ઊંઘરેંટી આંખે બારીમાંથી બહાર જોયું. એ સાચું હતું કે સ્વપ્ન? એક તરંગી વિચાર ઉપસી આવ્યો. એક મોટી આળસ મરડી અને વિચાર્યું ‘આજે ઉજાસભર્યો દિવસ છે પણ ધોધમાર વરસાદ આવે તો?’ આંખો બંધ કરી પડ્યો રહ્યો. અભાવોભરી જિંદગી બદલ ભગવાન સાથેની તમામ દલીલો એને યાદ આવી.
અચંબાથી એ ઊભો થઈ ગયો. બહાર અચાનક વાદળોનો ગડગડાટ શરૂ થયો હતો. ‘ઓ માય ગોડ, આજે હું ભગવાન!.’
બે બે પગથિયા ટપતો, ઉતરતો એ લકવાગ્રસ્ત દાદાના રૂમ તરફ ઘસી ગયો. જો કે ઉપર બેઠા એ દાદાને બેઠા કરી શક્યો હોત. ‘ઓહ’, ‘હવે ભગવાન તું આમને લઈ લે. નથી મારાથી જોવાતું કે નથી સેવા થતી.’ દાદીનું મન વાંચતા એ ચકિત થઈ ગયો. દેવામાં ડૂબેલા પપ્પા અને ઘરમાં મરણ થાય તો બહેનનું લેવાયેલું લગ્ન અટકી જશે એવી ચિંતા કરતી મમ્મી બધાનાં વિચારો ટકરાતા હતાં.
‘ભગવાન તરીકે હું શું કરું?’ વિચારતો એ પોતું મારતી કામવાળી તરફ જોઈ રહ્યો.’ આવા બધા લોકોને અમીર બનાવી દઉં? પણ તો મમ્મીને મદદ કોણ કરશે?’ ગૂંચ વધી રહી હતી. #નીવારોઝીન #રાજકુમાર
નાસ્તાની પ્લેટમાં રોજ નવી વાનગી હોવી જોઈએ એવું વિચાર્યું. ‘આ ખાખરાને કારણે કોઈને જીમમાં નથી જવું પડતું.’ મમ્મીનો અવાજ કાને પડ્યો.આર્થિક સંકડામણ સામે કેવું આશ્વાસન!
કમનીય નયના યાદ આવી અને લગ્ન કરવાની ઉતાવળ, ઉત્તેજના સાથે નિરાશા વ્યાપી ગઈ. સાવ ધૂળ જેવી નોકરી એને લાયક મૂરતિયો ક્યાં બનવા દે છે! બાકી માબાપને મનાવી ન લઉં! પણ આ શું? તત્કાળ લગ્ન માટે દબાણ કરતી નયના તો અન્યથી ગર્ભવતી છે!
ભગવાન બનીને દેશ અને દુનિયામાં ઝપાટાબંધ સુધારો લાવવા તડપતો આદર્શ આજે એનાં પોતાનાં ઘરની અને જીવનની સ્થિતિ જોઈ સૂન્ન હતો. એની આજુબાજુ રહેલા બધાં જ લોકોનાં વર્તન અને સંજોગો સમજી રહ્યો હતો. સાચે જ ઈશ્વર બની કોઈનો ન્યાય કરવાનો નિર્ણય ખરેખર આકરો લાગ્યો.
આમ તો હતાશા, નિરાશા,આશા, ઉત્સાહ જેવી બધી જ લાગણીઓનાં ઝંઝાવાત વચ્ચે એક આખો દિવસ વીતી જશે.
મોડી રાતે ઈશ્વર પાસે કબૂલ કરવું કે ઈશ્વર બનવું આકરું અને અઘરું છે કે પછી બચેલા સમયમાં સાચે જ ઈશ્વર બની નિર્ણયો લઈ લેવા?
એણે એની ઈચ્છાઓની યાદી બનાવી દિવાલ ઘડિયાળ સામે સજળ આંખે જોયું. મોટો કાંટો નાના કાંટાને ભેટવા ઘસી રહ્યો હતો.
— નીવારોઝીન રાજકુમાર