બાલ્કનીનાં પતરાંએ કાનોમાં અને માટીની ભીની મીઠી મહેંકે નસકોરામાં અડપલાં આદર્યા.
સડસડાટ બારી પાસે જઈ ઉભેલી શ્રેયાને જૂટનાં પડદામાંથી પણ સુગંધ આવી.
શ્રેયા અને અંગદ એટલે સૌદર્ય અને ઐશ્વર્યનો અભૂતપૂર્વ સમન્વય.
અચાનક એની નજર ફલાયઓવર નીચે ચાનાં કપમાં બે ભુંગળી ડૂબાડી ખડખડાટ હસતા એ ચહેરાઓ પર પડી. એક ઉદાસી પહોળું સ્મિત બની હોઠો પર ફેલાઈ ગઈ.
“પ્રેમ એટલે તારી સાથે પીવાતી ચામાં પડેલું વરસાદનું પહેલું ટીપું”. છ વર્ષ પછી કાનોમાં એ અવાજ ફરી ગુંજ્યો.
“વાહ, તું અને કવિતા?” શ્રેયા નવેસરથી રોહનનાં પ્રેમમાં પડી હતી.
“લગ્ન પછી પહેલો વરસાદ પડે એટલે આપણે બેય તરબતર પલળશું. બિમારી પ્રેમીઓથી જોજનો દૂર રહે છે એની તને ખબર છે? ” બેય હાથ પહોળા કરી રોહન પાણીનાં ફોરાને ઝીલતો રહ્યો.
“યેસ,આખુંય વર્ષ એની ભીનાશ આપણને તરોતાજા રાખશે” હિંમત કરી શ્રેયા ભીંજાતી રહી.
પાણી ઝીલવા બહાર હાથ લંબાવ્યો ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી.
“ગીઝર ચાલુ કર અને પાણીમાં ડેટોલ નાખ. બે ટીપા વરસ્યા નથીને ગંદકી ફેલાઈ નથી. માણસ બિમાર ન પડે તો જ નવાઈ.” હાથ, પગ, કપડાં ખંખેરતો અંગદ બોલતો જ રહ્યો . બાથરૂમમાં શ્રેયા ગીઝરમાંથી નીકળતી વરાળ જોઈ રહી. પછી ફટાફટ નળ થોડો મોકળો કરી દીધો. હવે પાણી હુંફાળુ હતું. ગરમ કે ઠંડુ નહી.
હવાબારીમાંથી દિવાલ પર સરકી રહેલું ઠંડુગાર ટીપું શ્રેયાએ અચાનક ઝીલી લીધું અને આંખોએ પાછું પી લીધું.
— નીવારોઝીન રાજકુમાર