અવઢવ.. મિત્રો વાંચે છે અને પ્રતિભાવ આપે છે ત્યારે મારી સાવ શાંત પડી ગયેલી કલમ થોડો સળવળાટ કરે છે. ઘણા દિવસો પછી ફરી એક વાર એક સુંદર પ્રતિભાવ આવ્યો છે. ખીમાનંદભાઈ એક લાગણીશીલ માણસ છે એ તો આપણે બધાએ અનુભવ્યું હશે. મારામાં એમને એમનાં એક શિક્ષક ભાનુબેન દેખાય છે એટલે એમનો અહોભાવ પણ મારા સુધી પહોંચે છે. એક શિક્ષકની આ ઉપલબ્ધિ ગણાય 😍
*******
આરંભે જ એક કબુલાત
અવઢવ વિશે હું અંધારામાં હતો.
મને એમ કે એ નિવારોઝીનબેનની ફેસબુકની પોસ્ટમાંથી થોડીક વિણેલી પોસ્ટનુ સંપાદન હશે.
પણ આ તો એક એવી કથા નીકળી જે રીતસર કથા પ્રવાહ માં ખેંચી જાય. પુસ્તક વાંચન લગભગ ઘણા સમય થી છુટી ગયું છે. પ્રેમ કથાના પાત્રો મોટાભાગે મુગ્ધ વયના જ હોય એવા નિયમ થી જુદો ચીલો ચાતરતી કાજલ ઓઝા વૈદ્ય લિખીત એક સાંજને સરનામે પછી મેં વાંચેલી આ કથા વાસ્તવિકતાની ખુબ નજીક છે. લેખીકા કહે છે એમ મેચ્યોર માણસ એ કથાના એકાદ પાત્રમાં પોતાને અનુભવે. પાત્રો ય કયાં વધુ છે ? બે યુગલ નૈતિક પ્રેરણા અને ત્વરા પ્રેરક અને એમના સંતાનો એ સિવાય નેન્સી અને તૃષા. લેખનમા કયાંય આછકલાઇ પણ નહી આદર્શ કે ઉપદેશાત્મક વાત પણ નહિ.
કથાનુ શિર્ષક ‘અવઢવ’ ઉત્તમ જ છે
નવા ટ્રેન્ડ મુજબ કૌંસ માં લખી શકાય (લાગણીઓ અને જવાબદારીઓનું દ્વંદ).
પુસ્તકના આરંભે લેખિકાએ ઋણાનુબંધન અને અવઢવમાં પોતાના મનની વાત કહી છે.
લક્ષ્મીબેન ડોબરિયા એક ઉત્તમ કામ કર્યું. કથામાંથી જે અવતરણો ટાંકયા છે એ તો ઉત્તમ છે જ આશિષભાઈ ખારોડ પણ જાણે કે ઝાંપલીએ આવી હાથ ઝાલીને વાચકને અંદર દોરી જાય.
મે આ કથા દોઢ વખત વાંચી.
જી હા,એક વખત છ પ્રકરણ વાંચ્યા વચ્ચે ત્રણ ચાર દિવસનો વિરામ આવ્યો ફરી શરૂ કરી ત્યારે સાતમા પ્રકરણના થોડાંક પાનાઓ વાંચીને પહેલેથી નવેસરથી શરૂ કરી હજુ એકાદ વાર વાંચીશ મારે માટે કથા ભલે જાણીતી થઇ ગઇ પણ અંદરના જે અવતરણો છે એ એકલાં વાંચવા કરતાં ઘટના સાથે વાંચવા વધુ અસરકારક લાગે છે.જે અઢળક સંખ્યામાં છે જેમાંથી માત્ર એક અવતરણ લખવાની લાલચ નથી છોડી શકતો.
“આમ પણ પુરુષો ભલે કહે કે સ્ત્રી લાગણીઓ કાબૂમાં નથી રાખી શકતી, પણ સત્ય એ છે કે પોતાની લાગણીઓને દબાવી રાખી આજુબાજુ રહેલા લોકોને ખુશ કરવાની કળા સ્ત્રીને મહારથ હાંસિલ હોય છે.”
હુ ઉમેરીશ કે પ્રણયમા ઉન્માદ બંને પક્ષે હોય છે પણ મહિલાનો ઉન્માદ to the point હોય છે. ખાસ અંગત સખી સિવાય વાત નહીં કરે ગમે તેને એ કળાવા ન દયે જયારે પુરુષ કદાચ પ્રેમમાં વધુ વાચાળ થઇ જતો હોય છે.
આમ પણ કળા મોર કરે છે (ઢેલ નહીં) જે ટહુકે છે તે કોયલ માદા નહીં પણ નર હોય છે.
હા મહિલા માટે પ્રેમમાં નિષ્ફ્ળતા માં જાતને જીરવવી ખુબ મુશ્કેલ હોય છે.
મુખ્ય વાત
માણસ સહજ ભાવે તાળી કયારે પાડે જ્યારે પોતાને ગમતું કંઇક જુએ કે ભાળે કે અનુભવે .
એક પુસ્તક જુદા જુદા વાચકોને આપીને પેન્સીલ થી અંડર લાઇન કરવાની છુટ આપો તો કેટલાકના અંડર લાઇન સમાન હશે અમુકના અલગ અલગ જે દર્શાવે છે કોને શું સ્પર્શ્યું ?
શા માટે સ્પર્શ્યું એ જ કદાચ આ કથાની આત્મા છે હૃદય છે.
અમૃત ઘાયલના એક શેર સાથે સમાપન
ખોટી તો ખોટી હૈયા ધારણ મને ગમે છે
એ જળ હોય ઝાંઝવાના તો પણ મને ગમે છે
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
— Khimanand Ram 😊