ગેસ્ટહાઉસની બાલ્કનીમાં ઉભેલી સ્મૃતિએ સહેજ ભટકાતા દરવાજાને હળવેથી બહારથી ભીડી દીધો … અંદર આખો દિવસની રઝળપાટ પછી સૂતેલા મિલિન્દને ખલેલ ન પહોચે એટલી ચીવટ કરી. રૂમની બરાબર સામે બે કાંઠે વહેતી ઉલ્હાસ નદી પરથી આવતા ઠંડા પવનો એને ખુબ જાણીતા લાગી રહ્યા હતા. ફરફર ઉડતી લટો દ્વારા જાણે એ પવનો એની સખીના કાનમાં ‘કેમ છે તું ?’ એવું પૂછતા હતા .. આ જ જગ્યાએ કંપની ક્વાર્ટર્સમાં જીવનનો શ્રેષ્ઠ સમય પસાર થયો હતો ..બાલ મંદિરે જવા આંગળી પકડી ચાલતા બાળકો અહીં જ સમય સાથે પગલા મેળવી આગળ વધી ગયા હતા. અહીની નોકરી મૂકી મિલિન્દ ઘરે આવ્યો ત્યારે ઘરમાં ભૂચાલ આવી ગયો હતો. જો કે બાળકો દૂર હોસ્ટેલમાં હોવાથી એમને ઝાઝો ફેર પડ્યો નહી પણ સ્મૃતિ અનેક સામાજિક કાર્યોમાં ગૂંથાયેલી રહેતી એટલે એને આ જગ્યા છોડી છેક કોલકોતા જવું જરાય નહોતું ગમ્યું એટલે આજે દોઢ વર્ષે મિલિન્દને અહીં નજીકમાં એક કંપનીમાં ઓડીટ કરવા આવવાનું થયું તો જૂના સંબંધે એમણે આ કંપની ગેસ્ટહાઉસમાં બુકિંગ લીધું. મિલિન્દ આખો દિવસ એના કામ પર રહ્યો ..સ્મૃતિએ એનું કામ પતાવ્યું …!! એ આખી કોલોની ફરી વળી …મિત્રોને ગળે વળગી લાગણીઓની આપલે કરતી રહી.

હવે રાત્રીના નિરવ વાતાવરણમાં બાલ્કનીમાં ઉભા ઉભા એ આખા દિવસનું સરવૈયું કાઢી રહી હતી..બધા ખુશખુશાલ ચહેરાઓ વીંધીને એક અલિપ્ત ચહેરો એની આંખો સામે આવીને ઉભો રહી જતો હતો. એક એવો ચહેરો જેના અનેક રૂપ જોવા મળ્યા હતા. પણ આજે જોયેલો ચહેરો મનમાંથી ખસતો જ ન હતો. પ્રજ્ઞા …. કોલોનીમાંનું એક એવું પાત્ર જેને કોઈ સમજી જ ન શક્યું હોય એવું સ્મૃતિને કાયમ લાગતું …આજેય એ રહસ્યમય કેમ લાગી ? કે પછી પોતાનો વહેમ હતો ?

હવાનું એક ઠંડુ લહેરખું આવતા જ એ રૂમમાં આવી ગઈ. મિલિન્દને જોઈ રહી. આ પુરુષો કેટલા સુખી હોય છે …!!! આટલું વિચારતા જ નથી હોતા . એ આડેપડખે થઇ. બહાર બગીચાની મોટી લાઈટોનું ત્રાંસુ અજવાળું બારીના જાડા કાચને વીંધી અંદર પ્રવેશી રહ્યું હતું. સ્મૃતિએ હાથ લંબાવી બેક પળ માટે પડદો નાખ્યો અને તરત હટાવ્યો.અને જાણે કે ભૂતકાળના આખા એક ખંડ પરથી પડદો હટી ગયો. આછા અજવાસમાં એ ભૂતકાળને સ્પષ્ટ જોવાનો પ્રયત્ન કરવા લાગી.

પ્રજ્ઞા … લગભગ આગળપાછળના સમયગાળામાં જ પરણેલા હોવાથી સખીભાવ આપોઆપ આવી ગયો હતો. કદાચ પિયરથી દૂર આવેલી સ્ત્રીઓ એકબીજાની જલ્દી નિકટ આવી જતી હશે. ગળામાંથી પાણી ઉતરે તો દેખાય એવી પારદર્શક ગોરી પ્રજ્ઞા બહુ સુંદર લાગતી . પણ એના વર્તનથી એક અલ્લડ છોકરી અચાનક મોટા થવાનો ભાર ઝીલી ન શકી હોય એવું લાગતું …સાથે કોઈ કામ અંગે અવરજવર કરતી વખતે ખીલી ઉઠતી પ્રજ્ઞા કોઈક વાર રહસ્યમય લાગતી. બીજી સખીઓ ‘મૂડી’ નામ આપી ચીડવતી રહેતી. બહેનપણીઓ વચ્ચે થતી મજાકની વાતો વખતે સૌથી વધુ ખીલતી પ્રજ્ઞા બાકીની વાતો વખતે ઘણી ઓઝપાઈ જતી. કોલેજની વાતો કરતી વખતે ગજબની ચમક એની આંખમાં વસી જતી. પછી એક પછી એક બે બાળકો થયા .સસરા પણ એ જ કંપનીમાં નોકરી કરતા..એમને પ્રમોશન મળતા થોડે દૂર રહેવાનું થયું એટલે મળવાનું પણ ઓછું થતું ગયું..સ્મૃતિ પોતાનાં બે દીકરાઓની પ્રવૃત્તિઓ પાછળ લાગેલી રહેતી. ક્યારેક કોઈ કાર્યક્રમમાં મળતી જતી પ્રજ્ઞા ખુબ ઓળઘોળ થઇ જતી . વાતો અને ખડખડાટ હાસ્યથી માહોલમાં ખુશી ભરી દેતી.

અચાનક સમાચાર અને વાતો વહેતા થવા લાગ્યા કે પ્રજ્ઞાનું ચસકી ગયું છે . કોલોનીની આ એક બહુ મોટી નબળાઈ છે. કશું ખાનગી નથી રહેતું . ઘરની વાત ઓફિસે અને ઓફિસની વાત ઘરે ચર્ચાયા કરે. વહેલી સવારે મંદિરે જઈ સતત ઘંટ વગાડવો …. બહારની ડંકી ધમીને ડોલો ભરી મૂર્તિ પર પાણી ઢોળ્યા કરવું … અચાનક ઘરમાં ચુપચાપ થઇ જવું…આવા બનાવો ઉડતા ઉડતા સ્મૃતિના કાને પડતા રહ્યા. પણ અંગત રીતે એ માની જ નહોતી શકતી કે પ્રજ્ઞા આવું કરી શકે. પણ હવે તો પ્રજ્ઞા સાવ મળતી જ નહી. ઘણી વાર વિચાર આવતો કે મળવા જવું પણ સયુંકત કુટુંબની વહુઓના ઘરમાં બહેનપણીઓની આવનજાવન નહીવત હોય છે.

એક દિવસ અચાનક પ્રજ્ઞા સવારે સાડા આઠે આવી ગઈ . સ્મૃતિને ઘણી નવાઈ લાગી જો કે એ ખુબ ખુશ થઇ. જાણે પ્રજ્ઞા હૈયું ઉલેચવા જ આવી હોય તેમ ખુબ બધું કહી બેઠી.આટલા વર્ષોની વાતો એની આંખમાં ઉભરાઈને ઠાલવતી રહી. મારવાડી પરિવારની વહુ પ્રજ્ઞા ખુબ ભણેલી અને હોનહાર હતી એટલે લગ્ન પહેલા નોકરી તો કરીશ જ એવી શરત માન્ય રાખી એને પરણીને લાવેલો ઉમેશ માબાપના આગ્રહ સામે ઝૂકી ગયો અને એ પહેલો ઝાટકો પ્રજ્ઞાને લાગ્યો હતો.ધીમે ધીમે દહેજમાં આવેલી થોડી ઓછી રકમના કજિયા એવા તો ઘરમાં ડેરો જમાવી બેસી ગયા કે ખાવું-પીવું.. પહેરવું-ઓઢવું..જવું-આવવું..મળવું-હળવું …આ બધું એની અડફટે આવતું રહ્યું. હવે ફક્ત તૂટવું-રડવું રહી ગયું હતું.દિવસ દરમ્યાન માબાપના છાયામાં રહેતો ઉમેશ રાતે પ્રજ્ઞાના પાલવમાં લપેટાઈ જતો. મિલનની ક્ષણોમાં સાવ પોતાનો લાગતો ઉમેશ જ્યારે પડખું ફેરવી લેતો ત્યારે પ્રજ્ઞા પોતે વપરાઈ જતી હોય એવું અનુભવતી. એ વિચારતી રહેતી કે જો દહેજનો રીવાજ હોય તો એ ન લાવવા માટે મને સજા શું કામ થાય ?

ઉમેશને ખુદ્દાર અને સમજદાર માનીને કરેલા લગ્ન એને છેતરામણી જેવા લાગતા. ક્યારેક હાથ ઉપાડી લેતો ઉમેશ એના માટે ફક્ત એક નામનું બંધન રહી ગયો હતો. કોલેજકાળમાં સ્ત્રીભ્રુણ બચાવ માટેની સંસ્થાઓ સાથે એને કામ કરવું બહુ ગમતું અને હવે એના પેટે સિઝેરિયનથી બે સ્ત્રીસંતાન પાક્યા એની સજા એને મળવા લાગી. એ અસહ્ય બની રહ્યું હતું જો કે એ તો કોમર્સ ભણી પણ બાળકની જાતિ માટે કોઈક X કે Y જવાબદાર હતા એટલે પુરુષ જ જવાબદાર હોય છે એવું જાણ્યું હતું તો બે દીકરીઓના જન્મ માટે જવાબદાર હું કેમ ? આવા કેટલાય સવાલો એ એકલી એકલી જાતને પૂછતી …અને આક્રોશપૂર્વક મનમાં પૂછાતાં સવાલો જરા જોરથી બોલવાની ટેવ એને પડવા લાગી …એને ઘરના લોકોને એનો ઉપહાસ કરવા માટેનું કારણ માની લીધું. એટલે એ વધુ ને વધુ એકલી બનતી ચાલી. પણ બે દીકરીઓની કિલકારીઓ ઘરનો ઉંબરો છોડીને એને એક ડગ આગળ ભરતા રોકતી.

મિલિન્દનો હાથ પાસે પડેલા બ્લેન્કેટ પર પડ્યો અને સ્મૃતિ પાછી વર્તમાનમાં ફરી . હળવે હાથે એને બ્લેન્કેટ ઓઢાડી …એસી ધીમું કરી દીધું.

એ પ્રયત્નપૂર્વક પાછી ભૂતકાળમાં પ્રવેશી . એ દિવસે આવેલી પ્રજ્ઞા વારે વારે ઘડિયાળમાં જોયા કરતી હતી પણ ઘરે જવા માટે જરાય ઉતાવળી ન હતી. એ બહુ વિચિત્ર હતું. કોઈ બહાને સ્મૃતિએ મોબાઈલ પર મિલિન્દને કંપની કેન્ટીનમાં જમી લેવા મેસેજ કરી દીધો. ઘણા બધા સામાજિક કામો સાથે સ્મૃતિ જોડાયેલી હતી એટલે કોઈક વાર આવું થતું. પ્રજ્ઞાની એટલી વાત સાંભળી એણે થોડી હિંમત કરી મંદિરના બનાવો વિષે પૂછી લીધું હતું.

પ્રજ્ઞાએ રડીને લાલઘુમ થયેલી આંખો સ્મૃતિ પર ઠેરવી. ” સ્મૃતિ, લગ્ન પછી નોકરી માટેનું વચનભંગ થયું ….દહેજના ઝગડા શરુ થયા. રાતે પાસે આવતો ઉમેશ આવી કોઈ વાતો કરી મૂડ બગાડવા તૈયાર ન થતો…એનો થાક ઉતારવા એ વધુ થાકી સૂઈ જાય છે અને હું વાત કરવા માટે રીતસર તડપતી રહું છું . ક્યારેક જ પિયર જવા મળે ત્યાં એકાદવાર પપ્પા મમ્મીના કાને વાત નાખી … “પોતાના ઘરની વાત બહાર કહેવી પડે એ છોકરીનો ઉછેર નબળો ગણાય” એવા જવાબ સામે મારા બધા જ પ્રશ્નો રૂંધાઇ ગયા. અને એમનો વાંક પણ ક્યાં હતો ? કદાચ એ લોકો વચ્ચે પડે અને કશું કોર્ટ કચેરી જેવું થાય તો નિવૃત થયેલા મારા પપ્પા તો ધોવાય જ જાય. દીકરીઓ સાથે જે બે પળ મળતી એ પણ એમના ભણતર પાછળ ખર્ચાવા લાગી છે . તો મારી સાથે જે થાય છે એનો જવાબ કોની પાસે માંગવો ? હું શું ખોટું કરું છું ? ભગવાન હોય તો એણે જવાબ તો આપવો જ પડે ને ? ”

સ્મૃતિ પાસે એના આ સવાલનો જવાબ પણ ન હતો અને વધુ પૂછવાની હિંમત પણ ન હતી. એને ચુપ જોઈ પ્રજ્ઞાએ ઉમેર્યું ” તને યાદ આવે છે મેં કોઈ વાર કોઈ સાથે કોઈ વાત કરી હોય ? કોઈ ફરિયાદ કરી હોય ? મને કોઈ છૂટ જ ક્યાં હતી કે હું કોઈ સાથે વાત કરું ? આજે એક ઝાટકે તારું નામ મગજમાં આવ્યું અને હું અહીં આવી ગઈ. તને ખબર છે ? આ લોકો મને પાગલ સમજી દવાખાને પણ લઇ જાય છે પણ ડોકટરે મારા હોર્મોન્સમાં કોઈ બહુ મોટી સમસ્યા છે એવું કહી દીધું છે .”

બપોરે સાડા બારે પ્રજ્ઞા એક ઝાટકે ઉભી થઇ વીજળીવેગે ઘરે જવા રવાના થઇ ..કદાચ ઉમેશનો જમવા આવવાનો સમય હતો એટલે હશે .. સ્મૃતિ સખ્ત ચિંતામાં પડી ગઈ હતી કે સમસ્યા દરેક જીવનમાં હોય છે તો આ પ્રજ્ઞા આટલું અને આવું કેમ રીએક્ટ કરે છે …!!! ભણેલી ગણેલી પ્રજ્ઞા અવાજ કેમ નથી ઉઠાવતી ? સામાજિક સંપર્કોના કારણે હવે એણે વાતમાં રસ લઇ વાતના મૂળ સુધી પહોંચવું હતું. ઉમેશ અને મિલિન્દ વચ્ચે થયેલી વાત મુજબ સાચે જ પ્રજ્ઞાને હોર્મોન્સની ખુબ મોટી તકલીફ હતી અને અસ્તવ્યસ્ત થયેલા હોર્મોન્સના કારણે એના મૂડ સ્વીંગ થયા કરતા ..એ ડીપ્રેશનમાં સરી જતી એવું ડોક્ટર કહ્યા કરતા હતા પણ એ વાત ઘરમાં કોઈ માનવા તૈયાર ન હતું. ભણેલા નોકરીયાત પરિવારે વળગાડ હોવાની પ્રબળ માન્યતાને આધારે એની પર અનેક પ્રયોગો કરવા શરુ કર્યાના સમાચાર આવ્યા ત્યારે અંદરની વાત બહાર આવી કે પ્રજ્ઞાએ ત્રણેક વાર આપધાત કરવાના પણ નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા. એટલે એને ઘરમાં પૂરી રાખવામાં આવતી . અને એટલે એને જયારે છટકવા મળતું ત્યારે એ આમ કોઈના ઘરે જઈ બેસી જતી ..અને એટલે ફરી વધુ પાબંદી લાગી જતી.

આ અરસામાં સ્મૃતિ કોલકોતા શિફ્ટ થઇ અને એક દિવસ સમાચાર મળ્યા હતા કે પ્રજ્ઞાને ઓવરીનું કેન્સર છે . એની બંને ઓવરીઝ કાઢી નાખવામાં આવી .પણ એના પછી એ બહુ કોઈને દેખાતી નહી એવું જાણવા મળ્યું હતું.બીમારને એના સમાચાર પૂછવા જેવી મોટી ભૂલ ક્યારેય ન કરવી એવું સમજતી સ્મૃતિ બે હાથ જોડી ઈશ્વર પાસે ઉભી રહેતી.

આજે દોઢેક વરસે બહારગામથી આવેલી સખી તરીકે એના ઘરે જઈને મળી ત્યારે એ સાસુએ બનાવેલો ઉપમા ખાઈ રહી હતી. ખાસું વધેલું શરીર પણ સુંદરતા અકબંધ હતી . પણ આવેલી સખીને મળવાનો ઝાઝો ઉમળકો નહી , પૂછપરછ નહી , એકાદ વાર આંખોમાં અજબની ચમક ચમકીને બૂઝાઈ ગઈ એવો સ્મૃતિને ભ્રમ થયો … સ્મૃતિએ સામેથી એની સાથે વાતો કરી ત્યારે બહુ જ થોડી વાતો કરી …કિનારે આવેલી નાવ ડૂબી જતું હોય એમ વારે વારે ઉઠીને એની તરફ મંડાતી આંખો નમી જતી હતી …શબ્દો નીકળી શકતા ન હતા … ત્યાં સતત હાજર રહેલા સાસુમાએ સ્મૃતિને કહ્યું “તમારા જેવી બેચાર સખીઓ અહી હોય તો આ જલ્દી ઠેકાણે પડે.અમારે એની પાસે કશું કામ કરાવવું નથી ..કોઈ અપેક્ષા નથી ફક્ત એ પહેલા જેવી હસતી બોલતી થઇ જાય એ જ અપેક્ષા છે …આવા રોગ પછી લોકો જલ્દી ઠીક થઇ જાય છે પણ પ્રજ્ઞા જ આવું વર્તન કેમ કરે છે એ સમજાતું નથી ..પહેલા એના ખોરવાયેલા હોર્મોન્સે દાટ વાળ્યો અને હવે તો હોર્મોન્સ નથી અને કશું નથી… અમારા દીકરાનો સંસાર અમારી નજર સામે વિખાઈ રહ્યો છે …કાલે છોકરીઓ પરણવા યોગ્ય થશે તમે એને સમજાવોને ….આખો દિવસ એ દવાના ઘેનમાં કેમ રહે છે એ ડોક્ટર પણ સમજી શક્યા નથી. આટલું બેજવાબદાર કોઈ કેમ રહી શકે ? ”

સામે બેઠેલી પ્રજ્ઞા આ બધું સાંભળીને ઉપમા ખાતી રહી હતી અને સાસુમાએ આગ્રહ કર્યો એટલે એણે સ્મૃતિને જમવા આવવા એક વાર કહી દીધું ..સાથે ઉમેરી લીધું કે “સ્મૃતિ જેટલું મને કોણ ઓળખે છે ?” વિદાય વખતે એને ભેટતી વખતે એના કાનમાં થયેલો ધીમો ગણગણાટ એમ કહેતો હતો કે “ચિંતા ન કર … હું એકદમ ઠીક છું” પણ ફરી એનો એ ખાલીપાથી ભરેલો ચહેરો જોઈ આંસુ ખાળી… ડૂમો દબાવી સ્મૃતિ બહાર નીકળી ગઈ.

લગ્ન પછીની ચુલબુલી પ્રજ્ઞા અને આજની પ્રજ્ઞા …..સ્મૃતિના ઓશિકા પર આંસુઓની ધાર થઇ રહી હતી … પ્રજ્ઞા શા માટે આટલી પીડા સહે છે ? એનો દોષ શું છે ? એ અબોલ અને એકલી કેમ છે ? દહેજ હોય કે દીકરી એમાં એ જવાબદાર કેમ છે ? એમ જ એની આંખો લાગી ગઈ ..

અને ભરઊંઘમાં સ્મૃતિના મોં પર રાહતનું સ્મિત ફેલાયું … સ્વપ્નમાં આવીને પ્રજ્ઞાએ કહ્યું ” સોરી યાર , મેણાટોણા અને લાફાફટકાથી માંડ છૂટકારો મળ્યો છે …બીમારીની આડમાં હવે ચેનની ઊંઘ લઇ લઉં છું …બહુ ખુલીને વાત ન કરી શકી… બોલ , હું તારી સખી છું ……કે તારી દોષિણી ? ”

— નીવારોઝીન રાજકુમાર

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

33 responses »

  1. Ashwin Majithia says:

    fantastic nivaben.. !!
    so touching story..!
    yes..you have touched the height of someone’s sufferings..
    dowry or girl-child.. whatever is the reason.. but the harassment should not be to an extend that a person opts for portraying one’s self as a mentally unstable person..
    but unfortunately it was the case with pragna to this extend..
    lovely words..
    કિનારે આવેલી નાવ ડૂબી જતું હોય એમ વારે વારે ઉઠીને એની તરફ મંડાતી આંખો નમી જતી હતી..
    it reflects the terrible helplessness of the poor girl
    and this is not happening only with pragna,
    it’s the true picture of our society.. .
    કદાચ પિયરથી દૂર આવેલી સ્ત્રીઓ એકબીજાની જલ્દી નિકટ આવી જતી હશે..
    yes, it’s always true with any soul..rich or poor.
    સયુંકત કુટુંબની વહુઓના ઘરમાં બહેનપણીઓની આવનજાવન નહીવત હોય છે.
    again a gray-shed of the joint-family culture of our society.
    .
    excellent portraying of human psychology and social status of Indian rural society.
    thanx for sharing it.. Nivaben.

  2. Ajay Panchal says:

    નીવાબેન,
    ખુબ જ સરસ રીતે વાર્તાનું આલેખન થયું છે. હદયસ્પર્શી વાર્તા સચોટ રીતે રજુ કરી છે. અન્યની વાર્તાઓની જહેમત લેતા લેતા વાર્તા લખવા માટે સમય કાઢવો અને તે પણ સરસ વારતા! હેટ્સ ઓફ ટૂ યુ, નીવાબેન !

  3. Angel says:

    ખુબ સરસ! તાદૃશ કરવાની કળા તમારી સ્ટોરીમાં હોય છે હમેશાં. softly reader ને ખેંચી લે વાર્તા always ! ❤

    અજયભાઈ એ કહ્યું એ પણ નોંધવા જેવી બાબત છે કે એટલી વ્યસ્તતા માં એટલું સરસ લખ્યું છે! You Rock

  4. Ashish Gajjar says:

    નારીનાં જીવનની પીડા…પરણ્યા બાદ આવી કેટલીય સ્ત્રીઓ જીવતે જીવ ગુંગળામણ અનુભવતી હોય છે અને એની પીડા સહુ જાણતાં હોવાં છતાં પડખે તેનાં પોતાનાંય નથી રહેતાં… જીવતે જીવ ખાલી બીજાને માટે જીવી જવાનું હોય ,ને એનાં પોતાનાં જીવની કોઈજ કિંમત નહી.?.. એવી સમસ્યાને વાચા આપતી વાત..સરસ

  5. ansuyadesai says:

    ખુબ સરસ ….વાર્તા વાંચી તો ક્યાંક વાંચેલું યાદ આવે છે……

    અતીતની ડાયરીમાં,બંધ આંખોએ ,નિઃશબ્દ એવી શબ્દાવલી શોધું છું.
    નજીક નથી જવું કોઇના દિલ પાસે દર્દ-એ-દિલ ની દવા શોધું છું.

    અરમાનો દફનાવી દિધાં સ્મરણમાં, ક્યાંક મારા હોવાની નિશાની શોધું છું .
    આશાઓની આ તે કેવી વિટંબણા,મારા હોવા છતાં મારીજ ચિતાની રાખ શોધું છું .

    કેદ થયેલી ઇચ્છાઓનાં કારાગારમાંથી છુટવાની રજા શોધુ છું .
    શાણપણની સજા કરીને પુરી,પાગલપણમાં મસ્ત રહેવાની મજા શોધું છું….

    નિવા ! હાર્દિક અભિનંદન ….

  6. Rimple Shah says:

    mast varta ……….

  7. નીતિન Bhatt says:

    નીવારોજીનજી, નારીના જીવનમાં આવતી આપત્તિનું સરસ આલેખન. નાયિકા પોતે નાદુરસ્ત છે અને તેના પર થતા જુલમ તે પરિસ્થિતિમાં વધારો કરે છે તે સરસ ઉપસ્યું છે. સ્મૃતિના પોતાના સંસારની વાતો સમયના સંદર્ભમાં બરાબર છે પણ તેને કારણે વાર્તા બિનજરૂરી લાંબી થતી દેખાય છે. મને અંગત રીતે અંતમાં પ્રજ્ઞાએ બીમાર રહેવાનો ઢોંગ કરવાનું સમાધાન સ્વીકાર્યું એના બદલે આક્રમક બની અન્યાય નિવારવા પ્રયત્ન કર્યો હોત તો વધુ ગમત. (જો કે એ પસંદગી તમારી જ હોય)

    • અગાઉ અનેક વાર કહી ચુકી છું મારી કલ્પના શક્તિ બહુ સીમિત છે એટલે મારે કોઈને કોઈ સત્યઘટનાનો આશરો લેવો જ પડે છે…. આ એક સત્યઘટના છે ..દરેક સ્ત્રીના નસીબમાં આક્રમક થઇ શકવું હોતું નથી….માબાપ અને પોતાની મર્યાદા જોઇને એને આમ કરવું જ યોગ્ય લાગ્યું છે …બાળકો સામે જોઇને સમાધાન કોણ નથી કરતું ? આ ઇવેન્ટના વિષયને વળગી રહેવા આનાથી વધુ સારી વાર્તા ન હતી….

      વાર્તાની નાયિકા ગુજરાતી જાણતી નથી એટલે હું આટલું લખી શકી છું….. અને લખતા લખતા ભૂલમાં પણ એનું સાચું નામ ન લખાય જાય એની તકેદારી રાખવી ઘણી અઘરી પડી.
      અન્યાય સામે અવાજ કરનાર સ્ત્રીઓ માટે નવું ઇવેન્ટ આવી ગયું છે …

      દોષિણી ઇવેન્ટમાં વિષય બહારની ઘણી વાર્તાઓ આવી પણ નવા લોકો લખતા થાય એ જ આશય હોવાથી અમે વાર્તાઓ મૂકી છે….હવે લેખકો ખુદ વિચારે કે તેઓએ વિષયમાં રહીને લખ્યું છે કે નહી…..

      દોષિણી ઇવેન્ટમાં વિષય બહારની ઘણી વાર્તાઓ આવી પણ નવા લોકો લખતા થાય એ જ આશય હોવાથી અમે વાર્તાઓ મૂકી છે….હવે લેખકો ખુદ વિચારે કે તેઓએ વિષયમાં રહીને લખ્યું છે કે નહી..

      અમારી ટીમ પાસે કોઈને જજ કરવાની કોઈ ડિગ્રી નથી.

  8. khub j sundar varta…. ghana badha one linet gamya…સામે બે કાંઠે વહેતી ઉલ્હાસ નદી પરથી આવતા ઠંડા પવનો એને ખુબ જાણીતા લાગી રહ્યા હતા. ફરફર ઉડતી લટો દ્વારા જાણે એ પવનો એની સખીના કાનમાં ‘કેમ છે તું ?’ એવું પૂછતા હતા ..ketlu saras au koi puche k km cho?mast…

    આ પુરુષો કેટલા સુખી હોય છે …!!! આટલું વિચારતા જ નથી હોતા . vicharta to hoy che dekhadta nathi hota.

    બેક પળ માટે પડદો નાખ્યો અને તરત હટાવ્યો.અને જાણે કે ભૂતકાળના આખા એક ખંડ પરથી પડદો હટી ગયો. thay aavu thay.

    લગભગ આગળપાછળના સમયગાળામાં જ પરણેલા હોવાથી સખીભાવ આપોઆપ આવી ગયો હતો. કદાચ પિયરથી દૂર આવેલી સ્ત્રીઓ એકબીજાની જલ્દી નિકટ આવી જતી હશે.so true.

    પોતે વપરાઈ જતી હોય એવું અનુભવતી. એ વિચારતી રહેતી કે જો દહેજનો રીવાજ હોય તો એ ન લાવવા માટે મને સજા શું કામ થાય ?ganu badhu kahi jay che aa vakya… !!!

    મારી સાથે જે થાય છે એનો જવાબ કોની પાસે માંગવો ? હું શું ખોટું કરું છું ? ભગવાન હોય તો એણે જવાબ તો આપવો જ પડે ને ? speechless.

    સ્મૃતિના ઓશિકા પર આંસુઓની ધાર થઇ રહી હતી … પ્રજ્ઞા શા માટે આટલી પીડા સહે છે ? એનો દોષ શું છે ? એ અબોલ અને એકલી કેમ છે ? દહેજ હોય કે દીકરી એમાં એ જવાબદાર કેમ છે ? touchy…..

    oveeerall pragna aakhi vart vanchta najar samaksh rahi.

  9. Rajendra Joshi says:

    Nivaben,

    Accidentally your story is numbered 66 and it is nothing less than a Sixer each ball …. The striking difference between stories written by the readers and a story written by an experienced hand is conspicuous. I, in fact, started copy-pasting eye-catching sentences while reading but half way I dropped the idea fearing that in doing so I will c-p almost entire story ……

    ઉલ્હાસ નદી પરથી આવતા ઠંડા પવનો એને ખુબ જાણીતા લાગી રહ્યા હતા. ફરફર ઉડતી લટો દ્વારા જાણે એ પવનો એની સખીના કાનમાં ‘કેમ છે તું ?’ એવું પૂછતા હતા

    આ પુરુષો કેટલા સુખી હોય છે …!!! આટલું વિચારતા જ નથી હોતા .

    સ્મૃતિએ હાથ લંબાવી બેક પળ માટે પડદો નાખ્યો અને તરત હટાવ્યો.અને જાણે કે ભૂતકાળના આખા એક ખંડ પરથી પડદો હટી ગયો. આછા અજવાસમાં એ ભૂતકાળને સ્પષ્ટ જોવાનો પ્રયત્ન કરવા લાગી.

    એનો થાક ઉતારવા એ વધુ થાકી સૂઈ જાય છે અને હું વાત કરવા માટે રીતસર તડપતી રહું

    Excellent would not suffice ………

    and while concluding ……. I must say that after initiation of katha-kadi, Doshini and now Samarthini, your own blog with your own stories is the biggest casualty …..

  10. paurvi hardik trivedi says:

    Pakdi to rakhe ane sathe naari me ujaagAr kare tevi pragna ni vaat gami.
    Waah niva varta gami gai

  11. Paras S. Hemani says:

    બોલ , હું તારી સખી છું ……કે તારી દોષિણી ? ” સુંદર આલેખન, સત્યઘટના પરથી લખેલી વાર્તા તરત સ્પર્શી ગઈ. સેવેલા સ્વપ્નો પૂરા ના થાય ત્યારે જે વલવલાટ થાય તેનું સુંદર ચિત્ર….

  12. swati suthar says:

    Niva…your writing is fantastic….perfectly decribe the emotions
    …thumbs up!

  13. acharyanit says:

    એવું નક્કી કર્યું હતું કે વાર્તામાંથી ગમે તે ખામી શોધવા જ વાંચવી….અને પછી ટીકા ટિપ્પણ કરવી..પણ બોસ એટલે બોસ…વાર્તાનું કદ…શબ્દો..મર્મ…વી. અનેક ટેકનીકલ પાસમાં પણ ઉત્તમ..
    વાંચ્યા પછી વખાણ કરવાની ઈચ્છા થઇ આવી ..પરંતુ વાર્તાના બધાજ સારા, અગત્યના વાક્યો તો લોકો એ કોમેન્ટમાં લઇ લીધા…..મને જોકે વાર્તાનું પહેલું વાક્ય ખુબ પ્રભાવિત કરી ગયું…સાવ સામાન્ય વાત ….’સહેજ ભટકાતાં દરવાજાને હળવેથી બહાર થી ભીડી દીધો’…..અંતે પણ દરવાજાને હળવે થી ભીડી દીધો….ખુલ્લો રહી ગયો હોત તો હવાના એ તૂફાનનો સામનો જીવનભર કરવો પડે…ક્યાંય ને ક્યાંય આપણે બીજાની ખાતર દરવાજો ભીડી દેતા હોઈએ છીએ….અહીં તો હળવેથી….અને તે પણ બહારથી દરવાજો ભીડી દીધો…..બધા જ અર્થસભર વાક્યો….અભીનંદન ….

  14. chandralekha says:

    સ્ત્રી સંતાનોને જન્મ આપતાં આવી કેટલીયે દુભાયેલી સ્રી જ્યારે પોતાના પિયર જઈ વાત કરવાનુ ધારે છે કેમકે તે જ સૌથી વિશ્વાસુ સ્થળ હોય છે , પણ નિવૃત્તિને આરે આવેલા માબાપની સ્થિતિ જોતાં આવી કેટલીયે પજ્ઞાઓ ચુપ રહી જતી હશે. અને ધીમે ધીમે એકલતાની ઉંડી ખાઈમાં ધકેલાઈ જાય દેખીતી રીતે પોતાનો કોઇ દોષ ના હોય છતાં પણ.
    પોતાના મનની વાત પોતાના અંગત મિત્ર કે સખી જ સમજી શકે એવો દરેકને વિશ્વાસ હોય છે અને એ વિશ્વાસ પ્રજ્ઞાને પોતાની સખી પાસે હતો.. “કોઇક રીતે પોતાના ઘરમાં એ ચેનથી ઉંઘી તો શકે છે એવું” વ્પનમાં ભલે કહેવાયું હોય પણ સ્મૃતિનું અંતરમન એ પ્રજ્ઞાને ભેટતાં જ કળી ગયું હશે.. જે સ્વપનરુપે આવ્યું.. અભનંદન આ સુંદર વાર્તા માટે..

  15. વાહ, ખૂબ જ સરસ આલેખન, ખરેખર એક વાર્તા વાંચી રહ્યા હોવાનો અહેસાસ થયો….
    અદભૂત વાક્ય રચના….
    –> બીમારીની આડમાં હવે ચેનની ઊંઘ લઇ લઉં છું …બહુ ખુલીને વાત ન કરી શકી… બોલ , હું તારી સખી છું ……કે તારી દોષિણી ? ” ખરેખર touching…….

  16. dearest નિવા…
    શું લખું…કેવી રીતે લખું…..કેમ કરી લખું…
    સ્મૃતિ…….મિલિન્દ…પ્રજ્ઞા…મારવાડી કુટૂંબ…દહેજ…સ્ત્રી હોર્મોન્સ..બે દીકરીયું….x Y……
    ને છેલ્લે પ્રજ્ઞા ના મુખે બોલાયેલા શબ્દો…..
    એક સ્ત્રીજ સમઝી શકે…લખી શકે..
    અભિનંદન…
    gbu..
    sanatkumar દવે (દાદુ)…..

  17. Anjana Gugadi says:

    ખુબ જ સરસ… ખુબ ખુબ ખુબ ભાવપૂર્ણ રજૂઆત❤️

Leave a reply to Sanatkumar Dave Cancel reply