દશેરાનો તહેવાર ગયો ..ગરબામાં ચડેલા ગોટલા ઉતરે એટલે દિવાળીની રહીસહી સફાઈ શરુ થશે …… !
ઘર અને ખાસ તો માળિયું સાફ કરવું એટલે એક મોટું કામ .. ગૃહિણી તરફથી આહવાન આવે તે પહેલા જ ઘરના બધા સભ્યોએ આ અભિયાનમાં જોડાવા માટે માનસિક તૈયારી કરી જ લીધી હોય છે
સંઘર્યો સાપ કામ આવે છે … બાળપણથી એવું સાંભળીને આપણે મોટા થયા છીએ અને એટલે ‘કામ આવશે’ એવું વિચારી જોઈતા અને વણજોઈતા અનેક સામાનનો આખું વર્ષ માળિયા પર જમાવડો કર્યા કરીએ છીએ … દર વર્ષે આ દિવસોમાં ઘણા બધા નિર્ણયો લઇ સફાઈ આદરતા હોઈએ છીએ … ‘નકામું બધું ફેંકી દેવું છે’ …’કશું કામ આવતું નથી’ ને ‘અમસ્તું પડ્યું રહે છે’ જેવું વિચારીને માળીયા પર ચડતા જ …એચીજોને અડકતા જ મનનો આખો માહોલ અસ્તવ્યસ્ત થઇ જાય છે …થોડી વાર પહેલા કરેલા નિર્ણયો ડામાડોળ થઇ જાય છે … !
અને એમાંય જો આખો પરિવાર સફાઈ કામે લાગ્યો હોય ત્યારે આખું વાતાવરણ અલગ બની જાય છે ..એકને બિનજરૂરી લાગતી વસ્તુમાં બીજાના અમૂલ્ય દિવસો જળવાયા હોય છે ..એટલે ‘એ તો નહિ ફેંકવા દઉં’ એવું કહી એ વસ્તુને પોતાના હાથમાં લઇ એ જૂના દિવસોમાં પાછું ફરી જવાતું હોય છે …’તમને જુવાનીયાઓને આ જૂની ચીજોની કિંમત ન સમજાય’ એમ કહી વડીલોની આંખોમાં એક ચમક આવી જતી હોય છે .જાણે એમના મનો પર આખો એક ભૂતકાળ ફરી વળ્યો હોય તેમ સમય થંભી જાય છે . જુના ગીતોની કેસેટ હોય કે પ્રવાસમાંથી લાવેલો ઘાસનો પંખો ….વચ્ચે વચ્ચે આવું રોકાઈ જવું એક બે દિવસના કામને ત્રણ ચાર દિવસ લંબાવે છે … અને રોજ સાંજે આ માટેના દોષનો ટોપલો એકબીજાના માથા પર ઠલવાયા કરે છે .
નામ લખવાની એક માત્ર જગ્યા મન છે પણ દરેક વસ્તુ પર સાથે સંકળાયેલ વ્યક્તિનું નામ અદ્રશ્ય રીતે લખાઈ જતું હોય છે .રાત પડતા એ કોરાણે મૂકી દેવાયેલી ચીજ સાથે જોડાયેલા સંસ્મરણો છલકાઈ આવે છે .નિર્જીવ લાગતી અનેક ચીજોને સ્પર્શતા લાગતું હશે જાણે ભૂતકાળ જીવતો થઇ આળસ મરડીને ઉઠે છે …સારીનરસી યાદો ઉભરી આવે છે …!!
કહેવાય છે કે સાફ સફાઈ કરવાથી બરકત આવે પણ સાવ નાખી દેવા જેવી વસ્તુ જ્યારે અમુલ્ય લાગે ત્યારે માણસના મનને સમજી શકાય છે …. જડ લાગતા માણસને પણ કોઈક જડ વસ્તુ જીવંત કરી શકે છે . બાળકનું રમકડું હોય કે પહેલા ધોરણનું પુસ્તક હોય ….. કરકસરભર્યા દિવસોમાં ખરીદેલા નાનકડા ડબ્બા હોય કે ભેટમાં આવેલી કેટલીક ચીજો …. કશું ફેંકી શકાતું નથી …. કેટલીક જૂની વસ્તુને કે કપડાને નવો ઓપ આપી પાછી વાપરવી છે એમ ધારી બે ચાર દિવસ બહાર રાખી દઈએ છીએ પણ દિવાળી પછી વાત કહી એમ વિચારી પછી એ માળિયા ભણી ચાલી નીકળે છે . દિવાળીના દિવસોમાં ઉમડતી યાદોનું પણ પરપોટા જેવું છે …સાવ ક્ષણજીવી …. !!. પરપોટો ફૂટે અને પાણીમાં શોધ્યો ન જડે ….એમ વસ્તુ માળિયા પર ચડે અને મનમાંથી ગાયબ …. !!!
એમાંય કસરતના સાધનો કે પોતાની જાતને આપેલા વચનોથી ભરપૂર જૂની ડાયરીઓ હાથમાં આવે ત્યારે તો શરમ લાગી આવે છે . ફાટેલી ડાયરીના એકએક પાનાં પર એક સળવળતો ભૂતકાળ દેખાઈ આવે . અને વચનો પૂરા કરવાની ચાનક પણ ચડી આવે … વધુ ટકે નહી એ અલગ વાત છે . 😛
ટૂંકમાં ..ઘણી બધી મહેનત અને વિચારીને અંતે ફેંકી દેવા ધારેલી અનેક ચીજો સાફ થઇ પાછી માળીયામાં પ્રસ્થાપિત થઇ જાય છે .
આપણું મન પણ માળિયા જેવું જ છે … અત્યારે નકામાં કે અપ્રસ્તુત લાગતા ખંખેરી નાખવા જેવા વિચારો અને અનુભવો આપણે ઝાપટીઝૂપટીને પાછા એક ખૂણામાં નથી મૂકી દેતા ? કેટલીક વ્યક્તિઓની યાદ કડવી લાગે કે એક કસક ઉભી કરી દે છે પણ એને આપણે ફેંકી પણ ક્યાં શકીએ છીએ …! અને ગળચટ્ટી લાગે તેવી યાદો તો આપણે વાંરવાર ચગળ્યા કરીએ છીએ …ધક્કામુક્કી કરતી યાદોને સમજાવી ..સંભાળી …સાચવી … એક ખૂણામાં ગોઠવાયેલી યાદોને ઝાપટી પાછી ગડી વાળી બીજા ખૂણામાં ગોઠવી દઈએ છીએ . વર્ષો વરસ યાદોમાં ઉમેરો થતો જાય અને મનનું વિશાળ માળિયુ એ સંગ્રહ કરતું જાય ….!
હકીકતમાં માળિયુ મનનું હોય કે ઘરનું ….પણ …બહુ જ ખતરનાક જગ્યા છે …. સ્થળની સાથે સ્મરણો પરથી પણ ધુળ ઉડાડે છે.
આપણી જરીપુરાણી વસ્તુઓમાં કેવી વૈભવી યાદો સમાયેલી હોય છે.
— નીવારાજ
હકીકતમાં માળિયુ મનનું હોય કે ઘરનું ….પણ …બહુ જ ખતરનાક જગ્યા છે …. સ્થળની સાથે સ્મરણો પરથી પણ ધુળ ઉડાડે છે.
True…..
To throw away is sometimes a tough decision. ..
🙂 yup
સરસ લેખ. મનનો કચરો હંમેશને માટે નિર્જીવ રૂપે પડેલો હોય છે. જો કાઢવાની કોશીશ કરીએ તો ભૂતની જેમ જીવંત થાય છે. ભલે એ કચરો સુસુપ્ત અવસ્થામાં પડ્યો રહેતો. આ ૭૫નો અંગત અનુભવની વાત છે.
🙂 thanx
કહેવાય છે કે સાફ સફાઈ કરવાથી બરકત આવે પણ સાવ નાખી દેવા જેવી વસ્તુ જ્યારે અમુલ્ય લાગે ત્યારે માણસના મનને સમજી શકાય છે …. જડ લાગતા માણસને પણ કોઈક જડ વસ્તુ જીવંત કરી શકે છે
Very true… pelu geet yaad avi gayu… કીતની બાતેં યાદ આતી હૈં, તસવીરે સી બન જાતી હૈં, મૈં કૈસે ઇન્હેં ભૂલું ? દીલ કો ક્યા સમજાઉં ! ઘરના માળિયા અને મનના માળિયાની સરસ સરખામણી કરી! નાખી દેવા જેવી લાગતી વસ્તુઓ કોઈ માટે યાદોથી ભરપૂર કિંમતી ખજાનો હોઈ શકે …
🙂 thanx dear
http://m.youtube.com/watch?v=KV1WRI2qSbc
🙂