670px-Have-a-God-Centered-Dating-Relationship-Step-1-Version-2

હાથમાં રહેલા ફોનને એમ જ રાખી ઉમંગી વિચારે ચડી ગઈ ….

સંબંધો કેવા તકવાદી હોય છે ! કોઈ એક આખો જન્મારો એક વાત કહેવાનું ચુકી જાય અને કોઈ એ જ વાત સાવ સહજતાથી …એક પળમાં કહી આગળ વધી જાય .

એની આંખો સામે ૨૬ વર્ષ પહેલાની એની કોલેજનું વાતાવરણ છવાઈ રહ્યું હતું .

એ વર્ષે પરીક્ષાના સોળ દિવસ પહેલા જ કોલેજનો વાર્ષિક દિવસ ગોઠવાયો. સતત અભ્યાસના ભારણ અને સીલેબસ પૂરો કરવાની દોડાદોડમાં કોલેજ ડે બહુ પાછો ખેંચાયો હતો . મેનેજમેન્ટ અને આચાર્યને તો એમની વાર્ષિક પ્રવૃત્તિ માટે જ કોલેજ ડે ઉજવવાનો હતો . એટલે એમણે બધો વહીવટ વિદ્યાર્થીઓ પર નાખી દીધો .

વિદ્યાર્થીઓની મીટીંગ બોલાવાઈ .પણ કેટલાક ભણેસરીઓએ તો ભાગ લેવાની ઘસીને ના પાડી દીધી. બે ગ્રુપ બની ગયા. અમુકને આ સમય બગાડવા જેવું લાગ્યું તો અમુકને વિદ્યાર્થી અવસ્થાનો આ છેલ્લો મોકો હતો એટલે આ એક મજા પણ કરી જ લઈએ એવું લાગ્યું હતું .

અંતે થોડા હરખીલા વિદ્યાર્થીઓએ કોલેજ ડે પ્લાન કરી જ નાખ્યો . વળી એમાં પણ કોઈ કારણોસર ગ્રુપ પડ્યા અને આખું વર્ષ એક બીજાથી સાવ અજાણ્યા રહેલા એક રાઉડી રાઠોડ છોકરાએ ઉત્સાહના દરિયા જેવી ઉમંગીને ધમકી આપી. ‘કરી જો …. કોલેજ ડે…અને તું ? સ્ટેજ પર તો ચડી જો ..મારૂ માનજે … નહી તો ….’

બીજા જ દિવસથી એ પાણીદાર છોકરી ઉમંગીએ ‘મને રાઠોડનો ડર લાગે છે ….કાલથી હું કોલેજ નહી આવું ‘ કહેવાનું શરુ કર્યુ. એની વિચાર પૂર્વકની ચાલ બરાબર હતી . એને સાંભળનાર દરેકે કારણ પૂછયું. એણે આખી વાત કહેવાનું શરુ કર્યું . લોબીમાં સામે આવી જતા રાઠોડનો સામનો પણ એ ન કરતી . એ સરકી રસ્તો બદલી નાખતી .

ધીમે ધીમે આખી કોલેજમાં એ છોકરાના નામનું “થું થું” થયું. :p

એક છોકરો છોકરીને ધમકાવે …એની પાછળ પડે …એ વાત એ સમયે શરમજનક ગણાતી. સ્ત્રીઓ સામે અકારણ ભીડાતા પુરુષો એ વખતે “બાયલા” ગણાતા. :p :p :p

પણ એ છોકરી માટે એ કોલેજ ડે એક પ્રેસ્ટીજનો સવાલ બની ગયો .એણે ડરતા હોવાનું નાટક કરતા કરતા કોલેજ ડેની તૈયારી પણ શરુ રાખી .રાઉડી સામે આવી આડકતરી ઝીંક લેવા બદલ ઉમંગી ધીમે ધીમે કોલેજમાં લોકપ્રિય બનતી ગઈ . 🙂 મર્દાની છોકરી તરીકે અન્ય છોકરીઓ પણ એને વધુને વધુ માનની નજરે જોતી થઇ ગઈ .

અંતે… નિયત સમયે ઠીક ઠીક હાજરી વચ્ચે કોલેજ ડે શરુ થયો .એમાંના મોટાભાગના કાર્યક્રમ નહી પણ ઉમંગી કેવી ટક્કર આપે છે એ જોવા જ આવ્યા હતા .એક પછી એક કાર્યકમ સ્ટેજ પર થતા ગયા . છેક છેલ્લી લાઈનમાં બેઠેલો રાઉડી કશાક વિચારમાં હોય એવું બધાને લાગતું હતું પણ એ શું વિચારતો હતો એ સમજવું ખુબ અઘરું હતું .

ગીત ગાવા સ્ટેજ પર ચડતી વખતે ઉમંગીએ આંખોમાં ભય આંજી દીધો અને દયામણી નજરે રાઠોડ સામે જોયું અને બધાની સામે પૂછ્યું ‘ જાઉં ? સ્ટેજ પર ગીત ગાવા જાઉં ? ‘

આછી માંજરી આંખો નીચે ઢાળી રાઠોડે હકારમાં ઈશારો કર્યો . અને આખા હોલમાં હાસ્ય ફેલાઈ ગયું . રાઠોડનું આખું મોં લાલઘુમ થઇ ગયું .એ ગુસ્સો હતો કે શરમ એ સમજવાની ફુરસત કોઈને ક્યાં હતી ! જો કે ઉમંગીએ એ આખું ગીત રાઠોડ હવે શું કરશે એવા આછા ફફડાટમાં એની સામે જોઇને ગાયું .

એ પછીના દિવસોમાં રાઉડી અજબ શાંત દેખાયો . ક્યારેક લાઈબ્રેરીમાં પણ દેખાયો અને ગંભીરતા આવી હોય એવું બધાએ અનુભવ્યું . એ પાસ જ નહી થાય એવું માનનારા એના દોસ્તો પણ મનોમન આ બદલાવ માટે ઉંમંગીનો આભાર માનતા થઇ ગયા . આટલા વખતથી ‘એક છોકરી સાથે પંગો લેતા શરમ નથી આવતી ?’ એવું બધાએ એને સતત કહ્યું હતું પણ ટણીમાં આ છોકરો દોસ્તોને પણ દૂર કરી બેઠો હતો. આ બધાથી બેખબર ઉમંગી પોતાની દુનિયામાં મશગુલ હતી . કોલેજ , નોટ્સ , લાઈબ્રેરી અને સખીઓ . એનું ખડખડાટ હાસ્ય આખી કોલેજમાં પડઘાતું .

કોલેજ પૂરી થઇ …બધા વિખાઈ ગયા . કોઈક આગળ અભ્યાસ અર્થે ગયા તો કોઈ ઠરીઠામ થયા .

બે વર્ષ વીતી ગયા . હોસ્ટેલમાં રહેતા એ રાઠોડના હાથમાં એક નવા નવા બનેલા દોસ્તે એક ફોટો આપ્યો અને કહ્યું : ‘ આ છે મારી મંગેતર ‘

માંજરી આંખોમાં એક અનુરાગ સાથે ઉમંગીના ફોટા સામે જોઈ રાઉડી બોલ્યો ‘ એક અદ્ભુત , ચાલાક અને સરસ છોકરી મળી છે …યાર , એને દુઃખી ન કરતો ..એ મને બહુ ગમતી …ક્યારેય કહી જ ન શક્યો પણ તું જ કેજે .. કે એ મને બહુ ગમતી …’

કોલેજની આખી વાત માંડીને કરતા રાઉડીએ કહ્યું ‘ એની જગ્યાએ કોઈ બીજી હોત તો આચાર્ય પાસે મારી ફરિયાદ લઈને ગઈ હોત અને બધું લાંબુ થયું હોત . એની એ સમજદાર ચાલમાં હું એવો લપેટાયો કે કયારે એ મને ગમવા માંડી એ પણ ન સમજાયું . પણ છે મસ્ત છોકરી . જો જે જીવનભર એક પણ ફરિયાદ વગર સંજોગો સામે હસતી હસતી લડશે . એને ખુશ રાખજે હો .. નહી તો ….! ‘

અડધાપડધા ભુલાઈ ગયેલા એ રાઉડીની આ વાત જ્યારે ઉમંગીએ જાણી ત્યારે એને સમજાયું કે પ્રેમ અને નફરત વચ્ચેની એક સાવ નાજૂક રેખા હોય છે . ક્યારે ઓળંગાઈ જાય એ કહેવાય નહી .

ઉમંગીએ આજે ઘણા વર્ષે એ જરાક ઘેઘુર થયેલો અવાજ સાંભળ્યો . “કેમ છે ? ખુશ તો રાખે છે ને પેલો ? આજે એ હોસ્ટેલિયા પાસેથી જ તારો નંબર મળ્યો છે . બાકી મજામાં ને ? ” એવા મસ્તીભર્યા સવાલોનો જવાબ હા હા કરતા આપવામાં એ ખુશ છે કે નહી એ પૂછવાનું જ રહી ગયું એવું વિચારતી ઉમંગીને લાગ્યું કે કોઈ પણ સંજોગોમાં આપેલો એક પ્રમાણિક અભિપ્રાય એક આખી જિંદગી યાદ રહી જાય છે .

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

14 responses »

  1. Suraj Lokhil says:

    સુંદર રજુઆત
    નિર્ભયા નામ રાખૉ વાર્તા નુ
    આમા મને તમારૉ આત્મવિશ્વાસ દેખાયૉ

  2. નિવાબેન એક ઉત્તમ મનોવજ્ઞાનિક કૃતિ. ખૂબ સરસ.

  3. પ્રેમ અને નફરત વચ્ચેની એક સાવ નાજૂક રેખા હોય છે . ક્યારે ઓળંગાઈ જાય એ કહેવાય નહી ……………….. કોઈ પણ સંજોગોમાં આપેલો એક પ્રમાણિક અભિપ્રાય એક આખી જિંદગી યાદ રહી જાય છે .

    aa be vakya ma aakhi varta nu hard avi jay che…. baki aa vartaa kadahch ghatna che.. evu lage che…

  4. Ashish Gajjar says:

    સમયનાં અભાવને અવગણીને આજે કેટલાય સમય બાદ આમ આખી વાર્તા ધ્યાનથી વાંચી…
    —સરસ વાત જેવી વાર્તા…

  5. dee35(USA) says:

    પ્રેમ અને નફરતની રેખા ઓળંગી ગયા પછી શું? અબ પસ્તાયે હોત ક્યા જબ ચીડીયા ઉડગઈ!
    બહુ સરસ વાર્તા.આભાર.

  6. NAREN says:

    ખુબ સુંદર

  7. Waaah… khub saras vaarta….

Leave a comment