3 જૂને સાઉથથી મુંબઈની મુસાફરી  દરમ્યાન 59  વર્ષનાં પ્રેમા અક્કા સાથે વાત કરી રહી હતી. મારા માટે કોઈ કિન્નર સાથે વાત કરવાનો આ પહેલો અનુભવ હતો. પણ એ ખૂબ જ પ્રેમાળ અને વાચાળ હતા એટલે એમની દુનિયાના મેં એક નાનકડું ડોકિયું કરી લીધું.

☺️

પ્રેમા અક્કા પુરુષનાં શરીરમાં સ્ત્રી રૂપે વિકસી રહ્યા હતા. ધીમે ધીમે એમની શારીરિક અવઢવ અને વિડંબણા બહાર આવતી ગઈ તેમ તેમ ઘરમાં એમની સાથે અલગ અલગ રીતે વ્યવહાર થવો શરૂ થયો. છોકરીઓથી ઘેરાયેલા રહેવું, એમની સાથે જ રમવું અને સુરક્ષિત અનુભવવું આ બધુ અક્કા માટે સામાન્ય હતું પણ ઘરનાં લોકો માટે અસહ્ય અને અસામાન્ય હતું. પ્રેમથી, સમજાવીને, પટાવીને થાક્યા પછી મારપીટ શરૂ થઈ. ખાવાનું ન આપે, પૂરી રાખે એવું બધુ રોજેરોજ થવાનું શરૂ થયું. અંતે પોતાનાં શારીરિક અને માનસિક પરિતાપથી એ ખુદ ત્રાસી ચૂક્યા હતા. છોકરા જેવું એમને feel થતું જ નહીં. છોકરીનાં કપડાં પહેરવા, લાલી લિપસ્ટિક કરવા એ જ એમને ગમતું. અંતે
10 વર્ષની ઉંમરે બાપનાં સખત મારથી કંટાળી મુંબઈ ભાગી ગયા. અક્કા કહે છે કે હું મુંબઈ રેલવે સ્ટેશન પર ઉતરી ત્યારે આટલા બધા લોકો જોઈને હેબતાઈ ગઈ હતી. નાનકડા ગામમાંથી અચાનક માણસોનો સમુદ્ર! પણ એમનાં સદ્ભાગ્યે કિન્નર સમાજનાં એક સભ્યનાં હાથમાં એ આવી ગયા. અને મંદિરમાં રહેવાનું મળી ગયું. વધુ સદ્ભાગ્ય એટલા માટે કે સુંદર ચહેરો અને પાતળું શરીર હોવા છતાં કોઈ ખોટા હાથમાં કે ખોટી હાલતમાં ન પહોંચ્યા પણ ગુરુ માતાનાં ખાસ બની ગયા. ગુરુ જ્યાં જાય ત્યાં એમની પાછળ જવાનું, એમની ચીજો ઊંચકવાની, સાંભળવાની વગેરે વગેરે જેવા કામ એમને મળી ગયા પણ હવે કોઈ torture ન હતું. એમની સ્થિતિ સમજે એવા લોકો એમને મળી ગયા. તાળી કેવી રીતે પાડવાથી વધુ અવાજ થાય એ શીખવાથી માંડી સ્વાદિષ્ટ રસોઈ બનાવવા સુધી એ નિપુણ બની ગયા.

ગામનાં લોકોની અવરજવર રહેતી એટલે માબાપને ઠેકાણું તો મળી ગયું પણ હજી સ્વીકારવા જેટલો સ્વાભાવિક સમય આવ્યો ન હતો. લગભગ 12 વર્ષ પછી એમનાં બનેવી આવીને મળી ગયા. 22 વર્ષનાં અક્કા એક સામાન્ય, સુંદર યુવતી જેવા લાગતા હતા. અમે એમનો એ સમયનો ફોટો જોયો. 😍 ઘણા સારા features અને સપ્રમાણ બાંધો. 😍

કિન્નર સમાજ સામાન્ય રીતે એક જ વિસ્તારમા પોતાનું રહેઠાણ બનાવે છે. ગુરુમા પોતાનાં ચેલાઓને નાણાંકીય આયોજન ખૂબ સરસ શીખવે છે. ગુરુ માતા સાથે રહીને અક્કાએ પોતાની એક અલગ બચત કરી હતી જે એમનાં પહેરવેશ અને ઘરેણાં પરથી કોઈ પણ સમજી શકે. અમે મળ્યા ત્યારે પણ એમણે 30000 ની તો કડા જેવી પાયલ પહેરી હતી. બનેવી જોઉં ગયા કે બધુ સેટ છે એટલે  ઘરવાળા સાથે મીટિંગ કરી અક્કાને બોલાવ્યા. આવતા જતાં થયા ત્યારે સમજ પડી કે મિલકતમાં ભાગ ન પડાવે એટલે સહી સિક્કા કરાવવા બોલાવતા હતા. 😕

અત્યારે પ્રેમા અક્કા ખુદ 7 ચેલાનાં ગુરુ છે. બચતમાંથી ખરીદેલી  3 ઝૂંપડી બિલ્ડરને વેચી તો ત્રણ રૂમ મળ્યા. 50 50 લાખમાં 2 રૂમ (અહીં ફ્લેટ કે ઘરને રૂમ કહે છે) વેચીને ગામમાં જમીન અને ઘર બનાવ્યા. જેથી સગાઓને સંબંધ રાખવાની થોડી લાલચ રહે. 😣 ઘરેણાં પહેર્યા વગર જાય તો સગા સંબંધી પણ પાણીનો ગ્લાસ આપતા નહોતા.. અહીં એક રૂમ છે જેમાં એ રહે છે. ચેલાઓ અઠવાડીયે 500 /1000 આપી જાય. એમના પછી એમના ચેલા એમની અંતિમ ક્રિયા સારી રીતે કરે એટલે એ રૂમ, પાંચ લાખ રોકડા અને 20 તોલા સોનું રાખવું પડે…કિન્નર ઉમરલાયક હોય તો દફનાવી દે છે અને નાનું મરણ હોય તો અગ્નિસંસ્કાર કરે છે. (રાતે દફનાવી દે છે એ વાત ખોટી છે. અક્કા કહે છે કે અમે પણ ઈન્સાન છીએ ઈજ્જતથી અંતિમ વિધિ થાય છે.)

એમણે એક દીકરીને દત્તક લીધી છે. એનો સંપૂર્ણ ખર્ચો ઉઠાવે છે. એ mature થઈ (પહેલી વાર પિરિયડ આવે ત્યારે સાઉથમાં લગ્ન જેવો પ્રસંગ થાય છે. જમણવાર થાય છે.) ત્યારે ઘણો ખર્ચ કરી લોકોને જમાડ્યા હતા… ભાઈનાં દીકરાને લાખો રૃપિયા ખર્ચીને ભણાવે છે. એમને કોઈ પાસેથી કોઈ અપેક્ષા નથી. સોનાની છ બંગડી ગીરવે મૂકવા ભાઈને આપીને આવ્યા છે. ગામનાં ઘરમાં ગાય છે.. થોડી જમીન પર ખેતી કરાવે છે. ગામ જાય ત્યારે પોતાનાં ઘરમાં જ રહે છે. કોઈ પાસે આજ સુધી એક રૂપિયો માંગ્યો નથી.

અમે સવાલો પર સવાલ કરતાં રહ્યાં અને એમણે દિલ ખોલીને જવાબ આપ્યા. અમે 2 જૂન.. રાજકુમારનો જન્મ દિવસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઉજવ્યો. ઘરેથી લાવેલા કેક બધાને આપ્યો અને બધાએ એમનાં માટે ગીત ગાયું. અમે અક્કા સાથે અમારું જમવાનું શેર કર્યું. અક્કાનું ખૂબ જ ટેસ્ટી ટિફિન અમે ખાધું. 😍 અમારી સાથે રહેલા મુસાફરો પણ એટલું સરસ રીતે ભળી ગયા હતા એટલે અક્કા ખૂબ ખુલી રહ્યા હતા. અમારા પૂછ્યા પહેલા વાતો કરતા રહ્યા.

આ અંગે મેં ફેસબુક પોસ્ટ મૂકી એટલે એક મિત્રે થોડા સવાલો પૂછવા આગ્રહ કર્યો. અક્કા આરામ કરીને ઉઠયા પછી અમે વાતોનો બીજો દોર શરૂ કર્યો.

એમણે કીધું કે અલગ અલગ ગ્રૂપ હોય છે. એ મુજબ નિયમો હોય છે. કિન્નરો પણ ધર્મ બદલે છે.. એટલે એમનું ગ્રુપ પણ બદલાઈ જાય છે.

મેં પૂછયું કે કિન્નર કોની સાથે લગ્ન કરે છે કે માંગ ભરે છે? એમણે કહ્યું કે અમારી શારીરિક સ્થિતિ એવી હોતી જ નથી કે અમે લગ્નને લાયક હોઈએ. શોખ અને ફેશનથી સેંથો પૂરે છે. આ વાત થયા પછી મને સંકોચ થયો કે હું એમને પૂછું કે તમારૂ શારીરિક શોષણ થયું હતું કે નહીં.

એમનાં કહેવા પ્રમાણે આમ તો કોઈ કિન્નર પોતાનાં ગ્રુપ સાથે બળવો કરે જ નહીં પણ તોય જરાક આડું અવળું જાય તો ધોલધપાટ કરી મગજ ઠેકાણે લાવી દઈએ. પણ જો વાત વધી જાય તો 25 પૈસાનો સિક્કો ગરમ કરી એનાં કપાળ પર ડામ આપી દેવાય છે… જે તે વિસ્તારમાં કોઈ બીજી ગેંગ એમનો સ્વીકાર કરે એ અશકય છે. ગદ્દાર છે એ એનાં કપાળ પર છપાઈ જાય છે. મુંબઇ વિસ્તારમાં આવું બન્યું હોય તો તરત ખબર મળી જાય છે કે કોણ ક્યાં ગયું છે. અંતે દિલ્હી બાજુ જાય તો કદાચ ઠેકાણે પડે પણ આવી સ્થિતિ સામાન્ય રીતે ઉભી થતી નથી. પરિવારથી દૂર પરિવાર મળે તો સમાધાન કરીને પણ લોકો જળવાઈ રહે છે. સંપથી રહે છે.

અક્કાનું મુખ્ય કામ ઢોલ વગાડવાનું છે. બાળક જન્મે ત્યારે 31000 થી બોલી શરૂ થાય છે. અને જે રકમ મળે એમાં મોટો હિસ્સો ગુરુનો હોય છે પણ એ રકમ ગુરુમા પોતાનાં શિષ્યો માટે ખર્ચી નાખે છે. અક્કા 50 કિલો નાની ડૂંગળી લઈ આવ્યા હતા. બે દિવસમાં બધા શિષ્યો અમારી માટે શું લાવ્યા એમ પૂછતાં આવી જશે અને બઘુ અઠવાડીયામાં ખતમ થઈ જશે. ❤️ કુટુંબની ભાવના ઘણી પ્રબળ હોય છે.

કહે છે કે વગર માંગે જો એમનાં આશિર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય છે. રાજકુમારનાં જન્મદિવસનાં ગીત વખતે એમણે દૂર બેસી દુખણાં લીધા હતા. અમારા બાળકોનાં ફોટા જોઈને એમને પણ આશીર્વાદ આપ્યા. મારી દીકરી દીકરાની મા બનશે એવું કીધું અને દીકરો પૈસા કમાશે એવું કીધું. ☺️

અમારું સ્ટેશન નજીક આવ્યું એટલે અમે અમુક રકમ એમનાં હાથમાં મૂકી… એમણે જરાક ખચકાઈ એનો સ્વીકાર કર્યો. પછી આશીર્વાદ આપ્યા અને બે મિનિટ કંઈક વિચારી એક ચોળાયેલી નોટ મૂઠીમાં ભરી રાજકુમારને આપી દીધી. અમે એમ જ મૂકી દીધી. આગળ દરવાજા પાસે ઉભેલી એક વ્યક્તિએ કહ્યું કે દસ હોય કે સો આ રકમ વાપરતા નહીં. તમારા પર્સ કે કબાટમાં રાખજો. બરકત આવશે.

આ બધી માન્યતાઓ સાચી છે કે નહીં એ ખબર નથી. શકય છે જે વ્યક્તિ ઈશ્વર, દુનિયા અને પોતાનાં શરીરથી નાખુશ, નિરાશ હોય એ ખુશીથી કંઈક આપે તો એ ઉગી નીકળતું હોય. ☺️

પણ અમે તો જાણે સાવ અજાણી દુનિયામાં ફરી આવ્યા હોઈએ એવું લાગ્યું. ફોન નંબરની આપલે કરી હતી એટલે હજી એમનાં audio msg આવ્યા કરે છે. દરેક વખતે શુભેચ્છા પાઠવતા રહે છે. એમનું સરનામું અમારી પાસે છે એટલે મુલાકાત પણ સંભવ છે.

ઈશ્વર એમને ખુશ રાખે. 😍

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

4 responses »

 1. Haren Astik says:

  અક્કા અને તેમની સાથેની તમારી મુલાકાત વિશે જાણી ખુબ ખુશી થઈ. તેમને ઈશ્વરે કઈંક અલગ બનાવ્યા છે તેમાં તેમનો દોષ નથી હોતો છતાં પણ પરિવારના લોકો અને સમાજ એમને સાહજિક રીતે અપનાવી/નિભાવી નથી શકતો એ એક બહુ મોટી વિડંબના છે તેમને માટે. પણ તેમની દુનિયા કઈંક આગવી અને અનેરી હોય છે.

  વગર માંગે જો એમનાં આશિર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય છે તે સાચું છે પણ એ ખરા અર્થમાં કિન્નર હોવા જોઈએ. પણ આજકાલ ઘણા લેભાગુ બેકાર લોગો કિન્નરનો વેશ કાઢીને પબ્લિકને હેરાન કરે છે તે પણ એટલું જ સાચું છે.

  આવા જ એક ખરા કિન્નર “બાબુ” વિશે તમને જણાવું કે જેમનો મને ખુબ જ સારો અનુભવ રહ્યો છે. આ 1981માં હું મારા ભાઈ સાથે બિઝનેસમાં જોડાયો ત્યારે અમારી મસ્જિદ બંદરની ઓફિસમાં એક દિવસ અચાનક આ બાબુભાઇ કે બહેન જે કહો તે અમારી ઓફિસમાં તેમના સાત આઠ શિષ્યો સાથે ચઢી આવ્યા. તે વખતે નવરાત્રી શરુ થવાને લગભગ અઠવાડિયાની વાર હતી. પહેલા તો અમને જીઝક થઇ, ના ગમ્યું પણ આવીને સામેની ખુરશી પર બેસી ગયા અને કહ્યું કે પાણી પીવડાવ. તેમને પાણી પીવડાવ્યું. પછી કહે હવે ચા પીવડાવ એટલે બધાને ચા પીવડાવી. પછી એક બુક કાઢીને કહ્યું કે નવરાત્રીની પૂજા માટે આમાં ફાળો લખાવ તો મને ભાઈએ કહ્યું કે 101 આપી દે. તેમણે 101 ના લીધા અને કહ્યું કે 501 આપો. હવે તે વખતે 501 એટલે ઘણા કહેવાય એટલે થોડી રકજક થઇ ત્યાં એક બીજા મિત્ર ઓફિસમાં આવી ચઢ્યા જે બાબુને ઓળખતા હતા અને બાબુંને જોઈને તેમણે કહ્યું કે 501 આપી દે તે ખરા અર્થમાં કિન્નર છે , તેમણે માગ્યા તે મુજબ 501 આપી દઈશ તો રાજી થઇ જશે અને દિલથી આશીર્વાદ આપશે. 501 આપ્યા પછી તેમના મુખ પર જે પ્રસન્નતા આવી તે જોઈને ખુબ જ આનંદ થયો. જતા જતા તેમણે તેમણે ડબ્બીમાંથી કંકુ કાઢીને અમારા ત્રણેયના કપાળ પર લગાડ્યું તો એટલું તો ઠંડુ લાગ્યું કે જાણે કપાળ પર બરફ મુક્યો હોય. પછી તેમણે ત્રણેયના માથા પાર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા ત્યારે તો એવું જ લાગ્યું જાણે કોઈએ માથા પર આખો હિમાલય જ મૂકી દીધો હોય. ત્યારબાદ અમારા કામમાં ખુબ બરકત આવી હતી.

  તે પછી શરીરે એકદમ રુષ્ટપુષ્ઠ અને કરડાકી ભર્યો પણ એકદમ શાંત ચહેરો ધરાવતા આ બાબુભાઈ વર્ષમાં ફક્ત ત્રણ વખત ઓફિસેમાં આવતા. હોળી વખતે, ગણપતિ વખતે અને નવરાત્રીમાં. દસ પંદર મિનિટ ઓફિસમાં બેસતા, ચા પીતા પીતા શાંતિથી કામકાજ, પરિવાર વિશે પૂછતા અને ફાળો લઇ જતા કોઈ પણ જાતની માથાકૂટ વગર અને ભરપૂર આશીર્વાદ આપીને જતા અને તેમના મંદિરે આવવાનું કહેતા. એક વાર નવરાત્રી દરમિયાન રાત્રે વડાલામાં તેમના મંદિરે હું ગયો હતો અને તેઓ વિધિવત પૂજા કરતા તેમાં ભાગ લીધો હતો, તેઓ તેમના શિષ્યોને જે રીતે સાંભળતા અને ઉપરાંત ઘણું સામાજિક કાર્ય પણ કરતા એ જાણીને મન પ્રસન્ન થઈ ગયું હતું.

  1998 સુધી તેઓ દર વર્ષે ઓફિસમાં આવતા પણ ત્યારબાદ તેમને ફરીથી કયારેય જોયા નથી.

 2. આ સમાજ વિશે નવું જાણવા મળ્યું. બાકી એમના આશીર્વાદ તો અનુભવ્યા છે. આ આલેખનથી તમારી કલમ ચાલુ થઈ છે. એ અવિરત ચાલુ જ રહે એવી શુભેચ્છાઓ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s