મયુરીની કચકચ આજે પણ ચાલુ જ હતી.ઈશાન પાસે એનાં સવાલોનાં જવાબ પણ કયાં હતા! “વીક એન્ડ એટલે આપણું ઘર અનાથાશ્રમ બની જાય. હું જોબ નથી કરતી એનો અર્થ તમે એ કરો છો કે મને વેકેશન કે આરામ ન જોઈએ?” મળતાવડા ઈશાનને પણ સમજ પડતી હતી કે હવે એક નાનકડું વેકેશન પોતે લેવું જોઈશે. બધા મિત્રદંપતીઓનાં બાળકો માટે આ ઘર એટલે મોકળાશ હતી.
“હું તો તમારી સાથે વેકેશનમાં પણ આવીશ” ખુશ્બુ બીજા બાળકો સામે કયારેક જીદ્દી પણ લાગતી. કોઈનાં ઘરે તો એ જશે જ નહી એ ખાતરી હતી. અંતે મયુરીની સખી શીલા એના પતિ સાથે રહેવા આવે એવી યોજના પછી બંને ખુશીથી વેકેશન માટે નીકળી શક્યા. ‘એ અંકલ મને નથી ગમતા’ની રોકકળ તો નાટકનાં નામે કયાંય દબાઈ ગઈ હતી.
અચાનક થયેલી વાવાઝોડાની આગાહીએ વેકેશન સંકોરી નાખ્યું. મયુરી આખા રસ્તે નારાજ રહી. પહોંચતા જ ભટકાતા દરવાજા જોઈ બંનેનાં એક આશંકા ઘેરી વળી. ઇશાન દોડી ગયો.
ઈશાન રુમની બહાર આવ્યો ત્યારે આઘાતથી ગાંડા જેવો થઈ ગયેલો.. સ્તબ્ધ મયુરી અને જોબ પરથી આવેલ શીલા પોક મૂકીને રડી પડ્યા. દગો તો બેય સાથે થયો હતો ને… એકની છઠ્ઠી ઈન્દ્રીયે કર્યો તો બીજીનાં પતિ પરનાં અતિ ભરોસાએ!
ફકત અઠવાડિયામાં છાપા અને ન્યુઝ ચેનલોએ ન્યાયતંત્રની ઝડપી કામગીરીને બીરદાવી અને ખુશ્બુની ઉદાસ ખુશ્બુ આખા ઘરમાં ફરી વળી.
— નીવારોઝીન રાજકુમાર