hand-photo

હળવા પવન અને માછલીની ચહલપહલથી પાણીમાં હરકત થઇ ઉઠતી હતી … પ્રેરકની વાત સાંભળી ત્વરાના મનમાં પણ તરંગો ઉભા થઇ ગયા .સાંજ અને રાત વચ્ચેનો ગાળો હતો … ડૂબતા સુરજના આછા અજવાળા નદીના પાણીને આછેરો ઝળહળાટ આપી રહ્યા હતા . હજુ ફ્રન્ટ પરના થાંભલા પર રોશનીનો શણગાર લાગ્યો ન હતો …ત્વરા ઈચ્છતી હતી કે એના જીવન પર રાતના ઓળા ન પથરાઈ જાય .

એક અછડતી નજર ત્વરા પર નાખી પ્રેરકે જાણે ત્વરાની આંખોમાં ડોકાઈ રહેલા સવાલનો બોજ ન ઝીલી શકતો હોય તેમ નજર પાછી વાળી પાણી તરફ જોયા કર્યું .અચાનક એ ઉભો થયો ‘હમણાં આવું’ કહી ઝડપી પગલે ચાલતો થયો …ત્વરા એને જતા જોઈ રહી એનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું …એને ગળે સોસ પડ્યો ..બાજુમાં હાથ ફેરવ્યો ..પાણીની બોટલ ન હતી …એને સમજાયું કે પ્રેરક કારમાં પડેલી પાણીની બોટલ લેવા જ ગયો હશે … એ એમ ને એમ બેઠી રહી .. હાથમાં રહેલા ફોન પર પ્રાપ્તિનું નામ ઝબકયું ..એણે ‘અમે રીવર ફ્રન્ટ પર બેઠા છીએ અને થોડું મોડું થશે’ ..એમ કહેતા જ સામેથી ખળખળ વહેતી ખુશી એના કાનમાં ઠલવાઈ ગઈ ..’હા હા , ઘરડે ઘડપણ જલસા કરો ..આરામથી આવજો’ એમ કહી પ્રાપ્તિએ ફોન મૂકી દીધો ….. !

ફરી પાછી પળો થંભી ગઈ હોય તેવું લાગ્યું … એના ધબકારા વધી ગયા . એવું તો શું કહેવાનું હશે ? આટલા વર્ષો સુધી પ્રેરકે શું છુપાવ્યું હશે ? ઈશ્વરની જેમ આરાધેલા માણસ વિષે કશુંક અણગમતું સાંભળવા મળશે તો હું શું કરીશ ? પ્રેરકે મને જેવી હતી તેવી ….જેવી છું તેવી સ્વીકારી છે ..હું એવું કરી શકીશ ? એક સાથે અનેક સવાલો ત્વરાના મન પર હથોડાની જેમ વિંઝાયા . એના હાથના ટેરવા બરફ થવા લાગ્યા .એ ઠંડક આકરી લગતી હોય તેમ બંને હાથની હથેળીઓ એણે ઘસી નાખી .અને પોતાની હથેળી પરની આડી અવળી ફંટાયેલી રેખાઓ જોઈ રહી .આપણો હાથ એક બીજી વ્યક્તિના હાથમાં સોંપવાથી હસ્તરેખામાં કોઈ ફેરફાર થતો હશે ? રેખાઓનાં શાસ્ત્ર વિષે એણે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું ન હતું .સંબંધોને જીવી જિંદગીની ગતિ સીધી કરવામાંથી એને ફુરસત ક્યાં મળી હતી ?પાછો આવી પ્રેરક ક્યારે બેસી ગયો એ ધ્યાન ન રહ્યું …પાણી લેવાના બહાને પ્રેરકે પોતાના મનમાં રહેલી બધી વાતોને ભેગી કરી લીધી હતી….મનને તૈયાર કરી લીધું હતું …આજે એને પૂરું ખુલવું હતું .વિચારમગ્ન ત્વરાને જોઈ એને ખરાબ લાગવા માંડ્યું …ધીમેથી એના હાથમાં પાણીની બોટલ મુકાતા ત્વરાએ પ્રેરક સામે જોયું ….!

ફિક્કું હસી ‘તમે કૈક કહેતા હતા’ એમ બોલી ત્વરાએ પોતાના હાથની રેખાઓને છૂપાવતી હોય તેમ મુઠ્ઠીઓ વાળી લીધી અને અધીરાઈ દબાવી બને એટલી સહજતાથી કહી જોયું.

લાંબો શ્વાસ લઈ પ્રેરકે ત્વરા સામે જોઈ શરુ કર્યું :

‘તું નથી જાણતી એવા પ્રેરકને જાણવો છે ? એક નહી અનેક કબૂલાતો કરવાની છે આજે …. મને એ વાતનો અહેસાસ છે કે તારા માટે હું પતિ કે મિત્ર ઉપરાંત ઘણું વધારે છું ….. પણ તું ધારે છે એટલો સારો હું નથી .’

આવી શરૂઆત થતા જ ત્વરા વધુ ગંભીર થઇ ગઈ. પણ જે હોય તે બધું આજે સાંભળી જ લેવું છે એમ એણે મન મક્કમ કરી લીધું અને હંમેશ મુજબ એનું મન આંખ અને સમજ કાન પર આવીને બેસી ગયા.

‘લાંબી વાત છે ત્વરા ,
પપ્પામમ્મીના આગ્રહથી તને જોવા આવ્યો એ પહેલા જ મને કોલેજમાં નોકરી મળી હતી . મારી સાથે કામ કરતી એક સરસ., હોંશિયાર અને ચંચળ યુવતી શલાકા સાથે ઘણી સારી દોસ્તી થઇ રહી હતી . ક્યારેક સાથે આવવા જવાનું પણ બનતું …લીફ્ટ આપી દેતો. એક સાથે નોકરીમાં જોડાયા હોવાથી નવું કામ અને વિદ્યાર્થીઓના માનસ અને એવા પડકારોની ચર્ચા કરવાથી ઘણું શીખી રહ્યા હતા . સતત સાથ હતો …મને એ ધીરે ધીરે ગમવા લાગી હતી …કશુંક પ્રેમ જેવું થઇ પણ જાત .એ પહેલા જ એક વાર એની કોઈ મિત્રે અમને સાથે જોયા પછી કોઈ ફોનમાં પૂછપરછનાં જવાબમાં એણે મારી સામે આંખ મારતા ‘કશું નથી યાર , જસ્ટ ટાઈમપાસ છે’ એવું કહેતા હું સડક થઇ ગયો હતો. જે છોકરી મારી મિત્ર છે એ મારા માટે આવું વિચારે છે એ વાતે મને હેરાન પરેશાન કરી નાખ્યો … કોલેજમાં ભણાવતા એક જવાબદાર માણસનું નામ આમ ખરડાઈ જાય તો મારે કામ કેવી રીતે કરવું ? બધા અમને ખુબ નજીક માનતા હતા આવી મજાક બન્યા પછી નજરોનો સામનો કેવી રીતે કરવો ? વાત વધે એ પહેલા મેં ધીમેથી એ દોરીને ખેંચી લઇ સંકેલી લીધી..વીંટી લીધી .એ વાત ત્યાં જ ખતમ થઇ.

જો કે એ દિવસ પછી હું એક વાતે સ્પષ્ટ થયો કે સંબંધો બહુ ગંભીર જવાબદારી છે… એ તકલાદી કે તકવાદી હોઈ જ ન શકે .… જીવન વિતાવી શકાય તેવી ન લાગે ત્યાં સુધી તનમનથી કોઈની નજીક ન જ આવવું .ત્વરા , લાગણી બહુ અમુલ્ય વસ્તુ છે …એને વેડફવી એટલે આખી એક વ્યક્તિ વેડફવી …એક આખો સંબંધ વેડફવો . એટલે મારી વાતો અને ભણાવવાની રીતથી પ્રભાવિત થતી કોઈ છોકરીમાં મને મારી સંગીની દેખાઈ જ નહી .’ટાઈમ પાસ’ શબ્દ જાણે મનમાં જડાઈ ગયો હતો .મનના દરવાજા મેં સજ્જડ બંધ કરી દીધા હતા.એ આપમેળે જ ખુલે તેમ હતા… કોના ધક્કાથી નહિ . શલાકાના લગ્ન થતા એ તો લંડન જતી રહી.

ખોટું નહિ કહું … તને જોવા આવ્યો ત્યારે એકદમ પહેલી નજરે સાવ શાંત ત્વરા મને બહુ વધુ ગમી નહોતી …હું પોતે વાતોડિયો એટલે મને એવી જીવનસાથી જોઈતી હતી કે જે મારી સાથે અનેક વિષયો પર ચર્ચા કરે , ખુબ વાતો કરે . પણ થોડીક વાર તારી સાથે વાત કરી તો લાગ્યું કે તું ઓછું બોલે છે ….પણ ઓછું જાણે છે એવું નથી . તું ગમી . પણ તારી ચુપ્પી મને સદા પરેશાન કરતી રહેતી હતી . સાવ ખપ પૂરતું બોલતી ત્વરાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિષે હું ખુબ વિચારતો .મમ્મીપપ્પા તો આપણા લગ્ન પછી તરત મોટાભાઈ પાસે અમેરિકા જતા રહેવાના હતા અને મારે ક્યારેય જવું ન હતું એટલે મારી સાથે રહેનાર વ્યક્તિને જાણવી ખુબ આવશ્યક તો લાગતું હતું પણ પૂછવું કોને અને શી રીતે એ સમજાતું ન હતું .મને ચિંતા ફક્ત એ હતી કે જો તું પરાણે એટલે કે તારી નામરજીથી લગ્ન કરવાની હોય તો એવા ખોખલા સંબંધને વેંઢારવાની મને કોઈ ઈચ્છા ન હતી. કોમર્સનો વિદ્યાર્થી અને શિક્ષક હોવા છતાં હું સાહિત્ય ખુબ વાંચતો અને એવું માનતો કે મનમાં ઉઠતી એક સળ કે સળવળ પણ એકબીજાથી ન છૂપાવે તે સાચા સાથી. તારી નજીક આવતો ગયો તને સમજતો ગયો .. પણ કબૂલ કરું છું કે મનમાં એક સવાલ ઉઠતો જ હતો .

દરેક વ્યક્તિને પોતાના જીવનસાથીના જીવનમાં એના અગાઉ કોઈ હતું કે નહી એ જાણવાની કાતિલ ઈચ્છા હોય છે .અને કોઈ ન જ હોય તેવી … સાથીની દિલની પાટી સાવ કોરી હોય તેવી એષણા પણ …જે ઘણી વાર ઘાતક નીવડતી હોય છે . એ જાણવા છતાં તારા જીવનની એ હકીકત મારે પણ જાણવી હતી પણ હું પૂછી શકતો ન હતો .મનમાં સવાલો ખડકાતા હતા અને પુસ્તકોના શબ્દો એમ કહેતા હતા કે લગ્ન એની સાથે જ કરાય જે તમને પ્રેમ કરે ..એની સાથે  નહિ કે જેને તમે પ્રેમ કરો .આપણા અરેંજ મેરેજમાં પ્રેમ તો લગ્ન પછી આપણે સમજદારી અને સ્નેહથી પેદા કરવાનો હતો . સગાઈ પછી બીજા જ દિવસે પુરુષને વેલની જેમ વીંટળાઈ બાઈક પર બેસતી છોકરીઓ મને જરાય ન સમજાતી .એકાએક તેટલો પ્રેમ કે નિકટતા કેવી રીતે ઉભી થાય ? જોતાવેંત થાય એ આકર્ષણ જ હોય.. પ્રેમ એટલે તો સમજદારી અને સમર્પણની ધરી પર પાંગરતી લાગણી.થેંક ગોડ …. તારામાં મેં એ આછકલાઈ ક્યારેય ન જોઈ . અને મને લાગ્યું કે મારે તારી સાથે જીવન વિતાવવું જ જોઈએ .હું તારા પ્રેમમાં પડતો જતો હતો અને પેલો કાતિલ સવાલ બુઠ્ઠો થતો જતો હતો.

દરેક નવો રચાઈ રહેલો સંબંધ એક નવી ચણાતી ઈમારત જેવો હોય છે ….એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંપર્કમાં આવતા જ સંબંધોનો પાયો રચાઈ જાય છે. કેટલાક માત્ર નકશા પૂરતા રહી જાય છે, કેટલાક પાયા ખોદાઈને રહી જાય છે જ્યારે કેટલાક મોટી ઈમારત બની જાય છે. આપણા સંબંધના નકશા રંગીન સપનાઓથી ચીતરી , પાયા સમજણથી મજબુત કરી લગ્ન જીવનની મજબુત ઈમારત મારે ચણવી હતી . પણ કંકોત્રી લખતી વખતે નૈતિકના નામની સરવાળા બાદબાકી થતી જોઈ મારા મનમાં એક ગણિત ગોઠવાતું ગયું અને એ સવાલ પાછો ધારદાર થતો ગયો….તળેટી સુધી પહોચતા સુધી કેવા જવાબ સામે કેવું વર્તન કરવું એ નક્કી કરતો રહ્યો હતો. તું એટલી નાજૂક અને સીધી હતી કે હું તારી મને દુઃખી કરી મુકે એવી કોઈ વાતના કેવા પ્રતિભાવ આપીશ એ મને પણ ખબર ન હતી .પણ હું કબૂલ કરું છું કે મારે કડવું હોય તો કડવું પણ એ સત્ય જાણવું જ હતું .ફફડતા જીવે હિંમત કરી પૂછેલા સવાલનો તારો અત્યંત નિખાલસ જવાબ મને ખુબ પ્રભાવિત તો કરી ચુક્યો હતો .’

ત્વરા એક શ્વાસે આ નવા પ્રેરકને સાંભળી રહી હતી . આટલો હસમુખો ..દરેક સમસ્યાને ધુમાડાની જેમ ઉડાડી દેતો પ્રેરક આટલા બધા વિચારો કરતો હશે એ તો માની શકાય તેવું હતું પણ છતાં સાવ કશું થયું ન હોય તેમ વર્તી શકતો હતો એ એના માટે બહુ નવી વાત હતી … એને હંમેશા એવું જ લાગતું કે પ્રેરક જેવો છે એવો જ દેખાય છે . એક પણ શબ્દ બોલ્યા વગર એણે ખુલી રહેલા પ્રેરકને સાંભળ્યા કર્યો. પહેલી વાર એ પ્રેરકને કોઈ વિષય પર આટલી લાંબી અને ગંભીર વાત કરી રહ્યો હતો ….ઠલવાઈ રહેલા શબ્દોમાંથી ત્વરાએ અર્થો અને લાગણી સમજવાના હતા કારણ…. મનમાંથી તો શબ્દો નીકળે છે ..અર્થો કે અનર્થો મગજ પેદા કરે છે .પાણીની બોટલ ઉઠાવી બે ઘૂંટ મારી પ્રેરકે આગળ બોલવાનું શરુ કર્યું ,

‘ તે દિવસે ખુલ્લા દિલે વાત કરતી તને સાંભળતો તો હતો પણ મારી પોતાની સાથે હું સંવાદ પણ કરી રહ્યો હતો …મન બહુ અગમ જગ્યા છે … કેટકેટલા વિચારો , યાદો અને અનભવો કાયમ માટે ત્યાં ખૂણેખાંચરે પડ્યા પાથર્યા રહે છે . કોઈ વ્યક્તિ ન કહે ત્યાં સુધી કોઈ વાત સમજી શકાતી નથી ….તેં  તો કહી જ દીધું … મનમાં એક વિચાર ઝબુક્યો …તારી જગ્યાએ બીજી છોકરીએ છૂપાવ્યું હોત કે સાચે જ કોઈ ગંભીર સંબંધમાંથી છૂટી પડીને મારાથી છૂપાવ્યું હોત તો હું તો ભ્રમમાં જ જીવ્યા કરત ને !! મને તો એક આડંબર વગરનો સાફ સંબંધ જોઈ તો હતો …એટલે તારી નિર્દોષતા જોઈ મેં મનોમન જાતને પડકાર આપ્યો હતો કે મારા પ્રેમથી તારા મન પર આછું લખાયેલું નૈતિકનું નામ હું ભૂંસીને રહીશ…તારી એક કબૂલાતે આપણા સંબંધને અતૂટ મૈત્રી બનાવી દીધો.

ત્વરા , સંવેદનાઓને એકમેક સુધી પહોચાડવા શબ્દો બહુ અસરકારક માધ્યમ છે …મને ખબર નથી મેં તને ક્યારેય કીધું હશે કે નહી ..પણ લગ્ન પછી જે સમર્પણથી તું મને અને આખા કુટુંબને સંભાળતી ગઈ એ મેં બહુ ધ્યાનથી જોયું છે ..અનુભવ્યું છે .સંબંધમાં જ્યારે વ્યક્તિઓ અસ્તિત્વહીન બની જાય છે ત્યારે એ સંબંધનું અસ્તિત્વ ચિરકાળ થઇ જાય છે . તું ઓગળતી ગઈ એટલે ભળતી ગઈ કે ભળતી ગઈ એટલે ઓગળતી ગઈ ….ગમે તે હોય પણ એકબીજાને સમજતા ગયા અને બંધાતા ગયા .પ્રેમ અને સુંદરતા બંને આંતરિક બાબતો મોટેભાગે બાહ્ય બાબતો પરથી મુલવાયા કરે છે .પણ મને તું અને તારો આત્મા બધુ જ પવિત્ર લાગ્યું .સંબંધો શરતી હોઈ શકે પ્રેમ નહી .તારા બિનશરતી પ્રેમને કારણે આટલા વર્ષો કોઈ પણ ઝંઝાવત વગર સરળતાથી પસાર થઇ ગયા …. મારો વિશ્વાસ સાચો હતો….પ્રેમ પણ ….!!

પણ વર્ષો પછી જે દિવસે તે નૈતિકની રીક્વેસ્ટ આવી છે અને તે સ્વીકારી છે એ કહ્યું ત્યારે હું નવેસરથી થોડો હલબલી ગયો હતો . એ દિવસે તારી ખુશી તારા આખા અસ્તિત્વમાં દોડતી હું અનુભવી રહ્યો હતો … એ રાતે હું સુઈ ગયો છું એમ ધારી તું ઉભી થઈને સ્ટડી રૂમમાં ગઈ ત્યારે કબૂલ કરું છું કે એક ખાલીપણું મારા દિલમાં વિસ્તરવા માંડ્યું હતું .એ પછી પણ રોજ રાતે ઊંઘમાં પડખું ફરી તારી તરફ હાથ લંબાવતો ત્યારે તારી એ ખાલી જગ્યા મારા મનમાં એક ન સમજાવી શકું એવી લાગણી ભરી દેતી . નૈતિક તારા માટે એક પ્રિય પાત્ર રહ્યું છે એ વર્ષો પહેલા જાણ્યા પછી હવે રહી રહીને હું મિત્ર મટી ફક્ત પતિ બની જતો હતો .અલબત તારી પર શંકા કરું એટલી હલકી માનસિકતા મારી નથી .પણ એક અધિકારભાવ હળવેથી માથું ઊંચકતો હતો .

હું માનું છું કે એક અદૃશ્ય દોરીથી આપણે બધા બંધાયેલા છીએ. સમય …સ્થાન અને સંજોગો આપણને અનાયાસે જોડ્યા કે છોડ્યા કરે છે પણ ક્યારેય તોડતા નથી .એ ન છૂટેલો ..ન તૂટેલો સંબંધ ફરી પાછો જોડાઈ ગયો હતો …નૈતિકનું પૂનરાગમન દેખીતી રીતે આપણી વચ્ચે કોઈ ચિંતા ઉભી કરે એવું હતું જ નહી .પણ મનમાં ઉગતા વિચારોનું ખેતરમાં પાક સાથે ઉગી નીકળતા ઘાસ જેવું છે …. ઘણું બિનજરૂરી ઉગી નીકળે …સમયે સમયે નિંદામણ ન થાય તો મનને ..સારા વિચારોને ..સંબંધને નુકશાન થાય જ .અને કેટલાક ખુલાસોઓ સમયસર થવા ખુબ જરૂરી હોય છે . એટલે મેં તને ટપારી હતી …નૈતિક ભલે એક મિત્રની હેસિયતથી આવ્યો હોય પણ જીવન વિષેનું તારું કુતુહલ મને બહુ ઠીક ન લાગ્યું પણ એ બહુ સ્વાભાવિક હતું એ પણ મને ખબર હતી .એટલે હું તને ભાર દઈને ટોકી કે રોકી ન શક્યો. ‘

‘ઓહ , પ્રેરક ..મારી સમજણમાં એટલી ખોટ પડી કે હું તમારા મનમાં ચાલતી વાત સમજી ન શકી … !!”

ત્વરા તરત જ અફસોસભર્યા નિરાશ સૂરે બોલી ઉઠી .

‘ના ના ત્વરા , વર્ષો પહેલા મેં ઇચ્છેલો પારદર્શક સંબંધ તું  આજ સુધી નિભાવી રહી છે .પણ રોકટોક કરીને બનાવેલો સંબંધ કાપીકૂપી ઉછેરેલા બોન્સાઈ જેવો બની જાય છે .એના સંદર્ભો બહુ સીમિત બની જાય છે .બહુ બહુ તો શોભા આપે . બાકી નિયંત્રણમાં ઉછરેલી લાગણીઓ શી રીતે ખૂલી કે ખીલી શકે ….!! એના કરતા સમજણથી આજુબાજુ વિસ્તરીને પણ પ્રેમથી પોતાના મૂળ સાથે જોડાઈ રહે એવો વડલા જેવો ઘેધુર સબંધ વધુ જરૂરી છે .આમ પણ દરેક વ્યક્તિ એક જીવનમાં ઘણા સંબંધો જીવે છે પણ પોતાનો મૂળ સંબંધ ….પરિવારને ભૂલ્યા વગર ….!!!

એક ધ્યાનથી સાંભળી અને સમજી રહેલી ત્વરાનો હાથ પોતાના હાથમાં લઈ પ્રેરકે કહ્યું :

‘સામાન્ય રીતે બે વાત બને ….એક .. એક ટોકે અને બીજું એની વાત માની લે પણ ટોકનારને શંકાશીલ ગણી આખી જિંદગી મનોમન હિજરાયા કરે …. મનમાં ઈજ્જત ન રહે …અને બીજું… એ છૂપાવીને પોતાના દોસ્ત સાથે સંબંધ રાખે …. મને આમાંથી એક પણ મંજૂર ન હતું .જોકે બીજી વાત થવાની શક્યતા ઓછી હતી પણ તું એટલી બધી લાગણીશીલ છે કે મારી વાત માનત પણ મનમાં એક રંજ અને મારી તરફ એક ફરિયાદ રહી જાત કે મેં તને સમજી નહી .અને થાગડ થીગડ કરેલો સંબંધ મને મંજૂર ન હતો .જે વાત ખોલવાથી હલ થતી હોય એને તોડવાની શું જરૂર ? અને સાચું કહું તો આજે તેં દિલ ખોલીને બધી વાત કરી ફરી પાછો મને હરાવી દીધો છે .’

આટલું સાંભળતા જ ત્વરાના મોં પર સંતોષનું સ્મિત ફરકી ગયું . અજાણતામાં જ એણે એક મોટી પરિક્ષા પાસ કરી લીધી હતી .શંકાના તાપ ભલભલા સંબંધોનો ભોગ લઇ લે ત્યારે આજે ફરી એક વાર એના સાફ દિલ અને નિખાલસતાએ એને સાંગોપાંગ બચાવી હતી . એ જ વખતે રીવર ફ્રન્ટ પર રહેલા થાંભલા લાઈટોથી ઝળહળી ઉઠ્યા .અને બંને પર એ લાઈટ રેળાવા લાગી. આજુબાજુના વાતાવરણ અને ચીજોનો રંગ થોડો અલગ અને અનોખો દેખાવા લાગ્યો…. કદાચ પુખ્ત પ્રેમ અને સમજનો રંગ પણ હશે …!!

‘તમારી દોસ્તીમાં મને કશું ખોટું નથી લાગતું …. ત્વરા,પ્રેમ , સ્નેહ , લાગણી , સ્પંદન આ બધું એક જ છે … વ્યક્તિ અને લાગણી એક જ હોય બસ …સમયે સમયે ફક્ત સંબંધ નામ બદલે છે …. પ્રેમી પતિ બનતા જ સંબંધ નામ બદલે છે ….અને પ્રેમી પતિ ન બની શકે તો મિત્ર ન બની શકે ? લાગણીમાં શું ફેર પડે ? એટલે તને રોકી તારી લાગણીને ઠેસ પહોચાડવાનો કોઈ અર્થ પણ ન હતો .પણ નૈતિક અને પ્રેરણાનો વિસંવાદ તારા કારણે વિખવાદ ન બને અને નૈતિક તારામાં એક સહારો ન શોધે એ જોવું પણ એટલું જ જરૂરી હતું. એક પુરુષ તરીકે બીજા પુરુષને સમજવો અઘરો નથી .

એટલે તું ઘારે છે એટલો હું નિર્દોષ કે સારો નથી રહી શક્યો …. પણ એ ખટકો એટલો તીવ્ર ન હતો કે મારે તને રોકવી પડે . ‘

ત્વરાની આંખોનો સાથે મનનો એક એક ખૂણો ભીંજાઈ ગયો ….તો આ હતી આ માણસની કબૂલાત …!!! સામાન્ય દોસ્તીમાં પણ હક કે માલિકીભાવ જાગતો હોય છે ત્યારે આ તો પોતાનો પતિ હતો …પોતાની ધૂનમાં મશગુલ ઘણું સમજવાનું ચૂકી ગઈ હોય તેવું ત્વરાને લાગવા માંડ્યું . દરેક માણસ એક પુસ્તક જેવો હોય છે .અલગ અલગ શબ્દોના અલગ અલગ અર્થો સંજોગો પ્રમાણે સમજીને વાંચીએ તો જ માણસ વંચાઈ શકે કે સમજાઈ શકે …. મનની આંખોથી આજે ત્વરા પ્રેરકને આખો વાંચી શકી….એક સીધા સાદા ભાવોથી ઘેરાયેલો સીધો સાદો પ્રેરક એને આજે હજૂ વધુ સંપૂર્ણ લાગ્યો … વધુ વ્હાલો લાગ્યો .

હસ્તમેળાપ પછી એકમેકની રેખાઓ મળીને જ એક સીધી જિંદગી બનાવે છે . હસ્તમેળાપ સાથે આજે ફરી એક વાર મનમેળાપ પણ થયો હોય તેવી અનુભૂતિ સાથે બાજુમાં બેઠેલા પ્રેરકના ખભા પર માથું ટેકવી એનો હાથ પોતાના હાથમાં લઇ બેસી રહી … હથેળી આખા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. સ્પર્શ એ લાગણી પણ કહી શકે છે જે કોઈ શબ્દોની મોહતાજ નથી… બોલેલા શબ્દો ન બોલાયેલા શબ્દો સાથે ચુપચાપ સંવાદ કરતા રહ્યા.

ફક્ત હસ્તમેળાપ થવાથી મનમેળાપ ન થઇ શકે એ પ્રેરણાને મોડે હવે લાગવા માંડ્યું હતું .કોઈ પૂરું નથી હોતું ખબર હોવા છતાં કોઈને કોઈ અઘૂરું પણ નથી જોઈતું હોતું ….એવું કેમ હશે ? આટઆટલા વર્ષો નૈતિક પર જેનાં લીધે શંકા કરી એ ત્વરા વિષે જાણવાની ઈચ્છા અચાનક થઇ આવી .સંબંધની ઈમારત ગમે તેટલી કાળજીથી બનાવેલી હોય … ધરતીકંપ જેવો એકાદ હળવો આંચકો એને જમીનદોસ્ત કરી મુકે છે .એક એક ઈંટ મૂકી વ્યવસ્થિત ગોઠવેલા એના સંસારના પાયા એક આવી વાતના લીધે વધુ હચમચી ન જાય તે માટે પોતે શું કરે ? નૈતિકે અમદાવાદ પહોચી એક પણ ફોન કે મેસેજ નથી કર્યો .આખો દિવસ વીતી ગયો….મનમાં એક મૂંઝારો વ્યાપી ગયો.

પ્રેરક અને ત્વરા…બે હૈયા એકબીજાને વધુ સમજી શક્યા હતા ….નૈતિક અને પ્રેરણા હજૂ એકબીજાને સમજવામાં નહી …સામેની  વ્યક્તિ પોતાને સમજે એ અપેક્ષા લઈને બેઠા હતા.

સાંજે રૂમ પર આવેલા નૈતિકે એક ખાલીપાનો અનુભવ કર્યો . ઘર યાદ આવ્યું સાથે જ પ્રેરણા પણ …લગ્નના ઘણા વર્ષો પછી નૈતિક અને પ્રેરણા વચ્ચે અહંની પાતળી પણ મજબૂત દીવાલ ઉભી થઈ હતી . એ તોડવા પહેલો વાર કે પહેલ કોણ કરે એ સવાલ આવી રહ્યો હતો.વિખવાદ વારવા મૌન સારું પણ અબોલા તોડવા તો સંવાદ જ કરવો પડે. એકબીજાની મનોદશા વિષે અજાણ બનીને રહેવું એ એક વ્યવહારથી વિશેષ કશું ન કહેવાય .કહીને તો આવ્યો છું ‘વિચારજે’ …પ્રેરણા શું વિચારતી હશે ? એ મને સમજવાનો પ્રયત્ન કરતી હશે ? વચ્ચે એક આખું અઠવાડિયું હતું . ઘણો લાંબો સમય …બે વ્યક્તિને એકબીજાથી વધુ દૂર કરવા માટે પર્યાપ્ત સમય…..!!

હસમુખો ,મળતાવડો , પરિપક્વ નૈતિક ફેસબુક ખોલીને એમને એમ સાવ એકલો અને અસ્પષ્ટ બેઠો હતો .ત્વરા ઓનલાઈન આવે એવી કોઈ શક્યતા ન હતી અને કહેવા કે સાંભળવા માટે વાત પણ ન હતી.

અચાનક સ્ક્રીન પર એક રીક્વેસ્ટ દેખાઈ . પ્રાપ્તિ ત્વરા પ્રેરક …. !! ઓહ…. પ્રાપ્તિએ એના નામ પાછળ પ્રેરક સાથે ત્વરાનું નામ પણ જોડ્યું છે .આજકાલના યુવાનોમાં ધીમે ધીમે ફેલાતી આ ફેશન કોઈ પણ મા માટે ગર્વથી ઓછી નથી .ચુંબક હોય તેમ આટલી બધી અવઢવો વચ્ચે પણ નૈતિકે એક ક્ષણના વિલંબ વગર વિના વિચારે રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી.

બીજી જ પળે એની વોલ પર એક પોસ્ટ આવી .

Thank you so much uncle for being my friend . Feeling so… very special to have my mom’s friend as my friend . 🙂  Hope dhruv  is ok now . mom was much worried n even dad too . 😦  we really prayed for him …. say hi to aunty n anushka . wud love to meet them all . God willing… we will … (Y)  enjoyed talking with you…. come home again when free … stay connected … thanx once again .
                                                                                                                                                                                                                                                                        : prapti ❤ 

નટખટ , પ્રેમાળ અને ચુલબુલી પ્રાપ્તિની પોસ્ટ વાંચતા જ નૈતિકની ઝળઝળિયાંથી છલોછલ આંખો આગળ કશું જોઈ ન શકી.

બરાબર એ જ સમયે ફેસબુક પર ભાગ્યે જ આવતી પ્રેરણાએ ત્વરાનો ફોટો જોવા અને એના વિષે વધુ જાણવા લોગ ઇન કર્યું .અને નૈતિકનું ફ્રેન્ડ લીસ્ટ જોવા એની વોલ પર ગઈ ત્યાં હમણાં જ પોસ્ટ થયેલા પ્રાપ્તિનાં મેસેજ પર એની આંખો જડાઈ ગઈ .

ક્રમશ :

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

37 responses »

  1. Rina says:

    પ્રેમ , સ્નેહ , લાગણી , સ્પંદન આ બધું એક જ છે … વ્યક્તિ અને લાગણી એક જ હોય બસ …સમયે સમયે ફક્ત સંબંધ નામ બદલે છે ….

    રોકટોક કરીને બનાવેલો સંબંધ કાપીકૂપી ઉછેરેલા બોન્સાઈ જેવો બની જાય છે .એના સંદર્ભો બહુ સીમિત બની જાય છે .બહુ બહુ તો શોભા આપે . બાકી નિયંત્રણમાં ઉછરેલી લાગણીઓ શી રીતે ખૂલી કે ખીલી શકે ….!! એના કરતા સમજણથી આજુબાજુ વિસ્તરીને પણ પ્રેમથી પોતાના મૂળ સાથે જોડાઈ રહે એવો વડલા જેવો ઘેધુર સબંધ વધુ જરૂરી છે .

    Well said…..
    Very interesting….

  2. Ashish Gajjar says:

    “આપણો હાથ એક બીજી વ્યક્તિના હાથમાં સોંપવાથી હસ્તરેખામાં કોઈ ફેરફાર થતો હશે ?”
    …ખરેખર આ સવાલ પતિ-પત્નિ બેયને વર્ષો બાદજ કેટલાંય પરિણામ સ્વ્રુપે મળતો હોય છે …આ અનુભવેલી વાત છે જેને બીજા હસ્તરેખા કે જ્યોતિષશાશ્ત્ર જોડે કંઈજ લેણું નથી હોતું …પણ આ પરીણામો સારા કે ખોટા મેળવવા એ બેય પાત્રોની સમજણ અને લગ્નજીવન દરમ્યાન એકબીજાને અનુકુળ થવાની ભાવના પરજ છે. (આમાં ગણતરીને સ્થાન નથી !)

    ..”લગ્ન એની સાથે જ કરાય જે તમને પ્રેમ કરે ..એની સાથે નહિ કે જેને તમે પ્રેમ કરો “…આ ખૂબજ સમજદારી પૂર્વક લખાયેલ છે …ગમ્યું
    …આજના એપીસોડમાં એરેન્જ મેરેજ કેમનાં સફળ થાય અને થઈ શકે તે બાબતનાં અમુક મુદ્દા કેન્દ્ર બિંંદુમાં રહેશે…પ્રેમલ્ગ્ન ખોટા એ એ સાબીત કરવાની પળોજણમાં એરેન્જ મેરેજની સફળતાની સમજણ બખુબી વાર્તામાં અને આજના આ ભાગ -૧૧નાં એપીસોડમાં પણી લેવાઈ છે..
    ….પણ હવે એક બાજુ એક સંબંધ ચોખ્ખો થયો ત્વરા/પ્રેરકનો તો બીજી બાજુ નૈતિક/પ્રેરણા હજુંય આવઢવમાં….

    …જોઈએ હવે આ અગીયારમા ભાગ બાદ તમારી કલમ આ સંબંધોની ઢાળેલ ચોપાટમાં
    કયા મહોરાને કેમની ચાલ ને કોને મ્હાત….આપે છે ..

  3. Bhavesh Shah says:

    ફરીથી એકવાર … સુંદર માવજત માટે અભિનંદન ! બીબાઢાળ કરતાં અલગ અને વધુ પુખ્ત વિચારો સહીતનો આ વળાંક સુંદર રહ્યો… દામ્પત્ય દોસ્તીનું રૂપ ધારણ કરે એ એની પરાકાષ્ઠા છે… સફળતા છે.. 🙂

  4. Dolly says:

    આજના આ ભાગમાંથી કાંઈ એવું નથી કે ટાંકી શકું ! દરેક શબ્દ દિલથી લખાયેલો છે ને દિલ સુધી સીધો જ પહોંચ્યો છે ! આખો ભાગ શરૂઆત થી છેલ્લે સુધી વાંચ્યા જ કરું છું… ને આંખ ભીની જ રહે છે… કેવી સરસ વાત કેવી સરસ રીતે લખી ગયા તમે !!!! હજી કેટલાય ભાગ આ વાર્તા આગળ વધે અને આવી જ સુંદર વાતો મનને ઝંકૃત કરતી રહે એવી અપેક્ષા છે ❤ ❤

  5. ansuyadesai says:

    ખુબ સરસ…..રસમય …આજે પ્રતિમા પંડ્યા ની એક કવિતા યાદ આવે છે….

    વર્ષોથી બંધ ડેલીને
    કોઈએ હળવેથી સાદ દીધો
    અને એતો
    આખે આખી ઉઘડી ગઈ !

  6. Rajendra Joshi says:

    અવાચક …. બિલકુલ માફકસરનું ….. કશુજ નહિ વધારે, નહિ ઓછું …..

  7. Gokani.jagruti says:

    lagnjivan ma ekbijani samajdari, vishavas vagere vise khub saras thoughts. Darek manas ek pustak jevo chhe, khub khub game chhe aa story ane tamara thoughts. Eagarly waiting next part.

  8. હળવા પવન અને માછલીની ચહલપહલથી પાણીમાં હરકત થઇ ઉઠતી હતી … પ્રેરકની વાત સાંભળી ત્વરાના મનમાં પણ તરંગો ઉભા થઇ ગયા ….. first impression is last impression………. first line j batave che k varta kevi…. hase,…. ekdam saras upma.

    આપણો હાથ એક બીજી વ્યક્તિના હાથમાં સોંપવાથી હસ્તરેખામાં કોઈ ફેરફાર થતો હશે ?obviously…….. hay che bhagya no…

    સંબંધોને જીવી જિંદગીની ગતિ સીધી કરવામાંથી એને ફુરસત ક્યાં મળી હતી ?how sweet mane to game.. avuuu busy rahevu…… ane jindgi jivavi pan gati sidhi karvama saheli bani jay che. 🙂

    પણ તું ધારે છે એટલો સારો હું નથી .’………. aree aaavu j kahi sake e to dharie ena karta pan sara hoy prerak…. …. 🙂

    , લાગણી બહુ અમુલ્ય વસ્તુ છે …એને વેડફવી એટલે આખી એક વ્યક્તિ વેડફવી …એક આખો સંબંધ વેડફવો .(Y)

    મનમાં ઉઠતી એક સળ કે સળવળ પણ એકબીજાથી ન છૂપાવે તે સાચા સાથી. speechless.

    પ્રેમ એટલે તો સમજદારી અને સમર્પણની ધરી પર પાંગરતી લાગણી…… kai nathi kahevu ja……….. aa to darek stri ni ek andar ni iccha che…….. j bhagyej stri pan bahar lavi sake che.. hats off to u….

  9. આપણા સંબંધના નકશા રંગીન સપનાઓથી ચીતરી , પાયા સમજણથી મજબુત કરી લગ્ન જીવનની મજબુત ઈમારત મારે ચણવી હતી aavi samajdari….. hoy to j jivan ne tame jivi sako baki to jivan.. tunku thay jivay nahi. mast vat.

    મને ખબર નથી મેં તને ક્યારેય કીધું હશે કે નહી ..પણ લગ્ન પછી જે સમર્પણથી તું મને અને આખા કુટુંબને સંભાળતી ગઈ એ મેં બહુ ધ્યાનથી જોયું છે ..અનુભવ્યું છે .સંબંધમાં જ્યારે વ્યક્તિઓ અસ્તિત્વહીન બની જાય છે ત્યારે એ સંબંધનું અસ્તિત્વ ચિરકાળ થઇ જાય છે . તું ઓગળતી ગઈ એટલે ભળતી ગઈ કે ભળતી ગઈ એટલે ઓગળતી ગઈ ….ગમે તે હોય પણ એકબીજાને સમજતા ગયા અને બંધાતા ગયા .

    તું ઓગળતી ગઈ એટલે ભળતી ગઈ કે ભળતી ગઈ એટલે ઓગળતી ગઈ ….ગમે તે હોય પણ એકબીજાને સમજતા ગયા અને બંધાતા ગયાahhhhhaaaaaa bahu gami aa vat.. ane e prerak samji sakyoo… 🙂

    તું ઉભી થઈને સ્ટડી રૂમમાં ગઈ ત્યારે કબૂલ કરું છું કે એક ખાલીપણું મારા દિલમાં વિસ્તરવા માંડ્યું હતું .thavu j joieee… ane darek stri ek chana khune avu ichhtu hoy k eni hajri k gerhajri ena potana manase ne asar pade.

    એક અધિકારભાવ હળવેથી માથું ઊંચકતો હતો ………. bahu gamyu… aa to …. mane ema stri ni majbori nathi dekhati …. 🙂 pati patni vachhe thodu to avu hovu joie…. matra ema …. katilta n avavi joie.

    દરેક વ્યક્તિ એક જીવનમાં ઘણા સંબંધો જીવે છે પણ પોતાનો મૂળ સંબંધ ….પરિવારને ભૂલ્યા વગર ….!!!ahhhaaaaaaa…. aa kadach sanatan satya che … ane ene manav sahaj nabdai gano to nabdai ane manasi e samjadari gano to samajdari….. hu ene samajdari j kahu…. 🙂

    આજુબાજુના વાતાવરણ અને ચીજોનો રંગ થોડો અલગ અને અનોખો દેખાવા લાગ્યો…. કદાચ પુખ્ત પ્રેમ અને સમજનો રંગ પણ હશે …!!sure……. 🙂

    દરેક માણસ એક પુસ્તક જેવો હોય છે .અલગ અલગ શબ્દોના અલગ અલગ અર્થો સંજોગો પ્રમાણે સમજીને વાંચીએ તો જ માણસ વંચાઈ શકે કે સમજાઈ શકે …. speechless..

    પ્રેરક અને ત્વરા…બે હૈયા એકબીજાને વધુ સમજી શક્યા હતા ….નૈતિક અને પ્રેરણા હજૂ એકબીજાને સમજવામાં નહી …સામેની વ્યક્તિ પોતાને સમજે એ અપેક્ષા લઈને બેઠા હતા…. samaj ma jivta manaso na svabhav na be adbhut cheda…. ek samjdar…. ane bija …… oh shit.. aa apexaj manas ne …. majbor banvave che,,.. samjan ne n samjva mate… 😦

    એની આંખો જડાઈ ગઈ .ane amari pan.. when next?? shu kahu varta mate??aavi અવઢવ …. ૧૧ bhag ma vahechani to khari pan control ma saras rakhi che……. full marks. (Y)

  10. riddhi21 says:

    Best of Avdhav … 🏆
    Superb writing … Prerak is the best character of this story 👍

  11. chandralekha says:

    મને એમ હતુ કે પ્રેરક પણ એના કોઇ સંવેદંશીલ લાંબા ભૂતકાળની વાત કરશે.. પણ અહીં તો એકજ નજરે જોયેલા કટાક્ષ પરથી છોકરીઓ પર એનું મન સંશયિત થયેલું લાગ્યું… ,, ખેર ક્યારેક આવા અનુભવો પરથી પણ આગળના પગલા કેવા લેવા તે શીખવા મળતું હોય ,, અને પ્રેરકે પણ ત્વરાને મળી ને જેમ જેમ જાણતો ગયો તેમ તેમ તેની સાથે સાયુજ્ય સાધ્યુ જીવનભરનુ…,:) ગમ્યુ …. પ્રેરણાના મનની અવઢવ “પ્રાપ્તિત્વર પ્રેરક ના મેસેજ વાંચી દૂર થાય તો બન્ને કુટુંબ વચ્ચે અનોખું સમજદારી પુરવકનું મૈત્રીયુક્ત વાતાવરણ બની શકે છે….
    *** લાગણી બહુ અમુલ્ય વસ્તુ છે …એને વેડફવી એટલે આખી એક વ્યક્તિ વેડફવી …એક આખો સંબંધ વેડફવો … વાહ કેટલી સુંદર વાત..!!!! ****
    આપણે હાલના તબક્કે ઘણુ બધું સમજીને છતાંયે વેડફી રહ્યા છીએ એવું લાગે ક્યારેક ક્યારેક..:)

  12. ખાસ આ વિચાર તો બહું જ ગમ્યો…..
    મનમાંથી તો શબ્દો નીકળે છે ..અર્થો કે અનર્થો મગજ પેદા કરે છે .

    આભાર

  13. Hemal Vaishnav says:

    સરકારે એક કાયદો કરવાની જરૂર છે ..હવે પછીથી રવિવાર ,મંગળ વાર, બુધવાર ,ગુરુવાર,શુક્રવાર અને શનિવારને પણ “સોમવાર” ગણવામાં આવશે ..(;

  14. Hemal Vaishnav says:

    વાર્તા વિશે લખવાનું તો તકલીફ વાળી વાત છે …રોલર કોસ્ટરની રાઈડ જ જોઈ લ્યો … તમારી સફળતા એ છે કે આ વાર્તા “ફેસ બૂક ” ના માધ્યમ સાથે વણાયેલી છે અને આ વાર્તા વાંચ્યા પછી જ હું ફેસબુકનો મેમ્બર થયો કેમકે ફેસબૂકને લગતી terminology માં પહેલાં ખબર પડી જ નહી …ખાસ વાર્તામાં રસ લેવા માટે થઈને જ એમાં ઝંપલાવ્યું ..(u r a good sales person..)

    • હહાહાહા … તો તો આ માર્ક પાસે કમીશન માંગવું પડશે …. અને તમે વાર્તા વિષે કશું ન કહી મેં ચિંતામાં નાખી છે હો … 😦

      • અને હું વાર્તાને બહુ સરસ રીતે ફેસબુક પર પ્રમોટ પણ કરું છું … આમાંથી સારા ક્વોટસ લઈ ફોટા બનાવી મુકું છું ..પેજ પણ સરસ ચાલે છે … ફેસબુક મારા માટે ફક્ત ટાઈમ પાસ નથી ..હું એનો બેસ્ટ ક્રિએટીવ ઉપયોગ કરું છું .

  15. Hemal Vaishnav says:

    I just started the same thing ..every Thursday, I post two micro fiction stories on FB..Getting good response..been doing it for about a month.

  16. Hemal Vaishnav says:

    હું પોતે જ ખોવાયેલો છું , મને હું જડી જાઉં તો તમને જણાવીશ …અરે , આ તો કવિતા થઇ ગઇ …!!!
    ચાલો હું જ તમને શોધીને રીક્વેસ્ટ મોકલવાનો ટ્રાય કરું છું . મળીએ તો ઠીક છે બાકી “શૂન્યતાનું આકાશ ” તો છે જ ને ..ચાલો હજી તો અવઢવ 12, વાંચવાની બાકી છે.

  17. acharyanit says:

    હસ્તમેળાપ પછી એકમેકની રેખાઓ મળીને જ એક સીધી જિંદગી બનાવે છે . હસ્તમેળાપ સાથે આજે ફરી એક વાર મનમેળાપ પણ થયો હોય તેવી અનુભૂતિ સાથે બાજુમાં બેઠેલા પ્રેરકના ખભા પર માથું ટેકવી એનો હાથ પોતાના હાથમાં લઇ બેસી રહી … હથેળી આખા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. સ્પર્શ એ લાગણી પણ કહી શકે છે જે કોઈ શબ્દોની મોહતાજ નથી… બોલેલા શબ્દો ન બોલાયેલા શબ્દો સાથે ચુપચાપ સંવાદ કરતા રહ્યા……હસ્તમેળાપ ની જેમ ક્યારેક હસ્તધૂનન માં પણ રેખાઓ સળવળી ઉઠે….લાગણી વ્યક્ત કરવા કે પામવા શારીરિક સ્પર્શ બિલકુલ આવશ્યક નથી તેવું સમજનારને પણ સાંત્વન ની જરૂરિયાત સમયે સ્પર્શનું મહત્વ સમજાય છે ….વાર્તામાં આ વિષયને યોગ્ય જગ્યા પર મૂકી સહ્રદયતામાં સ્પર્શનો મહિમા યોગ્ય રીતે વ્યક્ત કર્યો છે…..આપ સરસ લખો છો …

Leave a comment