
અચાનક એક દિવસ મેસેજ આવ્યો કે ‘અવઢવ’ વાંચું છું. સંવાદો ઓછા છે એવું લાગે છે. એક નાટ્યકર્મી મિત્ર તરફથી આવેલી ટકોર ખૂબ ગમી. મેં એમને હજુ કોઈ સુધારા હોય તોય જણાવવા કીધું. આજકાલ કંઇ લખાતું નથી પણ તોય… એમણે આખી વાંચી અને એવું પણ કહ્યું કે નાટક કે ફિલ્મ બની શકે એવી વાર્તા છે. 😍 નાટક કે ફિલ્મ ન બને તોય એક લેખક ન હોય એવી વ્યક્તિનાં લખાણને આથી વિશેષ શું જોઈએ?!
એમણે અમોલ પ્રકાશનનો સંપર્ક કરી ‘અવઢવ’ મંગાવી હતી… 🙏🏾💐
લગ્નજીવનમાં ગેરસમજણ પ્રેમના અભાવે નહીં, પણ ખુલ્લા મને થતી વાતચીતના અભાવે, મૈત્રીના અભાવે સર્જાતી હોય છે. “મોં ખોલો” એમ કહેતાં જ એ યુવતીએ ચહેરો ઊંચો કર્યો… નૈતિક ચિબુક પકડીને એના મોંમાં દવાના સફેદ દાણા સરકાવી દીધા. પછી “I am sorry” પણ કહી દીધું.
કથાની ‘અવઢવ’ ને વિકસવા માટેના બીજ આ બન્ને અવતરણોમાં સમાઈ જતા હોય એવું લાગે છે. પુરુષ શાલિન અને સંવેદનશીલ હોય એટલે નિર્દોષ હોય એ જરૂરી નથી. નૈતિકનો મૂળ ભાવ પૂર્વ પ્રેમિકા સાથે ફરી પ્રણયલીલા રચવા માટે છાનેછપને ઉત્સૂક હોય એ બનવાજોગ છે… અને એની બેચેની ગુનાખોરીમાંથી નહિ પણ સહજ રીતે છટકી ગયેલી તકને ન ઝડપી શક્યાના વસવસામાંથી જન્મેલી હોવાથી એને સંસ્કારીતાનો ઢાંચો જરૂર મળ્યો છે. આમ એ પાકટ ઉંમરે પહોંચેલો ને ખુશખુશાલ દામ્પત્ય જીવન માણી રહેલો પુરુષ છે જે કોઈ પણ ગાંડુંઘેલું તોફાન તો ન જ કરે, પણ… જો ત્વરા તરફથી સાનુકૂળ પડઘો પડે તો કદાચ પાછી પાની પણ ન કરે એવું સ્પષ્ટ જણાય છે.
ત્વરા ખરેખર પરિપક્વ છે આ સહુમાં. અને આપણા સમાજના માળખાની સલામતી આવી ત્વરાઓના જ હાથમાં છે. ત્વરાએ નૈતિકને ના તો નહોતી પાડી પણ બહુ ઘેલી થઈને વળગી પણ નહોતી પડી. મમ્મીના એક જ ઈશારામાં રૂઢિચુસ્ત જીવનને માટે આટલી સરસ રીતે હકારાત્મક અભિગમ કેળવી શકે તેવી સ્ત્રી કદાચ લેખિકાનો આદર્શ પણ દર્શાવે છે. પ્રેરણા પણ મજાની છે. વાસ્તવવાદી છે. જોખમ ન જ ઉઠાવે કોઈ ગૃહિણી એ કાયદો બરાબર ઘોળીને પીધો છે એણે. શું કામ પોતાની સરસ મજાના સંસારના માળાને કોઈ ભૂતકાળની ઠાલી પ્રેમકથાને માટે ભોગ ચડવા દે? ન જ થવા દે એવો વિનાશ. એને લગતી ગંધ એને તૃષાએ વર્ષો પહેલાં પીરસેલી હતી… પણ સ્ત્રી એક આ બાબતમાં પોતાની પકડ સહેજ પણ ઢીલી ન થાય એને માટે જીવે ત્યાં સુધી જદે ચડી શકે છે. આમ પ્રેરણાનું સરસ પાત્રાલેખન થયું છે. તો પ્રેરક જે રીતે પ્રથમ પ્રેમમાં ‘ટાઈમ પાસ’ શબ્દથી કારમી પછડાટ ખાધેલો છે એ દૂધનો દાઝેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવા જેવો વ્યવહાર ત્વરા સાથેના લગ્નજીવનમાં લાવ્યો હોય એવું લાગે છે. એની છેલ્લી લાંબી એકોક્તિમાં જે ઝીણી ઝીણી છણાવટ કરી છે ત્યાં નીવાબહેનની પુરુષ વિશેની આદર્શ સ્થિતિ કદાચ સ્પષ્ટ થતી હોય એવું લાગે છે. પ્રાપ્તિ-ફેસબુકના પોસ્ટ વખતે- અને વૈષ્ણવીની પાસે – ભાઈના કમળાને લીધે ખોવાયેલી સ્થિતિમાં- અને પ્રેરણાને નૈતિકને જ્યારે હ્રદય ભેદી સૂચન કર્યું તે વખતે કથા ભારે રોચક બને છે. વળી બાકીનું સચોટ રીતે કથાનકને વેગ આપવાનું કામ તૃષા દ્વારા પ્રેરણાને ઠપકો અપાવવાથી આટોપીને નીવાબહેને જમાવટ કરી દીધી. છેલ્લે, અવઢવ રજૂ કરતા પ્રશ્નો વાચકોને જ પૂછીને અવઢવ ભાગ-૨ લખવાની ય જાણે મંજુરી માગી લીધી. 😊😊😊
Kalapi Dholakia