images (14)

૧…

” અશેષ , બધાને ફોન કરી દીધોને ? આજકાલ તો ભઈસાબ, તમે બહુ ભૂલકણા થઇ ગયા છો ….! “

રસોડામાંથી સંજ્ઞાએ થોડા મોટા અવાજે પૂછ્યું …. “એ હા , મને સોંપેલું કામ મેં કરી નાખ્યું છે.” એવો જવાબ આપી બહાર ફળિયામાં હિંચકા પર બેઠેલા અશેષે હાથમાં રહેલા છાપામાં ધ્યાન લગાવવાની કોશિશ કરી .પરમ દિવસે પપ્પા એટલે કે બાપુજી એટલે વિજયકુમારનું શ્રાદ્ધ હતું …એમને પપ્પા કહેવાવું જરાય ન ગમતું . બાપુજી શબ્દમાં એક અનોખું વજન છે … ભારતીયપણું …એક મીઠાશ…!! મમ્મીને બા ન કહો તો વાંધો ન હતો. મમ્મી … જીવથી વધુ સાચવતી સ્ત્રી .

રસોડામાંથી એપ્રનથી હાથ લૂછતી સંજ્ઞા એમની પાસે આવીને બેસી ગયા. ” છોકરાઓ પણ અહીં હોય તો કેવું ગમે ..!! આ આપણે શું કરી બેસીએ છીએ …!! મોટા કરી સમજણા થાય અને સાથે રહેવાની મજા આવે એ પહેલા તો ઉડાડી દઈએ છીએ . આ મસમોટા ઘરમાં એકલતા કરડવા દોડે છે હો ….આના કરતા ઘર નાનું અને ફળિયું મોટું હોવું જોઈએ … ઝાડવા ઉછેરી દિવસો તો પસાર થાય ” . એમની આંખોમાં મોટામોટા બોર જેવા આંસુઓ છલકાઈ આવ્યા .

અમસ્તાય અશેષ કહેતા કે સંજ્ઞાના કપાળમાં કૂવો છે ….અને સંજ્ઞા હંમેશા કહેતા કે સ્ત્રીની પીડા પુરુષ કોઈ દિવસ સમજી જ ન શકે. અશેષ કહેતા સ્ત્રી તો ઘરના કામોમાં પોતાની જાતને જોતરી રાખે છે પણ પુરુષ માટે નિવૃત્તિ બહુ આકરી હોય છે …અને સંજ્ઞા કહેતા …કામ તો કામવાળા પણ કરી આપે પણ આ મનમાં જે ખોટ છે એ કોણ પૂરી આપે ?

અશેષને છોકરાઓને દરેક વાતમાં ટપારતી …મોં પર ચોંટી રહેલા દૂધને પોતાના પાલવથી લૂછતી … સ્કૂલની રિક્ષા પાછળ દોડી નાસ્તાના ડબ્બા પકડાવતી સંજ્ઞા યાદ આવી ગઈ. પોતાના ભાગનો પણ ગુસ્સો અને ઠપકો આપતી સંજ્ઞા અને એ સાંભળતા બાળકોને જોઈ એમની આંખોમાં એક ઈર્ષ્યા અને સંતોષ ચમકી ઉઠતા .

બાળકો પોતપોતાના સંસારમાં વ્યસ્ત થયા પછી પત્નીઓ પતિમાં બાળક શોધતી હોય છે ..ટપાર્યા કરી , પતિ કેટલો બેદરકાર છે ..ચીજો ઢોળતો , ફોડતો રહે છે વગેરે બાબતોમાં નાની નાની કચકચ કર્યા કરતી હોય છે અને સમજદાર પુરુષો આ ટકટક પાછળ પત્નીની નિરાશા અને હેત જોઈ શકતા હોય છે .આખી દુનિયાને બહુ જ્ઞાની દેખાતા અશેષ સંજ્ઞા સામે થોડા બુદ્ધુ બની રહેતા.

દિવસભર આ બે જણા નોંકઝોક કર્યા કરતા …બંનેને ખબર હતી કે કોઈ ગંભીર નથી પણ બંને સાચું જ બોલી રહ્યા છે એટલે રાત પડતા જ એકબીજાના સહારે … એકબીજાની પડખે અડધી રાત સુધી પડખા ફેરવ્યા કરતા … ઉંમર વધે એમ ઊંઘ ઘટે એ હવે સાચું પડવા માંડ્યું હતું .

કેટલુંક બહુ ન સમજાય તેવું હોય છે . ઝાઝા સભ્યો હોય ત્યારે નાના ઘરમાં સાંકડમુકડ …એક અગવડથી રહેતા હોય છે ..અને બે પાંદડે થયા પછી એ જ અગવડો હૂંફના નામે યાદ કરાતી હોય છે … મોટા ઘર અને ખાલીખમ ઓરડાઓ …!! પણ સ્થાયી જીવન જીવતા અશેષ અને સંજ્ઞાએ છોકરાઓના ખાસ રમકડાંથી માંડી દરેક વર્ષના એકએક પુસ્તક સંગ્રહી રાખ્યા હતા . એ ખજાનો અમૂલ્ય લાગતો.

અશેષ એટલે શહેરનું જાણીતું નામ .મેડીકલ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા અને યુવાનોને માટે અનેક રચનાત્મક કાર્યોમાં આગળ પડતા એટલે મોટેભાગે બધા એમને જાણે . નામની જ નિવૃત્તિ હતી બાકી એમનો ફોન સતત રણક્યા કરતો . અને અનેક રૂપરેખાઓ ચર્ચાયા કરતી. સખ્ત અને સતત વાંચવાની ટેવ પણ એમને ખુબ વ્યસ્ત રાખ્યા કરતી. જો કે તબિયત પણ એમ કાંઈ એવું ન હતી કે પ્રેક્ટીસ ન કરી શકાય …. એમ તો કોલેજને જરૂર પડે ત્યારે એ જરૂર જતા ..પણ એવું બહુ સ્પષ્ટ માનતા કે જુવાનીયાઓને અનુભવ આપવો હોય તો વડીલોએ ખસી જવું પડે. જગ્યા કરી આપવી પડે. આજની પેઢી પાસે પણ ભવિષ્યમાં કહેવા માટે એક સુંદર અને પડકારરૂપ ભૂતકાળ હોવો જ જોઈએ…સંજ્ઞાને એકલતા અને માનસિક તાણ ન થાય એટલે અશેષ પોતાની નિવૃતિની વાતો કર્યા કરતા જો કે સંજ્ઞાને સતત પ્રવુતિમય અશેષ બહુ ગમતા. એટલે ઘણા પ્રોજેક્ટમાં સંજ્ઞા પણ જોડાઈ જતા . વૃદ્ધાવસ્થાને ગરિમાથી જીવતા બહુ ઓછા લોકોને આવડે છે .માનસિક અને શારીરિક રીતે પરવશ થતા લોકો બિચારા લાગી આવે.

કોલેજે અપનાવેલી ફોસ્ટર પેરન્ટની સુવિધા અંતર્ગત ડ્રોમાં જે વિદ્યાર્થીનું નામ ડો અશેષ અને સંજ્ઞાના બાળક તરીકે નીકળતું એના માટે પછીના સાડા ચાર વર્ષો એક ટકોરાબંધ …પ્રેમાળ છત્રછાયા રૂપ બની રહેતા … માંદગીમાં કે હોમસીક થયા હોય ત્યારે . કશુંક વિશેષ ખાવાનું મન હોય ત્યારે કે પછી વારે તહેવારે અશેષના ઘરે જઈ જ શકાય તેવી આત્મીયતા એ અને સંજ્ઞા ઉભી કરી દેતા… આ બધું બાપુજીને જોયા પછી જ આવડ્યું .

બાપુજી … !! એ તો બહુ નાનપણમાં જ કહેતા મારો અશેષ તો બહુ વિશેષ છે … એટલે જ અશેષના ઘરે પુત્ર જન્મ્યો એટલે કોઈ ચર્ચા વિચારણા વગર… રાશિ કે કુંડલી જોયા વગર એનું નામ વિશેષ પાડી જ દેવામાં આવ્યું … ને એ છે પણ બહુ વિશેષ … !! અશેષની સિદ્ધી ગણો તો સિદ્ધી અને સમજણ ગણો તો સમજણ એણે પોતાના જોયેલા સપનાનાં ભાર તળે વિશેષને જરાય દબાવી ન દીધો. પાંખો ફૂટતા જ ઉડવા આતુર દરેક બાળકની જેમ વિશેષે સપના પણ ઘણા વિશેષ જોયા હતા. સાયન્સમાં રસ નથી એવું બેધડક કહી શકનાર વિશેષને પોતાની રીતે કોમર્સ સ્ટ્રીમ લઇ CA થવા સુધી ખુલ્લો દોર આપ્યો હતો. અત્યારે દિલ્હીની નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટ ફર્મમાં સરખા ભાગે મહેનત કરતો વિશેષ ઘણો આગળ વધી ગયો હતો.

ને દીકરી ગતિ …સંજ્ઞાની પ્રતિકૃતિ જ જોઈ લો . લોકો કહે છે બાપ જેવી બેટી ને મા જેવો બેટો હોય તો નશીબદાર કહેવાય. પણ આ કહેવત ખોટી પાડતી હોય તેમ, મેડીકલમાં મોકલવા ધારેલી ગતિ પોતાની રીતે આર્ટસ લઇ …સાયકોલોજી ભણી ..પોતાના પસંદગીના પાત્ર સાથે પરણી અત્યારે કાઉન્સિલર તરીકે વડોદરાની સ્કુલોમાં ધૂમ મચાવી રહી છે .

બાપુજી સાચું જ કહેતા હતા … બાળકો નાના છોડ જેવા હોય છે … મોટા ઝાડના છાંયે ઉછર્યા કરે … માતા પિતા તરીકે નવી વિસ્તરતી કુંપણોને સમયાંતરે સંભાળી લેવાની હોય છે . એકવાર મૂળિયાં મજબૂત થઈ જાય પછી એ ગમે તે બાજુ ફાલે … બહુ ચિંતા નહી …. !!

બાપુજી, અશેષનું મન બાજુમાં બેઠેલા સંજ્ઞાની વાતોમાંથી ઉઠીને બાપુજીમાં અટવાઈ ગયું. પુખ્ત થયેલા બાળકો જીવનની દોડમાં વડીલોને કોરાણે મૂકી દેતા હોય તેવું લાગે છે ..પણ હકીકતમાં એવું હોતું નથી …. આડી અવળી વિસ્તરતી વેલની જડ તો ત્યાં જ ટકેલી હોય છે. ઝાડ ગમે તેટલું ઉંચે વધે એની ડાળીઓ નીચે જ નમતી હોય છે. અશેષે ધીમે રહીને હીંચકાના પાછલા ટેકે માથું અટકાવી દીધું ….એમની બંધ આંખો જોઈ સંજ્ઞા હળવેથી ઉઠીને અંદર ગયા. સાથે ઉમરલાયક થવાની બહુ મજા છે ….એકમેકની મોટાભાગની ખાસિયતોની.. ટેવોની ખબર હોય એટલે સમજણ બહુ પાકટ બની જાય.

આજે લગભગ ૧૮ વર્ષ થયા બાપુજીને ગયે …. એમના પહેલા શ્રાદ્ધ વખતે એમણે વિનીતને … એમના નાનાભાઈને અમદાવાદથી બોલાવી લીધો હતો … વિનીત ફાર્મસીનું ભણી પોતાના બેત્રણ સ્ટોર ચલાવતો હતો . આગલા દિવસે ….અશેષ આખો દિવસ ઉદાસ જ રહ્યા. વિનીત આવ્યો ત્યારે એમના મોં પર તેજ પાછું આવ્યું . ઓછાબોલો વિનીત મોટાભાઈની મનોદશા સમજતો હતો. એણે કડકાઈથી કહી દીધું..” ઘરના મોટા દિકરા તરીકે તમે આમ ઢીલા પડો એ ન ચાલે ..તમારા વડપણ નીચે જ અમે રહેવાના છીએ એ વાત સમજી લેજો …. !! ” એ સાંભળી અશેષથી લગભગ રડાઈ જવાયું હતું.

ભણેલા અને ગણેલામાં ગણાતા અશેષ આમ તો રીતરીવાજો અને કર્મકાંડોથી દૂર જ રહેતા… ઘર્મના નામે ચાલતા ગોરખધંધા એમને બહુ કઠતા. માનવતા એક જ સાચો ધર્મ છે એવું માનતા અશેષ કલાકો પૂજામાં વિતાવવા કરતા કોઈ વિદ્યાર્થી કે કોઈ મૂંઝાયેલા દર્દી સાથે વાત કરી… એમને મદદ કરવી એ પૂજાથી ઓછું નથી એવું એ માનતા. મન મળે ત્યાં મેળો અને લાગણી મળે ત્યાં લ્હાવો …એવું માનતા અશેષ એમના વિદ્યાર્થીઓમાં ઘણા પ્રિય હતા. ગુસ્સામાં વરસી પડતા અશેષને નજીકથી ઓળખી જનારા એમના ગુસ્સાને પળવારમાં ઉડી જતી નારાજગી માનીને એમને ખુબ પ્રેમ કરતા. પણ બધા તહેવારોને ફક્ત વહેવારો અને ધર્મગુરુઓએ પેદા કરી મુકેલા રીવાજો માનતા અશેષ શ્રાદ્ધ આવતા એકદમ બદલાઈ જતા. એમને ઓળખતા લોકો એમને આમ શ્રાદ્ધ કરતા જોઈ નવાઈ પામી જતા. અલબત એમની શ્રાદ્ધ કરવાની રીત ભારે અનોખી હતી. કોઈ ધાર્મિક વિધી વગર શહેરના અનાથાશ્રમ, અંધ શાળા , મૂક બધીર શાળા ઉપરાંત મેડીકલ કોલેજની હોસ્ટેલમાં એમના તરફથી જમણ અને ખાસ તો ખીર પીરસાતી.

પિતૃપક્ષ …. શ્રાદ્ધ….. આ દિવસો દર વર્ષે આવી પીડા આપી જતા.

પિતૃઋણ ….કોઈ દિવસ ચૂકવી શકાય ?

એ ઉભા થયા …દરવાજો બંધ કરી … ફળિયાની લાઈટ બંધ કરી અંદર ગયા .બેડરૂમમાં જતા જ શાવરનો અવાજ આવ્યો ..સંજ્ઞા સ્નાન કરતા હોય તેવું લાગ્યું. રાતે હુંફાળું દૂધ પીવાની અશેષની વર્ષોથી આદત હતી …કોલેજકાળમાં રાતે વાંચતા અને પરદેશ પણ જતા એટલે થોડાક કામોની ફાવટ હતી અને સરેરાશ ભારતીય પુરુષ જેવી માનસિકતા પણ ન હતી કે પતિથી ઘરકામ ન થાય …ગેસ પાસે પહોંચી એમણે ગેસ સળગાવ્યો . ઓવનમાં દૂધ ગરમ કરવું એમને ફાવતું જ નહી .એમને સહેલું કામ કરવાની આદત નથી એવું સંજ્ઞા હંમેશા ચીડવતા. દૂધ ઉભરાઈને આખા પ્લેટફોર્મમાં રેલાઈ રહ્યું હતું ….. સંજ્ઞાએ આવતા વેંત વિચાર મગ્ન અશેષને જરાક ઢંઢોળી પૂછ્યું …”અરે , નજર તો દૂધ પર છે …ધ્યાન ક્યાં છે ?” ત્યારે માથું ધુણાવતા અશેષ બેડરૂમ ભણી ચાલી ગયા.

હુંફાળું દૂધ પી પથારીમાં પડતાવેંત સ્કૂલનો બેલ એમનાં કાનોમાં ગુંજી ઉઠ્યો … એ દિવસે સ્કૂલ છૂટી હતી… આજે ટેસ્ટનું પરિણામ આવ્યું હતું ..માર્ક્સ ઘરે ખબર પડવાથી શું થશે એની ચર્ચા કરતા બધા સ્કૂલેથી નીકળ્યા. …બાળકોને પોતાના ક્યા કામ બદલ શું શિક્ષા થવાની છે એનો ખ્યાલ પડી જાય એટલી હદ સુધી માનસિક રીતે તૈયાર થઇ ગયા હોય છે …૧૧માં ધોરણમાં ભણતા અત્યંત તેજસ્વી અશેષે ઘણું મગજ કસ્યું પણ એને કોઈ નાની શિક્ષા પણ થઇ હોય તેવું યાદ જ ન આવ્યું.

એણે કહ્યું: “મને તો મારા ઘરના બહુ પ્રેમ કરે છે કોઈ દિવસ શિક્ષા ન કરે …ઉલટા નાના વિનીત કરતા ૧૦૦૦ ગણા વધુ મને બહુ લાડ કરે …!!” બધાએ એની ખુબ ઈર્ષ્યા કરી …
થોડી વાર પછી ચાલતા ચાલતા એકલા પડેલા મિત્ર અને મોસાળના નાતે ભાઈ થતા દિનકરે ધીમેથી કહ્યું : આશુ ,ખબર નથી તને કહું કે નહિ પણ તને ખબર છે ? તારા પપ્પા …તારા પપ્પા નથી …!! “

images

૨…

૧૫ ..૧૬ વર્ષના તરુણ અશેષને એક કાતિલ ઝાટકો લાગી ગયો … માની ન શકાય તેવી વાત આ દિનકર કેમ કરતો હશે ? એ સંકોચાઈ ગયો … ચહેરા પર હાવભાવની અજબ ચડઉતર થઇ પણ “તારી વાત માનવાની મારે કોઈ જરૂર નથી” એવું ઉપરછલ્લું કહી બેસેલા અશેષના તરુણ મનમાં ખળભળાટ મચી ગયો હતો. ઘર આવતા સુધી ચુપચાપ ચાલ્યા કરતા અશેષને જોઈ દિનકરને ખરાબ પણ લાગી આવ્યું …. “આ તો મેં ઘરનાને વાત કરતા સાંભળ્યા ..બાકી સાચું ખોટું મનેય નથી ખબર … માફ કરજે ..”એમ બોલી એ એના રસ્તે વળી ગયો.

તરુણાવસ્થા જીવનનો સંક્રાંતકાળ … દરેક મિત્ર પોતાની વફાદારી સાબિત કરી દોસ્તના મનમાં સ્થાન બનાવવા મથતો હોય છે … આ એક એવો કપરો સમય છે જ્યારે માબાપ કરતા મિત્રો વધુ વ્હાલા અને સાચા લાગતા હોય છે . દિનકરે એની વફાદારી સાબિત કરી દીધી પણ …અશેષનાં મનમાં દિનકરના એક એક શબ્દ હથોડાની જેમ એના માથામાં વાગી રહ્યા હતા ..દોડીને ઘરમાં જઈ બધાની વચ્ચે રાડો પાડી આ સવાલનો જવાબ પૂછવો છે એમ વિચારી ઘર બાજુ જઈ રહેલા અશેષના પગ ઢસડાવા લાગ્યા એટલી હદે ધીમા પડી રહ્યા હતા … એ વિચારોને વશ થઇ રહ્યો હતો ..એક ક્ષણે વિચારોના ધણ હુમલો કરતા બીજી પળે એકદમ શૂન્ય બની જવાતું … અશેષ શું વિચારવું કે ન વિચારવું એ મૂંઝવણમાં ઘરમાં પ્રવેશી ગયો .

મમ્મીએ એને આવતા જોઈ રોજની જેમ સામે આવી એની બેગ લેવા પ્રયત્ન કર્યો … એક નાનો હડસેલો મારી એ એના રૂમ બાજુ જતો રહ્યો …એની પીઠ સામે તાકી રહેલા સંધ્યાબેન એમ જ ઉભા રહ્યા… હા , આજે ટેસ્ટનું રીઝલ્ટ આવવાનું હતું …. ઓહ, તો તો જરૂર એણે ધાર્યા હ્શે એના કરતા ઓછા માર્ક્સ આવ્યા હશે …. એ ઝડપી પગલે એની પાછળ જવા લાગ્યા . રૂમનો દરવાજો જોરથી ભટકાડી અંદરથી બંધ કરી અશેષે પહેરેલે કપડે પથારીમાં પડતું મુક્યું . દરવાજા પર હાથ મૂકી ઉભેલા સંધ્યાબેન વિમાસણમાં પડી ઉભા રહ્યા. એમના જીવથી વ્હાલો અશેષ આજે આમ કેમ કરતો હશે ? આ ઉંમરે શારીરિક અને માનસિક ફેરફારો ઝીલી સાંગોપાંગ બહાર આવવું ઘણું અઘરું છે . બેત્રણ થાપટ મારી દરવાજો ખખડાવ્યો ..અશેષે ઝડપથી બાથરૂમમાં જઈ ફ્લશ ચાલુ કરી દીધું. સંધ્યાબેન રસોડા બાજુ પાછા વળ્યા.

ખળખળ વહી જતા પાણીના અવાજે અને આંદોલને અશેષની આંખોમાં અટકી ગયેલા આંસુઓને જાણે ધક્કો માર્યો . સરીને શર્ટ પર ટપકી રહેલા આંસુઓમાં એકએક સવાલ ટપકી રહ્યો હતો . આ ઉંમરે કોઈ પણ છોકરાને થાય તેવા સવાલો પરપોટા બની આવીને ફૂટી જતા હતા ….જવાબ ક્યાં હતા ? એટલે પોતે આ પપ્પા મમ્મીનું સંતાન નથી ? એટલે પોતે અનાથ હતો ? એટલે પોતે કોઈની દયા પર જીવી રહ્યો છે ? એટલે એટલે એટલે ….આ એક પણ એટલેનો જવાબ કોઈને પૂછવાથી જ મળશે … ઓહ …અશેષે શાવર ચાલુ કરી દીધું . દસેક મિનીટ એમ જ ઉભો રહ્યો ..પછી સાવ નંખાયેલા ચહેરે અને તૂટેલા મને બહાર આવી કબાટમાંથી જે મળ્યા તે કપડા લઇ બદલી લીધા. મન થોડુંક શાંત તો થયું અને પહેલો વિચાર આ કોને પૂછી શકાય એ આવ્યો … સીધું પપ્પાને ? કે મમ્મીને ? કે પછી કોઈ સગાને ?

આટલું વ્હાલ કરતા હોય તેવા માબાપને આવો સવાલ કેવી રીતે પૂછવો ? એમને કેટલું દુઃખ લાગશે …!! નાના ભાઈ વિનીત કરતા વિશેષ વ્હાલ કરતા માબાપ પર આવો અવિશ્વાસ કરવાનો વિચાર જ કેવી રીતે આવે ? ઉફ્ફ્ફ….પુખ્તતાના ઉમરા પર ઉભેલો અશેષ અકાળે પુખ્ત થઇ ગયો હોય તેમ એણે હમણાં મનની વાત મનમાં રાખવાનું નક્કી કરી લીધું. બહાર જવાનું જરાય મન ન થયું …

સ્કૂલેથી આવી અલકમલકની વાતો કરી મમ્મીની આગળપાછળ ફરતો અશેષ એકદમ શાંત કેમ થઇ ગયો એવા સવાલ સાથે સંધ્યાબેને દરવાજે આવી ફરી વાર દરવાજો ખખડાવવા હાથ ઉંચો કર્યો અને અશેષે દરવાજો ખોલી નાખ્યો. મોં પર હાથ ફેરવી બધી હતાશાને ચહેરાની ચામડી પાછળ ધકેલી દીધી. “આજે જરાય ભૂખ નથી” કહી એક મજબુર અને અજાણી નજરે એણે સંધ્યાબેન સામે જોયું .. “અરે , તને મનપસંદ દાળઢોકળી બનાવી છે અને તારી રાહ જોઈને બેઠી છું ” કહી રહેલા મમ્મીની પાછળ એ ધસડાઇ ગયો. ચુપચાપ ખાઈ રહેલા દીકરાને જોઈ સંધ્યાબેન થોડા ચિંતામાં પડી ગયા. જમીને ફરી પાછો અશેષ બહુ ઊંઘ આવે છે કરી રૂમમાં ભરાઈ ગયેલા અશેષને ઠીક નથી …સ્કૂલમાં એવું શું થયું હશે ? માર્કસની વાત હમેશાં ઉછળી કૂદીને કરતા દીકરાને આજે શું થયું છે ? પેટમાં ઉછળતા જીજ્ઞાસા અને પરેશાનીના મોજાને ખાળતા માંડ સાંજ પડી. દરવાજો ખોલી હોમવર્ક કરી રહેલા અશેષ તરફ નજર નાખી ઘરે આવેલા વિજયકુમારને હળવેથી બધું કહી દીધું.

વિજયકુમાર..બાપુજી એક અત્યંત પ્રેમાળ વ્યક્તિ હતા. એ દીકરાના રૂમમાં ગયા અને અમસ્તી વાતો કરી બહાર આવી ગયા. પોતાની પ્રિય વ્યક્તિની આંખમાં ફેલાયેલું ખાલીપણું અત્યંત ભારે લાગે છે .કશુંક અસામાન્ય છે એવું તો એમને પણ લાગ્યું જ . પણ ક્યારેક વાતને ખોતરવાથી ઉઝરડા વધુ ઊંડા બને છે … પણ મલમના થર વગર ખુલ્લી હવા લાગતા ઘાવ આપોઆપ રુઝાઈ જાય છે …એટલે એના કરતા એને એના હાલ પર છોડી દઉં તો કદાચ પોતાની સમસ્યાનો હલ પોતે શોધી કાઢશે એવું વિચારી એ ચુપ રહ્યા .

રાતે પથારીમાં ચતોપાટ પડેલો અશેષ …નાનકડા અશેષને ખુલ્લી આંખે અનાથ આશ્રમમાં ગરીબ અને લાચાર અવસ્થામાં જોઈ રહ્યો હતો … મહેરબાની કે દયાથી અહીં લઇ આવીને લાડ કોડથી પાળી રહેલા માબાપનું કદ એની નજરમાં મોટું ને મોટું થતું ગયું…. સવારે મનમાં ઉઠેલો આક્રોશ સાવ ઠંડો પડી ગયો…અને એ ગુસ્સો કરે તો પણ કોની પર કરે ? સંજોગો પર ? ઈશ્વર પર ? કે આ વ્હાલ વરસાવતા માબાપ પર ? અશેષ સાવ અસહાય બની પોતાની પરિસ્થિતિને એક પ્રેક્ષકની જેમ જોઈ રહ્યો … પણ મનમાં એક આંટી પડી ગઈ… મન બહુ અભેદ જગ્યા છે ..બહાર સાવ સામાન્ય વર્તન કરી રહેલા માણસો મનોમાં સાવ અલગ જ અવસ્થાએ જીવતા હોય છે .અશેષ એવી જ અવસ્થા પર આવી ગયો …

કાલ સુધી પોતાની જાતને અત્યંત નસીબદાર માનનાર અશેષને માબાપનો પ્રેમ હવે દયા જેવો લાગવા માંડ્યો …દિનકરે પણ ખુલાસો કર્યો હતો કે એના ઘરમાં વાત થતી હતી કે અશેષ પર સગા દીકરા કરતા વિશેષ અનુરાગ એના આ માબાપ રાખે છે …મોસાળપક્ષમાં અત્યંત લાડકો અશેષ બધા માટે ઉદાહરણરૂપ બનતો ગયો . કોઈનાં અહેસાન તળે દબાયેલો માણસ જરૂરીયાતોને બને એટલી ઓછી કરી દેવાથી ઋણ ઓછું ચડશે એમ વિચારી લે છે ….એક માગતા ૧૦૦ ચીજ હાજર કરી દેતા માબાપના ખર્ચા બચાવવા બધી ઈતર પ્રવૃતિઓ અને મોજશોખ છોડી એ પછીનો બધો સમય સખ્ત મહેનતમાં લગાવી અશેષ ૧૨માં ઘોરણમાં ઉત્તમ માર્ક્સ લાવી મેડીકલમાં પ્રવેશી ગયો . જાતને ભણવામાં સતત ખુપાડી દીધી એટલે અણગમતા વિચારો આવવા ઓછા થઇ ગયા … હોસ્ટેલમાં રહેવાનું થયું એટલે માબાપ પર લાગણી વધી ગઈ . પોતાના જેવા અનાથ બાળકનું જીવન બચાવી એક દિશા બતાવવા બદલ એ અહેસાનમાં દબાતો ગયો.અને તનતોડ મહેનત કરતો ગયો. એક શ્રેષ્ઠ વિદ્યાર્થી તો એ હતો જ હવે એક શ્રેષ્ઠ વ્યક્તિ બની રહ્યો હતો.

દરેક નાના માણસમાં એને પોતાની છાયા દેખાતી. અશેષ પોતાના કદ અને પડછાયાને એક સમાન રાખવા વધુને વધુ નમ્ર બનતો ગયો ….. સામાન્ય માણસ બની રહેવા અને વિદ્યાર્થીઓ સાથે સાથે ઉર્જાત્મક સંબંધ રાખવા એમણે શિક્ષક બનવાનું નક્કી કર્યું … બધી જ પરિક્ષાઓ પસાર કરી એ મેડીકલ કોલેજમાં આવી ગયા… !!

દર વેકેશનમાં અશેષ અમદાવાદ એમના મામા માસીને ત્યાં આવી જતા ..મામાનો દીકરો વિવેક હમઉમ્ર હોવાથી બંનેને ખુબ બનતું. જો કે માસીને ત્યાં એ ફક્ત મળવા જ જતા તોય માસી એમના પર ઓળધોળ થઇ જતા.

પથારીમાં પડેલા અશેષની નજર બાજુમાં એક શાંતિભરી મીઠ્ઠી નિંદ્રા માણી રહેલા સંજ્ઞા તરફ જોયું … જીવનના દરેક પડાવ પર એક શ્રેષ્ઠ સંગીની …સાથી નીવડેલી સંજ્ઞા આ ઉમરે પણ કેટલી પ્રેમિકા જેવી લાગે છે … મનમાં ચાલતી દરેક હલચલને બારીકીથી પારખી જઈ મન બહેલાવવા આડી અવળી વાતો અને ક્યારેક ઝગડા પણ કરી લે છે … એકબીજાને સમજતા સમજાવતા જીવનની સફર કેવી સડસડાટ વીતતી ગઈ … જીવનની સાંજે દરેક વ્યક્તિ પોતાના પ્રિય પાત્ર તરફ વધુને વધુ અનુરાગ અનુભવવા લાગે છે . કદાચ આગળ આવી રહેલી રાતના અંધકારની ડર હશે કે પછી આ આછા અજવાળામાં જીવી શકાય એટલું જીવવાની એષણા …

અશેષે હાથ લંબાવી પગ પાસે પડેલું બ્લેન્કેટ સંજ્ઞાને ઓઢાડી દીધું. અને સંજ્ઞાના જમણા હાથના આંગળા પોતાના હાથમાં લઇ હળવે હાથે દબાવવાનું ચાલુ કર્યું … આજકાલ સંજ્ઞા આંગળા કળવાની ફરિયાદ કરે છે . ઉંમર ઉંમરનું કામ કરે માણસે માણસનું કામ કર્યા કરવું પડે. સંજ્ઞાએ ઊંઘરેટા અવાજે …” હવે સુવું નથી ? વિચાર કરવાથી કોનો ઉદ્ધાર થયો છે તે તમારો થશે ? સુઈ જાઓને ” એમ કહી જમણો હાથ ખેંચી લઇ અશેષના હાથમાં પોતાનો ડાબો હાથ આપી દીધો. અશેષના આખા મોં અને મન પર એક હળવાશ ફરી વળી અને એમનાથી હસી પડાયું. આ સ્ત્રી ક્યારેય ઘસઘસાટ સુતી હશે ? જ્યારે જુઓ ત્યારે જાગતી જ હોય … ઉંમર વધે અને સમજણ ન વધે એવું ભાગ્યે જ કોઈ દંપતી વચ્ચે બનતું હશે. એમણે હળવે હાથે એકપછી એક આંગળીઓ દબાવવાનું ચાલુ રાખ્યું …ઊંઘ તો આમેય ક્યાં એમ આવે એમ હતી …!!

અમદાવાદની એ મુલાકાત …આખા જીવનની યાદગાર સફર હતી. ટ્રેનમાં થયેલી મુલાકાત પછી ખાસ તો એટલા માટે કે નવરાત્રી વખતે ગરબાનો કક્કો ન જાણતા અશેષની ગરબામાં ઘૂમતી સંજ્ઞાની વધુ ઓળખાણ થઇ …. અને બંને નજીક આવી જ રહ્યા હતા … પ્રેમ ધીમે ધીમે સ્પષ્ટ થઇ રહ્યો હતો …

વિવેક સાથે રશ્મીમાસીના ઘરે મળવા જઈ આવ્યો …માસી-માસા ખુબ જ પ્રેમાળ હતા. મિલિન્દમાસાએ અશેષના ભણતર , જીવન અને ભવિષ્ય વિષે પૂછેલા અનેક સવાલો અને ઉત્કંઠા જોઈ ત્યાંથી પાછા આવતા વખતે વિવેકે મસ્તીમાં કહ્યું …”તારા જેટલા માનપાન મારા ન જ હોય …”

“સ્વાભાવિક છે તું તો અહીં જ રહે છે .વારેવારે મળતો હોઈશ .જ્યારે હું છ આઠ મહીને અહીં આવું છું એટલે એમ જ હોય ..બાકી માસી માટે તારામાં અને મારામાં શું ફેર હોય ? એક બેનનો અને એક ભાઈનો દીકરો છે બસ એટલું જ ને … !! “
એવો જવાબ સત્ય જાણતા વિવેકના ગળે ન જ ઉતરે એ દેખીતું હતું .

વિવેકથી બોલાઈ જવાયું …

” ના યાર , લોહી લોહીને ખેંચે એ સાંભળ્યું હતું …હવે જોઈ રહ્યો છું …અનુભવી રહ્યો છું ”

Presentation1ઉ

ઓહ … વર્ષો જુનો એક ગડ…એક કોયડો …આજે અનાયાસે ઉકલી ગયો. એક ગાંઠ જાણે ખુલી ગઈ … બધું છૂટી ગયું ..સરકી ગયું ..કોણ ? શું ? કોનું ? કેમ ? એવા પ્રશ્નો આ વખતે ઉઠ્યા પહેલા જ શમી ગયા …જુવાન થઇ ચૂકેલો અશેષ સુન્ન થઇ ગયો. એ રાતે સંજ્ઞાએ ગરબા રમવા સાથે જવાના બહાને એના માબાપ સાથે મુલાકાત કરાવવાનો પ્લાન કર્યો હતો. પણ પોતાના જીવનમાં આ નવા આવેલા વળાંકમાં અશેષ સાવ ગડથોલિયું ખાઈ ગયા. બાળપણ અને અત્યારના સમયમાં આભજમીનનો ફેર હતો …સમજણ પુરબહારમાં ખીલી હતી ..છતાં અશેષના મગજમાં એક સન્નાટો છવાઈ ગયો. વિવેકે વાતને વાળવાના ઘણા પ્રયત્ન કર્યા પણ અશેષના હાવભાવ અને એની ચુપ્પી હવે બહુ ડરાવી રહી હતી. એનાં મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાના બધા જ પ્રયત્નો બેકાર જઈ રહ્યા હતાં …

અશેષ …. નાનપણથી અત્યાર સુધીના બધા જ બનાવોમાં ઘેરાઈ રહ્યા હતા. વિનીત તો અશેષ કરતા ૧૦ વર્ષ નાનો હતો …. એ પહેલા અને એ પછી પણ સતત આકર્ષણ અને મમ્મી પપ્પાના જીવનનું કેન્દ્ર અશેષ જ રહેતા. બધા પરિવાર મળે ત્યારે નાનપણથી મમ્મીએ માસીથી એમને દૂર જ રાખ્યા હતા એટલે જ કદાચ અશેષને માસી કરતા મામા વધારે ગમતા. લાડકોડમાં ઉછરી રહેલા અશેષને માસી સાથે આવતા એમના બાળકો સાથે સ્પર્ધા કરવી જરાય ન ગમતી. માસી એમના બાળકો પર વધારે જ ધ્યાન આપતા અને રમત હોય કે ખોરાક અશેષને માસી હમેશા પક્ષપાત કરતા હોય તેવું લાગતું એટલી હદ સુધી અણગમો વિસ્તરી ચૂક્યો હતો .

સંજ્ઞાને ખાંસી આવતા અશેષે બાજુમાં પડેલો પાણીના જગ હાથમાં લીધો ..પણ પડખું ફરી ઘસઘસાટ ઊંઘી ગયેલા સંજ્ઞાને જોઈ એમણે જગ પાછો મૂકી દીધો.

વિવેકે ઘરે જતા પહેલા અશેષને એક રેસ્ટોરાંમાં લઈ જઈ નોર્મલ કરવા વિચાર્યું પણ સીધા ઘરે લઇ જવાની તાકીદ કરી ….મામાના ઘરે પહોંચી અશેષ રૂમમાં ભરાઈ ગયા. મોડી રાતે વિવેક રૂમમાં ગયો ..ત્યારે અશેષ કશુંક લખવામાં મશગુલ હતા ….

ગુસ્સો ઉતારવા લખવું બહુ અકસીર ઈલાજ હોય છે … લખવું ..વિચારવા કરતા ધીમું હોય છે એટલે વિચારો ચળાઈને આવતા હોય છે અને મોટેભાગે આવું કશુંક લખ્યા પછી બીજે દિવસે એ ફાડી નાખવા યોગ્ય જ લાગતું હોય છે …કારણ કે મન પક્ષ અને વિપક્ષ બંનેનું કામ કરે છે … એટલે એને ખલેલ પહોચાડ્યા વગર વિવેકે લંબાવી દીધું.

અશેષ જાણે પોતાના આટલા વર્ષોનો હિસાબ લખતા હોય તેમ લખી રહ્યા હતા … અતિ લાડ , ઉંચી અપેક્ષા , વધુ પડતી આળપંપાળ અને ક્યારેય ન કરાયેલી શિક્ષાએ એમનું બાળપણ એમની પાસેથી છીનવી લીધું હોય તેવો અફસોસ અને ગુસ્સો અત્યારે શબ્દો બની કાગળ પર પથરાઈ રહ્યો હતો . જ્યારે બીજા કોઈ માબાપ પોતાના બાળકને શિક્ષા કરે કે ધોલધપાટ કરે ત્યારે એક સમયે પોતાની જાતને સદનસીબ માનતા અશેષ આજે એ બધા હક , અધિકાર અને ટકોરથી પોતે વંચિત રહી ગયા એ વિચારી એ દુઃખી દુઃખી થઇ ગયા …શિક્ષા પોતાના જ કરે અને પોતાનું કોઈ ન હતું … લખતા જ ગયા … ગુસ્સાને લખીને ફાડી નાખવો ઠીક છે ..પણ મનમાં ઘોળાયા કરતો ગુસ્સો લાગણીની જડને ..સંબંધને ઉધઈની જેમ ક્ષીણ કરતો રહે છે … અશેષે આખી રાત ઘૂંટેલો ગુસ્સો સવાર પડતા વધુ ધારદાર થઇ ગયો અને એમનાથી એ ઉકળાટ પોસ્ટ થઇ ગયો .ટપાલ પહોંચે એ દરમ્યાન ઉદ્વેગ અને ગુસ્સામાં એકના એક વિચારો અને દલીલો કરી રહેલા અશેષને વિવેકે પોતાને જેટલી જાણકારી હતી એ લઈને સમજાવવાની સંભાળવાની કોશિશ કર્યા કરી. બાપુજી એ વાંચી દુઃખી થવા જ જોઈએ એવી ગણતરીથી છોડાયેલું શબ્દબાણ એના મર્મસ્થાને જઈ પહોંચ્યું .

વિજયકુમાર ..મુંબઈ અને અમદાવાદમાં એક અત્યંત સંસ્કારી પુરુષ અને સંસ્કૃતના જાણકાર તરીકે ઓળખાતા હતા .ઉમાશંકર જોશી …કાકા સાહેબ કાલેલકર … પંડિત સુખલાલજી જેવા મિત્રો અને લોકો સાથે સંકળાયેલા એવા ઠાવકા અને સંસ્કારી વિજયકુમાર પાસે આ ટપાલ પહોચતા જ એ આખી વાત સમજી ગયા. પણ “મારા બની બેઠેલા માબાપ” સંબોધને એમને હચમચાવી નાખ્યા.

આ બાજુ અશેષનો માસીમાસા તરફ અણગમો સો ગણો વધી ગયો … એક મા પોતાનું પહેલું સંતાન શું કામ આપે ? કેવી રીતે આપે ? ફક્ત પૈસા કે મિલ્કતની લાલચ ? એવા સવાલોની ઉકળતી વરાળ અશેષને દઝાડવા લાગી … અંતે એ પછી ૫ દિવસ અમદાવાદ રહી અશેષ કમને મુંબઈ જવા રવાના થયા. વડીલો સાથે થતી ચર્ચા દરમ્યાન બંને પક્ષને અરસપરસના અભિપ્રાયો જણાઈ આવતા હોય છે … ઘણી ભ્રમણાઓ ભાંગી જતી હોય છે . નાના વિનીત કરતા વધુ ભણાવવા બદલ , લાડ કરવા બદલ , શોખ અને માંગણીઓ પૂરી કરવા બદલ , વિનીતને ખડે પગે મોટાભાઈની સેવામાં રાખવા બદલ … આ બધું કરી સમાજમાં અને પરિવારમાં પોતાનું નામ ઊંચું કરવાની સસ્તી એષણા બદલ અશેષે વિજયકુમાર તરફ પોતાની નફરત જાહેર કરી દીધી. ઘરમાં યુદ્ધ પછીની શાંતિ છવાઈ ગઈ … મમ્મી અને વિનીતને શું કરવું એ સમજાયું નહી.

નિસંતાન વિજયકુમારે પોતાના ઘર પર છવાઈ રહેલા એ ખાલીપાના ઓળાને ખાળવા ઘણા પ્રયત્ન કર્યા હતા. સગા સ્નેહીઓ ..ભાઈઓ એમના સંતાનો પર વાંઝણી કાકીનો અશુભ ઓછાયો પસંદ ન કરતા પણ ..”તમારે આગળપાછળ કોણ છે?” એવું કહી એમની અમાપ મિલકત પર હક જમાવવાની કોશિશ કર્યા કરતા. સંધ્યાબેન ધીમે ધીમે ડીપ્રેશનમાં સરી રહ્યા હતા . બાળકનું ન હોવું મૂળ તો શારીરિક સમસ્યા હોય છે પણ પછી એ સમસ્યા સામાજિક બની અંતે માનસિક બની જતી હોય છે . બાળકની રાહમાં અનાથાશ્રમ જેવો કોઈ વિચાર આવે એ પહેલા નાનીમાએ પહેલી સુવાવડ કરવા આવેલી નાની દીકરીને અને જમાઈને સમજાવી જોયું અને વિજયકુમાર અને સંધ્યાબેનની ઝોળી અશેષ નામના સુખથી છલકાઈ ગઈ. અને કહેવાય છે ને મનની તંદુરસ્તી તનની તંદુરસ્તી પર તીવ્ર અસર કરે છે …એ પછી દસ વર્ષમાં તો વિનીત પણ એ ખુશહાલ પરિવારમાં ઉમેરાઈ ગયો . આ પ્રેમાળ દંપતીએ પોતાના સગા પુત્ર કરતા પણ વિશેષ વ્હાલ અશેષ તરફ વહાવ્યા કર્યું. અશેષની જવાબદારીઓમાંથી છટક્યા વિના એને શુભ પગલાનો માનીને એના પર ઓળઘોળ થયા કર્યું.

અધકચરી જાણકારી એક ગેરસમજણ બની અંતે તિરાડમાં પરિણમે છે…. કાયમી તિરાડ …બધા જ તથ્યો જાણ્યા વગર અશેષે એક અભિપ્રાય બનાવી માબાપ અને માસામાસીને આરોપીના પાંજરામાં ઉભા કરી દીધા હતા. છેક અંદર સુધી ખરાબ રીતે ઘવાયેલા વિજયકુમારે ચુપ રહેવાનું શરુ કરી દીધું હતું . ઘવાયેલો માણસ કાં તો બહુ બોલે છે અથવા મૌન બની જાય છે … ચુપ રહેવું દરેક વખતે સમાધાન નથી હોતું .. આત્મધાત હોય છે … પોતાના લાગણીભર્યા ઉછેર પર ગર્વ કરવાને બદલે “કમાઈને તમારું ઋણ ચૂકવી આપીશ” એમ કહી વધુ અભ્યાસ માટે પરદેશ જતા રહેલા અશેષ વિષે વિચારતા વિજયકુમાર અને સંધ્યાબેનની આંખો ભીની થઇ જતી … !!

અડધી રાત વીતી ગઈ ..અશેષની આંખમાં ઊંઘનું નામો નિશાન ન હતું . પાછા આવી સંજ્ઞા સાથે લગ્ન અને અલગ ઘર માંડવાની વાત કરવા અમદાવાદ પહોચેલા અશેષને મામાએ કડક શબ્દોમાં સાચી હકીકત કહી … મન તો ઊંચા થઇ ગયા હતા. પણ વધુ આધાત કે અપમાન ન કરવા કમને બાપુજીએ આપેલી જમીન પર પોતાના પૈસે મકાન બને ત્યાં સુધી ભેગા રહેવાનું કબુલ્યું …

એક પરિવારને જોડી રાખવામાં સૌથી વધુ યોગદાન સ્ત્રીનું જ હોય છે . સાથે રહેતા રહેતા સમજદાર સંજ્ઞાના પ્રયત્નોથી અશેષના મનમાં સૂકાયેલ ઝરણું ફરી પાછુ વ્હાલ અને લાગણી બની વહેતું તો થયું …માબાપની શુદ્ધ અને નિષ્પક્ષ લાગણી જોઈ પોતાના વર્તન માટે અનેકવાર ચુપચાપ અને કેટલીક વાર વર્તનથી માફી માગ્યા કરી.

હાથ લંબાવી અશેષે લેમ્પની સ્વીચ દબાવી દીધી …આખો રૂમ એક આછેરી આસમાની લાઈટથી ભરાઈ ગયો. એક નિશ્વાસ સાથે પગમાં સ્લીપર પહેરી એ બહાર નીકળ્યા . આખા ઘર તરફ ..બધી દિશાઓ તરફ નજર નાખી બધી જ ચીજવસ્તુથી ભર્યાભર્યા ઘરને એ જોઈ રહ્યા … શું ખૂટતું હતું ?

મમ્મી અને બાપુજી ક્યારેય આ ઘરમાં રહેવા ન જ આવ્યા …. બે બે માબાપ હોવા છતાં …રાહ જોવા છતાં અનાથ બનીને વડીલોના સહવાસ વગર આટલા વર્ષો વીતી ગયા . એક ખાલીપો વર્ષોવર્ષ આળસ મરડતો રહેતો અને અશેષના ચિત્તને ડહોળતો રહેતો … એમને હજુયે એ ન સમજાતું કે એમનો એ વખતનો ગુસ્સો અને મનોમંથન ખોટા કઈ રીતે હતા ?

બાપુજી અને માસાની વસીયતમાંથી પડેલા ભાગનો સવિનય અસ્વીકાર કરતા … ભાઈ બહેનોમાં પૂજ્ય અને આદરણીય બની રહેલા અશેષ બાપુજી સાથે તો એમના જીવતા સુધી સામાન્ય બનીને રહી શક્યા …પણ એમને દુઃખી કર્યાનો એક રંજ સતત હતો …!!

સામાન્યમાંથી અસામાન્ય બનતા વાર નથી લાગતી પણ અસામાન્યમાંથી સામાન્ય બનતા યુગો વીતી જાય એનું નામ સંબંધ .. !!

હોલના અંઘારામાં સોફા પર માથું ઢાળીને બેઠેલા અશેષની બાજુમાં આવીને બેસી ગયેલા સંજ્ઞાએ પૂછ્યું …
“કેમ ઊંઘ નથી આવતી ? ફરી પાછા એ જ વિચારો ? “

“સંજ્ઞા , દરેક પિતૃપક્ષ વખતે …શ્રાદ્ધ વખતે … આ સવાલ ફેણ ઉઠાવી ઉભો થઇ આવે છે …મારો પ્રેમ , મારી લાગણી , મારી માફી ..એમના સુધી હજુ પહોચતી હશે ? પોતાના કરતા પારકાને વિશેષ પ્રેમ કરનાર માબાપનું ઋણ ઉતરે ખરું ? જીવતેજીવ આંતરડી કકળાવી…. એમની કાળજી …એમની લાગણીની કાળજી પણ ન લીધી… અને હવે આખી જિંદગી શ્રાદ્ધ કર્યા કરવાથી હું પિતૃના પક્ષમાં છું એ સાબિત થાય ? ?

પક્ષ ? હું કોના પક્ષમાં ? કોણ મારા પક્ષમાં ? આ સવાલોના જવાબ મને કોણ આપશે ? ”

દર વર્ષની જેમ આ વર્ષે પણ સંજ્ઞાએ ચુપચાપ અશેષના હાથ પર હાથ મૂકી બેસી રહેવું પસંદ કર્યું .

કેટલાક સવાલોના જવાબો હોતા જ નથી અને હોય છે તો અધ્ધરતાલ જ હોય છે .

– નીવારાજ

10 responses »

  1. Madhukanta panchal says:

    તમારી વર્તા સરસ હતી. મને પણ ઘણી વખત આવા પ્રશ્નો નડે છે. આપણો પૂર્વજો સાથે નો સંબંધ એક પારિવારીક સંબંધ છે. એમના જીવતાં કંઇ ન કર્યું હોય તે મર્યા પછી કર​વાથી તેમના સુધી પહોંચે છે? અથ​વા તો તેઓ કબૂલ કરશે? બીજું કે આપણે એમ પણ માનીએ છીએ કે આ નશ્વર દેહ છોડ્યા પછી આત્મા બીજો જન્મ લે છે. ન​વું શરીર, ન​વું નામ​, ન​વો પરીવાર. તો એમના માટે કરાતું કાર્ય તેમના સુધી પહોંચે છે?………………….

    • ખુબ આભાર ..તમે અહીં સુધી આવીને મને વાંચો છો ..તે માટે ખુબ આભાર 🙂

      જીવતે જીવ કિંમત ન થાય તો મરણ પછી ગમે તે કરીએ કશું ન વળે

  2. વાર્તા વાંચી , સરસ છે

    પણ વાર્તા ની સ્પીડ થોડી વધારે છે . ઘટ્ના ઓ વચ્ચે થોડો મસાલો ઉમેરી ને પ્રસંગો ધીમા કર્યા હોત તો થોડી વધારે મજા આવેત એવું મારુ માંનવું છે . હું વિવેચક તો શું , સારો વાચક પણ નથી , પણ તમારા વિચારો ના સ્તર પ્રમાણે પહેલી વાર્તા જેટ્લી ઉત્તમ ન લાગી..

    નવિ વાર્તા નિ રાહ જોઇએ છિએ

  3. dearest નિવા……
    સુંદર વાર્તા અને અમારે કશું જ લખવું નથી કે કહેવું પણ નથી…આપના આ શબ્દો….
    બાપુજી અને માસાની વસીયતમાંથી પડેલા ભાગનો સવિનય અસ્વીકાર કરતા … ભાઈ બહેનોમાં પૂજ્ય અને આદરણીય બની રહેલા અશેષ બાપુજી સાથે તો એમના જીવતા સુધી સામાન્ય બનીને રહી શક્યા …પણ એમને દુઃખી કર્યાનો એક રંજ સતત હતો …!!

    સામાન્યમાંથી અસામાન્ય બનતા વાર નથી લાગતી પણ અસામાન્યમાંથી સામાન્ય બનતા યુગો વીતી જાય એનું નામ સંબંધ .. !!

    હોલના અંઘારામાં સોફા પર માથું ઢાળીને બેઠેલા અશેષની બાજુમાં આવીને બેસી ગયેલા સંજ્ઞાએ પૂછ્યું …
    “કેમ ઊંઘ નથી આવતી ? ફરી પાછા એ જ વિચારો ? “

    “સંજ્ઞા , દરેક પિતૃપક્ષ વખતે …શ્રાદ્ધ વખતે … આ સવાલ ફેણ ઉઠાવી ઉભો થઇ આવે છે …મારો પ્રેમ , મારી લાગણી , મારી માફી ..એમના સુધી હજુ પહોચતી હશે ? પોતાના કરતા પારકાને વિશેષ પ્રેમ કરનાર માબાપનું ઋણ ઉતરે ખરું ? જીવતેજીવ આંતરડી કકળાવી…. એમની કાળજી …એમની લાગણીની કાળજી પણ ન લીધી… અને હવે આખી જિંદગી શ્રાદ્ધ કર્યા કરવાથી હું પિતૃના પક્ષમાં છું એ સાબિત થાય ? ?

    પક્ષ ? હું કોના પક્ષમાં ? કોણ મારા પક્ષમાં ? આ સવાલોના જવાબ મને કોણ આપશે ? ”

    દર વર્ષની જેમ આ વર્ષે પણ સંજ્ઞાએ ચુપચાપ અશેષના હાથ પર હાથ મૂકી બેસી રહેવું પસંદ કર્યું .

    કેટલાક સવાલોના જવાબો હોતા જ નથી અને હોય છે તો અધ્ધરતાલ જ હોય છે …

    ગુજરાતીમાં કહેવત છે “શંકા ભૂત અને મંછા ડાકણ”….

    વિનીત એ કહેલું એક વાક્ય …જિંદગીભર કોચતું રહ્યું…ના સમજી શકાયું…ના કોશીશ પણ કરી….

    gbu jsk
    સનતકુમાર દવે…(દાદુ)

  4. Ashwin Majithia says:

    અહા..! પસ્તાવો વિપૂલ ઝરણું.. સ્વર્ગથી ઉતાર્યું જે.. પાપી તેમાં સ્નાન કરી પુણ્યશાળી બને છે.
    પણ દરેક વખતે આવું નથી બનતું.. પસ્તાવો ‘થયા’ ને ‘ન થયું’ નથી કરી શકતો.. પણ હા, મનને કોરી કોરીને ઘાયલ તો બનાવતો જ રહે છે.
    ગેરસમજણને કારણે ગેરવર્તન કરી બેઠેલા અશેષ સાથે પણ તેવું જ થયું.
    અને માટે જ ક્યારેક એવું લાગે છે કે વેળાસર ચોખવટ કરી લઈને મન ચોક્ખા કરી લેવા હિતાવહ છે, અને નહીં કે મનમાં મુંઝારો પાળીને મનની મૂંઝવણ એટલી હદ સુધી વધારતા જવું, કે ગેરસમજણની ગાંસડી ગંજાવર બની જાય અને તેની તળે જિંદગીભર દબાયા કરીએ.

    નીવાબેન.. બહુ સરસ વાર્તા.. સચોટ મનોમંથન.. મજા આવી.. કેટલા વખતથી વાંચવી હતી.. આજે વાંચી..!

  5. Kajal Henia says:

    સામાન્યમાંથી અસામાન્ય બનતા વાર નથી લાગતી પણ અસામાન્યમાંથી સામાન્ય બનતા યુગો વીતી જાય એનું નામ સંબંધ .. !!ખૂબ મનોમંથન માંગતુ હ્દયસ્પર્શી લેખન
    સંબંધની વ્યાખ્યા ખૂબ ગમી . અસામાન્ય બનેલા સંબંધ ખૂબ દલીલો અને દુઃખ આપે છે એ સામાન્યના વાઘા પહેરે છે પણ સામાન્ય બની શકતા નથી

  6. Bhatt Medhavi says:

    બહુજ સુંદર વાર્તા છે નિવા મને સમજાતું નથી કેવી પીતે વ્યક્ત કરું હું મારી લાગણી એટલી સુંદર છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s