મિત્રો , અચાનક લખવામાં આવેલી આ વાર્તાના મૂળ ઘણા સમયથી મારા મનમાં વિસ્તરેલા હતા . આ વાર્તાના ૬ ભાગ સત્ય અને ૪ ભાગ કલ્પનાના આધારે લખાયા છે . અત્યાર સુધી લગભગ ૧૦૦૦થી વધુ મિત્રો આ વાર્તા વાંચી ચુક્યા છે ….પણ હવે હું આશા કરું છું કે તમે આ વાર્તા વાંચી તમારા પ્રતિભાવો પણ આપશો . આ મારી પહેલી વાર્તા છે ..મને તમારા પ્રોત્સાહનની જરૂર છે .
૧….
” અરે વાહ …..અહીં હું બંસરી …ફક્ત બંસરી….!!!! ”
વરસો પછી પિયરે આરામથી રહેવા ગયેલી બંસરીએ આવો આનંદ ભર્યો ભાવ અનુભવ્યો ……પહેલા પતિ અવિનાશના અધૂરા અભ્યાસની અડફટે બંસરીની મોટાભાગના વેકેશનો ચડી જતા ….એટલે કે દર વેકેશને પોતાના અભ્યાસ માટે ચાલુ નોકરીએ રાજા લઇ અવિનાશ અમદાવાદ હોસ્ટેલમાં રહેવા જતો રહેતો અને રાજકોટમાં એના મમ્મીના વેકેશનમાં કંપની આપવા બંસરીને મુકતો જતો …..એના પપ્પા તો સરકારી નોકરીમાં હતા અને મમ્મી સ્કુલમાં શિક્ષક …..અને અભ્યાસ માટે આવું બલીદાન કરવું બંસરીને ગમતું પણ ખરું ….કારણ કે પ્રેમમાં પડેલા બંનેએ જલ્દી નોકરી મળે તો પરણી શકાય તેવા ઈરાદાથી ભણતરને થોડું પાછું ઠેલ્યું હતું ….જોકે અભ્યાસ સારી નોકરી અપાવે એ પૂરતો તો હતો જ ….
અને ત્યાર બાદ એક પછી એક ૪ વર્ષના ગાળામાં બે બાળકો પણ ઉમેરાઈ ગયા અને બંસરીની વ્યસ્તતા વધતી ચાલી …અને સાવ એવુંય ન હતું કે એ પિયરે જતી જ નહી …પણ બાળકોની આળપંપાળમાં પોતાના બાળપણના દિવસો કે મિત્રોને મળવાનું અચૂક ચુકાઈ જતું …!! અને પારિવારિક મુલાકાતો પુરતી જ એ વાત સંકેલાઈ જતી …અને ક્યારેક અવિનાશ સાથે હોય તો પીકનીકનો કાર્યક્રમો બની જતો એ અલગ અને બહુ ગમી જાય તેવી ઉજાણી બની જતી .
વિતતા સમય સાથે બાળકો સ્વાવલંબી બનતા ગયા અને પોતાની જાત અને ઘણા અંશે ઘર સંભાળતા પણ થઇ ગયા ….મોટો દીકરો રોહન ઘણો સમજુ … ઠરેલ અને નાની દીકરી રિયા ઘણી ઘરરખ્ખુ ….આને જ કદાચ સારા સંસ્કાર કહેવાતા હશે ….બંને ….પતિપત્ની …પોતાના નાજુક બાળકોને સરસ રીતે …સભ્ય રીતે મોટા થતા જોઈ ખુબ હરખાતા અને આવું થવા પાછળ એકબીજાનું યોગદાન છે એમ કહી પોરસાતા રહેતા ….એકંદરે સમાજમાં અને કુટુંબમાં ખુબ જ શાંતિ પ્રિય અને ખુશમિજાજ અને ખુશનસીબ ગણાતો હતો …આ પરિવાર …..!!! બંસરી આવી જીવનની અનેક કસોટીઓ પાર કરી ….દરેક સ્ત્રી કરે તેવા સમાધાનો કરી પોતાના પતિના વ્યાવસાયિક અને આંતરિક વિકાસમાં ખુબ મહત્વનો ભાગ ભજવતી …!!
એકવાર અચાનક બધા એ નક્કી કર્યું કે સતત કુટુંબ માટે ઘસાયા કરતી …બંસરીને …મમ્મીને એક નાનકડું વેકેશન ભેટમાં આપીએ …..
તો વાત પાક્કી થઈ કે બંસરી બાળકો અને અવિનાશને મુકીને એકલી પિયર રહેવા જવાની જાહોજલાલી ભોગવશે ….:) શરુઆતની ઘણી આનાકાની પછી બંસરી પણ એ વિચારે ઘણી ખુશ થઇ કે વરસો પછી માવતરે પોતાના જીવનની બધી જ ચિંતાઓ …પળોજણો બાજુએ મૂકી …એક મા …એક વહુ..એક પત્નીની ભૂમિકામાંથી બહાર આવી એ ફક્ત બંસરી બની પોતાના ઘરે જશે …..
બેત્રણ દિવસ અગાઉથી અવિનાશે એને ચીડવવાનું શરુ કર્યું કે ‘અમારા વગર તને નહી ગમે’ ને એવું બધું…અલબત વ્હાલથી જ તો ….અને બાળકો પણ ….’ત્યાં જાય છે તો અહીંની ચિંતા પડતી મૂકી શાંતિથી…મનભરીને રહેજે …..’એવું કહ્યા કર્યું ..અલબત પિયરમાં એના ઘરડા બા અને ભાઈભાભી હતા જે બંસરી માટે કાગડોળે રાહ જોયા કરતા ….
અંતે એ દિવસ આવી ગયો …..ખુબ ભાવભીની આગતા સ્વાગતા થઇ …દીકરી-બહેનની ….અને અવિનાશે ફોનમાં જ આ એક ભેટ-મુલાકાત છે એવો અણસાર આપી દીધો હોવાથી ભાઈભાભીએ પણ બંસરી માટે કાર્યક્રમો ઘડી રાખ્યા હતા …એના પ્રિય ભોજનની યાદીથી માંડી જુના ફોટા અને સામાન બધું જ ….બહાર કાઢી રાખ્યું હતું . વર્ષો પછી શાંતિથી રહેવા આવેલી બહેનને ખુશ રાખવામાં પાછીપાની ન કરવી એવું હેતાળ ભાઈભાભીએ નક્કી કર્યું હતું .
રાત પડી ….ભાઈભાભીએ ગાદલા તકિયા લઇ અગાસી પર પથારી કરવાનું શરુ કર્યું …ભાઈએ ન વપરાતો જુનો રેડિયો સાથે લીધો ….અને રમવા માટે પત્તા પણ….એ જોઈ બંસરીની આંખમાં પ્રેમાળ ભીનાશ છવાઈ ગઈ …કારણ જુના ગીતો સાંભળતા …ગણગણતા રાતે તારાઓ જોયા કરવા અને એમ જ આંખોમાં ઊંઘને આમંત્રણ આપવું ….એ બંસરીની રોજની ટેવ હતી ….બા સાથે પોતાના, ભાઈના , સગાઓના પરિવારની વાતો કરવામાં …..બાળપણ …શાળા..કોલેજના દિવસો …જુના સંઘર્ષભર્યા દિવસો યાદ કરવામાં બેત્રણ રાત તો વીતી ગઈ …
લગભગ ચોથી રાતે બંસરી એની જૂની સખીઓ અને એમના સમાચાર પૂછતી હતી ત્યારે કૈક વિચારે ચડી જતા બંસરી વાદળોના વિવિધ આકારોની વાતો કરવા લાગી ……કે ‘જાણે આગ પછીનો ધુમાડો હોય તેવું લાગે છે ….એ બાજુ કોઈ સ્ત્રીનો આકાર બને છે …અને આ બાજુ પંજાનો’ ……બધાએ નવાઈ તો લાગી કે અચાનક આવી વાતો કેમ…? …..પણ ‘કશુંક વિચારતી હશે …એને ખલેલ નથી થવા દેવી’ એવું વિચારી એને વિચારો સાથે એકલી મૂકી દીધી ……બા અને ભાઈભાભી એની અડખેપડખે સુઈ ગયા …. લગભગ અડધી રાતે એક કારમી ચીસનો અવાજ રાતના સન્નાટાને ચીરી ગયો ………
૨….
બંસરીની ચીસ સાંભળી અડધી રાત સુધી ઉકળાટને કારણે જાગેલા અને હવે ઠંડકની નિંદ્રા માણી રહેલા બધા જ સફાળા જાગી ઉઠ્યા …..જોયું તો બંસરી આકાશ સામે જોઈ કશુંક બોલવાનો પ્રયત્ન કરતી હતી …..પણ શબ્દો સાવ લથડીયા ખાઈ જતા હતા એટલે કોઈને કશું સ્પષ્ટ સમજાતું ન હતું ….ઝટ ઉભા થઈ નિયતિભાભીએ બંસરીને બાથ ભરી લીધી …..ધ્રુજતી બંસરીના મોંમાંથી ‘મંજુ’ શબ્દ સાંભળી સમજદાર નિયતિ આખી વાત સમજી ગઈ અને ઇશારાથી….’ શું થયું ? કાંઈ થાય છે ? ડોકટરને બોલાવું? ‘ જેવા અનેક ભાવોથી ઘેરાયેલા મુકેશને શાંત રહેવા જણાવી દીધું …બા તો સ્તબ્ધ બની ફાટી આંખે આ બધું સમજવાની કોશિશમાં જ લાગેલા હતા ….. નિયતિએ થોડી વાર સુધી ચુપચાપ બંસરીને હુંફાળો સધિયારો આપ્યા કર્યો … થોડી ક્ષણો પછી બંસરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી ….. નિયતિએ બાના કાનમાં મંજુ શબ્દ હળવેથી કહી દીધો ..ને બા આખી વાત સમજી ગયા હતા …. એમણે રડતી બંસરીનો હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો …..!!
લગભગ વીસેક મિનીટ સુધી રડી લીધા પછી બંસરીએ લાલધૂમ આંખે બધા સામે એક નજર ફેરવી અને એક ધારદાર સવાલ પૂછી લીધો ….” શું લાગે છે ? મંજુએ મને …આપણને માફ કર્યા હશે ? ” જવાબમાં એની સામે ચિંતિત નજરે જોતી છએ આંખો ઢળી પડી ….!!!! પણ કોઈને સમજાયું નહી કે લગભગ ૨૯ વર્ષ પછી અચાનક આ વાત બંસરીના મનમાં કેવી રીતે ઉભરાઈ આવી ….!!!!
કોઈ કશું બોલ્યા નહી ….બંસરી પણ ચુપચાપ પડી રહી …સવાર પડવાની રાહ જોવી પડે એવો અજંપો ચારેય મનોમાં છવાઈ ગયો ….બધા વિચારે ચડ્યા હતા …પણ કોઈને સમજાયું નહી કે આજે રાતે મંજુ યાદ આવવાનું કારણ બંસરીને કેવી રીતે પૂછવું ..!!
આજ વિચાર બંસરીના મનમાં પણ ચાલતો હતો …..કે ‘આટલા વર્ષ તો અહીં રહેવા આવતી , જુના મિત્રોને હું મળતી પણ ખરી …તો આજે અચાનક આવું કેમ થયું ?’ ૨૯ વર્ષ પહેલા મનના કોઈ એક ખુણામાં છુપાયેલો અપરાધભાવ આમ બહાર નીકળી આવશે એ ક્યારેય કલ્પ્યું ન હતું . વેરવિખેર વિચારો અને અસ્તવ્યસ્ત ચિત્તને ઠેકાણે પાડવા એ હવે મરણીયા પ્રયાસો કરવા લાગી હતી ..પણ ભૂતકાળ એક એવી ભયાવહ જગ્યા હોય છે …કે એમાં આવા પ્રસંગો જરાક ખુરેદવાથી માનસપટ પર છવાઈ જાય છે . અને સારા પ્રસંગો કે યાદગીરીઓ નહિ પણ એનાથી વિરુદ્ધ પ્રસંગો નહોરિયા ભરાવતા સામે આવ્યા કરે છે . કશુંક આવું જ બંસરી અનુભવવા લાગી ….
માણસના મનની અવસ્થા વાતાવરણ ક્યાં સમજે છે …..સવાર પડ્યું ….બધા જ નિત્યક્રમો યંત્રવત થયા ..પણ એક અનકહી વેદના…. ઉપસી આવે એવો ઉચાટ અને ખૂંચી આવે તેવી ખામોશી આખા ઘરને ઘેરી વળી હતી …. બંસરીએ અવિનાશ અને બાળકો સાથે ફોન પર વાત કરી હાલચાલ પૂછ્યા …એના ભારેખમ અવાજ પરથી એ બધાએ અંદાજ લગાવ્યો કે વાતોના તડાકા મારવામાં ઉજાગરો થયો હશે …અને આમ પણ વેકેશન માણવા ગયેલી વ્હાલીને રોકી ટોકી પરેશાન નથી કરવી એમ વિચારી કોઈએ વધુ ધ્યાન આપ્યું નહી …એ સમજી ગયેલી બંસરીને એક જાતનો હાશકારો થયો …નહિ તો પોતે ખોટું બોલત કે આખી ઘટના કહી શકત …એ વિચાર મનમાં ઝબકી આવ્યો ….!!!
બંસરી વિચારે ચડી કે ગમે તેવા નજીક કે બિન્દાસ , નિખાલસ સંબંધો હોય આપણે મનના કોઈ એક ખૂણે કોઈ એવી વાત ધરબી જ દેતા હોઈએ છીએ ….કોઈ છાનુંછપનું પાપ હોય એ જરૂરી નથી પણ દરેક વાત કહી નથી શકાતી એ પણ એટલું જ સાચું છે ….કદાચ પ્રસંગ કહી પણ શકીએ પણ એ પ્રસંગે અનુભવેલ લાગણીઓ કહેવા આખો શબ્દકોશ ઓછો પડે છે …. વિચારોથી ડામાડોળ બંસરી ચુપચાપ બેઠી રહી ….એની આજુબાજુ આંટાફેરા કર્યા કરતા …એની પરવાહમાં ચિંતાતુર વ્હાલાઓ હવે શું ? એવા સવાલને મોંઢા પર સ્થાપી ચુક્યા હતા .
અંતે પહેલ બાએ કરી …જમ્યા પછી દીકરીના ભૂતકાળના એક પડને જાણે ઠેસ મારી ખેરવવા માંગતા હોય તેમ હિંડોળાની ઠેસ મારી બંસરી પાસે બેઠા …ઠેસના સહજ ઝટકાથી બંસરીએ ચમકીને બા સામે સાવ ખાલીખાલી નજરે જોયું અને ફરી પાછી એક ક્ષણમાં એની આંખો ઉભરાઈ આવી … બાએ વ્હાલથી પૂછ્યું …..” આજે અચાનક કેમ મંજુ યાદ આવી …દીકરા ? રાતે આકાશમાં વિવિધ આકારો જોતજોતા એવું તો શું થયું ? અને એ તો વર્ષો જૂની વાત નથી ? અને તારી જાતને તું હજુ અપરાધી માને છે ? હું તો માની જ નથી શકતી તે તારા જેવી બિન્દાસ અને હસમુખ દીકરી મનમાં આવી એક ભાવના દબાવીને બેઠી હોય ….!! ”
બંસરીએ પણ આવા જ સવાલોની ઘારણા ….અપેક્ષા કરી હતી ….એ કૈંક જવાબ આપે એ પહેલા નિયતિ પણ હાથ લુંછ્તી પરવારીને આવી પહોંચી ….અને એક જાતનું સમજણ અને આશ્વાસનનું વાતાવરણ અનાયાસે સર્જાઈ ગયું …..ત્રણેય સ્ત્રીઓ એકબીજાને સમજવાની કોશિશમાં લાગી ગઈ હોય તેવું દેખાઈ આવ્યું .
બંસરીએ ગળું ખંખેરી પોતે સ્વસ્થ છે એવો દેખાડો કરવાનો વ્યર્થ પ્રયત્ન કરી લીધો …..એ બા અને નિયતિએ નોંધ્યું ……પણ જાણે બંને સમજદાર સ્ત્રીઓ હવે બંસરીનું મન ઉઘાડવા બેઠી હોય તેમ શબ્દો ખોલવાની ચાવી બંસરીના હાથમાં સોંપીને એની સામે જોઈ રહી …..
પોતાના હાથના આંગળાઓ રમાડતા લાંબો નિશ્વાસ નાખી બંસરીએ પૂછ્યું ….
“સાચું કહેજો ….મંજુના કમોત માટે હું જવાબદાર કેટલી ?”
૩….
એના સવાલનો જવાબ સાવ ગોખાઈ ગયો હોય તેમ બા તરત બોલ્યા …
“૨૯ વર્ષ પહેલા પણ અડધી રાતે તેં આ જ સવાલ પૂછ્યો હતો યાદ છે ? અને ત્યારે મારો જે જવાબ હતો એ જ આજે પણ છે …….જરાય નહિ …!!!”
તો નિયતિએ પણ બાની વાતમાં સુર પૂરાવ્યો કે
“એ તો એવું ભાગ્ય લખાવીને આવી હશે ……હવે આવું વિચારીને પોતાની જાતને કદી ન કરેલા ગુનાની સજા ક્યાં સુધી આપવી છે તમારે ? અને એ વખતના સંજોગો કેવા હતા એ તમે ભૂલી ગયા ?
“હમમમ” ….
ફક્ત એટલું બોલી બંસરી જાણે ભૂતકાળમાં સરી પડી હોય તેમ આસપાસના વાતાવરણથી એકદમ બેધ્યાન થઇ ગઈ ….આ જોઈ ભાભી અને બા અહીં ઉભા રહેવું કે જતા રહેવું એવી અવઢવમાં પડી ગયા …..પણ તોય પૂછી લીધું …
” પણ એ તો કહે રાતે એવું તો શું થયું કે તને મંજુ યાદ આવી ગઈ ..? ”
ઉજાગરા અને અશાંત મનના કારણે બંસરીની આંખોની કિનારીઓ લાલ થઇ ગઈ હતી …બંસરીએ બાની આંખોમાં જોઇને સામો સવાલ કર્યો …
” એના કમોત માટે હું જવાબદાર નહિ ? ……ઠીક છે ….પણ …… એ પછીનું મારું – તમારું – આપણું વર્તન ? આપણે બીજા કશાય માટે જવાબદાર નહિ ?
બા અને નિયતિ પાસે આ વાતનો કોઈ જવાબ ક્યારેય ન હતો …ત્યારેય નહિ અને અત્યારે નહિ …..!!!!!
બંનેની સામે વેધક નજરે જોઈ બંસરી ઉભી થઇ ગઈ અને પોતાના રૂમમાં જતી રહી ….સાવ થાકેલા મને પલંગ પર પડતું મૂકી ..બંસરીએ યાદ કર્યું કે રાતે ખરેખર તો બહેનપણીઓ વિષે …બાળપણના એ રૂડા દિવસો ….ધીંગામસ્તી અને નિર્દોષ લાગણીઓ વિષે વિચારતી હતી અને આકાશ સામે જોતા …. ધુમાડાના ગોટા જેવા છુટા છવાયા વાદળો અને પવનને હલેસે રચાતા અનેક આકારો ..પંજો …સ્ત્રી ….જેવો આકાર રચાતા જોઈ એને મંજુનું નામ એક ઝાટકા સાથે યાદ આવી ગયું હતું …..
મંજુ ….
એક સ્કુલમાં પણ અલગ ક્લાસ અને ધોરણમાં ભણતી એક સહેલી….બંસરીને ભણવાના વિષયો ઉપરાંત બધી જ ઈત્તર પ્રવૃતિઓમાં ભાગ લેવાનો શોખ પણ ગણિતમાં પાસ થવાના ફાંફાં એટલે બંસરી ૧૧ આર્ટસમાં અને ભણવા ખુબ જ તેજસ્વી અને એ સિવાય વધુ કોઈ બાબતોમાં બિલકુલ બેધ્યાન …બહુ નહી પણ ઠીકઠીક કહેવાય તેવી મળતાવડી અને ઘણી દેખાવડી મંજુ ૧૨ કોમર્સમાં…ભણતા …. …આમ તો એ શરૂઆતમાં બંસરીની બહુ ખાસ અંગતમાં ન ગણાતી …પણ સાથે આવજા કરતી ..દસબાર ઘર દુર રહેતી બીનગુજરાતી પણ વર્ષોથી ગુજરાતમાં વસેલા કુટુંબની દીકરી હતી મંજુ …!!
સવારનાં સાડા છની બસ માટે બસ સ્ટેન્ડે બસ ઉપડવાની વેળાએ મોડી પડી લગભગ દોડતી જ આવતી એક છોકરી ….અને પાંખા …વિખેરાયેલા વાળને બસમાં જ એક નાનકડા દાંતિયાથી સંવારી લેતી …..મંજુ …એ વખતે એ ૧૨માં ધોરણમાં ભણતી …..!! એકવાર ગુસ્સામાં તમતમીને બંસરીએ પૂછી જ લીધું ….
” રોજ આમ દોડતી …પડતી-આખડતી …..વિખાયેલી આવે છે તે આખા ઘરનું કામ કરીને આવે છે કે શું ….? “
સામે મંજુનો ફક્ત એક ધીમો જવાબ
” હા “
….બંસરીએ વાતને મજાકમાં લઇ ઉલાળી દીધી …આમ પણ બંસરી એટલે ઉલ્હાસ ..ઉંમંગ અને હાસ્યનો ફુવારો …એની અસરમાંથી કોઈ ભાગ્યે જ બચી શકે …ચારે બાજુ ખુશી ફેલાવતી છોકરી એટલે બંસરી …બકબક કર્યા કરતી એક ચુલબુલી છોકરી …..સામે મોટેભાગે ગંભીર અને ખુલીને વાત કરતા સંકોચાતી મંજુ ….દરેક નાનીસી વાતમાં કુતુહલ અને અપાર શક્યતાઓ એને દેખાતી….એકેક ક્ષણનો સાચો આનંદ એ લેતી હોય તેમ ઝરણાની જેમ ખળખળ વહેતી રહેતી ….
સાથે બસમાં થતી આવજામાં થોડી ખુલીને વાત કરતી તો થઈ પણ એકંદરે ઓછાબોલી મંજુ હંમેશા કહેતી …અંજુ …એની નાની બહેન કરતા એના પપ્પા એને બહુ પ્રેમ કરે છે …. એવું કહેતી વખતે એની આંખોમાં બંસરીને ન સમજાય એવી અનોખી ચમક છલકાઈ આવતી …બંસરીને પણ ક્યારેક રસ્તામાં મળી જતા મંજુના પપ્પા બહુ ભલા માણસ લાગતા …એ હસીને ‘નમસ્તે , કાકા’ કહી દેતી …એના બાકીના ઘરના વિષે ભાગ્યે જ વાત થતી …આ બાજુ બંસરી ઘરના દરેક બનાવની વાત લંબાણપૂર્વક કહી ખુબ આનંદમાં રહેતી ….
સ્કુલે પહોચ્યા પછી બહુ ઝાઝો સંપર્ક ન રહેતો …પતંગિયા જેમ આખી સ્કુલમાં ઉડાઉડ કરતી બંસરી આચાર્ય અને શિક્ષકોમાં પણ લાડકી અને વ્હાલી હતી …અને આમેય બંસરી રીસેસ દરમ્યાન એની સખીઓ સાથે મસ્તી અને હસીમજાક કરતી નાસ્તો કરી લેતી …છૂટવાના સમયે ક્યારેક એક બસમાં જગ્યા મળી જતી …મોટેભાગે ખુબ ભીડમાં સાથે ઉભા રહેવાનું પણ બનતું નહી ….પણ સ્કુલે જતી વખતે થોડી ખુશ લાગતી મંજુ ઘરે પાછા આવતી વખતે હંમેશા જરાક ઉદાસ જણાતી એ ચકોર બંસરીની નજર બહાર ન હતું ….પણ મસ્તીખોર બંસરીને એ વિષે બહુ વિચારવાનો સમય અને જરૂર ક્યાં હતી ?
થોડા દિવસ પછી બસમાં બાજુમાં બેઠેલી મંજુના હાથ પર થોડા દાઝ્યાના નિશાન જોઈ બંસરીએ કુતુહલથી મજાક કરી ..:
” અલી , હજુ રાંધતા ન આવડ્યું ? ”
…એક સીધા સરળ સવાલનો જવાબ આપતા ડબડબી ગયેલી આંખો સાથે મંજુ બોલેલી ….
” આવડે ને ….તું કહે તે બનાવી આપું …પણ એ તો રસોઈ કરવા વખતે બેધ્યાન થઈ ગઈ હતી એટલે આવું થયું ” ….
આવો જવાબ મળ્યો એટલે ખીલખીલાટ હસતા બંસરીએ કહેલું ….
” હું તો રાંધુય નહી ને દાઝુંય નહિ …..ઘરના બાકી કામ કરી શકું ” ….
“તો બાકી કામ હું નહી કરતી હોઉં ?”
કહી સામે એક સવાલ ફેંકી જવાબની આશા રાખ્યા વગર એ વખતે મંજુએ વાતનો વીંટો વાળી દીધો હતો….ચાલુ વાતે અચાનક વાતનું વહેણ બદલી …વાતને અધુરી મૂકી દેતી … શાંત થઇ જતી… આ સહેલી બંસરી માટે ક્યારેક પહેલી બની જતી ….પણ “હશે …આ એનો સ્વભાવ હશે” એમ વિચારી બંસરી એ તરફ વધુ ધ્યાન ન આપતી …..
….નીતનવી વાનગીઓની ચર્ચા કરતી વખતે મોટેભાગે પ્રભાવિત થવાનો વારો બંસરીનો આવતો ….પરાઠા અને પંજાબી વાનગીઓમાં માહિર એવી મંજુ આ બાબતમાં પણ કેવી સારી છે એવું બંસરી અનુભવતી ….અને રસપૂર્વક આજે શું રસોઈ બનાવી એવું પૂછ્યા કરતી …
મંજુ કોઈ વાર
“ગઈકાલે રાતનું વધેલું ડબ્બામાં લાવી છું ..તું ચાખીશ ?”
એવું કહી સવારમાં બંસરી સામે ડબ્બો ધરી દેતી અને બંસરી પણ હોંશેહોંશે એ સ્વાદિષ્ટ વાનગીની પોતાનાં તાજા નાસ્તાના ડબ્બા સાથે બિન્દાસ અદલાબદલી કરી લેતી…પણ
“અમારા ઘરમાં કોઈ સાડી નથી પહેરતું”
કહી વાર તહેવારે સ્કુલમાં સાડી પહેરી જવાનો સ્પષ્ટ ઇનકાર કરતી મંજુ …બંસરીની સાડી આપવાની ઓફરને “એવું પપ્પાને નહિ ગમે” એમ કહી પ્રેમથી …સહજતાથી ઠુકરાવી દેતી …..
સામાન્ય રીતે જુવાન થઈ રહેલી છોકરીઓ કરે તેવી દરેક વાત આ બંને વચ્ચે પણ થતી ……એક નરમ ઓશિકા માટે કે પછી ટ્રાન્ઝીસ્ટર પર વાગતા રેડિયો સ્ટેશન બાબતે ભાઈ સાથે લડી પડતી અને થોડી વાર પછી સાથે મસ્તી કરતા ભાઈબેનની …બંસરીની વાતો મંજુ બહુ કુતુહલ અને મોજથી સાંભળતી ….મહિનાના એ પીડાદાયક દિવસોની વાત હોય …બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પર રવિવારે બપોરે સબટાઈટલ સાથે જોયેલી કોઈ પ્રાદેશિક ફિલ્મની વાત હોય કે ચિત્રહારના ગીતોની વાત હોય ……કોઈ શિક્ષકની મજાક થતી હોય ….કોઈ વિષયમાં વાંધા પડતા હોય ….કે સ્કુલમાં કોઈ છોકરી વિષે ફેલાતી કોઈ અફવા …કે લગ્ન વિશેના ….સારા જીવનસાથી વિશેના એના વિચારો …..દરેક બાબતમાં બંસરી કંઈકને કંઈક બોલ્યા કરતી અને મંજુ એને સાંભળ્યા કરતી …. આમ દિવસો વિતતા ગયા અને બંને એકબીજા સાથે ખુલતી ગઈ …નજીક આવતી ગઈ ……થોડી નખરાળી બંસરી અને કૈક વધુ સાદી મંજુ …સારી સહેલી બની રહ્યા હતા ….
એકાદ વાર સાવ સહજતાથી મંજુએ પૂછેલું
” તને સ્કુલેથી પાછા ઘરે જવું ગમે ? “
જવાબમાં બંસરીએ કહેલું …
“વાત વિચારવા જેવી તો છે …હું બહુ હોશિયાર તો નથી પણ ધીંગા મસ્તી અને અનેક સ્પર્ધાઓને કારણે મને સ્કુલ ગમે છે પણ છૂટીને તો ઘર જ યાદ આવે ને ….!!! અને તને ? ”
સવાલનો જવાબ ગળી જઈ મંજુએ વાતને આડે પાટે ચડાવી દીધેલી …..
એક દિવસ ઓચિંતું એણે બંસરીને પૂછ્યું ….
” તું રોજ બપોરે જમે તોય રાતે જમે? ”
અને આખા રૂમમાં ટ્યુબલાઈટનાં અજવાળા સાથે બાનો અવાજ પણ પથરાઈ ગયો …,
“બંસરી, રાતનો જમવાનો સમય થવા આવ્યો ને તું તો હજુય સુતી છે ઉઠવું નથી કે શું …!!! ”
સંભારણાનું ટોળું વિખરાયું અને તંદ્રામાંથી નીકળી હોય તેમ બંસરી વર્તમાનમાં પાછી ફરી …..
૪….
બાને ખાતરી જ હતી કે બંસરી સુતી તો નહી જ હોય …એટલે પથારીમાંથી ઉઠતી બંસરીએ જાણે કપડા સાથે જૂની યાદો પણ સંકેલી લીધી હોય તેવું લાગ્યું ….બાથરૂમમાં મોં ધોતી વખતે અરીસામાં બંસરીને એ ૧૬ વર્ષની બંસરીએ ‘તું ઠીક તો છે ને?’ એમ પૂછી લીધું હોય અને જવાબ ન આપવો હોય તેમ ….જોરથી માથું ધુણાવી એણે જ એક ઝાટકા સાથે એ યાદોનો કેડો મૂકી દીધો અને બહાર આવી ગઈ ….
ભાઈ આવી ગયો હતો એટલે બધા પોતાના વર્તનને સામાન્ય રાખવામાં સફળ રહ્યા ….અને આડીતેડી વાતો કર્યા પછી બંસરીએ અવિનાશને ફોન જોડ્યો ….સામેથી ‘તું તો તારા જુના દિવસોમાં પાછી ફરી હોય તેમ અમને સદંતર ભૂલી જ ગઈ છો’ એવી મીઠ્ઠી ટકોર સાંભળી બંસરીનાં મનમાં એક ટશર જન્મી ગઈ ….બંને બાળકો સાથે આખા દિવસનો હિસાબકિતાબ કરી અને જરૂરી સૂચનાઓ આપી ….બંસરીએ એ એમને મિસ કરે છે એ ભૂલ્યા વગર જણાવી દીધું …..
ભાઈ ટીવીમાં સમાચાર જોવામાં વ્યસ્ત થઇ ગયો …એટલામાં બાને કોઈએ ટહુકો કર્યો એટલે એ બહાર ઓટલે જઈને ઉભા રહ્યા ….અને નિયતિએ કહી જ દીધું …
” બા કહેતા હતા કે આટલી સરસ રીતે રહેવા આવીને આ પીડા ક્યાંથી એના મન પર હાવી થઇ છે …!! તો બેન , જવા દોને એ વાતને …અને આમ પણ તમે કે હું હવે શું કરી શકવાના છીએ ? આવ્યા છો તો ખુશ રહો ..કાલે બજાર જવાનો કાર્યક્રમ બનાવીએ ? ”
બંસરીએ ફિક્કું હસીને હા પડી દીધી …એના પ્રેમ પ્રકરણમાં નિયતિએ આપેલા સાથ અને સમજદારીના કારણે ભાભીએ સાથે બહુ હુંફ અનુભવતી …. ..બાથી જરીક જ ઓછો …પણ સખીથી અનેક ગણો વિશેષ સંબંધ બંને વચ્ચે હતો ….ફોઈબા આવ્યા છે એ જાણી હોસ્ટેલમાં રહેતી નિયતિની દીકરીઓ રવિવારે આવશે એ જાણી એ ખુશ પણ થઇ હતી ….
રાત પડી …બાએ કહી દીધું કે
” અને બંસરી તો આજે ઘરમાં જ સુઈ જઈશું “
પણ બંસરીને ખબર હતી કે બાને ગરમીના દિવસોમાં ઘરના ઉકળાટમાં સુવું ગમતું નથી ..અને આમ પણ આ વૈભવ બાને બાકીના આઠ મહિના ક્યાં મળવાનો હોય છે ..એટલે એણે
” ના, આપણે અગાશી પર જ સુઈશું “
એમ કહી દીધું ….
ભાઈને ઓફિસનું થોડું અઘૂરું કામ કોમ્પ્યુટર પર કરવાનું હતું એટલે એમના સિવાયના ત્રણેય આજે રેડિયો અને પત્તા વગર જ અગાશી પર ગયા .
થોડી વાર પછી ફરી પાછુ અનાયાસે વાતનું અનુસંધાન થઇ ગયું ….. ને બંસરી બોલી ..
” બા , સ્કુલના દિવસો દરમ્યાન એની માનસિક હાલત સમજતા મને ઘણી વાર લાગી હતી …
આટલું બોલતા બંસરીની આંખોમાં ભીનાશ ફેલાઈ ગઈ . બા અને નિયતિ બંસરીને શાંતિથી સાંભળતા હતા ….એના મનનો ઉભરો આમ જ શમશે એમ ધારીને …!!!
તમને તો ખ્યાલ જ છે એ મારી ખાસમખાસ બહેનપણી ન હતી ……કે જેની સાથે હું ફિલ્મ જોવા કે ખરીદી કરવા જાઉં ….પણ સાથે રહેતા રહેતા એક જાતનું બોન્ડીંગ બની ગયું હતું ….એના આગ્રહના કારણે હું એના વિષે તમને ક્યારેય કહી ન શકી ….
એક દિવસ મંજુએ મને “તું બંને ટાઈમ જમે છે ?” એવો વિચિત્ર લાગે એવો સવાલ પૂછ્યો હતો . મેં પણ એને સામો સવાલ પૂછ્યો હતો “કેમ આવું પૂછે છે ? બધા બે ટાઈમ જમતા જ હોય” ..ત્યારે મંજુએ જવાબના સ્થાને બીજો સવાલ પૂછી લીધો હતો કે ….
“તારા ઘરે છે એ તો તારા સાચા મમ્મી છે ને ? ”
બંસરીએ નિયતિ સામે જોઇને કહ્યું ,
” ભાભી , આ સાંભળીને મને સજ્જડ આધાત લાગ્યો અને બસ …..આખી વાતનો ,એના વર્તનનો , એની ઉદાસીનો , એના વાસી ખોરાકના ડબ્બાનો , બધી જ વાતનો તાળો બેસી ગયો હતો ….એ વખતે , ૧૬ વર્ષની ઉંમરે મને કશું જ સમજાયું નહી કે મારે આને શું કહેવું ..શું પૂછવું ….. થોડી વાર સુનમુન રહ્યા પછી મંજુએ જાતે જ મને એના ઘરની બધી જ વાત કોઈને ન કહેવાની શરતે કહી દીધી …
બે નમાઈ દીકરીની ચિંતામાં એના પપ્પાએ બીજા લગ્ન તો કરી લીધા….પોતે પૈસાદાર હોવાથી કુંવારી સ્ત્રીને એ પરણી લાવ્યા ….પણ નવી મમ્મીના આગમનથી આખું ચિત્ર બદલાઈ ગયું …..નાની બેન અંજુને બધા ભયસ્થાનો સમજાઈ જતા એ મમ્મીની કહ્યાગરી બની ગઈ અને અજાણતા જ પોતાની જ મોટીબેનની દુશ્મન ….આમ પણ પ્રમાણમાં મોટી થઇ ગયેલી મંજુને આ નવી માનો સ્વીકાર કરવામાં વાર લાગતી હતી એટલે નાની નાની ભૂલોની ફરિયાદ અને ચુગલી અંજુ કરતી અને મંજુને કારમી શિક્ષા મળતી …..એટલામાં એક પછી એક બે દીકરાઓ થતાં ઘરનો દોરીસંચાર નવી મમ્મી પાસે આવી ગયો અને પપ્પા ફક્ત મમ્મીની ગેરહાજરીમાં ‘શું કરી શકાય ? તારા મમ્મીનો સ્વભાવ તું તો જાણે છે …અને તું તો સમજદાર દીકરી છે ‘ એવા સુંવાળા શબ્દોથી મંજુના ઝખમ પર મલમ લગાડી દેતા …હાથ પરના દાઝ્યાના નિશાન અકસ્માતના નહિ ડામના હતા ….વધે તો જ જમવા મળે એવો નિયમ હતો ..એટલે ક્યારેક મંજુ જાણી જોઇને રસોઈ થોડી બેસ્વાદ બનાવતી એ એણે મારી પાસે રડતા રડતા કબુલ્યું …..”
આટલું બોલતા ફરી પાછી બંસરીની આંખો ચૂવા લાગી …પાસે પડેલી પાણીની બોટલ ઉઠાવી બે ઘૂંટ ભરી ઊંડો શ્વાસ લઇ એ બોલી …
” કેટલીય વાર તમારી જાણ બહાર હું ડબ્બામાં વધુ નાસ્તો લઇ જતી અને મંજુને ખરાબ ન લાગે તે રીતે એના વાસી …ક્યારેક બગડી ગયેલા નાસ્તા સાથે અદલાબદલી કરીને એ સ્કુલની કચરા પેટીમાં ફેંકી દેતી …. બા , એ છોકરી એના પપ્પાને અપાર પ્રેમ કરતી અને એટલે આ બધું સહ્યા કરતી …એની અવદશા અને પીડા જાણી મને સખ્ત ગુસ્સો આવતો ….એના પપ્પાને ‘નમસ્તે’ કહેવાનું તો મેં ક્યારનું બંધ કરી દીધું હતું ….પોતાની દીકરીની રક્ષા ન કરી શકે એવા માણસ તરફ મને એક અણગમો થઇ આવ્યો હતો … અને એ પછી બીજી મદદ શું થઇ શકે પણ મંજુને …એની પીડાને સાંભળીને એનું મન હલકું કરવાનો મેં નિશ્ચય કરી લીધો ….કશું સમજ્યા વગર હું જાણે કે એનો સહારો બની ગઈ હતી. ”
આ બધું સાંભળીને બાને પોતાની દીકરી પર નવેસરથી ગર્વ થઇ આવ્યો …અને એમની આંખ પણ એ દિવસોની કલ્પના કરતા છલકાઈ આવી …. ત્યાં જ ભાઈ પોતાનું કામ આટોપી સુવા માટે આવી ગયો ….
“અરે , તમે બધા હજુ જાગો છો ?”
કહીને પોતાની પથારી પર આડો પડ્યો અને
“ના ના , એ તો અમસ્તું જ ….ઘરની વાતોમાં હતાં ..તું થાક્યો હોઈશ ..આરામ કર ”
એમ કહી બા બંસરી સામે જોઈ રહ્યા …આંખોથી વાતની ગડી વાળી બંસરીએ એના શરીર પર ચાદર લપેટી …બા અને નિયતિ ઘણી ખરી વાત જાણતા હતા પણ ઘણી વાતો સમજવાની બાકી હતી એટલે આગળની વાત સાંભળવા માંગતા હતા ….પણ એમ ક્યાં કોઈને ઊંઘ આવવાની હતી ….!!
બંસરી ફરી પાછી એના એ જ વિચારોમાં ખોવાઈ ગઈ …..
૧૨મું ધોરણ ૭૬% સાથે પાસ કરીને મંજુ કોલેજમાં દાખલ થઇ ગઈ ….એટલે બંસરી અને મંજુનું મળવાનું પ્રમાણમાં ઓછું થઇ ગયું ….પણ બંસરીના ઘર સામે ગ્રોફેડમાં બદલી થતા રહેવા આવેલા અરોરાઅંકલ મંજુના પપ્પાના ખાસ મિત્ર નીકળ્યા એટલે એમને અને આંટીને મળવા ક્યારેક મંજુ આવતી અને બંસરીને પણ ત્યાંજ બોલાવી લેતી ….બંસરીના ઘરે સાંજે એનો ભાઈ પણ હોય એટલે આવતા મંજુ સંકોચાઈ જતી…. પછીના વર્ષે બંસરી પણ એ જ કોલેજમાં દાખલ થઇ ઉછળતી કુદતી ..તોફાની બંસરી સ્કુલની જેમ જ કોલેજમાં પણ બધા જ કાર્યક્રમોમાં એક્ટીવ થઇ ગઈ અને એના કારણે ખાસી બધી જાણીતી અને લાડકી પણ …..પણ બંનેના વિષયો અને સમય અલગ હોવાથી આમ જ મળી લેતા …..મંજુના વર્તન પરથી બંસરીને લાગતું કે એ આજકાલ ખુશ રહે છે …એનું કારણ એની પાડોશમાં રહેતો ઉદય છે એ બંસરી જાણી ગઈ હતી …એટલે એના નામ સાથે જોડી મંજુની બહુ ખીંચાઈ થતી …ગોરી મંજુના ગાલ પર આ સાંભળીને સુંદર લાલી પથરાઈ જતી ……….એ ઉપરાંત મંજુએ કહ્યું હતું કે આજકાલ નવા મમ્મી એની સાથે ઘણું સારું વર્તન કરે છે …અને ઘરકામમાં પણ મદદ કરે છે …. એટલે એ ખુબ ખુશ છે …….બંસરીને લાગતું કે અંતે મંજુના સોનેરી દિવસો આવ્યા ખરા …
અડધી રાત સુધી પોતાની પાસે સુતેલી બંસરીને વારેઘડીએ પાસા ફેરવતી જોઈ …નિયતિએ ધીમેથી એના હાથ પર હાથ મુક્યો … નિયતિને પણ ક્યાં ઊંઘ આવતી હતી …. .બંસરીએ નિયતિ સામે જોયું અને એને એ દિવસ યાદ આવ્યો …..એ સંગીતના ક્લાસમાંથી આવી પાણી પીતી હતી ત્યાં નિયતિએ આવીને કહ્યું હતું ….
“બંસરીબેન , ……અરોરાઆંટીએ તમને તાત્કાલિક બોલાવ્યા છે …..મંજુબેનને સખ્ત ઘાયલ અને લોહીલુહાણ અવસ્થામાં દવાખાનેથી ત્યાં લાવ્યા છે ……!!! “
૫….
અડધે ગળે પહોચેલું પાણી અંતરસમાં અટવાઈ ગયું અને ગ્લાસ પડતો મૂકી ….ઉધરસ ખાતા ખાતા …લાલધૂમ થઇ રહેલા ચહેરે બંસરીએ અરોરાઅંકલને ત્યાં જવા દોટ મૂકી ….
ત્યાં પહોંચતા એણે અંકલને ચિંતાતુર ચહેરે આગલા રૂમમાં બેઠેલા જોયા …..સામાન્ય સંજોગોમાં ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ વિશ કરતી બંસરી આજે સડસડાટ મંજુને મળવાની ઉતાવળમાં એ અંદરના રૂમમાં ધસી ગઈ …..માથામાં પાટાપીંડી….મોં પર અનેક નિશાનો ….હાથ પર અને કાંડા પાસે પટ્ટીઓ સાથે મંજુ સુતેલી જોઈ એનું હ્રદય બે ધડકારા ચુકી ગયું …..એને આવેલી જોઈ આંટી એનો હાથ પકડી બહાર લઇ આવ્યા . ધ્રુજતા પણ ધીરા અવાજે બંસરીએ સવાલભરી નજરે બંને સામે જોઈ પૂછ્યું ..
” આ શું થયું ? કેવી રીતે થયું ? “
બંસરી કશુંય નહી જાણતી હોય એવા સંકોચ સાથે અંકલે કહ્યું
” એના મમ્મી જોડે બોલાચાલી થઇ હતી ..એવું લાગે છે ….”
“ઉફ્ફ્ફ્ફ …એમ બોલાચાલીમાં આટલું બધું ? ” પણ બંસરી જૂની વાતો ‘હું કહું કે નહી’એની અવઢવમાં આઘાતથી ઉભી જ રહી .અંદરથી મંજુના કણસવાનો અવાજ આવ્યો એટલે એની પાસે જવા ત્રણેય દોડ્યા ….બંસરીને સામે જોઈ મંજુની આંખોમાંથી આંસુ ફૂટી નીકળ્યા ….કશુંક બોલવા હોઠ ફફડ્યા પણ” હમણાં ન બોલ” એવું કહેતા એની હથેલી અડવા જતા મંજુ ચીસ પાડી ઉઠી …બંસરીએ જોયું તો હથેલીમાં કાળા ચક્કામાં અને ફરફોલા ઉઠી આવ્યા હતા ….એક ઝાટકે હાથ હટાવી એણે અંકલ સામે જોયું તો એમની આંખમાં પીડાની ટશરો ફૂટી આવેલી દેખાઈ …..મોં પર હાથ દબાવી બંસરી હિબકે ચડી ગઈ ….આંટીએ એના માથે હાથ મૂકી સાંત્વના આપવા માંડ્યું ….. મંજુના પપ્પા ૧૦ દિવસ માટે વતન ગયા હતા અને હજુ ૪ દિવસ પછી આવશે એ ખબર પડી .
આખો દિવસ બંસરી મંજુની પાસે જ બેઠી રહી …..થોડી થોડી વારે પીડાથી સિસકારા ભરતી મંજુને જોઈ કૈક અંશે બળવાખોર બંસરી ઉકળી ઉઠતી હતી …લગભગ અઢીથી પોણા ત્રણ વરસ પછી ફરી પાછુ એવું તો શું થયું કે મંજુની આવી હાલત થઇ ગઈ એ બંસરીને સમજાયું નહિ .
પણ પછી અંકલે જે કહ્યું તે સાંભળી બંસરીને મંજુની રીતસર દયા આવી ગઈ ……માથા પરથી લોહી નીકળતી હાલતે એ છોકરી એના ઘરના દરવાજાની બહાર બેભાન પડી હતી ….પોલીસ કેસના ડરે થોડી વાર મસલત કરી કોઈ એક પર આરોપ કે જવાબદારી ન આવે માટે ….આ ઘરનાં કલેશ અને ઝગડાઓ વિષે જાણતા ….બધા પાડોશીઓ મળીને એને દવાખાને લઇ ગયા હતા …અને મંજુના પપ્પા આવે પછી જરૂર પોલીસને જણાવીશું એવું એક પાડોશીના ઓળખીતા ડોક્ટરને સમજાવી શક્યા હતા …. અરોરાઅંકલના ઘરે એક છોકરો આ સમાચાર આપી ગયો હતો …એના બંને હાથ અને માથા પર પર અસંખ્ય ઘા શાના છે એ હજુ સમજાતું ન હતું ……હથેળી પર તો ડામ જેવા જ ઝખ્મો હતા .
એને કેટલું દુખતું હશે એ વિચારે લાગણીશીલ બંસરી થોડી થોડી વારે રડી પડતી હતી . પણ મંજુની હાલત વધુ બોલી શકે એવી હતી જ નહિ કે એ બંને એકબીજા સાથે વાત કરે. રાત પડતા બંસરીને પરાણે એના ઘરે મોકલી આપી અને આરામ કરી કાલે આખો દિવસ અહી જ રહેવા આશ્વાસન આપ્યું …સાવ કમને બંસરી પોતાના ઘરે ગઈ અને સુનમુન બેઠી રહી ….બા એ દિવસોમાં જાત્રા કરવા ગયા હોવાથી ભાભીએ હઠ કરીને થોડું જમાડ્યું .અને એ રાતે એ બંસરીની પાસે જ સુઈ રહી .
અજંપાભરી રાત જેમતેમ પસાર કરી સવાર પડતા જ બંસરી પાછી મંજુ પાસે આવીને બેસી ગઈ …આજે મંજુ જમણી આંખ ખોલી શકી અને ડાબી આંખ કાળા ચક્કામાંથી ઘેરાઈ ગઈ હતી . ૧૮ વર્ષની બંસરી માટે આવા ઝખ્મો અને વેદના જોવા ઘણું આકરું હતું . પણ દર્દ વ્હેચવાનો તો પહેલેથી સંબંધ બંધાઈ ગયો હતો ને …!!! ” ક્યાં શબ્દોમાં હું મંજુને આ બધું પૂછું ? અત્યારે જ પૂછું ? પણ એ ઠીક રહેશે ?” એવા વિચારોમાં બંસરી ફસાઈ ગઈ હતી .
બંસરીના હાથે થોડું વેજીટેબલ સૂપ પીધા પછી મંજુએ રડતા રડતા વાત કરી …… કોલેજના દિવસોમાં ઠાવકી બનેલી મંજુએ મમ્મી સાથે ઓછામાં ઓછું બોલી પોતાના કામથી કામ રાખવાનું શરુ કર્યું હતું …વાંકમાં આવતી ન હોવાથી ઘરમાં એકંદરે શાંતિ જળવાઈ રહી હતી ….. મંજુની મમ્મી એના માબાપનું એક જ સંતાન હતી એટલે અંજુ અને મંજુના ભાગે આવેલી લખલુંટ મિલકતની લાલચે નવી મમ્મી પોતાના ફોઈના દીકરા સાથે ચોકઠું બેસાડવાની વેતરણમાં હતી ….એટલે વ્હાલ અને મદદનું નાટક શરુ થયું હતું ….પણ મંજુને ઉદય પ્રત્યે લાગણી છે એ જાણી એના પપ્પાએ ખાનગીમાં ઉદયને મંજુ સાથે લગ્ન કરી લેવા સમજાવ્યો હતો ….આ વાતની જાણ મમ્મીને થઇ જતા બધી સમસ્યા ઉભી થઇ હતી ……પપ્પાની ગેરહાજરીમાં લગ્ન માટે હા પાડવા દબાણ કરતા …. ..
અસહ્ય જુલમ અને અન્યાયોથી કંટાળેલી મંજુએ જીવનમાં પહેલી વાર બહિષ્કાર કર્યો હતો ….અને એને દલીલ કરતા જોઈ ગુસ્સામાં પાગલ થયેલી મમ્મીએ પપ્પાની ગેરહાજરીમાં આટલી મારઝૂડ કરી હતી ….મંજુના મોં પર કપડું બાંધી એના હાથે સાણસીથી ચીટીયા ભરવામાં આવ્યા હતા ….ઓહ ….ગરમ તવેથાથી બંને હાથ પર ડામ દીધા હતા ….અને માથા પર સાણસીથી અસંખ્ય ઘા કરવામાં આવ્યા હતા … આ ક્રૂર આખા ખેલ દરમ્યાન ત્રણે બાળકો સ્કુલે ગયા હતા .
…. ઉફ્ફ્ફ ….અને આટલું બધું થયું છતાં “છોકરીને પાછી મૂકી જાઓ ..એના પપ્પા આવે એ પહેલા” …એવો એક સંદેશો અરોરાઅંકલ સુધી પહોંચાડી એ સ્ત્રીએ પોતાની ફરજ બજાવી લીધી હતી ……એ સખ્ત નવાઈ અને નફરત થઇ આવે એવું હતું …..પણ કોઈ કાળે મંજુ ત્યાં જવા શારીરિક અને માનસિક રીતે પણ તૈયાર જ ન હતી એટલે અને ..ધીમે રહીને બંસરીએ સ્કુલના દિવસોની વાત અંકલ આંટીને કરી દીધી ..સામાન્ય રીતે મિલનસાર લાગતી એ સ્ત્રી આટલી હદે ખતરનાક હશે …માનસિક રોગી જેવી હશે એ વિશ્વાસ કરવાનું એ બે સહ્રદયી જીવો માટે આકરું હતું ..એક નવું જ પાત્ર ….એક નવું રૂપ એમની નજરે પડી રહ્યું હતું …એટલે અંકલે એ સંદેશાનો કોઈ જવાબ જ ન આપ્યો.
એ પછીના ત્રણ દિવસ કોલેજમાં થતા ગોટાળા અને બીજી બહેનપણીઓના કિસ્સાઓ કહી મંજુને હસાવી ખુશ રાખવાનું …હળવી બનાવ્યે રાખવાનું બીડું બંસરીએ ઉઠાવી લીધું . એ રીતે એના શરીર ઉપરાંત મનના ઘા પર ડ્રેસિંગ કરવાનું કામ પણ ….પપ્પા આવે ત્યાં સુધી બધી જવાબદારી અંકલની હતી પણ મંજુની પીડા અને કેફિયત સાંભળી એ ગુસ્સામાં તો હતા જ પણ હવે મંજુને એ ઘરે પાછા મોકલવી બહુ મોટો ખતરો છે એવું પણ આંટી સાથે ચર્ચા કરતા હતા . મિત્રની કૌટુંબિક બાબતોમાં ચુંચુંપાત કેટલી હદે યોગ્ય રહેશે એ વાતે મુંજાયા પણ કરતા હતા …
અને કાલે સવારે પપ્પા આવે છે એ જાણી મંજુ મિશ્ર ભાવોથી ઘેરાઈ ગઈ …. પાછુ એ ઘરમાં જવાનું થશે એ વિચારે એ ધ્રુજી જતી હતી ……પણ “એ તારા પપ્પા છે …એ તો તારા અને ઉદયના સંબંધ માટે રાજી છે એટલે તું ચિંતા ન કરીશ..અને તારે અહીં જેટલું રહેવું હોય તેટલું રહેવાની છૂટ છે બસ એક વાર તારા પપ્પા આવી જાય ..!!” એવું સાંત્વના અંકલ-આંટી એને આપ્યા કરતા …. બધી વાતનો આખરી ફેસલો મંજુના પપ્પા જ લઇ શકશે અને એ નિર્ણય શું હશે એ વિચારે બધા અનેક તર્કો કરતા હતા ….અને છેલ્લા ચાર દિવસથી ઉદય પણ દેખાતો ન હોવાથી મંજુની ઈચ્છા છતાં એ બંનેની કોઈ વાત કરાવી ન શક્યાનો ખટકો પણ લાગી રહ્યો હતો … પણ ઉદય વિષે જાણી ન જાણે કેમ બંસરીના મનમાં અનેક શંકા કુશંકા સાથે એક અજાણ્યો ગભરાટ છવાયો હતો અને એની રહી સહી આશા ડૂબતી દેખાઈ રહી હતી …!!
એ રાતે લગભગ સાડા બાર સુધી બંસરી મંજુ પાસે બેસી રહી …..મંજુએ એના અને ઉદયના ભવિષ્યના સપનાઓની …..ભણવામાં બહુ તેજસ્વી છતાં આ છેલ્લા વર્ષના પરિણામ પછી નોકરીએ લાગી જઈ પગભર થવાના આત્મવિશ્વાસ અને એવી ઘણી ઘણી આશાભરી વાતો કર્યા કરી …એક કોડભરી સખીની સંજોગોએ કરેલી હાલત જોઈ રહેલી બંસરી મનોમન ઈશ્વર સાથે ખુબ લડી પડી ….
પોતાના ઘરે જવાની ધરાર ના પડતી મંજુને બંસરીએ પોતાની સમજ પ્રમાણે સમજાવી કે
“ગમે તે હોય તારે તારા પપ્પા સાથે ઘરે જતું જ રહેવું જોઈએ ..આમ અહીં ક્યાં સુધી રહીશ ? અને એમને સમજાવી બધા હલ શોધવા જોઈએ …..એ આટલું જોયા પછી તને જરૂર સંભાળશે ..”
કાંઇક વિચારી મંજુએ સંમતિમાં માથું હલાવી લીધું ….
“કાલે શનિવારે સવારે કોલેજમાં NSSના કેમ્પ માટેનું એક ફોર્મ ભરવાનું છે …એ કામ પતાવી ફૂરરર કરતી તારી પાસે આવી જઈશ”
એવું કહી બંસરીએ મંજુને વહાલભર્યું ભેટી લીધું ….તો …
“તું જ મારી પાક્કી અને સાચી બહેનપણી છે …બંસરી …છેલ્લા ત્રણ દિવસોમાં તેં જે રીતે મને જાળવી લીધી ..ઓહ ….તું ન હોત તો આ ઝખ્મો અડધાપડધા પણ ન રૂઝાયા હોત …..”
કહેતી મંજુએ બંસરીના હાથ પર એક હળવું..પ્રેમાળ ચુંબન કરી લીધું ….
“અરે , બસ બસ …હજુ તો તારે દોડતા થવા સુધી મારી નજર હેઠળ જ રહેવાનું છે….ચાલ , હવે ગુડ નાઈટ કહી દે …હું તને ગુડ લાઈફ વિશ કરી દઉં …..”
એમ કહી બંસરી દોડતી ઘરે પહોંચી ….પણ સમયના પટારામાંથી કેવો દિવસ ઉગશે એ કોણ જાણતું હતું ….!!!!!
૬….
વૈશાખ મહિનાના અંત ભાગમાં અડધી રાતે ફૂંકાઈ રહેલા પવનને કારણે અગાશી પર ફંગોળાઈ રહેલા આસોપાલવના પડછાયાનાં તરફ નજર પડતા બંસરી એ જોયું તો આખા દિવસની દોડધામથી થાકેલી નિયતિ ઘસઘસાટ ઊંઘી રહી હતી ……વિચારોના વમળોમાં ઝડપાયેલી બંસરીના પોપચા બીડાઈ જતા હતાં પણ એમ ભૂતકાળ પીછો ક્યાં છોડે છે ? ….
બંસરીને યાદ આવ્યું…
એ રાતે પણ મંજુથી છુટા પડી આમ જ એ અગાશી પર સુતી હતી ….એની સાથે સાથે ઘરના પણ મંજુની ચિંતામાં જોડાઈ ગયા હતા ….એમના સવાલોના જવાબ આપી …… બંસરી આજે થયેલી વાતો પર વિચાર કરવા લાગી … મંજુના અરમાનો અને જીવન પ્રત્યેના અભિગમ માટે બહુ ગર્વ થઇ આવતો હતો …..લડાયક એવી મંજુ આટલા દુઃખો સહન કર્યા પછી આગળના જીવનમાં સરળતાથી જીવી જશે એવું લાગતું હતું અને એ વિચારે એક હળવાશ પણ બંસરીના મનમાં વ્યાપી ગઈ હતી …. કાલે મંજુના પપ્પા આવશે અને બધું સ્પષ્ટ થઇ જશે એ વિચાર્યું ….એવું બને કે મંજુના પપ્પા આટલી હદ સુધીની ક્રુરતા જોઈ પત્ની પર કડક હાથે કામ લે અને પોતે મંજુના પિતા હોવા સાથે રક્ષક બની એના જીવન માટે ઉત્તમ નિર્ણયો લે ….પણ આ ઉદય ક્યાં ગયો છે એ સમજાતું નથી ….પણ જો એ પણ તૈયાર હશે તો શાંતિથી એ ખતરનાક સ્ત્રીની સામે મંજુને પરણાવી શકાશે …..એક ઠંડક …એક ખુશી થઇ આવી બંસરીના મનમાં ….પણ પણ પણ ..એક વાર ઘરે લઇ ગયા પછી મમ્મી મગરના આંસુ સારી માફી માંગી લેશે અને એ જોઈ એના પપ્પા ઢીલા પડી જશે અને ફરી એક વાર એની ગેરહાજરીમાં મંજુના આ હાલ નહિ થાય એની શી ખાતરી ? અને એવું થશે તો ? …..રહી રહીને મંજુનો એ ફરફોલાવાળો કાળો પંજો અને ડ્રેસિંગ કરતી વખતે એની આંખોમાંથી નીકળતી ધાર એની નજર સામે આવ્યા કરતા હતા ….૧૮ વર્ષની હજુ સમજદારીની દુનિયામાં પગ મૂકી રહેલી બંસરીના મનમાં મંજુને એના ઘરે પાછા જવા આપેલી સલાહ બદલ ચચરાટ અને પોતાની જાત પર ફિટકાર થઇ આવ્યો …..એ એકદમ નિરાશ થઇ ગઈ …નાસીપાસ થઇ ગઈ …બાળપણના સંસ્કાર અને ટેવ મુજબ અંતે બધું ઈશ્વરના હાથમાં મૂકી મહા-મહેનતે એ ઊંઘી શકી …
વહેલી સવારે જાત્રામાંથી આવેલા બાને જોઈ બધા જ દુઃખો વિસારે પાડી એમણે લાવેલી અનેક ચીજો જોતા નાની નાની ખુશીઓમાં ઝૂમી ઉઠતી બંસરી ખુશખુશાલ થઇ ગઈ …..અને એ જ ઉત્સાહમાં કોલેજ જવા રવાના થઇ ગઈ ….આજનો દિવસ તો જાણે સરસ જ ઉગ્યો હોય તેમ કોલેજમાં સ્ટાફના એક નાનકડા કાર્યક્રમમાં બંસરીને એક પ્રાર્થના ગીત ગાવાનો મોકો મળી ગયો ….અને પોતાને મળેલા આ ભાવથી રાજીના રેડ થઇ બંસરીએ જલ્દી જલ્દી NSSનું ફોર્મ ભરી સુરીલા કંઠે પ્રાર્થના ગાઈ નાખ્યું …. એક અજબ શાંતિ અને આનંદ અનુભવતી બંસરી ઘરનાને અને મંજુને આ સમાચાર આપવા સાયકલના પેડલ ઝડપથી ચલાવ્યા …..ઘરે જવામાં ઘણું મોડું થયું હતું …ને …!!!
સાયકલ પર બેસતા જ ફરી પછી મંજુની ફિકર એને વીંટળાઈ વળી …..ઘર પાસેના વળાંકથી એને ઘર પાસે અને આખી ગલીમાં ઘણા લોકો ઉભેલા દેખાયા …..આવું તો ભાગ્યે જ બનતું કે આટલા બધા લોકો એક સાથે બહાર ઉભા હોય ….એક કુતુહલ સાથે પેડલ પર જોર દેતા મંજુના વિચારોને એણે ખંખેરી નાખ્યા ….લોકોની નજીક પહોંચતા એણે બા ..ભાઈ અને ભાભીને પણ એ ટોળામાં જોયા …..એના પર નજર પડતા દોડી આવેલી નિયતીએ એની સાયકલ પકડી લીધી …. અને બાએ એનો હાથ પકડી રડતા રડતા કહ્યું
” બેટા, મંજુ તો ……….. ”
આગળના શબ્દો સમજવા સાંભળવા બંસરીના કાન તૈયાર ન હોય તેમ ….
” શું બોલો છો બા ? કાંઈ પણ ન બોલો …”
વિસ્ફારિત આંખોથી આખા ટોળાને સંભળાય તેમ એણે બાને વઢી લીધું …..પાસપાડોશના લોકોને આ બંનેના સખીપણાની અને છેલ્લે થયેલા હંગામાની જાણ હતી એટલે એ બધા બંસરી તરફ ફર્યા … અને એક ઠાવકા ગણાતા માસીએ આગળ આવી બંસરીને બાથ ભીડી લીધી …..કશું જ સમજાતું ન હોય તેમ બંસરી એમ જ ઉભી રહી …..અને ઓચિંતી એ માસીને પોતાનાથી દુર કરી મંજુના ઘર તરફ જવા માંડ્યું ….બા અને નિયતિએ એને રોકવાનું માંડી વાળ્યું ….અને એ પણ એની સાથે થઇ ગયા ….એમની દીકરીની ધીરજ અને હિંમતની આજે કપરી કસોટી હતી એ વાત એ લોકો સમજી ગયા હતા ….દસ ઘર દુર આવેલું મંજુનું ઘર એને જોજનો દુર લાગ્યું …..ઘર બહાર ઉભેલા લોકો ….તમાશા પ્રિય લોકોની ભીડ ચીરતી એ ઘણા દિવસો ..કે પછી ઘણા વર્ષો પછી મંજુના ઘરમાં એ પ્રવેશી ગઈ ….જમીન પર કપડાની આડમાં સુતેલી વ્યક્તિ મંજુ હોઈ શકે એ માનવાને એક પણ કારણ એની પાસે ન હતું ….રસ્તા પરથી અહીં સુધી સુન્ન થયેલા મનમાં ગઈ કાલે થયેલી વાતો ઉભરાઈ આવવા માંડી ……
એ હજુ કશુંય બોલે ..આજુબાજુ જુવે કે સમજે …કે રડે એ પહેલા મંજુના પપ્પા એક ધક્કા સાથે એને બીજા રૂમમાં લઇ ગયા …. બંસરીને કાંઈ પણ સમજાય તે પહેલા એમણે દરવાજો બંધ કરી દીધો અને બંસરીના પગમાં પડી ચોધાર આંસુએ રડવા લાગ્યા … માફી માંગવા લાગ્યા … બંસરી ખસીને દીવાલસમી થઇ ગઈ ….. આઘાત અને આંચકાને કારણે ૧૮ વર્ષની એ છોકરીનું મગજ અને હ્રદય જાણે ફાટી જશે એવું એણે અનુભવ્યું …. દરવાજાને ધક્કો મારી નિયતિ અંદર પ્રવેશી ગઈ ….અને બંસરીને પકડી લીધી ….મંજુના પપ્પાએ નિયતિને બંસરીને મોં બંધ રાખવા સમજાવવાની કાકલૂદી કરી … નિયતીએ મોં ફેરવી લીધું અને બંસરીને લઇ બહાર નીકળી ગઈ ……. બહાર નીકળતા જ બંસરી મંજુના મૃતદેહ તરફ જવા લાગી ……પણ એ એના મોં પરથી ચાદર હટાવે તે પહેલા બે સ્ત્રીઓએ એને પકડી લીધી …..અને ધીમા અવાજે બાને સમજાવી દીધું …
“૯૦% બળેલી મંજુનું મોં દેખાડી આ છોકરીની આખી જિંદગીની ઊંઘ હરામ કરવી છે કે શું ?”
અને વાત બાના ગળે ઉતરી ગઈ અને હાથ ખેંચીને બંસરીને બહાર લઇ ચાલ્યા …ઉપર ચાલી રહેલા પંખાના પવનથી જરાક સરકેલી ચાદરમાંથી મંજુની એ જ હથેળી …હવે વધુ બળેલી …આકાર રહિત હથેળી ….બહાર ડોકાઈ ગઈ અને બંસરીના મન પર એની છાપ અંકાઈ ગઈ ….થોપાઈ ગઈ …..સ્થપાઈ ગઈ …!!
જાણવા મળ્યા મુજબ વહેલી સવારે જ આવી ગયેલા એના પપ્પા એને સમજાવીને ઘરે લઇ ગયા અને લગભગ ૯ વાગ્યાની આસપાસ બાથરૂમના બહારથી બંધ દરવાજાની પાછળ કોઈ પણ શોરગુલ કે દુઃખની ..પીડાની બુમો પાડ્યા વગર મંજુએ સળગીને દમ તોડ્યો હતો …. આપઘાત કરનાર પણ પીડાથી બુમો પાડી ઉઠતા હોય છે એટલે ઘણાના મતે આ આપઘાત નહી પણ કશુંક જુદું જ હતું …..બાજુવાળા ઘરમાંના ફળિયામાં આ બધાથી અજાણ વાસણ ઉટકનાર કામવાળા બેને પણ એ સમયે કોઈ મોટો અવાજ ન થયો હોવાનું બીજાઓને કહેતા …આ શંકા મજબુત થઇ હતી …..!! ૨૧ વર્ષના ઉદયને ધમકાવીને ત્યાંથી ભગાડી દીધો હતો તેવા સમાચાર પણ મોડેથી મળ્યા ….અને બીજે નોકરી મેળવી લેતા એ ફરી ક્યારેય જોવા જ ન મળ્યો એટલે ઘણી વાત અનકહી રહી ગઈ .
એ પછીના દિવસો બંસરી માટે અત્યંત ખરાબ અને પીડાદાયક હતા ….ઝબકીને જાગી જતી બંસરી હિબકે ચડી જતી …..ઊંઘમાં બડબડાટ કરતી બંસરી ….કોઈને જોતા જ અચાનક પોક મુકીને રડી પડતી ….આવું કેમ થયું ? કોણે કર્યું અને શું કામ થયું ? એવા સવાલો હજારો વાર જે એને મળવા આવે તેને પૂછ્યા કરતી …કોઈ હાલતમાં ..કોઈ શબ્દોમાં ન વર્ણવી શકાય એટલી હદે ખરાબ માનસિક સ્થિતિ થઇ ગઈ ….ઘરના લોકો પણ મૂંઝાઈ ગયા હતા …એકલી રાખે તોય સમસ્યા હતી ….આ બાજુ બંસરી રાત દિવસ મંજુને એના ઘરે જવા સમજાવવા બદલ પોતાની જાતને કોસ્યા કરતી… …..આવા સંજોગોમાં એક પિતા કેવી રીતે ચુપ રહી શકે એ વાત એને હજુ સુધી સમજાતી ન હતી ….મંજુના પપ્પા તરફ નફરત થઇ ગઈ હતી ….
મારે ચુપ ન રહેવું જોઈએ એવું નક્કી કરતી બંસરી ઘરનાંની ચિંતા સમજી ચુપ રહી જતી .બંસરી ….કોલેજમાં મંજુની શોકસભામાં બોલવા ઉભી થઇ જ ગઈ અને અસ્ખલિત શબ્દોમાં ….ધ્રુસકે રડતા મંજુ સાથે વીતાવેલા દિવસોની વાત કહેતા કહેતા બંસરી ભાવાવેશમાં આવી મંજુના ઘા અને પીડાની વાત પણ કહેતી ગઈ ….એને સાંભળનાર વિદ્યાર્થીનીઓ પણ રડી પડી ……અને …….માંડ ઠીક થયેલી …બોલતી થયેલી ….હળવી થયેલી બંસરી બીજી એક મોટી સમસ્યામાં ફસાઈ રહી હતી ….સાવ એની જાણ વગર ……:(
છાપામાં આવેલા સહાનુભુતિસભર અહેવાલ અને શોકસભામાં બંસરીના ઘટસ્ફોટની વિગતો વાંચી પોલીસ ઇન્સ્પેક્ટર પાટીલ બંસરીને મળવા આવશે એવું જાણી ઘરના લોકો પર જાણે મુસીબતનું આભ ફાટ્યું હતું ….કુમળી દીકરી પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કરમાં ફસાશે …એ ચિંતામાં અને મંજુના પિતાજીની આજીજીના કારણે બંસરીને પરાણે …..તાત્કાલિક એના મામા ઘરે સુરત લઇ જવામાં આવી ….એ દરમ્યાન મંજુના પપ્પાએ કેસ રફેદફે કરાવી લીધો ….!!! થોડા દિવસ પછી મંજુનું પરિણામ જાહેર થયું ….અને મંજુ ૭૯% સાથે ગ્રેજ્યુએટ થઇ હતી ….આ સમાચાર બધા માટે ખુબ જ પીડાદાયક હતા … દિવસો સુધી બંસરી ખુબ જ અશાંત રહી ….
આવી જ એક અડધી રાતે બંસરીએ બુમો પાડીને કહ્યું હતું કે મેં આવું કેમ કર્યું ? મંજુને એના ઘરે જવાની સલાહ આપવા બદલ ફક્ત એ જ જવાબદાર છે …. પોલીસ પાસે મોં ન ખોલી કેસની સાચી તપાસ અટકાવવા બદલ ફક્ત એ જ જવાબદાર છે …..મંજુના આત્માને ન્યાય ન અપાવવા બદલ ફક્ત એ જ જવાબદાર છે …..!!
૨૯ વર્ષોમાં મંજુના ઘર તરફ જવાનું એણે સદંતર બંધ કરી દીધું હતું …ક્યારેક કોઈક કહેતું કે અંજુ અને નાના ભાઈઓ પણ ઠરીને ઠામ થયા છે અને મંજુના પપ્પામમ્મી હજુ સરળતાથી જીવી રહ્યા છે ત્યારે એને ઈશ્વરના હોવા પર શંકા થઇ આવતી …….
પછી આજે પણ બંસરીએ એક ધ્રુસકું મૂકી દીધું …..” હા , એના મોત અને મોત પછીના મારા મૌન માટે ફક્ત હું જ જવાબદાર છું ..”
૭….
એ આખી રાતના ઉજાગરા અને ભયાવહ ભૂતકાળના ભયંકર ઉથલા પછી બંસરી થાકેલા ચહેરે સવારે ઉઠી ……. ઘરના વ્હાલાઓને સાવ સહજતાથી વાતો અને કામે વળગેલા જોઈ એને આરામ લાગ્યો ….આટલા વર્ષે મનના એક સજ્જડ અને અવાવરું ખૂણે ધરબી રાખેલો આ અફસોસ આમ ફૂટી નીકળશે એવું એણે પણ ક્યાં ધાર્યું કે ઈચ્છયું હતું ? મનના ખેલ ક્યારેય સમજી શકાયા છે ? ….આ બાજુ વેકેશનમાં આરામ કરવા અને તાજી થવા આવેલી બંસરીની હાલતથી બા સહીત ઘરના કોઈ ખુશ ન હોય તે બહુ સ્વાભાવિક હતું …..પણ એની માનસિક હાલત સમજતા ઘરના વ્હાલાઓએ એ બાબત વિષે ચર્ચા ન કરી પણ એના ઉઠતા પહેલા કશીક મસલત તો કરી જ લીધી હતી ….
નસીબજોગે બંસરી આવવાની છે એ અગાઉથી જાણતી ..પરણીને અલગ અલગ જગ્યા પર રહેતી સહેલીઓ એકસંપ કરી અચાનક મળવા ટપકી પડી અને વાતાવરણમાં કલબલાટ વ્યાપી ગયો અને દુઃખી બંસરીના ચિત્ત પર એ ખુશીનો માહોલ હળવાશની થાપટ વીંઝી ગયો , એ જૂના સ્કુલ કોલેજના સુખદ અને મસ્તીભર્યા સંભારણાઓ, એકેક વાતો યાદ કરી હાસ્ય અને મસ્તીના ફુવારાઓમાં ગયા બે ત્રણ દિવસનો બોજ થોડો હલકો પડી ગયો …નિયતિ પણ મોટાભાગની સહેલીઓને જાણતી હોવાથી એમની આગતાસ્વાગતા અને આવભગતમાં ખુશી ખુશી જોડાઈ ગઈ …..જુના પાડોશી હોવાના નાતે એક એક ઘટના અને એક એક વ્યક્તિને યાદ કરતા કરતા વાત ઉદય પર આવતા બંસરીના કાન સતર્ક થયા એના વર્તનમાં અકળામણ અને અને મનમાં ઉત્સુકતા આવી પણ સચેત મને એને ધ્યાનથી દબાવી રાખી એણે બધું સાંભળ્યા કર્યું અને અચાનક ઉદય ક્યાં રહે છે , શું કરે છે એ બધા સમાચાર બંસરી પાસે આવી ગયા …અને સહસા જ ઉદયને મળવું હવે જરૂરી હોય તેવું બંસરીએ અનુભવ્યું …શા માટે ? શું વાત કરવા ? એવા એક પણ પ્રશ્નનો જવાબ એની પાસે ન હતો …અને એને એકદમ ચુપ થઇ ગયેલી જોઈ એ શું વિચારે છે એ સમજ્યા વગર…..નિયતિએ બધી જ સખીઓની વાત મંજુની વાત તરફ ન ફંટાઈ જાય એનો ચીવટતાથી ખ્યાલ રાખ્યો …જે બંસરીએ નોંધી લીધું અને આવી ભાભી મળી હોવાનું અભિમાન એની આંખોમાં અહોભાવરૂપે ઉતરી આવ્યું ….!!! બધી બહેનપણીઓએ પોતપોતાના સંસારની …પતિદેવોની ..એમની ટેવો-કુટેવોની બિન્દાસ વાતો કરી ..જૂની બહેનપણીઓથી શું છુપાવવાનું ? પુખ્ત થયેલા બાળકો અને તેમના અભ્યાસ અને રુચિની વાતો આ માતાઓએ ગર્વભેર કરી લીધી ……પેટભરી વાતો કરી બધી જ બહેનપણીઓ બંસરીને પોતાના ઘરે આમંત્રણ આપી એક પછી એક રવાના થઇ …..
છેલ્લે મનીષા બા સાથે વાતો કરતી રહી ગઈ ….બા અને એના બાના સારા બહેનપણા હતા …અચાનક એક્ટીવ થઇ ગયેલી બંસરીએ સિફતથી વાત વાતમાં મનીષા પાસેથી ઉદયનો ફોન નંબર મેળવી આપવાનું પ્રોમિસ લઇ લીધું ….બા અને નિયતિને સમજાતું જ ન હતું કે આખરે બંસરી કરવા શું ધારે છે ? એકાદ વાર પૂછતાં ….”બસ, એ કેમ ભાગી ગયો હતો એ જ જાણવું છે ” એવો ઉડાઉ લાગે તેવો જવાબ બંસરીએ આપી દીધો . પણ બધી બહેનપણીઓના આવવાથી એ થોડી ખુશ અને સારા મૂડમાં હતી એટલે વધુ ન પૂછ્યું . એ પછી બાળકો અને અવિનાશ સાથે કામ પુરતી વાત કરી બંસરી વારે વારે પોતાના મોબાઈલ સામે જોયા કર્યું અને એક મેસેજ ટોન આવતા એક ઝપટ મારી …..મેસેજ ખોલી ..એ ઉતાવળા પગે બહાર નીકળી ગઈ …… ફોનથી નંબર લગાવી અવાજની રાહમાં… એની નજર સામે … એક જુવાન ચહેરાને એ કલ્પી રહી હતી …એણે બેંગ્લોર વસતા ઉદયને ફોન લગાવ્યો હતો …..!!! સામે ઉદય પણ એને ઓળખીને ખુબ જ નવાઈ પામી ગયો હતો …..અને બંનેએ લાંબી વાતો કરી ….બંસરીના મનમાં કેટલીક સ્પષ્ટતા થઇ ….પોતાના મનની વાત પણ એને ઉદય સાથે ખુલ્લા મને શેર કરી …..ઉદયને બધી વાત સાંભળી સમજાયું નહી કે આટલા વર્ષ જૂની વાતને ફરી ઉખાળવી ..આમ વાતો કરવી કેટલી યોગ્ય છે … …છતાં મંજુ પ્રત્યેના પ્રેમ અને એને ગુમાવ્યાના અફસોસને કારણે બંસરી સામે એણે પોતાનું આખું હૈયું ઉલેચી નાખ્યું …
બંસરી સતત કેટલાક વિચારોમાં વ્યસ્ત થઇ ગઈ ….રાતે પડી …ભાઈ આવતા જ બધા સાથે જમવા બેઠા એ સમયે બધા સામે જોઈ …દ્રઢતાથી એણે જાહેર કર્યું કે
“મેં આ કેસ પાછો ખોલાવવાનું નક્કી કર્યું છે અને આ મારો આખરી નિર્ણય છે ….અફર નિર્ણય છે ….એ સમયની તમારી ચિંતા અને ડરને હું સમજુ છુ એટલે એ વખતે મને ચુપ કરાવી દેવા બદલ તમને કોઈને હું દોષી નથી માનતી પણ મારા મનમાં રહી રહીને ઉઠેલી આંધીને સમાવવા માટે આ એક જ ઈલાજ મને દેખાય છે …..એવું પણ ન હતું કે હું ક્યારેય મંજુને યાદ નહોતી કરતી ..એવું પણ ન હતું કે એ મારી જીગરજાન દોસ્ત હતી …પણ એણે મારી સાથે એક ભરોસા સાથે અને એક લાગણીથી છેલ્લા દિવસો પસાર કર્યા હતા એ હું ભૂલી નથી શકતી ….એનું મારી પરનું અવલંબન, એનો વિશ્વાસ મને આજ સુધી ચેન લેવા નથી દેતા, અરોરા અંકલ-આંટી તો ચુપ રહીને દોસ્તી નિભાવી ગયા..પણ હું ? મેં દોસ્તી નિભાવી ? હું તો મારી જાતને પણ જવાબ નથી આપી શકતી ….આવી ડામાડોળ હાલતમાં હું હવે જીવવા નથી માંગતી ….ઘણા વર્ષો મેં મારી જાતને સમજાવી , પટાવી રાખી હતી …….પણ હવે હું એને કોઈ અપરાધભાવ સાથે યાદ કરવા નથી માંગતી …એટલે મારા આ નિર્ણયને બદલવા આગ્રહ નહિ કરો એવી તમને બધાને વિનંતી કરું છું ”
એના આવા સ્પષ્ટ અને સપાટ અવાજથી બોલાયેલા નિર્ણય સામે કોઈ કશુંય બોલી શકવાની સ્થિતિમાં ન રહ્યું …. બધા એકબીજાની સામે જોઈ રહ્યા ….. બા અને ભાઈએ સૂચક નજરે એકબીજા સામે જોઈ લીધું …… થોડી આશા એમના ચહેરા પર ઝબકી ગઈ . અને બાએ વાત વાળવા …
” ઠીક છે…. તારે જેમ કરવું હોય તેમ તું કરજે બસ ? “
કહી પાણી પી લીધું . એક ભારેપણું વ્યાપી ગયું . સામાન્ય રીતે વાતનું રુખ બદલી શકતી નિયતિ પણ અત્યારે ચુપ હતી ….કદાચ એ પણ કોઈ વિચારમાં હતી ….થોડી વાર પછી નિયતિ બોલી ….
” બા , છેલ્લા થોડા દિવસો અને ૨૯ વર્ષો પહેલાના કેટલાક દિવસો દરમ્યાન મેં બંસરીબેનનો વલોપાત અને ગુંગળામણ મહેસુસ કરી છે …મને પણ લાગે છે કે એક સ્ત્રી તરીકે …બીજી સ્ત્રી સામે થયેલા અન્યાય બદલ ….એક સ્ત્રી સામે અવાજ ઉઠાવવામાં હું બંસરીબેનને સાથ આપીશ ..”
આટલું કહી નિયતિએ બંસરી સામે જોયું અને બંસરીની આંખો વહી નીકળી …..
એ રાતે બંને નણંદભોજાઈ મોડે સુધી વાતો કરતા રહ્યા … બંસરી વધુને વધુ સ્પષ્ટ અને મક્કમ બનતી હોય તેવું નિયતિએ અનુભવ્યું અને એ જોઈ એને પણ હિંમત મળી ….!!! આકાશના તારાઓ જોતા જોતા અને વાદળાના આકારો જોતા જોતા …… એક રસ્તો મળવાથી હળવી થયેલી અને આટલા દિવસના અજંપાથી થાકેલી બંસરીની આંખ આજે વહેલી મળી ગઈ .
અગાશી પરથી ઉતરતી વખતે એણે ઘરમાં થોડી વધુ ચહલપહલ અનુભવી …..કોઈ આવવાનું હોય તેવી તૈયારી જેવી ……. જે આવશે તે દેખાઈ જ આવશે એમ વિચારી એ સીધી ન્હાવા જતી રહી…….વિચારોનો થાક ઉતારવા એણે આજે લાંબો સમય શાવર લીધું એનો એક ફેવરીટ ડ્રેસ પહેરી અને લાંબા વાળને ટુવાલમાં લપેટી એ બાથરૂમમાંથી બહાર આવી …. અને સામે જ પલંગ પાસેની ખુરશીમાં ઉજાગરાભરેલા ઉદાસ ચહેરા સાથે અવિનાશને બેઠેલો જોયો … આશ્ચર્ય અને આનંદમાં એ એના પ્રેમાળ ,અત્યંત સમજદાર અને ઠાવકા પતિ સામે જોઈ હસી પડી અને “અરે ,તમે ? આમ અચાનક?” એવી પૃચ્છા એની મોટીમોટી આંખોમાં ધસી આવી અને એ શબ્દથી કશુંક બોલે એ પહેલા …એની અપેક્ષા વિરુદ્ધ ….અવિનાશ ઉભો થઇ… એની સામે તિક્ષ્ણ પણ એક અકથ્ય વેદનાભરી નજરે જોઈ બહાર ચાલ્યો ગયો ….!!!!!!!
બંસરી સ્તબ્ધ બની એમ જ ઉભી રહી ગઈ ….
૮….
અવિનાશને આમ અચાનક આવી ચડેલો જોઈ બંસરીને કશું સમજાયું નહિ …..પણ અવિનાશનું આવું વર્તન એના માટે સાવ અજાણ્યું હતું ….બેચાર પળોમાં પોતાની સ્તબ્ધતાને વિખેરી નાખી એ એક મહોરું …..સ્વસ્થતાનું મહોરું ચડાવી બહાર આવી ગઈ …..બહાર આવતા જ બા અને ભાઈને અવિનાશ સાથે વાત કરતા જોઈ એને થોડી થોડી ગડ પડી ….ગઈ કાલે રાતે પોતે કહેલા નિર્ણય અને એ સમયની ભાઈ અને બાની ચુપકેદી અને સહમતી હવે સમજાવા માંડી …..તો એણે પણ કશું થયું જ નથી એમ સહજતાથી નિયતિને કામ કરાવવા લાગ્યું …આમ પણ દિવસો કે પછી વર્ષોનો ભાર ગઈ કાલે રાતે એક જ ઝાટકે ઉતરી ગયેલો એણે અનુભવ્યો હતો …. નિયતિ પણ આ નવી ઉભી થયેલી પરિસ્થિતિ માટે મનોમન પોતાને તૈયાર કરતી હતી ….
થોડી વાર પછી બાએ એક સગાના લૌકિક વ્યવહારે જવાનું છે એટલે વહેલી નીકળી કાકીના ઘરે જઈશ ….સાંજે વાતો કરીશું કહી દીધું …..સવારના નાસ્તા પછી ભાઈ પણ ‘આજે રજા લેવાય એવું નથી’ કહી નોકરી પર જવા રવાના થઇ ગયો ……શાંત બેસી ટીવી જોતા અવિનાશની સામે બેસી બંસરી ઘર અને બાળકો વિષે વાતો કરવા લાગી …પૂછપરછ કરવા લાગી …અવિનાશ મોટે ભાગે એકાક્ષરી જવાબમાં વાતને ટાળતો રહ્યો …. કશુંક ઠીક નથી …અવિનાશના મનમાં શું હશે ? …એવું વિચારતી બંસરી મનોમન ફડફડી ઉઠી ….એની બેચેની એના વર્તનમાં સાફ દેખાવા લાગી …. આમતેમ પ્રયત્ન કરી એ ઉઠી રસોડામાં જતી રહી અને અવિનાશ રૂમમાં આરામ કરવા ચાલ્યો ગયો ….ક્યારની એની અવઢવ અને પરેશાની જોયા કરતી નિયતિએ એના ખભા પર હાથ મુક્યો અને આંખોથી બધું ઠીક થઇ જશે એવો સધિયારો આપ્યો ….હકીકતમાં અવિનાશનું આવવું એના માટે પણ એક આશ્ચર્ય જ હતું પણ ગઈ કાલે બાના મોં પર પ્રસરેલી ચિંતા યાદ કરતા એમનો અવિનાશને અહીં તાત્કાલિક બોલાવવાનો નિર્ણય એણે યોગ્ય જ લાગ્યો …બને કે અવિનાશ વાતને સમજે અને સાથ આપે …..
જમ્યા પછી ૧૫ મિનીટ વામકુક્ષી કરી ‘બહુ ગરમી છે પણ ગયા વગર છૂટકો નથી’ એમ કહેતા બા તો નીકળી ગયા પછી અચાનક ‘મારા પપ્પાને ત્યાં અમારા એક સગા આવ્યા છે એમને મળી આવું’ કહેતી નિયતિ અવિનાશ અને બંસરીને એકલા પાડવાના આશયથી બહાર જવા તૈયાર થવા લાગી …. બધાને એક સાથે કેમ કામ આવી પડ્યું એ બંસરીને સમજાયું …પણ ‘નિયતિને રોકું ? કે પછી નહિ ?’ એવા વિચારો કરતી રહી …એકાદ વાર….પિયરે જતી ભાભીને ન પૂછાય તેવો સવાલ …. ‘જવું જરૂરી છે ?’ એવું પૂછી પણ બેઠી ….”અરે , અવિનાશભાઈ આવ્યા છે એમની સાથે તમારે ઢગલો વાતો નથી કરવાની ?” એમ પૂછી નિયતિએ બહાર જવા પગ ઉપાડ્યો …..!!
દરવાજો બંધ કરી રસોડામાં જઈ એણે એક આખી બોટલ પાણી પી લીધું …. ઉંમર ગમે તે હોય ….સામાન્ય રીતે થોડા દિવસના અંતરાય પછી મળતા પતિ પત્ની આવા એકાંતને ઝંખતા હોય છે …. એકબીજા વગરના દિવસો કેવા વીત્યા કે એકબીજાની ગેરહાજરી સાલી કે નહિ એવું વર્ષોવર્ષ પૂછ્યા પછી પણ મન ધરાતું નથી હોતું ….. આવા એકાંતમાં એકબીજાના એકાદ નાજુક સ્પર્શની કલ્પનાથી પણ પેટમાં પતંગિયા ઉડવા જોઈએ એની જગ્યાએ આજે બંસરીનું પેટ ચુંથાવા લાગ્યું ….. આ એકાંત એને એકલતા જેવું લાગવા માંડ્યું ….વાતાવરણ જાણે અકારણ ખુબ ગંભીર અને ભારેખમ થઇ ગયું …..
અણગમતી કલ્પનાઓને દુર હડસેલી અણગમતા સમયનો સામનો કરવા ઊંડો શ્વાસ લઇ એ વિશ્વાસપૂર્વક રૂમમાં પ્રવેશી …..એને આવેલી જોઈ ઉંઘવાનો ડોળ કરતો અવિનાશ જરાક સળવળ્યો ….”સુઈ ગયા ?” એવો સવાલ પૂછતા બંસરી એની પાસે આવીને બેઠી …… બંસરીને લાંબા સમય સુધી અવગણવી અવિનાશને મુશ્કેલ લાગી …એણે બંસરી તરફ એક નિરાશ નજરે જોતા પૂછ્યું ….
“આ બધું શું છે ?”
અવિનાશ આમ એકદમ એક ઝાટકે સીધી વાત કરશે એવું બંસરીએ ધાર્યું ન હતું એટલે થોડી હેબતાઈ ગઈ પણ જાતને સંભાળતા એણે પૂછ્યું
” આ બધું એટલે ? “
” કાલે મને ભાઈનો ફોન આવ્યો હતો કે અહીં તું ઠીક નથી ..વધુ પૂછતા થોડી વાત કરી છે …પોલીસ કેસને એવું બધું …. આ બધું શું છે ? ” અવિનાશે ટૂંકમાં પૂછી લીધું ..
‘ક્યાંથી વાત શરુ કરું ?’ એવી ગડમથલમાં બંસરી ચુપ થઇ ગઈ …એને ચુપ જોઈ અવિનાશ બેઠો થઇ ગયો અને બોલ્યો
” મેં તારા પર કાંઇક વધુ જ ભરોસો કરી લીધો હતો એવું મને લાગે છે ..”
આ સાંભળતા બંસરીના પગ તળેથી જાણે જમીન સરી ગઈ હોય તેવું એને લાગ્યું …..બંસરી અને અવિનાશ ….લગ્નના ૨૪ વર્ષો એકબીજાને માટે ખુલ્લી કિતાબ જેવું જીવ્યા હતા …જીવનની નબળી પળોમાં એકબીજાને સમજવાની અને સંભાળી લેવાની ટેવ એમણે બહુ પહેલાથી વિકસાવેલી હતી ….સમાજમાં એક આદર્શ યુગલ ગણાતા પતિપત્ની આજે અચાનક એક એવી દુવિધા કે સંજોગોના શિકાર થઇ ગયા કે …. વાત ક્યા રસ્તે જઈ રહી છે એ ન સમજાતા આઘાતથી એણે અવિનાશ સામે જોયું ….એની આંખો મજબૂરી અને હતાશાથી છલકાઈ ગઈ ….
“મને ખબર છે, મારે તમને કહેવું જોઈતું હતું..પણ મારાથી ન કહેવાયું”
એક જાતના ડર અને અપરાધભાવથી બોલી રહેલી બંસરીને જોઈ અવિનાશથી રહેવાયું નહી ….એણે પાસે બેઠેલી બંસરીને એકદમ સહજતાથી ચૂમી લીધું ….આટલા બધા અલગઅલગ અનુભવો અને ભાવોથી ..લાગણીની ધક્કામુક્કીથી ઘેરાયેલી બંસરીએ કોઈ પ્રતિભાવ આપ્યા વગર એની સામે એકટક જોયા જ કર્યું ….
“બંસરી, તું ભાગી ભાગીને ક્યાં સુધી ભાગીશ? મારાથી ક્યાં સુધી આટલું બધું છુપાવીશ ….? “
એમ બોલતા અવિનાશને સાંભળતા જ બંસરી એક વિશ્વાસ અને શ્રધ્ધાથી એનો હાથ પકડી પૂછવા લાગી …
“એનો અર્થ એ કે તમે મને સમજશો ? મને સાંભળશો ?”
એની વિહવળતા જોઈ અવિનાશને એનામાં એક બાવરી અને અત્યંત નબળી બંસરી દેખાઈ …
ઓઝપાઈ ગયેલી બંસરીને વિશ્વાસમાં લઇ
“ચાલ, હવે તું બોલ …હું સાંભળું છું ….પણ ધ્યાન રહે …મારી બંસરીના હ્રદયના દરેક ખૂણામાં ચાલતી હલચલથી હું વાકેફ હોવો જોઈએ ….એટલો તો હક છે ને ?”
એમ કહી અવિનાશે ધીરેધીરે એને બોલતી કરી …બંસરીએ વર્ષોથી એના મનમાં ચાલી રહેલી કશ્મકશ અને ઉથલપાથલનું બયાન ક્યારેક સ્વસ્થ તો ક્યારેક છલકાતી આંખે અને સિસકતા સ્વરે અવિનાશ પાસે કરી નાખ્યું જાણે કે વર્ષોથી વેંઢારેલો કોઈ બોજ ઉતારતી હોય તેમ બંસરી એના મનમાં ચળકતી વ્યથા અને લાગણીઓના પડને એક પછી એક ખોલતી ગઈ …. પોલીસ કેસના ડરે ચુપ કરી દેવાયેલી બંસરીના એ વખતના મનોભાવો અને મનોદશા સાંભળીને અવિનાશ શબ્દો શોધતો હોય તેમ શાંત રહી ગયો …હમેંશા ચહેકતી રહેતી …ગમે તેવા બોઝીલ વાતાવરણમાં પ્રાણ અને હળવાશ ફૂંકી દેતી પોતાની પ્રિય પત્નીને અત્યારે આ વાત કરતી વખતે સાવ નિષ્પ્રાણ જોઈ એનું હ્રદય દ્રવી ઉઠ્યું ….મોટેભાગે હકારાત્મકતાથી છલકાતી … આખા ઘરના લોકોના પ્રશ્નોનો ચપટીમાં ઉકેલ લાવતી બંસરી વર્ષો સુધી આવા કપરા માનસિક પરિતાપથી પીડાતી હતી ને પોતે કશું જાણતો જ ન હતો એ વાત વિચારતા અવિનાશ દુઃખી થઇ ગયો …. એની આંખ સજળ થતા જોઈ “તમને પાણી લાવી આપું” એમ કહેતી બંસરી રસોડા તરફ ઝડપથી દોડી ….
દુનિયામાં કેટલાય લોકો હશે એમણે ઘણાના દિલ દુખાવ્યા હોય છે …. ઘણા ન કરવાના પાપો કર્યા હોય છે ….અને છતાં સાવ બેફીકર ..બિન્દાસ જીવતા હોય છે જયારે આ કોમળ હ્રદયની સ્ત્રી એણે ન કરેલા અપરાધની સજા વર્ષોથી ભોગવી રહી છે ….હસતા રહીને પોતાના મનમાં મંજુની યાદ સાથે ઉઠતી ટીસને એણે કેવી આસાન લાગે તેમ પણ બહુ પ્રયત્નપૂર્વક છુપાવી હશે …સામાજિક પ્રશ્નો તરફ જાગૃત અને સ્વતંત્ર પણ સંયમશીલ વિચારધારા ધરાવતી બંસરી આટલો સમય ચુપ કેવી રીતે રહી શકી એ અવિનાશને હજુ સમજાતું ન હતું …ઘરના બધા બધી જ વાતો કહી હળવા થતા હશે ત્યારે બંસરી કેવી રીતે આટલી મોટી પીડા છુપાવી શકી હશે….અવિનાશ વિચાર કરતો ગયો અને એનો બંસરી પ્રત્યેનો પ્રેમ એક માન ….સન્માનમાં ફેરવાતો ગયો …..પોતાની તકલીફો પાંપણો વચ્ચે આવીને સુકાઈ જતા આંસુઓમાં છુપાવી રાખે એ સ્ત્રી તરફ માન તો થાય જ ને ….!!
પાણી લઈને આવતી બંસરી સામે એ એક નવી જ બંસરીને જોતો હોય તેમ જોઈ રહ્યો … એનો હાથ પકડી પોતાની પાસે બેસાડતા અવિનાશ દુભાઈને એકસામટા ઘણા સવાલો કરી બેઠો ….
“તને ખબર છે કાલ રાતથી અત્યાર સુધી હું એ જ વિચારી વિચારી થાકી ગયો છું કે કેમ તેં મને આ બધું ક્યારેય ન કહ્યું …!!.. આ આખી વાતની ખબર સૌથી છેલ્લે મને પડી …એક પતિ માટે આનાથી વિશેષ દુઃખની ….અપમાનની વાત શું હોઈ શકે ? તને ક્યારેય મને આ બધું કહેવાનું મન કેમ ન થયું ? તેં શું વિચારીને આ બધું છુપાવ્યું ? તને કેમ એમ લાગ્યું કે હું તને નહિ સમજુ કે નહિ સાંભળું ? મારી પર વિશ્વાસ ન રાખવાનું કોઈ કારણ ? ”
પતિની આગળ મનની વાત કહી ઘણા અંશે હલકી થયેલી બંસરી બોલી:,
“તમને યાદ છે ને ? અડધી રાતે તમે અને બાળકો ગીત ગાઈને મને જન્મદિવસની વિશ કરતા અને ભેટો આપતા ત્યારે મારા મોં પર જોઈએ તેવી ખુશી ન આવતી એ જોઈ એકાદ વાર તમે પૂછ્યું હતું કે ‘કાંઈ ખૂટે છે ? તને ખાસ વસ્તુની કે ભેટની અપેક્ષા હતી ?’ ત્યારે હું ‘એવું કાંઈ નથી’ એમ કહી વાત ઉડાવી દેતી …પણ મારો અને મંજુનો જન્મ દિવસ એક જ દિવસે છે એટલે રોજ કે વારંવાર તો નહી પણ મારા જન્મ દિવસે મને એ વિશેષ યાદ આવી જતી …એટલે હું ઉદાસ થઇ જતી “
આટલું બોલ્યા પછી ગળું ખંખેરી બંસરીએ ઉમેર્યું ….” તમને ન કહ્યું …લાગ્યું કે તમે મને ‘બહુ લાગણીશીલ ન બન’ કહી હસી નાખશો અને મને ગઈગુજરી ભૂલી જવાનું જ કહેશો ..જોકે એ કાંઈ ખોટું નહી પણ મારા માટે થોડું અશક્ય હતું …..સાચે જ એ સિવાય બીજું કોઈ કારણ ન હતું ….પણ આજે મારી આખી વાત સાંભળીને મને ખાતરી છે કે તમે સમજી શક્યા હશો અને હવે પછીના મારા નિર્ણયોમાં સાથ પણ આપશો …આપશોને ?
ત્યાં જ ભાઈભાભી આવી પહોંચ્યા ..બહાર જોયું તો સાંજ પણ રાતમાં ફેરવાઈ રહી હતી ….વાત વાતમાં સમય ક્યાં પસાર થઇ ગયો એ બંનેને ન સમજાયું પણ અત્યારે તો મૂળ વાત વિખાઈ ગઈ …..સાંજના ચા નાસ્તા વખતે બંસરીને એકદમ સ્વસ્થ જોઈ ઘરમાં બધા ખુશ થઇ ગયા ….અને ભાઈ “મેં સારું કર્યું ને? અવિનાશકુમારને તેડાવી લીધા” એમ બોલી પણ પડ્યા ….એકાદ કલાકમાં બા પણ આવી ગયા …..શું વાત થઇ એ જાણવા બધા ઉત્સુક તો હતા …. જમીને પરવાર્યા પછી બંસરીએ ડરતા ડરતા કેસ પાછો ખોલવાની વાત કરી ……બધા અવિનાશ સામે જોઈ રહ્યા ….
અવિનાશ મંજુનો કેસ ખોલાવવાની ના પાડશે તો પણ હું એની આ વાત માનવાની નથી એવો મનોમન નિર્ધાર કરી ધડકતા હૈયે બંસરીએ અવિનાશ સામે જોયું ……
બધા સામે નિર્ણાયક નજર નાખતા અવિનાશે કહ્યું :
૯….
આવેલી નાનકડી આંધીને ખાળવા માટે હવે અવિનાશ શું નિર્ણય કરશે એ જાણવા ઘરનાં બધા ઉત્સુક હતા ……
આજ સુધી અવિનાશ માટે બંસરીના મોઢેથી કોઈ દિવસ કોઈ ફરિયાદ કે અસંતોષ બા કે ભાઈભાભીએ સાંભળ્યો ન હતો ..એટલે એમના મનોમાં એક શ્રધ્ધા અને વિશ્વાસ તો હંમેશા હતા જ ….અને આમ પણ અવિનાશ એક બહુ જ ઠરેલ વ્યક્તિત્વનો માલિક હતો ….રગરગમાં ઉર્જાથી ભરપુર બંસરીને જાણે કોમ્પ્લીમેન્ટ કરતુ હોય તેવું એક શાંત પાત્ર …જીવનની સમતુલા માટે જરૂરી બધી જ સમજદારી ઘરાવતી એક વ્યક્તિ …..ભાગ્યે જ ગુસ્સે કે અપસેટ થતો અવિનાશ બહુ જલ્દી પરિસ્થિતિનો તાગ મેળવવાન આગવી સુઝબુઝ ઘરાવતો હતો ….આટલા પ્રેમાળ દાંપત્યજીવનને સંવારવા ….સજાવવા બંસરીએ પોતાની પુરપાટ દોડતી મહત્વાકાંક્ષાની ગાડીને કોઈ ઝટકા વગર બ્રેક મારી હતી અને એ પછી કોઈ ખચકાટ કે અફસોસ વગર એ બાળકો અને પરિવાર માટે એક શ્રેષ્ઠ ગૃહિણી બની ગઈ હતી એ અવિનાશે બહુ જ ગર્વથી જોયા કર્યું હતું ….. સ્ત્રી સ્વભાવ વિપરીત બંસરીએ અપેક્ષા વગર ..માંગણી વગર ….વચ્ચેના ગાળામાં આવેલા કપરા સમયમાં ઓછામાં ઓછી સગવડમાં પણ આબાદ સફળતાથી ઘર ચલાવ્યું હતું …..પતિના દરેક નિર્ણયને જરૂર પૂરતી ચર્ચા કરી વધાવી લેતી હતી ….અને પોતાના મનની ગતિવિધિઓ પણ અવિનાશ સાથે શેર કરતી હતી ….એક ખાનગી કંપનીમાં HR મેનેજર તરીકે અનેક લોકો સાથે ..એમની માનસિકતા સાથે કામ પાડનાર અવિનાશ પોતાના ઘરની મહત્વની વ્યક્તિઓને નજરઅંદાજ કરે એ તો આમ પણ શક્ય ન હતું ….એટલે આટલા સમય પછી અચાનક બંસરીએ એક નિર્ણય એણે પૂછ્યા વગર લઈ લીધો એની પાછળ બંસરીના મનમાં શું ઉત્પાત કે ઉલ્કાપાત થયો હશે એ હવે અવિનાશે સહેલાઈથી સમજી લીધું હતું …..એટલે હવે એણે જે કહેવાનું હતું એ અત્યંત ધીરજ અને ચોકસાઈથી વ્યક્ત કરવાનું હતું ….
“તો તને લાગે છે કે આપણે હવે એ કેસ પાછો ખોલાવીએ ..એમ જ ને ? ” એકાંતમાં ભાવુક થઇ ગયેલા અવિનાશે અત્યંત શાંત સ્વરે શરુ કર્યું …..સામાન્ય રીતે બંને એકબીજાની આંખો વાંચી દિલના ભાવો સમજી જતા જ્યારે આજે અવિનાશના મનમાં શું ચાલી રહ્યું છે…એ સમજવાની બંસરીની શક્તિ અને આદત સાવ બુઠ્ઠી થઇ ગઈ …. એણે એક નરમ હકારમાં ડોકું નમાવી લીધું …” ok ……….બે દિવસમાં હવે જ્યારે તેં બધું નક્કી કરી જ નાખ્યું છે ત્યારે મને લાગે છે કે મારે તારો સાથ આપવો જોઈએ …….મને તારા બધા જ નિર્ણયો પર ભરોસો હતો અને રહેશે ….હવે તું આ વાતની ચિંતા મૂકી દે …આ મુદ્દા પર હવે આપણે સાથે મળીને લડીશું ….મેં કોલેજ અહીં જ કરી હોવાથી મારા ઘણા સારા સંપર્ક અહીં છે અને ભાઈ પણ આપણને માર્ગદર્શન આપશે ….એક સારામાં સારો વકીલ શોધી આપણે કાલે વાતને પાછી ખોલીશું ….!!!
બંસરી આશ્ચર્યચકિત ..સાનંદ …. વિસ્ફારિત નજરે અવિનાશ સામે તાકી રહી …એક એક શબ્દ જાણે એના માન્યામાં ન આવતો હોય તેવો ભાવ ફૂટી નીકળ્યો હતો….એની આ હાલત જોઈ ઘરના બધા લોકોના મોં પર રાહત અને અવિનાશના આ નિર્ણય બદલ નવાઈ ઉપજી આવતી હતી ….પણ હમણાં પિષ્ટ પોષણ નથી કરવું એમ વિચારતા બા અને ભાઈભાભી અગાશી પર સુવા ચાલ્યા ગયા ….
બંસરીએ ઘણી વાર એ સળગેલો પંજો પોતાને જગાડી દે છે અને મારું મન અશાંત કરી દે છે …એવી વાતો કર્યા કરી …..
“પણ હવે તો આપણે એના આત્માને ન્યાય અપાવીશું ને ? ચાલ, હવે આરામથી સુવાનો પ્રયત્ન કર …કાલથી એક નવી લડાઈ તારે શરુ કરવાની છે ….મારી ઝાંસીની રાણી…. !!!”
….આવું કહેતા અવિનાશને સાંભળી મરકાતી બંસરી નિશ્ચિંત બની અવિનાશના ખભા પર માથું અને આવતીકાલની બધી જ ચિંતા મૂકી…. ઘણા દિવસો પછી …. ઘસઘસાટ ઊંઘી ગઈ …..પણ અવિનાશ બંસરીના માથા પર હાથ પસવારતા આખા ઘટનાક્રમ વિષે ગંભીરતાથી વિચારતો રહ્યો ….અને એ વિચારનો રેલો આમતેમ સરકતો બધે પ્રસરી ગયો …. મંજુના સંજોગો …એના દુઃખો ….અરોરાઅંકલઆંટી …મંજુના પપ્પાનું અક્ષમ્ય વર્તન ..મમ્મીની અંજુ ને મંજુ પ્રત્યે ડીવાઈડ એન્ડ રુલ પોલીસી …..ઉદયની હાલત અને તાજેતરમાં એની બંસરી સાથે થયેલી વાત ….જાણે કશુંક સમજવા માંગતો હોય તેમ ….મોડી રાત સુધી ગડમથલ કરતો રહ્યો ……….પાસા ફરતો રહ્યો અને બંસરીને શાંત સુતેલી જોઈ એના મનમાં રહેલી ગીલ્ટ સાચે કેસ કરવાથી કે એના ચુકાદાથી જ દુર થશે એવું વિચારતો રહ્યો ..બંસરીને આ હાલતમાં વધુ સમય ન જ રહેવા દેવાય ….આવું વિચારતો અવિનાશ અચાનક કોઈ વિચાર પર ખુશ થઇ વહેલી સવારે નિદ્રાધીન થયો …..
સવારે નિત્યક્રમથી પરવારી અવિનાશે ભાઈ પાસે કેટલાક ટોચના વકીલોના નામ સરનામા લઇ લીધા ….ઘરે એકલા રહેલા બાળકો સાથે વાત કરી “થોડી વધુ યાદ આવી ગઈ હતી …એટલે તમારી મમ્મીને સરપ્રાઈઝ આપવા જ આવ્યો છું” એવું કહી પટાવી લીધા ….ઓફિસે અધૂરા છોડેલા કામ માટે બીજા જરૂરી કેટલાક ફોન કરી….થોડી વારમાં ‘એક મિત્રને મળીને આવું છું પછી જમીને આપણે વકીલને મળવા જઈશું’ …કહેતો અવિનાશ ભાઈને પણ સાથે લઇ કાર હંકારી ગયો ….બંસરી કોઈ વકીલ આટલા સમય પછી આવા કેસને હાથમાં લેશે કે કેમ અને હવે રહી રહીને એણે અવિનાશે પુરાવા અને સાક્ષીની જે વાત કરી હતી એની વિષે એ ચિંતાએ ચડી …બા અને નિયતિ પણ એવું જ કશુંક વિચારતા હતા … બા એ એકાદ વાર કહી જોયું ….
“હવે જવા દે ને …નાહકના તું અવિનાશકુમારનેય આ વાતમાં નાખી ક્યાં હેરાન કરે છે ..!!”
તો ….ઉદયના…અંજુના…બે નાના ભાઈઓના …પરિવાર વિષે વિચારતા આ વંટોળ કેટલા જણના ઘર ઉજાડી દેશે એ વાતની ફિકર એને પણ કોરી ખાવા માંડી ….. આ બધું જોઈ.. સમજી નિયતિને પણ હવે ગભરાટ થવા લાગ્યો હતો…બંસરી પણ બા અને નિયતિ સાથે વાત કરી પોતાના નિર્ણયમાં એ ડગુંમગુ થવા લાગી હતી ….પણ ‘તીર કમાનમાંથી છૂટી ગયું છે …હવે અવિનાશને શું કહું? ‘ એવા મિશ્ર વિચારોનું તો જાણે ઘોડાપૂર આવ્યું …પણ ફરી પાછો મંજુનો વિચાર આવતા એ પોતાનો નિર્ણય સાચો છે એવો સધિયારો મેળવવા લાગી ..
પાછા ફરેલા અવિનાશ સાથે કારમાં બેસી એ જ્યારે બહાર નીકળી ત્યારે બા અને ભાઈ ..નિયતિ સહિત બધાએ અનાયાસે પ્રભુ સ્મરણ કરી લીધું ….
એક અજબ કશ્મકશ સાથે બંસરી અવિનાશ પાસે બેઠી હતી …..ઘણા વર્ષો પછી ફક્ત એ અને અવિનાશ એકલા આ રીતે આ શહેરની સડકો પર ફરી રહ્યા હતા ….પણ ૨૩ વર્ષો સુધી પોતાનું લાગેલું આ શહેર અત્યારે બંસરીને સાવ અજાણ્યું લાગવા માંડ્યું …..નવા ઉભા થયેલા ટાવરો અને બંગલાઓ જોઈ શહેર બહુ વિસ્તરી ગયું હશે એવો એક અંદાજ લગાવતી બંસરીને એ લોકોનું પ્રેમ પ્રકરણ યાદ આવવા લાગ્યું …..આ શહેરના એક પણ રસ્તા એવા નહી હોય જેમાં એ લોકો મિત્રો સાથે વાતો અને મસ્તી કરતા ચાલ્યા ન હોય ….. અત્યારના સંજોગોમાં પણ આવો વિચાર આવતા બંસરીએ એક પ્રેમાળ નજર પોતાના અત્યંત ખાસ મિત્ર એવા અવિનાશ પર નાખી લીધી ….એની આંખોમાં ઉભરાતો પ્રેમ જોઈ અવિનાશે કશુંય સમજ્યા વગર સ્મિત કરી લીધું ….
સામાન્ય રીતે વકીલોની ઓફીસો કોર્ટની આસપાસ વધુ હોય છે જ્યારે કાર બંસરી માટે અજાણ્યા , નવા વિકસેલા રહેણાક વિસ્તાર તરફ જતી જોઈ એણે અવિનાશ તરફ “આ આપણે ક્યાં આવ્યા” એવા હાવભાવ સાથે પ્રશ્નભરી નજર ફેંકી …..જવાબમાં અવિનાશે પણ આંખથી જ ” બરાબર જ જઈએ છીએ ” એવો ઈશારો કરી દીધો ….કાર એક બંગલા પાસે આવીને ઉભી રહી ગઈ ….. પડદા વેલથી ઢંકાયેલી દીવાલો પર કોઈ નામની તકતી દેખાઈ નહી પણ કોઈ વકીલનું જ ઘર હશે એમ એણે ધારી લીધું ….. બેલ મારતા ઘણી વારે એક વૃદ્ધ માણસે દરવાજો ખોલ્યો ..આ કોણ હશે એ કુતુહલ સાથે બંસરીએ એમની સામે જોયું ….પણ ધારીને જોતા જ ઓઝપાઈ ગયેલી બંસરી બે ડગલા પાછી હટી ગઈ…
એની બરાબર સામે મંજુના પપ્પા ….ભસીનકાકા ઉભા હતા …..!!!!!!
બંસરીએ એક આઘાત સાથે અવિનાશ તરફ જોયું …બંસરી કાંઈ બોલે કે પૂછે તે પહેલા એના રોષ અને આંચકાને એક પળમાં પચાવીને અવિનાશે પોતાનો પરિચય ભસીનકાકાને આપ્યો …”કાકા , હું અવિનાશ પંડ્યા ,તમને મળવા અને તમારી સાથે વાત કરવા આવ્યો છું ” ……આ ઓળખાણ બંસરીના પતિ તરીકે નહિ …અવિનાશ પંડ્યા તરીકે એણે આપી ….!
પોતાના ઘરે આવેલા સુઘડ દંપતીને જોઈ શંકાકુશંકા કર્યા વગર “આવો, પણ મેં તમને ઓળખ્યા નહિ” , કહેતા ભસીનકાકા દરવાજા સામેથી ખસી ગયા …અને બંનેને ઘરના આગલા રૂમમાં દોરી લાવ્યા …. સાવ સાદું પણ ઘરની વ્યાખ્યામાં બરાબર ફીટ બેસે એવું રાચરચીલું અને નહીવત શણગાર એવો આગલો રૂમ હતો ….એક સોફા સેટ અને બે મુડા પડેલા હતા …ટીવી ન હતું ..કદાચ સુવાના રૂમમાં રાખતા હશે એવું અવિનાશે બાજ નજરે ઘરનું નિરિક્ષણ કરતા નોંધ્યું ….પણ કાકાને આ અવિનાશ પંડ્યા અને એમની સાથે આવેલી સ્ત્રીની ઓળખાણ ન જ પડે એ સાવ સ્વાભાવિક હતું …તો આ બંનેનું આવવાનું પ્રયોજન સમજતા વાર લાગે તેવી હાલત એમની હતી ….પણ મહેમાનને બેસવાનો ઈશારો કરતા એમણે સોફા તરફ હાથ લંબાવ્યો.
આ બાજુ ૨૯ વર્ષ પછી ભસીનકાકાને જોઈ બંસરીની હાલત બહુ જ ખસ્તા થઇ ગઈ હતી ……એની નસોમાં લોહી સડસડાટ વહેવા લાગ્યું હતું…. એની હ્રદયની એક એક ધડકન એને પોતાને સંભળાતી હતી ….”આ અવિનાશને શું સુઝ્યું ? મને અહીં શા માટે લઇ આવ્યા છે ? ” એ એણે સમજાતું ન હતું ….આવી અસમંજસભરી હાલતમાં એ સોફા પાસે ઉભી રહી ગઈ …કાકાએ હાથ લંબાવી એણે બેસવાનો આગ્રહ કરતા જ બંસરીની નજર સામે એજ હાથે પોતાને ધક્કો મારી રૂમમાં લઇ જતા ….એના તરફ હાથ જોડી ઉભેલા અને પછી પગે પડી વિનવણી કરી રહેલા ભસીનકાકા તરવરવા લાગ્યા ….!!! એ એકદમ અવશ અને અપમાનજનક અવસ્થા અનુભવવા લાગી ….અવિનાશના આ પગલા તરફ એનાં મનમાં ખુબ જ વિરોધ અને ગુસ્સો ઉભો થવા લાગ્યો …પણ કશું ન સુઝતા એ ધબ્બ કરીને પાસેના સોફામાં બેસી પડી …
ચુપકેદીની એ બે ક્ષણોમાં મંજુ સાથે વિતાવેલા સમયનું ચલચિત્ર જાણે એના મનોપટ પર ચાલી ગયું …ચાલુ થયેલી બસ પાછળ દોડતી અને બંસરીનો હાથ પકડી બસમાં ચડતી મંજુ ….મજાક પર ક્યારેક ખીલખીલાટ હસતી મંજુ ….પરિક્ષાની માર્કશીટને દુપટ્ટામાં લપેટતી મંજુ …દાઝેલા , વાગેલા નિશાનને રૂમાલમાં છુપાવતી મંજુ ….એ સાણસીનો ઘાવ ….એ રોજ બાઝી જતું લોહી …એ ડ્રેસિંગ કરતી વખતના સિસકારા ….એ ભવિષ્યના સપના…હથેળી પર પેનથી લખેલા માર્ક્સ અને ચાદરમાંથી બહાર દેખાઈ આવેલી બળેલી ,કાળીમેશ હથેળી ….અને બંસરીનો શ્વાસ ભારે થઇ ગયો અને એના હોઠ સુકાઈને સફેદ થઇ ગયા… એણે પડી જવાના ડરે સોફાનો હાથો સજ્જડ પકડી લીધો ….એની આવી હેબતાઈ ગયેલી હાલત જોઈ અવિનાશે એકદમ ઝડપથી કાકાને કહ્યું …
“બહાર બહુ ગરમી છે એટલે એને ગભરામણ જેવું થાય છે …થોડું પાણી મળશે ?”
“હા ,કેમ નહિ ? એમ કહેતા કાકાએ અંદરના રૂમ અને રસોડાની વચ્ચેની ખુલ્લી જગ્યા પર જઈ હાંક મારી :
“મંજુ ….ઓ મંજુપુતર …!!!”
૧૦….
થોડો નબળો પડી ગયેલો પહાડી પંજાબી અવાજ અને બોલાયેલું નામ સાંભળી હચમચી ગયેલી બંસરી સફાળી ઉભી થઇ ગઈ …એક સાવ અજાણ્યા અને અકલ્પ્ય સંજોગો ઉભા થઇ ગયેલા જોઈ અવિનાશ પણ હબકી ગયો …..ઉભી થઇ ગયેલી ….ધ્રુજી રહેલી બંસરીના ખભા પર હાથ ફેલાવી એને સહારો આપવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો ….આ બાજુ ફરેલા અને આ બંનેનાં વર્તનમાં કશું ન સમજેલા ભસીનકાકાએ ” નક્કી વળગીને બેઠી હશે એના ગોળના ગાડાને…. એને એ સિવાય બીજુ સૂઝેય જ ક્યાં છે …..!!! ” એમ સ્વગત બોલતા ધીમે પગે પોતે રસોડામાં જઈ ફ્રીજ ખોલી પાણીની બોટલ અને એક ગ્લાસ લઈને અવિનાશના હાથમાં આપ્યો …એણે હળવેથી બંસરીને બેસાડી પાણી પાયું ……
બંસરીની આંખોમાં જમીન પર પડેલી …..ચાદર નીચે ઢંકાયેલી મંજુ છવાઈ ગઈ હતી અને આ “મંજુ” નામનો સાદ એણે જોયેલી વાસ્તવિકતાને ચીરી ગયો હતો …એણે જે જોયું હતું એ ભ્રમ હતો ? આટલા વર્ષ જે સહ્યું હતું એ ભ્રમ હતો ? મંજુ એક ભ્રમ હતો ….આખરે આ બધું એક ભ્રમ છે કે શું ?
ચકરાવે ચડેલી બંસરીની માનસિક હાલતથી બિલકુલ અજાણ ભસીનકાકા પાસેના મુડા પર બેસતા ….”હવે કેમ લાગે છે ?’ પૂછી બેઠા …જેના જવાબમાં બંસરીએ એમની સામે જોઈ એક શ્વાસે બોલી નાખ્યું ….”કાકા , હું બંસરી ….!!! પણ મંજુ કયાં છે ?
બંસરીનું નામ સાંભળતા જ એક જાતની અસ્વસ્થતા અને કંપન કાકાના શરીરમાં દેખાઈ ગયા …..ચતુર અવિનાશ અને વિમાસણમાં પડેલી બંસરીના ધ્યાન બહાર ન જ ગયું …..એક બોઝીલ અવાજે …કાકા બોલ્યા ….ઓહ , બંસરી છે !!! ” એની સામે ખાસિયાણા પડી જઈને ધીમે રહીને જાત જાળવતા ” તું બહુ બદલાઈ ગઈ છે એટલે ઓળખાણ ન પડી હો …!! ફિક્કું હસી બોલેલા કાકાના અવાજમાં ઉભી થયેલી પીડા પણ બંસરીના ઘાયલ મન સુધી પહોંચી ગઈ …..” ક્યાં છે પુતર તું ? ઘણા વરસે …નહિ ? આમ અચાનક ? ” જીવનમાં ઘણા ઝટકાઓ ઝીલી ચુકેલા અનુભવી કાકાએ ત્વરિત સ્વસ્થતા ધારણ કરતા સાવ બોદા અવાજે કરી પૂછ્યું ….!!!
“મંજુ ક્યાં છે ?” એવો સવાલ બંસરીએ ઘાંઘા થઇને ફરી વાર પૂછ્યો ….
એના જવાબમાં એ વૃદ્ધે માથું નીચું કરી કયાંય સુધી ધુણાવ્યા કર્યું ….. ૨૯ વર્ષ પહેલાની યાદોએ એ તૂટીને પણ અડીખમ ઉભા રહેવા મથ્યા કરતા માણસની હિંમત તોડી નાખી …… વતનમાં અરોરાપ્રાનો આવેલો ફોન …. પ્લેનમાં આવવાની હેસીયતનો અભાવ અને ગાડીમાં મહા મુસીબતે મળેલી ટીકીટ …..દીકરી અને પત્ની વચ્ચેના અણબનાવોને ડામી શકવા અસમર્થ એક લાચાર બાપ ….દીકરીની ચિંતામાં..અસહ્ય ઉચાટભર્યા મને શનિવારે સીધો અરોરાપ્રાના ઘરે ગયેલો …..ઘણું સમજાવી…. પટાવી હવેથી આવું નહી જ થવા દઉં એવી હિંમત આપી મંજુને પરાણે પોતાના ઘરે લઇ ગયેલો અને ગુમાવી બેઠેલો બાપ અત્યારે બંસરી સાથે આંખ મેળવવા જતા અપરાધભાવથી નવેસરથી બેવડો વળી ગયો ….થોડી વાર પછી કળ વળતા ઉભા થઇ
“મારી સાથે આવો” …..
એમ કહેતા ભસીનકાકા ઉભી થયેલી નવી સ્થિતિમાં ચુપચાપ થઈ ગયેલા અવિનાશ અને વિહવળ બની ગયેલી બંસરીને બીજા રૂમમાં દોરી ગયા ….’ક્યાં જઈ રહ્યા છીએ ? ત્યાં શું હશે’ એ દ્વિધા સમેત બંને કાકા પાછળ દોરાઈ ગયા…..
કાકાએ હળવેથી એક બંધ દરવાજાને ધક્કો માર્યો અને થોડાક અંધકારભર્યા રૂમમાં પલંગ પર એક વૃદ્ધ સ્ત્રી સીધી સુતેલી દેખાઈ ….ઓહ , મંજુના મમ્મી ….!!!!!!! એસીવાળા ઠંડાગાર રૂમમાં આરામથી સુતેલી એ સ્ત્રી સામે મંજુએ એક જાતની ધૃણા અને નફરતથી જોયું …..એમનો હાથ બાજુમાં બેઠા બેઠા ઢળી પડેલી એ બાવીસેક વર્ષની યુવતીના માથા પર હતો …. “હરપ્રીત” અવાજ સાંભળીને પ્રવેશેલા કાકા સાથે કોણ આવ્યું છે એ જોવા આછા અંધારામાં હરપ્રીતે રીતસર આંખો ખેંચી ….એ જોઈ કાકાએ હાથ લંબાવી લાઈટની સ્વીચ દબાવી ….ઝળહળ થઇ ઉઠેલી રોશની અને માથેથી ઉઠી ગયેલો હાથ આ બંને વાતનો અહેસાસ થતા ….યુવતી એકદમ ઉઠી ગઈ ….સામે ઉભેલા બે અજાણ્યા જણને જોઈ વિખરાયેલા કપડા અને વાળ ઠીક કરવા લાગી …અવિનાશે વિવેક કરતા “નમસ્તે.. આંટી ” એમ કહ્યું …..બંસરી તો કશુંય સમજી શકે એવી હાલતમાં જ ન હતી …”આ કોણ ?” એવું એમની આંખોમાં વંચાતા કાકા બોલ્યા …..
“હરપ્રીત , આ બંસરી છે ….!! આટલું સાંભળતા જ એમની આંખોમાં અસંખ્ય ભાવોનું ઘોડાપુર આવી ગયું પણ એક વિષાદભાવ છોડીને ઓસરી પણ ગયું ….પણ બે એક ઘડી પછી બંને ખૂણેથી દદડી રહેલી…. કાન અને વાળ પલાળી રહેલી ….વહેતી ….ઝરમરી રહેલી આંખોના આંસુ લૂછવાની કોઈ હલચલ ન જોઈ બંસરી અને અવિનાશ બધું સમજી ગયા …અને હરપ્રીતકૌરની પરવશતા જોઈ બંસરીનાં કોમળ હ્રદયમાં મંજુ સાથે જાણે ન્યાય થયો હોય તેવો ભાવ ઉભરી આવ્યો …… અને એક ન થવો જોઈએ સંતોષ વ્યાપી ગયો ….એની નજર પલંગની બરાબર વચ્ચે દીવાલ પર લાગેલી એક મોટી તસ્વીર પર પડી જેમાં નાનકડા મંજુ અને અંજુ એક નવવધુને વળગીને ઉભા હતા …. એ તસવીરથી હટાવી એણે નજર હરપ્રીતકૌર પર ઠેરવી …..લકવાગ્રસ્ત હરપ્રીત એક પણ શબ્દ બોલી શકવાને લાયક ક્યાં હતી કે એ એની સાથે લીખાજોખા કરે ….!!!! કુદરતે એના અપરાધી હાથ ….અને ક્રૂર હ્રદયને હમેશ માટે અબોલ અને પરવશ કરી દીધા હતા …..જાણે કે સ્વર્ગ અને નર્ક બંને અહીં જ ભોગવવાના હોય તેમ ……
……”અને આ છે અમારી… ખાસ તો હરપ્રીતની ખુબ જ લાડલી મંજુ” ….. એ યુવતીની ઓળખાણ આપતા કાકા બોલ્યા …..ચહેરે મોહરે એકદમ પંજાબી લાગતી ”..રૂપાળી …થોડી ઉંચી પણ નાજુક મંજુએ બે હાથ જોડી બંનેને નમસ્તે કર્યું …”મંજુપુતર, આ આપણી મંજુની બહેનપણી છે” એ સાંભળી હુંફાળું સ્મિત આપી એ થોડી વાર ઉભી રહી અને પછી કાકા સામે જોઈ ધીમે રહી રૂમ બહાર નીકળી ગઈ …… આ છોકરી મંજુની સચ્ચાઈ સમજાતા બંસરીએ ખુશ થવું કે દુઃખી થવું એ અવઢવમાં અવિનાશ સામે તાક્યા કર્યું …
અંતે કોઈ કશું બોલી ન શક્યું ….બંસરીએ વાતાવરણનો બોજ ન સહી શકાતો હોય તેમ બહાર જવા પગ ઉપાડ્યા …એની પાછળ પાછળ બંને પુરુષો ઘસડાઈ આવ્યા…..
બહાર નીકળી આટલા બધા બનાવો એક સામટા બનતા જોઈ…. સમજી બંસરી સાવ થાકી ગઈ હોય તેમ સોફા પર બેસી પડી …આ ‘એ મંજુ નથી’ એ સમજતા એક અદમ્ય દુઃખ એને ઘેરી વળ્યું …..!! અંદર મંજુના મમ્મીની હાલત ….એના હ્રદયમાં દયાભાવ જાગવા માંડ્યો ….
ભસીનકાકા અને અવિનાશ પણ પાસે આવી બેઠા ….ભસીનકાકાએ ધીમા અવાજે બોલવાનું શરુ કર્યું ….
“બેટી , આટલા વર્ષ તું મારી વિષે શું વિચારતી રહી એ પૂછવાનો બધો જ હક હું ગુમાવી ચુક્યો છું …. છતાં તારા મનમાં ૨૯ વર્ષો દરમ્યાન ઘણા સવાલો અને ફરિયાદો મારી તરફ ઉઠ્યા જ હશે એનો ખુલાસો આજે મને કરી જ લેવા દે …. એ રીતે પણ આજે હું હળવો ..હલકો થવા માંગુ છું “
બંસરી અને અવિનાશે વધુ ઘટસ્ફોટના ડરે કાન માંડ્યા …
” એ સવારે મને લાગ્યું કે અરોરાપ્રાના ઘરેથી મારે મંજુને ઘરે લઇ જ જવી જોઈએ ….હદ બહાર નીકળી ગયેલી સમસ્યાનું કોઈ કાયમી સમાધાન કરવું જ જોઈએ …. અને એના માટે મેં ઘણું બધું વિચાર્યું છે અને હવે એ આ દોઝખમાં વધુ નહી રહે તેવી મારી સમજાવટ પછી એ મારી સાથે આવી પણ ખરી …તને તો ખબર જ હશે એ મને કેટલો પ્રેમ કરતી હતી ….!!એને ઘરમાં લઇ જઈ કડક અવાજે હરપ્રીતને મેં અમારા નિર્ણયોં વચ્ચે ન આવવા તાકીદ કરી દીધી ……ઘરના પુરુષ તરીકે હવે મને આ બે અલગ અલગ દિશાઓની ખેંચતાણ અને અશાંતિ જરાય કબુલ ન હતી ….ઘરના બીજા બાળકો અને સામાજિક પ્રતિષ્ઠાની જુઠી શાનને ખાતર બહાર હસતું મોં રાખી મેં અડધી જીંદગી મંજુ સાથે અન્યાય કર્યા કર્યો હતો પણ હવે ઘરની વાત સાવ બહાર પડી ગઈ હતી એટલે હવે સુકાન મારે જ સંભાળવાનું હતું …વધુ સમય બગાડી મારે વધુ સમસ્યાઓ ઉભી કરવી ના હતી ….એટલે …..મંજુ તરફની ફરિયાદોથી ઉભરાતી હરપ્રીત સાથે ઝાઝી જીભાજોડી કર્યા વગર થોડી વાર પછી .. …હું ઉદયના મામા ..મારા દોસ્ત હતા એમના ઘરે આ સંબંધ વિષે વાત આગળ ચલાવવા નીકળી ગયો…..ઉદય સાથે વાત થયેલી પણ ઘરના સાથે સીધી વાત કરવાના સંકોચ થયો હતો …..અડધા એક કલાકમાં પાછા ફરતા ઘરની આજુબાજુ લોકો જમા થયેલા જોયા ….તારા આવ્યા પહેલા હરપ્રીતે “આ એણે નથી કર્યું” એવું હજારવાર કહ્યા કર્યું …..મારી પાસે એના વિરુદ્ધ કોઈ પુરાવા ન હતા ……જુવાન થઇ ગયેલી મંજુ પણ છેલ્લે બહુ ગુસ્સામાં હતી ….એ ઉપરાંત મારી એક દીકરીને ગુમાવ્યા પછી બાકીના બાળકોને હરપ્રીત વગર પાછા નમાયા કરવાની હિંમત પણ ન હતી એટલે શંકાનો લાભ આપી મેં ચુપ રહેવાનું ઠીક સમજ્યું અને તને પણ વિનવી હતી …..”
બંસરી અને અવિનાશ ધ્યાનપૂર્વક વાત સાંભળી રહ્યા હતા ….એવામાં મંજુએ આવીને બધા સામે નાસ્તો અને શરબત મુક્યા …કાકા એની સામે પ્રેમથી જોઈ રહ્યા ….એનો હાથ પકડી બાજુના મુડા પર બેસાડી એ બોલ્યા …
” બંસરી . તું માન કે ન માન આ છોકરી અમારા પ્રાયશ્ચિત માટેનો એક રસ્તો છે ….ગઈ કાલે જ આનું પરિણામ આવ્યું છે અને એ પહેલા નંબર સાથે બી.કોમ થઇ ગઈ છે ….મારી બંને મંજુ બહુ હોશિયાર નીકળી ”
આ સાંભળી મીઠ્ઠું મલકાતા બધી જ વાત જાણતી મંજુ બંસરી સામે જોઈ બોલી …
” આંટીજી ,એવું નથી પાપાજી તો મારા ઉદ્ધારક છે …બાકી મારા જેવી એક અનાથને આટલો પ્રેમ કોણ આપે ? અને બીજીને તો એમની મંજુ વગર ..મારા વગર જરાય ન ચાલે ..બીજી તો છેલ્લા ૧૩ વર્ષથી જ એ આ અવસ્થામાં છે બાકી તો મને બેહિસાબ પ્રેમ કર્યો છે …આજે હું જે પણ છું પાપાજી-બીજીના લીધે છું …!! ”
એક સંતોષભર્યું હાસ્ય કાકાના ચહેરા પર આવી ગયું …..હવે એકદમ સ્વસ્થ થઇ ચુકેલી બંસરીએ શરબતનો ગ્લાસ મોઢે માંડતા નોંધ્યું કે ભસીનકાકા એમની ઉંમરના પ્રમાણમાં થોડા વધુ ઘરડા લાગતા હતા ….
ખાલી થયેલા ગ્લાસ લઇ ઉભી થઈ અંદર જતા મંજુ બોલી ….
“અંકલજી, આંટીજી ….વાતો સાથે આ નાસ્તાને પણ ન્યાય આપજો અને કેવો બન્યો છે એ પ્રમાણપત્ર પણ …. “
“બહુ ઘરરખ્ખુ છોકરી છે …..આખું ઘર ..મને અને એની બીજીને એ જ સંભાળે છે” …..એને અંદર જતા જોઈ રહેલા કાકાએ બંસરી સામે નજર માંડી વાતનું અનુસંધાન સાધ્યું….
“પણ બેટી , એ પછી મારા અને હરપ્રીતના સંબંધમાં જરાય સહજતા ન રહી …..પ્રેમ , લાગણી , સંભાળ જેવું કશું નહી ….ઘર બહાર નીકળતા આખા ગામની આંખો મને જાણે નામર્દ કહેતી હોય તેમ ચીરી નાખતી ….. ….વખત જતા….. હંમેશા શાંત રહેલી અંજુ પરણીને પહેલા પંજાબ અને હવે અમેરિકા સેટલ થઇ ગઈ …અહીં આવવાનું તો એ નામ પણ નથી લેતી …ખબર નહી ..મનમાં શું લઈને બેઠી હશે …..!!! હા , ક્યારેક ફોનમાં વાત કરી લે …..બંને ભાઈઓ મનજીત અને પરમજીતના લગ્ન પણ થયા………….સાથે રહ્યા પણ હરપ્રીતના કડપ અને કડક સ્વભાવને કારણે બંને વહુઓનો મેળ પડે એવું ક્યાં હતું ? ગામમાં જ જુદા રહેવા ચાલ્યા ગયા ..કોઈક વાર મળવા આવે …વખત જતા આ ધક્કા અને મારી ઉદાસીને સમજી જતા હરપ્રીતના રવૈયામાં એકદમ બદલાવ તો ન આવ્યો પણ એની કડકાઈ ઓછી થતી મેં અનુભવી…અને અમે આ મંજુને પંજાબના એક ગામમાંથી લઇ આવ્યા ….ત્યારે એ ત્રણેક વર્ષની હશે ….આના આવ્યા પછી અચાનક હરપ્રીતના સ્વભાવમાં એક અદભુત બદલાવ મેં અનુભવ્યો ..પોતાના બાળકોને દુર થતા જોઈ ..પોતાના પાપોનું જાણે પ્રાયશ્ચિત કરતી હોય તેમ એણે એના મનમાં છુપાવી રાખેલું હેત….પ્રેમ આ છોકરી પર રેડવા માંડ્યું ….એનું નામ પણ બદલીને “મંજુ” પાડી દીધું ……પણ ૧૩વર્ષ પહેલા આમ સાવ પથારીવશ થઇ ગઈ છે … હવે અમે બાપદીકરી એકબીજાના સહારે છીએ…… તો આ છે અમારી ૨૯ વર્ષની કહાની “
ભૂતકાળનો એક આખો ખંડ જાણે બંસરીની સામે મૂકી દીધો હોય અને હવે એ બોજ ઉતારી દીધો હોય તેમ ભસીનકાકાએ પોતાના મોં પર ઘ્રુજતી હથેળી ફેરવી લીધી ….થોડીક વાર આખા રૂમમાં એજ ચુપ્પી છવાઈ ગઈ ….કોણ શું બોલે એ સમજાયું નહિ અંતે કાકાએ પૂછ્યું :
” પણ તમે અચાનક અહીં આવ્યા …કોઈ ખાસ વાત ? ”
ઉતાવળા અવાજે અવિનાશે બોલવા માંડ્યું “ના ના , કાકા ,એવું ખાસ તો કાંઈ નહી પણ એકલી વેકેશન માણવા આવેલી બંસરી એની જૂની બહેનપણીઓ અને એના પરિવારની ખબરઅંતર લેવા માંગતી હતી ….. મને પણ આ વિચાર બહુ જ ગમી ગયો …..આજે મારે એક મિત્રની ૨૫મી લગ્નતિથિ માટે આવવાનું થયું તો સવારે તમારા વિષે મોટાભાઈએ તપાસ કરાવી અને જુઓ, અમે તમને મળવા આવી ગયા ….. તમને મળીને મને જ આટલો આનંદ થાય છે તો બંસરીને કેટલું સારું લાગતું હશે …!!! હેં ને બંસરી ? ”
અવિનાશનું આ અર્ધસત્ય સાંભળી બંસરીને અચાનક આવો જીવનસાથી મળ્યા બદલ ખુબ ગર્વ થવા માંડ્યો ..એની રગરગમાં અવિનાશ પ્રત્યે અહોભાવ અને ધન્યતાનો અનુભવ વહેવા લાગ્યો ….
ભસીનકાકા પણ આ બંનેને જોઈ ખુબ હળવાશ અને આનંદમાં આવી ગયા હતા …પરાણે લસ્સીના બે ગ્લાસ પીવડાવતા અવિનાશ અને પરિવાર ..બાળકોના સમાચાર પૂછી લીધા …એ બંનેને વાતો કરતા મૂકી બંસરી હળવેથી અંદરના રૂમમાં સરી ગઈ અને હરપ્રીતકૌરના ગોરા …..રડીરડીને રતુંબડા અને આંસુઓથી લદબદ થઇ ગયેલા ચહેરાને જોઈ બંસરી પોતાના બંને હથેલી હરપ્રીતના ચહેરા પર ફેરવી લીધી …..પછી પાસે બેસી એમના હાથને પોતાના હાથમાં લઇ ચુપચાપ બેસી રહી… જાણે બે સ્ત્રીઓ એકબીજાના અંતર સાથે વાત કરતી હતી ….. “હું તમને યાદ કરતી હતી …..હવે પણ કરીશ” એવું દ્વિઅર્થી વાક્ય બોલી એમના માથા પર હાથ ફેરવી બંસરી સજળ આંખે બહાર આવી ગઈ ……!!!
પોતાની દીકરીની વયની … મીઠ્ઠાબોલી મંજુનો બનાવેલો નાસ્તો જરાક ચાખી …..ઢગલાબંધ વખાણ કરી….એના માથા પર પ્રેમાળ હાથ મૂકી …”આ તારા પરિણામની ખુશીમાં” એમ બોલી બંસરીએ એના પર્સમાંથી થોડી નોટ કાઢી મંજુની હથેળી ખોલી મૂકી દીધી અને એની મુઠ્ઠી બંધ કરતી વખતે એની આંખમાં કોઈક વિશેષ ઝબકારો અવિનાશે અનુભવ્યો ….”મારા આ બે વડીલોનું વિશેષ ધ્યાન રાખજે” એવું બોલી સાવ હળવીફૂલ થઇ ગયેલી બંસરી બહાર નીકળતી વખતે ભસીનકાકાના હૈયે વળગી …”ફરી પાછી આવજે” એમ કહેતા કાકાને આટલા વર્ષ કોસવા બદલ મનોમન માફી માંગી અવિનાશ સાથે કારમાં બેઠી ….હાથ લંબાવી એ બાપ દીકરીને ‘આવજો’ કહી દીધું ….!!!
કાર શરુ કરી વળાંક પર બાજુમાં બેઠેલી બંસરીના ખુશખુશાલ ચહેરાને જોઈ મજાકમાં પૂછ્યું …..”તારી જાણમાં કોઈ સારો વકીલ હોય તો બોલ …ત્યાં જઈએ ” ગીયર પર રહેલા એના હાથ પર હાથ મૂકી બંસરીએ જવાબ દીધો ” મારે તો વકીલ પણ ઘરમાં છે અને મનોચિકિત્સક પણ ઘરમાં જ છે ….મારે ક્યાં ક્યાંય જવાની જરૂર જ છે ? ” બંને ખડખડાટ હસી પડ્યા …….બંસરીની સાથે સાથે અવિનાશ પણ હળવો થઇ ગયો હોય તેમ ગીત ગણગણવા માંડ્યો .
ઘરમાં પ્રવેશતા જ બંનેના મોં પરની ખુશીએ આખી વાત જાહેર કરી દીધી.. …ભાઈએ પૂછી લીધું ” તો ? …બાકી ખબર તો પાકી આપી હતીને મેં ? અરે, તમારી સાથે તે દિવસે વાત કર્યા પછી ચાર દિવસથી આ જ ચિંતામાં હતો …..બે દિવસથી હું ઓફિસે ક્યાં ગયો જ છું ? આ જ ધંધે લાગ્યો હતો… બંસરીને આમ પીડાતી મારાથી જોઈ શકાતું ન હતું ” ટૂંકમાં આખી વાત સાંભળી બા પણ આનંદમાં આવી ગયા …તો નિયતિએ ભેટી લીધું .. !! અવિનાશે હાશ કરીને સોફા પર પડતું મુક્યું …..
એક ફોન કરી લઉં એમ કહેતી બંસરી અંદરના રૂમમાં ગઈ અને ઉદયને ફોન જોડ્યો….આજનો આખો ઘટનાક્રમ કહી છેલ્લે ઉમેર્યું ….”તો આગળની વાત કાલે સાંજે કરીશું ….!!!”
બીજે દિવસે અવિનાશ અને બંસરી મંજુ અને બંસરી ભણ્યા હતા એ કોલેજ ગયા ….બદલાઈ ગયેલા માહોલમાં પોતાનો પરિચય આપી બંસરીએ આ વર્ષથી બી કોમમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ માટે ઇનામ જાહેર કર્યું …….બંસરી અને ઉદય તરફથી ….. ” મંજુ ભસીન એવોર્ડ ” આચાર્યે ખુબ આશ્ચર્યથી કહ્યું “તો તો આ વર્ષે મંજુ ભસીનને જ આ “મંજુ ભસીન” એવોર્ડ જશે ” બંસરીએ સૂચક સ્મિત આપી વાતને આટોપી લીધી ….!!
ઘરે બધાએ બંસરીનો વર્ષો જુના એક અપરાધભાવથી છુટકારો થયો એ એક ઉત્સવથી ઓછું ન ગણાય એટલે ભાઈના અને પોતાના બાળકોને કાલે અહીં આવી જવા ફોન કરી દીધા……!!!
એ રાતે અવિનાશની છાતી પર માથું મુકતા બંસરી બોલી…. ” તમે મને સમજો છો એ મને બહુ ગમે છે “
સમાપ્ત :
– નીવારાજ
મસ્ત… હજુ વધુ ને વધુ આવી સુંદર વાર્તાઓ આપના કી બોર્ડમાંથી પ્રગટ થાય તેવી શુભેચ્છાઓ.
બાપુ , અપેક્ષાઓ વધી ગઈ છે અને મારી બીક પણ ..:)
વાહ નીવાબેન,,,જબરદસ્ત પ્રસંગો ના ચઢાવ -ઉતાર,,,શરૂઆત તો કરી હતી , વાર્તા આજે થોડી વાંચું અને થોડીક કાલે, પણ પહેલો જ ફકરો વાંચતા જ મન બદલી નાખ્યું,,,,,,”વાંચનારા સાર પામી જાય છે, વાત ની શરૂઆતથી અંદર સુધી ” “ચિંતક પાલનપુરી”– અને એટલે જ ૧૧-૩૦ થી શરુ કરી ને ૧૨-૫૦ સુધી પૂરી વાર્તા વાંચી ,(નાખી નહિ ) ————————————————————-વાત બિલકુલ સાચી કે જ્યારે પણ એકાંત મળે ત્યારે નરસાં પ્રસંગો કે બનાવો જ યાદ આવતા હોય છે, એ જ હકીકત બંસરી ના મન માં એક ખૂણા માં સંઘરાયેલી પોતાની સહેલી ની કરુણ કથની યાદ આવી જેના માટે પોતાને ગુનેહગાર સમજવા લાગી ,,,એક એવી બહેનપણી માટે જે અનાયાસે એની નજીક જ ન આવી પણ દિલ માં વસી ગઈ , એની સરળતા ,એની દુઃખ સહન કરવાની શક્તિ,કોઈને એનો અણસાર પણ ન આવે એમ પોતાની પીડા સંતાડવાની આવડત, સાથે સાથે ઘરના તમામ કામો માં માહેર ,,,,,,,માં નો સહવાસ ગુમાવીને નવી માં ના ત્રાસ સામે ઝઝુમતી એની સખી ,.જેને ઘરે જવા સમજાવી , એની વાત માની ને ઘરે જવા તૈયાર થઇ,અને અકાળે મોત ને ભેટી,,એનું અત્યંત દુઃખ …..પછી બાપ ની પરવશતા,અને વિનવણી માટે મોઢું સીવી લીધું પણ કોઈ ને કોઈ વખતે તો એ ઉભરો બહાર ઠલવાયા વગર રહેતો નથી,ફરી પાછુ પિયર માં આવ્યા પછી પોતાને એ કામ માટે દોષિત સમજી ને સખીને ન્યાય મળે એનો આત્મા તૃપ્ત થાય અને પોતાના પ્રયત્નથી ગુનેહગાર ને સજા મળે તે હેતુથી કેશ ફરી ખોલાવવાની વિમાષણ ,પ્રેમાળ પતિ ના સાથ સહકારથી સખી ને ચોકસ ન્યાય અપાવી ને મન નો બોજ હલકો કરવા કદમ ઉપાડ્યા,પણ પહોંચ્યા સીધા સખીના પરવશ પિતાના દ્વારે,,,અને ત્યાં જઈને કુદરતનો ન્યાય જોઈને ફરી વિચારમાં આવેલો પલટો,,,,જેમને સજા અપાવવી હતી તેમને માટે અનુકંપા જાગી, સખીની માં ના સ્વભાવમાં સંજોગોને આધીન આવેલો સુધારો સાંભળી “હું સજા આપવાવાળી કે અપાવવાવાળી કોણ ? ” ના વિચાર સાથે સમાધાન કરી ને અપરાધભાવ થી મુક્તિ મેળવી તમામ બોજ નેવે મૂકી ને ફરી પ્રેમાળ પતિ ની સમજદારી પર ગર્વ,,,,,,,,,વાહ ,,,મજા આવી ગઈ,,,,,,ખુબ જ હૃદયસ્પર્શી રજૂઆત ,,બધાં જ ભાવો ને સમાવ્યા ,,,,,અભીનંદન …એક સારી વાર્તા અને વિચારો માટે …………………એજાઝખાન બલૂચ “ચિંતક પાલનપુરી”
આખી મનોદશા સમજી શક્યા ..તે માટે ખુબ ખુબ આભાર એજાઝભાઈ .:)
Very well written story. Touches one’s heart. Surprising ending too.
Gaurang G. Vaishnav, NJ, USA
thank you so much ….:)
Well ..first I thought that this is going to be a very long story, but as i kept reading it , i got engrossed in it…very nicely written…end was even wonderful..in nutshell , very well spent hour of my time…many congratulations to you … Niva ben
oh ..thank you so much for reading my story …believe me this is my 1st story so far …
but till the 6th episode it was easy for me to write as this is my own experience but later on when it became imaginary i found bit difficult as story may go to many directions …i have asked public opinion on facebook too for its end but none of them convinced me so at the end i v ended it like this .
thanx again for reading me ..keep visiting my blog ..it encourages me ..:)
Hi..
Niva Ben:
I also write micro fiction stories (one which is consist of not more than 100 words) . One of the very well known gujarati web site is kind enough to publish them. If you ever interested in reading them please email your email id at henkcv12@gmail.com and i will send you the link.
I could have put the link here too, but it would be like steering readers from your blog, which would be unfair to your blog and your efforts.
Good to know that your daughter is going to be physical therapist. i am a PT too…
thank you so much …i wud love to visit such sites ….yes ..this will be her last year in christian medical college vellore …:)
Dear Niva Ben:
If you visit aksharnaad.com and tag my name in writer’s list , i am the last one (lord of the last bench (:(; )..you will able to read my stories.
here is one of the link..
http://aksharnaad.com/2014/03/31/MICROFICTION-5/
thank you for your interest.
વાહ …તમે તો ચોટદાર લખો છો ….શબ્દની સેવા આમ જ કરતા રહો એવી શુભકામના ..:)
Thank you
નવી વાર્તા શરુ થઇ છે …અનુકુળતાએ વાંચજો
Sure..it will be my pleasure…
આભાર
Respected Niva Ben:
My new stories just got published today…please do enjoy them..
http://aksharnaad.com/2014/06/17/microfiction-9/
બહુ સરસ …:)
thank you..ben
Really very good … and since this is your first i would say excellent. You have mastered the art of storytelling … the reader never wants to leave the story or feel bored. The emotions are nicely captured and equally well presented. Also, just like in movies..you got a Happyyy wala end. But in real life, not every crime is punished by God (atleast visibly) and one has to muster courage to fight rather than to be a silent witness.
Nivaben, I expect many more stories from your pen … May you words live forever and be an inspiration to many.. cheers … 🙂
તમે મારા બ્લોગ સુધી આવ્યા ..આખી વાર્તા વાંચી એ માટે તમારો આભાર …. શબ્દો મારું ક્ષેત્ર નથી …છતાં આ હિંમત કરી અને મિત્રોએ બિરદાવી ..ગમ્યું
ખુબ જ હૃદયસ્પર્શી રજૂઆત
આભાર …રાહુલભાઈ
ek sathe j vanchi :”manju”……………….no words……………………….!!!
thank you so much……bhai
ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા…
ઓહ … ખુબ જ આભાર સર … મારી પ્રથમ વાર્તા છે … બીજી લખાઈ રહી છે ..અવઢવ ..૧૧ ભાગ અહીં મુક્યા છે .
ખુબ આભાર …. પ્રોત્સાહન એક પૂણ્ય છે … તમે કમાયું 🙂
શબ્દો વિના પણ ઘણું બધું કહીને આકાશ પણ સ્વચ્છ બની ગયું.
🙂
તમારી આ વાર્તા વાંચતા વાંચતા જ્યારથી મંજુ એ બંસરીને એના દુ:ખની વાત કહેવાની ચાલુ કરી કે અંત સુધી આંખમાંથી આંસુ વહેતા અટક્યા નથી…ટચી વાર્તા
સત્યઘટના …. બંસરી = હું … 😦
તમારો આભાર 🙂
mari req fb par accept karsho to aapno khub khub abhar
છેલ્લા ઘણા દિવસથી મંજુ વાંચવાની ઇચ્છા હતી…પણ કાલે એક્ઝામ પુરી થૈ અને આજે મે વાંચી…
કોઇક કોઇક બનાવ એટલા હ્રદયસ્પર્શી રહ્યા કે ક્યારેક ધબ્કાર ચુકાઇ ગયા અને ક્યારેક આંખ ભરાઇ ગઇ..
નિવામે’મ…ખરેખર તમને વાંચવાની આદત પડી જવાની છે અને એ આદત મને બહુ ગમશે…
હજુ બહુ બધુ લખો અને હુ એક્ઝામ પુરી થશે એટલે પહેલા તમને વાંચીશ
(મે જ્યારે વાંચવાનુ શરુ કર્યુ ત્યારેજ મને ખબર પદી ગયેલી પત્રોના નામ પરથી કે આ રીઅલ ઘટના છે…. 🙂 )
thank u so so sooo much for this wonderful…and and….this touchy story.
ખુબ આભાર …મારી નાનકડી દોસ્ત … 🙂 અહીં સુધી પહોંચી જવા બદલ ખુબ આભાર માનું છું … 🙂
“મંજુ” આ નામે મને એવી તો જકડી રાખી કે આજે સવારે સવારે જ આખી વાર્તા એકજવાર માં વાંચી ગઈ. ઘરના કામ રહી ગયા. પણ સાથે વાર્તા વાંચવાનો આનંદ પણ એટલો જ થયો. સાચે જ મનના ખૂણામાં ઘર કરી ગયેલી ઘટના કે કોઈ વાત જ્યાં સુધી કોઈની સામે ખુલ્લા મને વ્યક્ત ન થઈ શકે ત્યાં સુધી તકલીફ આપે છે. વાર્તા ખૂબ જ સરસ રીતે રજૂ કરી.
વાહ …ખુબ આભાર
speechless…
નિવાબેન એક જ બેઠકે મંજુ પૂરી કરી અવિરત રસપ્રદ અને દિલને ચોટ લાગી જાય તેવી સળંગ વાર્તા તમારો પહેલો જ પ્રયાસ હોય તેમ લાગતું નથી અને એમ જ હોય તો તમને અનેક અનેક ધન્યવાદ.
Thanks
ખુબ આભાર ..મીનાક્ષીબેન
જોરદાર વાર્તા
ખુબ આભાર
Really awesome so interesting story
ખુબ આભાર
શ્રી પ્રવીણ શાસ્ત્રીના બ્લોગ ઉપરથી તમારો બ્લોગ મલ્યો. આ વાર્તા આજે વાંચી. કરૂણ વાર્તાનો અંત સુખદ બતાવ્યો. જો જોવા જઈએ તો સમજોને કે આજથી ૩0-૩૫ કે ૪૦ વરસ પહેલાંના પ્રસંગની વાર્તા બતાવી છે, પણ આવા સંજોગોમાં લાચાર બાપ કે નિર્દયી સાસરા પક્ષે દીકરી કે અણગમતી વહુ સળગી જાય કે મારી નાંખવામાં આવે એમાં આજના જમાનામાં પણ બહુ ફેર નથી પડ્યો. શિક્ષિત હોવાથી થોડો ફેર પડે કે આસાનીથી પોલીસ કેસ થાય એટલુંજ…
સરસ વાર્તા.
મનસુખલાલ ગાંધી
Los Angeles. CA
U.S.A.
૦MG નીવારાજ આજે અત્યારે એક જ બેઠકે આપની વાર્તા ૧ થી ૧૦ પ્રકરણ વાંચી ગયો સાચું કહું ફેસ બુક.માં ટાઇમ બગાડવા કરતાં લેખનમાં વિશેષ સમય આપો તમારામાં વાચકને જકડી રાખવાની શક્તિ છે શ્રેણી- શબ્દ શ્રેણી બંધ કરો નીવાબેન તમો ચોક્કસ મારાથી ઉંમરમાં નાના જ હશો તો આ વડીલની વાત માનસો ?
આખીય વાર્તા વાંચી. માનવમગજમાં કાઈ કેટલીય વાતો/ઘટનાઓ ધરબાઈ રહેતી હશે, નહિ !મંજુ…બંસરી… મગજમાંથી ખસતા નથી. એ સમયે મંજુ પર કેવું વિતતું હશે, બાંસરીની શરૂઆતની આ વાત સમજવાની ગડમથલ, ને પછી સમજાયા પછીની સ્થિતિ…
વાર્તાનો અંત બિલકુલ કલ્પિ ન શકાય એવો… મનમાં થતું હતું કેઆવા મા-બાપને કાયદાકીય રીતે સજા મળે, એવું આવે તો કેવું સારું…
😍
ખૂબ જ સહ્દયી રજૂઆત નિવાબેન તમે વધારે ને વધારે નવલિકા અને નવલકથાઓ લખો એવી અઢળક શુભેચ્છાઓ
મંજુ એક હ્દયદ્રાવક સત્યઘટના હજુ મગજમાં ભમે છે અને હ્રદયમાં રડે છે અને એ જ તમારી કલાનો અદભૂત નમૂનો છે
ખૂબ ખૂબ આભાર 😍
Akhi story..be j bethak ma vanchi..khubj gami..
Haju pan lakhata raho..
Vanchavu gamsej
Many thanks 🙏🏾
કથાને અદ્ભૂત વળાંકો આપ્યાં છે અને છતાં ખચકો લાગતો નથી! કોઈ કેસને રીઓપન કરવાનું કામ ૨૯ વરસ પછી કેવું કપરું હોઈ શકે તે સામાન્ય વાંચકના મનમાં મૂંઝવણ તરીકે ઉઠવા યોગ્ય પ્રશ્ન હોવા છતાં તેનાં આરોપીઓની રૂબરૂ મુલાકાત વખતે તેઓ જે પીડા વેંઢારતાં દેખાયાં તેમાં કર્મનો સિદ્ધાંત કે પછી કરણી તેવી ભરણી કે વાવો તેવું લણો… જેવી દશા સિદ્ધ થયેલી જોઈને બંસરીને ઘણી રાહત થાય છે. વાર્તાને ઘણાં આયામ સાંપડ્યા છે. અંજુએ પોતાને મળતી ખુશીને લીધે બહેન મંજુ માટે ઠલવાતો ત્રાસ જોવાનું મંજુર ગણ્યું, એ પણ કેવી વિટંબણા કહેવાય? આજે છતે બબ્બે દિકરે મા બાપનું ધ્યાન રાખવા અનાથાશ્રમની છોકરીને આશરે ને એ ય પથારીવશ થઈને ભોગવવાનું ‘નવી મા’ને ભાગ્યમાં આવ્યું!
સરવાળે એક સરસ વાર્તા મળી છે એનો આનંદ.
ખૂબ ખૂબ આભાર 🙏🏾