જોરજોરથી ઉલ્ટી કરી નયના હાંફતી બાથરુમ બહાર નીકળી. “ત્રણેક મહિના સુધી ઘણાની હેલ આવી હોય પણ ઘરબાર રેઢા મૂકી આમ આટલું જલ્દી પિયર સુવાવડ કરવા ન જવાય” પડોશી રમીલાબેને એની પીઠ પર હાથ પસવારી લિંબુ પાણીનો પ્યાલો પકડાવ્યો. થાકેલી આભારવશ આંખે એ તાકી રહી.
“કયારે બંધ થશે તારા આ નાટક?” રમીલાબેન દરવાજો ખેંચી ગયા કે કેતને સખત ચીડથી પૂછ્યું.
“શાનાં નાટક ! અને હું નાટક કરું છું?” એ તોછડા સ્વરે તાડૂકી.
“મોઢામાં આંગળા નાખી ખાધેલું ઓકી નાખવાનો મનેય કોઈ શોખ નથી.”
કોમ્પ્યુટર સામે બેસી એક મેઈલની પ્રિન્ટઆઉટ કાઢી એણે કેતનને થમાવી.
.”એની ડીલીવરી ન થાય ત્યાં સુધી મારે ત્યાં જ રહેવું પડશે અને…” અધુરા વાક્યની એ ધાર કેતનને વિંધી ગઈ અને બંનેની નજર સામે કેતનનાં મેડિકલ રિપોર્ટસ તરવરી ઉઠ્યા.
થોડી વાર પછી મેઈક માય ટ્રીપમાં બે ટીકીટ બૂક થઈ ગઈ. છેક વારાણસીનાં આશ્રમની.