.. પણ, સબ-સલામત હતું .
ફોન પતાવી સપનાએ પ્રશ્નસૂચક નજર ડૉક્ટર સામે નાખીને કહ્યુ; “વૅલ, આપનો વાંક હું નથી જોતી, કારણ કે હું પણ એક દિકરીની મા છુ. પણ, તમે આ વાત એ સમયે જ મને કરી શક્યા હોત; તો જલ્દીથી રસ્તો નીકળત.” પછી ઘડિયાળ સામે નજર નાખી અને કીધુ “અત્યારે મારે મોડુ થાય છે; એટલે જલ્દી જવુ પડશે. પણ, હવે તમે અમારી સૂચના મુજબ ચાલશો તો ખાતરી આપુ છુ કે તમારી દિકરીને ઉની આંચ પણ નહી આવવા દઈએ. પછી ભલે ગમે એવો ચમરબંધી આપણી સામે હોય….” અને પછી ડોક્ટરે કેવી રીતે વર્તવુ અને શુ શુ કરવુ, શુ ન કરવુ અને ક્યારે કયા નંબર પર ઈમરજન્સીની જાણ કરવી વગેરે વગેરે સુચનાઓ આપીને બીલ ચુકવીને છૂટા પડીને બહાર આવી. ફરી રિસ્ટવૉચમાં નજર નાખી.. સ્વગત બબડી અડધો કલાક લેઈટ. હોપ અવની અનંતને સારી કંપની આપતી હશે.. અને સડસડાટ ગાડી ઘર તરફ મારી મૂકી.

અવની પહોંચ્યા પછી તરત અનંત પહોચ્યો .. પણ સપના હજી નહોતી આવી …પોતાના ભાઈ ની અપરણિત વિધવા જોઇને અનંતનું મન તૂટી રહ્યું હતું . અવનીને પણ એની સામે બેસતા સંકોચ થયો ..ઉપસી રહેલા પેટ , અને ગુસ્સે ભરાયેલા માબાપ બેયને મેનેજ કરવા હવે અવની માટે આકરા થઇ રહ્યા હતા.સપનાંને મદદ કરવાને બહાને એ સ્નેહાની સંભાળ લેવા અહીં રહેતી . અનંત સામે પોતાની અવસ્થા અને અસ્વસ્થતા છૂપાવવા એણે ટીવી પાસે પથરાયેલી મ્યુઝીક સીસ્ટમની સ્વીચ દબાવી દીધી .આખા રૂમમાં અનંતનો ઘેરો અને દર્દીલો અવાજ ફેલાઈ ગયો . સપનાના પ્લેયરમાં એના દોસ્તના ગીતો જ વાગે એમાં કશી નવાઈ ન હતી. આંખ બંધ કરી અનંત બેઠો રહ્યો ત્યાં જ સપના બારણુ ખોલીને ઘરમાં પ્રવેશતા જ સ્નેહા દોડીને એને વળગી પડી… અને સપના પોતાના બંને મહેમાનોને સોરી કહી ફ્રેશ થઇ આવી .જમતા વખતે ઘણી બધી અગત્યની વાતો ચાલી. અનંત-અવની ઘરે જવા રવાના થયા. ગાડીમાં તેને સહી-સલામત ઘરે પહોંચાડી અનંત ઘરે આવ્યો.

જ્યારથી સપનાને “વસ્ત્ર”ની બહાર રડતી જોઈ હતી ત્યારથી અનંતનુ મન ખાટુ થઈ ગયેલુ હતુ અને એના પછી બનેલી ઘટનાઓ એ એને હલબલાવી મુક્યો હતો અને જીવથી યે વહાલા એવા નાના ભાઈ અનિકેતને ગુમાવ્યા બાદ તો એ અંદરથી સાવ ભાંગી પડ્યો હતો. હજુ થોડા વખત પહેલા જ એની ચિતાને ઠંડી પાડીને આવ્યા હતા, એના ક્રિયા કર્મ પતાવ્યા હતા.. પણ, મન માનવા તૈયાર ન હતુ કે અનિકેત હવે એમની સાથે ન હતો.

— વત્સલ ઠક્કર

કડી…૨૧

ઘર પ્રવેશતા જ ડ્રૉઈંગરૂમમાં સુખડનો હાર પહેરાવેલો આદમ કદનો અનિકેતનો ફોટો નજરે પડ્યો અને તેનાથી ત્યાં જ બેસી પડાયુ…બસ એના ફોટા સામે એકટક જોયા જ કર્યુ; આંખો વહેતી જ રહી અને સાથે સાથે ભુતકાળ પણ વહેતો જ રહ્યો.

પંચમહાલના એ નાનકડા ટાઉનમાંથી અહીં સુધીની સફર…. દારુણ ગરીબીમાં જીવતા મા-બાપ અને એ બે ભાઈઓ. મા-બાપ તદ્દન અભણ હોવા છતાંય ભણતરના મહત્વને સમજી બંને દિકરાને સરકારી સ્કુલે ભણવા મુક્યા હતા. પેટે પાટા બાંધી-મજૂરી કરીને પણ બંનેને ભણાવતા; મોટો ભણવામાં હોંશિયાર અને વાંચનનો શોખીન તે લાયબ્રેરીમાં જ પડ્યો રહેતો; નાનો ભારે ખેપાની અને હોંશિયાર પણ ભણવામાં મન લાગે નહી, રોજની કંઈને કંઈ ફરિયાદો એની આવ્યા કરતી. મોટા કાળુને આ બધુ ગમતુ નહી પણ નાના ભીખા તરફના પ્રેમને લીધે અને પોતાના મા-બાપને વધારે તકલીફમાં ના મૂકાવુ પડે એટલે એ નાનાની આગળ બધે જ ઢાલ બનીને ઉભો રહેતો, એના દરેક તોફાનોને એ છાવરવા પ્રયત્ન કરતો; સાથે સાથે એને સમજાવતો પણ ખરો .

પંદરે પહોંચતા-પહોંચતા કાળુ ભણવામાં સારુ નામ કાઢી ચૂક્યો હતો, અને બાપાને એના પર ખૂબ ગર્વ થતો જ્યારે એ ચોપડામાં માથુ ઘાલીને લખવા મંડ્યો હોય કે માસ્તર આગળ ગોટપીટ ગોટપીટ અંગ્રેજી બોલતો હોય. પણ, બાપુને સૌથી વધારે સારુ તો ત્યારે લાગતુ કે કાળુને ગામમાં બધા જ કોઈપણ પ્રસંગે ભજન ગાવા માટે ખાસ આમંત્રણ મોકલે.. એ બધાનો માનીતો. નવરાત્રીના ગરબા પણ કાળુના ચમત્કારિક ગળા વગર અધુરા રહે.

એ કદાચ ચોથું નોરતુ હશે, ગામની ગરબીમાં ગરબા ગવડાવી કાળુ અને ભીખો બંને ભાઈ ઘર તરફ જઈ રહ્યા છે; થોડે આગળ એમના મા-બાપ પણ ચાલતા હતા.. બાપનો હરખ તો આજે મા’તો નહોતો. મોટા શહેરથી આવેલા રાવલ સાહેબે કાળુને ખાસ પાસે બેસાડીને ગવડાવ્યુ હતુ; ફરી-ફરીને ગવડાવ્યુ હતુ, અને સારુ એવુ ઈનામ પણ આપ્યુ હતુ. પણ દિકરો તો જૂઓ; ઈનામ લેવાની ધરાર ના પાડી કે’ “માતાજીના કામમાં પૈસા ના લેવાય….” અચાનક કાળુ-ભીખુને કાને એક કારમી ચીસ સંભળાઈ, આગળ ચાલતા બાપુ અચાનક ફસડાઈ પડ્યા અને ડાબો પગ પકડીને બેસી પડ્યા. અંધારામાં પણ કાળુ એ કાળોતરા સાપને ઓળખી ગયો… ડૉક્ટરે ઘણુ કર્યુ પણ કાળુ-ભીખાનો બાપ ૨૪ કલાકથી વધારે ના કાઢી શક્યો. પછીની જીંદગી બંને માટે ખૂબ મુશ્કેલી ભરી થઈ ગઈ, બાપુના વિરહમાં અને બમણી મજૂરી કરવામાં માનુ શરીર પણ કંતાઈ ગયુ અને એણે પણ છ જ મહિનામાં અનંતની વાટ પકડી લીધી. પંદર-સોળ વર્ષની કાચી ઉંમરમાં બંને ભાઈ સાવ અનાથ થઈ ગયા. પણ, એ દરમ્યાન એક અનોખી ઘટના ઘટી ગઈ. નોરતાની એ રાત્રે રાવલ સાહેબ જે કાળુના ગળાનો આહ્લાદ માણીને ગયા હતા એ તેને શોધતા-શોધતા ગામમાં આવેલા અને પટેલ પાસેથી જ્યારે એની આખી કથની સાંભળી એટલે એ બંનેને પોતાની સાથે શહેર લઈ જવા તૈયાર થઈ ગયા. કાળુ-ભીખુની જીંદગી કંઈક નવી જ દિશાની રાહ જોઈને બેઠી હતી….

રાવલ સાહેબ તો અપરિણિત હતા, એમને સંતાન તો ક્યાંથી હોય? બંને બાળકોને દત્તક લેવાની લાંબી પ્રક્રિયા પૂરી કરીને બંનેને પોતાનુ નામ આપ્યુ. હવે કાળુ-ભીખુ; એમની નવી સ્કુલમાં અને બહાર સમાજમાં પણ અનંત અને અનિકેત રાવલને નામે ઓળખાતા હતા. સ્કૂલમાં અનિકેતનુ તો પહેલા જેવું જ વલણ રહ્યુ; પણ અનંતે કૉલેજ સુધીનો અભ્યાસ પુરો કર્યો. અને ગાવાના શોખને આગળ વધારતા આ લાગણીશીલ છોકરાએ ગઝલ ગાયકીની દુનિયામાં મોટુ નામ કાઢ્યુ. રાવલ સાહેબે એને એક સરસ મજાનો રેકોર્ડિંગ સ્ટુડિયો પણ કરી આપ્યો હતો.

રાવલ સાહેબ અલગારી જીવ હતા, એમને કોઈ ઝાઝા મિત્રો પણ નહી, જે કોઈ મિત્રો હતા એ એમના પુસ્તકો જ.. હા, એક સક્સેના હતા જે એમના બાળપણનાં ગોઠીયા. દર અઠવાડીયે બંને મિત્રોની શતરંજની મહેફિલ ચોક્કસ જ હોય. કોઈ શનિવારે રાવલને ઘરે તો ક્યારેક સક્સેનાને ત્યાં, પણ બંનેને શતરંજ વગર ના ચાલે. સક્સેનાનો કન્સ્ટ્રક્શનનો ધીકતો ધંધો અને સુખી સંસાર પણ એક જ ખોટ – શેર માટીની. જો કે એને ત્યાં રહીને એક અનાથ છોકરો યશપાલ મોટો થઈ રહ્યો હતો. જ્યારે એણે જોયુ કે રાવલે અપરિણિત હોવા છતાં અનંત-અનિકેતને દત્તક લઈને પોતાનુ નામ આપ્યુ તો એને યશપાલ માટે આવુ કરતા કોણ રોકી શકે છે?? રાવલ સાહેબની પ્રેરણાથી યશપાલ પણ યશપાલ સક્સેના બની ગયો.

યશપાલ પણ ક્યારેક રાવલ-સદનમાં પાલક-પિતાની સાથે આવતો, એની સાથે અનંતને દોસ્તી કરતા અહોભાવનો ભાવ વધારે હતો. યશપાલ હંમેશા એને માટે એક કોયડારૂપ રહેલો… એના વિચારો-વર્તન એને સમજાતા નહીં, એને એટલી જ ખબર પડતી કે આવા લોકોને જ ક્રાંતિકારી કહેવાતા હશે. ઓહ…એ યશપાલ રાવલ સાહેબના સિધાવ્યા બાદ કાયમ અનિકેતને ટપાર્યા કરતો – કહેતો કે તારામાં શક્તિનો સાગર ભર્યો છે. એને સાચે ઠેકાણે વાળ, નહી તો અંજામ બહુ જ ખતરનાક આવશે. એ કેટલો સાચો હતો?? જો કે છેલ્લા કેટલાય વર્ષોથી એની સાથેનો સંબંધ નહી જેવો જ થઈ ગયેલો; હવે તો એ વર્તમાન રાજ્ય સરકારમાં મંત્રી પણ થઈ ગયો છે.

યશપાલનો ખ્યાલ આવતા અનંતની તંદ્રા અચાનક તૂટી; આખો ચહેરો આંસુથી ખરડાઈ ગયેલો હતો. જલ્દીથી વૉશરૂમમાં જઈ મોં ધોઈને ફ્રેશ થઈ ગયો. અને આજે સાંજે સપનાને બંગલે થયેલી વાતોના તાણા-વાણા ગોઠવવામાં લાગી ગયો. સપનાનું કહેવુ હતુ કે રાહુલે ડૉક્ટર માથુરને બ્લેકમેઈલ કરીને સંયોગની સારવારમાં અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો છે. અને હવે એ વાતની ખાત્રી મળતા કે તેમની દિકરીને સિમલામાં કોઈ હાથ નહી લગાડે એ પોતે જ વ્યવસ્થિત સારવાર આપવા તૈયાર થઈ ગયા છે તો ડૉક્ટર મયંકની એપોઈન્ટમેન્ટની હવે કોઈ જરૂર નથી. ડૉક્ટર માથુર શહેરનો જ નહીં પણ દેશનો પણ એક સૌથી બાહોશ જનરલ સર્જ્યન ડૉક્ટર છે અને એના હાથમાં સંયોગ સુરક્ષિત રહેશે જ..!! પણ એની દિકરીનું શુ?? એને કેવી રીતે સુરક્ષિત કરવી?? લાગે છે યશપાલને વાત કરવી જ પડશે. આવતીકાલે યશપાલની મુલાકાત ગોઠવવાનુ નક્કી કરીને રાત્રે ત્રણ વાગે પથારીમાં પડતુ મુક્યુ.

બીજે દિવસે યશપાલે અનંતનુ નામ સાંભળતા જ બાકીના બધા કામો પડતા મૂકી પોતાના આ જૂના ભાઈબંધને સાંજે મળવાનુ ગોઠવી દીધુ. ગાંધીનગરના મંત્રી આવાસમાં વિશાળ પણ સાદગી-ભર્યા અને સુઘડ એવા યશપાલ સક્સેનાના બંગલાની પરસાળમાં પગ મૂકતા જ અનંતનુ લાગણીશીલ હ્રદય પણ જૂના મિત્રને મળવાની ખુશીમાં જોરથી ધડકી ઉઠ્યુ. એકંદરે મુલાકાત અનંતે ધારી હતી એના કરતા વધારે ઉષ્માપૂર્ણ રહી, અનિકેતનો શોક વ્યક્ત કરતા યશપાલ જેવો ધીર-ગંભીર વ્યક્તિ પણ ઢીલો પડી ગયો જ્યારે અનંત તો તેને વળગીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો. અનંતે પોતાના આવવાનુ કારણ જણાવ્યુ, અને યશપાલે જ્યારે આખી વાત જાણી ત્યારે એણે રાહુલને તરત જ તેના જૂના ગુના બાબતે ઉઠાવી લઈને ફીટ કરી દેવાની વાત કરી. પણ અનંતે તેને રોકીને સમજાવ્યું કે સપનાની કંપનીને વલ્લભ એન્ટરપ્રાઈઝની જે ડીલ મળી છે એના લીધે જ શેઠ એન્દ કું. અત્યારે તો ટકી રહી છે. જો રાહુલને ખસેડી લઈશુ તો વલ્લભ એન્ટરપ્રાઈઝ સાવે-સાવ વ્યોમાના હાથમાં ચાલી જશે અને એનો કોઈ ભરોસો નહી કે એ શેઠ એન્ડ કું.ને કૉન્ટ્રાકટ ચાલુ રાખે કે તોડી નાખે.. બીજુ, વલ્લભ એન્ટરપ્રાઈઝ દ્વારા સીધી રીતે લગભગ ૧૦૦૦૦ અને આડકતરી રીતે લાખો લોકોને રોજગાર મળી રહ્યો હતો. એટલે, સાપ પણ મરી જાય અને લાઠી પણ ના ભાગે એવો ઉપાય શોધવો પડશે. હાલમાં તો સિમલામાં માથુરની દિકરીને અને અહીં સ્નેહાને સતત વૉચ પર રાખી એમને કોઈ રીતે ઉની આંચ ના આવે એટલુ કરીએ. યશપાલે અનંતને ખાત્રી આપી કે બંનેનો વાળ પણ વાંકો નહી થાય એની જવાબદારી મારી. વળી, સરકાર તરફથી સપનાની શેઠ એન્ડ કું, ને કાનૂનની હદમાં રહીને જે મદદ કરી શકાય એ કરવાની પણ યશપાલે તૈયારી બતાવી. બે કલાકની ગહન ગોઠડી પછી યશપાલના રસોઈયા એ બનાવેલુ બાજરીના રોટલા-રીગણનુ શાક ને ખીચડી-કઢીનું સાદુ વાળુ કરી બંને જૂના મિત્રો છૂટા પડ્યા. ગાંધીનગરથી પરત ફરતી વખતે અનંત ખૂબ ખૂશ હતો, અને સપનાને મળીને વાત કહેવા આતુર હતો. ગાડી સીધી જ લાઈફ સેવ તરફ વાળીને મુલાકાતીઓનો મળવાનો સમય પુરો થઈ જાય એની ૩૦ મિનિટ પહેલા એ સંયોગના સ્પેશ્યલ રૂમમાં પહોંચી ગયો.
ગ્રીલ્ડ ઝીંગાનો ટુકડો ચૉપસ્ટીક્સથી પકડી સ્વીટ-ચીલી સૉસમાં બોળીને મોંમાં મૂકતા રાહુલ ગાંધી વિચારી રહ્યો કે કામ ખૂબ અઘરુ અને અટપટુ હતુ પણ પાર પડી ગયુ એ જ મોટી વાત હતી. એતો સારુ થયુ કે આમાં પેલી નીલી આંખોને ના સંડોવ્યો, નહી તો બહુ મોંઘુ પડત. યશપાલ સક્સેનાના સેક્રેટરીની ગાડીમાં પેકેટ મુકાઈ ગયુ અને કોઈને કાનોકાન ખબર પણ ના પડી કે આ કોણે કર્યુ.. મકાઉ ટાવરની ટોચે આવેલી 180° Lounge and Grill માં બેઠા-બેઠા બુશમિલ સિંગલ મૉલ્ટ વ્હીસ્કીને ચુસ્કી લેતા એ બહારનુ બધુ જ ભુલી જવા માગતો હતો. એની આખા એશિયામાં ઑલટાઈમ ફેવરીટ જગ્યા હતી. અહીંથી લગભગ આખુ મકાઉ દેખાતુ હતુ. દિવસ દરમ્યાન લગભગ સુસ્ત અને નિરસ દેખાતી બિલ્ડીંગો રાત ઢળતા જ રોશનીમાં નહાઈ ઉઠે છે!! મકાઉ આમ તો ચીનની દક્ષિણે અને હોંગકૉંગની પશ્ચિમે આવેલો એક નાનકડો ટાપુ દેશ હતો… અને એનુ સંચાલન બ્રિટીશરોના હાથમાં હતુ, ૧૯૯૯માં બ્રિટને એ ચીનને સોંપી દીધુ પણ શરત સાથે કે એનું રાજકિય અને વ્યાપારિક સ્ટેટસ આવતા ૫૦ વર્ષો સુધી ના બદલાવુ જોઈએ.. ચીની સરકારે શરત માન્ય રાખી અને મકાઉ – કે જેને ત્યાંની નાનકડી સરકારે એક ટુરિસ્ટ કમ કેસિનો સીટી તરીકે વિકસાવ્યુ હતુ તેમ જ રહેવા દીધુ. આજે મકાઉ પૂર્વનુ લાસ-વેગાસ કહેવાય છે; નેપાલના કાઠમંડુ કે ગોવાના કેસીનો કરતા પણ મોટા-આધુનિક અને લક્ઝરી કેસીનો અહીં વિકસાવાયા છે; શોખીનો માટે ખાવા-પીવાની અને નાઈટલાઈફની ખૂબ જ મજા છે..

કારમી ગરીબી અને આંશિક ગુનાખોરીની જીંદગીમાંથી વ્યોમાને પરણીને રાતો રાત વ્યોમા-પતિની સાથે સાથે અબજો પતિ પણ બની જનાર રાહુલને આવી જીંદગી બે-ત્રણ દિવસ પણ જીવીને જાણી પોતાની જન્મજાત બહેનપણી એવી ગરીબીને મ્હાત આપી રહ્યો હોય એવુ અનુભવી રહ્યો હતો . એટલે જ એ જ્યારે પણ બિઝનેસ ડીલ માટે હોંગકોંગ અને ત્યાંથી ચીનમાં શેનઝેન કે ફુઝોઉ જતો ત્યારે બે દિવસ બધુ જ ભુલીને અહીં મકાઉમાં રોકાઈ જતો. અહીંથી દેખાતો અતિ- અતિ વૈભવી જીંદગીનો આ નજારો રાહુલને ખૂબ જ ગમતો અને એનાથી વધારે એને આ લાઉન્જનુ ફૂડ વધારે આકર્ષિત કરતુ. જન્મથી જ ઘરમાં મરજાદી ધરમનું વાતાવરણ હોવાને લીધે નોન-વેજની તો શુ ઈંડાની વાત પણ ઘરમાં ના થઈ શકે.. જો કે, એ તો સ્કુલ કાળથી જ પોતાના છેલબટાઉ મિત્રો જોડે નોન-વેજ ફૂડની મોજ માણી ચૂક્યો હતો. પણ જો એ ઘરમાં કે ઈવન ગુજરાતમાં હોય તો નોન-વેજને હાથ ન અડાડતો. પણ આ લાઉન્જમાં ગ્રીલ્ડ સી ફૂડ એની મનપસંદ ડીશમાંથી એક હતુ. ગુજરાતમાં છાનામાના પિવાતા દારૂને બદલે અહીં મળતી સિંગલ મૉલ્ટ વ્હીસ્કીની વાઈડ રેન્જમાંથી એ કાયમ એની ફેવરીટ બુશમિલ આઈરિશ વ્હિસ્કી ઑર્ડર કરતો. એની વેનિલા જેવી ખુશ્બુ અને સહેજ કડવા-મીઠા સ્વાદમાં એ ખરેખર ખોવાઈ જતો.

પણ હજુ સુધી એના જેવા ખંધા ખેલાડીને પણ એ વાતની ગડ ના બેઠી કે સાવ સાફસૂથરા યશપાલ સક્સેનાના સેક્રેટરીની ગાડીમાં પેલુ ડ્રગ્સનું પેકેટ મુકાવવામાં કોને રસ હોઈ શકે?? ભાઈ-લોગ ,જેના એને ફોન આવ્યા હતા અને કામ પૂરુ કરવાનુ કીધુ હતુ એમને તો આ બધા રાજકારણ માં કંઈ રસ ના હોય. વિચારોના વમળમા અટવાયેલો રાહુલ બુશમિલના ચાર શૉટસ્ મારી ચુક્યો હતો પણ એના શાતિર દિમાગને કોઈ જ કડી મળી નહી … ત્યાં જ પાછલથી એક ધીમો ધબ્બો પડ્યો અને કાઠીયાવાડી લહેજાની શુધ્ધ ગુજરાતીમાં કોઈ અવાજ આવ્યો …”કાં રાહુલ ભા….ય, એકલા એકલા જ પીવો છો કે??” રાહુલને થયુ, અરે?? આટલે દૂર આવી જગ્યા પર કોઈ કાઠીયાવાડનો ગુજરાતી?? રાહુલ હજુ આવા સુખદ આઘાતમાંથી બહાર આવે એ પહેલા તો પાછળ રહેલી વ્યક્તિ પ્રગટ થઈ .

સફેદ કૉટનનો આખી બાંયનો શર્ટ અને એવુ જ સફેદ દૂધ જેવુ પેન્ટ અને ૬ ફૂટ ૨ ઈંચની કસરતી કાયા પર એકદમ ચપોચપ બેઠા હતા . ઈટાલિયન બ્રાન્ડ “આલ્ડો” ના લેટેસ્ટ ડિઝાઈનના કાળા સૂઝ લાઉન્જની આછી રોશનીમાં પણ ચમકતી હતી .ગૌર ચહેરા પર જાડી કાળી મૂછના થોભિયા અને એવા જ કાળા ભમ્મર વાંકડિયા પણ પ્રમાણસર કાપેલા વાળ. લગભગ ૫૦-૫૨ની આસપાસનો આ વ્યક્તિ રાહુલનો હાથ જાતે જ પકડી તેની સાથે શેઈક હેન્ડ કરતા બોલ્યો … “કેમ ઓળખાણ નૉ પય્ડી?? જનાર્દન વાઘેલા. આપણી વિધાન સભામાં વિરોધપક્ષનો નેતા; ખાસ થૅન્ક્યુ કહેવા કાઠીયાવાડ થી આંય મકાઉ હુધી લાંબો થ્યો છુ ભાય…!!”

રાહુલે વિચાર્યુ “ઑહ… તો આ છે એ પેકેટનો મુકાવનાર..!!” આટલી વ્હીસ્કી પીધા પછી પણ બદનમાંથી એક ઠંડુ લખલખુ પસાર થઈ ગયુ…!!

— વત્સલ ઠક્કર
કડી…૨૨

11650523_503509499803773_966965721_n

બુશમિલ સિંગલ મૉલ્ટ વ્હીસ્કીના ચાર- ચાર શોટ્સ પછી પણ રાહુલના મગજ પર બુશમિલને બદલે જનાર્દન વાઘેલાની કાંટાથી કાંટો કાઢી નાંખવાની નીતિનો નશો વધારે ચઢી રહ્યો હતો. સ્થાનિક રાજકારણમાં પોતે એક પ્યાદું બની ગયો છે એ જાણ થવામાં રાહુલને ખુબ મોડું થઇ ચુક્યું હતું પણ એને ક્યાં ખબર હતી બુશમિલ અને યશપાલને ડ્રગ્સમાં ફસાવવાના કેસ ને’ય ભૂ પીવડાવે એવો આંચકો હજુ એની રાહ જોઈ રહ્યો હતો. જનાર્દન વાઘેલાના ગયા પછી બુશમિલના બીજા બે શોટ્સ લગાવ્યા પણ નશો ચઢવાને બદલે ટેન્શન ચઢી રહ્યું હતું. સંયોગ, સપના, વ્યોમા, અવનિ, બ્લ્યુ આઈઝ, યશપાલ, વાઘેલા, માથુરના ચહેરા રાહુલને ચારેકોરથી ભીંસી રહ્યા હતા. બુશમિલ આજે ફિક્કી જણાતા વોડકાનો ઓર્ડર આપી બબડ્યો, જનાર્દનનો ઈલાજ કરવો પડશે. બે પેગ વોડકા પેટમાં પધરાવ્યા પછી પોતાની ફેવરિટ ક્યુબન સિગાર સળગાવી ઉઠતી ધુમ્રસેરોને તાકી રહ્યો. ધુમાડો ગાઢ થઇ એક રૂપમાં બદલાવા મથી રહ્યો અને રાહુલના મોં પર રમતિયાળ સ્મિત ફરકી ઉઠ્યું.

ખુબ જ ટૂંકા ગાળામાં રાહુલ જેનો પ્રશંસક બની ચુક્યો હતો એ બ્લ્યુઆઈઝને ગેટ ડીટેઈલ્સ ઓફ જનાર્દન વાઘેલાનો એસ.એમ.એસ. કર્યા પછી રાહુલે શાતા અનુભવી. ખુબ જ ટૂંકા ગાળામાં ગુનાખોરીને સ્માર્ટલી અંજામ આપવામાં બ્લ્યુ આઈઝે નામના મેળવી હતી. ૨૬-૨૭ વર્ષની ઉમર, કોલેજીયન લુક અને શાતિર દિમાગ એ જ એકમાત્ર ઓળખ બ્લ્યુ આઈઝની. નામ તો એનું કોઈને જ ખબર નહિ, પોતાને અનાથાશ્રમનું સંતાન તરીકે ઓળખાવતા બ્લ્યુ અઈઝ્ને કોઈક નટવર તરીકે તો કોઈક શોભરાજ તરીકે ઓળખે પણ ખરું નામ-ઠેકાણું વિષે ક્યાંય કોઈ પતો નહિ. પોતાને અને ક્લાયન્ટને સંડોવ્યા વગર ક્રાઈમ ઓર્ગેનાઈઝ્ડ રીતે પુરા પાડવાની એની આવડતે કોર્પોરેટ વર્લ્ડમાં ખુબ જાણીતો કરી દીધો હતો. બિઝનેશ ડીલ ક્રેક કરવાથી માંડી હરીફોનું કામ તમામ કરવા સુધીના કાર્યો બ્લ્યુ અઈઝ્ના પોર્ટફોલિયોમાં હતા. કહેવાતું કે આ છોકરો મુમ્બૈયા અન્ડરવર્લ્ડમાં માસ્ટરમાઈન્ડ તરીકે કામ કરતો પણ કોર્પોરેટ વર્લ્ડમાં શરુ થયેલી કાવાદાવાની રમતનું ભવિષ્ય પારખી એણે કોર્પોરેટ ક્લાયન્ટ માટે એજન્ટ તરીકે કામગીરી કરવાનું શરુ કરી દીધું હતું. રાહુલ વિચારતો કે એની ઓળખ જે હોય તે પણ કામ કરવાની રીતભાત આગવી હતી. કામ આપ્યું નહિ કે ધાર્યા કરતા ઝડપી નિકાલ આવે અને એટલે જ રાહુલ એસ.એમ.એસ. કર્યા પછી નિશ્ચિંત બની ગયો.

મગજ શાંત થતા વ્હિસ્કી, વોડકા અને સિગારના નશાએ કામ કરવા માંડ્યું હતું. મકાઉની ગલીઓ અને જૂની મુલાકાતો યાદ આવતા રાહુલ સળવળી ઉઠ્યો. શરીરના અંગોમાં લોહી ઉછાળા મારવા માંડ્યું અને રંગીન રાતો યાદ આવતા હોટેલનો રૂમ બંધ કરી કોટના ખિસ્સામાં બે સિગાર સરકાવી મકાઉની રંગબેરંગી ગલીઓમાં નીકળી પડ્યો. સિગારનો કસ ખેંચતા એક એક થી ચઢીયાતા ચહેરા, ખુબસુરતીના તમામ સાગરોને પોતાની કાયામાં સમાવી ઉભેલી લલનાઓને નીરખતો રાહુલ આગળ વધી રહ્યો હતો અને અચાનક વ્યોમાની હાજરી અનુભવી છળી ઉઠ્યો. ખુણામાં અદ્દલ વ્યોમા જેવી જ બ્રાઉન આંખો ધરાવતી રશિયન રૂપસુંદરી નિહાળી રાહુલ ક્ષણભર ડરી ગયો હતો અને આ ડરમાં થી મુક્ત થાય એ પહેલા જ કોટના ખિસ્સામાં રહેલો ફોન રણકી ઉઠ્યો. મોબાઈલ સ્ક્રીન પર વ્યોમાનો હસતો ચહેરો જ્યાં ફ્લેશ થયો ને રાહુલના મોઢેથી ગાળ સરી પડી. ક-મને મોબાઈલ કાને લગાડ્યો ને સામા છેડેથી આવતા અવાજે રાહુલના કપાળ પર પસીનો ફૂટી નીકળ્યો. ફોન કટ કરી નજીકની ફૂટપાઠ પર બેસી પડેલા રાહુલના કાનમાં રહી રહી ને વ્યોમાનો અવાજ “માય સ્વીટ હબ્બી, જનાર્દન સાથેની મિટિંગ મઝેદાર રહી હશે ?”ગુંજી રહ્યો હતો.

રેશમી સ્મિત, કાતિલ અદા અને હુસ્નની મલ્લિકા સમ વ્યોમા યુવાકાળથી ભલભલા ચમરબંધીઓને પોતાની કાયાના કામણ લગાડી ચુકી હતી. જનાર્દન એટલે આવું જ એક નામ કે જેને વ્યોમાની સોબત હમેશા આકર્ષિત લાગતી. કોલેજકાળમાં ફાંકડા છેલબટાઉ જનાર્દન અને વ્યોમાની જિંદગી અલગ જ મોડમાં પ્રવેશી ચૂકી હતી અને એમના વચ્ચેનો પ્રેમ વ્યોમાને બેજીવી બનાવી ગયો હતો. બન્ને સાથે મળી સબંધો પર મહોર મારે એ પહેલા જ રાજ્યમાં રાજકીય પરિસ્થિતિએ નાજુક વળાંકો લીધા અને એની આડઅસરથી બચવા જનાર્દને તમામ સબંધો સ્થગિત કરી ભૂગર્ભ જતા રહેવું પસંદ કર્યું. સબંધો સ્થગિત થઇ ગયા પણ વ્યોમાના અંદર ઉછરતો જીવ ક્યાં સ્થગિત થઇ શકતો હતો. ઉભરતા જતા પેટ સાથે વ્યોમાએ કોલેજ જવું ભારે પડી રહ્યું હતું પણ નસીબ જોગે રાજકીય પરિસ્થિતિઓ બેકાબૂ બનતા કોલેજમાં લાંબો સમય હડતાળ અને રજા જેવી સ્થિતિ રહી. રાજકીય સ્થિતિએ જનાર્દનથી વિખુટી પાડી દીધી હતી એ જ સ્થિતિએ વ્યોમાને ઘરે રહેવા મોકળાશ કરી આપી અને ઘરે રહીનેજ ડિલીવરી પણ થઇ ગઈ. થયેલ બાળક કરોડપતિ વ્યોમાના કુટુંબની પહોંચથી કોઈને પણ જાણ થયા વગર આનાથાશ્રમમાં પહોંચી ગયું હતું અને વ્યોમા જાણે તમામ ભારમાંથી મુક્ત થઇ ગઈ.

પોતાની મકાઉ મુલાકાત દરમ્યાન રશિયન અને બ્રાઝીલીયન શરીરનો આશિક રહેલો રાહુલ બ્રાઉન આઈઝ જોયા પછી દુર ભાગી રહ્યો હતો. કઈ-કેટલાય ચહેરા જોયા પણ એકેય રાહુલને રીઝાવી ન શક્યો અને ત્યાં જ ગૌરવર્ણો ભારતીય છાંટ ધરાવતો પરિચિત નેપાળી ચહેરો જોઈ રાહુલ મુસ્કુરાઈ ઉઠ્યો. દેશ-દેશના અને જાત-ભાતના ગ્રાહકોની સંગત માણી ચૂકેલ નેપાળી રૂપલલના સામું હસી ઝગમગાતા રૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશી ગઈ, રાહુલ પણ વશમાં હોય એમ પાછળ પાછળ દોરાયો અને રૂમનો દરવાજો બંધ થઇ ગયો. નિયમિત જુના ગ્રાહકની પસંદને સુપેરે જાણતી મેહાએ પોતાનું કાર્ય શરુ કરી દીધું, અંગોનું ઉત્તેજક પ્રદર્શન, રાહુલના શરીર સાથે અડપલા, રાહુલને પોતાનામાં સમાઈ જવા આપેલું ઉત્તેજક આમંત્રણ કેમેય કરી રાહુલને મૂડમાં ન લાવી શક્યું. શાંત અવાજમાં વાગતું બ્રાઝીલીયન સંગીત, પરફ્યુમની માદક મહેંક, મેહાની ઉત્તેજક વાતો અને ફેવરિટ વ્હીસ્કીની સોડમમાં પણ રાહુલ બોઝિલતા અનુભવી રહ્યો હતો. પોતાના ગ્રાહકના ટેસ્ટને જાણતી મેહાએ બે સિગારેટ લઇ તમાકુ કાઢી પાવડર ભર્યો અને સળગાવી રાહુલને આપી. એક સિગારેટ પોતે સળગાવી મેહાએ ફરી અડપલા શરુ કર્યા અને મારિજુઅનાનો નશો રાહુલને ડોલાવી ગયો. સવાર પડે એ પહેલા જ રાહુલની આંખો ઉઘડી અને એણે બહાર જવાની તૈયારી કરી લીધી. અવાજથી જાગી ઉઠેલી મેહા સમજી ગઈ કે સાબજીને આજે ઉતાવળ લાગે છે. એણે ઉભા થઇ ટેબલના ડ્રોઅરમાંથી એક નવીનક્કોર ટાઈ કાઢી રાહુલને પહેરાવી દીધી. રાહુલ મકાઉ પતાકાની ૧૦૦-૧૦૦ની કડકડતી નોટોનું બંડલ મેહાના હાથમાં પકડાવતા વિચારી રહ્યો, ઇન્ટરનેશનલ માર્કેટમાં મોટી કિમતમાં મળતું હસીશ અને મારિજુઆના આ નેપાળી પાસેથી કેટલું સસ્તું મળી રહે છે અને એ પણ કેટલી સિફતથી. ટાઈમાં કાપડ સાથે પડ બનાવી ચોંટાડેલું હસીશ અને મારિજુઆના કોઈના હાથમાં પણ ના આવે.

સવાર પડે એ પહેલા જ બ્લ્યુ આઈઝે કામ પૂરું કરી દીધું અને એની ટેક્સ્ટ રાહુલને પહોંચતા જ રાહુલની નમણાની નસો તંગ થઇ ગઈ. કંઇક નિર્ણય કરી જૂની જાણીતી જગ્યાએ પહોંચી થોડી પૂછપરછને અંતે જોઈતી ચીઝ મેળવી લીધી અને મોબાઈલ ફોન કાઢી એક એસ.એમ.એસ. કર્યો અને કાતિલાઈ ભર્યું જાતે જ હસી હોટલની વાટ પકડી. મકાઉ છોડવાની તૈયારી રૂપે રાહુલે બેગ પેક કરી અને એરપોર્ટ જવા ટેક્સી તૈયાર રાખવા હોટલ રિસેપ્શન પર સુચના આપી.

સંયોગ એક-એકલા હાથે ઓફિસના બધા વિભાગો કેમ સંભાળતા હશે એમ વિચારી સપના ડેસ્ક પરની ફોટોફ્રેમમાં ફૂલગુલાબી સંયોગને અહોભાવથી નીરખી રહી હતી. બિઝનેશ ડીલ્સ, માર્કેટિંગ, એડમીનીસ્તરેશન, ફાઈનાન્સ બધું જોવામાં સપના થાકી જતી હતી અને પાછુ ઉદ્યોગમંત્રી યશપાલ સક્સેનાએ સામે ચાલી ટેલિ-મેડિસીનના ક્ષેત્રમાં કામગીરી કરવાનું આપેલું સુચન એમ કેટલીય બાબતો એકલા હાથે સંભાળવામાં સપના મૂંઝવણ અનુભવતી હતી. ઉપરથી રાહુલના પ્રપંચો ઓળખી ગયેલી સપના રાહુલની કંપની સાથેના કામનો પનારો પાડવા કોઈ અંગત ચહેરાની શોધમાં હતી. લાંબા સમય સુધી રિવોલ્વીંગ ચેર પર ચુચાપ બેસી રહી અને અચાનક કંઇ યાદ આવતા કારની ચાવી લઇ નીકળી પડી.

રાહુલનો એસ.એમ.એસ. મળતા જ એની ફ્લાઈટના સમયે વ્યોમાએ વિશ્વાસુ ડ્રાઈવર મેરૂભાઈને મર્સિડીઝ લઈને એરપોર્ટ પર મોકલી આપ્યા હતા. આમ તો વ્યોમાની ઈચ્છા હોટલમાં જઈ જમવાની હતી પણ ક્યાંક જનાર્દન વિષેના તેના ફોનથી ગુસ્સે ભરાઈ રાહુલ હોટલ પર જ તમાશો ન કરે એ ડરથી એણે ઘરે જ મહારાજને કહી રાહુલની ફેવરિટ ડીશ તૈયાર કરાવડાવી દીધી હતી અને આમે’ય રાહુલની જમવા સમયે પીવાની આદત હોટલમાં ક્યાં પૂરી થાય એવી હતી. ઓળો, ગટ્ટાની સબ્જી, બાટી, દાળની કામગીરી મહારાજને હવાલે કરી વ્યોમા સ્વિમિંગ પુલની પાસે લોનમાં ટેબલ સજાવવામાં લાગી ગઈ હતી. પુલની બરાબર અડીને ટ્રોલીમાં રાહુલની પસંદની વ્હિસ્કી, વોડકા, શેમ્પેઇન સાથે જાણે મીની બિયરબાર ઉભો કરી દીધો હતો. જનાર્દનનો સાથ લઈ રાહુલને હવે વશમાં રાખી શકાસે એમ વિચારી મનોમન ખુશ થતી વ્યોમા ઘરમાં દાખલ થઇ ગઈ.

બંગલામાં પ્રવેશતા પહેલા વ્યોમાએ કરેલી તૈયારી જોઈ રાહુલને અચરઝ થયું પણ મકાઉથી લીધેલ પડીકીનો કઈ રીતે ઉપયોગ કરવો એ વિચારમાં ને વિચારમાં બંગલામાં ક્યારે પ્રવેશી ગયો એ ખબર જ ન રહી. દીવાનખંડમાં વ્યોમાની હાજરી ન જણાતા બેડરૂમમાં જતા પહેલા કિચન તરફ નજર કરી પણ ત્યાં’ય વ્યોમા નદારદ હતી. બેડરૂમનો દરવાજો ખોલતા જ રાહુલની આંખો પહોળી થઇ ગઈ, ફૂલસાઈઝ મિરરમાં પોતાને નિહાળી રહેલ મરુન ગાઉનમાં સજ્જ વ્યોમાને જોઈ રાહુલને લગ્નની શરૂઆતના દિવસો યાદ આવી ગયા. રાહુલ કઈ સમજે એ પહેલા જ વ્યોમા પાછળ ફરી રાહુલને વળગી પડી અને ગાલે તસતસતું ચુંબન ચોઢી દીધું. ગાઢ આશ્લેષ અને ચુંબનની આપ-લે કરી બન્ને છુટા પડ્યા અને ફટાફટ ફ્રેશ થઇ લોનમાં આવવા રાહુલને કહી વ્યોમા વિજળી ઝડપે નીકળી ગઈ.

લોનમાં આવતાં પહેલા ખિસ્સામાં રહેલી પડીકીને દબાવી જોઈ અને ધીમા પગલે નાનકડા ડાઈનીંગ ટેબલ પર આવી વ્યોમાની બાજુમાં બેસી ગયો. રાહુલને એની ફેવરિટ શિવાઝ રીગલનો ગ્લાસ ધરી વ્યોમાએ પ્લેટ તૈયાર કરવા માંડી. શિવાઝ ચુસકીઓમાં રાહુલને અજીબ પણ જાણીતો બીજો સ્વાદ આવી રહ્યો હતો પણ કઈ સમજે એ પહેલા ઘોળીને વ્હિસ્કીના ગ્લાસમાં મેળવી દેવામાં આવેલ અફીણ વધુ માત્રામાં હોવાના કારણે તરત અસર કરી ગયું હતું. વ્હિસ્કી અને અફીણના ડેડલી કોમ્બીનેશને રાહુલના મગજ પર અવળી અસર કરી અને વ્યોમા જનાર્દન વિષે દબાવી રાખેલો ગુસ્સો બહાર આવી ગયો અને વ્યોમા પર બરાડી ઉઠ્યો. જનાર્દનની અસલિયત, તેનું એની સાથે કનેક્શન અને એ સબંધોથી થયેલા બાળક વિષે રાહુલને કઈ રીતે ખબર પડી હશે એ વિચારથી વ્યોમા મૂંઝવણમાં મુકાઇ ગઈ હતી અને રાહુલના બરાડવા છતાં કોઈ પ્રત્યુત્તર નહોતી આપી રહી. રાહુલની આ બબડાહત પોલીસના આગમનથી થોડી અટકી પણ નશા વિષે પોલીસ ઈન્સ્પેક્ટરે પૂછતાં રાહુલ એમના પર પણ વરસી પડ્યો, “યુ કાન્ટ અરેસ્ટ મી; આઈ હેવ અ લીકર પરમિટ.. ” “યેસ મિસ્ટર, આપને દારૂની પરમિટ છે અફીણની નહિ..” એમ કહેતા જ ઈન્સ્પેક્ટરે રાહુલને હાથકડી પહેરાવી દીધી અને પોલીસ જીપ તરફ ઈશારો કર્યો. રાહુલને લઇ પોલીસજીપ રવાના થઇ અને થોડે દુર ગલીને બીજે છેડે ઉભેલી હોન્ડાસીટીમાંથી આ દ્રશ્ય જોઈ રહેલ વ્યક્તિ પણ રાહુલના ડ્રાઈવર પર રમેલી બાજી સફળ રહી એમ વિચારતા મૂછે તાવ દઈ; એન્જિન ચાલુ કરી પાછળ પાછળ રવાના થઇ.

કોલેજ કાળની અનન્ય સાથી બેલડી સ્પર્શ-સંવેદનાથી વધુ સારો ઓપ્શન શું હોઈ શકે એ વિચાર આવતાંજ સપના ખુશ થઇ ગઈ હતી. સંયોગને ડીલ મળી એ પાર્ટીમાં સ્પર્શ અને સંવેદનાને મળ્યા પછી આટલો બધો સમય કોઈ સંપર્ક ન રાખવાથી સપના થોડી મૂંઝાઈ રહી હતી. પરંતુ હિમત કરી કાર લઇ સ્પર્શ-સંવેદનના ઘરે પહોંચી ગઈ. ચા- નાસ્તાને ન્યાય આપી સપનાએ પોતાની ઈચ્છા અને મનના ભાવ સ્પર્શ અને સંવેદના સમક્ષ ખુલ્લા મૂકી દીધા અને બિઝનેશમાં રાહુલની કંપની વાળા પ્રોજેક્ટમાં પાર્ટનર તરીકે જોડાઈ કામ હાથમાં લેવા આમંત્રણ આપ્યું. કોલેજકાળથી સપનાની ચાતુર્યતા અને સાલસતાથી પરિચિત બેલડી સપનાને ના ન કહી શકી અને ત્યાં જ સપના પાસેથી પ્રોજકેટની પ્રાથમિક વિગતો મેળવી સપનાને ધરપત આપી. સંવેદના-સ્પર્શ સાથે ધાર્યા મુજબ કામગીરી પત્યા બાદ પણ સપના હજી મૂંઝવણમાં હતી. ઘરે પહોંચ્યા સુધી આખા રસ્તે કાર ચલાવતા ચલાવતા સપના વિચારી રહી હતી, બાપની ઓળખ વગર અવનિ બાળકને જન્મ કઈ રીતે આપશે અને અવનિની જવાબદારી લેવા એની સાથે લગ્ન કરી લેવા અનંતને કઈ રીતે સમજાવવો.

આંખના પલકારામાં તમામ ઘટના ઘટી હોવાના કારણે વ્યોમા મૂંઝાઈ ગઈ હતી અને વ્યોમાને પ્યાદું બનાવી રાહુલને ફસાવી ગયેલો જનાર્દન પોલીસ સ્ટેશનમાંથી આવેલ ફોનના કારણે વધુ ખુશ થઇ ગયો હતો. ડ્રગ્સ અને મર્ડર પ્લાનિંગ કેસમાં રાહુલને ફીટ કરાવી નાંખવાની ધમકી પોલીસ ઇન્સ્પેક્ટર મારફત અપાવડાવ્યા પછી ડરેલા રાહુલનો યશપાલ સામે શું ઉપયોગ કરવો એ વિચારી રહ્યો.

—- મ.રીઝવાન ઘાંચી

કડી…૨૩

10012679_653125078086797_3632119620082696887_o

સપના વિચારોના વમળમા ફસાયેલી હતી. ડોકટર માથુરના શબ્દોના પડઘા હજુયે તેના કાન ફાડી રહ્યા હતા. રાહુલ ગાંધીની ચુંગલમાંથી સંયોગને કેવી રીતે બચાવવો? કેવી રીતે શેઠ એન્ડ કુ.ને તૂટતી બચાવવી? સંયોગ અને વ્યોમાના ફોટૉગ્રાફ્સ એક પળ માટે પણ દિમાગમાંથી ખસતા ન હતા. શું કોઇક સાથેના મારા આવા નિકટના ફોટા જોઇને પણ સંયોગ મને તેની પત્નીનો દરજ્જો બરકરાર રાખવા દે..? સપનાની આંખે અંધારા આવી ગયા. અંધારામાં તેને ટોળા જ ટોળા દેખાતા હતા. મકાનોનું ટોળું, માણસોનું ટોળું, નામ નંબરોનું ટોળું, વાહનોનું ટોળું..!! આ ટોળાઓની રંજાડમાંથી છુટીને તેને શાન્તિથી બેસવુ હતુ…કોઇ બગીચાના બાંકડે..! અરે, ત્યાં પણ કોઈ છુપી દહેશત તેનો પીછો નથી છોડતી. શું બગીચામાં ફુલોના ટોળા, માણસોના ટોળા જેવા નહીં હોય ? સપના લગભગ સ્વગત જ બબડવા લાગી હતી. ક્યાંથી અને કેવી રીતે આવી ગઈ આ ક્ષણ, અમારા સંબધમાં ? ના, હું અમારા સંબધને ચિરાવા નહીં દઉ. અને આ હકીકત સંયોગ પણ જાણતો હતો અને હું પણ જાણુ છું. પણ જે વાતથી હું સાવ તુટી જ ગઈ એ બાબત તો સાવ અલગ જ છે. સંયોગ આમ અવારનવાર વ્યોમાને કિંમતી ચીજવસ્તુઓ ભેટ આપે, અને મને વાત પણ ના કરે? કેટલીય વાર બન્યુ હતું આવુ. અરે, ખુદ ડ્રાઈવરે આ વાત કન્ફર્મ કરી છે.

પતિ-પત્ની વચ્ચે ભલે ગૂંચવાયેલી સમસ્યાઓ હોય, ગમે તેટલા તીવ્ર ગમા-અણગમા હોય, પણ લગ્નજીવનની કે ચારિત્ર્યની સીમાઓ ઓળ્ંગી જવાનો કોઇને પરવાનો નથી મળી જતો. સંયોગ મારી પાસે છે પણ મારી સાથે છે ખરો? એક્ઝેટલી કેવું ફીલ થાય છે મને? જીંદગી સાવ ખાલી ખાલી કેમ લાગે છે? શું હું અસહાય થઈ ગઈ છું? હારી ગઈ છું? જીંદગીના આ વળાંક પર શું આ જ છે મારી સચ્ચાઈ? પણ હું આ વળાંક પર પહોંચી કેવી રીતે? સપના જાણે કે માનવ-મનની અકળ દુનિયામાં પ્રવેશી રહી હતી; તીવ્ર વિરોધાભાસો વચ્ચે જાણે કે ઝોલા ખાઈ રહી હતી. ક્યારેક લાગતુ, કે એક સપનાની અંદર બીજી કેટલીયે સપનાઓ છુપાયેલી છે, તમામ એક બીજાથી તદ્દન વિરુધ્ધ. તેને ખબર નહોતી કે આગળ શુ થવા ધાર્યુ છે? -“ખબર નથી અને હવે વિચારવું પણ નથી.અહીં જ અટકું નહીતર વિચારોના વંટોળમા અટવાઈ જઈશ” એવું વિચારી સપનાએ પોતાની અંદર રહેલી સપનાને હુકમ કર્યો –“ઉઠ…સંયોગ માટે સંજોગો સાથે બાથ ભીડ..! કશુંક કરી લેવાના પાકા ઈરાદા સાથે તેણે ડગ માંડ્યા.

સપના….મારો ટુવાલ બાથરુમમાં મુકી દેજે સપના…અને મારા મોજા હાથરુમાલ….બધું તૈયાર છે ?? હું શાવર લઈને બહાર આવું ત્યારે મને બધું તૈયાર જોઇએ હો…!! સંયોગ… હજુ તમે છાપું જ વાંચો છો? બધુ તૈયાર હોવા છ્તાં નહાવા નથી ગયા…? હવે તમે થોડીવાર રહી જાવ, હું જ્યોતિષને ફોન કરી સારું મુહુર્ત કઢાવી લઉં પછી જ જાવ બાથરુમમાં…..અને એ પહેલાં મને સ્નેહાને તૈયાર કરી લેવા દો એને સ્કુલ જવાનું મોડું થાય છે…ના હો…હું પહેલાં…હમણાં મને લેવા ડ્રાઈવર આવશે અને એમ બોલતાં સંયોગ બાથરુમમાં જતો રહ્યો. સંયોગને બાથરુમનો દરવાજો બંધ કરવાની આદત તો હતી જ નહી. સપના ખીજાઈ બબડતી બબડતી બાથરુમના દરવાજા સુધી પહોંચી …હવે ઝડપ રાખજો સાહેબ્….આજે તો સ્નેહાને સ્કુલે પણ તમારે જ મુકવા જવી પડશે….સ્કુલની પ્રિન્સીપાલ મેડમ કંઈ મારી માસીની દીકરી બહેન તો છે નહીં કે સ્નેહા મોડી આવે તે ચલાવી લેશે..?? પણ હા….તમે મુક્વા જશો તો એ સ્નેહાને તાજું અરબી ગુલાબ આપી વધાવી લેશે …તમારી આશિક છે એ મંજરીમેડમ..(મનમા…દાંત કચકચાવીને બોલી, ચિબરી સાલી…)
એવામા અચાનક સંયોગે તેને હાથ પકડી શાવર નીચે ખેંચી ગયો…સંયોગ…. સ્ટોપ કીડીંગ ડીયર …આ શું??? …અરે મારો મોબાઈલ… ઉફ્ફ્….મોબાઈલ પલળી ગયો….તમારી આપેલી બર્થડે ગીફ્ટ બરબાદ થઈ ગઈ…જોકે સપના પણ રોમેન્ટીકમુડમાં આવી ગઈ હતી. !! જીવનની ભાગદોડમાં વહી ગયેલા કેટલાંય વર્ષો સંયોગના બે મજબુત હાથ વચ્ચે ઓગળતા રહ્યા … કેટલાય સમયથી પ્રેમાળ સ્પર્શ માટે તરસતી સપનાની પીઠ પર સંયોગનો હાથ ફરતો રહ્યો. આજે શબ્દોને ક્યાંય સ્થાન જ ના હતું છતાંય છુટાછવાયા શબ્દો પણ પ્રેમની ચરમસીમા ઓળંગી ગયા…સંયોગે હળવેથી સપનાના ભીના વાળની લટ સરખી કરતા કહ્યુઃં “મને માફ કરી દે, સપના, તારી મુશ્કેલીઓમા હું સાથે ના રહી શક્યો…” સંયોગના હોઠ પર આંગળી મુકી વાતને અડધેથી કાપતાં જ સપના બોલી,” હું તો ખુબ ડરી ગઈ હતી.. ક્યાંક કોઇ મને તમારાથી અલગ ના કરી દે…” સંયોગે સપનાના મૉં પર હાથ મુકી દઈ આગળ બોલતાં અટકાવી દીધી અને કહ્યું…..”દુનિયાની કોઇ તાકત સંયોગ-સપનાને અલગ નહી કરી શકે….ભગવાન પણ નહીં…” પ્રેમરસથી તરબોળ સપના ભીનાં થયેલા વાળ સુકવતાં કૈલાસ ખેરનું ગીત ગણગણી રહી…તુને ક્યા કર ડાલા…મર ગયી મૈ મીટ ગયી મૈ….તેરી દિવાની…!!!તેરી દીવાની…!!
લાઈફસેવ હોસ્પિટલના સ્પેશ્યલરુમના બૅડ પર સુતેલા સંયોગે પડખું ફરતા સાઈડર પર મુકેલો કાચના ગ્લાસ પર હાથ લાગ્યો અને ગ્લાસ ફુટવાના અવાજ સાથે સપનાનું સપનું પણ તુટી ગયું હતું…..!!
સવારે તૈયાર થઈ સપના ઓફીસ જવા નીકળી ગઈ. હજુ પોતાની ચૅર પર ગોઠવાઈને કમ્પ્યુટર ઑન કરે, ત્યાં જ ઇન્ટરકોમ પર અવનીએ કહ્યુ…
મે’મ્….. ઓમકાર સર…!
ઓકે..લાઈન આપ એમને..
ઓમકાર લાઈન પર આવતા જ સપનાએ સીધો સવાલ કર્યો…
આજે દોઢ વાગે તમે મળી શકો મને..?
દોઢ વાગે..?
હા, દિવસના દોઢની જ વાત કરું છુ. -કહીને સપનાએ ભારે શ્વાસ છોડ્યો.
ન ફાવવાની વાત જ નથી. ક્યાં મળવાનું છે તે જાણી શકુ..?
અને સપનાએ મુલાકાતની જગ્યાનો એસ.એમ.એસ કરી દીધો. બપોરના બરાબર દોઢ વાગે ઓમકાર ઈન-ઓરબીટના પાર્કીગમા પહોચી ગયો. સપના અને અનંત મૉલના ત્રીજા લેવલ પર લુઈવિતોના શૉ રુમની બહાર રાહ જોતા હતા.
“ગુડ નુન..! એન્ડ વર્ક કમ્સ ફર્સ્ટ..!” -કહેતા સપના ઓમકારને લૉબીના સામે છેડે લઈ ગઈ….
“આ દિવાલ અને પેલો જીમ ઈક્વીપમેન્ટ્સનો શૉરુમ દેખાય છે? મૉલના આ હિસ્સાને મારી કંપની લીઝ પર લઈ રહી છે. આ દિવાલનો આપણે આઉટડોર મીડિયા તરીકે ઉપયોગ કરવાનો છે. આખી દિવાલ પર શૅઠ એન્ડ કંપનીની જાહેરાતના લીધે એ આ ફ્લોરનો જીવંત હિસ્સો બની જવો જોઇએ. અને આ કામ હુ તમને સોપવા માગુ છુ, મિસ્ટર ઓમકાર્…!”
“પણ મેડમ, આઉટડોર એડવર્ટાઈઝીગમાં મારો એક્સ્પીરીયન્સ ઝીરો છે.”
“મને ખબર છે મિસ્ટર ઓમકાર. પણ આ પ્રોજેક્ટ પછી, તમે આઉટડોર એડવર્ટાઈઝીગના હીરો બની જશો તેવો વિશ્વાસ છે મને..!” –સપનાએ કહ્યું- “ખુબ જ ઝડપ રાખવી પડશે તમારે. કોનસેપ્ટથી લઈ ને એક્ઝિક્યુશન સુધી. ખુબ જ ઓછો સમય છે તમારી પાસે, મિ. ઓમકાર્…!”
સપનાની ધંધાકીય સુઝથી પ્રભાવિત અનંતે અપલક નજરે જોયા બધું કર્યુ. પહેલીવાર સપનાની આંખોમાં ચમક વર્તાઈ.
“તમારી સાઈટ વિઝિટ પુરી થઈ હોય તો પેટ-પુજા કરીએ.” અનંતે કહ્યુ.
ઓમકારને જરુરી કામ હોવાથી રજા લઈ નીકળ્યો. સપના અને અનંત એસ્કેલેટર પર ઉભા રહી ગયા. ફુડ-કોર્ટ સૌથી ઉપર, સિક્સ્થ લેવલ પર હતો. આખાય મૉલમા સૌથી વધુ વસ્તી અહીં જ જણાતી હતી.
“સારું થયુ, જમતા પહેલા આપણે લોકેશન વિઝિટ પતાવી દીધી, હવે કંઈક કામની વાતો થઈ શક્શે.” સપના બોલી.
“હજુ કયું કામ બાકી રહ્યુ, સપના?”
“અનંત, અવની માટે તે શું વિચાર્યુ છે વાંધો ન હોય તો મને કહે…!”
અચાનક, આમ કોઇ પુર્વસંકેત વગર સપનાએ અવનીના નામનો બોમ્બ ફોડી દીધો. અને કોણ જાણે કેમ, અનંત થોડો અસ્થિર થઈ ગયો. તે મોબાઈલ ઉઠાવી કોન્ટેક્ટ-લીસ્ટમાં કંઈક શોધવાનો ડોળ કરવા લાગ્યો.
સપનાએ ફરી પૂછ્યું, “અનંત…શુ જવાબ છે તારો?”
“કોર્ટનુ ફરમાન હોય તો હુ ઇનકાર કેવી રીતે કરી શકું?” અનંતે કહ્યુ.
લીફટ્મા નીચે ઉતરતા અનંતના ચહેરા પર વિચિત્ર સ્વસ્થતા હતી જાણે કોઇ ઘરડી સ્ત્રી મેકઅપ નીચે પોતાનો કરચલીવાળી ચામડી છુપાવે, તેમ અનંત પોતાનો ઉદ્વેગ છુપાવી રહ્યો હતો.

વ્યોમાનુ મન ચકરાવે ચઢી ગયુ હતું. આરિસા સામે ઉભા રહીએ ત્યારે જેમ આપણે પોતાને જ વધુ રુપાળા લાગતા હોઇએ છીએ, તેમ દરેકને પોતે જ વધુ હોશિયાર હોવાનો વહેમ હોય છે. એમાં ય આ જનાર્દનને તો જરાક વિશેષ જ આવો વહેમ છે. શું જરુર હતી એને રાહુલ સાથે અથડામણમા ઉતરવાની? હવે રાહુલ અને જનાર્દન બેઉ પર નજર રાખવી પડશે, નહીતર તેમના શયતાની દિમાગ તો વિનાશ જ વેરશે…..!! વિનાશ ? હજુ કેટલો વિનાશ….?
દિવસમાં એકવાર ભગવાન આપણે જે કંઈ બોલીએ તેમાં ‘તથાસ્તુ’ કહી દેતો હશે ? એકવાર ભુલથી ક્યાંક હું બોલી ગઈ હતી, “આઈ હેઈટ કીડ્સ્…ગારબેજ છે મારા પેટમા…કાઢો એને….!” -અને આજ સુધી કીડ્સ મારાથી દુર જ રહ્યા. લોકોએ મને ‘વાંઝણી’ની ઉપમા આપી દીધી. પણ મારી આ બદતર હાલત માટે ખરા ગુનેગાર તો આ બે જ છે. રાહુલ અને જનાર્દન. મારી જિન્દગીમાં વિનાશ વેરનાર આ બે જ છે. વ્યોમાની આંખોમા લોહી ધસી આવ્યુ. અને એકસામટા ત્રણ સ્ક્વોટ ગટગટાવી ગયી રેડવાઈનના..!
રાહુલ મને હજારો વખત ‘વાંઝણી’ કહી ચુક્યો છે એ એક સત્ય છે. આટલા વરસોમાં દુનિયાના કેટલાય લોકો મારી પીઠ પાછળ મને વાંઝણી કહી ચુક્યા હશે. અરે, ઈવન હું ખુદ સાંભળી શકું એવી રીતે મારી સામે ‘વાંઝણી’ શબ્દનો ઉલ્લેખ થયો છે. મારી આ શારીરીક પંગુતા માટે દુનિયા ગમે તે ટીપ્પણી કરે, એનાથી મને કશો ફરક નથી પડતો. અને વ્યોમાની આંખો નફરતથી છલકાઈ ગઈ. કોણ જાણે કેટલીયવાર પોતે સેકસ્યુઅલી એબ્યુઝ થઈ હતી. ઢીંગલા-ઢીંગલીથી રમવાની નાદાન ઉંમરમાં જ તે નાટક્બાજ, જુઠ્ઠા અને વિકૃત માણસને પ્રેમ કરી બેઠી હતી. વ્યોમા પોતાની જાત સાથે ખુલતી ગયી. જિન્દગીની કિતાબના ભાગ્યેજ ખુલતા પાનાં વંચાતા ગયા. ભુતકાળની અંધારી ગલીઓમા વ્યોમા, પોતાનો જ હાથ પકડીને ખોડંગાતી ખોડંગાતી ચાલતી રહી…! અને ભૂતકાળની અટપટી ગલીઓમાં ક્યાંક રાહુલ સાથેની યાદોનો તંતુ યે જોડાઈ ગયો.
રાહુલ-વ્યોમાનુ લગ્નજીવન તદ્દન વાહિયાત હતું એમ કહી શકાય. ક્યારેક્ તો બેઉ એટલી નિમ્નકક્ષાએ ઉતરી જતા કે પારકાં સ્ત્રી-પુરુષોના શરીર ચૂથતા . લગ્ન નામના સંબધ પરનો વિશ્વાસ તો તદ્દન છિન્ન્ભિન્ન જ થઈ ગયેલો. સ્ત્રી-પુરુષનો સંબધ એટલે જાણે જિસ્માની સંબધ્. શરીરનો ફક્ત ઉપભોગ કરી, ને ફેંકી દેવાનો..! અને આવી હીન માનસિકતાને કારણે જ તેણે બેફામ જીવન જીવ્યુ હતું.વર્ષો સુધી કોણ જાણે દુનિયાભરનાં કેટલાય મર્દોને ફક્ત મન-મરજીથી જ બેફામ બનીને પોતાનુ પડખું સેવવા રાજી કરીને તેણે વિકૃત આનંદ મેળવ્યો હતો, અને એમાં એને એક અજબ થ્રિલનો અહેસાસ થતો..!
વ્યોમા સહેજ અટકી. પછી ટટ્ટાર થઈ, અને તેની વિચારોની દુનિયામાં આગળ વધી…!!
બુધ્ધી, પ્રતિભા, દેખાવ, ચાર્મ, આ બધુ જ મારી પાસે હતુ…પણ તોય સંયોગની મારી તરફ ખેંચવામા હું મોડી પડી ..અને બધું અટવાઈ ગયું .

અનિકેતના ગયા પછીના અનંતને અવની આખી રાત વાગોળતી રહી. મા બનવાની હતી તો મારી માએ ડોકટર પાસે લઈ જતા પહેલા એબોર્શનની શરત મુકી હતી, અને અનંત ? તે તો મને શહેરના ખ્યાતનામ ડોક્ટર નયના પટેલ પાસે લઈ ગયો હતો. આવનાર બાળકનો પિતા તે પોતે છે, -આવું તેણે ડોકટરને શા માટે કહ્યુ હશે? કદાચ અનંત સિવાય કોઇ ઈચ્છ્તુ નથી કે હું મા બનું. બાળક આવતા સુધીમાં લેવાની દરકારની ખુબ ઝીણી ઝીણી વાતો પણ તેણે ધ્યાન રાખી પુછી લીધી. એટલુ જ નહી ડાયરીમાં ટપકાવી પણ લીધી હતી. દવાખાનેથી આવ્યા પછી અનંત દરરોજ સવારે બરોબર ૮.૧૫ વાગે ફોલીક-એસીડની ટેબ્લેટ તથા દુધ પી લેવા અવશ્ય ફોન કરતો. ડોકટર પાસે રુટીન ચેકઅપ પછી ઊડા વિચારમાં ઉતરી ગયેલ અવનીને અનંતે પુછ્યુ, “શુ થાય છે? કેમ સાવ ઉદાસ? તું આવી રીતે ઉદાસ રહે તો તેની આવનાર બાળક પર અવળી અસર પડે હો..!” -અને અનંતે સાહજીકતાથી અવનીના ખભે હાથ મુકી પોતાની તરફ ખેંચી લીધી. અવની પણ સુકા પત્તાની જેમ ખેચાઈને અનંતના ખભા પર માથુ ઢાળી ગઈ. અવની મા બનવાની હતી તે વાતથી તેની મા ખુબ પરેશાન હતી. પપ્પા તો આમ પણ કાર્ડિયો મેગાલીના પેશન્ટ હતા જ્. તેમની તક્લીફ અવનીથી સહન થતી નથી. તે મમ્મી-પપ્પાની વાતચીત આજે છુપાઈને સાંભળી ગઈ હતી. પપ્પા મમ્મીને કહેતા હતા કે આજે તેઓ મોડા આવશે. સાંજે તેમને ડોકટર પાસે જવું હતું. છેલ્લા ૮-૧૦ દિવસથી તે સુઇ શક્તા ન હતા. જેવું ઓશીકા પર માથુ મુકે, કે તરત તેમને તેમના ધબકારા જોર્-જોરથી સંભળાય. જાંણે છાતી પરથી ટ્રેન પસાર થતી હોય તેવુ મહેસુસ થતું હોવાની એ ફરિયાદ કરતા હતા. એ છેલ્લા કેટલાક દિવસોથી સુઇ જ શક્તા નથી. અવનીથી આવી તેમની હાલત કેવી રીતે સહન થાય્? આ હાલત માટે જવાબદાર ખુદ પોતે જ છે, એ અહેસાસ અવનીને નિર્બળ બનાવી રહ્યો હતો. હવે તે તેના માબાપને વધુ સમજાવી શકે તેમ ન હતી. અંદર અંદર કશુંક ટ્રીગર થઈ રહ્યુ હતુ. એક એક્સ્ટ્રીમ પર જીવી જવા દિલ બંડ પોકારી રહ્યુ હતુ. પણ, ઘણીવાર મ્હો સુધી આવેલો કોળીયો ઝુટવાઈ જાય છે, જીન્દગીનો કોઇ આસાન પ્રશ્ન આખી જીન્દગી ગુંચવી જાય છે..!! અવનીના માતાપિતા અવનીમા આવી રહેલા શારીરીક ફેરફારોથી ખુબ ચિંતિત હતા. તેમણે અવનીને મા-બાપ અથવા બાળક બેમાંથી કોઈ એક્ને પસંદ કરી લેવા કહેલુ. મા બનવા મા-બાપને ગુમાવવાના? બિલકુલ વિરુધ્ધ છેડા પર જઈને જીવી જવું? કે વિદ્રોહનો બંડ પોકારવો? અને આખી રાત વિચારોમા કાઢી નાખી અવનીએ. સવારે નાસ્તાના ટેબલ પર હતાશ અવનીએ સંજોગો સામે સરેન્ડર કરી દીધુ…!! અવનીના માબાપના કહેવા મુજબ કોઇ બીજે ગામ જઈને આ કામ થાય તો કોઇ ઓળખિતા જોઇ ન જાય અને આબરુ બચે. અને બધાય બેત્રણ જોડી કપડાં ભરી રેલવે સ્ટેશન તરફ પ્રયાણ કરી ગયા.

— રીટા ઠક્કર

કડી…૨૪

11181212_917585021633784_7677814544753092183_n

શહેરનાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી આવતી ફ્લાઈટે ઘડઘડાટી સાથે ઉતરાણ કર્યું છે એવા સમાચાર સાંભળતાંજ સપના અને અનંતનાં મનમાં પણ ઊંડે ઊંડે દબાણ થવા લાગ્યું, પોતાનાં હૃદયનાં ધબકારા વધી ગયા કે ચુકી ગયા તેની પણ ખબર પડતી ન હતી. સપના અને અનંત કાગડોળે જેની રાહ જોઇ રહ્યા હતા તે ચહેરો થોડી જ વારમાં તેમની સામે આવવાનો હતો.

૬૦/૬૫ વરસ નો પાકો અમેરિકન ગોરો ચહેરો જોતા તો એમ લાગે કે તેની ઉંમર ૪૦/૪૫ થી વધુ ન હોય શકે, પણ કસરતી કસાયેલ શરીર, ડાર્ક બ્લેક લાઈનીંગ સુટ, બ્લેક શૂઝ, માથા પર ચાંદીની જેમ ચમકતા ટૂંકા વાળ અને બ્લેક ગોલ્ડન ચશ્માં તેના પર ગજબનાં શોભતાં હતા. એરપોર્ટ ફોર્માલીટી પૂરી કરી જ્યારે તે બહાર નીકળ્યા ત્યારે ફડફડતા જીવે સપના અને અનંત વેઈટીંગ લોન્જમાં પોતાની સીટ પરથી ઉભા થઇ ગયા, તેમની ચાલમાં એક ગજબની સ્ફૂર્તિ અને આત્મ-વિશ્વાસ હતો, તે પોતે જ સપના અને અનંત પાસે ગયા, હાથ લાંબો કરી કહ્યું- આઈ એમ ડૉ. ડેવિડ ડી. બર્ન્સ..!

ડૉ.ડેવિડને પાછલી સીટ પર બેસાડી અનંત ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો, અને ગાડી સડસડાટ હોસ્પિટલ તરફ ચાલી
સાથે સાથે આગલી સીટ પર બેસેલી સપનાનું મગજ તેને પાછલા દિવસોમાં લઇ ગયું.
લગભગ ૩૫/૪૦ દિવસથી સારવાર કરતા ડૉ.માથુર સતત ટેન્શનમાં હતા, પોતાના લોહીને બચાવવું કે કર્તવ્ય-નિષ્ઠ રહી ભગવાન સ્વરૂપ પેશન્ટને નવી જીંદગી આપવી..? કોઈ પણ ડૉકટર માટે તેમનો પેશન્ટ ભગવાન સ્વરૂપ જ હોય. તેની સેવાથી તેમને પરમાનંદ મળતો હોય છે ઉંમરનાં છઠા દસકામાં પહોચેલા ડૉ.માથુરે જમાનો જોયેલ હતો. પોતાના પર આવેલ મુસીબતથી તેઓ ચિંતાતુર હતાં, પણ પોતાનાં કર્તવ્યનાં ભોગે કોઈ બાંધછોડ કરવી તેમની પ્રકૃતિ નહોતી. એટલા માટે પોતે થોડા દિવસો સંયોગની સારવાર કર્યા બાદ જ ડૉ.માથુરે અમેરિકા સ્થિત ડૉ. ડેવિડ ડી. બર્ન્સનો સંપર્ક કરેલો અને તેમના કહેવા પ્રમાણે તે વહેલી સવારે ૦૩:૧૫ કલાકે પહોચવાના હતા.
એક એક્સિડન્ટમાં પોતાની યાદદાસ્ત ગુમાવી દીધેલા માણસ માટે વિશ્વનાં પ્રખ્યાત એવા ડોક્ટરને બોલાવવા પડે તેના માટે અનંતને થોડું અજુગતું લાગતું હતું, પણ જ્યારે ડૉ.માથુરે સપનાને જણાવ્યું કે સંયોગને ઝડપથી રીકવરી લાવવા માટે તેમને ડૉ.ડેવિડને બોલાવવા માંગે છે અને તેવું કહેતા ડૉ. માથુરે કહેલું કે, “જ્યારે હું પેનસીલવેનીયામાં એક સેમિનારમાં ગયો હતો, ત્યાં મારી મુલાકાત ડૉ. ડેવિડ ડી. બર્ન્સ. નામના ખૂબજ લાગણીશીલ વ્યક્તિ સાથે થઇ. જ્યારે પણ કોઈ તેની સાથે વાત કરે ત્યારે સતત તે તેમની સામે જોયા કરે, સામેવાળાના મનમાં શું ચાલે છે તે જાણવાની કોશિશ કરે, તે કહેતો કે લાગણી હંમેશા વિચારોમાંથી જ ઉત્ત્પન્ન થાય છે, લોકો ભલે કહે કે “ દિલ હૈ કી માનતા નહિ ”
પરંતુ તે કહે -સામાન્ય રીતે આપણે એવું માની લઈએ કે લાગણીઓ સ્વયં દિલથી પેદા થાય છે, તેને આપણે કોઈ રોક લગાવી શકીએ નહીં. આપણો કોઈ અંકુશ એમના ઉપર નથી. જ્યારે કોઈ રસ્તા પરથી પસાર થાય અને સામે મળનાર યુવક/યુવતી આપણને બહુ ગમી જાય કે ન ગમે, આ લાગણી ક્યાંથી ઉત્તપન્ન થાય? આ પ્રશ્ન મનોવિજ્ઞાનનો છે, કે ફીલોસોફીનો? પરંતુ આટલું તો છે જ, કે આપણી ગાડી આપણે નહિ પણ આપણી લાગણી ચલાવે છે. તમને કોઈ ગમે કે ન ગમે ત્યારે તમારું મગજ તેને હકારાત્મક/નકારાત્મક અભિગમ આપી તેના તરફ સકારાત્મક/ નકારાત્મક લાગણી વહાવે છે. અને તે પ્રેમ કે નફરતનો ઓર્ડર, પહેલા તમારું મગજ આપે છે અને પછી દિલ.

હું ભારત આવતો રહ્યો પરંતુ તે કીડો હતો, ત્યાર બાદ તે માનસિક સ્થિતિ જાણવા માટે પ્રખ્યાત થયા. થોડા દિવસ પહેલા જ્યારે મારે સંયોગ વિષે વાત થઇ ત્યારે તેમણે કહ્યું કે તે અત્યારે એક આવી જ મન:સ્થિતિ પર અભ્યાસ કરી રહ્યા છે અને જો આપણને પ્રોબ્લેમ ન હોય, તો તે ભારત આવી સંયોગ પર તેમની થીયરીનો પ્રયોગ કરવા માંગે છે. શું હું તેમને બોલાવું? આ એક એક્સ્પીરીમેન્ટ છે, જો આ કામમાં સફળતા મળે તો દુનિયાને એક નવો આધાર મળશે. અને આપણે સંયોગને સાજો કરવામાં એક પગલું આગળ વધીશું. પણ જો સફળતા ન મળે તો આપણે એક પણ ડગલું પાછા પડવાનાં નથી. મતલબ કે આપણને કોઈ નુકસાન નથી.”
અનિમેષ નજરે સાંભળી રહેલી સપનાને થયું કે પોતે જ આ વાત જાગતા સાંભળી રહી છે, કે પછી સપનું છે?

સપના પાસે “ હા ” પાડવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો.
ડૉ.માથુર પોતાની ચેર પરથી ઉભા થયા અને સપનાનો હાથ પકડી કહ્યું
“ બેટા, કોઈ ચિંતા કરતી નહીં, બધું સારું થઇ જશે અને હા…… આ વાતની કોઈને ખબર પડવી જોઈએ નહીં. ખાસ કરીને રાહુલને.” -આટલી સુચના આપી ડૉ.માથુર પોતાની ચેમ્બરમાં જતા રહ્યા.
પણ સપના વિચારતી હતી કે માણસનું મન હંમેશા અંતિમવાદી રહ્યું છે. જિંદગીના દરેક સ્થાન પર તેને સતત એક અંતથી બીજા અંત સુધી દોડવું છે, ભણતરના અંતથી રીઝલ્ટ, રીઝલ્ટથી લઇ નવી નોકરી કે બીઝનેસ, બીઝનેસથી લઇ સફળતા… પોતે આમાં ક્યા અંત માટે દોડી રહી છે….!
“ તો આપણે પહેલા હોસ્પિટલ જઈશું. બરાબર ને….? ” ડૉ.ડેવિડ બોલ્યા,
“હેં ? હા હા…!” સપના જાણે તંદ્રા માંથી જાગી હોય એમ બોલી,
“લાઈફ સેવ” હોસ્પિટલનાં રૂમની ઘડિયાળ તેમની ચાલ મુજબ જ ચાલતી હતી. આજુબાજુ અદ્યતન લાઈફ સપોર્ટ સીસ્ટમથી સજ્જ બિછાનામાં એક બીઝનેસમેન લાચાર અવસ્થામાં સુતો છે, એક એવો બીઝનેસમેન, કે જેણે કેટકેટલી મુશ્કેલીઓનો મક્કમતા પૂર્વક સામનો કરી પોતાના બાવડાના બળે જ એક પોતાનું સામ્રાજ્ય ઉભું કરેલ, પરંતુ અત્યારે લાચાર વસ્થામાં સૂતેલો હતો.
હોસ્પિટલ પર ડૉ.માથુર એમની રાહ જ જોઈ રહ્યા હતાં. ઔપચારિક વાતચીત પછી બધા સંયોગનાં રૂમમાં આવ્યા. પેશન્ટની તમામ વિગતથી વાકેફ થઇ પૂર્ણ તૈયારી સાથે આવેલ ડૉ. ડેવિડે સમય ન બગાડતા ડૉ.માથુરનો સાથ લઇ પોતાની ટ્રીટમેન્ટ ચાલુ કરી. સપના અને અનંતે આશાભરી નજરે એક બીજા સામે જોયું, બન્નેની નજરમાં એકબીજા માટે માત્ર આશ્વાસન સિવાય કશું જ નહોતું.
ડૉ.માથુરનાં કહેવા પ્રમાણે ડૉ. ડેવિડ, સંયોગની સારવાર માત્ર રાત્રી દરમિયાન જ કરવાના હતા, અને પહેલા જ દિવસે તેમને સંયોગનાં બ્રેઈન તરફથી પોઝેટીવ રિસ્પોન્સ મળતો હોવાથી ચારેય ખૂશ હતા.

સવારે 08:૦૦ કલાકે વાગેલ એલાર્મ વાગતા જ અનંત સફાળો જાગી ગયો, રાતનાં ઉજાગરાથી તેની આંખો લાલ હતી. ફ્રેશ થઇ તરત તેણે અવનીને દવા લેવાનું યાદ અપાવવા ફોન લાગાવ્યો. સતત નો રીપ્લાય આવતા તેને ચિંતા થઇ. ફટાફટ તૈયાર થઇ અવનીના ઘરે ગયો, આજુબાજુ તપાસ કરતા ખબર પડી કે કોઈ ને કંઈ જ ખબર નથી. એટલે તેને સપનાનો કોન્ટેક્ટ કરવાનો વિચાર આવ્યો, પણ તેને થયું કે રાતનાં ઉજાગરા પછી તેને હેરાન કરાવી યોગ્ય નથી. આખરે તેણે સપનાની ઓફિસે જઈ રાહ જોવાનો વિચાર કર્યો.
સપના બપોરે ૧૧:૩૦ કલાકે ઓફીસ પહોચી. અનંતને ઓફીસ બહાર જોય તેને નવાઈ લાગી,
“અરે….અત્યારમાં અહી? કોઈ ટેન્શન તો નથી ને ?”
“ના ના કોઈ ટેન્શન નથી પણ…. ” ના પાડતા પાડતા પણ અનંત તેના અંદરનાં ભાવને રોકી શકતો ન હતો. પણ સપનાએ તેનું મન પારખી લીધું હતું.
“આવો, ઓફીસમાં બેસી ને જ વાત કરીએ.” સપનાનાં કહેવાથી નાનું બાળક દોરાય તેમ અનંત તેની પાછળ પાછળ ગયો.
જિંદગી માણસને ક્યારે, કેવી પરીસ્થિતિમાં લઇ જાય તેની કોઈને કઈ ખબર પડતી નથી હોતી. જે અનંત મુશ્કેલીના સમયમાં સપનાની મદદ કરવા એક અડીખમ દીવાલ બની રહેતો તે આજે સપના પાછળ દોરાઈ રહ્યો હતો.
ઓફીસના ખૂણામાં રહેલા નાના એવા મંદિરમાં માથું નમાવી સપનાએ પોતાની જગ્યા લીધી. સામેની ખૂરશી પર અનંત હતો. પ્યુને બે કપ ચા ટેબલ પર મૂકી ગયો કે તરત સપનાએ કહ્યું.. “શું થયું ? બોલો.”
“સપના…. અવની…..ક્યાંક ચાલી ગઈ છે, હું તેમનાં ઘરે પણ જઈ આવ્યો. આજુબાજુ પણ તપાસ કરી, પણ….. એમના પાડોસીએ કહ્યું. સામાન ઘણો હતો. ઘણા દિવસ માટે બહાર ગામ જતા હોય તેવું લાગ્યું. એ ક્યાં ગઈ હશે ?”
“કદાચ ક્યાંક બહારગામ ગયા હોય… આપણે સાંજે અવનીની ઘરે જઈ આવશું, બસ..!” સપનાએ કહ્યું.
“હું માનવા તૈયાર નથી કે અવની મને કહ્યા વગર ક્યાંય પણ જાય…જરૂર કોઈ વાત છે.”
આટલી વ્યાકુળતાથી અનંતને અવનીની ચિંતા કરતો જોઈ સપના રાજી થતી હતી કે અનંત હવે ખરેખર અવનીને પ્રેમ કરવા લાગ્યો છે.
કોઈ વાંધો નહીં અવનીની ઓફીસ જોઈનીંગ ફાઈલ મંગાવી લઉં છું, તેમાં કોઈ બીજા કોન્ટેક્ટ કે અડ્રેસ મળી રહેશે. સપનાએ તરત તેમના ક્લાર્કને અવનીની ફાઈલ ગોતવા માટે કહ્યું, ચા પૂરી થઇ ત્યાં સુધીમાં ફાઈલ આવી ગઈ. ગામનું નામ અને એડ્રેસ મળી ગયું.
‘તમે જેટલાં વધું નિર્દોષ બનો છો, એટલું વધુ સુંદર તમારું અસ્તિત્વ બને છે.’ એવું વિચારતી અવની, બાળક કુખમાં આવતા, હવે અનિકેતના અવસાન પછી ઠંડી પડી રહી હતી.. વિચારોમાં ડૂબી ગઈ હતી . ‘તમે જેટલા વધુ જ્ઞાની બનો એટલું અસ્તિત્વ વધુ ને વધુ કુરૂપ બનતું જાય છે. કારણ કે તમે તારણો વડે કાર્ય કરવાનું ચાલુ કરો છો, તમે જ્ઞાન વડે કામ કરવાનું ચાલુ કરો છો. જે ક્ષણે તમે જાણો છો અને વિચારો છો કે હું જાણું છું, એ જ ક્ષણે તમે તમારી અને જે છે તેની વચ્ચે અવરોધો ઉભા કરો છો. પછી બધું જ નાશ પામે છે. પછી તમે તમારા કાનેથી સાંભળતા નથી, તમે અનુવાદ કરો છો. પછી તમે તમારી આંખોથી જોતા નથી, અર્થઘટન કરો છો. પછી તમે તમારા હૃદયથી અનુભવ કરતા નથી, તમે એવું વિચારો છો કે તમે અનુભવો છો. પછી અસ્તિત્વની તત્વ્ક્ષણ મળવાની તન્મયતા સાથે મળવાની સંભાવના ખતમ થઇ જાય છે. તમે વિભાજીત થઇ ચુક્યા હો છો…’ પુરપાટ ઝડપે ચાલી રહેલી ટ્રેઈનમાં અવનીના મગજમાં પુરપાટ આવેગો દોડી રહ્યા હતાં. એકધારા બનાવો અને હાલની શારીરિક-માનસિક હાલતથી એ ડામાડોળ બની હતી. તો એના પોતાના અને આવનાર બાળક વિશેના વિચારો જાણે દ્રઢ બની રહ્યા હતા

“શું વિચારે છે બેટા ? તારા પપ્પા જે કહે એ બરાબર છે. ” અવનીના મમ્મીએ કહ્યું .
બારી બહાર દૂરદૂર દેખાતા પર્વતોને જોતા કંઇ પણ સાંભળ્યા વગર અવનીએ કહ્યું, “શું? તમે કાંઈ મને કહ્યું?”
“હા. જો ને પેલા સુનંદાબેનની દીકરી પણ કાળું મોં કરી ને આવી’તી પણ તેણે તરત એબોર્શન કરાવી લીધું, કોઈને કશી ખબર જ પડી નહિ.”
અવનીને આ “કાળું મોં કરીને આવી’તી ” વાક્ય એવું ખુંચ્યુ, કે જમીન જગ્યા આપે તો સમાય જાઉ.
“પણ મા પહેલી વાત તો એ, કે મેં કોઈ કાળું મોં નથી કર્યું. અને બીજી વાત એમ કે હું અને અનિકેત લગ્ન કરવાના જ હતા ને. તને ખબર હોવા છતાં કેમ આવું કહે છે?” કંઇક દુભાતા મને અવનીએ કહ્યું .
“તારી વાત સાચી, પણ આ કોઈ સામાન્ય બાબત પણ નથી જ ને ? જો તારું બાળક જન્મ લે તો ગામમાં આપણી આબરૂ શું? ક્યા મોઢે અમારે બહાર નીકળવું? અને તારી સામે હજુ આખી જિંદગી છે, આજે નહિ તો કાલે તને કોઈ સારું પાત્ર મળી જ રહેશે. બાળકની સાથે જિંદગી પસાર કરવાની વાત સારી છે, પણ વાસ્તવિકતા કંઇક અલગ હોય છે બેટા. તું ધારે છે એટલી આ દુનિયા સરળ નથી.”
“તારી વાત પણ સાચી મા, મારે એબોર્શન કરાવવું નથી અને એબોર્શન કરાવવું સહેલું પણ નથી.. સમય ઘણો વીતી ગયો છે એવું ડોકટરે પણ કહ્યું છે અને ધારો કે ઓપરેશન દરમિયાન મને કંઇક થઇ ગયું તો? તમારું કોણ છે આ દુનિયામાં?”
” તને કાંઈ નહિ થાય અને અમારે તો ઝાઝી ગઈ ને થોડી રહી… તારી સામે પહાડ જેવી જિંદગી છે બેટા…”
“જો મા, ન તો તારા માબાપ પાસે મોટી જાયદાદ હતી કે ન મારા પપ્પા પાસે, તમારી જિંદગી પણ આમ જ પસાર થઇ છે, તેમ જ મારી જિંદગી પસાર થઇ જશે. આપણને તો અભાવમાં રહેવાની આદત છે .”
આના જવાબમાં અવનીની મમ્મીના મોઢા પર એક નિરાશા છવાઈ ગઈ. જેની દીકરી લગ્ન પહેલા જ મા બનવાની હોય તેની મનોદશા બહુ વિચિત્ર હોય, તેનાં મનમાં કંઇક ગડમથલ ચાલતી હતી તેમાં ટ્રેનની વ્હીસલે ખલેલ પાડી.
“કયું ગામ આવ્યું બેટા?”
‘આપણું જ છે, ચાલો,” અવનીની મમ્મીએ કહ્યું.

સ્ટેશનની બહાર આવતા જ અવનીએ અને તેના મમ્મી પપ્પાએ અનંતને અને સપના ને જોયા, સ્ટેશનનાં પગથીયા ઉતરતા જ અવનીએ આશ્ચર્યથી પૂછ્યું , “તમે અહિયાં ક્યાંથી ?” અવનીની પાછળ તેના મમ્મી પપ્પા જોડાયા .
સવાલ સામે સવાલ પૂછતા અનંતે એની સામે જોયુ.
“અવની, તારો ફોન ક્યા છે ?”
સંકોચાતા જીવે અવનીએ તેના પપ્પા તરફ નજર કરી કીધું- “બેટરી લો હતી ”
“તો? ચાર્જ ન થાય? તને ખબર છે સવારથી અમે કેટલા ટેન્શન માં છીએ? એક…એક ફોન તો કરી શકાય ને? સારું થયું કે હું ફરી તારા ઘર બાજુ ગયો ત્યારે પૂછપરછ કરતા તમે અહીં આવ્યા હોવાની શંકા થઇ અને ઝડપથી તમારી પાછળ અહીં આવ્યા …એ તો તમે લોકલમાં બેઠા એટલે અમે તમને અહીં મળી શક્યા, બાકી આ ગામમાં ક્યાં શોધત? પણ આમ અચાનક અહીં આવવાનું કારણ?” -અનંતની આંખમાં ચિંતા હતી.
“અવની, તારે મને તો કહેવું જોઈએ ને ?”સપના બોલી.
અવનિ પોતાની મરજીથી આવેલ ન હતી એટલે તે કશું કહી શકે તેમ ન હતી,
“એ અમારા કહેવાથી આવી છે, અને અમે કોઈને ખબર ના પડે તેમ અમે તેનું એબોર્શન કરાવવા માગીએ છીએ” અવનીની પપ્પા બોલ્યા.
“ભ્રૂણ હત્યા? અને એ પણ હવે છેક? દીકરીના જીવના જોખમે?” સપના ગુસ્સામાં બોલી ઉઠી .
“કાકા, તમે તો સમજદાર છો, અને કાકી તમે એક સ્ત્રી થઇ આવું કરાવવા જાવ છો? તમે મને એબોર્શનનું કોઈ એક સાચું કારણ તો બતાવો? લગ્ન વગર મા બનનાર અવની કંઈ પહેલી સ્ત્રી નથી કે છેલ્લી પણ નથી જ. સમાજમાં તેની સામે, તેના બાળક સામે લોકોની નજર અલગ હોય પણ તેનો વિકલ્પ હોય અને એબોર્શન એ વિકલ્પ નહીં ગુનો છે, જેલની સજા થાય જેલની, તમને ખબર છે? અવનીને અને આપ બંને ને પણ….” -સપના એક શ્વાસે બોલતી ગઈ.
અવની અને તેના મમ્મી પપ્પા મૂંઢની જેમ સાંભળી રહ્યા હતાં…
“કાકા, જો તમને એવું લાગતું હોય કે ભવિષ્યમાં અવની અને એના બાળકનું શું? તો હું અંનત, અનંત રાવલ તેને મારા ઘરમાં રાખીશ, અને તેમાં કોઈ ઉપકાર કે દયાની વાત નથી, અવનીનાં પેટમાં અમારા કુળનું લોહી છે, તેને સાચવવાની તમામ જવાબદારી મારા શિરે રાખીશ” કહેતા અનંત ગળગળો થઇ ગયો.
અવનીના મમ્મી આગળ આવી અનંતનાં બે હાથ પકડી કહ્યું, “ બેટા , તમે અમારી આંખ ખોલી, અમને પણ અમારી દીકરીની ચિંતા તો છે જ પણ સમાજ પણ કેવો છે એ તમે નથી જાણતા?” અવનીના પપ્પા સામે જોઈ બોલ્યા. “જો..તને અને અવનીને વાંધો ન હોય તો અમને પણ કોઈ વાંધો નથી. તમે શું કહો છો, અવનીના પપ્પા?”
અવનીના પપ્પાએ શરમથી માથું નીચું કરી પ્રસ્તાવનો સ્વીકાર કર્યો.
અનંતે અવનીની પાસે જઈ કહ્યું, “તો આપણે ઘરે જઈશું?”

“સંયોગ” -સમ એટલે સારી રીતે અને યોગ એટલે જોડાવું તે. સંયોગને સપના સાથે જોડાતા આવડ્યું ન હતું. જો ખરેખર સપના સાથે લગ્ન થયા ત્યારથી સારી રીતે રહ્યો હોત, તો આ દિવસ ન આવત.
પણ સાવ અજાણી … પોતાને એની પત્ની કહેવડાવતી આ સ્ત્રી સપનાની લાગણી અને મહેનત જોઈ તેની આંખનાં ખૂણેથી એક ટીપું આંસુનું ખર્યું.

રાહુલને આમ અચાનક જેલમાં કેવી રીતે જવું પડ્યું અને આવી જડબેસલાક તજવીજ કોણે કરી હશે ? એ વિચારે વ્યોમા વારે વારે ચડી જતી હતી. દુનિયાદારી માટે એણે વકીલને બોલાવી રાહુલ માટે જમાનતની અરજી કરવા કહી દીધું હતું. પણ જો આ કરનાર વ્યક્તિ જનાર્દન જ હોય, તો શા માટે હોય એ વિચાર વારે વારે એને આવતો હતો. એણે ફોન ડિરેક્ટરી ઉપાડી અને ગામના ઉતાર જેવા જનાર્દનનો નંબર શોધવા માંડ્યો.

— દેવદત્ત ઠાકર

કડી…૨૫

img-20150619-wa0078

રાહુલના જેલમાં જવાથી ડો.માથુર અને સપના બંને હાશ અનુભવી રહ્યા હતા. ડૉ.ડેવીડની ટ્રીટમેન્ટ પણ હકારાત્મક લાગી રહી હતી. તેમના કહેવા મુજબ સંયોગની માનસીક સ્થિતીમાં સુધારાના પરિણામો તો બહુ જલ્દી જ દેખાવા માંડશે, પણ શારીરીક સ્વસ્થતા આવતા થોડો વધારે સમય લાગી શકે છે. ડોક્ટરના આ આશ્વાસનથી સપના પણ ભગવાનનો પાડ માની રહી હતી. ‘ભલે વ્હીલચેરમાં તો વ્હીલચેરમાં..પણ મારી સાથે વાત કરતો થાય તો ય ઘણું. મારે સંયોગ સાથે કેટલી બધી વાતો કરવી છે.’ -સપના વિચારતી હતી. મનોમન તે વિચારતી હતી કે રોજના અનુભવો ડાયરીમાં લખવા જોઇએ, પણ સમયનો અભાવ એક મોટી અડચણ બની રહ્યો હતો.
સ્પર્શ અને સંવેદના સાથે કંપનીનું કામ આગળ ધપાવવામાં સપનાને અવનીની ગેરહાજરી ઓછી સાલતી હતી. શરુઆતના દિવસોમાં સપના અવની સિવાય એકપણ ડગલું આગળ વધતી ન હતી. તેની અવની તરફની લાગણી ફક્ત અનંતના મિત્રતાના સબંધે વધુ ગાઢ થઇ હતી, અને તેમાંય પેટમાં ઉછરી રહેલા બાળકના કારણે તે અવનીની વધુ ને વધુ કાળજી પણ લેતી થઇ હતી. અવનીની ગેરહાજરીનો એક ફાયદો એ થયો કે ઓફિસની નાનામાં નાની વાતથી તે વાકેફ થઇ ગઇ. હવે તે ઓફિસના નિર્ણયો જાતે લઇ શકતી હતી.
કેબીનમાં બેઠી બેઠી તે વિચારી રહી હતી, કે વ્યોમા જરૂર કોઇ બાજી ગોઠવતી જ હશે. વિચારતા વિચારતા સપના મનોમન બોલી પણ પડી કે, -એકલી સુંદરતા જીવનમાં કામ આવતી નથી વ્યોમા, આ કોર્પોરેટ વર્લ્ડમાં મગજ પણ દોડાવવું એટલુ જ જરૂરી છે. ભણતરની સાથે ગણતર પણ કેટલું કામ આવે છે, એ તો અહીં આવીને જ હું શીખી છું. એટલામાં જ તેના વિચારોમાં ખલેલ પાડતી તેના ફોનની રીંગ વાગી. સ્ક્રીન પર વ્યોમાનો નંબર જ ઝબકતો હતો. ‘શેતાનને યાદ કરો ને શેતાન હાજર.. આ યે કંઇક વધુ જ જીવવાની લાગે છે..” -ફોન ઉપાડતા ઉપાડતા સપના બડબડી.
“હેલ્લો વ્યોમા, ક્યાં છે આજકાલ..?” સાવ નિરસતાથી ફેબ્રીકેટેડ સ્મિતના લહેકા સાથે તેને ઔપચારિક વાત શરુ કરી.
“વ્હોટ નોનસેન્સ…..હમમમ?…શું ક્યાં છે? તારા એકાઉન્ટન્ટનો મેઈલ તેં નથી વાંચ્યો…એ પટેલને કહી દે કે પાંચ-પચીસ લાખની ઉઘરાણી માટે આવા ધમકી ભર્યા મેઇલ એ કરે નહીં…તને તો ખબર જ છે હું આ બાબતે ટેવાયેલી નથી..”
ગુસ્સામાં બોલી રહેલી વ્યોમાની વાત કાપી સપના બોલી -“અરે વ્યોમા એમાં આટલી ભડકે કેમ બળે છે શાંતિથી વાત કર…પટેલે એવો મેઇલ કર્યો છે? હા મેં જ એને કાલે પેમેન્ટનું રીમાઇન્ડર મોકલવાનું કહ્યુ હતું..”
“ઓહો..! તો મેડમે જ કીધુ હતુ એમ?” વ્યોમાના કટાક્ષ ભરેલા પ્રશ્નના જવાબ આપતા સપના બોલી,
“વ્યોમા, એક જ મિનીટમાં હું મેઇલ ચેક કરીને તને કોલ-બેક કરું.” -કહી સપનાએ તરત ફોન કટ કરી દીધો અને બંને બાજુ વિચારોનો ઝંઝાવાત સર્જાઇ ગયો હતો.
એક બાજુ સ્પર્શનો પ્લાન સફળતાની પહેલી સીડી ચડ્યો હોવાનો અણસાર સપના પામી ચુકી હતી. તો બીજી બાજુ વ્યોમા રોજ નવી નવી ભીંસ અનુભવતી હતી. જે સફળતાથી સપના ઓફિસ હેન્ડલ કરી રહી હતી તે વિશેના સમાચાર તેને મુંઝવી રહ્યા હતા. સપનાની કંપની દ્વારા કોન્ટ્રાક્ટ પ્રમાણેના ઓર્ડરનું જે ત્વરા અને ચોકસાઈપૂર્વક અમલીકરણ થતું હતું તેનું પણ વ્યોમાને અચરજ થતું હતું. રાહુલના જેલમાં જવાથી પોતાની કંપનીની પ્રતિષ્ઠા ખરડાઇ હતી એ ચિંતા જાણે ઓછી હતી, કે સરકારી વકીલે રાહુલને ‘પાસા’ હેઠળ મોકલવાની માંગણી કરીને એમાં ય વધારો કર્યો હતો.
“હેલો મિ.વર્ગીસ તમારું પેમેન્ટ લઇને માણસ નીકળે જ છે, બોલો ક્યાં પહોંચાડુ??”
“ઓહો આટલું બધુ ઝડપથી…?” ખુશીનો માર્યો વર્ગીસ એટલું જ બોલ્યો કે “સર આટલી રકમ તો હું રીટાયર્ડ થતા સુધી પણ નહોતો કમાવાનો..એ પેમેન્ટ મારા ઘેર જ પહોંચાડી દો ને…!!!”
“મિ.વર્ગીસ એ યાદ રહે કે મારો માણસ તમારા ઘેર પહોંચે એ પહેલા એ કોન્ટ્રાક્ટ કેન્સલેશન લેટર શેઠ એન્ડ કંપનીમાં પહોંચી જવો જોઇએ..નહિંતર…”
ઘેરો અને પડછંદ અવાજ સાંભળી વર્ગીસ બોલ્યો..”સર, શેઠ એન્ડ કંપની જે સ્પીડ અને ચોકસાઈપૂર્વક ઓર્ડર પુરા કરે છે, એ જોતા આવી કંપનીને આપેલ કોન્ટ્રાકટ કેન્સલ કરવો એ કોઈપણ કંપની માટે એક મૂર્ખતાભર્યું કામ કહેવાય. કોઈ પણ સમજદાર વેપારી આવું પગલું ન ભરે. રાહુલસર હોત તો કદાચ આ કામ અશક્ય જ હોત. પરંતુ વ્યોમા મેડમને હું આ કામ કરવા રાજી કરી શકીશ. તમે ચિંતા ન કરો..’
“ઓકે..હું કલાક પછી ફોન કરું છું..ત્યાં સુધીમાં લેટર ત્યાંથી નીકળી જવો જોઇએ..!” -ફટાક દઇને ફોન મુકાઇ ગયો અને વર્ગીસે મૂંઝવણ અને ખુશીની મિશ્રિત લાગણી અનુભવતા અનુભવતા વ્યોમાની કેબીન તરફ ડગ માંડ્યા.
આ તરફ સ્પર્શે સપના સાથે હાથ મિલાવતા કહ્યું, “ચિયર્સ …..આ વ્યોમા જાણતી જ નથી કે નાની કંપનીઓને વશમાં રાખવા માટે રાહુલે કોન્ટ્રાક્ટમાં મુકેલો એક ક્લૉઝ એવો છે કે જે તેને પોતાને જ ડુબાડશે.
સ્પર્શે જ્યારે સપનાની ઓફિસે નિયમિત આવવાનું શરુ કર્યું ત્યારે સહુથી પહેલા એને એ જ નવાઇ લાગી કે લોકલ માર્કેટમાં આટલી સારી શાખ ધરાવતી સંયોગની આ કંપનીને રાહુલની કંપની સાથે જોડાવાની જરૂર જ શી હતી? સ્પર્શ પોતે પણ એક સારો રિસર્ચ એનાલીસ્ટ હોવાને કારણે રાહુલની માર્કેટીંગ સ્ટ્રેટેજી જાણતો હતો. પહેલા એ લોકલ કંપની સાથે ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાની કંપનીના નેજા હેઠળ વેચાણ કરવાનો કોન્ટ્રાક્ટ કરતો. અને પછી ધીરે ધીરે એ લોકલ કમ્પનીની ઊત્પાદન ક્ષમતા વિશે જાણી લેતો. થોડા જ મહિના બાદ એ કમ્પનીની પૂર્ણ ક્ષમતા જેટલો માલ તેની પાસેથી ખરીદી લેવાનું ચાલુ કરતો અને ઇન્ટરનેશનલ માર્કેટમાં લૉન્ચ કરી દેતો. આવું કરવાથી કોન્ટ્રાકટ પ્રમાણે એને પોતાને ત્રણ મહિનાની ક્રેડીટ પણ મળી જતી, જયારે લોકલ કંપનીને તો નાણાકીય ભીડ વર્તાતી. આમ કરીને એ લોકલ કંપનીની સપ્લાય ચેઇન તોડી નાંખતો. કોન્ટ્રાક્ટની એક શરત પ્રમાણે જે પાર્ટી અધવચ્ચે કોન્ટ્રાકટ કેન્સલ કરે એને બહુ મોટી પેનલ્ટી ભોગવવાની આવતી, જેમાં મોટી રકમની બેન્ક ગેરન્ટી બંને પક્ષે આપવી પડતી. પૂર્ણ ક્ષમતાની સપ્લાય કરવાની અને પેમેન્ટ માટે વાટ જોયે રાખવાની..આવી કટોકટી ઉભી થવાથી નાની-નાની કંપનીઓ છ મહીનામાં જ સેટલમેન્ટને આરે આવી જતી. આવે વખતે રાહુલ તે લોકલ કંપનીને ફડચામાં જતી બતાવી તેને લગભગ અડધી કિંમતમાં ટેકઓવર કરી લેતો. આવું એ દેશના અલગ અલગ રાજ્યોમાં કરી ચુક્યો હતો. આ સ્ટ્રેટેજીના કારણે તેની માર્કેટ કેપીટલ, ગણતરીના વર્ષોમાં જ દસગણી થઇ ગઈ હતી.
જોકે વ્યોમા આ બાબતોથી સાવ જ અજાણ હતી. એના નામે ચાલતા આ બીઝનેસમાં સહી કરવા સિવાય એ વધારે રસ પણ લેતી ન હતી. બીઝનેસમાં જો એટલી ગતાગમ પડતી હોત, તો રાહુલ જેવા ચલતાપૂર્જા સાથે લગ્ન કરીને પોતાનો આવડો મોટો વારસાગત બીઝનેસ એણે તેના હાથમાં મૂકી ન દીધો હોત.
વ્યોમા એક બીઝનેસ વુમન પછી, પરંતુ એક સ્ત્રી પહેલા હતી. અને એટલે જ સ્ત્રીસહજ ઇર્ષ્યાથી પ્રેરાઈને તે સપનાની સફળતા સહન કરી શકતી ન હતી. અને માટે જ તે શેઠ એન્ડ કંપનીને પાયમાલ થતી જોવા ઈચ્છતી હતી. તેની આ જ જલન તેના સીનીયર સ્ટોર મેનેજર વર્ગીસનું કામ વધુ સહેલું કરી નાખવાની હતી. રાહુલના જેલમાં જવાથી પોતાની કંપનીના શેરમાં તીવ્ર ઘટાડો થવાથી કેપીટલમાં કડાકો બોલાયો હતો અને સાથે-સાથે ઇન્ટરનેશનલ માર્કૈટમાં પણ તેની કંપનીની પ્રતિષ્ઠા ધોવાઈ હતી તે વાત વ્યોમા જાણતી હતી. જો કે તેને એવો પણ ભ્રમ હતો કે પોતાની કંપનીના કોન્ટ્રાક્ટના સહારે જ સપનાની કંપની ચાલતી હતી. એજ અરસામાં શહેરની મધ્યમાં આવેલા શોપીંગ મોલમાં શેઠ એન્ડ કંપનીની જાહેરખબર દેખીને તેને અદેખાઇ તો આવી જ હતી. સફળ રીતે બીઝનેસ હેન્ડલ કરવા ઉપરાંત સપના એક સારી પત્ની અને પ્રેમાળ માતાનો રોલ પણ અદા કરી શકતી હતી તે વાત તેના માન્યામાં આવતી ન હતી.
જ્યારે પોતે એક બાળકની મા હોવા છતાં, ખાલી ખોળે જીવી રહી હતી. પોતાની જાતને પુછેલા સવાલોનો એક પણ સંતોષકારક જવાબ તે મેળવી શકતી ન હતી કે, “હું શું છું?..સફળ માતા? સફળપત્ની? સફળ બિઝનેસ વુમન..?” તેના બધા જ સવાલોના જવાબો નકારમાં હતા.
એટલે આવા દ્વેષ અને ઉદ્વેગપૂર્ણ તબક્કે સિનીયર સ્ટોર મેનેજર વર્ગીસની કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની સલાહને તેને ઝાઝા કોઈ વિચાર કર્યા વિના જ વધાવી લીધો. આમેય આનાથી તેનો અહમ પણ પોષાતો હતો. જો કે કેન્સલેશન લેટર પર આંધળા ઉત્સાહથી સાઇન કરતી વખતે તેને ક્યાં ખબર હતી કે તે પોતાના જ પગ ઉપર કુહાડો મારી રહી હતી.

જનાર્દનના ગયા પછી તેણે આપેલા ફોટા સામે યશપાલ એક્ટશ નજરે જોઇ રહ્યો. કંઇક અંશે પરિચિત લાગતો ફોટાનો એ ચહેરો તેની સ્મૃતિને ઢંઢોળી રહ્યો હતો. એક ધુંધળુ ચિત્ર તેના માનસપટ પર આકાર લઇ રહ્યું હતુ. એકાએક કંઇક વિચારી તેણે અનંતને ફોન કર્યો. સામે છેડેથી અવાજ આવ્યો, “હા …બોલ યશપાલ..!”
“અનંત આજે સાંજે મારા ઘેર આવવાનું ફાવશે.?” -યશપાલના ટુંકા પ્રશ્નનો અનંતે પણ ટૂંકો જ ઉત્તર આપ્યો, “હા.. આઠ વાગ્યા પછી આવું છું.” અને બંને પક્ષે ફોન મુકાઇ ગયા..
બરાબર સાડા આઠે અનંતે યશપાલના વિશાળ કહી શકાય તેવા સરકારી બંગલામાં પ્રવેશ કર્યો. તેને લાગ્યું કે રાહુલના કેસમાં કેવી રીતે આગળ વધવું તેની જ કોઈક ચર્ચા હશે, એટલે જ મને અત્યારે અહીં બોલાવ્યો હશે. ડ્રોઇંગ-રુમમાં ઘણી બધી ફાઇલો સાથે બેઠેલા યશપાલે તેને આવકાર્યો. અનંત તેની બાજુના સોફામાં બેઠો. ઔપચારીક વાતો પછી યશપાલે જણાવ્યું કે સરકારી વકીલે કોર્ટમાં રાહુલને તેની ટાઇ અને બેગમાંથી ડ્રગ્સ મળવાના આરોપસર રિમાન્ડ અને પછી ‘પાસા’ની માંગણી કરી છે એટલે હવે એની કમસેકમ એક બે વરસની જેલ તો પાકી જ સમજવાની. આટલું કહી યશપાલે એક ફોટો અનંત સામે ધર્યો અને પુછ્યું, “આ યુવકમાં તને કોઈ અણસાર આવે છે?”
“અરે આ તો પેલા વિષ્ણુ જેવો જ લાગે છે.. પેલો તોફાની છોકરો વિષ્ણુ..”
અનંતના એકદમ ત્વરીત જવાબથી યશપાલના વહેમને પણ પુષ્ટિ મળી, એટલે એ પણ સામે પૂછી પડ્યો, “વિષ્ણુ..! પેલો છરી મારવાના કેસમાં જુવેનાઇલ કોર્ટમાં ગયો હતો..એ જ ને ?”
“હા.. આ તો એ જ લાગે છે.. એની આંખો જો ને..” અનંતે જવાબ આપ્યો.
આ ફોટામાંના યુવકની આંખો તેની ઓળખ છતી કરવામાં ઘણી સફળ રહી હતી. ભારતીય પ્રજામાં ભાગ્યે જ જોવા મળતી આસમાની રંગની એવી જ આંખો, અનાથ આશ્રમમાંના એક કિશોરની પણ હતી એવું યશપાલને યાદ હતું. એ અનાથ-આશ્રમ, કે જેના ટ્રસ્ટી તેના પાલક-પિતા સક્સેના હતા. આ કિશોર નાનપણથી જ તોફાની અને ભારાડી હોવા ઉપરાંત તેનો બીજો પણ એક ભેદ હતો, જે અજાણતા જ સક્સેના તેના પાલક-પુત્ર યશપાલની હાજરીમાં વર્ષો પહેલા બોલી પડ્યા હતા.
શહેરના મોટા શેઠ સાંકળચંદ આ અનાથ-આશ્રમમાં મોટી રકમનું દાન આપી ગયા ત્યારે, અકારણ જ આવડું મોડું દાન કોઈ શા માટે આપે તેની સક્સેનાને નવાઈ લાગી. સક્સેના સાથે શેઠ સાંકળચંદનો ઘરોબો તો હતો જ. એટલે તેમને વિશ્વાસમાં લઇને શેઠે એક ભેદભરી વાત કરી હતી. આ ભેદભરી વાતની ચર્ચા અમુક વર્ષો પછી એ બંને વડીલો જ્યારે ફોન પર કરતા હતા, ત્યારે યશપાલ અજાણતા જ અનાયાસે એ સાંભળી ગયો હતો. ત્યારે તો આ વાતનું કોઈ મહત્વ તેને લાગ્યું ન હતું. પરંતુ આજે તો જરૂર જ, આ વાત તેને બહુ જ કામની લાગતી હતી.
અને તરતજ તેના મગજમાં વિષ્ણુની ફાઇલના બધા જ કાગળ ઘુમવા માંડ્યા. ફોન પરની તે વાત પરથી એટલું તો યશપાલ જાણી ચુક્યો હતો કે વિષ્ણુ શહેરના ધનીક સાંકળચંદની એકની એક, પરંતુ અપરણિત પુત્રીનું અનૌરસ સંતાન હતો.

તેને અનાથ-આશ્રમમાં આશરો, સારું લલન-પાલન અને ભણતર મળી રહે એ હેતુથી જ તેમણે ખુબ મોટી કહી શકાય તેવી રકમનું દાન પણ કર્યું હતું. અને સક્સેનાને, આ વાત છાની રહે તેની તાકીદ પણ કરી હતી. પરંતુ ખોટી સંગત તેમજ અનાથ-આશ્રમમાં મળી રહેતી ખોટી છૂટને કારણે, તે છોકરો આડે રવાડે ચડી ગયો હતો. અને પછી કોઈક ને છરી મારવાના કેસમાં કસ્ટડીમાં જઈ ત્યાંથી ગાયબ પણ થઇ ગયેલો. પોતાના પિતા જ ટ્રસ્ટી હોવાથી યશપાલ આ બધી બાબતોથી વાકેફ હતો.
મંત્રાલયની કોઇ ફાઇલ હાથમાં રમાડતો યશપાલ બોલ્યો, “અનંત તું કાલે અનાથાશ્રમ જા. હું ત્યાં વાત કરી દઉ છું. તને જે ફાઇલ મળે એમાંથી વિષ્ણુનો ઇતિહાસ જોઇ આજની ભુગોળ સાથે એને કનેક્ટ કરી જો. આ તબક્કે વિષ્ણુની મધરનું પગેરું આપણા માટે બહુ જરૂરી છે.”
“પણ કેમ? આ ગુનેગાર પાછળ સમય બગાડવાથી શું ફાયદો?”
યશપાલે તરત જવાબ આપ્યો કે, “જનાર્દન સાથેની વાતચીતમાંથી તો એવો જ સૂર નીકળે છે કે રાહુલના એસાઇનમેન્ટ પણ આ વિષ્ણુ જ લેતો હતો. કદાચ અનિકેતનો કેસને પણ આનાથી નવી જાન મળશે..અને ‘એક કાંકરે બે પક્ષી’ નો ઘાટ ઘડી શકાશે એમ લાગે છે.”
અનિકેતનું નામ આવતા અનંતની આંખમાં એક નવો જ ભાવ તરવર્યો અને બોલ્યો કે “બે પક્ષી નહીં બે ગીધ બોલો..જીવતા માણસને પણ આ લોકો ચુંથી નાખે એવા છે.”
અનંતના હાથ ઉપર હાથ મુકી યશપાલ બોલ્યો, “બી સ્ટ્રોંગ યાર…આવા વખતે થોડું કાઠુ થવું પડશે. રાહુલ કે જનાર્દન જેવા સાથે ઇમોશનથી નહીં, પેશનથી કામ લેવું પડશે. આપણા હાથ ગમે તેટલા લાંબા હોય પણ એમના ગળા યે નજીક તો લાવવા પડશે ને?”
અનંત ઉભો થઇ ગયો અને બોલ્યો, “ઓકે.. હું રજા લઉ. આ કામ પુરુ કરતા મને બે દિવસથી વધારે વાર નહીં લાગે.”
અને ઉતાવળા પગલે અનંત બંગલાની બહાર નીકળી ગયો. યશપાલ પાસે તે એક વાત બોલી શક્યો ન હતો કારણ કે તેને પોતાને પણ એ વાતની ખાતરી ન હતી. હવે પોતાની શંકાની પુષ્ટિ સપના જ કરી શકશે તેવી માન્યતા સાથે તે સપનાના ઘર તરફ આગળ વધ્યો.
અનંતને આવકારતા સપના બોલી “ક્યાં છો બે દિવસથી..? તમારો ફોન પણ ન આવ્યો. અવનીની તબિયત બરાબર છે ને?”
“બધું જ ઓલરાઇટ છે. પણ ડૉક્ટર શું કહે છે સંયોગ માટે, એ કહે ને..!” અનંત બોલ્યો.
પછી સપનાએ સંયોગના રિપોર્ટ વિશે બધી માંડીને વાત કરી અને ઓફીસની પણ ઉપરછલ્લી વાતો ચાલી. સપનાએ અનંત માટે અંદરથી ચા મંગાવી. ત્યારે અનંતથી વધુ વાર ન રહેવાયું અને તેણે સીધો જ એ વિષય છેડી દીધો.
“હું વ્યોમા વિશે થોડું જાણવા માંગુ છું.
“કેમ? શું થયુ પાછું..?” સપના બોલી.
“મને થોડો અંદાજો તો છે, પણ તારી તો બહેનપણી છે, તો તું તો જાણતી જ હોઈશ, એના ફાધરનું નામ શું છે? સાંકળચંદ શેઠ ?
“હા, કેમ..? આ શહેરના ધનિક શેઠ સાંકળચંદની જ એ દીકરી છે.”
“સપના, કેન ઉ બીલીવ? વ્યોમા એક છોકરાની મા છે.”
“નોનસેન્સ.. અરે એ તો પહેલાથી આજ દિવસ સુધી વાંઝણી જ છે.”
“ના….તેનું એક સંતાન પણ છે અને તે પણ અનૌરસ.. તેના લગ્ન પહેલાનું..!”
“વોટ..!!” -સપના તો જાણે સોફા પરથી ઉછળી જ પડી. તેને માટે તો આ વાત તદ્દન અણધારી જ હતી- “આર યુ સીરીયસ ? તમને કોણે કહ્યું ?”
અનંતે સપનાને વાત કરી કે, “લગભગ ૨૫-૨૬ વર્ષ પહેલા વ્યોમાના ફાધર શેઠ સાંકળચંદ, તેના પાલક-પિતા સક્સેનાજી જે અનાથાશ્રમમાં ટ્રસ્ટી હતા, તે અનાથ-આશ્રમમાં મોટી રકમનું દાન આપીને પોતાની એકની એક દિકરીના સંતાનને મુકી ગયા હતા. સક્સેના સાથે શેઠને ઘરોબો હોવાથી તેમણે આ વાતમાં સક્સેનાજીને વિશ્વાસમાં પણ લીધા હતા કે આ વાત ભેદ જ રહે. અને તેઓ એ છોકરાનું સરખું લાલન-પાલન કરી વ્યસ્થિત ભણતર પણ આપે તેવી શેઠે ભલામણ પણ કરી હતી. જો કે આ વાત તો તેમણે વ્યોમથી પણ છાની રાખી હતી કે તેનું સંતાન ક્યાં રાખ્યું છે. એટલે વ્યોમા પણ નહિ જાણતી હોય, કે તેનું સંતાન અત્યારે ક્યાં છે.”
“કાન્ટ બીલીવ ધીસ અનંત..! વ્યોમાનો કોલેજ-કાળ દરમ્યાન એક સ્ટુડન્ટ લીડર સાથે એફેર ચાલેલો. પણ તેઓ આટલા આગળ વધી ગયા હશે તેવું તો કોઈની જાણમાં ન હતું. બીજું એ કે, એ સમયે બે-ત્રણ મહિના ચાલેલા અનામત આંદોલન, હડતાલ, પરીક્ષા મુલતવી થવી, વગેરે ધમાલમાં વ્યોમાની બાબત પર કંઈ વધું ધ્યાન નહતું રહ્યું. બાકી જો આ વાત સાચી હોય તો..તો ગજબ કહેવાય..!” સપનાની આંખોના ભાવ પણ જાણે એકદમ અકળ બની ગયા હતા.
“એ બધી વાત છોડ. એની આગળની કડી મને કહે. એટલે કે આ બધી તેમના એફેરની અફવાઓ જે તમે સાંભળતા હતા તેમાં હીરો કોણ હતો?” -સપનાની આંખોને વાંચવા મથતા અનંતે, આખરે બીજો એક મહત્વનો પ્રશ્ન કર્યો
“હમમમ…પચીસ વરસ પહેલા ભુલાયેલી વાત છે આ તો….નામ તો યાદ આવતું નથી. હા, એ કોલેજનો વિદ્યાર્થી નેતા કોઇ વાઘેલા હતો.” -સપના આંખો મીંચીને વિચારતી બોલી.
અનંત માટે આટલો જવાબ પુરતો હતો. એની માહિતીને સાચું સમર્થન મળવાથી તે ખુશીનો માર્યો એટલું જ બોલ્યો, “બસ હવે રાહુલ, વ્યોમા અને જનાર્દન વાઘેલાની પડતીના દિવસો શરુ થઇ ગયા સમજો. અનિકેતના આત્માને પણ હવે શાંતિ મળશે એવું લાગે છે.”
એટલું બોલી તેણે યશપાલના ઘર તરફની દિશા પકડી. સપના તો જાણે પોતે જ આ અણધાર્યા ઝટકાથી એટલી હચમચી ગઈ હતી, કે તે કંઇ નક્કી જ ન કરી શકી કે, અનંત ચા પીધા વગર નીકળી ગયો તો તેને પાછો બોલાવું કે નહીં…

— ચેતન શુક્લ

કડી…૨૬

1013623_1379626349016369_4614268705744061329_n

દરરોજ અનંત અવનીને સવારે સાડા આઠની આસપાસ દવા અને દૂધ પીધું કે નહીં પૂછવા ફોન કરતો અને રાતે અવની સૂતા પહેલાં એને એક મેસેજ કરી દેતી. આ શિરસ્તે આજે અવનીનાં મેસેજનો અનંતે રીપ્લાય ના કર્યો તેથી ચિંતાતુર થઈ અવનીએ બીજો મેસેજ કર્યો. અનંતે ઘરે પહોંચીને મોડેથી જવાબ આપ્યો.
“ જસ્ટ રીચ હોમ. યુ ટેક કેર. ગુડ નાઈટ.”
ફટાકથી અવનીએ વળતો મેસેજ કર્યો, “ઓહ્, બહુ મોડું થયું તમને, ઈઝ એવરીથીંગ ઓકે?”
ફોનની સ્ક્રીન પર ફરીથી અનંતનો મેસેજ ઝબક્યો. “અરે, તમે ચિંતા ન કરો. આ તો યશપાલની સાથે જરા પેલા છોકરાની તપાસ કરવામાં અને પછી જરાવાર સ્ટૂડિયોમાં જઈ આવ્યો એટલે મોડું થયું. તમે આરામ કરો.”
સહજતાથી અનંતે જવાબ આપ્યો. વાંચીને અવનીએ સ્મિત કર્યું.
થોડીવાર મનમાં કઈંક વિચારીને અવનીએ ફરીથી મેસેજ કર્યો.
“વાંધો ન હોય તો થોડી વાત કરવી છે.”
“ફોન કરું?” તરત જ અનંતે પ્રત્યુત્તર આપ્યો.
અવનીઃ “જી ના. મેસેજમાં જ.”
અનંતઃ “ઓકે કહો.”
અમુક ગંભીર વાતો વ્યક્તિને રૂબરૂ કહેવામાં સંકોચ થાય, ત્યારે એવી વાતો લખીને મેસેજ મોકલીએ તો વાતચીત સરળ રહે છે. કારણ શબ્દો વાંચવામાં આંખની શરમ નડતી નથી, સચોટ અવાજને કાનની કનડગત રહેતી નથી. અનંતનાં વ્હોટસેપની સ્કીન પર કેટલીક ક્ષણ ‘અવની ઇઝ ટાઈપીગ…’ દેખાયા કર્યું. અનંતે પથારીમાં શરીર લંબાવ્યું. થોડીવારમાં અવનીનો લાંબા ફકરા જેવડો મેસેજ દેખાયો.
“અનંત, ઘણાં વખત પહેલાં તમારો ફોન નંબર મને અનિકેતે આપ્યો હતો. કહ્યું હતું કે ‘મને કઈં થઈ જાય તો ભાઈનો સંપર્ક કરજે.’ એણે મેસેજમાં જ કોન્ટેકટ નંબર મોક્લ્યા હતા જે મેં પણ એમને એમ જ સેવ કર્યો હતો.
અનંત, તમારી હૂંફ થકી જ આજ સુધી ટકી આવી છું. તમે અને સપના ટ્રેનમાં લેવા ન આવ્યા હોત તો મારું કે મારા બાળકનું શું થાત? મારે તમને મનમાં ઊંડે ઊંડે ધરબાયેલ વાત કરવી છે, જે કદાચ રુબરુ ન થઇ શકી હોત.
મારે કહેવું છે કે, ‘ તમે ખુબ જ સાલસ અને ભલા ઇન્સાન છો અને મને તમારા પર પૂરો ભરોસો છે. તમે આવનાર બાળક માટે કાયમ ઈશ્વરીય દૂત રહેશો એની એ મને ખાત્રી જ છે. પણ હું પત્ની તરીકે…. કદાચ…તમારી સાથે..”
ત્રુટક શબ્દ સાથે સેન્ડ થયેલો મેસેજ અનંતે ધીરજથી વાંચ્યો. એટલીજ ધીરજથી જવાબ આપ્યો.
“મારા માટે તમે અને તમારું બાળક મહત્વનાં છો. મારા પ્યારા ભાઈ અનિકેતનો અંશ તમારા ગર્ભમાં આકાર લઈ રહ્યો છે. જેને સાચવાની અને ઉછેરીને નામ આપવાની વાત જ છે. આપણાં સંબધ માટે નિશ્ચિંત રહેજો.”
આંખે ઝળઝળીયાં સાથે અવનીએ લખ્યું, “તો સપના બહેનને..?”
“એને હું વાત કરી દઈશ તમે આરામ કરો. આ હાલતમાં તમારે આરામ વધુ કરવો જોઈએ અને રાત્રે સમયસર સુઈ જવું જોઈએ. શુભરાત્રી.”
પોતે અનિકેતનાં હત્યારાની ભાળ કાઢવામાં રહ્યો હતો એ અવનીને કહી ન શક્યો એવું વિચારી શાયર અને સંગીતકાર અનંત ભાવુક થઈને સૂતો.
“ઉઠો, તમને મળવા કોઈ આવ્યું છે…”અડધી રાતે લોકઅપ રૂમમાં કોન્સ્ટેબલે રાહુલને ઉઠાડતા કહ્યું. ખાસ મુલાકાતી માટે અલાયદા મુલાકાતી કક્ષમાં રાહુલને લવાયો. મુલાકાતી કક્ષમાં આવતાં જ ઘેરી પીળી લાઈટના અજવાળાથી રાહુલની આંખો અંજાઈ ગઈ. આંખો ખોલીને સ્વસ્થ થાય ત્યાં મંત્રી યશપાલ પર નજર પડી.
“અરે! મંત્રી સાહેબ તમે અહીંયા?” રાહુલે ખંધું હસીને યશપાલ સામે જોઈ અચરજ અને ડર છુપાવવાનો નઠારો પ્રયાસ કર્યો. લાકડાંનાં ટેબલ-ખુરશીની માથે લટકતી પીળી લાઈટના બલ્બ સિવાય કમરામાં યશપાલ અને રાહુલ જ હતા. યશપાલે બેસ્યા વિના જ નજીક આવીને એક ચબરખી સરકાવી. રાહુલ ચકળવકળ નજરે તે ચબરખી જોવા લાગ્યો. પરસેવે રેબઝેબ હાલતમાં તાડૂકીને ઉભો થઈ ગયો.
“આ બતાવીને કહેવા શું માંગો છો?”
“તમારી ઓકાત બતાવવા આવ્યો છું, મી. ગાંધી.” બહુ શાંતિથી અને ઠંડા સ્વરે યશપાલે જવાબ આપ્યો.
“આમાં આપના ભૂતકાળનાં બધાંજ લેખાં-જોખાં છે. જરા જુઓ નિરાંતે..” મીંઢાઈ બતાવતાં ખુરશી ખસેડી ખરેરાટી બોલાવતા અવાજે મંત્રીજી બેઠા.
ઉશ્કેરાયેલ રાહુલે યશપાલનો કાંઠલો પકડવા પ્રયાસ કર્યો.
“મી. ગાંધી, ડોન્ટ યુ ડેર ટૂ ટચ મી..મને હાથ લગાડશો તો કાયમને માટે તમારો ફેસલો થઈ જશે..” દાંત કચકચાવીને અવાજનાં આરોહ અવરોહ સાથે યશપાલ બોલ્યો.
અચાનકથી આવેલ આ મંત્રીને જોઈને ડઘાઈ ગયો હતો.
યશપાલે રાહુલની સાવ નજીક જઈ કહ્યું, “જુઓ આ ફોટો. ખબર છે આ કોણ છે?
અંધારા અને પીળી લાઈટ વચ્ચે પહોળી થતી કીકીઓને સંકોચીને જાણે બલ્યુ આઈઝને ઓળખી ગયો.
“પૈસાના જોરે બાપ બનીને ક્રાઈમ-વર્લ્ડના બધા જ કાળા કામ આની જ પાસે કરાવતા હતા ને? પણ એ જાણો છો કે આની મા કોણ છે? તમારી પ્યારી વ્યોમા. યસ વ્યોમા… જો કે હા..તમારી પ્યારી પત્ની વ્યોમા આની મા જરુર છે, પણ તમે આના બાપ નથી.. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તમારી પત્ની વ્યોમાના આ સંતાનના બાપ તમે નથી.” આ સાંભળી શ્વાસ ચડતો હોય એમ રાહુલ ઘુરકીયાં કરવા લાગ્યો.
“હવે તમે જાતે જ નક્કી લો કે મારે તમારી જાતને કઈ જમાતમાં ગણવી”
કાનમાં ફૂંક મારીને ખબર પડ્યા વિના કરડી ગયો હોય એમ થોડીવારમાં યશપાલ ત્યાંથી નીકળી ગયો.
ઓફિસકામની વ્યસ્તતા વચ્ચે ડો. ડેવિડ બર્ન્સનો ફોન આવ્યો. સપના સફાળી ઉભી થઈ.
“હેલ્લો, ડો. ડેવિડ.” સપનાએ અદ્ધર શ્વાસે ફોન ઉપાડ્યો.
“હેલ્લો, મીસીસ શેઠ.” આત્મવિશ્વાસી સ્વરે ડો. ડેવિડે અભિવાદન કર્યું.
અધિરી થઈ સપના પૂછી બેઠી, “વ્હોટ અબાઉટ સંયોગ?”
ડો. ડેવિડઃ “યસ, આઈ હેવ એ ગુડ ન્યુઝ ફોર યુ.” જરા અટકીને બ્રિટીશ લઢણમાં બોલ્યા, “યુ આર અબાઉટ ટૂ વિન યોર હાફ બેટલ..!”
ડો. ડેવિડે આપેલ સમાચાર સાંભળી તેણે ‘લાઈફ સેવ’ હોસ્પીટલ તરફ પૂરપાટ દોડી.
કોઈ ફાઈવ સ્ટાર હોટલ હોય એવું સ્વચ્છ સુઘડ અને અત્યાધૂનિક સાધનોથી સજ્જ એવી હોસ્પીટલનાં આઈ.સી.યુ વોર્ડમાં સપના સાથે ડો. ડેવિડ અને ડો.માથુર પ્રવેશ્યા.. સપના સ્તબ્ધ થઈ ગઈ અંદરનું દ્રશ્ય જોઈને. સંયોગને નર્સ અને વોર્ડ બોય સહારો આપી વ્હિલ્ચેર પર બેસાડવાની તૈયારી કરતાં નજરે પડ્યા. પતિ સુધી પહોંચતાં લગભગ ગોઠણભેર ફસડાઈ પડી સંયોગનાં પગ પાસે બેઠી, ત્યાં સુધીમાં તો પોતાની સુધબુધ ખોઈ બેઠી હોય એવું અનુભવ્યું.
સંયોગને વિદેશથી આવેલ ડોક્ટરની સારવારભરી ચિકિત્સા અકસીર પણે લાગૂ પડી. ઓપરેશન પછીના પહેલા જ દિવસથી સંયોગે આંખોનાં પલકારે હકારાત્મક પ્રતિસાદ આપવાનો શરુ કરી દીધો હતો. જે સપનાને હિંમત અને હામ રાખવાનું પરિબળ પૂરું પાડતું હતું.
આજે તો ચમત્કાર જ હતો. કહેવાય છે ને કે આપણે જેવું ઈચ્છીયે એવું થાય જ! કોઈપણ દ્રઢ સંકલ્પ હકારાત્મક પરિણાંમ આપે જ. પડછંદકાય ડો. ડેવિડે વ્હિલચેર તરફ જરા વાકાં વળીને પૂછ્યું, “હાવ આર યુ, મીસ્ટર સંયોગ?” સંયોગે હડપચી ઉંચી કરી આંખોનાં પોપચાંને કષ્ટપૂર્વક ખોલી સંપૂર્ણં જોશથી હોઠ ખોલી જવાબ આપવા પ્રયત્ન કર્યો. વ્હિલચેર પર શરીર ખોડાઈ ગયું હોય એમ બેસી રહ્યો. સપના જરા ગભરાઈ. બંન્ને ડોકટરો એ સાંત્વના આપી અને જણાવ્યું કે સંયોગની હાલત હવે ઘણી સારી છે.

પેરેલાઈઝડ શરીરને લીધે જવાબો આપવા સક્ષમ નથી. ઘણુંખરું યાદ આવી રહ્યું છે. બાકીના શરીર પર ધીરે ધીરે અસર આવવાની શરૂઆત થશે.
બસ હવે જીવન સાર્થક. સંયોગની હાલતમાં સુધારો સપના માટે કુબેરનાં ખજાના મળ્યાથી પણ વધુ હતો. ડો. ડેવિડે સ્વદેશ રવાના થવા પરવાનગી લીધી. હવે ડો. માથુર એમની સાથે સંપર્કમાં રહેશે આગળની સારવાર હેતુ એવું નક્કી થયું. ઘણાં વખતે કમરામાં દંપતિ એકલાં પડ્યાં એવો યોગ બન્યો. બંન્ને ને અઢળક વાતો કરવી હતી, ઘણીબધી લાગણી વરસાવવી હતી. ભલે હજુ સંયોગ બોલી ન શકે પણ એને બધી વાતની જાણ કરી શકશે એવું આશ્વાશન લીધું.
“સંયોગ તમને યાદ છે? મને પહેલીવાર મળવા આવ્યા હતા ત્યારે મેં સિલ્કનો ગુલાબી ડ્રેસ પહેર્યો હતો. ઉંચી પોની રાખી હતી, યાદ છે? તમે કહ્યું હતું કે સપના તું તો ઢીંગલી જેવી લાગે છે. ……..અને પછી યાદ છે? સ્નેહા.. સ્નેહાનાં જન્મ વખતે તમે કહ્યું કે..
પથારીમાં સૂતે સૂતે સપનાની વાતો સાંભળતો ચહેરાનાં ભાવને વાચા આપવા પ્રયાસ કરતો હતો. સપનાએ ફોનમાંથી સ્નેહાનો ફોટો બતાવ્યો. અચાનક ધીમા તૂટતાં અવાજે “સ્ને…..હા..” શબ્દ નીકળ્યો સંયોગના મુખમાંથી. સંયોગના ચહેરા પર ખુશી દેખાયી. પોતે પણ સ્નેહાને ડેડીની તબીયતમાં સુધારનાં સમચાર આપી સરપ્રાઈઝ આપશે એવું કહીને ઘરે ગઈ.

“મૈં ઝીંદગી કા સાથ નિભાતા ચલા ગયા;
હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા..”
ફક્કડ ફકીરને વળી શેની બીક હોય? પોતાની ખુફિયા ઓફીસના ટેબલ પર પગ લાંબા કરીને બેઠેલો અલગારી વિષ્ણું સિગરેટની ધુમ્રસેર છોડતો ગણગણતો હતો. એનું ક્યારેય કોઈ સગું હતું જ નહિ. એને સંબંધો અને લાગણીઓ સાથે કોઈ જ લેવા-દેવા નહોતી. પોતાના જન્મની જ જેને જાણ નથી એ અનાથ ક્યાં પોતાનું કુટુંબ કે મા-બાપ શોધે? મગજમાં ધસી આવતા વિચારોને ડામવા એ ખુલ્લા આકાશ અને સુમસામ હાઈવે પર બાઈકની ઘરેરાટી બોલાવતો સિગરેટનો દમ લઈ લેતો. જન્મજાત લક્ષણો સમાં પોતાના આ વૈભવી શોખ જોઈ તે ઘણીવાર એવું અનુભવ્યા કરતો કે પોતે જરૂર કોઈ ખુબ જ ઉંચા વર્ણની પેદાશ હશે અને એના જન્મ પછી કોઈ ખરાબ બનાવ બાદ તેને આમ અનાથ આશ્રમમાં મૂકી ગયા હશે . ભણવા કરતાં અનુભવની શાળામાં સમય વધારે ગાળ્યો. જે કામ મળે તે અને જે દામ મળે તે. ના ન જ પાડતો. લીધેલ કામ પૂરું કરી જંપતો. બાળપણનાં આશ્રમનાં મિત્રો સાથે ફરતાં, રખડતાં જમાનાભરની ખરાબ સોબતો શીખતો ગયો. જીંદગી એ બીજું
કઈ નહિ તો ખુબસુરતી તો ઘણી જ બક્ષી હતી. ફાંકડો જુવાન થઈ ગયો હતો એ. ઉચો બાંધો, સ્વરુપવાન ચહેરો અને સાથે નીલી આંખો, જે અજાણ્યાંનેય આકર્ષી જાય તેવી હતી. અંધારી આલમમાં અને કોર્પોરેટ વર્લ્ડમાં તે “બ્લ્યુ આઈઝ” ના નામે જાણીતો હતો.
પેન્સિલને દાંત વચ્ચે દબાવતી વ્યોમા આરામદાયક રિવોલ્વિંગ ચેર પર ઝૂલતી બેઠી હતી. સપનાએ તેને કહ્યું હતું કે તેના એકાઉંન્ટન્ટ પટેલે કરેલ પેમેન્ટ રિમાઈન્ડરનો મેઈલ વાંચીને તે ફરી વળતો ફોન કરશે. વ્યોમા તેની જ વાત જોતી બેઠી હતી. રાહુલની ગેરહજરીમાં એને ઓફિસ આવવાની ફરજ વધી હતી. દૂનિયાભરની અધતન ફેશનની વસ્તુઓ; કપડાં અને વૈભવશાળી સૌદર્ય-પ્રસાધનોથી એનો કબાટ છલોછલ રહેતો હતો. એને આંખોમાં આ ભૌતિક ચળકાટ આંજવો ગમતો. પરંતુ હાલ તે એ બધામાં વધુ રસ લઈ શકતી ન હતી. અરે, સમય જ ક્યાં હતો અરિસા સામે જોવાનોય..?
સપનાના ફોનની રાહ જોતાં જોતાં જ પોતાનાં આલિશાન ઓફિસની કેબિનમાં સજાવાટનાં ભાગ રુપે ગોઠવેલ મોંઘેરા આયનામાં તેની નજર ગઈ. કાનની બૂટ પાસેની લટમાં એને સોનેરી વાળ દેખાયાનો ભાસ થતાં જ તેને એહસાસ થયો કે હમણાં ઘણાં સમયથી એણે કોઈ જ બ્યુટિ ટ્રિટ્મેન્ટની એપોઈન્ટમેંન્ટ પણ લીધી નહોતી, આમ સ્વગત વિચારતી તે પોતાની જાતને ક્ષણભર નીરખતી રહી. ત્યાં જ ઓફિસનો લેન્ડલાઈન રણક્યો અને તેના અવાજને લીધે એનું ધ્યાન ભંગ થયું સાથે
સામે છેડે સપના હતી. તેણે સ્વસ્થતા પૂર્વક વ્યોમાને જણાંવ્યું કે પટેલે મોકલેલ ઈમેલમાં કોઈજ અતિશયોક્તિ નથી. તે તો ફક્ત મંથલી પેમેન્ટનું એક રિમાંઈન્ડર જ છે અને એમાં આમ રોષ કરવાનો કોઈ જ મતલબ નથી. “ઓકે ફાઈન.” હજુ પણ અરિસામાં જાતને મૂલવતી વ્યોમાંએ જાણે આ ઔપચારીક વાત જલ્દી જ પતાવવી હોય એમ કહી ફોન મૂકી દીધો.
“હવે હું એક મેઈલ કરીશ એની રાહ જોજે સપના..” ફોન મૂકતાં જ તે બબડી અને ઈન્ટરકોમમાં ફોન જોડ્યો, “મી. વર્ગીસ કમ ટૂ મી.”
“શું? મેડમ ઇમેલ આજે જ.. ? પ્રશ્નાર્થ અને આશ્ચર્ય સાથે નીકળી ગયા વર્ગીસનાં.
“ઓહ્હ કમ ઓન.. મી વર્ગીસ આજે જ નહીં અત્યારે જ.” પગ પછાડી ઉભી થતી વ્યોમા તાડુકી.

થોડું રાબેતું વહિવટીય કામ આટોપી સપનાએ અડધી કલાક પહેલાં જ ઝબકેલ ઈમેઈલ પર ક્લિક કર્યું. સડસટાડ વાંચી ગઈ. વાંચતે વાંચતે જ તેણે પોતાના ફોનમાં સ્પર્શનાં નામ પર ટેરવું ફેરવ્યું.
“જીસકા મુજે થા ઇન્તઝાર.. જિસકે લિયે દિલ થા બેકરાર, વો ઘડી આ ગઈ..!” ફોન ઉપાડીને સ્પર્શ કઈં બોલે તે પહેલાં જ સપના ગણગણી ઉઠી. “મતલબ જે ઈમેઈલ આવી જ ગયો એમને? સરસ લ્યો. હવે હું આગળની કાર્યવાહી હવે હાથ ધરું.” સ્પશે ઝડપથી વાત પતાવી.
વ્યોમાએ પેલો ક્રોન્ટ્રાક્ટ કેન્સલ કરાવ્યો હતો જે સંયોગ માટે મહત્વકાંક્ષી હતો. સપનાને હતાશા સાથે ઠંડીગાર બેઠેલી જોવાની વ્યોમની અહમથી ભરેલ ઈચ્છાને સ્પર્શે યોગ્ય સમયે પારખી લીધી હતી. તો હવે વારો હતો ચેક અને મેટનો. વ્યોમાના દાવને તેની રામે જ સામે ખેલવાનો.
સ્પર્શે વકિલને મળીને પ્રેસ નોટિસ તૈયાર કરી અને દરેક અખબારોની ઓફિસે રવાના કરી દીધી. આમ વ્યોમાની કંપનીને તાળાં લગાડાવવાની નોબત આવે એવી લગભગ બધી તૈયારી સ્પર્શ અને સંવેદનાએ પૂરી કરી.

આ તરફ ઓફિસનું કામ આટોપી લઈને વ્યોમા ઘરે પહોચી. વિશાળ ડ્રોઇંગરૂમના સુંવાળા સોફામાં ગર્ત થઇ ને ત્યાં અચાનક તેને જનાર્દન યાદ આવ્યો. જનાર્દનની યાદ હંમેશા તેના મન પર એક અલગ જ અસર ઉભી કરતી હતી. તે રાહુલને મકાઉમાં મળ્યો એ વાતની જાણ કરતો ફોન છેલ્લે જનાર્દને તેને કર્યો હતો. પણ એ તો એક ‘પ્રાઈવેટ નંબર’ હતો અને વ્યોમા પાસે એનો બીજો કોઈ નંબર હતો નહિ તેથી તે સામેથી જનાર્દનનો સંપર્ક સાધી શકી નહોતી. જો કે એણે રાજકીય કાર્યાલયનો નંબર શોધીને સંદેશો તો મોક્લ્યો હતો કે વ્યોમા ગાંધી વાત કરવા માંગે છે. પણ તોય હજુ સુધી એનો કોઈ કોન્ટેક્ટ થઇ શક્યો નહોતો.
એવામાં જ વ્યોમાનો મોબાઈલ રણક્યો અને ફરી એક વાર તેના પર ‘પ્રાઈવેટ નંબર’ ઝળક્યો. ફરી પાછો ‘પ્રાઇવેટ નંબર’ જોઈ વ્યોમા સમજી કે જનાર્દનનો જ ફોન છે. વ્યોમાએ ઉપાડીને ઝડપથી ફોન ઉપાડ્યો, બોલી-
“હેલો જનાર્દન…”
“જનાર્દન? કોણ જનાર્દન?” અજાણ્યો અવાજ બોલ્યો.
“ઓહ, હુ આર યુ?” વ્યોમાની તંદ્રા તૂટી હોય એમ બોલી.
“હું કોણ છું એની પંચાત નહી કરવાની.” પેલો ખીજાયો. બોલનારના અવાજમાં તોછડાઈ હતી. વ્યોમા જરા મુંજાયી.
“વ્યોમા ગાંધી… કે પછી વ્યોમા સાંકળચંદ શેઠ.. શું કહીને બોલાવું તમને મેડમ?” કટાક્ષભર્યા રુક્ષ અવાજે બોલવાનું ચાલુ રાખ્યું.
“છે કોણ તું? શું કામ ફોન કર્યો?” હવે વ્યોમા અકળાઈ ઉઠી.
ફોનમાં થયેલી વાતચીતે વ્યોમાને ચિત્તભ્રમ કરી દીધી. આખી જીંદગી જે વાતને લઈને પોતાની જાતને કોસતી રહી તે જ વાત એક અટપટા વળાંક સાથે આવીને જીંદગીમાં એક ઝંઝાવાત જગાવી ગઈ. વ્યોમનું હદય વલોવાતું જ ગયું અને આંખોમાંથી અશ્રુધારા તેના પાકટ ચહેરા પર રેલાતી ચાલી..

— કુંજલ પ્રદિપ છાયા

કડી…૨૭

10917448_843101712415449_2123589412217762924_n

વ્યોમાના મનમાં ચાલતું મનોમંથન તેને પોતાના ભૂતકાળમાં ડુબાડી રહ્યું હતું. તેનું મગજ વિચારી રહ્યું હતું કે આ કોણ હશે? કોણ હશે જે મારા જુના ભૂલાયેલા ભૂતકાળને ફરી બેઠો કરવાની કોશિષ કરી રહ્યું છે. જે મારું હયાતીનું નામ ‘વ્યોમા રાહુલ’ નહિ, પરંતુ મારા જુના નામ ‘વ્યોમા સાકળચંદ’ના નામથી મને સંબોધીને મારા ભૂતકાળને ઢંઢોળી રહ્યું છે..?
અને એક અજાણ્યા વ્યક્તિના આવેલ ફોનથી વ્યોમાના માનસપટ પર એક વાવાઝોડું સર્જાઈ ગયું. કેમ કે જો ફોનમાં કહેવાયેલી વાતો સાચી હોય તો વર્ષોથી સમાજને દુનિયાએ વ્યોમાને ‘વાંઝણી’ શબ્દનું લેબલ આપ્યું હતું, એ તો એક મિનીટમાં ભુંસાઈ જાય એમ હતું. પરંતુ તોય, વ્યોમા એ મુઝવણમાં હતી કે, -એ અજાણી વ્યક્તિની વાતમાં સચ્ચાઈ કેટલી? કારણ કે વર્ષો પહેલા તેના પિતાજી સાકળચંદે તો તેને એવું કહ્યું હતું કે, તેનું બાળક તો મૃતાવસ્થામાં જનમ્યું હતું.
તો પછી સાચું શું ? કોણ સાચું? તેના પિતા? કે આ અજાણી વ્યક્તિ કે જેણે તેને ફોન કરીને આ જૂની વાત ઉખેળી હતી? જો તે વ્યક્તિ સાચી હોય તો શું ઉદ્દેશ હતો આટલી જૂની વાત અત્યારે ઉખેળવાનો ? ને વ્યોમાનું મન બસ આ જ બધી વાતોમાં ચકરાવે ચડી ગયું કે – “એક વાર માટે માની લઉ કે મારું એ બાળક જીવીત છે, તો પછી એ છે ક્યાં અત્યારે? અને કઈ હાલતમાં છે? અત્યાર સુધી એનો ઉછેર ક્યાં થયો હશે?

આ બધી વાતો વ્યોમાના મન પર ઘેરી અસર કરી વળી કારણ વ્યોમા પોતે એવું જ ચાહતી હતી કે ફોનમાં કહેલ વાત સાચી હોય. તેનું સંતાન જીવતું હોય. કેમ કે અત્યાર સુધીની સંતાનવિહોણી અવસ્થાની પોતે જે વેદના અનુભવી હતી, એ તો હજારો વિંછીના ડંખની પીડાથી ય વસમી હતી.
બસ, આજ વિચારોમાં વ્યોમા વધારે ઊંડે ને ઊંડે ઉતરતી જ ગઈ. તેનું સંતાન જીવિત હોવાની આશા તેની કોરીભઠ્ઠ મનોભૂમિમાં મમતાની સંવેદનાભરી લાગણીઓના બીજને અંકુરીત કરી ગઈ. અને એટલે જ એણે વિચાર્યું કે ભલે કંઈ પણ થાય, હું મારા પોતાના કાળજાના ટુકડા જેવા સંતાનના અસ્તિત્વને, એનાં ઠામ ઠેકાણાથી માંડી એની આજની હાલતની ભાળ ક્યાંયથી પણ મેળવીને જ રહીશ. કોણ જાણે કેમ, પણ કાયમ અત્યાધુનિક મોર્ડન વસ્ત્રો પહેરનાર વ્યોમાને આજે ભારતીય નારીનો મૂળ પોષાક, એવી સાડી પહેરવાની ઈચ્છા થઇ આવી, અને પોતાના એ જ સાડલાનાં ખોળામાં પોતાના બાળકને સૂવડાવવાની કલ્પનાથી અને એનાં અહેસાસથી તેની આંખોનાં ખુણાં ભીનાં થઈ ગયાં. ગળે જાણે ડૂમા જેવું ભરાઈ આવ્યું.
આજે કોણ જાણે કેમ સપનાના પગમાં એક અજબ પ્રકારનું જોશ ને જોમ પ્રગટી રહ્યું હતું. એ જલ્દી હોસ્પિટલ પહોચી. ફટાફટ લીફ્ટમાંથી બહાર નીકળીને સીધી ડો.માથુરની કેબીન તરફ પહોંચી. ત્યાં જ ડો. માથુર સામે મળી ગયાં ને એમણે સપનાને જોતા જ કહ્યું,
“હેલ્લો સપનાબેન..કેમ છે ? તમે ફક્ત પાંચજ મિનીટ થોભો, બસ હું જસ્ટ આવ્યો.”
“ઓકે. હું અહી જ, બહાર જ તમારી રાહ જોઉં છું.” સપનાએ કહ્યું..
ત્યાં તો અનંત પણ આવી ગયો .
“હાય સપના, હવે કેમ છે સંયોગ ને..?”
સપના બોલી, “અનંત મારે તમને એક વાત કહેવી છે.”
અનંત બોલ્યો, “બોલ, શું છે એવું ?”
સપના અનંતની બાજુમાં જઈને બોલી, “અનંત, મને કેમ એવું લાગે છે કે રાહુલ ભલે જેલમાં હોય, પણ હું વિચારું છું ત્યાં સુધી હજુ પણ એ કંઈક નવા પ્લાનમાં જ હશે અને આપણને હેરાન કરવા કંઈક નવી ખુંખાર ચાલ રમી નવો બખેડો ઉભો કરશે જ …”
આટલી વાત સાંભળતા અનંત બોલ્યો, “ડોન્ટ વરી સપના, હું બેઠો છું ને., બસ તમે વધારે ટેન્શન ના કરો, હું એ રાહુલના બચ્ચાનાં એકેએક કારસ્તાનથી વાકેફ થઈ ગયો છું અને હવે હું પણ જોઉં છું કે એ હવે આપણું શું બગાડે છે ?”
“અરે અનંત..? હાઉ આર યુ ?” ડો. માથુર બોલ્યા
“આઇ એમ ઓકે સર. બટ નાઉ સંયોગ ઈઝ બેટર નો?” અનંત બોલ્યો ” મારે ખાસ એક વાત કહેવી છે તમને, કે સંયોગ તમારી સારવાર હેઠળ હવે સાજો થઇ રહ્યો છે તે વાતની બહાર કોઈને જાણ ન થાય !”
ડો. માથુર બોલ્યા “એની પ્રોબ્લેમ અનંત ?”
અંનત બોલ્યો “સુતેલો સાપ, ને સુતેલા દુશ્મન.. બંને સુતા જ સારા..!”
“ઓહ..યસ..!” ડો. માથુર સમજી ગયા કે અનંત કહેવા માંગે છે, કે જલદી સંયોગને સાજો કરો અને રજા આપો. “ઓકે, ચિંતા ના કરો મિ.અનંત, જો સંયોગની આમ જ રીકવરી રહેશે, તો હું આવતા ૧૫ દિવસમાં તેને ડીસ્ચાર્જ આપી શકાશે. અને હું તો એવું ઇચ્છું કે હવે એને જેમ બને એમ જલદી હોસ્પીટલનાં વાતાવરણમાંથી ઘરનાં સભ્યોની લાગણીભરી સંગત નસીબ થાય ! અને એ જ, આગળનાં તબક્કે એની સારવારનો એક મહત્વનો હિસ્સો બની રહે.
“ઓહ વેરી ગુડ..!” સપના બોલી.

રાત્રે પોલિસ લોકઅપમાં સુઈ રહે રહે રાહુલના કાનમાં મંત્રી યશપાલના શબ્દો હવે ઉંઘમાં પણ શુળની માફક સતત ભોકાઈ રહ્યા. અને ત્યાં જાણે ઊંઘમાં જ બેચેની વધી જતી હોય એવું લાગતાં, એનાંથી સફાળા જાગી જવાયું. અને જોયું તો અડધી રાત વીતી હતી. ઉભા થઇને માટલામાંથી ગ્લાસ ભર્યો તો ખરો પણ અડધો ગ્લાસ પાણી તો માંડ પીવાયું. અને બેચેની હળવી કરવા લોકઅપમાં આમ થી તેમ આંટા મારતાં મારતાં મારી વિચારી રહ્યો કે, “સાલું..ફક્ત પૈસા માટે જ આખી જિંદગી મેં આ સાકળચંદની રખડેલ, વંઠેલ અને કંઈ કેટલાય સાથે અનૈતિક સબંધ રાખનારી વ્યોમાને ઓછી સહન કરી છે, કે સાલો એનો આ છોકરો અત્યારે પેદા થઇ ગયો?”
પણ અસલ વાત પૈસાની તો હવે રહી જ નહોતી. હવે તો વાત બીજી હતી. જાણે હવે સમયનું ચક્કર ફરી ગયું હતું, કેમ કે હાલની પરિસ્થિતિમાં વ્યોમા પર લાગેલ ‘વાંઝણી સ્ત્રી’નું અપમાનજનક લેબલ સમૂળગું ભુંસાઈ જઈ મુદ્દલના વ્યાજ સહીતનાં સ્વરુપે પોતે એક નપુંસક પુરુષ છે એ મતલબનો ધબ્બો માથે ચોડી ગયું હોય એવી અકળામણ તે અનુભવી રહ્યો. હા, હવે તો પોતાના પુરુષત્વ ઉપર મોટું પ્રશ્નાર્થ લાગી ગયું હતું અને એ જ એની બેચેનીનું મૂળ હતું. પણ હવે કરી પણ શું શકાય? હવેનો સમય જાણે પોતાની વિરુધ્ધ ચાલ રમી રહ્યો હોય એમ રાહુલની પુરુષાતનના અહંને બહુ ઊંડો ઘા વાગી ચુક્યો હતો. આપણા સમાજમાં જેમ ‘વાંઝણી’ શબ્દ કોઈ સ્ત્રીને માટે શ્રાપ હોય છે તેના કરતા પણ મહા-શ્રાપ કોઈ પુરુષ માટે ‘નપુંસક’ હોવું, એ હોય છે. અને એટલે જ આવો અસહ્ય ઘા રાહુલ તેની અંદરના આત્માને લાગી ચુક્યો હોય એમ, એ મહાશ્રાપે લગાડેલ કાળઝાળ ગરમીએ એનાં મનની બેચેની વધારી દીધી. અને એથી જ એવી ગુંગણામણ દાહની પીડાથી પોતે હવે ભાન ગુમાવી રહ્યો હોય એવું તે અનુભવી રહ્યો. અને સ્વગત જ એકાએક બરાડી ઉઠ્યો કે, “વ્યોમા, વ્યોમા તે મારી સાથે દગો કર્યો છે અને આ તે બહુ જ ખરાબ કર્યું છે વ્યોમા, મેં તને બહુ સહન કરી લીધી. પણ હવે બસ, બહુ થયું ! તારે ને તારા પેલા દીકરાએ આની કીંમત આ જન્મારામાં ચુકવવી જ પડશે.” આમ બુમો પાડતાં ને લગભગ બરાડતાં રાહુલની આંખ સામે અંધારું છવાઈ જઈ રહ્યું ને લગભગ અર્ધપાગલ જેવી અવસ્થામાં તે ફસડાઈ પડ્યો.
તેની આવી વસમી હાલત જોઈ લોક-અપમાં ડોક્ટર બોલાવાતાં, ૪ થી ૫ કલાક પછી રાહુલે આંખો ખોલી તો સામે ઇનસ્પેક્ટર પરમાર ઉભેલાં જોયાં. ઇનસ્પેક્ટર પરમારે જોયું કે રાહુલે આંખ ખોલી છે તો સામે આવીને બોલ્યા, “કેમ છો રાહુલભાઈ? એવું તે તમને શું થયું કે બીજાની રાતોની નીંદર ઉડાડવાવાળાની પોતાની જ ઉંઘ હરામ થઇ ગઈ ? બધું ઠીકઠાક તો છે ને ?”
આવા સમયે આવા ખરીદાયેલા ટટ્ટુ પણ જાણે લાગ જોઈને સંભળાવવાનું ચુક્યા નહીં એવી લાગણી રાહુલને થઈ આવી. પણ રાહુલ બોલે તો ય શું બોલે ઇનસ્પેક્ટરની સામે? કેમ કે એની અંદરનો પુરુષ જ જાણે હણાઈ ગયો હતો. એ તો જાણે બીજાની સામે જોવાની તાકાત જ ગુમાવી ચુક્યાનું મહેસૂસ કરી રહ્યો હતો. ને એટલે જ નીચી મુંડીએ મૌન રહેવાનું તેણે મુનાસીબ માન્યું. પોતે નપુંસક છે એ અહેસાસનો બોજ તેના માંહ્યલાને કોરી ખાઈ રહ્યો હતો. જાણે રોમે રોમમાં બદલાની જ્વાળા ઉઠી રહી હતી, અને એજ જ્વાળાની ઝાળથી જાણે પોતે સળગી રહ્યો હતો. પણ આ વખતે એણે પોતાની જાતપર કાબુ રાખી પરિસ્થિતિની નાજુકાઈને સંભાળી લીધી ને વિચાર્યું, -બસ હવે બહુ થઈ ચુકી આ ચોર-પોલીસની રમત.
હવે તો આ લોકઅપમાંથી જલ્દીથી બહાર નીકળવું જ રહ્યું આમ વિચારતા જ એણે ઇનસ્પેકટર પરમાર પાસેથી એમનો મોબાઇલ માંગ્યો, ને ઇનસ્પેકટર પરમાર પણ પરિસ્થિતિ પારખી ગયા હોય તેમ રાહુલના હાથમાં મોબાઇલ આપતાં આપતાં બોલ્યા, “હું ય જાણું છું કે પૈસા જ ભગવાન નથી પણ ભગવાનથી કમ પણ નથી, તો આપણો તો સીધો સાદો નિયમ છે કે તમે અમને સાચવો અને અમે તમને મિ. રાહુલ.”
“બસ કરો હવે, તમારું આ ભાષણ બીજાને આપજો ને મને જલ્દીમાં જલ્દી અહીં લોકઅપમાથી બહાર કાઢવા મારા વકીલ મિ. સિન્હાને ફોન લગાવી આપો ” ઇનસ્પેક્ટરનું વાક્ય કાપતા રાહુલ બોલ્યો
બીજી જ સેકન્ડે ઇનસ્પેકટર પરમારે મિ.સિન્હાને ફોન લગાડીને આપ્યો ને સામે છેડે રીંગ વાગતા જ રાહુલ બોલ્યો, ” હેલ્લો મિ.સિન્હા, હું રાહુલ…રાહુલ ગાંધી ”
“.હા.. બોલો રાહુલ સર ”
રાહુલ જરા ઉચા અવાજે બોલ્યો, “હવે ‘સર’ને મારો ગોળી, ને મને એ બતાવો કે મારે હવે આ લોકઅપમાં હજી કેટલા દિવસ સડવાનું છે .?”
સામે છેડે મિ.સિન્હા બોલ્યા, “રીલેક્સ્ મિ. રાહુલ, સરકારી કામ છે..બધું ઉપર સુધી સેટ કરતા થોડો સમય તો લાગેજ ને..? બટ યુ ડોન્ટ વરી, આમ ઉતાવળા ના થાઓ, તમારું કામ થઇ જ જશે. થોડી પેશન્સ રાખો.”
સામે છેડે રાહુલ જોરથી ત્રાડુક્યો ને બોલ્યો, ” શું પેશન્સ રાખે માથું…? તમે પેલા સ્વામી કેશવાનંદ જેવા બાવાઓને છોડાવી શકો, તો મારા કેસમાં કેમ આટલો સમય લગાડો છો? જુઓ મિ. સિન્હા..સાંભળો,” લગભગ સત્તાવહી સ્વરમાંજ તેણે કહ્યું, “હવે જે કરવું પડે તે કરો, ને જેટલા પૈસા વેરવા પડે વેરો. પણ હું આ લોકઅપમાં હવે વધુ સડવા તૈયાર નથી, ને આજે થતું હોય તો કાલ ન જ થવી જોઈએ. જલ્દી કામ પતાવો, મારા બીજા ફોનની રાહ જોયા વગર…!!”
મિ.સિન્હા પણ હવે પામી ગયા હતા, કે રાહુલને ગમે તેમ કરી ને લોકઅપની બહાર કાઢવો પડશે,
એટલે એમણે રાહુલને શાંત પાડીને આશ્વાસન આપ્યું, ” ડોન્ટ વરી રાહુલસર, બસ બે જ દિવસમાં જેલની બહાર કઢાવાવાની ગેરેંટી હું આપું છુ.”
“ઠીક છે.” રાહુલે કહ્યું
‘ઓકે ટેક કેર..’ કહીને મિ.સિન્હાએ ફોન મુક્યો.

વકીલ મિ.સિન્હાનો મોબાઈલ નં વ્યોમાના મોબાઈલ સ્ક્રીન પર ચમક્યો. વ્યોમાએ રીસીવ કરતાં જ સામે છેડે સિન્હા બોલી રહ્યો, “હેલ્લો વ્યોમા મેડમ? આજે રાહુલસરના કેસની કોર્ટમાં તારીખ છે, તો તમે આવો છો ને ?”
સામ છેડે તાજેતરની બનેલ ઘટનાઓથી સભાન બનેલ વ્યોમાએ થોડીવાર રહીને પોતાનાં અવાજના ભાવને સામેનો કળી ન શકે એમ કહ્યું, “અફ કોર્સ..!”
બસ, એટલું કહી ફોન મૂકતાં વ્યોમાએ થોડીવારમાં કોર્ટ તરફ રવાના થવાનું નક્કી કરી તરત જ ડ્રાઈવરને સૂચના આપી. રસ્તામાં કારમાં પ્રસરેલી નીરવ શાંતિને હળવી કરવા ડ્રાઇવરે ધીમેથી રેડીઓ ચાલુ કર્યો ત્યાં એક ગીત સંભાળતા જ વ્યોમાના કાન સરવા થયા..
“શીશે કા સમંદર પાની કી દિવારે…….
માયા હૈ ભરમ હૈ મુહોબ્બત કી દુનિયા
ઇસ દુનિયા મે જો ભી ગયા વો તો ગયા…….”
પોતાનું મનપસંદ ગીત હતું એટલે વ્યોમાએ ડ્રાઈવરને વોલ્યુમ વધારવા કહ્યું. ને તે સાથે જ વ્યોમાનું મન ઉંડા વિચારોમાં ગરકાવ થઈ ગયું.
હજી ગીત પૂરું થયું ત્યાં તો પાછો એડવોકેટ સિન્હાનો ફોન આવ્યો, “.વ્યોમા મે’મ ક્યાં છો તમે..?”
“હું કોર્ટના રસ્તે જ છું, અહી ટ્રાફિકમાં ફસાઈ છુ.” પ્રશ્નનો ઉતર વળતા વ્યોમા બોલી.
મિ. સિન્હાએ સામે છેડે થી કીધું, ” ઓકે. જલ્દી આવો મે’મ, કોર્ટની કાર્યવાહી શરુ થવામાં બસ ૧૦ મિનીટનો જ સમય બાકી છે..”
“અરે હું અહી ટ્રાફિકમાં એવી જોરદાર રીતે અટવાઈ છું, પણ તોયે હું કોઈ પણ રીતે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરું છુ” તેમ કહીને ફોન મુક્યો પણ કોર્ટમાં પહોંચવું એટલું સહેલું ન હતું. આમ કરતા કલાક નીકળી ગયો. પાછો મિ. સિંહાનો ફોન આવ્યો, “મે’મ તમે ક્યાં છો હજુ..?”
વ્યોમા કઈ બોલે એ પહેલા જ સામે છેડેથી મિ. સિંહા બોલ્યા, “મે’મ તમારા માટે એક સરપ્રાઈઝ છે. રાહુલ સરને જામીન મળી ગયા છે ને હવે તમે જલ્દી પહોંચો.” સિન્હા બોલ્યો
વ્યોમા કઈ વિચારે એ પહેલાં નેટવર્ક પ્રોબ્લેમને લીધે સિંહાનો ફોન કટ થઇ ગયો. પરંતુ એટલી વારમાં તો એની કાર પણ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ, ને ગાડીનો દરવાજો ખોલતાં જ સામે સિન્હા અને રાહુલને ઉભેલ જોયાં.
વ્યોમા રાહુલ તરફ આગળ વધી ને હાથ ફેલાવી હગ આપતા રાહુલને અભિનંદન કહ્યાં. પણ ભેટતી વખતે સામે રાહુલ તરફથી વ્યોમાને કોઈ ઉમળકો ન અનુભવાયો. છતાં વ્યોમાએ મન મનાવતા વિચાર્યું કે, -હશે..! આટલા દિવસ દુર રહેવાથી થોડો ફેરફાર તો દરેકમાં આવે તેમ રાહુલમાં પણ આવ્યો હશે. ને એવું મન મનાવવામાં નવું પણ શું હતું ? વ્યોમા ય આ વખતે ઘણી બદલાયેલી હતી. કેમ કે રાહુલ સાથે કારમાં બેઠા પછી આવો જ કંઇક અહેસાસ બંને પાસે-પાસે બેસેલા હોવા છતાં અનુભવી રહ્યાં. બેય જણે એક અજબ પ્રકારની ખામોશી અનુભવી. પણ તો ય કોઈ કશું કહેવા કે ચોખવટ કરવા ક્યાં ઉતાવળ કરતું હતું? આમ જ એકબીજાનાં મનોભાવને કળવાને, ન સમજાય એવાં વર્તનને સમજવાની કોશીશ કરવામાંજ ક્યાં ઘર આવી ગયું તે બેયને ખબરજ ન પડી.
કહેવાય છે કે જયારે કોઈ વ્યક્તિ તમને ગમતી હોય ત્યારે એની દરેક વસ્તુ, એણે બનાવેલ દરેક વસ્તુ ગમેતેવી હોય, તો ય તમને ગમવા જ લાગે. પણ જેવી તે વ્યક્તિ પરનો મોહ ઉતરે, કે એ વસ્તુઓ જોવી પણ ના ગમે. બસ આવું જ કંઇક થઇ રહ્યું હતું વ્યોમાના ડાઈનીંગ ટેબલ પર. આટલા દિવસ જેલના રોટલા ખાધા હોવા છતાં, આજે રસોડામાં વ્યોમાની ખાસ સૂચના હેઠળ અને રાહુલને મનગમતી બનેલ રસોઈ રાહુલને હવે ઝેર સમાન લાગી રહી હતી, કારણ વ્યોમા પરનો તેનો મોહ તૂટી ગયો હતો અને રાહુલ માટે આજની ખાસ રસોઈ પણ ગળા નીચે ઉતારવી મુશ્કેલ લાગી રહી, રાહુલે બે કોળીયાં ખાધા ન ખાધા, ને ઉભો થઇ ગયો. વ્યોમા આ બધું જોઈ ને અનુભવી રહી હતી. શું કારણ હશે આનું? તે વિચારવા લાગી. પણ તેને હાલ તુરંત તો કોઈ કારણ ના દેખાયું. જો કે વ્યોમા પોતે પણ ત્યારે એક અલગ જ દુનિયામાં જીવી રહી હતી. આમ જ ઘરમાં એક અજબ પ્રકારની સૂચક ખામોશી છવાયેલી અનુભવાતાં બેય જણા, એકબીજાથી અલગ, ગુમસુમ વિચારોમાં ખોવાઈ ગયાં.

જો ખુશી આપણા નસીબમાં જ ના હોય, તો આપણી સાથે જોડાયેલ લોકોની ઝોળીમાં પણ ના રહેવી જોઇએ, -એવું માનનારો રાહુલ આજે મનોમન વ્યોમા સાથેની લડાઈમાં આર યા પાર કરવાના મૂડમાં હતો. એટલીવારમાં જ વ્યોમા ફ્રેશ થઇને ડ્રોઇંગરૂમમાં આવી. થોડા કલાકોના મૌન પછી આખરે રાહુલે વ્યોમાને પૂછ્યું, “વ્યોમા કંપનીનો કારોબાર કેમ ચાલે છે?”
રાહુલનો આ સવાલ સાંભળી વ્યોમાને પાછલા થોડા દિવસોમાં બની ગયેલ બનાવો યાદ આવી ગયા. સપનાની અદેખાઈ કરવામાં પોતે કેવી મૂર્ખાઈ કરી બેઠી હતી કે તેની કંપનીને એક બહુજ મોટી આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.
સપનાની કંપની સાથે રાહુલે કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે બંને પાર્ટીઓએ એક બેંકને મધ્યસ્થી તરીકે રાખવી પડી હતી. અને વચ્ચેની આ બેંકમાં બેઉએ એક-એક બહુ મોટી રકમ ગેરંટી તરીકે જમાં કરાવવી પડી હતી તેમ જ કોન્ટરેકટમાં શરતનો એક એવો ક્લોઝ નાખવો પડ્યો હતો કે જે પાર્ટી એ કોન્ટરેકટ અધવચ્ચે કેન્સલ કરશે તેના દંડ રૂપે તેની ગેરન્ટીની તે મોટી રકમ બેંક જપ્ત કરીને સામેવાળી પાર્ટી ને આપી દેશે. હવે પોતાના મેનેજર વર્ગીસની સલાહ માનીને વ્યોમાએ સપનાની કંપની સાથેનો કોન્ટરેકટ કેન્સલ તો કરી નાખ્યો, પણ ત્યારે તેને આ શરતનો બિલકુલ જ ખ્યાલ ન રહ્યો. આને કારણે સપનાના મિત્રો સ્પર્શ અને સંવેદનાએ કોર્ટ અને બેંક સાથે જરૂરી વાટાઘાટો કરીને વ્યોમાની બેંક-ગેરન્ટીની રકમ સપનાની કંપનીને અપાવી દીધી. આમ સપનાની કંપનીને મોટો ફાયદો થઇ ગયો અને વ્યોમાએ પોતાની મુર્ખામીભરી અદેખાઈનું ખુબ મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. પોતાની આ ધંધાકીય અણઆવડતને વ્યોમા ભૂલી નહોતી શકતી અને ત્યાં જ રાહુલે આવતાની સાથે કંપનીના કારોબારની વાત કાઢી કે -“વ્યોમા કંપનીનો કારોબાર કેમ ચાલે છે?”

બસ આટલું સાંભળીને વ્યોમાને ફરી પોતાની અણઆવડત યાદ આવી અને તે ભડકી ઉઠી,
“રાહુલ, કંપની સિવાય આ દુનિયામાં બીજી કોઇ વાત તને પૂછવા જેવી ન લાગી?” પછી કટાક્ષમાં બોલી, “આમે ય તેં પૈસા સિવાય કયા સબંધોમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે તને કંઈ ફિકર હોય..!”
આટલું સાંભળતા જ રાહુલ જોરથી બરાડ્યો, “હવે બેસને તું. કંઈ કેટલાયના બિસ્તર ગરમ કરવાવાળી તું, મને કયા મોઢે સબંધોના સમીકરણો સમજાવવા નીકળી છો?”
“બસ ઈનફ રાહુલ. હાઉ ડેર યુ સ્કાન્ડ્રલ..? તું કહેવા શું માંગે છે? તું મારી સાથે આવી રીતે વાત કરી જ કેમ શકે ?” વ્યોમા સામે તાડૂકી.
“બસ મેડમ બસ, હવે મને બહુ સારી રીતે ખબર છે કે હું એક બદચલન અને કપડાની જેમ વારંવાર પુરુષો બદલનારી બાઝારુ સ્ત્રી સાથે વાત કરી રહ્યો છુ, સમજી?”
હવે આ બધું વ્યોમાની સમજની સાવ બહાર જતું હતું કે રાહુલ ક્યા પ્રકારનું ઝેર ઓકી રહ્યો છે અને એવી અનિર્ણાયકતાને સ્પષ્ટ કરવા વ્યોમા બોલી, “જો રાહુલ હું હવે તારા મોઢે એક શબ્દ પણ સાંભળવા માગતી નથી. કેમ કે આપણી વચ્ચે જો એક બીજા પ્રત્યે માન, વિશ્વાસ કે ઈજ્જત ના હોય, તો ડિવોર્સ લઇ છુટા પડવું જોઈએ.”
“ઓકે ઓકે..! મને મંજુર છે. મારા હિસ્સાના કંપનીના શેર અને પૈસા આપી દે, ને મને છૂટો કર.” રાહુલ બોલ્યો.
“વોટ..? કઈ કંપનીની વાત કરે છે તું? જો રાહુલ, તું જે કંપનીની વાત કરે છે એ કંપનીમાં મારા ડેડીએ તને એક સામાન્ય ચાલમાંથી ઉઠાવીને ગોઠવ્યો છે. મારી સાથે તારા લગ્ન કરાવી તને ઈજ્જત આપી છે અને આજે તારી આ હેસિયત? કે મારી ઈજ્જત ઉપર તું આંગળી ચીંધે છે. ખબરદાર..! જો એક પણ આડોઅવળો શબ્દ મારી કે મારા ડેડી વિશે બોલ્યો છે તો.!”
બસ રાહુલને ત્યારે જ થયું કે આજે આ વ્યોમાની ઓકાત તેને બતાવવી જ પડશે.
એટલે એ પણ એટલા જ ઉંચા અવાજે બોલ્યો, “ઓ શટ અપ વ્યોમા. તને જે ઈજ્જતનું આટલું ગુમાન છે અને જે ઈજ્જતની તું વાત કરે છે ને, સાકળચંદ શેઠની છોકરીની એ ઈજ્જત તો આજે, ઓલ્યા અનાથાશ્રમમાંથી નીકળીને ગંદી નાલીનો કીડો બનીને, ગામનો ઉતાર થઈ, આખા ગામમાં રખડે છે..સમજી?”
બસ, આ વાક્ય સાંભળતા જ વ્યોમાને કાળોતરા સાપનો ડંખ્યો હોય તેવુ લાગ્યુ. દુખતી નસ પર રાહુલે કરેલો ઘા વ્યોમાને જીરવવો મુશ્કેલ લાગતા એ પગ પછાડી ઘરની બહાર આવી જઈ, સડસડાટ પોતાની કાર લઈ નીકળી ગઇ.
વ્યોમા આમ પગ પછાડીને કાર લઇ ક્યાં ગઈ હશે એનો તાળો મેળવવો રાહુલ જેવા શાતીર દિમાગના માણસ માટે બહુ મુશ્કેલ નહોતું. એટલે જેવી વ્યોમા કાર લઇ નીકળી, કે રાહુલે એક ખતરનાક ખેલ પાડવા માટેની યોજના બનાવી લીધી અને ત્યાં જ રાહુલના ફોન-ડીસ્પ્લે પર એક નંબર ઝળક્યો.
“ઓહ.. શેતાનને યાદ કરો, ને શેતાન હાજર..વાહ.. !” રાહુલ મનોમન બબડ્યો.
બદલો લેવાના અંતિમ પડાવ તરફ પોતે આગળ વધી રહ્યો છે તેમ સમજી એક અટહાસ્ય સાથે ફોન ઉપાડતા રાહુલ બોલ્યો, “હાય બ્લુ આઈઝ..! દુનિયામાં તારા જેવો શિકારી મેં જોયો નથી કે જે માણસના શિકારની ગંધ દુરથી જ પારખી જાય. યુ ગ્રેટ મેન, બ્રેવો..!.”
સામે છેડેથી એવો જ રીપ્લાય આવ્યો, “હું શિકારી છુ, તો તમે કોણ છો સર? મારા જેવા શિકારીના બાપ..? ”
“ઓકે, તો શિકારીને હવે પછી ભૂખ લાગી છે ને ? શિકાર કરવાનું મન છે ને?”
“નેકી ઔર પૂછ પૂછ..? બોલો કોનો કાંટો કાઢવાનો છે હવે ?”
” બધું જ જણાવું છું. તું મને હમણાં પાંચ વાગે હાઈવે નંબર ૮ પરના ‘કુરેશીના ઢાબા’ પર મળ. બધું જણાવું છું ત્યાં આવીને તને..” કહીને રાહુલે ફોન મુક્યો
થોડી વારમાં કુરેશીના ઢાબે જવા કાર લઇ નીકળી ગયો. રસ્તામાં રાહુલનું શાતીર દિમાગ પોતે કેટલો મોટો ખેલ પાડી રહ્યો છે એ વિચારીને, પોતાની જ હલકટાઈ પર પોરસાઈ રહ્યો હતો કે, “હવે હું મારા એક એક દુશ્મનોને વીણી વીણીને એવી રીતે ખતમ કરીશ, કે કોઈને ખબર પણ નહિ પડે.”
વિચારતા વિચારતા એ ઢાબે પહોચી ગયો. પોતાનો કોઈ પીછો નથી કરતું એ વાતની કાળજી લેતા થોડી વાર આમતેમ નજર દોડાવીને રાહુલ ધીરેથી કારની બહાર નીકળ્યો અને ખૂણાના એક ટેબલ પર જઈને ગોઠવાઈ ગયો.
એટલામાં ‘બુલેટ’ની ઘરઘરાટી સંભળાઈ અને રાહુલ સમજી ગયો કે શિકારી ‘બ્લુ આઈઝ’ આવી ગયો છે.

ઢાબામાં લોકોની અવર જવર બહુ ઓછી હતી.
થોડી જ વારમાં દબાતા પગલે રાહુલની સામે બ્લુ આઈઝ એની જગ્યા લઇ ચુક્યો હતો. રાહુલે તેની સામે જોયું,

તો આ વખતે તેને બ્લુ આઈઝમાં કંઇક ફરક દેખાયો, કેમ કે હવે રાહુલની નજર બદલાઈ ચુકી હતી. તેની આંખો બ્લુ આઈઝમાં વ્યોમાના દીકરાને શોધતી હતી.
ત્યાં જ વિષ્ણુ બોલ્યો ” કેમ શું થયું છે રાહુલસર? આજે તમને શું સાપ સુંઘી ગયો કે છે? કે શું ?”
“હું વિચારી રહ્યો છું કે આ વખતે તું શિકાર કરી શકીશ કે નહિ.”
“રાહુલસર, કેમ? આ વખતે શું મારા બાપની સુપારી ફોડવાની છે કે..?”
“ના ભાઈ ના..” રાહુલ અચકાઈ ગયો, ને બોલ્યો.
“જસ્ટ જોકિંગ સર..ડોન્ટ વરી. પૈસા મળતા હોય તો હું સગા બાપની ય સોપારી લેતાં વિચાર ન કરું. યુ જસ્ટ રિલેક્ષ..!”
વિષ્ણુની આ વાત સાંભળી, એક ક્ષણ તો રાહુલ ને પરસેવો વળી ગયો. પણ સમય ગુમાવ્યાં વગર તરત જ એક કવરમા શીકારનો ફોટો, નામ અને અતો-પતો આપી સુપારીની એક મોટી રકમ આ વખતે સામેથી નક્કી કરી, ને એડવાન્સ પેટે પચાસ લાખ રૂપિયા આપી સોદો ફાઈનલ કર્યો. અને તરત જ ત્યાંથી રાહુલે સડસડાટ ચાલતી પકડી. બીજી બાજુ બેગનું વજન જોઈ વિષ્ણુ પણ પામી ગયો કે આ વખતે નક્કી મોટો શિકાર હાથ લાગ્યો છે..!
અને બુલેટની કિક મારી પોતાની બ્લુ-આઈઝ ઉપર બ્લેક ગોગલ્સ ચડાવી તેના આગલા શિકાર તરફ સડસડાટ ગાડી દોડાવી દીધી.

— રમેશ લાખાણી

કડી…૨૮

10690195_10152707278357572_7310756427606659933_n

ઢાબો છોડી ત્વરિત નીકળી જવાનું કારણ કદાચ એનાં જ સાવકા દીકરા વિષ્ણુએ ભૂતકાળમા કરેલા સફળ અસેસિનેશન જ હતા.. વિષ્ણુનું તો નામ માત્ર “વિષ્ણુ” હતું, પણ અવતાર તો એ જાણે યમનો જ હતો.. રાહુલ જાણતો હતો કે વિષ્ણુ સાથેના વર્તન અને વહેવારમાં કંઇક પણ ઉંચુનીચું બનશે તો ટેબલ પરથી ઉભા થવાનો મોકો પણ કદાચ ન મળે.. અને એ ખરેખર જ હમણાં એવાં શબ્દો બોલેલો કે “પૈસા મળતા હોય તો હું સગા બાપનીય સોપારી લેતાં વિચાર ન કરું.”… ને પોતે તો એનો બાપ પણ નહતો અને સગો ય નહતો.
મગજથી ખુંખાર અને શાતિર રાહુલ આમનેસામનેની લડાઈમાં તો સાવ ફટ્ટુ જ હતો. બીક, ગુસ્સો, બદલો, લાલચ અને બીજા અનેક મિશ્રિત ભાવ સાથે નીકળેલો રાહુલ હાઇવે પરના એક થોડા સમય પહેલાં જ બંધ થયેલા ઢાબા પાસે અચાનક જ અટકી પડ્યો. અતિ લાલચી માલિકની ગેરકાનુની હરકતોથી બંધ થયેલ એ ઢાબું અને રાહુલની હાલની પરિસ્થિતિમાં ઘણી સામ્યતાઓ હશે કદાચ, નહિતર આજુ-બાજુમા આવેલી તારા-સિતારાવાળી હોટેલોને છોડીને ગાડી અહી જ કેમ રોકાય? છેલ્લા થોડા સમય પેલા ભોગવેલો જેલવાસ, ઉંધા પડેલા પાસા, વ્યોમાએ કરેલુ અપમાન, આ બધું હજુ પણ એનાં રાવણમય સ્વભાવ માટે અસહ્ય હતું. એની લાલઘૂમ આંખોમા જાણે એ બધી ઘટનાઓ સાથે જોડાયેલા દરેક વ્યક્તિનું લોહી જણાઈ રહ્યું હતું.
આ વિચારોના વંટોળમાથી નીકળવાનો પ્રયાસ કરી રહેલા રાહુલ પાસે અચાનક એક આગળ નીકળેલી કાર રિવર્સમા આવીને ઉભી રહી. રાહુલ આશ્ચર્યભરી નજરે એકિટશે જોઈ રહ્યો કે આ કોણ હશે? અત્યારે આમ અચાનક આ કાર આવી ઉજ્જડ જગ્યાએ કેમ?
અને એ હજું સવાલોના સમીકરણ ઉકેલે એ પહેલાં જ કારનો દરવાજો ખૂલ્યો અને અંદરથી યશપાલ બહાર આવ્યો પણ અચાનક આ રીતે યશપાલને જોઈને રાહુલ એકદમ સ્તબ્ધ થઈ ગયો જાણે કે કોઈ સાપ સૂંઘી ગયો હોય. યશપાલના આમ અચાનક જ આવી જવાની એને કંઈ જ ગેડ પડી નહીં. તે લગભગ અવાચક થઈ ગયો. ને હજુ એની પહોળી થઈ ગયેલી આંખો અને સુકાઈ ગયેલા ગળામાંથી કંઈ બોલી શકાય એ પહેલાંજ જ યશપાલે જાણે એને તંદ્રામાંથી જગાડ્યો અને કટાક્ષમય હાસ્ય સાથે પુછ્યું “હવે ગાડી પણ દગો દેવા લાગી કે શું?”
આટલુ સાંભળતા જ રાહુલે જાણે એકસાથે હજારો તીરો પોતાને પગથી માથા સુધી વીંધીને શરીરની પાર નીકળી ગયા હોવાનુ અનુભવ્યુ. છતાં પણ અભિમાન અને અહંકારથી ભરેલ રાહુલ રુઆબ જાળવવા બોલી પડ્યો કે “દગો દેવો કાયરોનું કામ છે અને હું એવો મર્દ છું જે આવા કાયરોને ક્યારેય માફ નથી કરતો.”
અને ખરેખર રાહુલ એવાં લોકોમાંથી એક હતો કે જેમની નીચતા અને નફ્ફટાઈની કોઈ સીમા જ નહોતી ! છતાં યશપાલ તો એનો ય ગુરુ હતો. એ હસીને આરામથી પોતાની કારમાં ગોઠવાયો ને દરવાજો બંધ કરતાં પહેલા રાહુલનાં અહમ્ ને ચૂર કરવા ફક્ત એટલુ જ બોલ્યો “તો શું તારા અરે સોરી..વ્યોમાના દીકરાને વલ્લભ એન્ટરપ્રાઈઝની બિઝનેસ સ્ટ્રૅટજી સમજાવવા બોલાવેલો?” આટલું બોલી રાહુલને ધુંધવાયેલો મૂકીનેજ યશપાલ ત્યાથી રવાના થઈ ગયો.
ગુસ્સો અને બદલાની ચરમસીમાથી છંછેડાયેલ ખંધુ હસ્યો..અને મનમાં જ ગણગણ્યો:
“નેતાજી.. તમે જેલમાં બે વાર મારી મુલાકાતો લેવાની જે તસ્દી લીધી હતી..એકવાર મારી વફાદાર પત્નીના ‘કર્ણ’ ની માહિતી દેવા અને બીજી એ નાપાક દીકરાના બાપનું નામ દેવા..! તમે એટલી તકલીફ લીધી તો મારે ય થોડી તસ્દી તો લેવી જ પડે ને એ દીકરાને બાપનું કારજ કરવાનો મોકો આપવા માટે…!”
અહી બીજી તરફ અનિકેતનો અંશ ઍના બાપના હત્યારા રાહુલનો વિનાશ પ્રત્યક્ષ જોવા માટે આ દૂનિયામાં આવવા આતુર થયું હતું .એની હલચલ અવનીને હર પળ અનિકેતની યાદ અપાવ્યા કરતી .એના માબાપે અનંતના આગ્રહ અને અવનીની તબિયત જોતા બાળકનો જન્મ સ્વીકાર્યો હતો પણ ગભરુ , ગામડિયા માબાપ આવનાર પરિસ્થિતિ માટે મનથી તૈયાર ક્યાં હતા ? સમાજ એક એવી વ્યવસ્થા છે જેની ચકોર નજર એક શિસ્ત બનાવી રાખે છે .દીકરીએ કરેલી અશિસ્ત માબાપને ઉજાગરા કરાવવા લાગી હતી . અવનીને ગર્ભમાથી ઍણે કરેલા ઈશારા કંઈક આવો જ સંદેશો આપી રહેલા. પણ અચાનક નિયત સમય પહેલા અચાનક આવી પડેલી આ પરિસ્થિતિ અવનિ માટે અતિ પિડામય હતી. જે પીડા ઍક સ્ત્રી ઍના બાળકને જીવન આપવા માટે પ્રસુતિ સહન કરે છે ઍટલી પીડા કદાચ ઍક પુરુષ પોતાનુ ખુદનુ જીવન બચાવવા પણ ના સહન કરી શકે. અવનીના માતા-પિતા કવેળાએ ઉપડેલા દર્દથી ગભરાઈ તત્કાલ અવનીને હોસ્પિટલમાં દાખલ કરી દીધી,
સંદેશો મળતા જ તરત હોસ્પિટલ પહોંચેલા અનંતને આખા રસ્તે અનિકેતની યાદ આવ્યા કરી અને એની આંખો છલકાયા કરી .
હોસ્પિટલની કાગળમા કંડારેલી દરેક ઔપચારીકતામા આવનારા બાળકના પિતા તરીકે પોતાની ઓળખ આપી રહેલો અનંત સાચા અર્થમા બે ભાઈઓ વચ્ચેના સંબંધનું ખરુ નિરૂપણ કરી રહ્યો હતો. કદાચ પરિપક્વતા આ જ હોઈ શકે કે ઍક વ્યક્તિ પોતાના કોઈ સ્વજનની ભૂલો કે મુર્ખામીની ભાળ પડતા, નહી કે માત્ર ઍને સારી સલાહ-શિખામણ આપે પરંતુ ઍ અણગમતા અન સંઘર્ષમય તબક્કામાથી ઍનો હાથ પકડી ઉગારી લે અને સાચી સમજ આપે. ડૉક્ટર પાસેથી અવનીના સ્વાસ્થ્ય અંગે કશું વધુ ચિંતાકારક નથી ઍટલી ખાતરી કર્યા પછી અનંતે સપનાને કૉલ પર આ વાતની જાણ કરી દીધી .

અવનીના પહોંચતા સુધી અનંત ગંભીર મુદ્રામાં કોઈ તત્વજ્ઞાનીની જેમ ઉંડા વિચારોમાં ખોવાયેલો રહ્યો . અવની જિંદગીની આટલી લાંબી સફર ઍકલા કેમ કરીને કાપશે? પોતે અવનીને જિંદગીભર સાથ તો જરૂરથી આપશે, પણ પ્રેમ? આવા વિચારોથી ઘેરાયેલા અનંતનાં વિચારોમાં સપનાએ ખલેલ પાડી .

અનંતના હાવભાવ જોઈ સપનાને હકીકતનો અંદાજ આવી ગયો. સાચી મિત્રતાની આ ઍક અનેરી ખાસિયત છે કે કઈક કહેવા માટે દરેક સમયે શબ્દોનો સહારો નથી લેવો પડતો. પોતાના અનુભવો પરથી કાઢેલુ તારણ જણાવતા સપનાએ અનંતને ઍટલુ સમજાવ્યું કે પ્રેમનો ઉદભવ, સંભાવના, સામીપ્ય, સમજણ, સમય અને સંવેદનાનાં સમીકરણોથી થાય છે. આ ઍક વાક્યમાં અનંતનાં દરેક સવાલ નો જવાબ હતો.

ડોક્ટર સાથે વાત કરતા સમજાયું કે ગર્ભાશયનાં મુખ પર ટાંકા મારી દેવામાં આવ્યા હતા. અને અવનીને હવે સતત આરામ આપવાની ડોક્ટરની સલાહ હતી.અવનીના માબાપને આ હકીકત સાદા શબ્દોમાં સમજાવી . બાળકના બાળકને બચાવવા એમનાથી થાય એટલું કરવાનું હતું .એમણે સાડલાના છેડે આંસુઓ બાંધી દીધા.

થોડા સાજા થઇ વ્હીલચેર પર બેસેલા સંયોગને જોતા જ દીકરી સ્નેહાની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયા. વિદાયના સમયે બાપથી દૂર થતી દીકરી જો આંસુ નથી રોકી શકતી, તો બાપને પથારીવશ જોઈ રહેલી સ્નેહાનાં મનની લાગણી સમજી જ શકાય. સંયોગને વળગી પડેલી સ્નેહા સપનાની આંખનાં દરેક આંસુઑને સ્પષ્ટ વાંચી શકતી હતી. સપનાઍ કેવી પરિસ્થિતિઓનો સામનો કરેલો અને શુ સંઘર્ષ કરેલા ઍ સ્નેહા સારી રીતે સમજી શકતી હતી. માતાને ચાહતો પિતા દરેક સંતાન માટે આદર્શ હોય છે . સ્નેહા નાની વયે માતાપિતા વચ્ચેનો તનાવ અનુભવી ચુકી હતી ..દીકરીને માતા આપોઆપ સમજાઈ જતી હોય છે . એક સમજભરી નજર સપનાની સામે નાખતા સ્નેહા બોલી પડી.
“મમ્મી, ચાલને , પપ્પાને ઘરે લઇ જઈએ ….તું ઓફિસે જજે …. હું સ્કૂલેથી આવી પપ્પા પાસે જ બેસી રહીશ ”
સાચો સધિયારો ..નાનકડી દીકરીના આ શબ્દો સાંભળી સપનાની આંખો વરસી પડી .

વાંઝણી એક એવો ભયાનક શબ્દ કે જે એક સ્ત્રીના જીવનમાંથી દરેક રંગો ઝુંટવીને એને બેરંગ, અંધારમય, નીરસ, વ્યર્થ, કદાચ શૂન્ય જેમજ બનાવી દે છે. શ્વાસ તો ચાલે છે, પણ આત્મા મૃત્યુ પામે છે, જાણે કોઈ ચાવીવાળું રમકડુ.. હલનચલન તો કરી શકે, પણ કશું મહેસુસ ના કરી શકે. વ્યોમાનું જીવન પણ આમ જ એક આત્મવિહીન શૂન્ય સમાન હતું. પોતે કરેલા દરેક પાપોનો પસ્તાવો કરતી, રડતી આંખે પણ વ્યોમા આજે ખુશ હતી. કારણ કે હવે એને રમકડું નથી બની રહેવું, પોતાનાં આત્માને જાણે એ પાછો મેળવવા ઈચ્છી રહી ને જાણે હ્રદયમા હવે કોઈની માટે ગુસ્સો, નફરત અને બદલો લેવાની ભાવના રહીજ ન હોય એવું અનુભવી રહી. માત્ર એકજ અધુરી ઇચ્છા છે પોતાના સંતાનની ભાળ મેળવવાની.. પોતે કરેલી ભુલની એની પાસે માફી માંગી અને એનાં પર લાગણી અને પ્રેમનો અનરાધાર વરસાદ વરસવવા એ વલખી રહી.. પણ હવે વિચારવાનો સમયજ ક્યાં હતો ? પરંતુ કઈક એવાં ફળદાયી પ્રયત્નો કરવાં છે કે જેથી પોતાના સંતાનની ખબર મેળવીને એનાં સુધી પહોચી શકે. જેમ ખરાબ વિચાર અમલમાં મૂકવા ઉતાવળ ના કરાય એજ રીતે સારો વિચાર અમલમાં મૂકવા રાહ પણ નાજ જોવાય ને ? બસ આ સાથે જ વ્યોમા પોતાના લક્ષ્ય તરફ પહેલું પગલુ ભરતાં ઘરેથી કાર લઈને નીકળી પડી. જ્યારે સમય સાથ આપે ને ત્યારે દરેક તીર નિશાના પર જ લાગતું લાગે ! અને કઈક આવુંજ જ અહી બની રહ્યુ હતુ. વ્યોમા ઘરેથી નીકળી હોસ્પિટલ પર પહોંચી કે જ્યાંથીજ એનાં માથા પર વાંંઝણી હોવાનુ કલંક લાગેલુ.. હોસ્પિટલમા પહોચતાની સાથે જ અધિકૃત લાગતાં વળગતાં કર્મચારીઓનો સંપર્ક કરી પોતાનાં સંતાન વિશે સત્ય જાણવા માટે પૈસા અને પહોચ બેય રીતે ઝટ હકીકત મેળવવા અધીરી થઈ હતી, અને જ્યાં પૈસો અને વગ હોયને ત્યાં કશેય પરવાનગીની જરૂર નથી પડતી. હોસ્પિટલની એ મુલાકાતજ એને અનાથાશ્રમ પહોચવમાં મદદરૂપ બની અને ત્યાથીજ વિષ્ણુના ભૂતકાળથી લઈને વર્તમાન સુધીની સઘળી માહીતી એણે મેળવી લીધી. આ બધી હકીકતો જાણી વ્યોમા ખરેખર કમકમી ગઈ , અને આ થઈ ગયેલ ભૂલનું એ પોતે ક્યારેય પ્રાયશ્ચિત નહી કરી શકે એવાં વિચારો પણ એને આવી ગયાં. હવેની ઘડી જાણે દેવો અને અસુરો વચ્ચે થયેલા સમુદ્રમંથન સમાન હતી. વિષ્ણુ સાથેની મુલાકાતનુ ફળ વિષ કે અમૃત કાઇ પણ હોઈ શકે. હીંમત કરીને વ્યોમાએ મેળવેલાં વિષ્ણુનાં નંબરને ડાયલ કર્યો ને રુબરુ મળવાની ઇચ્છા પ્રગટ કરી. રુબરુ મુલાકાત ખરેખર હ્રદયદ્રાવક હતી ! આ તરફ વ્યોમાંની અંદર જાણે મમતાનો દરિયો હીલોળા લઈ રહ્યો હતો પણ બીજી તરફ સામે વિષ્ણુંનાં તરફે જાણે એની કોઈજ અસર નહતી ને એનાં મનમાં તો ફક્ત નફરત અને ગુસ્સાનો જ્વાળામુખીજ બહાર આવવા મથી રહ્યો હતો ને જેનાં ભાવ વ્યોમાને જાણે ડરાવી રહ્યાં હતાં અને વ્યોમાના અગણિત આંસુઓ, ચોખવટો અને માફીનામાની વિષ્ણુનાં ગુસ્સા પર કોઈજ અસર ન થઈ અને એ આંસુ અને કાકલુદી બધુંય ભલેને ખરા દીલનું હતું છતાં વિષ્ણુંનાં ગુસ્સાનાં લાવાને ઉછાળા મારતો ઠારીજ ના શક્યાં !! ને એને જેનો ડર હતો એમજ થયું, વિષ્ણુનો ગુસ્સો અને નફરત હવે ચરમસીમા પર પહોચી ચૂકેલા હતાં.. અને “બ્લૂ આઇઝ” તરીકે કુખ્યાત વિષ્ણુની આંખો આજે વેર અને નફરતનાં ઝેરથી વિષમય બનીને એને એક નવીજ ઓળખ આપી રહી હતી..”પોઇઝોનેસ આઇઝ.”.

રાજકારણ પાંચ અક્ષરનો થોડો લાંબો પણ સરળ લાગતો શબ્દ. પણ એકવાર આ વમળમાં ખેંચાયેલો માણસ પાંચ તો શુ પાંચસો જનમ સુધી પણ બહાર ના જ નીકળી શકે. બાળકોની એક રમત હોય પાસા ફેકવાની અને રાજકારણની આ રમત, વિરોધીઓને પાછા પાડવાની. યશપાલ અહી અપવાદ હતો. હમેશા સાધારણ જનતાનુ ભલુ ઈચ્છનાર, વિકાસ અને પ્રગતી માટે હંમેશા તત્પર અને કાર્યશીલ રહેનાર અને સમાજના દરેક દૂષણ જડમુળથી ઉખાડી ફેંકવાનો ઈરાદો રાખનાર.
યુધ્ધમા ઉતરીને શત્રુઓનો નાશ કરવો હોય, તો હથિયાર ઉપાડવા જ પડે. યુધ્ધના મેદાનમા સલાહ-શિખામણ માટે કોઈ વિકલ્પ નથી. અહીં તો છેવટ સુધી લડીને જીત મેળવવી એજ સત્ય છે. યશપાલ યુધ્ધમાં તો હતો જ, પણ હથિયાર એને હવે મળ્યુ. એક એવું હથિયાર કે જેનો સ્રષ્ટા જનાર્દન હતો પણ ઉપયોગ હમેશા રાહુલ કરતો. આજે યશપાલ પણ “વિષ્ણુ” નામક એ હથિયારને જનાર્દન સામે ઉગામવા તૈયાર હતો.
યશપાલે ડ્રાઇવરને ગાડી તૈયાર કરવા કહ્યું અને ગાડીમાં બેસીને કહ્યું, “પેલા જનાર્દનની ઓફીસે લઈ લે”. આમ અચાનક યશપાલને આવેલો જોઈ જનાર્દનને થોડું અચરજ થયું અને મનમા કેટલાંય સવાલો તો ઉદભવ્યાં જ.. પણ દરેક રાજકારણી એક ઉચો અભિનેતા પણ હોયજ છે ને ! પોતાની આ અભિનયકળાનુ પ્રદર્શન કરતો હોય એમ જનાર્દને દરેક સવાલોને કીનારે મુકીને યશપાલને એક કૃત્રીમ હાસ્ય આપી મીઠો આવકાર દીધો, ને જાણે જુનાં કોઈ મિત્રો વર્ષો પછી મળી રહ્યાં હોય એવાં બનાવટી હાવભાવ સાથે મરક મરક હસીને જનાર્દને એક સાવ સામાન્ય સવાલ સાથે વાતચીતની શરૂઆત કરી..
જનાર્દન: “આ….લે..! ધન ઘડી ને ધન ભાગ્ય આ મારા.. કેમ કાઈ આજે મારે ઝુપડીયે ભુલા પડ્યા તમે? પારટી-વારટી બદલીને મારી હાઈરે છેડાછેડી બાંધવાનો તો વિચાર તો નઈથ ને?”
યશપાલ: “ભલાં માણસ, ભૂલા તો એ પડે કે જેને મંઝીલની ખબર જ ન હોય, અને રહી વાત તમારી સાથે જોડાવાની, તો તમે વળી ક્યારે એવી લાયકાતવાળા થઈ ગયા કે કોઈ તમારી સાથે ભળવાનું વિચારી ય શકે ?”
જનાર્દન: “એ ભાય.. આ તમારી લુલીને હખણી રાખો મોઢામાં..ને તમતમારી હદમાં રિયો, ઈ જ હારું છે તમારી માટે, હુ હઈજ્યા?”
યશપાલ: ” હવે તમે મને શીખવશો હદમાં રહેતા? વર્ષો પહેલા જ જે પોતે પોતાની હદ્દ ઓળંગી ચુક્યા છે એ મને મારી હદ દેખાડશે?”
જનાર્દન: ” હવે…બંધ કરોને તમારો લવારો, કૈક ફોડ પાડો.. તો ગઈડ પડે વાતની. ને પેટમાં હાનુ દુખે છે તમને ઈ કયો ને પરબારુ ..”
યશપાલ: ” કહેવા નહી..તમને આરીસો બતાડવા માંગુ છુ સાહેબ, કે આપ કોણ છો ને કેવા છો? આજે તમે જોઈ લ્યો, ને કાલે આખી દુનિયા ભાળશે તમારા અસલી રૂપને..”
આટલું બોલીને યશપાલે એક બંધ કવર જનાર્દનના ચેહરા પર ફેંક્યું, ને ત્યાંથી ચાલી નીકળ્યો.
ગુસ્સે ભરાયેલાં જનાર્દને જેવું કવર ખોલ્યું એ સાથેજ જાણે ભોંય ભેગો જડાઈ ગયો..કારણ એનો સઘળો ઇતિહાસ એ કવરની ભીતરમાં બંધ હતો, ને યશપાલ તો એ દરેક રહસ્યો જનતા સામે ઉઘાડાં પાડી દેવાની ધમકી આપીને ગયો હતો.
ઈમારત ભલેને ગમે એવી ઉંચી હોય પણ જો એના પાયા જ નબળાં હોય તો એ કોઈ પણ ક્ષણે પડી ભાંગે…ને જનાર્દનનું મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન પણ આવું જ તો હતું . વર્ષોની દોડધામ ને કરોડોના ખર્ચ અને હજારો ગુનાઓ કરીને મેળવેલી થોડી-ઘણી નામના, ઇજ્જત અને પ્રતિષ્ઠા આજે જાણે કે દાવ પર લાગેલી તે અનુભવી રહ્યો. જાણે મુખ્યમંત્રી બનવાનું સપનું એને પોતાની નજર સામે જ રગદોળાતું દેખાયું. એક ખંધો રાજકારણી એકવાર પોતાની સગી માને મરતાં જોઈ શકે, પરંતુ પોતાની રાજકીય મહેચ્છાઓનું પતન થતું જરાય ના જોઈ શકે ! એક “ખુરશી”માં જ જાણે એનાં માં-બાપ, ભાઈ ને બહેન અરે આખું ય કુટુંબ ન સમાયેલું હોય..! રાજનિતીનાં આ સમીકરણને ઉકેલવાં માટે જનાર્દન હવે રસ્તામાં આવતાં દરેક કાંટાઓની બાદબાકી કરવાની વ્યુહ રચના રચવાના અને એમાં જો ન સપડાય તો ષડયંત્રનો ભાગ બનાવી, એ બધાનો વારાફરતી વારો કાઢી ખતમ કરવાંનાં સોગઠાં મનમાં જાણે ગોઠવી રહ્યો હતો..

— પીયુષ મહેતા

કડી…૨૯

556674_303186033115796_1728497608_n

રાહુલ સાથેની વિષ્ણુની એ “બીઝનેસ મીટીંગ” પછી વિષ્ણુ એની રોજની ચાની કીટલી પાસે આવ્યો. આ જગ્યા વિષ્ણુની મનપસંદ જગ્યાઓમાંથી એક હતી. ચા-કોફી માટેની આમ તો આ પ્રખ્યાત જગ્યા હતી એટલે હમેશા ભરેલી રહેતી છતાં રેગ્યુલર ગ્રાહક હોવાને હિસાબે વિષ્ણુને એનો મનપસંદ અને શાંત એવો અલાયદો ખૂણો મળી રહેતો. યુવાન વિદ્યાર્થીઓ ના ટોળાઓ જેમાં રીલેશનશીપ્સ, યુનિવર્સિટી અને ભવિષ્યની કારકિર્દી વિશેની ચર્ચાઓ ચાલતી હોય એ જ ટોળામાં સામાન્ય લાગતો ૨૪-૨૫ વર્ષનો સોહામણો યુવાન વિષ્ણુ કોઈનાં ખતરનાક કાવત્રાના પ્લાન ઘડતો. આજે વિષ્ણુ વધુ જ વિચારોમાં ડૂબેલો હતો. રાહુલના ચહેરાના ફરતા હાવ-ભાવ અને એણે સામેથી નક્કી કરેલી રકમ, જેનું અડ્વાન્સ જ પચાસ લાખ હતું , તેને વારંવાર એ સંકેત આપતું હતું કે કશુક ખુબ મોટું રંધાઈ રહ્યું છે, જે વ્યાપારી કાવાદાવાઓથી ઉપર હતું. ભીડ ઓછી થતાં વિષ્ણુએ રાહુલના અસાઈન્મેન્ટનું કવર ખોલ્યું. એક ફોટા જોડે જોડે ન્યુઝ-પેપરની કાપલીઓ હતી. વિષ્ણુ એ ધ્યાનથી એ બધું જોયું, એને સમજતા વાર ન લાગી, કે એ માણસ કોણ હતો. એ ઇસમના ચહેરા અને નામથી એ સારી રીતે વાકેફ હતો. પોતાના જુના અસાઈનર રાહુલને એ સારી રીતે જાણતો હતો. પોતાનો કક્કો ખરો કરાવવા ઘણાઓને પોતના રસ્તામાંથી જુદી જુદી રીતે રાહુલે દૂર કરાવેલા અને “બ્લુ આઈઝે” એ બધાં કર્મોમાં પોતાની કારીગરી દેખાડેલી. જનાર્દન વાઘેલાનો ફોટો જોઈને વિષ્ણુના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું. એને થયું કે આ વખતે રાહુલ કદાચ એની હેસિયતથી ઉપરની બાજી રમી રહ્યો હતો. વ્યોમા સાથેની મુલાકાત પછી વિષ્ણુએ દરેક લાગતા વળગતાની તપાસ કરાવી હતી જેમાં જનાર્દન પણ એક નામ હતું. જનાર્દનની દિનચર્યા અને એના વિશ્વાસુ માણસોની રજેરજની માહિતી વિષ્ણુ પાસે હતી. વિષ્ણુએ હવે તો માત્ર પોતાના મગજની ચાવી કામે લગાવી કઈ રીતે કામ પાર પાડવું એ જ જોવાનું હતું. વિષ્ણુની આંખોમાં એક અલગ જ ચમક હતી, જાણે એને મનમાં અલગ જ બાજી રમતી હોય ! આગળની ઘણી જિંદગીઓ વિષ્ણુના આ પ્લાન ઉપર નિર્ભર હતી.

“બ્લુ આઈઝ ” ના નામ હેઠળ કાળાં કામ કરનાર આ તરવરીયા અને એકદમ તિક્ષ્ણ બુદ્ધિ ધરાવતા વિષ્ણુની આજ સુધીની જિંદગી નાની છતાં કોઈ રોલર કોસ્ટર રાઈડથી ઉતરતી નહોતી. જે રીતે વ્યોમા વાંઝણીના વિશેષણથી પીડિત હતી, વિષ્ણુ પણ અનાથ હોવાના સિક્કા જોડે જીવ્યો હતો..!
જોઈતી વસ્તુ છીનવવાથી જ મળે, જીવનમાં કોઈ કોઈનું હોતું નથી અને દરેક પોતાના “સ્વ”ની રક્ષા કરતું હોય જ છે એ વાત વિષ્ણુના અનુભવોએ એને પાકે પાયે શીખવેલી, જેના હિસાબે એ ગુનાની દુનિયા તરફ ફંટાયો હતો અને આધુનિક ટેકનોલોજી વિશેના એના બહોળા જ્ઞાનથી એ ખુબ ઓછા સમયમાં આગળ નીકળી ગયો હતો. વિષ્ણુના ધંધાએ એને સૌથી મોટી કોઈ શીખ આપી હોય તો એ હતી “અવિશ્વાસ”. જે રીતે માનવીય સમાજ, લાગણી અને વિશ્વાસના તાંતણે ચાલે છે, અમાનવીય કૃત્યોની એ ગોઝારી દુનિયામાં ટકવા અવિશ્વાસ સખત જરૂરી હોય છે. વિષ્ણુ જે લોકો માટે કામ કરતો એમની આખી કુંડલી પોતાની જોડે રાખતો.

રાહુલના પણ દરેક પાસાંઓથી વિષ્ણુ વાકેફ હતો અને વ્યોમા સાથેની પોતાના જન્મ સાથે જોડાયેલી હકીકત ખુલ્લી પાડતી મુલાકાત પછી વિષ્ણુને એને કરેલા રાહુલના દરેક કામ અને એની પાછળ ના એના ઈરાદા સમજવામાં સમય ના લાગ્યો અને એ રાહુલ બાબતે વધુ સતર્ક થઇ ગયો. તુરંત જ પોતાના એક વિશ્વાસુ સ્ત્રોતને રાહુલની પળેપળની જાણકારી મેળવવા કામે લગાડ્યો અને રાહુલે આપેલા કામને પાર પાડવા પોતાનું મગજ કસવા લાગ્યો. પોતાના અસ્તિત્વની હકીકત છતી થયા બાદ વિષ્ણુના હૃદયની અંદર ઉદ્વેગનો લાવા ધગધગતો હતો. પોતાની સાથે થયેલા જિંદગીભરના અન્યાય માટે આજે તેને હિસાબ કરવાની તાલાવેલી હતી. બીજી તરફ રાહુલે પોતાને વધુ હોશિયાર સમજી હવેનાં એના પાસાની જવાબદારી એના માનીતા આ “બ્લુ આઈઝ “ને જ સોપી હતી. રાહુલનો દાવ, વ્યોમાનો વલોપાત અને વિષ્ણુના હૃદયમાં ઉઠતા ઉદ્વેગના ત્રિભેટે, હવે વિષ્ણુનું આગળનું પગલું શું પરિણામો સર્જશે એ કલ્પના જ કંપાવનારી હતી.

અવનીની તબિયતમાં થોડો સુધારો હતો છતાં હાલની પરિસ્થિતિઓમાં અવનીના મનમાં ચાલતી ગડમથલ ને કારણે, એ સતત અજંપામાં રહેતી. અને તેની અસર તેના બાળકના સ્વાસ્થ્ય પર પડી રહી હતી. ડોકટરે સપના અને અનંતને એ હકીકત સમજાવી, કે અવનીને શાંત જગ્યાએ લઇ જાઓ, જ્યાં એ માત્ર અને માત્ર પોતાના બાળક વિષે જ વિચારે અને પોતાનું મન શાંત રાખી શકે. સપનાને તરત જ વાત સમજાઇ અને સાથે સાથે અનંતનું નાનું અને સુંદર ગામ યાદ આવ્યું. અને એની સાથે જ સપનાના ચહેરા પર હળવું સ્મિત ઉપસી આવ્યું. આ જોઈ અનંતે કહ્યું, “લાગે છે તમને પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું છે..!”

સપના બોલી ઉઠી, “હા, મને તારું ગામ યાદ આવ્યું. અવનીને ત્યાં જો રાખીએ, તો એ અહીંના આ કાવાદાવા અને રાહુલ અને જનાર્દન જેવા લોકોના નામથી દુર રહે. એવું કરવાથી એની તબિયત પોતે જ સારી થશે.”
પણ અનંત સપનાના ખભા પરના ભારણ જાણતો હતો, એટલે એણે તરત ચિંતા વ્યક્ત કરી, “પણ સપના, સંયોગની ટ્રીટમેન્ટ, સ્નેહા, અને ઉપરથી હવે તારા ટેલિ-મેડીસીનના પ્રોજેકટનું કામ પણ ઘણું વધુ છે. હું આ રીતે તને છોડીને જઉં એ યોગ્ય નથી.”
આ સાંભળી સપનાએ એને દ્રઢપણે સમજાવ્યું કે, અત્યારે અવની અને એનું સંતાન પ્રથમ પ્રાયોરીટી છે. ઉપરાંત યશપાલ તેમ જ સ્પર્શ અને સંવેદના તો છે જ.
આમ કહી અનંત પાસે ગામ જવાની ટીકીટ કાઢવાનું વચન લઇ, તે ઓફીસ જવા નીકળી.

છેલ્લા કેટલાય સમયથી સપના જે મીટીંગની તૈયારી કરતી હતી એ આજે સાંજે હતી. ટેલિમેડીસીનના ગવર્મેન્ટ સાથેના કરાર માટે સંયોગ શેઠ એન્ડ કંપની શું કરશે એનો આખો ચિતાર સપનાએ એક પ્રેઝન્ટેશન સ્વરૂપે કમિટી સમક્ષ મુકવાનો હતો. સપના પાસે સૌથી મોટું બળ હતું, એનું એક આંતરરાષ્ટ્રીય કંપની સાથેનું કરારનામું, જેમાં એ કંપની ટેકનોલોજી ક્ષેત્રે શેઠ એન્ડ કંમ્પનીને પુરતા રીસોર્સીસ પૂરા પાડશે. આ કરાર દ્વારા સપનાની કંપની સરકારને તકનિકી ખામીઓ સામે કટિબદ્ધ રહેવામાં અમૂલ્ય એવો ટેકો આપવા સક્ષમ બની હતી, બીજી તરફ આ આધુનિક સેવાને દેશના ખૂણે ખૂણા સુધી પહોચાડવા માટેના અનિવાર્ય એવા બહોળા નેટવર્ક તેમજ પ્રાથમિક જરૂરિયાતો માટે રાજ્યસરકારનો ટેકો પણ જરૂરી હતો. આ બે પાસા જો મળી જાય તો ગ્રામિણ ક્ષેત્રે ફેલાયેલા રોગચાળા સામે, તેમજ સ્વચ્છતાના ધોરણોમાં અકલ્પનીય માત્રામાં સુધારાની આશા જાગે તેમ હતી. સાથે-સાથે યશપાલ જેવા ઈમાનદાર લીડરના નેજા હેઠળ બીજા ઘણા મહત્વાકાંક્ષી યુવાનોને સરકાર પ્રત્યે શ્રધ્દ્ધા ઉપજે, જે દેશના ભવિષ્ય ઘડતર માટે જરૂરી હતું. સપનાની અથાગ મહેનત અને કોઠા-સૂઝને પરિણામે રાજ્ય-સરકાર સાથે પાયાની સવલતો અને સંપૂર્ણ વિગતો સાથેના અહેવાલ ઉપર વાટાઘાટો કર્યા બાદ બહુમતી સાથે ટેલિ-મેડીસીનનો કરાર શેઠ એન્ડ કંપની સાથે કરેલો જાહેર કરવામાં આવ્યો. બીજા દિવસે તો શહેરભરના વર્તમાનપત્રો તથા વ્યાપારી સંગઠનોમાં આ વાત ચર્ચાઈ રહી હતી. સરકારે પણ સપનાની મહેનત અને કંપનીના વિકાસલક્ષી દ્રષ્ટિકોણની ભરપેટ પ્રસંશા કરી. સોનામાં સુગંધ તો ત્યારે ભળી જયારે સપનાને Female-Entrepreneur [મહિલા સાહસિક ઉદ્યોગ-વ્યક્તિ] ના હિસાબે કર-રાહત પણ મળી.

પોતાના માનસિક સંતોષ માટે વ્યક્તિગત રીતે તો રાહુલ પોતાની રીતે લડાઈ લડતો જ હતો જેમાં છેલ્લા ઘણા સમયથી એને લગાતાર નિષ્ફળતા જ હાથ લાગી રહી હતી. એ જાણે અધૂરું હોય એમ પોતાની ગેરહાજરીમાં શેઠ એન્ડ કંપની સાથેનો કરાર અધવચ્ચે જ ભંગ કરીને વ્યોમાએ દાખવેલ મૂર્ખતાના કારણે તેની કંપનીએ વેઠેલ નુકસાનમાંથી ય હજી બહાર નહોતું અવાયું અને ત્યાં જ સપનાએ આ ટેલિમેડીસીનના કરાર પર હાથ અજમાવી બીઝનેસ જગતમાં રાહુલની કંપનીનું તો જાણે નાક જ વાઢી નાખ્યું એવું રાહુલ અનુભવતો હતો. એટલે આ પરિસ્થિતિમાં રાહુલ ધૂંધવાય એ સાહજિક જ હતું.
જીવનમાં ઘણી વ્યક્તિ કે મુદ્દાલક્ષી લડાઈઓ લડવામાં આપણે આપણું સર્વસ્વ હોમી દેતા હોઈએ છીએ . પરંતુ વિચારવા જેવું એ હોય છે, કે ખરેખર લડાઈ એટલે શું? યુદ્ધ તો બે પક્ષો વચ્ચે હોય ને! આપણે એ નથી જોઈ રહ્યા હોતા કે સામા માણસે આપણને લલકાર્યો છે ખરો? એ વ્યક્તિ આપણને કનડી છે ખરી? કે પછી આ માત્ર મનમાં ઉભા કરેલા જંગના મેદાનમાં આપણે પોતે ઉભું કરેલું યુદ્ધ છે આ? રાહુલે પણ આ લડાઈમાં એવુ જ કર્યું હતું. સપના ક્યારેય સામી નહોતી પડી, કે નહોતી ક્યારે ય એણે રાહુલના અપમાનને લક્ષ્યમાં રાખી મહેનત કરી. એ તો માત્ર પોતાના પતિના સન્માનને થયેલા અન્યાય અને વિશ્વાસઘાતની અસરો ને નાબુદ કરી સંયોગને એનો એ જ પ્રગતિશીલ બીઝનેસ ફરી પાછો સોપવા માગતી હતી. એ તો ફક્ત પોતાની ક્ષમતા અને સંયોગ માટેની એની લાગણી જ દર્શાવવા માંગતી હતી. અને કદાચ એટલેજ એ જીતી રહી હતી. કહેવાય છે ને, કે કોઈને હરાવવાના ઈરાદાથી લડનાર કરતાં ‘સ્વ’ને આગળ લઇ જવાની કોશિષ કરનાર હમેશાં સફળતા પ્રાપ્ત કરે છે.

આ બાજુ જનાર્દનને પણ પોતાના મુખ્યમંત્રી બનવાના સપના પર પાણી ફેરવાતું જણાયું અને એ બાજીને પોતાની તરફ કરવા માટે ગમે તે હદે હવે નીચે ઉતારવા તૈયાર હતો. કેમ કે સમય ઓછો હતો અને તેની વારંવારની હાર, તેમજ યશપાલની વિષ્ણુના અસ્તિત્વને લગતી વાત જાહેર કરવાની ધમકી એને હવે ધુંવાપુવા કરતી હતી. જનાર્દનની અત્યાર સુધીની કારકિર્દી કેટલાય કવાદાવાઓ વડે રંગાયેલી હતી. દરેક કપરા સમયે વધુમાં વધુ નિમ્ન કક્ષાની કોઈ ને કોઈ તરકીબ એને હમેશા સુઝી આવતી. આ પરિસ્થિતિમાં પણ એને એક પ્યાદું તુરંત જ યાદ આવ્યું. અત્યારે પોતાના સિવાય સપનાના આ પ્રોજેક્ટની નિષ્ફળતામાં સૌથી વધુ જો કોઈને રસ હોય, તો એ રાહુલ હતો એ જનાર્દનને ખ્યાલ હતો. અને આ વિચાર માત્રથી, કાદવથી ખરડાયેલી માનસિકતા ધરાવતા એ રાજકારણીના ચહેરા પર કપટી સ્મિત ફરકી ઉઠ્યું. જનાર્દને રાહુલને ફોન લગાડ્યો, “કેમ છો રાહુલ ભાય? મકાઉમાં મઈળા’તા..હાંભરે છે કાંઈ? આ કાઠીયાવાડી ભાઈબંધને ભુયલા તો નથ ને? તમારા જેવા મોટા વેપારી હાર્યે ફાયદાની વાતું કરવા જ ફોન કયરો છે, હો કે…! બોલો, ક્યારે આવું મળવા?”

સપનાની મહેનત અને ડોક્ટર માથુરની સંભાળને પરિણામે સંયોગને હવે એની પાછલી જિંદગી સંપૂર્ણપણે યાદ આવી ગઈ હતી. એ સાથે એના શારીરિક સંકેતો પણ સકારાત્મક અને પ્રોત્સાહનજનક હતા. પરંતુ પોતાના પગ હજી યે સક્ષમ નહોતા એ વાતનું એને લાગી આવતું. તદુપરાંત સપના જેવી સ્ત્રીને મૂકી પરસ્ત્રી તરફ આકર્ષાવાની પોતાની મુર્ખામીનું પરિણામ આખરે તો સપનાએ પણ ભોગવવું પડ્યું તેનોય તેને અફસોસ રહેતો. અંદરને અંદર પારાવાર પસ્તાતો રહેતો. ડોકટરે એને રજા આપતા સમયે એકાંતરે ફિઝીયોથેરાપી અને સાયકોલોજી સેશન્સ માટે હોસ્પિટલ આવવાની સુચના આપી. સપનાએ ડીસ્ચાર્જ-પેપર્સની ફોર્માલીટી પૂર્ણ કરી અને પાછળના દરવાજેથી વ્હીલચેર ઉપર એને ગાડી તરફ લઇ ગઈ. આ પળે સપનાને જાણે જીંદગીની ખુબ મોટી બાજી જીતીને પાછી વળતી હોય એવું મહેસુસ થતું રહ્યું. જો કે હવે એને થાક વર્તાતો હતો. સંયોગને અને એની કંપનીને એ ન્યાય આપી શકી તેનો સંતોષ પણ હતો. એટલા વર્ષોની એની ધીરજ અને તપસ્યાને પરિણામે આજે એને બીઝનેસ તેમજ પારિવારિક જીવન, બંનેમાં સન્માનજનક સ્થાન મળ્યું હતું..એનો પતિ એને ખરા અર્થમાં પાછો મળ્યો હતો, આજે..!

એક તરફ રાહુલ ઈર્ષ્યા અને નિષ્ફળતાની અગ્નિમાં બળી રહ્યો હતો, તો બીજી તરફ વ્યોમા હવે દરેક રીતે પોતાનાથી દુર થઇ ગયેલી હતી. મિલકતમાથીં ભાગ લેવા કોઈ પણ રીતે હવે રાહુલે કશું કરવું જ રહ્યું. વિષ્ણુને આપેલી જનાર્દનની સોપારી અને વ્યોમાનું આગળનું પગલું શું હશે, એવા બધા વિચારોમાં એ ગરકાવ હતો, ત્યારે જ રાહુલનો ફોન રણક્યો. અનલીસ્ટેડ નંબર હતો. રાહુલે અસમંજસમાં ઉપાડ્યો અને સામે છેડેથી ભારે અવાજમાં સંભળાયું, “કેમ છો રાહુલ ભાય? મકાઉમાં મઈળા’તા..હાંભરે છે કાંઈ? આ કાઠીયાવાડી ભાઈબંધને ભુયલા તો નથ ને? તમારા જેવા મોટા વેપારી હાર્યે ફાયદાની વાતું કરવા જ ફોન કયરો છ, હો કે. બોલો, ક્યારે આવું મળવા?”
મકાઉની એ મુલાકાત યાદ આવતાં જ રાહુલને પરસેવા છૂટવા લાગ્યા. કોણ જાને કેમ આ માણસનો અવાજ હંમેશા રાહુલને અણગમો અપાવતો. એના અવાજમાં સંભળાતી ધાક સામેના માણસને ઓછપ અનુભવવા મજબુર કરે એવું કશુક હતું. એટલે વધારે દલીલ વગર એક કાફેમાં મળવા માટે રાહુલે સંમતિ દર્શાવી. શહેરના પોશ એરિયામાં આવેલ એક આલીશાન કોફીશોપમાં નક્કી થયેલ સમયે રાહુલ પહોંચી ગયો. એના પહોચ્યાના અડધા કલાકે ખુબ મોંઘા પહેરવેશમાં ખુબ સેન્ટ છાંટ્યું હોય એટલી સ્ટ્રોંગ સુંગંધ પ્રસરી. raybanના ગ્લાસીસ કાઢીને ટેબલ પર મુકતા જ જનાર્દને જાણે વાર જ મારવા ચાલુ કર્યા, “કાં રાહુલ ભાય, આજકાલ છાપામાં ઓછા ચમકો છો ને કાંય.. હઉ હારા-વાનાં છે ને..?”
રાહુલે કડવું મો કરીને કહ્યું, “મને લાગે છે કે આપણે કશીક ફાયદાની વાત કરવા આવ્યા હતા.”
“આ…લે..! તમે તો ભઈ ગુસ્સે થય ગ્યા.” ખંધુ હસતાં જનાર્દન બોલ્યો.
“મારી પત્નીના ગેરકાયદેસરના બાળકના બાપ જોડે વધુ લપ કરવામાં મને રસ નથી.”
જનાર્દનપર તો જાણે કંઈ અસર ન થઇ હોય તેમ મંદ મંદ હસતા ઠંડે કલેજે બોલ્યો, “કોણ બાળક અને કોણ મા? અમે તો રાહુલભાય આ દેસની સેવાનો જ ભેખ લઈને રાજકારણમાં ઝંપલાવ્યું છે. એનો વિકાસ ઈ જ અમારો સંસાર ને ઈ જ અમારો પરિવાર. આ જીવતર તો હવે આ દેસને નામે જ છે. બૈરી-છોકરા, ને સંસારના એવા બંધાણ સાથે આપણને કાય લેવા ન કઈ દેવા !” આટલું કહીને જનાર્દને ગંદુ અટ્ટહાસ્ય કર્યું.
રાહુલને આજે ખરેખર રાજકારણના ગંદા ચહેરા પર ઘૃણા થઇ આવી !
“કહેવા શું માગો છો?” રાહુલે મુદ્દાસર વાત કરવાનું વલણ અટલ રાખતા પૂછ્યું.
“જુવો રાહુલભાય આ સોકરો આમેય ગુંડો-મવાલી છે અને મારા નામ કે કામ હાઈરે કોઈ રીતે મારે એને ભેળવવો નથ. વાતને હમજો રાહુલભાય, એ જીવતો રયો તો વ્યોમાના દલ્લામાં ભાગ માગશે. ને જેમ ઈ અનાથાશ્રમની પેદાશ છે એમ તમારેય ક્યાં વળી આ તમારા બાપદાદાની મિલકત છે..હું હૈમજા..? ઈને તો હજીય એની મા જીવતી છે, તો રાખશે ઈને.. પણ તમારો વચાર કઈરો કાંઈ? તમારે જો ઓલી વ્યોમાની મિલકત જો’તી હોય તો આ સોકરો તમારા રસ્તાનો પાણો બનીને આડો આવવાનો.. હમજી લ્યો એટલું.. મગજમાં જાય છે કાંય..!” જનાર્દને પણ મુદ્દા પર આવતા કહ્યું. રાહુલ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો. વાત તો એને ય સાચી લાગતી હતી પરંતુ એ ચહેરા પર ભાવ છતા નહોતો થવા દેતો.

રાહુલને વારંવાર એકજ વસ્તુ યાદ આવતી હતી કે આજ માણસ એની પર નપુંસક નું લેબલ લગાડવા માટે જવાબદાર હતો અને એના દાંત આપોઆપ ભીડાઈ જતા હતા.
રાહુલ જનાર્દનનો ઈશારો સમજી ગયો હતો એટલે સીધું પૂછી નાખ્યું, “તમારા જેવા મોટા માણસને કોઈનો કાંટો કઢાવવામાં વાર શી? એમાં મારી શું જરૂર પડે તમને ?”
રાહુલે વિષ્ણુને જનાર્દનને મારવાનો હુકમ કરેલ જ હતો એટલે એને વિશ્વાસ હતો કે એ અત્યાર સુધીમાં આ કામે લાગી જ ગયો હશે. બીજી તરફ જનાર્દનની વાત મુજબ જો વિષ્ણુનો કાંટો જનાર્દન દ્વારા નીકળી જતો હોય તો હજી ય તેને વ્યોમાના બીઝનેસમાં ભાગ મળે એવા ચાન્સીસ હતા.
જનાર્દને રાહુલના આ સવાલને એની સંમતિ સમજી ને વળતું સ્મિત આપતા કહ્યું, “એમ તો તમે સમજુ માંણહ છો, હોં કે..!”
રાહુલના પ્રશ્નો અને વલણથી જનાર્દનને એ સમજાઇ ગયું હતું કે તીર નિશાના પર લાગ્યું છે! પોતાની સોપારી રાહુલે આપી દીધી હતી એ વાતથી અજાણ જનાર્દન પોતાને હવે સુરક્ષિત અને માસ્ટર માઈન્ડ સમજવા લાગ્યો હતો.
મુલાકાત બાદ જનાર્દન સીધો એના આલીશાન બંગલાના બારમાં જઈને બેઠો. શહેરના દરેક નામી ગુંડા તેમજ ગેન્ગના માણસોને જનાર્દન સારી રીતે જાણતો. વખત આવે તો કઈ ટુકડી પાસે પોતાનું કયું કામ કરાવવું એમાં એ પાવરધો હતો. આ વખતે વાત વિષ્ણુના ખૂનની હતી. એના જેવાને ઠેકાણે પાડનારો ખૂંખાર તો હોય જોડેજોડે ચતુર પણ જોઈએ, એ વિચારી તેણે અંડરવર્લ્ડના એ ઇસમને ફોન લગાડ્યો જેની ટોળકીએ યશપાલના સેક્રેટરીની ગાડીમાં ડ્રગ્ઝ મુકાવવા રાહુલને ધમકીનો ફોન કર્યો હતો.
“હેલો, શું ભાય, જનાર્દન બોલું છું. એ..ને.. જય માતાજી! કેસે હો ભાયજાન ?”
સામાન્ય રીતે જનાર્દન નાના મોટા કામ એના માણસો દ્વારા પરબારા પતાવી દેતો. એટલે આ વખતે તેનો પોતાનો અવાજ સાંભળી તે શખ્સ ચોંકી ગયો.
“અરે સા’બ ક્યા બાત હૈ ઇતને દિનો બાદ અપનકો યાદ કિયા! કિસી લડકેને કામ મેં ગડબડી કિયા કયા? બોલો અભી સાલેકા ખર્ચા પાણી એક કરતા હૈ અપ્પન।”
” ના ના ભઈલા! યે બાર તો ક્યા હે ને કે થોડા બડા કામ કરાવને કા થા.. ” જનાર્દને પોતાની કાઠીયાવાડી ટોન સાથેની ભાંગી તૂટી હિન્દીમાં કહ્યું.
“સાબ આપકો તો માલુમ ના, કી અપનકો સિર્ફ લક્ષ્મી બડી દિખતી હૈ ઉસકે આગે સારે કામ છોટે.”
“અરે હા ભાય હવે, પૈસા કી ચિંતા તું મત કરના વો તુમેરે તક ટેમપે પહોચ જાયેગા. પર એક છોકરે કો ઠેકાણે લગાના હૈ. મેરે આદમી કે સાથ ઉસકા ફોટુ ઔર પૈસે કી બેગ ભિજવાયા હૈ. બંદા ખોપડી આદમી હૈ પર બચના નહિ ચાહિયે. હોં..કે!”
જનાર્દનના અવાજની તાકીદથી સામા માણસને પણ સમજાયું કે કામ કશુક જરૂરી લાગે છે.” અગલે ચૌબીસ ઘંટોમેં ઉસકે બોડી કા ફોટુ ભીજવાતા હૈ અપન, ચિંતા નક્કો જનાર્દન ભાઉ.” ખુબ સહજ છતાં દ્રઢ અવાજ સાથે એણે વાયદો કરી ફોન મુક્યો.
જનાર્દનને હવે ખરેખર સી. એમ. બંગલામાં પોતે બેઠો હોય એવા દ્રશ્યો તાદૃશ થવા લાગ્યા. વિષ્ણુના મૃત્યુથી વ્યોમા પડી ભાંગશે અને બીજી બાજુ રાહુલ આમ પણ વ્યોમા જોડે જોડાયેલો રહેવા મજબૂર હતો એની પોતાની તો કોઈ મિલકત હતી નહિ. અને વિષ્ણુના મોત બાદ હવે યશપાલે ય કોઈ પણ હિસાબે એની આપેલી ધમકી સાચી નહિ કરી શકે. અ બધું વિચારતા જ એના ચહેરા પર ચમક આવી ગઈ અને એના વિશાળ બારના ચારેકોર લગાડેલા અરીસાઓમાં જનાર્દનનું અટ્ટહાસ્ય કરતું મુખ છવાઈ ગયું.

— એન્જલ ધોળકિયા

અમે આ છેલ્લી કડી એક સહિયારી કડી તરીકે મૂકી રહ્યા છીએ ….. સતત સાથ આપનાર મિત્રો સાથે આ કથાનો અંત કરવો એ મારી ખુબ અંતરથી ઈચ્છા હતી .

કડી…૩૦

વ્યોમાની જિંદગી એકદમ પરીવર્તન અનુભવી રહી હતી. એનો માતા બની ન શકવાનો અફસોસ હવે ભૂતકાળ બની ગયો હતો. પોતાના પુત્રના અસ્તિત્વની જાણ થતાં જ હવે એ બાકી રહેલી જિંદગીનું સઘળું વાતાવરણ પોતાની તરફેણમાં બનાવી દેવા એકદમ બહાવરી બની હતી. એ પોતાના પુત્રને પામવાનાં સઘળાં પ્રયત્નો કરવાં માંગતી હતી. માતૃત્વના કોલે એને કૌટુંબીક માહોલમાં જીવવા અધીરી બનાવી દીધી હતી. અને જેવી વિષ્ણુની ભાળ મળી તેવી એને પોતાની પાસે જ રહેવા આવી જવા માટે સમજાવવાનાં પ્રયાસ રુપે સામેથી તેની હોટલમાં પહોંચી ગઈ. ધનિક વાતાવરણમાં ઉછરેલી અને આધુનિક જીવનપદ્ધતિ જીવતી, સ્વછંદી એવી વ્યોમા આમ તો આવી ફાલતુ હોટલનો કદી દાદરો પણ ન ચઢે. પણ પરિસ્થિતિએ વ્યોમમાં એક બદલાવ લાવ્યો હતો. જુદા જ વિચારો અને નવી પરિસ્થિતીમાં ઢળવાની તૈયારી સાથે વ્યોમાએ વિષ્ણુની હોટલની રુમના દરવાજે ટકોરા માર્યા. અંદર રહેલ વિષ્ણુએ રોજની જેમ જ રુમ બોય આવેલો સમજીને બેડ પર પડ્યા રહ્યેજ કીધું…
“આવીજા બાપલીયા…હજું ઉંઘ તો ઉડવા દે…”
ફટાક દઈને બારણું ખોલીને હાથમાં ચા ને બટાકાપૌઆનાં નાશ્તાની ટ્રે સાથે અંદર પોતાની નજર સામે ઉભેલી વ્યોમાને જોતાં જ તે થોડો અસ્વસ્થ થઈ ગયો. વિષ્ણુ મોં પર અણગમાનાં ભાવ સાથે બોલ્યો…”અરે.!…તમે કેમ આમ સવાર સવારમાં મારી સવારને બરબાદ કરવા આવી ગયાં..? મારો પીછો છોડવાનું તમે શું લેશો? અને ખાસ સાંભળી લ્યો, મારે મારી જિંદગીને હવે બદલવી જ નથી..ને હું આમ જ ખુશ છું..”
વ્યોમાથી ન રહેવાતાં બોલી…”અરે…વિષ્ણુબેટા….તું હવે તો સમજ…તું તો મારા કાળજાનો ટુકડો છે, મારું લોહી સીંચીને તને નવ મહીના મારા પેટમાં પાળ્યો છે, તું મારી વાત નહીં માને? બેટા, તારા ફાયદા માટે જ કહું છું ચાલ આપણા ઘરે..”
વિષ્ણુ બોલ્યો…”કોને સમજાવવા માંગો છો તમે? ને કોનું ઘર? મારે જ્યારે ઘરની અને મા ની જરુર હતી ત્યારે તમે ક્યાં હતાં?…ને હવે જ્યારે મને કોઈનીજ જરુર નથી ત્યારે મને શું કામ કોઈ નવા સગપણની ઓળખ આપીને લાગણીનાં પાશથી બાંધવાનાં પ્રયત્ન કરી રહ્યા છો? શું હું નાનો બાળક છું કે તમે મને લાગણીની લોલીપોપ હાથમાં પકડાવીને પટાવીને કહી દીધું કે ચાલ ઘરે જઈને બીજી આનાથી ય સરસ ચોકલેટ આપીશ !”
વ્યોમાના ચહેરા પર પારાવાર વ્યાકુળતા હતી. “બેટા વિષ્ણું તને ખબર છે કે તું જે સમજી રહ્યો છે એનાં માટે હું એકલી જ જવાબદાર છું? એ સમયે હું થોડી બહેકી ગઈ હતી…..ને એ મારા બહેકવાનો લાભ જેણે લીધો હતો એ પણ તારી આજની હાલત માટે એટલો જ જવાબદાર છે….ને મને તો તારા જન્મ વિશે અંધારામાં જ રાખીને તારા અસ્તિત્વને આશ્રમમાં ઉછરવા રવાના કરી દીધું હતું”…. વ્યોમાના અવાજમાં ધ્રુસકું નીકળી આવ્યું. ” હું અભાગણી આટલાં વર્ષો સુધી મારો પોતાનો દીકરો હોવાં છતાંય એક વાંઝણી બની મારી જ જાતને ભૂલીને નસીબની મારી છેતરાતી રહી..!” આટલું બોલતાં વ્યોમા રીતસર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
વિષ્ણુ હવે અકળાયો હતો. એણે એની જિંદગીમાં ક્યારેય આવી લાગણી અને લાગણીભરી વાતો કે દલીલો કે પછી આવી કાકલુદીભરી વિનવણીઓ સાંભળી જ ન હતી, તે લગભગ યંત્રમાનવની જેમ જ મોટો થયો હતો. તેનાંથી આવી પરિસ્થિતિ સહન ન થઇ. વ્યોમાનાં આંસુ તેને જરાય પીગળાવી ન શક્યાં. ઉલટાનું તે ઉશ્કેરાયો ને લગભગ બરાડ્યો…..
“ઓ મેડમ, તમારા પૈસા ને ધનદોલત તમને જ મુબારક…ને મારે જોઈતું હોયને, એ ગમે ત્યાંથી પેદા કરવાની મારામાં આવડત છે જ…..અને મારે મારી રીતે જીવવા માટે એટલું જ પુરતું છે..!….મારે કોઈ મોટાં શેઠ નથી બની જવું..!” વિષ્ણુના અવાજમાં એક ઉશ્કેરાટ હતો. એ બરાડયો….”અને હવે ફરીથી આ મા-બેટાની વાતો કરવા આવીને એવી વાતો કહી મને ખોટો ઉશ્કેરશો નહીં. નીકળો બહાર !…નીકળો, મારે કોઈ મા હતી નહીં….ને કદી હશે પણ નહીં..!”
વિષ્ણુ ગઈકાલે રાત્રે કરેલા કરેલાં નશાને કારણે હેંગ ઓવર ફીલ કરતો હતો. એનું માથું ઘુમતું હતું. રડતી કકળતી વ્યોમાને એણે હાથ પકડીને એક ઝાટકે રુમની બહાર લગભગ ધકેલીને રુમનું બારણું ધડાક કરતું વાસી દીધું.
રૂમની બહાર વ્યોમા, “વિષ્ણું ..અરે વિષ્ણું બેટા, ઓ મારા લાલ….મને હવે તો મા બનવાનો મોકો આપ. આ બધું જ હવે તારું જ છે, મને તો ફક્ત મારા ખોળામાં મારી મમતા આપી દે..! બસ, ભગવાન મેં કયારેય તારી પાસે કશું માંગ્યું નથી, પણ હવે તો મને મા બનાવી દે..! આજે કોળીયો હાથમાં અને નજર સામે જ છે. છતાં હું એનાં માટે તડપું છું..! અરે..અરે કોઈ તો સાંભળો, મારા દિકરાને આટલું સમજાવો.”
ને વ્યોમાં હોટેલની લોબીમાં આમ લવારા કરતી અર્ધ બેભાન અવસ્થામાં ફસડાઈ પડી…!!

— ( આશિષ ગજ્જર )

સવારથી જ શહેરના વેપારીજગત અને અખબારી આલમમાં સપનાની કાબેલિયત અને શેઠ એન્ડ કંપની ભરપુર પ્રશંસા ચર્ચાતી રહી. સપના આ બધું સાંભળીને, વાંચીને દિલમાં થોડું દર્દ અને ખુશી એકસાથે અનુભવતી રહી. એ વિચારમાં જ આંખના ખૂણા ભીના થયા, અને મન મક્કમ કરીને ઓફીસે જવા તૈયાર થઇ. સ્નેહાને કહ્યું..,”બેટા, હું ઓફિસે જાઉં છું.” અને ઓફીસે જવા નીકળી ગઈ.
ઓફિસે પહોંચતા જ સંવેદના અને સ્પર્શ, શેઠ એન્ડ કંપનીને મળેલા ટેલીમેડીસીન ના કરાર માટે અભિનંદન પાઠવવા ફ્લાવર-બુકે સાથે જોવા મળ્યા. એમને જોઇને સપનાનું હૈયું ભરાઈ આવ્યું. બંનેને પોતાની ચેમ્બરમાં લઇ આવી સપનાએ પોતાની જગ્યા લઇ પ્યુનને બધાં માટે ચા-નાસ્તો લઇ આવવા કહ્યું. સ્પર્શ-સંવેદના સામે જોઇ આંખમાં ઝળઝળિયાં સાથે પોતાની લાગણી વહેતી મૂકી. સપનાએ કહ્યું, “સ્પર્શ, સંવેદના, તમારા બંનેના સહયોગ વગર મારા માટે શેઠ એન્ડ કંપનીને અહી સુધી પહોંચાડવી શક્ય નહોતું. ટેલીમેડીસીનના કરાર અંગે સ્પર્શ, તમારી સલાહ સુચન અને મહેનત રંગ લાવી છે. સંવેદનાએ આપેલી હુંફ અને તમારી કંપની પ્રત્યેની નિષ્ઠાને લીધે અહી સુધી પહોચી શકી છું. એ બદલ હું તમારી ખુબ ખુબ આભારી છું.” સંવેદનાએ સપનાના હાથ પર હાથ મૂકીને કહ્યું…”સપના, યુ ડીઝર્વ ઈટ. યુ આર કેપેબલ વુમન. આમાં તારી મહેનત, શ્રદ્ધા અને.. સંયોગ પ્રત્યેનો પ્રેમ જ રંગ લાવ્યો છે, અને અમે તો તારી સાથે છીએ જ.”
સપના એ કહ્યું,…”બસ હવે સંયોગ પરફેક્ટ થઇ જાય અને આ કંપની એના હાથમાં સોપીને હું ફરી એ જ સપના બનવા માંગું છું, કે જે સાંજ પડે તૈયાર થઇને સંયોગના ઓફિસેથી આવવાની રાહ જોતી હોય. અને રજાના દિવસ હું, સંયોગ અને સ્નેહા ફરવા નીકળી પડીએ. મૂવી, હોટલમાં જઈએ અને નિરાંતનો આનંદ માણીએ…….એવા દિવસની રાહ જોઉં છું. હવે સ્નેહા પણ મોટી થઇ રહી છે. એના પ્રત્યેની મારી ફરજ પણ વધી રહી છે, એને પણ માની સાથે એક સખીપણાનો અહેસાસ કરાવી શકું…!” સપનાની આ વાતો સાંભળીને સંવેદનાની આંખો સજળ બની. સ્પર્શ લાગણી તરબતર સખીઓને જોતો રહ્યો.
સ્પર્શને જોતો જોઇને બંને સખીઓ સ્વસ્થ થઇ, ને વાતને બીજે વળાંક આપ્યો. સંવેદનાએ સપનાને અવનીની યાદ અપાવી. એટલે તરત જ સપનાએ અનંતને ફોન કર્યો..,”હાઈ, અંનત, કેમ છો તમે? અવની કેમ છે?” અનંતે જવાબ આપ્યો, “અવની, ડોક્ટરના કહ્યા મુજબ આરામ કરે છે અને તબિયત પણ સુધારા પર છે. આટલે ચિંતા કરશો નહિ. તમે અને સંયોગ કેમ છો?” અને તેણે સ્નેહાનો ખયાલ રાખવાનું કહ્યું. સપનાએ, અનંતને પોતાનો અને અવનીનો ખ્યાલ રાખવાની ભલામણ કારની ફોન-કોલ પૂરો કર્યો.
“આપણી વાતો ક્યારેય પૂરી નહિ થાય..” અને ચા અને નાસ્તાને ન્યાય આપવા સ્પર્શ અને સંવેદનાને કહ્યું. લાગણીઓના પુરને ખાળીને.ફરીથી વાતનો દોર બીઝનેસ તરફ વાળતા સ્પર્શને કહ્યું, “સ્પર્શ, તમારે હવે એક મોટું કામ કરવાનું છે.. રાહુલના બધા જ કાવાદાવા નિષ્ફળ ગયા… તો પણ આપણને અંદાજે એનાથી શું નુકસાન થયું છે…ક્યાં ગેરફાયદા થયા છે..એનો એક અહેવાલ બનાવો, તો આગળ શું પ્લાન કરવા એની સમજ પડે. અને હા, હવે આગળ ક્યાય નાની શી ય ભૂલ ન થઇ જાય એના માટે સચેત રહેવાનું. અને એ માટે તમારા સિવાય કોઈ પણ પર વિશ્વાસ મૂકી શકું તેમ નથી.” સ્પર્શે જવાબ આપ્યો..,”ચોક્ક્સ..અને સંવેદના, આપણે રજા લેશું?” તેણે સંવેદના સામે જોઈ કહ્યું, અને બંને સપનાની રજા લઇ ઘરે જવા નીકળ્યા.

— ( જહાનવી અંતાણી )

શહેરની પંચતારક હોટલમાં ત્યારે રાજકારણીઓનો મેળો જામ્યો હતો. જબરા કોલાહલ વચ્ચે પાર્ટી-મિટિંગનો અજેંડા રજુ થયો. અને રાબેતા મુજબનું કામ ચાલ્યું. પાર્ટીના સભ્યોની આ મેદની જોઇને જનાર્દન ખુશ હતો.
ગઈ ચુંટણીમાં તેની પાર્ટીની અણધારી કહી શકાય એવી હાર થઇ હતી જેનાથી તેની પાર્ટીના સભ્યોનો ઉત્સાહ, ત્યારે પડી ભાંગ્યો હતો. પણ આજે, બસ થોડા મહિના બાદની આ મીટીંગમાં સર્વે ફરી પાછા ઉત્સાહિત જણાતા હતા.
તેનું કારણ હતું, કે સત્તાપર નવી આવેલી સરકારના ગૃહપ્રધાનના દીકરાનું કોઈ કોલ-ગર્લ સાથેના ફોટા સાથે, નામ છાપે ચાડ્યું હતું. અને આને લીધે નવી સરકારને ભોંઠા પડીને ખુબ નીચાજોણું થયું હતું.
“આ સત્તાધારી પારટીએ બઉ બધા બણગા ફૂંકી-ફૂંકીને ભોળી-ભટાક પરજાને હથેળીમાં ચંદરમા દેખાડી દીધો. ને પરજા ય બચાડી તેમની વાયતુંમાં આવી ગઈ, ને ઈ લોકોને માથે બેહાડી દીધા. આપણે ય હાળા ઊંઘતા જડપાઈ ગ્યા..ને પવન પારખવામાં ય થાપ ખાઈ ગ્યા’તા..” -મીટીંગ પુરી થતાં બહાર નીકળતા એક રાજકારણી બબડ્યો.
“એ સરવણભાય, આમ આકળા કાં થાવ?” -સાથે ચાલતા જનાર્દન વાઘેલાએ તેને ટપારતા કહ્યું- “ભાળતા નથ, ગઈકાલે ઈમનો આ એક ભવાડો જે છાપે ચઈડો, ઈ કોનું કામ સે? ભલા માણહ, આંઈ આપણે ય કાંઈ હવે ઊંઘતા નથ. થોડી ખમૈયા કરો બાપલીયા..હઉ હારા વાના થઇ રેહે. ગઈકાલની ઘોણે, ઈ લોકોને આમ હજી એક ઠેબું આવવા દ્યો..ને જોજો પસી આ ભાયડાના ભડાકા..! એય..ને..વચમાં ટાંગ નાખીને એવા પલોટશુ, કે ભોય ભેરાં થઇ જાહે આપણી ખુરશીયું પચાવીને બેઠા સે ને..ઈ હંધાય.”
“હા ભાઈ..જનાર્દનભાઈ, આ આવું..આ માઈલુ, હજી યે કંઇક થાય તો તો મજો પડી જાય.” -સરવણભાઈ હસતા હસતા બોલ્યા.
“એ થાહે થાહે, ચિંતા કરો માં..હાલો તંઈયે..જે સી ક્ર્ષ્ણ..! આંઈ તો હજી યે એક મેળાવડામાં પોચવાનું સે, તી ઉતાવળ સે..” -જનાર્દન ખુશખુશાલ મુદ્રા સાથે તે બધા સભ્યોથી છૂટો પડ્યો.
એક બાજુ સત્તાધારી પાર્ટીનું એક કૌભાંડ છતુ થવું અને બીજી બાજુ વિષ્ણુ નામના અચાનક ઉગી નીકળેલા પોતાના જુના કૌભાંડને દબાવી દેવામાં પોતાને મળનારી સફળતાનો અંદેશો, આ બધાએ જનાર્દનને ખુશખુશાલ કરી મુક્યો. પણ એ જાણતો ન હતો કે તેની આ ખુશી ક્ષણજીવી નીવડવાની છે.
ફક્ત ખુશીની ક્યા વાત..એની પોતાની જિંદગી યે હવે ક્ષણજીવી જ હતી એની એને ક્યાં જાણ હતી..!
હોટલની બહાર સામેની ઈમારતમાંથી ટેલીસ્કોપીક રાઈફલ વડે તેની ઉપર નિશાન તો ક્યારનું તકાઈ રહ્યું હતું. બસ આ ભીડમાંથી તેનાં છુટા પડવાની જ રાહ જોવાઈ રહી હતી, કે જેથી તેની સાથે-સાથે બીજા બે-ચાર જણા હોળીનું નાળીયેર બનતા બચી જાય.
જેવો જનાર્દન આ બધાંથી છૂટો પડીને પોતાની બુલેટ-પ્રૂફ કાર તરફ આગળ વધ્યો, કે એક પછી એક એમ સાત-આઠ બુલેટ આવીને તેની છાતી વીંધી ગઈ. નિશાન અચૂક લેવાયું હતું, એટલે બધી ગોળીઓ જીવલેણ બની ગઈ. અને લોહીલોહાણ જનાર્દન જગ્યા પર જ ઢળી પડ્યો. જનતાને વ્હાલા થવાના અતિ ઉત્સાહમાં, સાથે બોડી-ગાર્ડ્સ ન રાખવાની તેની જીદ આજે તેને ભારે પડી. પાર્ટીના સભ્યો અને આસપાસની પબ્લિક દોડી આવી. પરંતુ હવે કંઈ જ થઇ શકે તેમ ન હતું. જનાર્દાનનું પ્રાણ-પંખેરું તો તત્કાલ ઉડી ગયું હતું.
….
સાંજના ચાર સાડા-ચારનો સમય હતો. વહેલી સાંજના આ સમયે દરિયાકાંઠે આવેલ બીયર-બારમાં ખાસ કોઈ ચહલપહલ નહોતી. ખૂણાના એક ટેબલપર બે જુવાનીયાઓ વ્હીસ્કીની બોટલ ખોલીને બેઠાબેઠા ધીમા અવાજે ઘુસુર-પુસુર કરી રહ્યા હતા.
“ચલ ભાઈ, ઉતાવળ કર હવે. ત્રણ કલાક થઇ ગયા તારું કામ કરી આપ્યું એને. બાકીની રકમ કાઢી આપ, ને હવે મને છુટ્ટો કર દોસ્ત. આ રાજકારણીઓના ચક્કરમાં મારે જેલના સળિયા નથી ગણવા.” -ત્રીસેક વર્ષના યુવાને અધીરાઈ દેખાડી.
“યાર છબા..થોડું વેઇટ કર રાજા. હજી તો મડદું સ્મશાને ય નથી પહોચ્યું, ને તારી ઉઘરાણી ચાલુ થઇ ગઈ..?” -પચીસ છવ્વીસ વર્ષના બીજા સોહામણા યુવાને પોતાથી પાંચેક વર્ષ મોટા દોસ્તને હળવા મિજાજમાં ટોક્યો.
“તો શું એના શ્રાદ્ધના લાડવા ખવડાવીને પછી, દક્ષિણમાં મારો હિસાબ આપવાનો વિચાર છે કે તારો?” -છબાએ સામી દલીલ કરી.
“અરે પણ..”
“અબે..(ગાળ), તું સમજતો કેમ નથી. તારી સોપારી ફોડવા આ જેને મેં ટપકાવ્યો છે, એ વાઘેલા..ઓપોઝીશન પાર્ટીનો લીડર છે. હવે આનો શક તો બધો સરકાર પર જ જવાનો. એટલે સરકાર આદુ ખાઈને પાછળ પડી જવાની વાતનો છેડો ગોતવામાં. ને આ બધી ધમાલ થાય એ પહેલા હવે અન્ડરગ્રાઉન્ડ થઇ જવામાં જ માલ છે. ને વિષ્ણુ, તું ય શું (ગાળ)ની જેમ આટલા ઠંડા કલેજે બેઠો છે. આપણો હિસાબ પતાવીને તારી ગુફા ભેગો થઇ જા. એમાં જ ભલાઈ છે. નહીંતો આ પચીસ પછીના બાકી પંચોતેર, જેલમાં જ પુરા થઇ જવાના તારા.”
“ભરોસો રાખ છબા.. અડધી ચડ્ડીમાં ફરતા’તા દોસ્ત, ત્યારથી તું મને ઓળખે છે. આ તો ઠીક છે, મોટા ગજાનું કામ હતું એટલે બસ..ચા-પાણીનો મારો થોડો ગાળો રાખીને, આખું કામ તને ડાઈવર્ટ કર્યું છે. મને તો યાર હજી અડધું જ પેમેન્ટ આવ્યું છે, તોયે મેં તને પોણા ભાગનું પેમેન્ટ કરી નાખ્યું છે. હવે એકાદ દિવસ ખમી જા, દોસ્ત. મને મળી જશે એટલે એક..અડધો કલાકે ય તારે નહીં રોકાવું પડે.”
“વિષ્ણુ, સાલા (ગાળ) છો તું,..! આટલું રિસ્કી કામ હાથમાં લીધું, ને પેમેન્ટ બાકી રાખ્યું? હું નથી માનતો આ વાત..!
“અબે..રોજનો ઘરાક છે. એટલી ક્રેડીટ તો આપવી જ પડે..આ તારી જેમ થોડું છે કે આટલી જુની દોસ્તી, તો ય આંખની જરાય શરમ નહીં..ને હા યાર..સોદો થઇ ગયો પછી જ મને ખ્યાલ આવ્યો કે કોને ટપકાવવાનો છે. બસ, આ વખતે ભરોસામાં ને ભરોસામાં થોડી થાપ ખાઈ ગયો. બાકી ક્લાયન્ટ ઘરનો છે, એટલે ટેન્શન નથી.”
“થોડી નહીં જબરી થાપ ખાઈ ગયો તું વિષ્ણુબેટા..! સાલા..આ તારી આસમાની આંખ, ધોળે દહાડે આસમાનના તારા દેખાડવાની છે તને. જોઈ લેજે..! ”
“એટલે..?” -વિષ્ણુએ થોડા અસ્વસ્થ થઈને પૂછ્યું,
“આ રાહુલ ગાંધીને તું બરાબર ઓળખતો નથી..! અત્યાર સુધી તમારા બેઉનું ટ્યુનીંગ સારું હતું એટલે હું વચ્ચે નહોતો બોલતો, બાકી મહા હલકટ માણસ છે એ..”
“જો છબા, તારીને મારી વચ્ચે પ્રાઇવેટ કંઇ નથી હોતું, એટલે ક્લાયન્ટનું નામે ય મેં તને કીધું દીધું..પણ હું તારી કરતાં વધુ ઓળખું છે તેને. અને યાર, આ લાઈનમાં કોણ સીધું હોય છે..?“
“ વિષ્ણુભૈયા તારી કરતા પાંચ દિવાળી મેં વધુ જ જોઈ છે દોસ્ત. વાત સમજ મારી. આ તું જેના પર ભરોસો રાખીને બેઠો છે ને, મોકો મળે તો એ તારી માને ય પરણી નાખે એ ટાઇપનો છે, સમજ્યો..?”
[“મા તો મારી એક્ચ્યુલી પરણીને બેઠો છે, એ હરામી..” -વિષ્ણુ મનોમન બબડ્યો.]
“અને આ રાહુલ ગાંધીના કરતૂત ખબર છે તને? –છબાએ પોતાની વાત ચાલુ રાખી- “એણે તો તારી જ સોપારી આ વાઘેલાને આપી છે..કંઈ ખબર છે..?”
“વોટ? અબે (ગાળ..) હજી તો માંડ એક બાટલી ય અંદર ગઈ નથી, ને ચડી યે ગઈ કે તને?”
“ના.. અને એટલે જ કહું છું..કે તારી કરતા પાંચ દિવાળી વધુ જોઈ છે મેં. આ તો ઠીક છે કે વાઘેલા પહેલો જ ‘ઉપર’ પહોંચી ગયો, નહીંતો તારા તો સો યે સો વર્ષ આગલા ચોવીસ કલાકમાં પુરા થઇ ગયા હોત.”
“બકવાસ મત કર યાર. કોણે કીધું તને?”
”ગણપત કાણીયાએ.. ઓળખછ ને તું એને..? ઓલ્યો બેકરીવાળો..!”
“હા..આગળ બોલ..” -વિષ્ણુ અધીરો થઇ ગયો હવે.
“જનાર્દન વાઘેલાનો રેગ્યુલર બંદો છે એ. ને એના કેટલાય કામ પાર પાડી આપ્યા છે એણે. હવે આ રાહુલ ગાંધીએ, વાઘેલાની સાથે રહીને આ ગણપતને તારી સોપારી આપી’તી. અને એ કાણીયાએ મને પોતાના સગા મોઢે આ વાત કરી, કારણ કે ઈ જાણે છે કે તું મારો જીગરી છો.”
વિષ્ણુના ભવા તંગ થઇ ગયા. સામે પડેલ વ્હીસ્કીનો આખેઆખો ગ્લાસ તે એકી શ્વાસે ગટગટાવી ગયો.
વ્યોમાને કારણે રાહુલ પર અમસ્તો ય ગુસ્સો તો હતો જ..અને હવે આ હકીકત જાણીને વેર અને નફરતની આગ તેના રોમ રોમમાં પ્રસરી ગઈ.
……
પોતાના ઓરડામાં ડ્રેસિંગ-ટેબલના આરીસા સામે ઉભો ઉભો વિષ્ણુ, પોતાની જાતને નીરખી રહ્યો.
આસમાની આંખોવાળી પોતાના ખુબસુરતી પર પોતે જ મોહી પડતા વિષ્ણુને આજે એ ચહેરો ભયંકર બદસુરત ભાસતો હતો. હમણાં..થોડી જ પળો પહેલા આવેલ કોઈ અનામી ફોન પર એને જે હકીકત જણાવવામાં આવી, તેનાથી તે વિહવળ થઇ ગયો હતો.
ફોન કરનારે કહ્યું કે જનાર્દન વાઘેલા તેનો પિતા હતો, અને જો વધુ પુરાવો જોઈએ, તો પોતાની મા વ્યોમાને જઈને પુછી લેવાની સલાહ પણ આપી તેણે.
તે વ્યક્તિ આ એક ભેદ તો જાણતો જ હતો કે વ્યોમા તેની મા છે. મતલબ, આ બાબતમાં તે સાચો જ હતો તો પછી, તેની આ બીજી વાત પણ સાચી જ હોય..શંકાને કોઈ કારણ જ નહોતું.
કારણ તો હતું બસ, પોતાની જાતને દોષ દેવાનું હવે. પોતે જ તો જનાર્દન વાઘેલાના મોતનું નિમિત્ત બન્યો હતો. અજાણતા જ ભલે પણ તેના પોતાના જ ઈશારે આ કામ થયું હતું. અને બસ..થોડા રૂપિયાની લાલચમાં જ પોતે એ કામ કરી બેઠો, જે દુનિયાનો કોઈ જ પુત્ર કદાચિત ન કરે.
નફરત થઇ આવી તેને પોતાની જાત ઉપર, તેની આ જિંદગી પર.
આટલા વર્ષોની અનાથાવસ્થા બાદ જયારે મા મળી તો તેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી અને બાપને તો દુનિયાની જ બહાર રવાના કરી દીધો. પોતાની આવી માનસિકતા અને ગુન્હાભારી જિંદગીથી હવે તેને ઘૃણા થઇ આવી. પોતાનું અસ્તિત્વ નિરર્થક ભાસવા લાગ્યું અને આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગ્યા તેને. જાત સાથે લડતા ઝગડતા કેટલીયે ક્ષણો વિતાવી અને મનને મક્કમ કર્યું કે, “ના.. આત્મ-હત્યા તો કાયરતા છે. ને હું કાયર નથી. મર્દ છું હું. આ જીવન જો નિરર્થક હોય તો તેને અર્થ-સભર બનાવી શકાય. હું જુવાન છું. જોશ અને જોમ બરકરાર છે હજી મારા જુવાન બદનમાં. હિંમત અને હોંસલો અકબંધ છે મારા જીગરમાં. આવે તે પરિસ્થિતિનો સામનો કરવાની સક્ષમતા જેમની તેમ છે, તો શા માટે બાકીની જીંદગીને નવી રાહ પર ન લઇ જવી.”
સરકારને સમર્પિત કરી દઉં તો જાતને, -તેણે વિચાર્યું- પાછલા દુષ્કર્મોની સજા થશે એટલું જ ને.. તો એને તો લાયક જ છે એ. પણ એક સંતોષ તો પ્રાપ્ત થશે કે નવા જીવન તરફ એક કદમ માંડીને તેણે તેને સુધારવાની શરૂઆત તો કરી. “હા, એમ જ કરું.” -તેણે આગળ વિચાર્યું- “પશ્ચાતાપની આગમાં થતી પીડામાં થોડી તો રાહત મળશે જ બાકી આત્મ-હત્યા કરીને તો અવગતિ જ પ્રાપ્ત થવાની એ તો નક્કી જ છે. સરકારને સમર્પણ કરવાથી એક સત્કર્મ એ થશે કે સાચા ગુનેગારને યોગ્ય સજા થશે અને સમાજમાંથી પાપ અને પાપી ઓછા થશે. અને હા, સજા પુરી કર્યા પછી બાકીનું જીવન ગુનારહિત જીવીને તેની સાર્થકતા ય સિદ્ધ કરી શકીશ. યસ, આ જ સાચો રસ્તો છે. મારે સમર્પણ કરી જ દેવું જોઈએ..!”
અને તાજનો શાક્ષી બની અસલી ગુનેગારને પકડાવાનો દ્રઢ નિર્ધાર કરી આ બદનસીબ યુવાને.તે દિશામાં પગલા ભરવા શરુ કર્યા.

— ( અશ્વીન મજીઠીયા )

યશપાલ એની ઓફિસમાં બેઠો બેઠો જનાર્દન વિશે વિચારતો હતો કે હવે એનો પાપનો ઘડો છલકાઈ ગયો છે. જનાર્દનને એના પાપોની સજા તો મળશે જ પણ સાથે સાથે રાજકારણનો એક કટ્ટર હરીફ પણ નામ:શેષ થઇ જશે. યશપાલની ઓફિસની દીવાલ પર લગાવેલા LCD ટીવી પર સમાચારની ચેનલ કાયમ મ્યુટ-મોડ પર ચાલુ રહેતી. અચાનક એનું ધ્યાન ટીવી સ્ક્રીન પણ ચાલતા દ્રશ્યો પર પડ્યું. -બ્રેકીંગ ન્યુઝ- “અગ્રણી રાજકીય હસ્તિ જનાર્દનની ધોળા દિવસે હત્યા. હત્યા પાછળ કોઈ રાજકીય સાઝીશનો શક…!” એરકંડીશન્ડ ઓફિસમાં પણ યશપાલના ચહેરા પર પરસેવો વળી વળી ગયો. પોતાની બધી ચાલ આમ અચાનક ઉંધી પડતી હોય એવું લાગ્યું. પણ સાથે સાથે એવા વિચારો પણ આવી ગયા કે રખે ને આ મામલામાં એનું નામ ઉછળે તો શું થશે?
એ આ તણાવમાં જ હતો અને એના ઇન્ટરકોમની રીંગ વાગી. સામે છેડે થી એના પર્સનલ અસીસ્ટન્ટનો અવાજ આવ્યો.
“સાહેબ, કોઈ અજાણ્યા ભાઈ આપને તાત્કાલિક મળવા માંગે છે. કહે છે કે ખુબ અગત્યની અને અરજન્ટ મેટર માટે આપને મળવું છે. કહે છે કે એ ફક્ત આપની સાથે જ વાત કરશે અને એ એકાંતમાં. એમનું નામ વિષ્ણુ છે”
“મોકલ” એમ ટૂંકમાં જવાબ આપી યશપાલ ફોન મુક્યો.
વિષ્ણુ યશપાલની ઓફીસમાં દાખલ થયો. યશપાલે એને બેસવાનું કહી પ્રશ્નો ભરેલી નજરે એની સામે જોયું. વિષ્ણુએ શરૂઆતથી લઈને જનાર્દનની હત્યા સુધીની બધી રામકહાણી વિગતે કહી, પછી પૂર્ણાહૂતિ કરતા કહ્યું. “સાહેબ, મેં જીવનમાં ઘણા ગુનાઓ કર્યા છે અને મને સજા તો મળવી જ જોઈએ. હું હવે પશ્ચાતાપની આગમાં બળી રહ્યો છું. જવાનીના જોશમાં આ બધું કર્યું છે પણ હવે મારે પણ એક સામાન્ય જિંદગી જીવવી છે. હું સામે ચાલીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા માંગું છું અને તાજનો સાક્ષી બનવા માંગું છું. પણ એ પહેલા વિચાર્યું કે આપ જેવા હિતેચ્છુ સાથે આ બાબતે ચર્ચા કરી લઉં. મને ખાતરી છે કે તમે આગળનો રાહ ચિંધાડશો જ. આપને સાહેબ એક વિનંતી કરવા જ આવ્યો છું કે આપ અને આપની સરકાર થોડી રહેમ નજર રાખે તો મારે મારી જિંદગી નવેસરથી શરુ કરવી છે.”

— ( રાજેન્દ્ર જોશી )

યશપાલ આશ્ચર્યચકિત નજરે અને કંઈક અંશે લગભગ ખુલ્લા મ્હોએ વિષ્ણુ તરફ તાકી રહ્યો. મીનીટોમાં જ એને કળ વળી. વિષ્ણુની વાત સાંભળીને જાણે બોમ્બ ફાટ્યો હોય તેવો અહેસાસ થયો. પહેલા તો વિષ્ણુની વાત યશપાલના માનવામાં જ ના આવી. કંઈક ગભરાટ અને ચિંતિત અવાજે યશપાલ બોલ્યો, “વિષ્ણુ, તને ખબર છે કે તું શું કહી રહ્યો છો? અને તારા આ પગલાના પરિણામોની કલ્પના ય કરી છે ખરી?”
“મંત્રી સાહેબ, પરિણામોની કલ્પના તો મેં ક્યારેય કરી નથી અને કરવાનો ય નથી. જો પરિણામોની ચિંતા કરી હોત તો આ જીંદગીની રાહ આવી ના હોત.” -વિષ્ણુના મ્હો પર મગરૂરી હતી- “મારી પથરાળ જીંદગીમાં કેટકેટલા ચઢાવ ઉતાર આવી ગયા છે, સાહેબ. મેં મારી જિંદગીને જીન્દાદીલીથી જીવી છે. પૈસા કમાવવા માટે મેં ઘણા ય ગુના આચર્યા છે પણ એની પાછળ પૈસા કમાવવા એ જ એક આશય નહોતો. મેં મારી જીંદગી એક અનાથ તરીકે જીવી છે. જો કે કોઈ પણ બાળક અનાથ નથી જન્મતું, સંજોગો એને અનાથ બનાવે છે. અને આ સંજોગો નિર્મિત થતા હોય છે માણસની પૈસાની ભૂખ, સત્તાની ભૂખ અને કહેવાતી સામાજિક પ્રતિષ્ઠાને કારણે.” -આમ બોલતાં વિષ્ણુના ચહેરા પર એક ચમક હતી, તેજ હતું- “યશપાલ સાહેબ, મેં સમાજની સામે મારી જિંદગીને આ રાહ બતાવવાનો પ્રતિશોધ લીધો છે. એક એક કાર્ય કર્યા કે કરાવ્યા પછી મને એક સંતોષની લાગણી થતી હતી. હું ધારત તો હજી ય આમ જ એક સામાન્ય જીંદગી પણ જીવી શક્યો હોત. પણ વિધાતાની મરજી જ મારા થકી સમાજના અનિષ્ટને દુર કરાવવાની હતી, સાહેબ. હું કદાચ આખી જીંદગી આ જ રીતે સમાજની સામે પ્રતિશોધ લીધા કરતો હોત, પણ આજે મારા જ ઈશારે મારા સગા બાપની હત્યા થઇ ગઈ. જો આજે એક અનામી ફોન કોલ ના આવ્યો હોત તો કદાચ મને આ વાતનો અંદેશો પણ ના આવ્યો હોત, સાહેબ.”
યશપાલ વિષ્ણુને સાંભળી જ રહ્યો.
“આજે મારી સગી મા મારી સામે માતૃત્વની ભીખ માંગવા આવી હતી પણ મેં એને ય ધુત્કારી નાંખી હતી. મારા મનમાં કોઈના માટે ય લાગણી નહોતી રહી. મારી માના આંસુ પણ મને પીગળાવી નહોતા શકયા, પણ વિધાતા એ જે ચાલ રચી અને મારા દ્વારા જ મારા સગા બાપની હત્યા કરાવાઈ, એ બાબત મારા દિલમાં ચોટ પહોચાવી ગઈ. અત્યાર સુધીમાં મેં લીધેલા પ્રતિશોધે મારી જ જેમ બીજા કેટલાને અનાથ બનાવ્યા હશે એનો મને અહેસાસ થયો. હવે તો આત્મસમર્પણથી જ કદાચ મને શાંતિ મળશે..!” વિષ્ણુના ચહેરા પર પશ્ચાતાપના ભાવ લાગણી સ્પષ્ટ જણાતા હતા.
યશપાલના મગજમાં ખુબ જ ઝડપથી વિચારોનું વંટોળ આવી ગયું અને શમી પણ ગયું. યશપાલ એક કુશળ રાજનેતા હતો પણ સાથે સાથે એનામાં રહેલી માણસાઈ પણ જાગૃત હતી જ. એ પણ સમાજની નિષ્ઠુરતાનો શિકાર બન્યો જ હતો. બસ, ફરક એટલો હતો કે એક ભલા માણસે એની જિંદગીને સંભાળી લીધી હતી. નહીતર એ પણ એક સામાજિક અનિષ્ઠ બનીને જ રહી ગયો હોત. ખુબ જ ઝડપથી એણે આગળનો પ્લાન વિચારી લીધો.
“જો વિષ્ણુ, હું તારા મનની હાલતને ઘણી જ સારી રીતે સમજુ છું. તું એ સંજોગોનો શિકાર થયેલો છો જેમાંથી હું બચી શક્યો, કારણકે સમાજમાંથી ભલાઈનો સંપૂર્ણ નાશ નથી થયો. તારા મનમાં આજે તારા કર્મોનો જે પશ્ચાતાપ થાય છે એ ઘણી જ સારી બાબત છે. પણ હું જિંદગીના નિર્ણયો ખુબ જ પ્રેક્ટીકલી લઉં છું. તે અત્યાર સુધી જે કાઈ કર્યું છે એ બધું જ કોઈના ઈશારાથી કર્યું છે. પણ એનો મતલબ એ નથી કે તું ગુનેગાર નથી, જો કે ખરો ગુનેગાર તો આવા કામ કરાવનાર જ છે. અત્યાર સુધી કોઈ જ ગુનાનો રેકોર્ડ તારા નામે પોલીસના ચોપડે નથી. બાપની હત્યાના દોરીસંચારની જવાબદારી લઈને તું જો તાજનો સાક્ષી થઈશ તો ખરા ગુનેગાર રાહુલ ગાંધીને તો જરૂર એના કુકર્મોની સજા મળશે જ. રાહુલે ફક્ત તારી જ નહિ પણ ઘણા બધાની જીંદગીમાં આગ લગાવી છે. જો તારા દ્વારા એવા નરાધમને શિક્ષા થતી હોય તો એ કરવાથી તને પણ તારા ગુના બદલ માનસિક શાંતિ મળશે. હું પણ પુરા પ્રયત્નો કરીશ, કે જેથી તને ઓછામાં ઓછી સજા થાય. તે અત્યાર સુધીમાં ઘણી સજા ભોગવી જ છે, તેથી હું નથી ઈચ્છતો કે તારે આનાથી વધુ સજા ભોગવવાની જરૂર હોય.” -યશપાલ અવિરત બોલતો જ રહ્યો- “મેં તારા આગળના ભવિષ્ય વિષે પણ વિચારી લીધું છે. તું જેવો છૂટીને આવીશ એટલે તારા માટે તારા જ અનુભવોને લાયક એક ધંધો વિચારી લીધો છે. અને એ છે કોર્પોરેટ કંપનીઓ માટે સીક્યુરિટી મેનેજમેન્ટનો. તારા છૂટીને આવતા પહેલા જ હું બધી વ્યવસ્થા કરી રાખીશ. તારા જેવા નવજુવાનને સાચા રસ્તા પર લાવીને એક સારી જીંદગી જીવતો જોઇશ, તો મને પણ એક ઋણ અદા કર્યાનો સંતોષ મળશે.” આ સાંભળી વિષ્ણુના ચહેરા પર રાહતની લાગણી ઉપસી આવી. યશપાલે આગળની કાર્યવાહી કેવી રીતે કરવી એની વિગતો વિષ્ણુને સમજાવી દીધી અને વિષ્ણુને આત્મસમર્પણ માટે રવાના કર્યો. યશપાલે આમ તો ઘણા ય સારા કામ કર્યા હતા પણ એ બધા હતા સામાજિક પ્રતિષ્ઠા કે રાજકીય પ્રગતિ માટે. આજે કરેલા કાર્ય થકી એને એક ઋણમાંથી મુક્તિ મળી હોય તેવી શાંતિ અનુભવાઈ.

— ( અજય પંચાલ )

વર્ષો બાદ મમતાને જ્યાં ભીનાશ મળી હતી અને પોતાના લોહીના અંશને હૈયે ચાંપવાનો અવસર મળ્યો હતો ત્યારે લોહીનો અંશ પોતે જ સામે પડ્યો હતો. પોતાનું લોહી એ પોતાનું લોહી, હર ઘડી તમારે કામ આવે આ ફક્ત કહેવાની જ કહેવત હશે એમ વ્યોમા વિચારી રહી. કરોડપતિ હોવા છતાં ફાલતુ હોટલમાં વિષ્ણુને વિનવવા જઈ ચઢેલી વ્યોમાને રડતી કકળતી છોડી હાથ પકડીને એક ઝાટકે રુમની બહાર ધકેલી દીધી હતી ત્યારથી વ્યોમાએ નક્કી કરી લીધું હતું કે વિષ્ણુ ભલે મારો અંશ હોય પણ ન તો એના નસીબમાં માનો પ્રેમ છે, અને ન મારા ભાગ્યમાં દીકરાનો દુલાર.
વિષ્ણુને પોતના હાલ-હવાલ પર છોડી દેવાનું વ્યોમાએ લગભગ નક્કી જ કરી લીધું હતું, પણ ઝડપથી બદલાયેલા ઘટનાક્રમે તેના હૈયામાં મમતાનો હીંચોડો ફરી ઝૂલતો કરી દીધો. જનાર્દનનું મોત અને તે બાદ વિષ્ણુને જ મોતની નીંદમાં પોઢાવી દેવાના રાહુલે કરેલા કારસાએ જ્યારે વિષ્ણુને ગૂનાની દુનિયા છોડી તાજનો સાક્ષી બની જવા દોર્યો હતો, ત્યારે હવે એ માનો પ્રેમ સમજી તેની સાથે જોડાઈ જવા પણ તૈયાર થઇ શકે, એવું મનોમન વિચારી વ્યોમા હરખાઇ ઉઠી. અને આમ પણ હવે જયારે રાહુલે જનાર્દનને મરાવ્યો, વિષ્ણુની સોપારી આપી ત્યારે મારું મોત પણ નક્કી જ છે, એમ વ્યોમાએ માની લીધું હતું. અને આવે વખતે જો વિષ્ણુ, દીકરો હોવાના નાતે તેની પડખે ઉભો રહે, તો તેનું કોઈ કઈ બગાડી ન શકે એમ વ્યોમા વિચારી રહી હતી.
કોર્ટમાં વ્યોમાને જોઈ, “આ બાઈને ભલે મેં ગમે તેટલી હડસેલી પણ એને મારી પરવા તો છે જ” એવું વિચારી રહેલો રાહુલ ભોંઠો પડયો, કારણ રાહુલ સામે હોવા છતાં કોર્ટની લોબીમાં ઉભેલી વ્યોમા તેની તરફ કોઈ પ્રતિભાવ આપ્યા વિના અપલક જ કોર્ટ પરિસરના દરવાજા તરફ તાકી રહી હતી. અને પોલીસ બંદોબસ્ત સાથે વિષ્ણુને કોર્ટ પરિસરમાં આવતા જોઈ વ્યોમાની આંખો ચમકી ઉઠી. કોર્ટની લોબીમાં વ્યોમાને લગભગ અવગણી આગળ વધી ગયેલા વિષ્ણુને વ્યોમા દોડતી જઈ વળગી જ પડી. હાઈપ્રોફાઈલ ફેમિલીનો કેસ હોવાના નાતે તમામ પાસા અને પાત્રોથી પરિચિત પોલીસે બન્નેને થોડી મોકળાશ કરી આપી.
“બેટા, હવે તો તું તારી જિંદગી બદલવા તરફ છો. તાજનો સાક્ષી બન્યો છો, તો હવે તારી આ માના પ્રેમનો હકદાર પણ બની જા. બસ હવે તું અને હું એકબીજાની હુંફે આખી જિંદગી રહીશું….” -વ્યોમા બબડતી રહી અને વિષ્ણુ બેધ્યાન પણે લોબીમાં આંટા મારતા માણસોને નીરખી રહ્યો. વિષ્ણુનું બેધ્યાનપણું જોઈ વ્યોમા અકળાઈ ઉઠી અને વિષ્ણુનો કોલર પકડી હચમચાવી નાંખતા જોરથી બોલી ઉઠી- “તું…સાલો જેલ અને અનાથાશ્રમને જ હકદાર છે, માનું દૂધ પીધું હોય તો મા તરફ લાગણી જન્મે ને, હું જ ઘેલી છું જે તારા તરફ આશ લગાવી બેઠી, લોહીનો તરસ્યો હોય એને લોહીની હુંફ ક્યાં ખબર હોય, પૈસા લઇ બાપને મારી નાખ્યો તો હવે સામે ઉભેલી માને પણ પતાવી દે, પહેલા વાંઝણી હતી, ને હવે ૨૫ વરસનો દીકરો સામે છે, પણ એને મન તો વળી મા કોણ..?” -આક્રોશ સાથે ગરજી રહેલી વ્યોમાનો આખો ચહેરો આંસુઓથી તરબતર હતો અને તે આખેઆખી ધ્રુજી રહી હતી.
૨૫-૨૫ વર્ષોથી લાગણીની ભૂખમાં હોમાતો રહેલો વિષ્ણુ વ્યોમાની આક્રોશ સભર લાગણીમાં તણાઈ ગયો. વ્યોમાનો ચહેરો હાથમાં લઇ આંસુઓ લૂછ્યા, વ્યોમા હરખાઇ ઉઠી, પણ પછી કંઇક યાદ આવતાં તે ચહેરો ફેરવી ગયો. વ્યોમાનો હાથ છોડાવી ચાલી નીકળતા પહેલા વિષ્ણુએ કહેલા શબ્દોએ વ્યોમાની રહી સહી આશા પર પણ પાણી ફેરવી દીધું- “બાપને મારનારા દીકરા સાથે મા, તું રહી નહિ શકે. અને કદાચ રહે તો પણ દીકરાને તરછોડી દેનાર મા સાથે હું નહિ રહી શકું, મને ભૂલી જજે..!”
લોબીમાં આવેલા બાંકડા પર વ્યોમા ફસડાઈ પડી અને હજુ સવારે જ અખબારની પૂર્તિમાં વાંચેલી કવિતાના શબ્દો આંખો સામે તરવરી ઉઠતા આંસુઓ ફરી ધસી આવ્યા,
“વ્હાલપની અધુરપ શું જાણી શકે, એ ?
છતી માએ અનાથ કહેવાયો હોય, જે.”

— ( રીઝવાન ઘાંચી )

માથે વધેલા ઝંટિયા અને વધેલી દાઢીમાં દોડતી સફેદ લટોની પાછળ તગતગતી બે નિસ્તેજ આંખો અને કરચલી વળી ગયેલી ચામડી વાળા ચહેરે રાહુલ કંઈક નિરાશ વદને બેડીઓ વાળા હાથ ખોળામાં નાખીને બેઠો હતો.. એની ઉંમર જાણે દસ-પંદર દિવસમાં જ ૪૬ માંથી ૬૪ થઈ ગઈ હોય એવુ એ મહેસૂસ કરી રહ્યો હતો… એણે વિચાર્યુ- “પાછલા બે અઠવાડિયામાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ. ખબર નહી પેલો વિષ્ણુનો બચ્ચો કેવી રીતે એનુ મન બદલી બેઠો? અને બીજે ક્યાંય નહી, ને સીધો યશપાલને ખોળે જઈને બેઠો? નાના-મોટા ઈન્સ્પેક્ટર કે એસીપી પણ હોત, તો એને ખરીદી લેત. પણ, આ તો સીધો યશપાલને જ જઈને ભટકાઈ ગયો. કોઈનુ કશુ ચાલે એ પહેલા, અને વિષ્ણુનુ નિવેદન પતે એ પહેલા જ પોલિસ મારે આંગણે; અને કેસ પણ કેટલી ઝડપથી બનાવી લીધો પોલિસે..? એક અઠવાડિયામાં તો આ લોકોએ કેસને બૉર્ડ પર પણ લાવી દીધો. આ સિન્હા ગમે તેટલી શેખી મારે પણ એનાથીએ ય તે શેક્યો પાપડ ના ભંગાયો અને પોલિસે જડબેસલાક કેસ બનાવી નાખ્યો..!”
રાહુલને પણ એના વકીલ સિંહા પર દારો-મદાર રાખ્યા વગર છૂટકો ન હતો. પણ, એને ત્યારે એમ કેમ લાગી રહ્યુ હતુ કે સિંહા પણ એના પૈસા ખાઈને એની વિરૂધ્ધ થઈ જશે.!.કેટલો જડબેસલાક પ્લાન હતો પોતાનો, કે વિષ્ણુ જનાર્દનને મારી નાખે કે તરત જ વિષ્ણુને એક્સપોઝ કરી, એને પોલિસને હવાલે જ નહી કરાવવાનો, પણ એન્કાઉન્ટરમાં ઉડાવી જ દેવડાવવાનો પ્લાન હતો. કોણ જાણે કઈ કાળ ઘડીએ અને કોના કહેવાથી વિષ્ણુએ પોતાનુ મન બદલ્યુ..! જનાર્દનનો ખાત્મો પણ ૨૪ કલાક પહેલા કરી આવ્યો અને પછી જઈને યશપાલના પડખામાં ભરાઈ ગયો..!
રાહુલ વિચારતો રહ્યો- “કોણ જાણે..આ યશપાલનો પ્લાન તો નહી હોય ને? ખબર નહી શુ થવા બેઠુ છે. ખાલી ડ્રગ્સનુ લફરુ હોત, તો છૂટી ય જવાત પણ આ લોકોએ તો મારે માથે ખૂનની સાજીશનો ગુન્હો લગાવ્યો છે..! ક્યાં જઈને અટકશે?” -એણે માથુ ફેરવીને સિન્હા સામે નજર કરી તો સિન્હાએ આંખોથી આશ્વાસન આપતો હોય તેમ પાંપણો ફફડાવીને ડોકુ હલાવીને ચિંતા નહી કરવા કહ્યુ. પણ રાહુલની તો છાતીમાં બળતરા ઉપડી હતી કે એ હવે કેવી રીતે આમાંથી બહાર નીકળશે અને બહાર નીકળશે તો પણ એનુ ભવિષ્ય શુ?
ત્યાંજ કૉર્ટના પહેરેદારે છડી પોકારી અને બધાને ઉભા થવા કહ્યુ; જજ સાહેબ આવી રહ્યા હતા. જડની માફક એ પણ બીજા બધાની સાથે ઉભો થયો અને બધાની સાથે જ બેસી પણ ગયો. સરકારે આ ખાસ કૉર્ટ માત્ર “જનાર્દ-મર્ડર” કેસ માટે બનાવી હતી. ભલે જનાર્દન વાઘેલા ગમેતેમ તો ય સિટીંગ એમ.એલ.એ અને વિરોધ પક્ષના નેતા પણ હતા. સરકારની પોતાની શાખ પણ દાવ પર લાગેલી હતી. જો કે આરોપી જાતે જ સમર્પણ કરીને તાજનો સાક્ષી પણ બની જવાથી પોલિસ-સરકારનુ કામ ઘણુ આસાન થઈ ગયુ હતુ. હાઈ પ્રોફાઈલ મર્ડર કેસ, અને વિરોધપક્ષના નેતાની જૂની ગર્લફ્રેન્ડ અને તેમના નાજાયઝ પુત્રની વાત પણ બહાર આવી ગઈ હતી, અને પુત્રને હાથે જ પિતાના ખુનનો કિસ્સો અને ‘કેક પર ચૅરી’ સમાન આ બધુ કાવતરુ ઘડનાર વલ્લભ એન્ટરપ્રાઈઝના સર્વેસર્વા એવા રાહુલ ગાંધીનુ નામ એમાં સંડોવાયુ હતુ. મિડિયાને આનાથી વધારે મસાલો પાછલા કેટલાય વર્ષોમાં નહોતો મળ્યો. એટલે કેટલીક ચૅનલો તો ૨૪ કલાક માત્ર આ જ સમાચાર બતાવતી હતી.
જજે ફાઈલ હાથમાં લઈને સરકારી વકીલ સમક્ષ નજર કરી. પછી બચાવ પક્ષના વકીલ સિન્હા સામે જોયુ અને નજરથી જ પૂછી લીધુ કે, તૈયાર છો ને? અને કૉર્ટની કાર્યવાહી આગળ ચલાવવાનો ઈશારો કર્યો.
તરત જ સરકારી વકીલ રાઠોડે પોતાની જગ્યાએથી ઉભા થઈને જજ સાહેબને આરોપીની તપાસ માટે બોલાવવાની વિનંતિ કરી. અંધારી આલમમાં “બ્લ્યુ આઈઝ”થી પ્રખ્યાત વિષ્ણુ આજે કંઈક વધારે જ નમ્ર, ઠાવકો અને આશ્ચર્યજનક રીતે આત્મવિશ્વાસથી ભરપૂર લાગતો હતો. આરોપીના પાંજરામાં આવીને ટટ્ટાર ડોક કરીને એણે વકીલ રાઠોડ સામે નજર કરી. પ્રારંભિક ઓળખાણ વગેરેના સામાન્ય સવાલો પૂછીને વકીલ સાહેબ સીધા જ મુદ્દા પર આવી ગયા-
“તો વિષ્ણુ, તમે જણાવશો કે તમે આ સામે બેઠેલા વ્યક્તિને ઓળખો છો?”
“હા” ડોકુ હલાવતા વિષ્ણુ કહ્યું.
“કોણ છે?”
“મિ. રાહુલ ગાંધી; વલ્લભ એન્ટરપ્રાઈઝના ચૅરમેન – રાહુલ અંબાલાલ ગાંધી”
“તમે કેવી રીતે ઓળખો છો?”
“રાહુલભાઈ મને શહેરથી દૂર એમની ખાસ જગ્યા ‘કુરેશીના ઢાબા’ પર મળવા બોલાવતા”
“શાને માટે..?”
“તેમના માટે હું કામ કરતો એના માટે”
“કેવા પ્રકારનુ કામ?”
“સારા કામ તો ના જ હોય ને, વકીલસાહેબ? એમના ગેરકાયદેસરના કામો બધા હુ કરી આપતો, એમના ધંધાના વિકાસ માટે થઈને લોકોને ધમકાવવા-ડરાવવાથી માંડી ને કોઈના હાથ-પગ ભાંગવાના હોય એવા બધા જ કામો રાહુલ ભાઈ મને જ સોંપતા”
“પાછલા વર્ષોમાં એવા કેટલા કામ તમે કર્યા હશે?”
“સાહેબ, અમે બે-નંબરના કામ કરીએ છીએ, અને એના માટેના પૈસા લઈને એને ભૂલી જઈએ છીએ. અમારી પાસે એવા કોઈ હિસાબ ના હોય”
“તો પણ આશરે?”
તમારી પાસે છે હિસાબ..? નહિ ને ? અરે સાહેબ, મેં આત્મ સમર્પણ કર્યું છે, એ જ મુદ્દાની વાત કરીએ ને..! રાહુલભાઈ એ મને મર્ડરની વર્ધી આપી હતી”
“કોના મર્ડર? અને ક્યારે આ વાત બની હતી?”
“રાહુલભાઈએ વર્ધી હજુ ત્રણેક અઠવાડિયા પહેલા એ જ કુરેશીને ઢાબે બોલાવીને આપી હતી. મને એક ફોટો અને પચાસ લાખ ભરેલી બેગ આપી હતી. બેગનુ વજન જોઈને જ મને લાગ્યુ હતુ કે આમાં કંઈક ગરબડ છે. ફોટો જોયો તો હું પણ હબક ખાઈ ગયો હતો. પણ, સોપારી લીધા પછી ‘બ્લ્યુ આઈઝ’ ક્યારેય ના નથી પાડતો.”
“કોની સોપારી તમને રાહુલ ગાંધીએ આપી હતી?”
“વિરોધપક્ષના નેતા જનાર્દન વાઘેલાની”
કૉર્ટરૂમમાં સન્નાટો થઈ ગયો. અને રાહુલને કાપો તો લોહીના નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ. સાવ જડ જેવો રાહુલ ખુલ્લી ફગફગતી આંખે મટકુ પણ માર્યા વગર કૉર્ટરૂમની નવી જ બનાવેલી સિરામિક ટાઈલ્સની ચળકતી ફર્શને તાકી રહ્યો. આગળના શબ્દો પણ એના બહેરા કાને અથડાઈને જાણે પાછા ફરી જતા. એને ખબર હતી કે વિષ્ણુની આટલી સ્પષ્ટ જુબાની એને ઓછામાં ઓછા દશ વર્ષ માટે અંદર કરી દેશે, અને એ ઉપરાંત પેલો ડ્રગ્સનો કેસ..! જો આ કેસ સાબિત થાય તો ડ્રગ્સના કેસમાં પણ એની ફરતે જોરદાર ગાળિયો ભરાઈ જાય, બીજા પાંચ વર્ષ એમાં જાય. એની જીંદગી તો બસ ખલાસ..! હવે એણે શુ બાકીની જીંદગી જેલમાં જ કાઢવાની છે? વિચારોના વમળમાં ક્યારે કોર્ટની કાર્યવાહી પતી ગઈ અને ક્યારે એને પોલિસ વાનમાં બેસાડીને ફરી લૉક-અપમાં લઈ જવાયો, એને કંઈ ખબર જ ન હતી. એ જાણે હવે જીવતો-જાગતો વ્યક્તિ જ નહોતો રહ્યો, કૉર્ટ તો સજા કરે ત્યારે કરે, પણ એ તો મનોમન એટલો ભાંગી પડ્યો હતો કે એમ ને એમ પોતાની જાતે જ સજા ભોગવી રહ્યો હતો.

— ( વત્સલ ઠક્કર )

કોર્ટની કાર્યવાહી વિષે અખબારોમાં છપાયેલા સમાચારનો અભ્યાસ કરી રહેલી સપના જાણી ચુકી હતી કે હવે રાહુલ ક્યારેય બિઝનેશની બાગડોર હાથમાં નહિ લઇ શકે. ઓફિસમાં ટેબલ પર અખબારોનો પથારો કરી સપના બેઠી હતી ત્યારે સ્પર્શ અને સંવેદનાએ પ્રવેશ કર્યો. સપનાના સૂચનને ધ્યાને લઇ તૈયાર કરેલો અહેવાલ સ્પર્શે સપના સમક્ષ ધર્યોને સપનાએ તરત જ હાથમાં લઇ એક નજર ફેરવી લીધી. બિઝનેશના ખુબ ટૂંકા અનુભવે પણ એણે બાંધેલી ધારણાઓ સાચી પડતી જોઈ સપના આનંદિત થઇ ઉઠી.
દેશના લગભગ તમામ રાજ્યોની મેન્યુંફેક્ચરીંગ, મીડિયા, HRD જેવા વિવિધ ક્ષેત્રોની ૩૦ જેટલી નાની-નાની કંપનીઓ રાહુલના બિઝનેશ પ્લાનના કાવાદાવાનો ભોગ બની બંધ થવાના આરે ઉભી હતી. ઉદ્યોગ જગતમાં ક્યારેય અમલમાં ન મુકાય હોય એવી સ્ટ્રેટેજી અમલમાં મુકતા સપના રોમાંચ અનુભવી રહી.
“આપની કંપની ઉદ્યોગ જગતમાં નાનું પણ મહત્વનું સ્થાન ધરાવે છે અને શેઠ કંપની એ બદલ આપનું અભિવાદન કરે છે. કેટલીક કંપનીઓની ટેકઓવર માટેની ખોટી પદ્ધતિઓને કારણે આપની કંપની હાલ વહીવટી અને નાણાકીય રીતે ખુબ ભીંસ અનુભવી રહી છે ત્યારે આપનું સ્થાન ઉદ્યોગ જગતમાં સુનિશ્ચિત બની રહે તે માટે શેઠ કંપની સાથે કાર્ય ભાગીદારીમાં જોડાવા આપને હાર્દિક આમંત્રણ છે. આપને એ વાતની ખાતરી આપવામાં આવે છે કે આપની કંપનીની ઓળખાણ સંપુર્ણ પણે બની રહેશે અને વહીવટી બાબતો પર આપનો અંકુશ અબાધિત રહેશે. આપની પાસેના સંસાધનો અને આપની એક્ષ્પર્તાઈઝના સહયોગે શેઠ કંપની સાથે જોડાશો તો બન્ને કંપનીનો સહિયારો વિકાસ થશે એવો વિશ્વાસ છે.”
સપનાએ રાહુલની સ્ટ્રેટેજીનો ભોગ બનેલી કંપનીઓને પોતાની સાથે જોડાઈ જવા કંઇક આ રીતે પત્ર સ્વરૂપે ઈ-મેઈલ કરવા સપનાએ આપેલ સૂચનને વધાવતા સ્પર્શ પંક્તિ ગણગણી ઉઠ્યો,
“મૈ તો અકેલા ચલા થા, જાનિબે મંઝિલ મગર…
લોગ સાથ આતે ગયે, ઔર કારવાં બન ગયા”
સ્પર્શે ખરા સમયે કહેલી શાયરીથી સપનાના મુખ પર આવી ગયેલું સ્મિત કંપનીઓના જેમ જેમ જવાબ આવતા ગયા એમ વધુ ખીલી ઉઠ્યું. કોઈ પણ કાવાદાવા, ટેક ઓવર, એક્વિઝીશન, મર્જર વગર શેઠ કંપનીની છત્રી નીચે વિવિધ ક્ષેત્રોની ૩૦ કંપનીઓને ભેગી કરી સપનાએ ઉદ્યોગ જગતમાં હલચલ મચાવી દીધી. ખુબ ઓછા સમયમાં બિઝનેશની આંટીઘૂંટીનો અભ્યાસ કરી શેઠ એન્ડ કંપનીને મોટા બિઝનેશ હાઉસ સક્ષમ ઉભી કરનાર સપના કોલેજ કાળમાં મનોમન પ્રોફેસર જાદવને વંદી રહી, કેમ કે એણે પ્રોફેસર જાદવ દ્વારા વર્ગમાં કેટલીય વખત કહેવામાં આવેલ પંક્તિ
“કૌન કહેતા હે આસમાન મૈં સુરાગ નહીં હોતા,;
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો..”
સાચી પાડી હતી.

— ( રીઝવાન ઘાંચી )

વ્યોમાનું સ્ત્રી હદય વલોવાતું હતું. આમતો એણે આખી જીંદગી સ્વચ્છંદી અને મનસ્વી સ્ત્રીની જેમ જ જીંદગી જીવી હતી. પુરુષોના સહવાસની એને આદત પડી ગઈ હતી. એની આધુનિક જીવન પદ્ધતિમાં લાગણી કે પ્રેમને ઝાઝું સ્થાન નહોતું. યુવાનીમાં પગ મુક્યો ત્યારથી લખલૂટ પૈસા વેડફીને મોજશોખભર્યું વૈભવી જીવન જીવવું એ જ એના જીવનનું લક્ષ્ય રહ્યું હતું. કોલેજકાળમાં અસંખ્ય લફરાં કરીને છેવટે રાહુલ સાથે એ પરણી હતી પણ એમાં ય એનું મન સ્થિર તો ન્હોતું જ. મોંઘીદાટ કારો ફેરવવી, અદ્યતન ફેશનના કપડા પહેરવા, પાર્ટી, શરાબ, ખાણી-પીણી, શારીરિક ભોગવટો, આ બધી પ્રવૃત્તિઓ અમુક ઉંમર સુધી ગમતી રહે છે. અમુક ઉમર પછી વ્યક્તિને કુટુંબની જરૂર લાગે છે. જીવનસાથીના સહેવાસની અને સંતાનના સુખની જરૂર લાગે છે. સંતાનની નાની નાની સમસ્યાઓ ને ઉકેલવામાં, જીવનસાથી સાથે મીઠી રકઝક કરવામાં જે આનંદ મળે છે તે ભૌતિક સાધનોમાંથી નથી મળતો. વ્યોમાની હાલત એવી જ હતી. આખી જીંદગી એ એમ જ માનતી રહી કે યુવાનીની એક ભૂલના બદલામાં એણે માતૃત્વ ખોયું હતું. “વાંઝણી” શબ્દનું મહેણું એને જીવનભર સતાવ્યા કર્યું હતું. ઉમરના આ પડાવે આવીને એને વિષ્ણુના અસ્તિત્વની જાણ થઇ. એનું માતૃત્વ ફરી જાગી ઉઠ્યું. હદયના ધરબાયેલા અરમાનોને એક આશા મળી. પણ હાય રે નશીબ ! વિષ્ણુએ એની માતાને તરછોડી હતી. એના હદયમાં અનાથ અવસ્થા દરમ્યાન એટલા ઉઝરડા પડ્યા હતા જે માતાની મજબૂરી સમજવા તૈયાર નહોતા. માતાની કાકલુદી એના હદયને પીગળાવી ના શકી.
વિશાળ ડ્રોઈંગરૂમની દીવાલ પર શેઠ સાંકળચંદની તસ્વીર સામે ઉભેલી વ્યોમાનું મન ઉદાસ હતું અને ચહેરો આંસુઓથી ખરડાયેલો હતો. એક જ રાતમાં એની આંખોની આસપાસ કાળા કુંડાળા ઉપસી આવ્યા હતા. ચહેરા પણ કોઈ મેકઅપ નહોતો કે નહોતું વેરવિખેર વાળનું કોઈ જ ભાન. એની લાગણીઓ મુરઝાઈ ગઈ હતી. મનમાં એક એવી હતાશા ઉભી થઇ હતી કે એને પોતાની જીંદગી પરથી મોહ ઊતરી ગયો હતો. સંતાનવિહોણી જીંદગી એને ભેંકાર લાગવા માંડી. સાંકળચંદ શેઠેતો ધંધાકીય નિવૃત્તિ પછી પોંડીચેરીના અરવિંદ આશ્રમમાં જ કાયમી વસવાટ કર્યો હતો. પિતાજીની તસ્વીરે હતાશ વ્યોમાને હવે પછીની જીંદગી કઈ રીતે જીવવી એનો રસ્તો સુઝાડ્યો. મનોમન જ એણે નિર્ણયો લીધાં. હવે એ થોડી સ્વસ્થ થઇ. બાથરૂમમાં જઈને ચહેરો સાફ કર્યો. બહાર આવીને એણે પહેલા સોલીસીટર દસ્તુર અંકલને તાબડતોડ મળવા આવી જવા માટે ફોન કર્યો. પછી એણે કંઈક વિચારીને એની એક્સમયની સખી સંવેદનાને ફોન કર્યો. સંવેદનાએ ફોન પર તત્કાલીન મળવા આવવા માટેની એની આજીજીનું કારણ પૂછ્યું. પણ વ્યોમાએ તરત જ આવી જવા કહ્યું.
દસ્તુર અંકલ અને સંવેદનાની કાર એક જ સમયે વ્યોમાના બંગલામાં દાખલ થઇ. બંને એકસાથે ડ્રોઈંગરૂમમાં દાખલ થયા.
“અરે, વ્યોમા ડીકરી, હવારમાં મુને કેમ દોડાઈવો? એવું તો હું તાકીદનું કામ નીકરી આય્વું, અચાનક?” દસ્તુર અંકલની પારસી જબાન એકધારી ચાલતી જ રહેત. પણ ખામોશ બેઠેલી નિરાશ અને હતાશ વ્યોમાની હાલત જોઇને સંવેદનાને કંઈક ખરાબ બન્યાનો અંદેશો આવી ગયો. એણે ઇશારાથી જ દસ્તુર અંકલને અટકાવ્યા અને વ્યોમા તરફ પૃચ્છાભરી નજરે જોયું.
“દસ્તુર અંકલ અને સંવેદના, મેં તમને એક ખુબ જ મહત્વની વાત કહેવા અને એક જવાબદારીની સોંપણી કરવા બોલાવ્યા છે. તમારા બંને પર મારો કંઈક હક તો છે જ એ ભાવે હું તમને આ કહી રહી છું.” વ્યોમા મક્કમ રીતે બોલતી હતી. એના અવાજમાં એક નિર્ણાયકતા હતી. “મેં મારી જિંદગીનો એક અતિ મહત્વનો નિર્ણય લીધો છે. હું મારી બધીજ સ્થાવર-જંગમ મિલકત, બધા જ ધંધાની માલિકી, બેંક એકાઉન્ટ, શેર્સ, આ બધું જ મારા પુત્રના નામે કરવા માંગું છું. જ્યાં સુધી મારો પુત્ર આ બધી જવાબદારી માથે ના લે ત્યાં સુધી આ બધી જ વહીવટી અને કાનૂની જવાબદારી તમારા બંને એ સંભાળવાની છે. ધંધાકીય અને વહીવટી બાબતો સંવેદના તારે સંભાળવાની છે અને કાનૂની જવાબદારીનું વાહન દસ્તુર અંકલ તમારે કરવાનું છે”
“પણ દીકરા, તું……? દસ્તુર અંકલના પ્રશ્નને વચ્ચેથી જ કાપતાં, વ્યોમા બોલી. “અંકલ, મને આટલા વરસો પછી મારા પુત્રની ભાળ મળી પણ હું પુત્રને પામી નથી શકી. હવે મને આ જીંદગીથી ભાગી છૂટવું છે. હું પણ પિતાજી સાથે જ પોંડીચેરીના આશ્રમમાં મારું શેષ જીવન વિતાવીને માનસીક શાંતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ.” વ્યોમા મક્કમપણે બોલતી જ રહી. એનો ઈરાદો અફર હતો. એણે પુત્રની બધી જ વિગતો જણાવી. સંવેદનાની સમજાવટ, દસ્તુર અંકલની આજીજી વ્યોમની નિર્ણાયકતા સામે જીતી ના જ શક્યા. દસ્તુર અંકલે તાબડતોડ ફોન કરીને ઓફીસ સ્ટાફના માણસો પાસે જરૂરી કાનૂની પેપર્સ ત્યાર કરાવ્યાં. સ્પર્શ-સંવેદના, દસ્તુર અંકલ, વ્યોમાની જરૂરી પેપર્સ પર સહીઓ લેવાઈ. આ બધી કાર્યવાહી દરમ્યાન પણ સંવેદનાએ વ્યોમાને સમજાવવાના અખૂટ પણ નાકામિયાબ પ્રયત્નો કર્યા. પણ વ્યોમા કઠણ અને મજબુત કાળજે એના નિર્ણયમાં અફર રહી. બધાને માલમિલકત અને ધંધાની બાગડોર સોંપી માનસિક શાંતિ મેળવવાના આશયે ભારે હૃદયે પોંડીચેરીના આશ્રમની વાટ પકડી.

— ( અજય પંચાલ )

“પપ્પા, જૂઓ, મમ્મીનો ફોટો આજના પેપરમાં આવ્યો છે” કહેતી સ્નેહા ધસમસતી બહાર હરિયાળી લોનમાં બેઠેલા સંયોગ પાસે પહોંચી ગઈ. બાળકોને મન માતા હોય કે પિતા હોય, સિદ્ધિ એટલે સિદ્ધિ જ હોય છે…. થોડા સમય પહેલાનો સંયોગ હોત તો વાત જૂદી હતી …કૈંક ધ્રુજતા હાથે સંયોગે છાપું હાથમાં લીધું… ઘણા દિવસોથી દોડધામ અને સતત વ્યસ્તતા છતાં સપના ક્યારેય સંયોગને કોઈ વાતથી અજાણ નહોતી રાખતી. પણ આંખો પર છવાયેલા પસ્તાવાના આંસુની આરપાર એને પોતાની સપનાની સિદ્ધિ વાંચી લેવી હતી. એ મથામણમાં હતો અને “હું વાંચું ..હું વાંચું” કહેતી સ્નેહાએ છાપુ પાછુ પોતાના હાથમાં લઇ મોટેથી વાંચવા માંડ્યું.
એના એક એક શબ્દથી સંયોગના મન પર એણે સપના સાથે કરેલા અન્યાયોના સોળ ઉઠી આવતા હતા. MBA થયેલી સપનાને પોતાના અહંના કારણે સાવ ઘરમાં બેસાડી રાખવાનો ગુન્હો…એના સપના ચકનાચૂર કરવાનો ગુન્હો…એને સાવ સામાન્ય સ્ત્રી સમજવાનો ગુન્હો … ઘર બચાવવાના સપનાના પ્રયત્નોને નકારવાનો ગુન્હો ..વ્યોમા તરફ આકર્ષાઈ એક નિષ્ઠાવાન પત્ની તરફ અન્યાય કર્યાનો ગુન્હો ..અનંત જેવા નિર્મળ માણસ સાથે સપનાને જોડી દેવાનો ગુન્હો …. એક પછી એક ચિત્ર સંયોગની આંખોમાંથી આંસુ સાથે સરી રહ્યું હતું.
સપના..સતત એની પડખે ઉભા રહેવા ઈચ્છતી સપના…એને વીનવતી સપના..એને ગમે તેવા કપડા પહેરતી સપના… એની અવહેલના વ્યોમા સાથેના સંબંધની જાહેરાત પછી પણ સામાન્ય વર્તવા પ્રયત્ન કરતી સપના… સ્નેહાને માધ્યમ બનાવી નજીક આવવા મથ્યા કરતી સપના …એના અકસ્માત પછી સતત એનું બળ બની બેઠેલી સપના… રાખમાંથી ઉભી થઇ આખા બીઝનેસને સંભાળતી સપના … અડધી રાતે ઝબકીને સંયોગને સાચવતી સપના… ઓહ ..એક પતિ તરીકે બે ઘરેણા અને થોડા સારા કપડા આપી દેવા કે અંધારી રાતમાં થોડોક કહેવાતો પ્રેમ કરી લેવો …બસ આ જ હતી મારી ફરજ..? અકસ્માત પછી સતત અનુભવેલી પોતે દોષી હોવાની લાગણી આજે બળવતર થઇ આવી ..જાણે ખુબ ઊંડે રહેલી કોઈ લાગણી સપાટી પર તરી આવી. સ્ત્રીની શક્તિને સમજવાનો પ્રયત્ન ન કરીને સ્ત્રીને ફક્ત ઘરરખ્ખું ગૃહિણી બનાવીને મર્યાદિત કરી દેવી એ મોટી ભૂલ હતી. સ્ત્રીની શક્તિ અમાપ છે. અખૂટ સહનશક્તિની સાથે સાથે સ્ત્રીમાં રહેલી અન્ય કુશળતાને નજરઅંદાજ કરીને પુરુષના અહંને પંપાળવાની જીદમાં એણે સપનાને ઘોર અન્યાય કર્યો હતો એનું ભાન થયું. યોગ્ય તક મળે તો સ્ત્રી પુરુષસમોવડી જ નહિ, પણ એથી પણ ઉંચી કક્ષાએ પોતાની જાતને લાવી શકે છે. સપનાએ વિના કહે આ હકીકતનું પ્રમાણ આપ્યું હતું.
બરાબર એ જ વખતે સ્નેહાએ છાપું એના હાથમાં પકડાવી દીધું અને ત્યાં આવી ચડેલા એક રંગબેરંગી પતંગીયા પાછળ એ દોડી ગઈ… હાથમાં પકડેલા છાપામાં છપાયેલ સપનાની તસ્વીર પર ત્રાટક કરતો એ આસક્ત નજરે જોઈ રહ્યો ..જાણે સપ્તપદીના વચનો પોતાની જાતને યાદ અપાવી રહ્યો હતો…
રસોડામાંથી બહાર આવતા કાંતાબેનના હાથમાંથી ઓટ્સ અને ફ્રુટ્સનો નાસ્તોભરી ટ્રે લઇ સપના બગીચા તરફ આગળ વધી..
ભીના ભીના વાળમાંથી ટપકતું પાણી અને ગાઢી ..શાંત ઊંઘ પછી ખીલી ઉઠેલો સપનાનો આત્મવિશ્વાસભર્યો ચહેરો..છાપામાંથી આંખ ઉઠાવી સંયોગ એની સામે એકટક જોઈ જ રહ્યો.

— ( નીવારોઝીન રાજકુમાર )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s