આજે વેલેન્ટાઈન ડેનાં દિવસે મારી પુખ્ત પ્રેમકથાને મારી સખી તરફથી સુંદર પ્રતિભાવ મળ્યો છે. 😍😘 મારા મનની ઉથલપાથલ ઘણી સરસ રીતે ભાવિશાબેને પકડી છે.
કોઈ પણ પાત્ર ઉપસાવવા માટે એ પાત્રને શ્વસવુ પડે છે. અને મેં કોઈ વાર્તા શિબિર એટેન્ડ કરી નથી કે વાર્તા લેખનની તાલીમ લીધી નથી એટલે જેમ જેમ આવતું ગયું તેમ તેમ લખાતું ગયું. લેખક બનવાની વાત તો દૂર અમદાવાદમાં નોકરી વગર ખાલી પડેલા મનને વ્યસ્ત રાખવાનો એક યત્ન હતો… કે લખતાં રહેવું!… આજ સુધી મેં કોઈ પણ છાપાં કે મેગેઝીનમાં વાર્તા મોકલી નથી… કારણ કે મને ખબર છે કે હું લેખક નથી. 😊
મારા સ્નેહીઓ મને વાંચે અને સમજે છે એ મારી સમૃધ્ધિ છે. ખુબ ખુબ આભાર સખી. 😍😊🙏
******
લગભગ દોઢ વર્ષ પહેલાં એક નવલકથાનો રીવ્યૂ લખેલો.
મને જે બરાબર ઓળખે છે તેઓ જાણે જ છે કે હું મારા કામ કરતી વખતે અંગત સંબંધ ને ક્યારે પણ વચ્ચે લાવતી નથી .મને જે લાગે તેવું જ સ્પષ્ટ લખવાની પહેલેથી આદત છે. જેને કારણે ઘણા લેખક મિત્રો કે જેઓ તેમની તેમની કૃતિના માત્ર હકારાત્મક રિવ્યુ ની અપેક્ષા રાખતા હતા તેઓને થોડું માઠું લાગેલું એટલે જ પછી રિવ્યુ લખવાનું બંધ કરેલું અને નવલકથાઓ વાંચવાનું પણ ઓછું કરેલું. હવે હું સિલેક્ટેડ લેખકોની જ નવલકથાઓ વાંચુ છું.
“અવઢવ” ઘણાં સમયથી વાંચવાની ઈચ્છા હતી.પણ આજે મધુની પોસ્ટ વાચ્યા પછી વાંચી જ લીધી.ને મારી આદત મુજબ એક જ બેઠકે પૂરી વાંચી.
કોઈ પણ નવલકથા દરેક જનરેશનના વાંચકને સજજડ પણે જકડી રાખે તે લેખકની ખૂબી કહેવાય.
‘અવઢવ’ની કથા તેના મુખ્ય પાત્રો ત્વરા,નૈતિક,પ્રેરણા અને પ્રેરકની આસપાસ ઘૂમે છે જે ચાલીસી વટાવી ગયેલા લગભગ દરેક વાંચકને પોતાની જ જીવની હોય એવો અહેસાસ કરાવે છે.સાથે અનુષ્કા અને પ્રાપ્તિના પાત્રો દ્વારા આજની પેઢીને પણ આ લઘુનવલ અંત સુધી વાંચવા મજબૂર કરી દે તેવું આલેખન કર્યું છે.
વર્ષો પહેલાં એકબીજા માટે અવ્યક્ત રહેલી લાગણીઓને મનમાં જ ધરબીને ત્વરા અને નૈતિક અન્ય પાત્રો પ્રેરક અને પ્રેરણા સાથે પરણી જાય છે.વર્ષો બાદ સોશીયલ મીડીયા પર બન્ને એકબીજાને મળે છે અને ફરી એકવાર શરૂ થાય છે લાગણીઓના પ્રવાહને વ્યક્ત કરવાની ‘અવઢવ’.
કેમ્પમાં બનેલા દોસ્તને નામ વગર પત્ર વ્યવહાર ની છૂટ આપતા ત્વરાના માતા પિતા જ્યારે એમ કહે છે કે પર ન્યાત માં પરણીને મારી દીકરી અમારું નાક કાપે એવી નથી ત્યારે આજની પેઢીને એમાં ચોક્કસ વિરોધાભાસ દેખાશે.પણ એ સમયે માબાપ એવી જ દંભી માનસિકતા ધરાવતા હતા.ને એ માનસિકતાએ લાખો યુવાન હૈયાઓની લાગણીઓને તહસ નહસ કરી નાખી હતી.જેની સાક્ષી પૂરશે આજે ચાલીસી વટાવી ગયેલા અઢળક લોકો! લેખિકાએ એ દંભી માનસિકતા ને સુંદર રીતે સચોટ પણે રજૂ કરી છે.
ત્વરાના ઓછા બોલા પાત્ર દ્વારા એ સમયે કરાતા દીકરીઓના ઉછેરનો આડકતરી રીતે અસરકારક ઉલ્લેખ કર્યો છે.
પણ આ આખી કથામાં પ્રેરકનું પાત્ર અવાસ્તવિક લાગ્યું .
પોતાની પત્નીને આટલી સ્પેસ હજુ આજના પતિઓ પણ આપી શકતા નથી ત્યારે વીસ બાવીસ વર્ષ પહેલાં આટલો નિખાલસ,પરિપકવ અને સમજદાર પુરુષ એક સ્વપ્નવત બાબત જ લાગે.પ્રેરકની પરિપકવતા અને તેની અને ત્વરાની આપસી સમજને કારણે તથા પ્રેરક પરત્વેના આદરને કારણે ત્વરા પોતે એવી ‘અવઢવ’માં મુકાય છે કે નૈતિકને ચાહે છે તે ખુદને ય કહેવા તૈયાર નથી.લેખિકાએ પણ એ સ્પષ્ટ નથી કર્યું.(ત્યાં ય ‘અવઢવ’)
પ્રેરણા નું પાત્ર વાસ્તવિક લાગ્યું.તેને હજુ વધારે વિસ્તારી શકાયું હોત.
આખી કથા એક ભાવવાહી પ્રવાહમાં વહી જાય છે .સામાન્ય લાગતા વિષય પર અંત સુધી જકડી રાખે તેવી શૈલીમાં લખાયેલી છે “અવઢવ”
લેખિકાએ અંત પણ ‘અવઢવ’માં રાખ્યો છે.
પ્રેરણા અમદાવાદ આવશે પછી શું બની શકે તે વાંચકો પર છોડીને વાંચકોને ય ‘અવઢવ’ માં મૂકી દીધા.
કેટલાક ડાયલોગ હૃદયને સ્પર્શી ગયા.
‘સંબંધનો અર્થ જોડણીકોશ માં સાવ અલગ હોય છે અને જીવન કોષમાં સાવ અલગ.કારણ…સંબંધ લખવાના કે વાંચવાના નહિ જીવવાના હોય છે.’
‘દરેક વ્યક્તિ ની અંદર એક બીજો “સ્વ” રેહતો હોય છે. જે લોકોથી, દુનિયાથી એકદમ ખાનગી હોય છે.
પોતીકો… સાવ અંગત… અંગત….’
‘પ્રેમ હોય, નફરત હોય કે ક્ષમતા હોય… જ્યારે આપણે કશુંક સાબિત કરવા લાગી પડીએ છીએ ત્યારે સાબૂત નથી રહેવાતું. …કશુંક કોઈક ખૂણે વિખેરાતું, વલોવાતું કે તૂટતું હોય છે…..બહુ સૂક્ષ્મ રીતે…સાબિત કરવું પડે એ સંજોગો જ મારકણા હોય છે..’
ભારેખમ હૈયાઓની સૂક્ષ્મ લાગણીઓને ભાવવાહી શૈલીમાં રજૂ કરતી આ લઘુ નવલકથા મનને સ્પર્શી ગઈ.
— Bhavissha Shah Achiever 😊