11047262_457691604385563_651063185_n

આઠ જાન્યુઆરી થી આઠ માર્ચ ..

સતત બે મહિનાની આ શબ્દ સફર આજે અહીં થંભી રહી છે . એક એક કડી શબ્દોથી ગૂંથાતી રહી અને અમે બધા અજાણ્યા મિત્રો અતરંગ મિત્રો બનતા ગયા…

આ આખી પ્રક્રિયાને શબ્દોમાં વર્ણવી શકવી ખુબ અઘરું છે . નવા લેખકોને ..એમણે  વાર્તા  લખી જ નથી એવા  મિત્રોને  ફેસબુક પર એમણે કરેલી કોમેન્ટ્સ અને ભાષા પરની પકડ પરથી પારખીને લખવા માટે સામેથી આમંત્રણ આપવું  .એમના જવાબની રાહ જોવી … નકાર સાંભળી જરાક હતાશ થવું ..સમયના અભાવે તો કયારેક આવી અધુરી વાર્તા વિષે સમજ કે હિમતના અભાવે ઘણા મિત્રો લખી ન શક્યા ..જે  એમણે  કબૂલ્યું  પણ  છે  …આ  પછી  અન્ય મિત્ર સાથે એ જ વાતો ..જરાક આશા જાગે એમને આખી પ્રક્રિયા સમજાવવી …તો કયારેક કોઈ જ જાતની ઓળખાણ કે ફેસબુક પરની.મિત્રતા વગર આવેલા મિત્રોને આવકારવા   .. એકાદ કડી પહેલા ખાનગી ગ્રુપમાં એડ કરવા અને ત્યાં ચાલતી કડી સુધારણા વિષે અવગત કરાવવા . લખાઈને આવેલી કડીમાંના આગલી કડી સાથેના સંદર્ભો ચકાસવા … એમાં રહેલી ત્રુટીઓ અને ભાષા ની સુધારણા લેખક અને આગળ લખી ચુકેલા મિત્રો સાથે મળી કરવી… દરેક સભ્ય પોતપોતાના વ્યસ્ત કાર્યક્રમો અને કામોમાંથી સમય કાઢી સતત આ કામમાં પોતાના સમયે હાજરી આપે ..એટલે પરદેશમાં વસતા મિત્રો સાથે કો ઓર્ડીનેટર કરવા રાતે લગભગ ૧૦થી  ૧ કે ક્યારેક ૩ વાગ્યા સુધી  ઓનલાઈન વર્કશોપ ચાલે …અને આ  ક્થાકડીની સુત્રધાર તરીકે બધાએ સ્થાપી દીધેલ હોવાથી સતત  શારીરિક , માનસિક રીતે થકવી દે એવી આ આખી પ્રક્રિયા હતી . પણ નવી કડી મુકાયા પછી જે રીતે મેસેજ અને સરાહના મળતી ત્યારે રાતનો ઉજાગરો ક્યાંય ઓગળી જતો ..થાક આપોઆપ ઉતરી જતો અને નવેસરથી નવા લેખક સાથે વાતો શરુ થતી.

નવ કડી સુધી સામાજિક લાગતી વાર્તા ૧૦ મી કડીથી એક ખતરનાક મોડ લઇ એક થ્રીલર બની ગઈ અને પડકાર વધતા ગયા.
લગભગ ૧૨ કડી દરમ્યાન સ્પષ્ટ થયું કે કોણ કેટલો અને કેવા પ્રકારનો સાથ આપી શકશે … 🙂 કેટલાકની ભાષા પરની પકડ સરસ હતી તો કેટલાક ટેકનીકલ ભૂલો રીપેર કરવામાં માહિર જણાયા અને એમ કરતા કરતા એક સરસ ટોળકી બની ગઈ . લગભગ આઠેક મિત્રો સતત ..ગમે ત્યારે ..ક્યારેક પોતાના પરિવાર કે અંગત કામોના ભોગે પણ સતત સાથે રહ્યા . મતભેદો પાર વગરના રહ્યા પણ મનભેદે પ્રવેશ ક્યારેય ન કર્યો . પોતે સર્જેલા પાત્રો તરફ પ્રેમ જાગી ગયો અને એ પાત્રને વધુ ફૂટેજ આપવા ઉગ્ર પણ મસ્તીભરી ચર્ચાઓ પણ થતી અને રાતે ત્રણ વાગે કોઈ પણ નિર્ણય વગર કથાની એ કડી એમને એમ મૂકી દેવાતી .. એક એક દિવસ નવો અનુભવ લાવ્યો . લેખકો …એમના સ્વભાવ ..એમની કામ કરવાની રીત ..એમનો દૃષ્ટિકોણ ..ક્યારેક જીદ …અકડ કે અસહકાર પણ જણાયા ..પણ એક ઘરમાં બને એવું બધું જ એકબીજાથી જોજનો દૂર બેસેલા અમે અનુભવ્યું … પણ છેલ્લા બે દિવસથી અમે સતત એક જાતનું દુઃખ અનુભવી રહ્યા છીએ …આ બંધન છૂટી રહ્યું હોય એવું અનુભવી રહ્યા છીએ ..એકબીજાની સતત ટેવ પડી ગઈ છે . જલ્દી જલ્દી બીજા અગત્યના કામો પતાવી દોડીને બધા અહીં આવી જાય છે અને ક્યારેક ગીતો. ટુચકા કે એવું ચલાવી આનંદ પણ કરીએ છીએ …આ સફરમાં અમારી સાથે સતત રહેલ  મિત્ર પ્રતિક શાહે  વાતાવરણ સતત આનંદમય રાખ્યું હતું … બધા  એકબીજાના જીગરજાન મિત્રો બની ગયા છે …. જો કે આ લાગણી અને આ સંબંધ …આ  બધું શબ્દોમાં સમજાવવું ઘણું અઘરું છે .. 🙂

10959558_844434818948805_7242948231543967548_n

કથા કડી …એક અદ્દભુત અનુભવ મારા માટે રહ્યો ..બધાને જોડી રાખવા ..બધાને ખુશ રાખવા અને ખાસ તો બધાને સતત મોટીવેટેડ રાખવા ..એમનો ઉત્સાહ ટકાવી રાખવો ..એ બહુ પડકારરૂપ બની રહ્યું. ક્યારેક કડક શિક્ષકની ભૂમિકામાં પણ આવી જવું પડ્યું પણ દરેકે મને અનહદ માન અને સન્માન આપ્યું છે ..એ  માટે આ મારા ક્યારેય ન મળ્યા હોય એવા મિત્રોની ઋણી છું ..રહીશ … ભાગ્યે જ કોઈ સાથે ફોનમાં વાત થઇ છે કે અંગત વાત થઇ છે પણ એક બીજાથી તદ્દન અજાણ… એકબીજાની પ્રકૃતિ અને વિચારોથી સાવ અલગ એવા ૨૭  લોકો  ઉંમર…જાતિ….ધર્મ..વ્યવસાય…રહેણીકરણી…સામાજિક….માનસિક ક્ષમતા આ બધામાં ખુબ જ વૈવિધ્ય વાળા મિત્રો …સાથે કામ કરવાનો મારો અનુભવ એક આખું પુસ્તક લખાય એટલા સંભારણા આપી ગયો છે .

કથા કડી ..આજ સુધી એક શીર્ષક વગર જ રહેલી વાર્તા હવે પ્રતિલિપિ અને ગુજરાત પ્રાઈડ પર E BOOK બનશે અને અનેક વાચકો એને વાંચશે ..એ વાતની અમને બધાને ખુશી છે . મારા બ્લોગ શૂન્યતાના આકાશ પર આ ૨૯ કડીઓને લગભગ ૭૫૦૦થી વધુ વાર જોવાઈ છે … તમારા બધાનો ખુબ આભાર માનું છું … 🙂 એકાદ બે મિત્રો આ કથા કડીને છપાવવા માટે નાણાકીય મદદ કરશે એવું કહી ચુક્યા છે.

સાહિત્ય માટે અકલ્પનિય કહી શકાય એવી એક આખી ઘટના માત્ર અને માત્ર સોશ્યલ-મિડિયાના પ્લેટફોર્મ પર ટૂંકાગાળામાં આકાર લઈ ચૂકી છે.અમે સાવ અજાણતા એક ઈતિહાસ રચી નાખ્યો છે . કદાચ આ આ પ્રકારની ..સાવ અજાણ્યા મિત્રોએ લખેલી પહેલી વાર્તા હશે એવું અમે દ્રઢ પણે માનીએ છીએ .

અહી મારા મિત્રો વિષે થોડું ઉમેરું છું ..

૧….પ્રતિક ગાલા ..મુંબઈ , ૨૯ વર્ષ  વ્યવસાય – નોકરી .. એન્જીનિયર
૨….મનીષા દરજી..મુંબઈ, ઉંમર- ૪૨ હાઉસવાઈફ
૩….ચંદ્રલેખા રાવ…સુરત, હાઉસ વાઈફ
૪….ડોલી ઠકરાર..પોરબંદર , હાઉસ વાઈફ
૫….જહાનવી અંતાણી..વડોદરા,૫૦ વર્ષ  હાઉસ વાઈફ
૬….આશિષ ગજ્જર ..વડોદરા, ૫૧ વર્ષ વ્યવસાય … એન્જીનિયરીંગ ફીલ્ડ
૭….રાજેન્દ્ર જોષી ..ચેન્નાઈ , ૫૫ વર્ષ Addl GM at GNFC
૮….રીના માણેક..કોલકોતા ,૪૯ વર્ષ ,હાઉસવાઈફ
૯….ડો. હેમલ વૈષ્ણવ …. USA, ડોક્ટર
૧૦. અશ્વિન મજીઠીયા … મુંબઈ , ૫૮ વર્ષ Account Executive in Salt Industry
૧૧.ડો. ભસ્માંગ ત્રિવેદી …રાજકોટ , ૩૭ વર્ષ Profession : Veterinary Doctor.
૧૨.ડો. નિપુલ કારિયા …ભાવનગર , ડોક્ટર , 43 વર્ષ .
૧૩.RJ અનિરુદ્ધ ત્રિવેદી…રાજકોટ , ૩૧ વર્ષ રેડીઓ જોકી
૧૪.નિશિતા પંડ્યા ….. કેનેડા , ૪૩ વર્ષ હાઉસ વાઈફ
૧૫.અજય પંચાલ …. USA , ૫૨ વર્ષ વ્યવસાય – સીનીયર ગ્લોબલ પ્રોડક્ટ પ્લાનર (Bloomberg)
૧૬.નીતિન ભટ્ટ ….વડોદરા , ૬૦ વર્ષ . સર્વિસ
૧૭.નીતા શાહ….અમદાવાદ , ૫૭ વર્ષ Owner of Diplav Omkar Dance Academy
૧૮.વત્સલ ઠક્કર …. દુબઈ , ૪૭ વર્ષ , વ્યવસાય : સેલ્સ / માર્કેટિંગ પ્રોફેશનલ.
૧૯.મ રીઝવાન ઘાંચી …ગાંધીનગર , ૨૮ વર્ષ working as Assistant Director of Agriculture, Agriculture Department, Gujarat
૨૦.રીટા ઠક્કર …. વલ્લભવિદ્યાનગર , 50 વર્ષ….હાઉસવાઈફ
૨૧.દેવદત્ત ઠાકર ….રાજૂલા , ૪૧ વર્ષ  સર્વિસ
૨૨.ચેતન શુક્લા…અમદાવાદ , ચેતન શુક્લ ૪૫ વર્ષ વ્યવસાય:નોકરી
૨૩. કુંજલ પ્રદીપ છાયા…ગાંધીધામ ૩૦ વર્ષ Fashion Designer
૨૪.રમેશ લાખાણી …મુંબઈ , ૩૯ વર્ષ વ્યવસાય -Diamonds exports
૨૫.પીયુષ મહેતા …. ભાવનગર , ૨૯ વર્ષ Owner at Afraa Web Expeditors (IT Company)
૨૬.એન્જલ ધોળકિયા….અમદાવાદ , ૨૩ વર્ષ .. HEAD – HR & ADMIN (IT company)
અને
૨૭. નીવારોઝીન રાજકુમાર ..અમદાવાદ , ૪૬ વર્ષ …. બ્લોગર 🙂

5641434644348928

આજે અમે આ છેલ્લી કડી એક સહિયારી કડી તરીકે મૂકી રહ્યા છીએ ….. સતત સાથ આપનાર મિત્રો સાથે આ કથાનો અંત કરવો એ મારી ખુબ અંતરથી  ઈચ્છા હતી .

કડી …૩૦

વ્યોમાની જિંદગી એકદમ પરીવર્તન અનુભવી રહી હતી. એનો માતા બની ન શકવાનો અફસોસ હવે ભૂતકાળ બની ગયો હતો. પોતાના પુત્રના અસ્તિત્વની જાણ થતાં જ હવે એ બાકી રહેલી જિંદગીનું સઘળું વાતાવરણ પોતાની તરફેણમાં બનાવી દેવા એકદમ બહાવરી બની હતી. એ પોતાના પુત્રને પામવાનાં સઘળાં પ્રયત્નો કરવાં માંગતી હતી. માતૃત્વના કોલે એને કૌટુંબીક માહોલમાં જીવવા અધીરી બનાવી દીધી હતી. અને જેવી વિષ્ણુની ભાળ મળી તેવી એને પોતાની પાસે જ રહેવા આવી જવા માટે સમજાવવાનાં પ્રયાસ રુપે સામેથી તેની હોટલમાં પહોંચી ગઈ. ધનિક વાતાવરણમાં ઉછરેલી અને આધુનિક જીવનપદ્ધતિ જીવતી, સ્વછંદી એવી વ્યોમા આમ તો આવી ફાલતુ હોટલનો કદી દાદરો પણ ન ચઢે. પણ પરિસ્થિતિએ વ્યોમમાં એક બદલાવ લાવ્યો હતો. જુદા જ વિચારો અને નવી પરિસ્થિતીમાં ઢળવાની તૈયારી સાથે વ્યોમાએ વિષ્ણુની હોટલની રુમના દરવાજે ટકોરા માર્યા. અંદર રહેલ વિષ્ણુએ રોજની જેમ જ રુમ બોય આવેલો સમજીને બેડ પર પડ્યા રહ્યેજ કીધું…
“આવીજા બાપલીયા…હજું ઉંઘ તો ઉડવા દે…”
ફટાક દઈને બારણું ખોલીને હાથમાં ચા ને બટાકાપૌઆનાં નાશ્તાની ટ્રે સાથે અંદર પોતાની નજર સામે ઉભેલી વ્યોમાને જોતાં જ તે થોડો અસ્વસ્થ થઈ ગયો. વિષ્ણુ મોં પર અણગમાનાં ભાવ સાથે બોલ્યો…”અરે.!…તમે કેમ આમ સવાર સવારમાં મારી સવારને બરબાદ કરવા આવી ગયાં..? મારો પીછો છોડવાનું તમે શું લેશો? અને ખાસ સાંભળી લ્યો, મારે મારી જિંદગીને હવે બદલવી જ નથી..ને હું આમ જ ખુશ છું..”
વ્યોમાથી ન રહેવાતાં બોલી…”અરે…વિષ્ણુબેટા….તું હવે તો સમજ…તું તો મારા કાળજાનો ટુકડો છે, મારું લોહી સીંચીને તને નવ મહીના મારા પેટમાં પાળ્યો છે, તું મારી વાત નહીં માને? બેટા, તારા ફાયદા માટે જ કહું છું ચાલ આપણા ઘરે..”
વિષ્ણુ બોલ્યો…”કોને સમજાવવા માંગો છો તમે? ને કોનું ઘર? મારે જ્યારે ઘરની અને મા ની જરુર હતી ત્યારે તમે ક્યાં હતાં?…ને હવે જ્યારે મને કોઈનીજ જરુર નથી ત્યારે મને શું કામ કોઈ નવા સગપણની ઓળખ આપીને લાગણીનાં પાશથી બાંધવાનાં પ્રયત્ન કરી રહ્યા છો? શું હું નાનો બાળક છું કે તમે મને લાગણીની લોલીપોપ હાથમાં પકડાવીને પટાવીને કહી દીધું કે ચાલ ઘરે જઈને બીજી આનાથી ય સરસ ચોકલેટ આપીશ !”
વ્યોમાના ચહેરા પર પારાવાર વ્યાકુળતા હતી. “બેટા વિષ્ણું તને ખબર છે કે તું જે સમજી રહ્યો છે એનાં માટે હું એકલી જ જવાબદાર છું? એ સમયે હું થોડી બહેકી ગઈ હતી…..ને એ મારા બહેકવાનો લાભ જેણે લીધો હતો એ પણ તારી આજની હાલત માટે એટલો જ જવાબદાર છે….ને મને તો તારા જન્મ વિશે અંધારામાં જ રાખીને તારા અસ્તિત્વને આશ્રમમાં ઉછરવા રવાના કરી દીધું હતું”…. વ્યોમાના અવાજમાં ધ્રુસકું નીકળી આવ્યું. ” હું અભાગણી આટલાં વર્ષો સુધી મારો પોતાનો દીકરો હોવાં છતાંય એક વાંઝણી બની મારી જ જાતને ભૂલીને નસીબની મારી છેતરાતી રહી..!” આટલું બોલતાં વ્યોમા રીતસર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
વિષ્ણુ હવે અકળાયો હતો. એણે એની જિંદગીમાં ક્યારેય આવી લાગણી અને લાગણીભરી વાતો કે દલીલો કે પછી આવી કાકલુદીભરી વિનવણીઓ સાંભળી જ ન હતી, તે લગભગ યંત્રમાનવની જેમ જ મોટો થયો હતો. તેનાંથી આવી પરિસ્થિતિ સહન ન થઇ. વ્યોમાનાં આંસુ તેને જરાય પીગળાવી ન શક્યાં. ઉલટાનું તે ઉશ્કેરાયો ને લગભગ બરાડ્યો…..
“ઓ મેડમ, તમારા પૈસા ને ધનદોલત તમને જ મુબારક…ને મારે જોઈતું હોયને, એ ગમે ત્યાંથી પેદા કરવાની મારામાં આવડત છે જ…..અને મારે મારી રીતે જીવવા માટે એટલું જ પુરતું છે..!….મારે કોઈ મોટાં શેઠ નથી બની જવું..!” વિષ્ણુના અવાજમાં એક ઉશ્કેરાટ હતો. એ બરાડયો….”અને હવે ફરીથી આ મા-બેટાની વાતો કરવા આવીને એવી વાતો કહી મને ખોટો ઉશ્કેરશો નહીં. નીકળો બહાર !…નીકળો, મારે કોઈ મા હતી નહીં….ને કદી હશે પણ નહીં..!”
વિષ્ણુ ગઈકાલે રાત્રે કરેલા કરેલાં નશાને કારણે હેંગ ઓવર ફીલ કરતો હતો. એનું માથું ઘુમતું હતું. રડતી કકળતી વ્યોમાને એણે હાથ પકડીને એક ઝાટકે રુમની બહાર લગભગ ધકેલીને રુમનું બારણું ધડાક કરતું વાસી દીધું.
રૂમની બહાર વ્યોમા, “વિષ્ણું ..અરે વિષ્ણું બેટા, ઓ મારા લાલ….મને હવે તો મા બનવાનો મોકો આપ. આ બધું જ હવે તારું જ છે, મને તો ફક્ત મારા ખોળામાં મારી મમતા આપી દે..! બસ, ભગવાન મેં કયારેય તારી પાસે કશું માંગ્યું નથી, પણ હવે તો મને મા બનાવી દે..! આજે કોળીયો હાથમાં અને નજર સામે જ છે. છતાં હું એનાં માટે તડપું છું..! અરે..અરે કોઈ તો સાંભળો, મારા દિકરાને આટલું સમજાવો.”
ને વ્યોમાં હોટેલની લોબીમાં આમ લવારા કરતી અર્ધ બેભાન અવસ્થામાં ફસડાઈ પડી…!!

— ( આશિષ ગજ્જર )

સવારથી જ શહેરના વેપારીજગત અને અખબારી આલમમાં સપનાની કાબેલિયત અને શેઠ એન્ડ કંપની ભરપુર પ્રશંસા ચર્ચાતી રહી. સપના આ બધું સાંભળીને, વાંચીને દિલમાં થોડું દર્દ અને ખુશી એકસાથે અનુભવતી રહી. એ વિચારમાં જ આંખના ખૂણા ભીના થયા, અને મન મક્કમ કરીને ઓફીસે જવા તૈયાર થઇ. સ્નેહાને કહ્યું..,”બેટા, હું ઓફિસે જાઉં છું.” અને ઓફીસે જવા નીકળી ગઈ.
ઓફિસે પહોંચતા જ સંવેદના અને સ્પર્શ, શેઠ એન્ડ કંપનીને મળેલા ટેલીમેડીસીન ના કરાર માટે અભિનંદન પાઠવવા ફ્લાવર-બુકે સાથે જોવા મળ્યા. એમને જોઇને સપનાનું હૈયું ભરાઈ આવ્યું. બંનેને પોતાની ચેમ્બરમાં લઇ આવી સપનાએ પોતાની જગ્યા લઇ પ્યુનને બધાં માટે ચા-નાસ્તો લઇ આવવા કહ્યું. સ્પર્શ-સંવેદના સામે જોઇ આંખમાં ઝળઝળિયાં સાથે પોતાની લાગણી વહેતી મૂકી. સપનાએ કહ્યું, “સ્પર્શ, સંવેદના, તમારા બંનેના સહયોગ વગર મારા માટે શેઠ એન્ડ કંપનીને અહી સુધી પહોંચાડવી શક્ય નહોતું. ટેલીમેડીસીનના કરાર અંગે સ્પર્શ, તમારી સલાહ સુચન અને મહેનત રંગ લાવી છે. સંવેદનાએ આપેલી હુંફ અને તમારી કંપની પ્રત્યેની નિષ્ઠાને લીધે અહી સુધી પહોચી શકી છું. એ બદલ હું તમારી ખુબ ખુબ આભારી છું.” સંવેદનાએ સપનાના હાથ પર હાથ મૂકીને કહ્યું…”સપના, યુ ડીઝર્વ ઈટ. યુ આર કેપેબલ વુમન. આમાં તારી મહેનત, શ્રદ્ધા અને.. સંયોગ પ્રત્યેનો પ્રેમ જ રંગ લાવ્યો છે, અને અમે તો તારી સાથે છીએ જ.”
સપના એ કહ્યું,…”બસ હવે સંયોગ પરફેક્ટ થઇ જાય અને આ કંપની એના હાથમાં સોપીને હું ફરી એ જ સપના બનવા માંગું છું, કે જે સાંજ પડે તૈયાર થઇને સંયોગના ઓફિસેથી આવવાની રાહ જોતી હોય. અને રજાના દિવસ હું, સંયોગ અને સ્નેહા ફરવા નીકળી પડીએ. મૂવી, હોટલમાં જઈએ અને નિરાંતનો આનંદ માણીએ…….એવા દિવસની રાહ જોઉં છું.  હવે સ્નેહા પણ મોટી થઇ રહી છે. એના પ્રત્યેની મારી ફરજ પણ વધી રહી છે, એને પણ માની સાથે એક સખીપણાનો અહેસાસ કરાવી શકું…!” સપનાની આ વાતો સાંભળીને સંવેદનાની આંખો સજળ બની. સ્પર્શ લાગણી તરબતર સખીઓને જોતો રહ્યો.
સ્પર્શને જોતો જોઇને બંને સખીઓ સ્વસ્થ થઇ, ને વાતને બીજે વળાંક આપ્યો. સંવેદનાએ સપનાને અવનીની યાદ અપાવી. એટલે તરત જ સપનાએ અનંતને ફોન કર્યો..,”હાઈ, અંનત, કેમ છો તમે? અવની કેમ છે?” અનંતે જવાબ આપ્યો, “અવની, ડોક્ટરના કહ્યા મુજબ આરામ કરે છે અને તબિયત પણ સુધારા પર છે. આટલે ચિંતા કરશો નહિ. તમે અને સંયોગ કેમ છો?” અને તેણે સ્નેહાનો ખયાલ રાખવાનું કહ્યું. સપનાએ, અનંતને પોતાનો અને અવનીનો ખ્યાલ રાખવાની ભલામણ કારની ફોન-કોલ પૂરો કર્યો.
“આપણી વાતો ક્યારેય પૂરી નહિ થાય..” અને ચા અને નાસ્તાને ન્યાય આપવા સ્પર્શ અને સંવેદનાને કહ્યું. લાગણીઓના પુરને ખાળીને.ફરીથી વાતનો દોર બીઝનેસ તરફ વાળતા સ્પર્શને કહ્યું, “સ્પર્શ, તમારે હવે એક મોટું કામ કરવાનું છે.. રાહુલના બધા જ કાવાદાવા નિષ્ફળ ગયા… તો પણ આપણને અંદાજે એનાથી શું નુકસાન થયું છે…ક્યાં ગેરફાયદા થયા છે..એનો એક અહેવાલ બનાવો, તો આગળ શું પ્લાન કરવા એની સમજ પડે. અને હા, હવે આગળ ક્યાય નાની શી ય ભૂલ ન થઇ જાય એના માટે સચેત રહેવાનું. અને એ માટે તમારા સિવાય કોઈ પણ પર વિશ્વાસ મૂકી શકું તેમ નથી.” સ્પર્શે જવાબ આપ્યો..,”ચોક્ક્સ..અને સંવેદના, આપણે રજા લેશું?” તેણે સંવેદના સામે જોઈ કહ્યું, અને બંને સપનાની રજા લઇ ઘરે જવા નીકળ્યા.

— ( જહાનવી અંતાણી )

શહેરની પંચતારક હોટલમાં ત્યારે રાજકારણીઓનો મેળો જામ્યો હતો. જબરા કોલાહલ વચ્ચે પાર્ટી-મિટિંગનો અજેંડા રજુ થયો. અને રાબેતા મુજબનું કામ ચાલ્યું. પાર્ટીના સભ્યોની આ મેદની જોઇને જનાર્દન ખુશ હતો.
ગઈ ચુંટણીમાં તેની પાર્ટીની અણધારી કહી શકાય એવી હાર થઇ હતી જેનાથી તેની પાર્ટીના સભ્યોનો ઉત્સાહ, ત્યારે પડી ભાંગ્યો હતો. પણ આજે, બસ થોડા મહિના બાદની આ મીટીંગમાં સર્વે ફરી પાછા ઉત્સાહિત જણાતા હતા.
તેનું કારણ હતું, કે સત્તાપર નવી આવેલી સરકારના ગૃહપ્રધાનના દીકરાનું કોઈ કોલ-ગર્લ સાથેના ફોટા સાથે, નામ છાપે ચાડ્યું હતું. અને આને લીધે નવી સરકારને ભોંઠા પડીને ખુબ નીચાજોણું થયું હતું.
“આ સત્તાધારી પારટીએ બઉ બધા બણગા ફૂંકી-ફૂંકીને ભોળી-ભટાક પરજાને હથેળીમાં ચંદરમા દેખાડી દીધો. ને પરજા ય બચાડી તેમની વાયતુંમાં આવી ગઈ, ને ઈ લોકોને માથે બેહાડી દીધા. આપણે ય હાળા ઊંઘતા જડપાઈ ગ્યા..ને પવન પારખવામાં ય થાપ ખાઈ ગ્યા’તા..” -મીટીંગ પુરી થતાં બહાર નીકળતા એક રાજકારણી બબડ્યો.
“એ સરવણભાય, આમ આકળા કાં થાવ?” -સાથે ચાલતા જનાર્દન વાઘેલાએ તેને ટપારતા કહ્યું- “ભાળતા નથ, ગઈકાલે ઈમનો આ એક ભવાડો જે છાપે ચઈડો, ઈ કોનું કામ સે? ભલા માણહ, આંઈ આપણે ય કાંઈ હવે ઊંઘતા નથ. થોડી ખમૈયા કરો બાપલીયા..હઉ હારા વાના થઇ રેહે. ગઈકાલની ઘોણે, ઈ લોકોને આમ હજી એક ઠેબું આવવા દ્યો..ને જોજો પસી આ ભાયડાના ભડાકા..! એય..ને..વચમાં ટાંગ નાખીને એવા પલોટશુ, કે ભોય ભેરાં થઇ જાહે આપણી ખુરશીયું પચાવીને બેઠા સે ને..ઈ હંધાય.”
“હા ભાઈ..જનાર્દનભાઈ, આ આવું..આ માઈલુ, હજી યે કંઇક થાય તો તો મજો પડી જાય.” -સરવણભાઈ હસતા હસતા બોલ્યા.
“એ થાહે થાહે, ચિંતા કરો માં..હાલો તંઈયે..જે સી ક્ર્ષ્ણ..! આંઈ તો હજી યે એક મેળાવડામાં પોચવાનું સે, તી ઉતાવળ સે..” -જનાર્દન ખુશખુશાલ મુદ્રા સાથે તે બધા સભ્યોથી છૂટો પડ્યો.
એક બાજુ સત્તાધારી પાર્ટીનું એક કૌભાંડ છતુ થવું અને બીજી બાજુ વિષ્ણુ નામના અચાનક ઉગી નીકળેલા પોતાના જુના કૌભાંડને દબાવી દેવામાં પોતાને મળનારી સફળતાનો અંદેશો, આ બધાએ જનાર્દનને ખુશખુશાલ કરી મુક્યો. પણ એ જાણતો ન હતો કે તેની આ ખુશી ક્ષણજીવી નીવડવાની છે.
ફક્ત ખુશીની ક્યા વાત..એની પોતાની જિંદગી યે હવે ક્ષણજીવી જ હતી એની એને ક્યાં જાણ હતી..!
હોટલની બહાર સામેની ઈમારતમાંથી ટેલીસ્કોપીક રાઈફલ વડે તેની ઉપર નિશાન તો ક્યારનું તકાઈ રહ્યું હતું. બસ આ ભીડમાંથી તેનાં છુટા પડવાની જ રાહ જોવાઈ રહી હતી, કે જેથી તેની સાથે-સાથે બીજા બે-ચાર જણા હોળીનું નાળીયેર બનતા બચી જાય.
જેવો જનાર્દન આ બધાંથી છૂટો પડીને પોતાની બુલેટ-પ્રૂફ કાર તરફ આગળ વધ્યો, કે એક પછી એક એમ સાત-આઠ બુલેટ આવીને તેની છાતી વીંધી ગઈ. નિશાન અચૂક લેવાયું હતું, એટલે બધી ગોળીઓ જીવલેણ બની ગઈ. અને લોહીલોહાણ જનાર્દન જગ્યા પર જ ઢળી પડ્યો. જનતાને વ્હાલા થવાના અતિ ઉત્સાહમાં, સાથે બોડી-ગાર્ડ્સ ન રાખવાની તેની જીદ આજે તેને ભારે પડી. પાર્ટીના સભ્યો અને આસપાસની પબ્લિક દોડી આવી. પરંતુ હવે કંઈ જ થઇ શકે તેમ ન હતું. જનાર્દાનનું પ્રાણ-પંખેરું તો તત્કાલ ઉડી ગયું હતું.
….
સાંજના ચાર સાડા-ચારનો સમય હતો. વહેલી સાંજના આ સમયે દરિયાકાંઠે આવેલ બીયર-બારમાં ખાસ કોઈ ચહલપહલ નહોતી. ખૂણાના એક ટેબલપર બે જુવાનીયાઓ વ્હીસ્કીની બોટલ ખોલીને બેઠાબેઠા ધીમા અવાજે ઘુસુર-પુસુર કરી રહ્યા હતા.
“ચલ ભાઈ, ઉતાવળ કર હવે. ત્રણ કલાક થઇ ગયા તારું કામ કરી આપ્યું એને. બાકીની રકમ કાઢી આપ, ને હવે મને છુટ્ટો કર દોસ્ત. આ રાજકારણીઓના ચક્કરમાં મારે જેલના સળિયા નથી ગણવા.” -ત્રીસેક વર્ષના યુવાને અધીરાઈ દેખાડી.
“યાર છબા..થોડું વેઇટ કર રાજા. હજી તો મડદું સ્મશાને ય નથી પહોચ્યું, ને તારી ઉઘરાણી ચાલુ થઇ ગઈ..?” -પચીસ છવ્વીસ વર્ષના બીજા સોહામણા યુવાને પોતાથી પાંચેક વર્ષ મોટા દોસ્તને હળવા મિજાજમાં ટોક્યો.
“તો શું એના શ્રાદ્ધના લાડવા ખવડાવીને પછી, દક્ષિણમાં મારો હિસાબ આપવાનો વિચાર છે કે તારો?” -છબાએ સામી દલીલ કરી.
“અરે પણ..”
“અબે..(ગાળ), તું સમજતો કેમ નથી. તારી સોપારી ફોડવા આ જેને મેં ટપકાવ્યો છે, એ વાઘેલા..ઓપોઝીશન પાર્ટીનો લીડર છે. હવે આનો શક તો બધો સરકાર પર જ જવાનો. એટલે સરકાર આદુ ખાઈને પાછળ પડી જવાની વાતનો છેડો ગોતવામાં. ને આ બધી ધમાલ થાય એ પહેલા હવે અન્ડરગ્રાઉન્ડ થઇ જવામાં જ માલ છે. ને વિષ્ણુ, તું ય શું (ગાળ)ની જેમ આટલા ઠંડા કલેજે બેઠો છે. આપણો હિસાબ પતાવીને તારી ગુફા ભેગો થઇ જા. એમાં જ ભલાઈ છે. નહીંતો આ પચીસ પછીના બાકી પંચોતેર, જેલમાં જ પુરા થઇ જવાના તારા.”
“ભરોસો રાખ છબા.. અડધી ચડ્ડીમાં ફરતા’તા દોસ્ત, ત્યારથી તું મને ઓળખે છે. આ તો ઠીક છે, મોટા ગજાનું કામ હતું એટલે બસ..ચા-પાણીનો મારો થોડો ગાળો રાખીને, આખું કામ તને ડાઈવર્ટ કર્યું છે. મને તો યાર હજી અડધું જ પેમેન્ટ આવ્યું છે, તોયે મેં તને પોણા ભાગનું પેમેન્ટ કરી નાખ્યું છે. હવે એકાદ દિવસ ખમી જા, દોસ્ત. મને મળી જશે એટલે એક..અડધો કલાકે ય તારે નહીં રોકાવું પડે.”
“વિષ્ણુ, સાલા (ગાળ) છો તું,..! આટલું રિસ્કી કામ હાથમાં લીધું, ને પેમેન્ટ બાકી રાખ્યું? હું નથી માનતો આ વાત..!
“અબે..રોજનો ઘરાક છે. એટલી ક્રેડીટ તો આપવી જ પડે..આ તારી જેમ થોડું છે કે આટલી જુની દોસ્તી, તો ય આંખની જરાય શરમ નહીં..ને હા યાર..સોદો થઇ ગયો પછી જ મને ખ્યાલ આવ્યો કે કોને ટપકાવવાનો છે. બસ, આ વખતે ભરોસામાં ને ભરોસામાં થોડી થાપ ખાઈ ગયો. બાકી ક્લાયન્ટ ઘરનો છે, એટલે ટેન્શન નથી.”
“થોડી નહીં જબરી થાપ ખાઈ ગયો તું વિષ્ણુબેટા..! સાલા..આ તારી આસમાની આંખ, ધોળે દહાડે આસમાનના તારા દેખાડવાની છે તને. જોઈ લેજે..! ”
“એટલે..?” -વિષ્ણુએ થોડા અસ્વસ્થ થઈને પૂછ્યું,
“આ રાહુલ ગાંધીને તું બરાબર ઓળખતો નથી..! અત્યાર સુધી તમારા બેઉનું ટ્યુનીંગ સારું હતું એટલે હું વચ્ચે નહોતો બોલતો, બાકી મહા હલકટ માણસ છે એ..”
“જો છબા, તારીને મારી વચ્ચે પ્રાઇવેટ કંઇ નથી હોતું, એટલે ક્લાયન્ટનું નામે ય મેં તને કીધું દીધું..પણ હું તારી કરતાં વધુ ઓળખું છે તેને. અને યાર, આ લાઈનમાં કોણ સીધું હોય છે..?“
“ વિષ્ણુભૈયા તારી કરતા પાંચ દિવાળી મેં વધુ જ જોઈ છે દોસ્ત. વાત સમજ મારી. આ તું જેના પર ભરોસો રાખીને બેઠો છે ને, મોકો મળે તો એ તારી માને ય પરણી નાખે એ ટાઇપનો છે, સમજ્યો..?”
[“મા તો મારી એક્ચ્યુલી પરણીને બેઠો છે, એ હરામી..” -વિષ્ણુ મનોમન બબડ્યો.]
“અને આ રાહુલ ગાંધીના કરતૂત ખબર છે તને? –છબાએ પોતાની વાત ચાલુ રાખી- “એણે તો તારી જ સોપારી આ વાઘેલાને આપી છે..કંઈ ખબર છે..?”
“વોટ? અબે (ગાળ..) હજી તો માંડ એક બાટલી ય અંદર ગઈ નથી, ને ચડી યે ગઈ કે તને?”
“ના.. અને એટલે જ કહું છું..કે તારી કરતા પાંચ દિવાળી વધુ જોઈ છે મેં. આ તો ઠીક છે કે વાઘેલા પહેલો જ ‘ઉપર’ પહોંચી ગયો, નહીંતો તારા તો સો યે સો વર્ષ આગલા ચોવીસ કલાકમાં પુરા થઇ ગયા હોત.”
“બકવાસ મત કર યાર. કોણે કીધું તને?”
”ગણપત કાણીયાએ.. ઓળખછ ને તું એને..? ઓલ્યો બેકરીવાળો..!”
“હા..આગળ બોલ..” -વિષ્ણુ અધીરો થઇ ગયો હવે.
“જનાર્દન વાઘેલાનો રેગ્યુલર બંદો છે એ. ને એના કેટલાય કામ પાર પાડી આપ્યા છે એણે. હવે આ રાહુલ ગાંધીએ, વાઘેલાની સાથે રહીને આ ગણપતને તારી સોપારી આપી’તી. અને એ કાણીયાએ મને પોતાના સગા મોઢે આ વાત કરી, કારણ કે ઈ જાણે છે કે તું મારો જીગરી છો.”
વિષ્ણુના ભવા તંગ થઇ ગયા. સામે પડેલ વ્હીસ્કીનો આખેઆખો ગ્લાસ તે એકી શ્વાસે ગટગટાવી ગયો.
વ્યોમાને કારણે રાહુલ પર અમસ્તો ય ગુસ્સો તો હતો જ..અને હવે આ હકીકત જાણીને વેર અને નફરતની આગ તેના રોમ રોમમાં પ્રસરી ગઈ.
……
પોતાના ઓરડામાં ડ્રેસિંગ-ટેબલના આરીસા સામે ઉભો ઉભો વિષ્ણુ, પોતાની જાતને નીરખી રહ્યો.
આસમાની આંખોવાળી પોતાના ખુબસુરતી પર પોતે જ મોહી પડતા વિષ્ણુને આજે એ ચહેરો ભયંકર બદસુરત ભાસતો હતો. હમણાં..થોડી જ પળો પહેલા આવેલ કોઈ અનામી ફોન પર એને જે હકીકત જણાવવામાં આવી, તેનાથી તે વિહવળ થઇ ગયો હતો.
ફોન કરનારે કહ્યું કે જનાર્દન વાઘેલા તેનો પિતા હતો, અને જો વધુ પુરાવો જોઈએ, તો પોતાની મા વ્યોમાને જઈને પુછી લેવાની સલાહ પણ આપી તેણે.
તે વ્યક્તિ આ એક ભેદ તો જાણતો જ હતો કે વ્યોમા તેની મા છે. મતલબ, આ બાબતમાં તે સાચો જ હતો તો પછી, તેની આ બીજી વાત પણ સાચી જ હોય..શંકાને કોઈ કારણ જ નહોતું.
કારણ તો હતું બસ, પોતાની જાતને દોષ દેવાનું હવે. પોતે જ તો જનાર્દન વાઘેલાના મોતનું નિમિત્ત બન્યો હતો. અજાણતા જ ભલે પણ તેના પોતાના જ ઈશારે આ કામ થયું હતું. અને બસ..થોડા રૂપિયાની લાલચમાં જ પોતે એ કામ કરી બેઠો, જે દુનિયાનો કોઈ જ પુત્ર કદાચિત ન કરે.
નફરત થઇ આવી તેને પોતાની જાત ઉપર, તેની આ જિંદગી પર.
આટલા વર્ષોની અનાથાવસ્થા બાદ જયારે મા મળી તો તેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી અને બાપને તો દુનિયાની જ બહાર રવાના કરી દીધો. પોતાની આવી માનસિકતા અને ગુન્હાભારી જિંદગીથી હવે તેને ઘૃણા થઇ આવી. પોતાનું અસ્તિત્વ નિરર્થક ભાસવા લાગ્યું અને આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગ્યા તેને. જાત સાથે લડતા ઝગડતા કેટલીયે ક્ષણો વિતાવી અને મનને મક્કમ કર્યું કે, “ના.. આત્મ-હત્યા તો કાયરતા છે. ને હું કાયર નથી. મર્દ છું હું. આ જીવન જો નિરર્થક હોય તો તેને અર્થ-સભર બનાવી શકાય. હું જુવાન છું. જોશ અને જોમ બરકરાર છે હજી મારા જુવાન બદનમાં. હિંમત અને હોંસલો અકબંધ છે મારા જીગરમાં. આવે તે પરિસ્થિતિનો સામનો કરવાની સક્ષમતા જેમની તેમ છે, તો શા માટે બાકીની જીંદગીને નવી રાહ પર ન લઇ જવી.”
સરકારને સમર્પિત કરી દઉં તો જાતને, -તેણે વિચાર્યું- પાછલા દુષ્કર્મોની સજા થશે એટલું જ ને.. તો એને તો લાયક જ છે એ. પણ એક સંતોષ તો પ્રાપ્ત થશે કે નવા જીવન તરફ એક કદમ માંડીને તેણે તેને સુધારવાની શરૂઆત તો કરી. “હા, એમ જ કરું.” -તેણે આગળ વિચાર્યું- “પશ્ચાતાપની આગમાં થતી પીડામાં થોડી તો રાહત મળશે જ બાકી આત્મ-હત્યા કરીને તો અવગતિ જ પ્રાપ્ત થવાની એ તો નક્કી જ છે. સરકારને સમર્પણ કરવાથી એક સત્કર્મ એ થશે કે સાચા ગુનેગારને યોગ્ય સજા થશે અને સમાજમાંથી પાપ અને પાપી ઓછા થશે. અને હા, સજા પુરી કર્યા પછી બાકીનું જીવન ગુનારહિત જીવીને તેની સાર્થકતા ય સિદ્ધ કરી શકીશ. યસ, આ જ સાચો રસ્તો છે. મારે સમર્પણ કરી જ દેવું જોઈએ..!”

અને તાજનો શાક્ષી બની અસલી ગુનેગારને પકડાવાનો દ્રઢ નિર્ધાર કરી આ બદનસીબ યુવાને.તે દિશામાં પગલા ભરવા શરુ કર્યા.


— ( અશ્વીન મજીઠીયા )

યશપાલ એની ઓફિસમાં બેઠો બેઠો જનાર્દન વિશે વિચારતો હતો કે હવે એનો પાપનો ઘડો છલકાઈ ગયો છે. જનાર્દનને એના પાપોની સજા તો મળશે જ પણ સાથે સાથે રાજકારણનો એક કટ્ટર હરીફ પણ નામ:શેષ થઇ જશે. યશપાલની ઓફિસની દીવાલ પર લગાવેલા LCD ટીવી પર સમાચારની ચેનલ કાયમ મ્યુટ-મોડ પર ચાલુ રહેતી. અચાનક એનું ધ્યાન ટીવી સ્ક્રીન પણ ચાલતા દ્રશ્યો પર પડ્યું. -બ્રેકીંગ ન્યુઝ- “અગ્રણી રાજકીય હસ્તિ જનાર્દનની ધોળા દિવસે હત્યા. હત્યા પાછળ કોઈ રાજકીય સાઝીશનો શક…!” એરકંડીશન્ડ ઓફિસમાં પણ યશપાલના ચહેરા પર પરસેવો વળી વળી ગયો. પોતાની બધી ચાલ આમ અચાનક ઉંધી પડતી હોય એવું લાગ્યું. પણ સાથે સાથે એવા વિચારો પણ આવી ગયા કે રખે ને આ મામલામાં એનું નામ ઉછળે તો શું થશે?
એ આ તણાવમાં જ હતો અને એના ઇન્ટરકોમની રીંગ વાગી. સામે છેડે થી એના પર્સનલ અસીસ્ટન્ટનો અવાજ આવ્યો.
“સાહેબ, કોઈ અજાણ્યા ભાઈ આપને તાત્કાલિક મળવા માંગે છે. કહે છે કે ખુબ અગત્યની અને અરજન્ટ મેટર માટે આપને મળવું છે. કહે છે કે એ ફક્ત આપની સાથે જ વાત કરશે અને એ એકાંતમાં. એમનું નામ વિષ્ણુ છે”
“મોકલ” એમ ટૂંકમાં જવાબ આપી યશપાલ ફોન મુક્યો.
વિષ્ણુ યશપાલની ઓફીસમાં દાખલ થયો. યશપાલે એને બેસવાનું કહી પ્રશ્નો ભરેલી નજરે એની સામે જોયું. વિષ્ણુએ શરૂઆતથી લઈને જનાર્દનની હત્યા સુધીની બધી રામકહાણી વિગતે કહી, પછી પૂર્ણાહૂતિ કરતા કહ્યું. “સાહેબ, મેં જીવનમાં ઘણા ગુનાઓ કર્યા છે અને મને સજા તો મળવી જ જોઈએ. હું હવે પશ્ચાતાપની આગમાં બળી રહ્યો છું. જવાનીના જોશમાં આ બધું કર્યું છે પણ હવે મારે પણ એક સામાન્ય જિંદગી જીવવી છે. હું સામે ચાલીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા માંગું છું અને તાજનો સાક્ષી બનવા માંગું છું. પણ એ પહેલા વિચાર્યું કે આપ જેવા હિતેચ્છુ સાથે આ બાબતે ચર્ચા કરી લઉં. મને ખાતરી છે કે તમે આગળનો રાહ ચિંધાડશો જ. આપને સાહેબ એક વિનંતી કરવા જ આવ્યો છું કે આપ અને આપની સરકાર થોડી રહેમ નજર રાખે તો મારે મારી જિંદગી નવેસરથી શરુ કરવી છે.”

— ( રાજેન્દ્ર જોશી )

યશપાલ આશ્ચર્યચકિત નજરે અને કંઈક અંશે લગભગ ખુલ્લા મ્હોએ વિષ્ણુ તરફ તાકી રહ્યો. મીનીટોમાં જ એને કળ વળી. વિષ્ણુની વાત સાંભળીને જાણે બોમ્બ ફાટ્યો હોય તેવો અહેસાસ થયો. પહેલા તો વિષ્ણુની વાત યશપાલના માનવામાં જ ના આવી. કંઈક ગભરાટ અને ચિંતિત અવાજે યશપાલ બોલ્યો, “વિષ્ણુ, તને ખબર છે કે તું શું કહી રહ્યો છો? અને તારા આ પગલાના પરિણામોની કલ્પના ય કરી છે ખરી?”
“મંત્રી સાહેબ, પરિણામોની કલ્પના તો મેં ક્યારેય કરી નથી અને કરવાનો ય નથી. જો પરિણામોની ચિંતા કરી હોત તો આ જીંદગીની રાહ આવી ના હોત.” -વિષ્ણુના મ્હો પર મગરૂરી હતી- “મારી પથરાળ જીંદગીમાં કેટકેટલા ચઢાવ ઉતાર આવી ગયા છે, સાહેબ. મેં મારી જિંદગીને જીન્દાદીલીથી જીવી છે. પૈસા કમાવવા માટે મેં ઘણા ય ગુના આચર્યા છે પણ એની પાછળ પૈસા કમાવવા એ જ એક આશય નહોતો. મેં મારી જીંદગી એક અનાથ તરીકે જીવી છે. જો કે કોઈ પણ બાળક અનાથ નથી જન્મતું, સંજોગો એને અનાથ બનાવે છે. અને આ સંજોગો નિર્મિત થતા હોય છે માણસની પૈસાની ભૂખ, સત્તાની ભૂખ અને કહેવાતી સામાજિક પ્રતિષ્ઠાને કારણે.” -આમ બોલતાં વિષ્ણુના ચહેરા પર એક ચમક હતી, તેજ હતું- “યશપાલ સાહેબ, મેં સમાજની સામે મારી જિંદગીને આ રાહ બતાવવાનો પ્રતિશોધ લીધો છે. એક એક કાર્ય કર્યા કે કરાવ્યા પછી મને એક સંતોષની લાગણી થતી હતી. હું ધારત તો હજી ય આમ જ એક સામાન્ય જીંદગી પણ જીવી શક્યો હોત. પણ વિધાતાની મરજી જ મારા થકી સમાજના અનિષ્ટને દુર કરાવવાની હતી, સાહેબ. હું કદાચ આખી જીંદગી આ જ રીતે સમાજની સામે પ્રતિશોધ લીધા કરતો હોત, પણ આજે મારા જ ઈશારે મારા સગા બાપની હત્યા થઇ ગઈ. જો આજે એક અનામી ફોન કોલ ના આવ્યો હોત તો કદાચ મને આ વાતનો અંદેશો પણ ના આવ્યો હોત, સાહેબ.”
યશપાલ વિષ્ણુને સાંભળી જ રહ્યો.
“આજે મારી સગી મા મારી સામે માતૃત્વની ભીખ માંગવા આવી હતી પણ મેં એને ય ધુત્કારી નાંખી હતી. મારા મનમાં કોઈના માટે ય લાગણી નહોતી રહી. મારી માના આંસુ પણ મને પીગળાવી નહોતા શકયા, પણ વિધાતા એ જે ચાલ રચી અને મારા દ્વારા જ મારા સગા બાપની હત્યા કરાવાઈ, એ બાબત મારા દિલમાં ચોટ પહોચાવી ગઈ. અત્યાર સુધીમાં મેં લીધેલા પ્રતિશોધે મારી જ જેમ બીજા કેટલાને અનાથ બનાવ્યા હશે એનો મને અહેસાસ થયો. હવે તો આત્મસમર્પણથી જ કદાચ મને શાંતિ મળશે..!” વિષ્ણુના ચહેરા પર પશ્ચાતાપના ભાવ લાગણી સ્પષ્ટ જણાતા હતા.
યશપાલના મગજમાં ખુબ જ ઝડપથી વિચારોનું વંટોળ આવી ગયું અને શમી પણ ગયું. યશપાલ એક કુશળ રાજનેતા હતો પણ સાથે સાથે એનામાં રહેલી માણસાઈ પણ જાગૃત હતી જ. એ પણ સમાજની નિષ્ઠુરતાનો શિકાર બન્યો જ હતો. બસ, ફરક એટલો હતો કે એક ભલા માણસે એની જિંદગીને સંભાળી લીધી હતી. નહીતર એ પણ એક સામાજિક અનિષ્ઠ બનીને જ રહી ગયો હોત. ખુબ જ ઝડપથી એણે આગળનો પ્લાન વિચારી લીધો.
“જો વિષ્ણુ, હું તારા મનની હાલતને ઘણી જ સારી રીતે સમજુ છું. તું એ સંજોગોનો શિકાર થયેલો છો જેમાંથી હું બચી શક્યો, કારણકે સમાજમાંથી ભલાઈનો સંપૂર્ણ નાશ નથી થયો. તારા મનમાં આજે તારા કર્મોનો જે પશ્ચાતાપ થાય છે એ ઘણી જ સારી બાબત છે. પણ હું જિંદગીના નિર્ણયો ખુબ જ પ્રેક્ટીકલી લઉં છું. તે અત્યાર સુધી જે કાઈ કર્યું છે એ બધું જ કોઈના ઈશારાથી કર્યું છે. પણ એનો મતલબ એ નથી કે તું ગુનેગાર નથી, જો કે ખરો ગુનેગાર તો આવા કામ કરાવનાર જ છે. અત્યાર સુધી કોઈ જ ગુનાનો રેકોર્ડ તારા નામે પોલીસના ચોપડે નથી. બાપની હત્યાના દોરીસંચારની જવાબદારી લઈને તું જો તાજનો સાક્ષી થઈશ તો ખરા ગુનેગાર રાહુલ ગાંધીને તો જરૂર એના કુકર્મોની સજા મળશે જ. રાહુલે ફક્ત તારી જ નહિ પણ ઘણા બધાની જીંદગીમાં આગ લગાવી છે. જો તારા દ્વારા એવા નરાધમને શિક્ષા થતી હોય તો એ કરવાથી તને પણ તારા ગુના બદલ માનસિક શાંતિ મળશે. હું પણ પુરા પ્રયત્નો કરીશ, કે જેથી તને ઓછામાં ઓછી સજા થાય. તે અત્યાર સુધીમાં ઘણી સજા ભોગવી જ છે, તેથી હું નથી ઈચ્છતો કે તારે આનાથી વધુ સજા ભોગવવાની જરૂર હોય.” -યશપાલ અવિરત બોલતો જ રહ્યો- “મેં તારા આગળના ભવિષ્ય વિષે પણ વિચારી લીધું છે. તું જેવો છૂટીને આવીશ એટલે તારા માટે તારા જ અનુભવોને લાયક એક ધંધો વિચારી લીધો છે. અને એ છે કોર્પોરેટ કંપનીઓ માટે સીક્યુરિટી મેનેજમેન્ટનો. તારા છૂટીને આવતા પહેલા જ હું બધી વ્યવસ્થા કરી રાખીશ. તારા જેવા નવજુવાનને સાચા રસ્તા પર લાવીને એક સારી જીંદગી જીવતો જોઇશ, તો મને પણ એક ઋણ અદા કર્યાનો સંતોષ મળશે.” આ સાંભળી વિષ્ણુના ચહેરા પર રાહતની લાગણી ઉપસી આવી. યશપાલે આગળની કાર્યવાહી કેવી રીતે કરવી એની વિગતો વિષ્ણુને સમજાવી દીધી અને વિષ્ણુને આત્મસમર્પણ માટે રવાના કર્યો. યશપાલે આમ તો ઘણા ય સારા કામ કર્યા હતા પણ એ બધા હતા સામાજિક પ્રતિષ્ઠા કે રાજકીય પ્રગતિ માટે. આજે કરેલા કાર્ય થકી એને એક ઋણમાંથી મુક્તિ મળી હોય તેવી શાંતિ અનુભવાઈ.

— ( અજય પંચાલ )

વર્ષો બાદ મમતાને જ્યાં ભીનાશ મળી હતી અને પોતાના લોહીના અંશને હૈયે ચાંપવાનો અવસર મળ્યો હતો ત્યારે લોહીનો અંશ પોતે જ સામે પડ્યો હતો. પોતાનું લોહી એ પોતાનું લોહી, હર ઘડી તમારે કામ આવે આ ફક્ત કહેવાની જ કહેવત હશે એમ વ્યોમા વિચારી રહી. કરોડપતિ હોવા છતાં ફાલતુ હોટલમાં વિષ્ણુને વિનવવા જઈ ચઢેલી વ્યોમાને રડતી કકળતી છોડી હાથ પકડીને એક ઝાટકે રુમની બહાર ધકેલી દીધી હતી ત્યારથી વ્યોમાએ નક્કી કરી લીધું હતું કે વિષ્ણુ ભલે મારો અંશ હોય પણ ન તો એના નસીબમાં માનો પ્રેમ છે, અને ન મારા ભાગ્યમાં દીકરાનો દુલાર.
વિષ્ણુને પોતના હાલ-હવાલ પર છોડી દેવાનું વ્યોમાએ લગભગ નક્કી જ કરી લીધું હતું, પણ ઝડપથી બદલાયેલા ઘટનાક્રમે તેના હૈયામાં મમતાનો હીંચોડો ફરી ઝૂલતો કરી દીધો. જનાર્દનનું મોત અને તે બાદ વિષ્ણુને જ મોતની નીંદમાં પોઢાવી દેવાના રાહુલે કરેલા કારસાએ જ્યારે વિષ્ણુને ગૂનાની દુનિયા છોડી તાજનો સાક્ષી બની જવા દોર્યો હતો, ત્યારે હવે એ માનો પ્રેમ સમજી તેની સાથે જોડાઈ જવા પણ તૈયાર થઇ શકે, એવું મનોમન વિચારી વ્યોમા હરખાઇ ઉઠી. અને આમ પણ હવે જયારે રાહુલે જનાર્દનને મરાવ્યો, વિષ્ણુની સોપારી આપી ત્યારે મારું મોત પણ નક્કી જ છે, એમ વ્યોમાએ માની લીધું હતું. અને આવે વખતે જો વિષ્ણુ, દીકરો હોવાના નાતે તેની પડખે ઉભો રહે, તો તેનું કોઈ કઈ બગાડી ન શકે એમ વ્યોમા વિચારી રહી હતી.
કોર્ટમાં વ્યોમાને જોઈ, “આ બાઈને ભલે મેં ગમે તેટલી હડસેલી પણ એને મારી પરવા તો છે જ” એવું વિચારી રહેલો રાહુલ ભોંઠો પડયો, કારણ રાહુલ સામે હોવા છતાં કોર્ટની લોબીમાં ઉભેલી વ્યોમા તેની તરફ કોઈ પ્રતિભાવ આપ્યા વિના અપલક જ કોર્ટ પરિસરના દરવાજા તરફ તાકી રહી હતી. અને પોલીસ બંદોબસ્ત સાથે વિષ્ણુને કોર્ટ પરિસરમાં આવતા જોઈ વ્યોમાની આંખો ચમકી ઉઠી. કોર્ટની લોબીમાં વ્યોમાને લગભગ અવગણી આગળ વધી ગયેલા વિષ્ણુને વ્યોમા દોડતી જઈ વળગી જ પડી. હાઈપ્રોફાઈલ ફેમિલીનો કેસ હોવાના નાતે તમામ પાસા અને પાત્રોથી પરિચિત પોલીસે બન્નેને થોડી મોકળાશ કરી આપી.
“બેટા, હવે તો તું તારી જિંદગી બદલવા તરફ છો. તાજનો સાક્ષી બન્યો છો, તો હવે તારી આ માના પ્રેમનો હકદાર પણ બની જા. બસ હવે તું અને હું એકબીજાની હુંફે આખી જિંદગી રહીશું….” -વ્યોમા બબડતી રહી અને વિષ્ણુ બેધ્યાન પણે લોબીમાં આંટા મારતા માણસોને નીરખી રહ્યો. વિષ્ણુનું બેધ્યાનપણું જોઈ વ્યોમા અકળાઈ ઉઠી અને વિષ્ણુનો કોલર પકડી હચમચાવી નાંખતા જોરથી બોલી ઉઠી-  “તું…સાલો જેલ અને અનાથાશ્રમને જ હકદાર છે, માનું દૂધ પીધું હોય તો મા તરફ લાગણી જન્મે ને, હું જ ઘેલી છું જે તારા તરફ આશ લગાવી બેઠી, લોહીનો તરસ્યો હોય એને લોહીની હુંફ ક્યાં ખબર હોય, પૈસા લઇ બાપને મારી નાખ્યો તો હવે સામે ઉભેલી માને પણ પતાવી દે, પહેલા વાંઝણી હતી, ને હવે ૨૫ વરસનો દીકરો સામે છે, પણ એને મન તો વળી મા કોણ..?” -આક્રોશ સાથે ગરજી રહેલી વ્યોમાનો આખો ચહેરો આંસુઓથી તરબતર હતો અને તે આખેઆખી ધ્રુજી રહી હતી.
૨૫-૨૫ વર્ષોથી લાગણીની ભૂખમાં હોમાતો રહેલો વિષ્ણુ વ્યોમાની આક્રોશ સભર લાગણીમાં તણાઈ ગયો. વ્યોમાનો ચહેરો હાથમાં લઇ આંસુઓ લૂછ્યા, વ્યોમા હરખાઇ ઉઠી, પણ પછી કંઇક યાદ આવતાં તે ચહેરો ફેરવી ગયો. વ્યોમાનો હાથ છોડાવી ચાલી નીકળતા પહેલા વિષ્ણુએ કહેલા શબ્દોએ વ્યોમાની રહી સહી આશા પર પણ પાણી ફેરવી દીધું-  “બાપને મારનારા દીકરા સાથે મા, તું રહી નહિ શકે. અને કદાચ રહે તો પણ દીકરાને તરછોડી દેનાર મા સાથે હું નહિ રહી શકું, મને ભૂલી જજે..!”
લોબીમાં આવેલા બાંકડા પર વ્યોમા ફસડાઈ પડી અને હજુ સવારે જ અખબારની પૂર્તિમાં વાંચેલી કવિતાના શબ્દો આંખો સામે તરવરી ઉઠતા આંસુઓ ફરી ધસી આવ્યા,
“વ્હાલપની અધુરપ શું જાણી શકે, એ ?
છતી માએ અનાથ કહેવાયો હોય, જે.”

— ( રીઝવાન ઘાંચી )

માથે વધેલા ઝંટિયા અને વધેલી દાઢીમાં દોડતી સફેદ લટોની પાછળ તગતગતી બે નિસ્તેજ આંખો અને કરચલી વળી ગયેલી ચામડી વાળા ચહેરે રાહુલ કંઈક નિરાશ વદને બેડીઓ વાળા હાથ ખોળામાં નાખીને બેઠો હતો.. એની ઉંમર જાણે દસ-પંદર દિવસમાં જ ૪૬ માંથી ૬૪ થઈ ગઈ હોય એવુ એ મહેસૂસ કરી રહ્યો હતો… એણે વિચાર્યુ- “પાછલા બે અઠવાડિયામાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ. ખબર નહી પેલો વિષ્ણુનો બચ્ચો કેવી રીતે એનુ મન બદલી બેઠો? અને બીજે ક્યાંય નહી, ને સીધો યશપાલને ખોળે જઈને બેઠો? નાના-મોટા ઈન્સ્પેક્ટર કે એસીપી પણ હોત, તો એને ખરીદી લેત. પણ, આ તો સીધો યશપાલને જ જઈને ભટકાઈ ગયો. કોઈનુ કશુ ચાલે એ પહેલા, અને વિષ્ણુનુ નિવેદન પતે એ પહેલા જ પોલિસ મારે આંગણે; અને કેસ પણ કેટલી ઝડપથી બનાવી લીધો પોલિસે..? એક અઠવાડિયામાં તો આ લોકોએ કેસને બૉર્ડ પર પણ લાવી દીધો. આ સિન્હા ગમે તેટલી શેખી મારે પણ એનાથીએ ય તે શેક્યો પાપડ ના ભંગાયો અને પોલિસે જડબેસલાક કેસ બનાવી નાખ્યો..!”
રાહુલને પણ એના વકીલ સિંહા પર દારો-મદાર રાખ્યા વગર છૂટકો ન હતો. પણ, એને ત્યારે એમ કેમ લાગી રહ્યુ હતુ કે સિંહા પણ એના પૈસા ખાઈને એની વિરૂધ્ધ થઈ જશે.!.કેટલો જડબેસલાક પ્લાન હતો પોતાનો, કે વિષ્ણુ જનાર્દનને મારી નાખે કે તરત જ વિષ્ણુને એક્સપોઝ કરી, એને પોલિસને હવાલે જ નહી કરાવવાનો, પણ એન્કાઉન્ટરમાં ઉડાવી જ દેવડાવવાનો પ્લાન હતો. કોણ જાણે કઈ કાળ ઘડીએ અને કોના કહેવાથી વિષ્ણુએ પોતાનુ મન બદલ્યુ..! જનાર્દનનો ખાત્મો પણ ૨૪ કલાક પહેલા કરી આવ્યો અને પછી જઈને યશપાલના પડખામાં ભરાઈ ગયો..!
રાહુલ વિચારતો રહ્યો- “કોણ જાણે..આ યશપાલનો પ્લાન તો નહી હોય ને? ખબર નહી શુ થવા બેઠુ છે.  ખાલી ડ્રગ્સનુ લફરુ હોત, તો છૂટી ય જવાત પણ આ લોકોએ તો મારે માથે ખૂનની સાજીશનો ગુન્હો લગાવ્યો છે..! ક્યાં જઈને અટકશે?” -એણે માથુ ફેરવીને સિન્હા સામે નજર કરી તો સિન્હાએ આંખોથી આશ્વાસન આપતો હોય તેમ પાંપણો ફફડાવીને ડોકુ હલાવીને ચિંતા નહી કરવા કહ્યુ. પણ રાહુલની તો છાતીમાં બળતરા ઉપડી હતી કે એ હવે કેવી રીતે આમાંથી બહાર નીકળશે અને બહાર નીકળશે તો પણ એનુ ભવિષ્ય શુ?
ત્યાંજ કૉર્ટના પહેરેદારે છડી પોકારી અને બધાને ઉભા થવા કહ્યુ; જજ સાહેબ આવી રહ્યા હતા. જડની માફક એ પણ બીજા બધાની સાથે ઉભો થયો અને બધાની સાથે જ બેસી પણ ગયો. સરકારે આ ખાસ કૉર્ટ માત્ર “જનાર્દ-મર્ડર” કેસ માટે બનાવી હતી. ભલે જનાર્દન વાઘેલા ગમેતેમ તો ય સિટીંગ એમ.એલ.એ અને વિરોધ પક્ષના નેતા પણ હતા. સરકારની પોતાની શાખ પણ દાવ પર લાગેલી હતી. જો કે આરોપી જાતે જ સમર્પણ કરીને તાજનો સાક્ષી પણ બની જવાથી પોલિસ-સરકારનુ કામ ઘણુ આસાન થઈ ગયુ હતુ. હાઈ પ્રોફાઈલ મર્ડર કેસ, અને વિરોધપક્ષના નેતાની જૂની ગર્લફ્રેન્ડ અને તેમના નાજાયઝ પુત્રની વાત પણ બહાર આવી ગઈ હતી, અને પુત્રને હાથે જ પિતાના ખુનનો કિસ્સો અને ‘કેક પર ચૅરી’ સમાન આ બધુ કાવતરુ ઘડનાર વલ્લભ એન્ટરપ્રાઈઝના સર્વેસર્વા એવા રાહુલ ગાંધીનુ નામ એમાં સંડોવાયુ હતુ. મિડિયાને આનાથી વધારે મસાલો પાછલા કેટલાય વર્ષોમાં નહોતો મળ્યો. એટલે કેટલીક ચૅનલો તો ૨૪ કલાક માત્ર આ જ સમાચાર બતાવતી હતી.
જજે ફાઈલ હાથમાં લઈને સરકારી વકીલ સમક્ષ નજર કરી. પછી બચાવ પક્ષના વકીલ સિન્હા સામે જોયુ અને નજરથી જ પૂછી લીધુ કે, તૈયાર છો ને? અને કૉર્ટની કાર્યવાહી આગળ ચલાવવાનો ઈશારો કર્યો.
તરત જ સરકારી વકીલ રાઠોડે પોતાની જગ્યાએથી ઉભા થઈને જજ સાહેબને આરોપીની તપાસ માટે બોલાવવાની વિનંતિ કરી. અંધારી આલમમાં “બ્લ્યુ આઈઝ”થી પ્રખ્યાત વિષ્ણુ આજે કંઈક વધારે જ નમ્ર, ઠાવકો અને આશ્ચર્યજનક રીતે આત્મવિશ્વાસથી ભરપૂર લાગતો હતો. આરોપીના પાંજરામાં આવીને ટટ્ટાર ડોક કરીને એણે વકીલ રાઠોડ સામે નજર કરી. પ્રારંભિક ઓળખાણ વગેરેના સામાન્ય સવાલો પૂછીને વકીલ સાહેબ સીધા જ મુદ્દા પર આવી ગયા-
“તો વિષ્ણુ, તમે જણાવશો કે તમે આ સામે બેઠેલા વ્યક્તિને ઓળખો છો?”
“હા” ડોકુ હલાવતા વિષ્ણુ કહ્યું.
“કોણ છે?”
“મિ. રાહુલ ગાંધી; વલ્લભ એન્ટરપ્રાઈઝના ચૅરમેન – રાહુલ અંબાલાલ ગાંધી”
“તમે કેવી રીતે ઓળખો છો?”
“રાહુલભાઈ મને શહેરથી દૂર એમની ખાસ જગ્યા ‘કુરેશીના ઢાબા’ પર મળવા બોલાવતા”
“શાને માટે..?”
“તેમના માટે હું કામ કરતો એના માટે”
“કેવા પ્રકારનુ કામ?”
“સારા કામ તો ના જ હોય ને, વકીલસાહેબ? એમના ગેરકાયદેસરના કામો બધા હુ કરી આપતો, એમના ધંધાના વિકાસ માટે થઈને લોકોને ધમકાવવા-ડરાવવાથી માંડી ને કોઈના હાથ-પગ ભાંગવાના હોય એવા બધા જ કામો રાહુલ ભાઈ મને જ સોંપતા”
“પાછલા વર્ષોમાં એવા કેટલા કામ તમે કર્યા હશે?”
“સાહેબ, અમે બે-નંબરના કામ કરીએ છીએ, અને એના માટેના પૈસા લઈને એને ભૂલી જઈએ છીએ. અમારી પાસે એવા કોઈ હિસાબ ના હોય”
“તો પણ આશરે?”
તમારી પાસે છે હિસાબ..? નહિ ને ? અરે સાહેબ, મેં આત્મ સમર્પણ કર્યું છે, એ જ મુદ્દાની વાત કરીએ ને..! રાહુલભાઈ એ મને મર્ડરની વર્ધી આપી હતી”
“કોના મર્ડર? અને ક્યારે આ વાત બની હતી?”
“રાહુલભાઈએ વર્ધી હજુ ત્રણેક અઠવાડિયા પહેલા એ જ કુરેશીને ઢાબે બોલાવીને આપી હતી. મને એક ફોટો અને પચાસ લાખ ભરેલી બેગ આપી હતી. બેગનુ વજન જોઈને જ મને લાગ્યુ હતુ કે આમાં કંઈક ગરબડ છે. ફોટો જોયો તો હું પણ હબક ખાઈ ગયો હતો. પણ, સોપારી લીધા પછી ‘બ્લ્યુ આઈઝ’ ક્યારેય ના નથી પાડતો.”
“કોની સોપારી તમને રાહુલ ગાંધીએ આપી હતી?”
“વિરોધપક્ષના નેતા જનાર્દન વાઘેલાની”
કૉર્ટરૂમમાં સન્નાટો થઈ ગયો. અને રાહુલને કાપો તો લોહીના નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ. સાવ જડ જેવો રાહુલ ખુલ્લી ફગફગતી આંખે મટકુ પણ માર્યા વગર કૉર્ટરૂમની નવી જ બનાવેલી સિરામિક ટાઈલ્સની ચળકતી ફર્શને તાકી રહ્યો. આગળના શબ્દો પણ એના બહેરા કાને અથડાઈને જાણે પાછા ફરી જતા. એને ખબર હતી કે વિષ્ણુની આટલી સ્પષ્ટ જુબાની એને ઓછામાં ઓછા દશ વર્ષ માટે અંદર કરી દેશે, અને એ ઉપરાંત પેલો ડ્રગ્સનો કેસ..! જો આ કેસ સાબિત થાય તો ડ્રગ્સના કેસમાં પણ એની ફરતે જોરદાર ગાળિયો ભરાઈ જાય, બીજા પાંચ વર્ષ એમાં જાય. એની જીંદગી તો બસ ખલાસ..! હવે એણે શુ બાકીની જીંદગી જેલમાં જ કાઢવાની છે?  વિચારોના વમળમાં ક્યારે કોર્ટની કાર્યવાહી પતી ગઈ અને ક્યારે એને પોલિસ વાનમાં બેસાડીને ફરી લૉક-અપમાં લઈ જવાયો, એને કંઈ ખબર જ ન હતી. એ જાણે હવે જીવતો-જાગતો વ્યક્તિ જ નહોતો રહ્યો, કૉર્ટ તો સજા કરે ત્યારે કરે, પણ એ તો મનોમન એટલો ભાંગી પડ્યો હતો કે એમ ને એમ પોતાની જાતે જ સજા ભોગવી રહ્યો હતો.

— ( વત્સલ ઠક્કર )

કોર્ટની કાર્યવાહી વિષે અખબારોમાં છપાયેલા સમાચારનો અભ્યાસ કરી રહેલી સપના જાણી ચુકી હતી કે હવે રાહુલ ક્યારેય બિઝનેશની બાગડોર હાથમાં નહિ લઇ શકે. ઓફિસમાં ટેબલ પર અખબારોનો પથારો કરી સપના બેઠી હતી ત્યારે સ્પર્શ અને સંવેદનાએ પ્રવેશ કર્યો. સપનાના સૂચનને ધ્યાને લઇ તૈયાર કરેલો અહેવાલ સ્પર્શે સપના સમક્ષ ધર્યોને સપનાએ તરત જ હાથમાં લઇ એક નજર ફેરવી લીધી. બિઝનેશના ખુબ ટૂંકા અનુભવે પણ એણે બાંધેલી ધારણાઓ સાચી પડતી જોઈ સપના આનંદિત થઇ ઉઠી.
દેશના લગભગ તમામ રાજ્યોની મેન્યુંફેક્ચરીંગ, મીડિયા, HRD જેવા વિવિધ ક્ષેત્રોની ૩૦ જેટલી નાની-નાની કંપનીઓ રાહુલના બિઝનેશ પ્લાનના કાવાદાવાનો ભોગ બની બંધ થવાના આરે ઉભી હતી. ઉદ્યોગ જગતમાં ક્યારેય અમલમાં ન મુકાય હોય એવી સ્ટ્રેટેજી અમલમાં મુકતા સપના રોમાંચ અનુભવી રહી.
“આપની કંપની ઉદ્યોગ જગતમાં નાનું પણ મહત્વનું સ્થાન ધરાવે છે અને શેઠ કંપની એ બદલ આપનું અભિવાદન કરે છે. કેટલીક કંપનીઓની ટેકઓવર માટેની ખોટી પદ્ધતિઓને કારણે આપની કંપની હાલ વહીવટી અને નાણાકીય રીતે ખુબ ભીંસ અનુભવી રહી છે ત્યારે આપનું સ્થાન ઉદ્યોગ જગતમાં સુનિશ્ચિત બની રહે તે માટે શેઠ કંપની સાથે કાર્ય ભાગીદારીમાં જોડાવા આપને હાર્દિક આમંત્રણ છે. આપને એ વાતની ખાતરી આપવામાં આવે છે કે આપની કંપનીની ઓળખાણ સંપુર્ણ પણે બની રહેશે અને વહીવટી બાબતો પર આપનો અંકુશ અબાધિત રહેશે. આપની પાસેના સંસાધનો અને આપની એક્ષ્પર્તાઈઝના સહયોગે શેઠ કંપની સાથે જોડાશો તો બન્ને કંપનીનો સહિયારો વિકાસ થશે એવો વિશ્વાસ છે.”
સપનાએ રાહુલની સ્ટ્રેટેજીનો ભોગ બનેલી કંપનીઓને પોતાની સાથે જોડાઈ જવા કંઇક આ રીતે પત્ર સ્વરૂપે ઈ-મેઈલ કરવા સપનાએ આપેલ સૂચનને વધાવતા સ્પર્શ પંક્તિ ગણગણી ઉઠ્યો,
“મૈ તો અકેલા ચલા થા, જાનિબે મંઝિલ મગર…
લોગ સાથ આતે ગયે, ઔર કારવાં બન ગયા”
સ્પર્શે ખરા સમયે કહેલી શાયરીથી સપનાના મુખ પર આવી ગયેલું સ્મિત કંપનીઓના જેમ જેમ જવાબ આવતા ગયા એમ વધુ ખીલી ઉઠ્યું. કોઈ પણ કાવાદાવા, ટેક ઓવર, એક્વિઝીશન, મર્જર વગર શેઠ કંપનીની છત્રી નીચે વિવિધ ક્ષેત્રોની ૩૦ કંપનીઓને ભેગી કરી સપનાએ ઉદ્યોગ જગતમાં હલચલ મચાવી દીધી. ખુબ ઓછા સમયમાં બિઝનેશની આંટીઘૂંટીનો અભ્યાસ કરી શેઠ એન્ડ કંપનીને મોટા બિઝનેશ હાઉસ સક્ષમ ઉભી કરનાર સપના કોલેજ કાળમાં મનોમન પ્રોફેસર જાદવને વંદી રહી, કેમ કે એણે પ્રોફેસર જાદવ દ્વારા વર્ગમાં કેટલીય વખત કહેવામાં આવેલ પંક્તિ
“કૌન કહેતા હે આસમાન મૈં સુરાગ નહીં હોતા,;
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો..”

સાચી પાડી હતી.

— ( રીઝવાન ઘાંચી )

વ્યોમાનું સ્ત્રી હદય વલોવાતું હતું. આમતો એણે આખી જીંદગી સ્વચ્છંદી અને મનસ્વી સ્ત્રીની જેમ જ જીંદગી જીવી હતી. પુરુષોના સહવાસની એને આદત પડી ગઈ હતી. એની આધુનિક જીવન પદ્ધતિમાં લાગણી કે પ્રેમને ઝાઝું સ્થાન નહોતું. યુવાનીમાં પગ મુક્યો ત્યારથી લખલૂટ પૈસા વેડફીને મોજશોખભર્યું વૈભવી જીવન જીવવું એ જ એના જીવનનું લક્ષ્ય રહ્યું હતું. કોલેજકાળમાં અસંખ્ય લફરાં કરીને છેવટે રાહુલ સાથે એ પરણી હતી પણ એમાં ય એનું મન સ્થિર તો ન્હોતું જ. મોંઘીદાટ કારો ફેરવવી, અદ્યતન ફેશનના કપડા પહેરવા, પાર્ટી, શરાબ, ખાણી-પીણી, શારીરિક ભોગવટો, આ બધી પ્રવૃત્તિઓ અમુક ઉંમર સુધી ગમતી રહે છે. અમુક ઉમર પછી વ્યક્તિને કુટુંબની જરૂર લાગે છે. જીવનસાથીના સહેવાસની અને સંતાનના સુખની જરૂર લાગે છે. સંતાનની નાની નાની સમસ્યાઓ ને ઉકેલવામાં, જીવનસાથી સાથે મીઠી રકઝક કરવામાં જે આનંદ મળે છે તે ભૌતિક સાધનોમાંથી નથી મળતો. વ્યોમાની હાલત એવી જ હતી. આખી જીંદગી એ એમ જ માનતી રહી કે યુવાનીની એક ભૂલના બદલામાં એણે માતૃત્વ ખોયું હતું. “વાંઝણી” શબ્દનું મહેણું એને જીવનભર સતાવ્યા કર્યું હતું. ઉમરના આ પડાવે આવીને એને વિષ્ણુના અસ્તિત્વની જાણ થઇ. એનું માતૃત્વ ફરી જાગી ઉઠ્યું. હદયના ધરબાયેલા અરમાનોને એક આશા મળી. પણ હાય રે નશીબ ! વિષ્ણુએ એની માતાને તરછોડી હતી. એના હદયમાં અનાથ અવસ્થા દરમ્યાન એટલા ઉઝરડા પડ્યા હતા જે માતાની મજબૂરી સમજવા તૈયાર નહોતા. માતાની કાકલુદી એના હદયને પીગળાવી ના શકી.
વિશાળ ડ્રોઈંગરૂમની દીવાલ પર શેઠ સાંકળચંદની તસ્વીર સામે ઉભેલી વ્યોમાનું મન ઉદાસ હતું અને ચહેરો આંસુઓથી ખરડાયેલો હતો. એક જ રાતમાં એની આંખોની આસપાસ કાળા કુંડાળા ઉપસી આવ્યા હતા. ચહેરા પણ કોઈ મેકઅપ નહોતો કે નહોતું વેરવિખેર વાળનું કોઈ જ ભાન. એની લાગણીઓ મુરઝાઈ ગઈ હતી. મનમાં એક એવી હતાશા ઉભી થઇ હતી કે એને પોતાની જીંદગી પરથી મોહ ઊતરી ગયો હતો. સંતાનવિહોણી જીંદગી એને ભેંકાર લાગવા માંડી. સાંકળચંદ શેઠેતો ધંધાકીય નિવૃત્તિ પછી પોંડીચેરીના અરવિંદ આશ્રમમાં જ કાયમી વસવાટ કર્યો હતો. પિતાજીની તસ્વીરે હતાશ વ્યોમાને હવે પછીની જીંદગી કઈ રીતે જીવવી એનો રસ્તો સુઝાડ્યો. મનોમન જ એણે નિર્ણયો લીધાં. હવે એ થોડી સ્વસ્થ થઇ. બાથરૂમમાં જઈને ચહેરો સાફ કર્યો. બહાર આવીને એણે પહેલા સોલીસીટર દસ્તુર અંકલને તાબડતોડ મળવા આવી જવા માટે ફોન કર્યો. પછી એણે કંઈક વિચારીને એની એક્સમયની સખી સંવેદનાને ફોન કર્યો. સંવેદનાએ ફોન પર તત્કાલીન મળવા આવવા માટેની એની આજીજીનું કારણ પૂછ્યું. પણ વ્યોમાએ તરત જ આવી જવા કહ્યું.
દસ્તુર અંકલ અને સંવેદનાની કાર એક જ સમયે વ્યોમાના બંગલામાં દાખલ થઇ. બંને એકસાથે ડ્રોઈંગરૂમમાં દાખલ થયા.
“અરે, વ્યોમા ડીકરી, હવારમાં મુને કેમ દોડાઈવો? એવું તો હું તાકીદનું કામ નીકરી આય્વું, અચાનક?” દસ્તુર અંકલની પારસી જબાન એકધારી ચાલતી જ રહેત. પણ ખામોશ બેઠેલી નિરાશ અને હતાશ વ્યોમાની હાલત જોઇને સંવેદનાને કંઈક ખરાબ બન્યાનો અંદેશો આવી ગયો. એણે ઇશારાથી જ દસ્તુર અંકલને અટકાવ્યા અને વ્યોમા તરફ પૃચ્છાભરી નજરે જોયું.
“દસ્તુર અંકલ અને સંવેદના, મેં તમને એક ખુબ જ મહત્વની વાત કહેવા અને એક જવાબદારીની સોંપણી કરવા બોલાવ્યા છે. તમારા બંને પર મારો કંઈક હક તો છે જ એ ભાવે હું તમને આ કહી રહી છું.” વ્યોમા મક્કમ રીતે બોલતી હતી. એના અવાજમાં એક નિર્ણાયકતા હતી. “મેં મારી જિંદગીનો એક અતિ મહત્વનો નિર્ણય લીધો છે. હું મારી બધીજ સ્થાવર-જંગમ મિલકત, બધા જ ધંધાની માલિકી, બેંક એકાઉન્ટ, શેર્સ, આ બધું જ મારા પુત્રના નામે કરવા માંગું છું. જ્યાં સુધી મારો પુત્ર આ બધી જવાબદારી માથે ના લે ત્યાં સુધી આ બધી જ વહીવટી અને કાનૂની જવાબદારી તમારા બંને એ સંભાળવાની છે. ધંધાકીય અને વહીવટી બાબતો સંવેદના તારે સંભાળવાની છે અને કાનૂની જવાબદારીનું વાહન દસ્તુર અંકલ તમારે કરવાનું છે”
“પણ દીકરા, તું……? દસ્તુર અંકલના પ્રશ્નને વચ્ચેથી જ કાપતાં, વ્યોમા બોલી. “અંકલ, મને આટલા વરસો પછી મારા પુત્રની ભાળ મળી પણ હું પુત્રને પામી નથી શકી. હવે મને આ જીંદગીથી ભાગી છૂટવું છે. હું પણ પિતાજી સાથે જ પોંડીચેરીના આશ્રમમાં મારું શેષ જીવન વિતાવીને માનસીક શાંતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ.” વ્યોમા મક્કમપણે બોલતી જ રહી. એનો ઈરાદો અફર હતો. એણે પુત્રની બધી જ વિગતો જણાવી. સંવેદનાની સમજાવટ, દસ્તુર અંકલની આજીજી વ્યોમની નિર્ણાયકતા સામે જીતી ના જ શક્યા. દસ્તુર અંકલે તાબડતોડ ફોન કરીને ઓફીસ સ્ટાફના માણસો પાસે જરૂરી કાનૂની પેપર્સ ત્યાર કરાવ્યાં. સ્પર્શ-સંવેદના, દસ્તુર અંકલ, વ્યોમાની જરૂરી પેપર્સ પર સહીઓ લેવાઈ. આ બધી કાર્યવાહી દરમ્યાન પણ સંવેદનાએ વ્યોમાને સમજાવવાના અખૂટ પણ નાકામિયાબ પ્રયત્નો કર્યા. પણ વ્યોમા કઠણ અને મજબુત કાળજે એના નિર્ણયમાં અફર રહી. બધાને માલમિલકત અને ધંધાની બાગડોર સોંપી માનસિક શાંતિ મેળવવાના આશયે ભારે હૃદયે પોંડીચેરીના આશ્રમની વાટ પકડી.

— ( અજય પંચાલ )

“પપ્પા, જૂઓ, મમ્મીનો ફોટો આજના પેપરમાં આવ્યો છે” કહેતી સ્નેહા ધસમસતી બહાર હરિયાળી લોનમાં બેઠેલા સંયોગ પાસે પહોંચી ગઈ. બાળકોને મન માતા હોય કે પિતા હોય, સિદ્ધિ એટલે સિદ્ધિ જ હોય છે…. થોડા સમય પહેલાનો સંયોગ હોત તો વાત જૂદી હતી …કૈંક ધ્રુજતા હાથે સંયોગે છાપું હાથમાં લીધું… ઘણા દિવસોથી દોડધામ અને સતત વ્યસ્તતા છતાં સપના ક્યારેય સંયોગને કોઈ વાતથી અજાણ નહોતી રાખતી. પણ આંખો પર છવાયેલા પસ્તાવાના આંસુની આરપાર એને પોતાની સપનાની સિદ્ધિ વાંચી લેવી હતી. એ મથામણમાં હતો અને “હું વાંચું ..હું વાંચું” કહેતી સ્નેહાએ છાપુ પાછુ પોતાના હાથમાં લઇ મોટેથી વાંચવા માંડ્યું.
એના એક એક શબ્દથી સંયોગના મન પર એણે સપના સાથે કરેલા અન્યાયોના સોળ ઉઠી આવતા હતા. MBA થયેલી સપનાને પોતાના અહંના કારણે સાવ ઘરમાં બેસાડી રાખવાનો ગુન્હો…એના સપના ચકનાચૂર કરવાનો ગુન્હો…એને સાવ સામાન્ય સ્ત્રી સમજવાનો ગુન્હો … ઘર બચાવવાના સપનાના પ્રયત્નોને નકારવાનો ગુન્હો ..વ્યોમા તરફ આકર્ષાઈ એક નિષ્ઠાવાન પત્ની તરફ અન્યાય કર્યાનો ગુન્હો ..અનંત જેવા નિર્મળ માણસ સાથે સપનાને જોડી દેવાનો ગુન્હો …. એક પછી એક ચિત્ર સંયોગની આંખોમાંથી આંસુ સાથે સરી રહ્યું હતું.
સપના..સતત એની પડખે ઉભા રહેવા ઈચ્છતી સપના…એને વીનવતી સપના..એને ગમે તેવા કપડા પહેરતી સપના… એની અવહેલના વ્યોમા સાથેના સંબંધની જાહેરાત પછી પણ સામાન્ય વર્તવા પ્રયત્ન કરતી સપના… સ્નેહાને માધ્યમ બનાવી નજીક આવવા મથ્યા કરતી સપના …એના અકસ્માત પછી સતત એનું બળ બની બેઠેલી સપના… રાખમાંથી ઉભી થઇ આખા બીઝનેસને સંભાળતી સપના … અડધી રાતે ઝબકીને સંયોગને સાચવતી સપના… ઓહ ..એક પતિ તરીકે બે ઘરેણા અને થોડા સારા કપડા આપી દેવા કે અંધારી રાતમાં થોડોક કહેવાતો પ્રેમ કરી લેવો …બસ આ જ હતી મારી ફરજ..? અકસ્માત પછી સતત અનુભવેલી પોતે દોષી હોવાની લાગણી આજે બળવતર થઇ આવી ..જાણે ખુબ ઊંડે રહેલી કોઈ લાગણી સપાટી પર તરી આવી. સ્ત્રીની શક્તિને સમજવાનો પ્રયત્ન ન કરીને સ્ત્રીને ફક્ત ઘરરખ્ખું ગૃહિણી બનાવીને મર્યાદિત કરી દેવી એ મોટી ભૂલ હતી. સ્ત્રીની શક્તિ અમાપ છે. અખૂટ સહનશક્તિની સાથે સાથે સ્ત્રીમાં રહેલી અન્ય કુશળતાને નજરઅંદાજ કરીને પુરુષના અહંને પંપાળવાની જીદમાં એણે સપનાને ઘોર અન્યાય કર્યો હતો એનું ભાન થયું. યોગ્ય તક મળે તો સ્ત્રી પુરુષસમોવડી જ નહિ, પણ એથી પણ ઉંચી કક્ષાએ પોતાની જાતને લાવી શકે છે. સપનાએ વિના કહે આ હકીકતનું પ્રમાણ આપ્યું હતું.
  બરાબર એ જ વખતે સ્નેહાએ છાપું એના હાથમાં પકડાવી દીધું અને ત્યાં આવી ચડેલા એક રંગબેરંગી પતંગીયા પાછળ એ દોડી ગઈ… હાથમાં પકડેલા છાપામાં છપાયેલ સપનાની તસ્વીર પર ત્રાટક કરતો એ આસક્ત નજરે જોઈ રહ્યો ..જાણે સપ્તપદીના વચનો પોતાની જાતને યાદ અપાવી રહ્યો હતો…
રસોડામાંથી બહાર આવતા કાંતાબેનના હાથમાંથી ઓટ્સ અને ફ્રુટ્સનો નાસ્તોભરી ટ્રે લઇ સપના બગીચા તરફ આગળ વધી..
ભીના ભીના વાળમાંથી ટપકતું પાણી અને ગાઢી ..શાંત ઊંઘ પછી ખીલી ઉઠેલો સપનાનો આત્મવિશ્વાસભર્યો ચહેરો..છાપામાંથી આંખ ઉઠાવી સંયોગ એની સામે એકટક જોઈ જ રહ્યો.

— ( નીવારોઝીન  રાજકુમાર )

Presentation1કક્ક

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

27 responses »

 1. મને તો ખૂબ મજા આવી આખી વાતમાં.. કથાકડી એ ચાલતી જાય અને આપણા કામો પણ ચાલતા જાય..!! મેં તો કથા કડી પાંચ જૂદા-જૂદા દેશોમાંથી માણી અને મઠારી પણ..!! ઑહ, ઘણો રોમાંચક અનુભવ.. આભાર વાચકો, આભાર ટીમ અને આભાર સંયોજક..!!!

 2. Ajay Panchal says:

  કથા કડીમાં જોડાવાનો અવસર મળ્યો ત્યારે એ ખબર નહોતી કે આ મજાની લગતી પણ કંઈક અંશે જટિલ લગતી પ્રક્રિયા એક ઈતિહાસ રચશે. મારા મતે તો આ એક ઐતિહાસિક ઘટના જ છે. જીંદગીમાં ક્યારેય વાર્તા ના લખી હોય એવા તદ્દન અજાણ્યા 27 શખ્સો આ સુંદર પ્રક્રિયા દરમ્યાન અંતરંગ મિત્રો બની ગયા. મજાક મસ્તી સાથે સાથે એકબીજા પાસેથી અને એકબીજા વિષે શીખતા ગયા. મિત્રોએ એકબીજાને ક્ષતિઓ બતાવી, એકબીજાને વિકસવાનો મોકો આપ્યો સાથે સાથે સરાહના પણ કરતા ગયા. દેશ વિદેશના અંતરને કારણે રાત્રી દિવસના સમયના અંતરને અવગણીને મિત્રો સાથે આ સુંદર કથા કડીના પ્રવાહ, દિશા અને ગતિ સાથે વહેવાની ખુબ જ મજા આવી. આ અનુભવ એક અનુપમ અનુભવ બની રહેશે.

  સર્વે મિત્રોનો આ પ્રક્રિયામાં મારો સમાવેશ કરવા માટે હું ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું.
  – અજય પંચાલ

 3. Rajendra Joshi says:

  It is still not sinking in. Trying to come to terms with the fact that whatever starts, has to end also, including this journey. Will miss this for rest of my life. I will be self centered if I don’t express my sincere most gratitude to all the readers for their unflinching support and encouragement, all katha kadi members and above all you Nivarozin Rajkumar …….. A BIG THANK YOU AND HEAPS OF CONGRATULATIONS ………

 4. Dr Nipul karia says:

  વાહ ખુબ સરસ અને ખુબ ખુબ અભિનંદન ..!

 5. આ કથા કડીનો એક હીસ્સો હું આશિષ ગજ્જર પણ હતો કે જેણે ક્યારેય વાર્તા લખી ન હોય અને એવાં બીજાઓ પાસે વાર્તા લખાવવી ને એ હકીકતને એક સ્વપ્નમાંથી વાસ્તવિકતામાં બદલવા માટેની સહીયારી મહેનત તથા મારા કથા મિત્રોની મિત્રતા કે જે ૨૭ મિત્રોને ભલે રુબરુ ક્યારેય મળ્યા પણ ન હોય એવાં મિત્રો સાથે માણેલી જીવંત ચેટ ક્ષણો તેમજ કથા કડી બીજનાં સ્વપ્નદ્રષ્ટા તેમજ સૂત્રધાર “નિવારોઝીન રાજકુમાર”બહેનની કથા લખનાર મિત્રોને સાંકળવાની અથાગ મહેનતનો તો હું સાક્ષી રહેલો છું અને તેમનો હું તથા મારી કથા કડીના મિત્રો કાયમ આભારી રહેશે.
  અસ્તુ…
  “રુસ્તમ”

 6. Rina says:

  Lovely….
  Proud to be a small part of kathakadi. It has been a learning experience.

 7. bhargavi says:

  Khub j sunder. Keep it up

 8. Rita Thakkar says:

  આ કથાકડીની હુ પણ ભાગીદાર છુ એ વાતનુ મને અભિમાન થવા લાગ્યુ છે…ટીમના સભ્યોએ ખાસ તો નીવાબહેને મારા પર વિશ્વાસ મુકી મને લખવા પ્રેરી એ વાતન આનંદ ક્યા શબ્દોમા કહુ???…મને આ કથાકડી મારા બાળક જેટલી પ્રિય છે એમ કહીશ તો જરાય અતિશયોક્તિ નહી હોય્.

 9. pinakraval says:

  mast end, pan have nahi game enu su? bahuj intezari raheti hati navi kadi ni.

 10. chandralekha says:

  સપના સંયોગની પાર્ટીથી લઈને આજ સુધીનું ચિત્રણ કોઇ ચલ્ચિત્રથી ઓછું ના લાગ્યું.. આજે બધાના મુદ્દા વાંચ્યા, બધાને એકજુટતાને સલામ… જો હું આ કથાકડીનો હિસ્સો ના બની હોત તો સમયના પડલ્માં ક્યાંય ખોવાઇ ગઈ હોત થોડાક સમયમાં.. પણ ના અહીં હું ગર્વભેર કહીશ કે લેખનની સાચી ઓળખ અહીંથી જ મળી એ ઋણ હંમેશા સાથે રહેશે… મને હંમેશાં ઢંઢોળતું રહેશે..
  અહીં મળેલા મિત્રોને એક પારિવારિક જેવો જ સંબંધ બની રહ્યો… કેટલાક સંબંધ આપો આપ બંધાએ જતા હોય છે . જે બંધન તો છે જ પણ ગમતું હોય એવું….એક સંભારણું હોય જે આજેવન એક સુખદ અનુભુતિ કરાવતું રહેશે..
  અહીં મળેલા બધાંને ખુબ ખુબ અભિનંદન અને આગળના પ્રવાસની શુભેછાઓ , દિલથી..

 11. lata kanuga says:

  Katha kadi puri thai gai..!!!

  Kharekhar khub majaa aavi..aakhi story
  Ghani rite anokhi rahi…
  Sahu lekhak lekhikao ne khub abhinandan.
  Ne Nivaben tamne khas abhinandan.navichar
  Ne sakaar karvaa navaa lekhako ne protsaahan
  Aapi aagal karva.

 12. ahhhhhaaaaaa……………….. 1o8moti ni mada bane em aapdi 27 ni ek kadi bani…..ane mane ema jodava mate j utsahpurvak…. ane bharpurvak… khechi nivrozine….. e mate hu tari khubkhub aabhari chu…… ane lakhta n avdi evi mane cheelaa 30 ma hafta ma pan mara karta pan mara ma vadhu visvash rakhi nee ek para lakhvanu kam sopyu…… salam che.. tane .. ane proud on u as a farand of u…. and as member of katha kadi team.. aakhi katha kadi team no pan aabhar..<3

 13. Nishita says:

  જિંદગીના જુદાજુદા સંજોગોમાં વ્યક્તિગત અલગ અલગ માનસ ધરાવતા દરેક પાત્રોનું આલેખન જુદાજુદા લેખકો ધ્વારા એમની વિચારશૈલી સાથે કથાકડીના માધ્યમે ખુબ સુંદર રીતે આગળ વધતું ગયું અને એક એવી મંજિલે પહોંચ્યું જેની સપનામાં પણ કલ્પના નહોતી કરી ..વાર્તાનો અંત એ ખરેખર અંત નથી પણ લખવાના માધ્યમે અલગ અલગ દેશોમાં વસ્યા હોવા છતાં એક માળામાં બંધાયા એ ગૌરવવંતી વાત છે આ અંત લખનાર બધા લેખકો અમારા વડીલ અને માર્ગદર્શક બની રહ્યા એ માટે બધાનો દિલથી આભાર

 14. કડી નો અંત નહી જ આવે એ મારું માનવું છે. ને બધાને એક સાથે આમ લખેલી કડી જોઈ ખુબ આનંદ થયો…. આના પરથી સાબિત થાય છે કે સંપ છે…. આ બધા મિત્રો એ લગભગ બધાની કડી સુધારી, મઠારી, ને શણગારી છે…. એમણે નિશ્વાર્થ ભાવે આ સેવા આપી છે.. જે કડી એમણે સુધારી હોય એ કડીમાં ક્યાંય એમનુ નામ ના આવવાનું હોય… નામ તો લેખકનું જ હોય… તો પણ…. ધન્યવાદ છે તમને બધાને…… નિવાબેનને પણ ખુબ ધન્યવાદ કે આ કારવાં બનાવ્યો….. ખુબ ખુબ અભિનંદન બધાને મારા ને પુરી ટીમ તરફથી….

 15. ansuyadesai says:

  katha kadi no happy end….sau lekhak mitro ne fari ekvar abhinandan

 16. દીપા સેવક. says:

  sau mitrone khub khub abhinandan…

 17. HEMAL VAISHNAV says:

  દિન ભાર તો મૈ દુનિયાકે દંગોમે ખોયા રહા

  દીવારોસે જબ ધૂપ ઢલી ,તુમ યાદ આયે …તુમ યાદ આયે …

  આટલો વખત વ્યસ્ત રહ્યા પછી કડીના છેલ્લા બે હપ્તા વાંચવા આવ્યો …બ્લોગ પર એવું લાગ્યું જાણે દીકરી વળાવ્યા પછીનું ખાલી ઘર …!!

  અંતકરણને કદાચ આ થનારી વેદનાનો એહસાસ હતો એટલે જ ,કદાચ છેલ્લી બે કડી વાંચવાની ટાળતો હતો .

  મિત્રો ..આ દસમાં ખેલાડીએ બહુ હેરાન કર્યા નહી …? …પણ મજા આવીને ..ક્યારેક ગુરુવારે મારી વોલ પર આવતા રહેજો ..ક્યારેક હસાવીશ તો ક્યારેક રડાવીશ પણ ખરો ..

  love you all ..

 18. […] શુન્યતાનું આકાશ નામે બ્લોગ ચલાવતી નિવારોઝલીન  કહે છે મોટાભાગના …તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ …અનુભૂતિઓ …અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ…! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ …બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:) પણ માતૃભાષા સંવર્ધન નું નવી સદીનાં પ્લેટ્ફોર્મ ફેસ બુક ઉપર અ સામાન્ય કાર્ય કર્યુ. સહિયારા સર્જન થી નવલકથાઓ લખતી લગભગ અજાણ્યા ફેસબુક પરથી મળેલા સાહિત્ય્નાં વાચકો ને લખતા કર્યા. […]

 19. […] Kathakadi https://nivarozinrajkumar.wordpress.com/…/%E0%AA%95%E0%AA%…/ great experience to learn how to write with the group, by the group & for the group. Heartily thnx to Nivarozin didi.. brilliant effort to conduct 50+ totally unexperienced writers to wrote such Morden style of novel! Three cheers to Team.. નવો ચિલો પૂરવાર થયા એવી પ્રવૃતિનો એક નાનો એવો હિસ્સો હોવાનો ગર્વ છે. કથાકડી સતત ચાલતો અવિરત વાર્તા ઉત્સવ છે. એક આગાઝ છે.. એક નવતર નહીં કે.. ||ઇતિ સિધ્ધમ|| […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s