સુ-વાવડ


જોરજોરથી ઉલ્ટી કરી નયના હાંફતી બાથરુમ બહાર નીકળી. “ત્રણેક મહિના સુધી ઘણાની હેલ આવી હોય પણ ઘરબાર રેઢા મૂકી આમ આટલું જલ્દી પિયર સુવાવડ કરવા ન જવાય” પડોશી રમીલાબેને એની પીઠ પર હાથ પસવારી લિંબુ પાણીનો પ્યાલો પકડાવ્યો. થાકેલી આભારવશ આંખે એ તાકી રહી.

“કયારે બંધ થશે તારા આ નાટક?”  રમીલાબેન દરવાજો ખેંચી ગયા કે કેતને સખત ચીડથી પૂછ્યું.

“શાનાં નાટક ! અને હું નાટક કરું છું?” એ તોછડા સ્વરે તાડૂકી.

“મોઢામાં આંગળા નાખી ખાધેલું ઓકી નાખવાનો મનેય કોઈ શોખ નથી.”

કોમ્પ્યુટર સામે બેસી એક મેઈલની પ્રિન્ટઆઉટ કાઢી એણે કેતનને થમાવી.

.”એની ડીલીવરી ન થાય ત્યાં સુધી મારે ત્યાં જ રહેવું પડશે અને…” અધુરા વાક્યની એ ધાર  કેતનને વિંધી ગઈ અને બંનેની નજર સામે કેતનનાં મેડિકલ રિપોર્ટસ તરવરી ઉઠ્યા.

થોડી વાર પછી મેઈક માય ટ્રીપમાં બે ટીકીટ બૂક થઈ ગઈ. છેક વારાણસીનાં આશ્રમની.

ફેફરું


એક ઘબાકાનાં અવાજે ટ્રેનમાં બધા સફાળા ઉઠ્યા. “આંધળી છો ?” બોલી પુરુષે રડી ઉઠેલા બાળકને સંભાળી લીઘું.  પણ  ઘુંમટાવાળી સાતેક મીનીટ સુધી એમ જ બેઠી રહી. કળ નહી વળી હોય

ફેરિયાઓની ચહલપહલથી  સવારે થોડી મોડી આળસ મરડી.  દોડતી ટ્રેનમાં ભાગતી જીંદગીઓ આરામ કરતી હોય છે.

બપોરે બારેક વાગે સફરજન કાપતી છરી સાથે ફરી એ જ ઘુંમટો અને એ જ ધબાકો.  “અરે રે હમણાં છરી વાગી જાત.”

” આવું તો એને વારે વારે થાય છે પણ કયારેય લોહી નથી નીકળતું.  માતાજીની આડી છે એટલે દવા નથી લેતા. આમેય ફેફરાની દવા થોડી હોય ? “

આટલી બધી  ચિંતિત આંખો જોઇ એના પતિએ ટાઢા ઢોળ્યા.

“દીકરો હોય તો આને સાચવીએ. આ બે પથરા તો આપોઆપ ઘડાઈ જશે. ” માસાનો બબડાટ લગભગ બધાએ સાંભળ્યો . અમુક વયે બાઇઓ બેબાક બનતી હશે

બપોરે એ બધા આડે પડખે થયાં.સાડલા નીચે બાળકીની હલનચલનથી  ઘુંમટો જરીક આઘો પાછો થયો. ગોરી તો ન કહેવાય કદાચ  એનીમીક હતી એટલે ચામડી સફેદ હતી .

આ બધું સતત જોઇ રહેલી સ્વાતિએ ચૂપચાપ એના હાથમાં પાણી અને પેઇન કીલર પકડાવી દીધા. સજળ આંખે એણે કોણી અને કપાળ પર મરી ગયેલું લોહી બતાવ્યું.

“પિયર નથી” ગણગણાટ. … ઘટનાઓનો સાર.

લેપટોપ તરફથી નજર હટાવી એક ઉત્સાહી  જુવાનિયાએ વધાઇ આપી

આખા ડબ્બામાં ઓલમ્પિકસમાં જીતેલી સ્ત્રીશકિત માટે તાળીઓ પડી.

સ્વાતિ વિચારે ચડી .

— નીવારોઝીન રાજકુમાર

કાટમાળ


ટીવીનાં એક ફોટા પર એની આંખો જડાઈ ગઈ .

“આ પ્રાજ્કતાનો અખિલ ખોવાયો હશે ?”
કોરીયાના ભૂકંપની માહિતી આપી રહેલી રિપોર્ટરનાં શબ્દો અખિલનાં કાનોમાં અથડાઈ રહ્યા હતા. શબ્દો સમજાય અવાજ તો અથડાય જ ને.

સુન્ન થઇ ગયેલો અખિલ ૧૯૯૩નાં સમયગાળામાં પહોંચી ગયો હતો.

બાબા અને આઈની પચીસમી લગ્નગાંઠ હજુ કાલે જ ઉજવી હતી  પરિવાર ભેગો થયો હતો.

“અખિલ , હવે બીજો મોટો પ્રસંગ તારા સાખરપૂડાનો હશે.”

ખીલખીલાટ મશ્કરીઓ વચ્ચે એની નજર દૂર બેઠેલી પ્રાજ્કતા પર ગઈ.

ચાલમાં ત્રીજા ઘરમાં એ રહેતી. જાહેર શૌચાલય પાસે કે પાણીની લાઈનમાં આંખો ટકરાતી.
“તુ માલા આવડ્તેસ” સુધી પહોંચેલી એમની શબ્દયાત્રા આગળ વધી જ નહોતી. કાકુ અને આઈ તો મુલગીઓનું લીસ્ટ લઈને બેસી ગયા હતા.

‘બધા મહેમાન જાય પછી અશ્વિનીતાઈના કાને વાત નાખવી પડશે’ અખિલે નિર્ણય કરી લીધો.

એના હાથમાંથી રીમોટ ઝુંટવી સુલભાએ ટીવી બંધ કરી દીધું. “જે સમાચાર આપણને દુઃખી કરે એ ન જોવા.”

લાતુરનાં ભૂકંપ પછી અખિલને સુલભાનાં પરિવારે સાચવી લીધો. પછી લગ્ન અને સંસાર.

અખિલ આડો પડ્યો.

પ્રાજ્કતાનું મન ખોલે એ પહેલા આખો મહોલ્લો તૂટી પડ્યો હતો.

લંગડાતા અખિલે રાડો પાડી હતી. કાટમાળમાંથી નીકળેલી એ આઈબાબા સાથે જ ગઈ.

પાડોસીએ ખુલ્લા દરવાજામાંથી અવાજ કર્યો,“ટીવી જોયું ? તમારા લાતુર જેવું જ થયું છે.”

“મન હજુ કાટમાળ જ છે”, અખિલ બબડી ઉઠ્યો.

— નીવારોઝીન રાજકુમાર  

વહુ દીકરી


“બહેનનાં બધા ઘરેણાં એ જંગલીએ ગીરવે મૂક્યા છે આ સોનાની ચૂડી એને પહોંચાડી દેજે “

પિતાજીએ આપેલી ડબ્બી અને આજ્ઞા નકારી શકવાની હિંમત કયાં હતી !

રસોડામાં ઢગલો વાસણ માંજી  રહેલી જીજ્ઞાનાં સૂના હાથ એ જોઇ રહ્યો.

વર્ષો પહેલા બોલાયેલા શબ્દો ફરી એક વાર ઘુમરાયા ,

“જીજ્ઞા વહુ નહી અમારી  દીકરી જ છે.”

— નીવારોઝીન રાજકુમાર

નેટવર્ક


‘બેંગકોક સ્પેશિયલ’ સાહેબે એક ઝાટકે ટીવી ઓલવી નાખ્યું. ‘હવે ટીવીવાળા પણ પરદેશ જવા લાગ્યા.’ આખો જીવ કડવો વખ જેવો થઈ ગયો. એમણે આંખો મીંચી દીધી.

એ સમયે મીસીસ સાહેબ સાવ હળવા થઈ ગયા હતા. સાહેબ ભલે નિવૃત થવાનાં હોય. સોશ્યલ નેટવર્ક  અને હોંશિયારીને કારણે હવે દીકરાને છ આંકડાની નોકરી મળી હતી. બસ, બે વર્ષ કમાશે પછી પાછો. રુમઝૂમ કરતી વહુ ઘર અજવાળશે.

ફકત આઠ મહિના પછી મારતે પ્લેને ઉડ્યા અને ડ્રગ્સનાં ઓવર ડોઝનાં કારણે હોસ્પિટલમાં પડેલા અધમરેલા દિકરાને પાછો લાવ્યા પછી જીવન સો મણ જેટલું વધુ વજનદાર થઈ ગયું.

‘અમે તો કહેતા જ હતા. અમેરિકા, કેનેડા ઠીક પણ બેંગકોક?’ મોં એટલી વાતો, કાનાફૂસી, ગાઢ ડિપ્રેશનમાં સરી પડેલા દીકરાની ધાંધલ ધમાલ અને દવાનાં તોતિંગ બિલ. બચતનું તળિયું ઝગારા મારતું હતું.

આખી જીંદગી મોટી નોકરીનાં કેફમાં નીકળી હતી. ઉડાઉ , શોખીન પત્ની અને બેજવાબદાર, વ્યસની દીકરો. પતન અને નાદારી માટેનો આથી વિશેષ મોટો વિસ્ફોટક સામાન બીજો કયાંથી મળે!

દીકરાનાં રુમમાંથી નીકળેલો સિગારેટનો ધુમાડો આખા ઘરને ઘેરી રહ્યો હતો. ‘ ડ્રગ્સ સામે સિગારેટ કાંઈ ન ગણાય. બને એટલું ઓછું ટોકજો. નહી તો નવેસરથી ખર્ચાનાં ખાડામાં પડશો.’

નજીકની એક કંપની ફડચામાં જતાં નોકરી માટે આજીજીભર્યા લાચાર ચહેરાઓ આજકાલ રોજ આક્રમણ કરતા હતા. એમાં એક ચહેરો એમનો પોતાનો હોય એવું કેમ લાગવા માંડ્યું હતું?

‘કોઈને નોકરી અપાવવા જેવી કોઈ ફેવર કરવી મને જરાય નથી ગમતી.’  એમનાં પોતાનાં ગર્વિષ્ઠ શબ્દો એમને કરડી રહ્યા હતા. પણ હવે નોકરી કર્યા વગર, ફેવર માંગ્યા વગર છૂટકો પણ કયાં હતો!

સાહેબ હાથમાં પકડેલા મોબાઈલમાં એક નંબર લગાડી નેટવર્કની અવરજવર તાકી રહ્યા.

— નીવારોઝીન રાજકુમાર

ટીપું



બાલ્કનીનાં પતરાંએ કાનોમાં અને માટીની ભીની મીઠી મહેંકે નસકોરામાં અડપલાં આદર્યા.

સડસડાટ બારી પાસે જઈ ઉભેલી શ્રેયાને જૂટનાં પડદામાંથી પણ સુગંધ આવી.

શ્રેયા અને અંગદ એટલે સૌદર્ય અને ઐશ્વર્યનો અભૂતપૂર્વ સમન્વય.

અચાનક એની નજર ફલાયઓવર નીચે ચાનાં કપમાં બે ભુંગળી ડૂબાડી ખડખડાટ હસતા એ ચહેરાઓ પર પડી. એક ઉદાસી પહોળું સ્મિત બની હોઠો પર ફેલાઈ ગઈ.

“પ્રેમ એટલે તારી સાથે પીવાતી ચામાં પડેલું વરસાદનું પહેલું ટીપું”. છ વર્ષ પછી કાનોમાં એ અવાજ ફરી ગુંજ્યો.

“વાહ, તું અને કવિતા?” શ્રેયા નવેસરથી રોહનનાં પ્રેમમાં પડી હતી.

“લગ્ન પછી પહેલો વરસાદ પડે એટલે આપણે બેય તરબતર પલળશું. બિમારી પ્રેમીઓથી જોજનો દૂર રહે છે એની તને ખબર છે? ” બેય હાથ પહોળા કરી રોહન પાણીનાં ફોરાને ઝીલતો રહ્યો.

“યેસ,આખુંય વર્ષ એની ભીનાશ આપણને તરોતાજા રાખશે” હિંમત કરી શ્રેયા ભીંજાતી રહી.

પાણી ઝીલવા બહાર હાથ લંબાવ્યો ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી.

“ગીઝર ચાલુ કર અને પાણીમાં ડેટોલ નાખ. બે ટીપા વરસ્યા નથીને ગંદકી ફેલાઈ નથી. માણસ બિમાર ન પડે તો જ નવાઈ.” હાથ, પગ, કપડાં ખંખેરતો અંગદ બોલતો જ રહ્યો . બાથરૂમમાં શ્રેયા ગીઝરમાંથી નીકળતી વરાળ જોઈ રહી. પછી ફટાફટ નળ થોડો મોકળો કરી દીધો. હવે પાણી હુંફાળુ હતું. ગરમ કે ઠંડુ નહી.

હવાબારીમાંથી દિવાલ પર સરકી રહેલું ઠંડુગાર ટીપું શ્રેયાએ અચાનક ઝીલી લીધું અને આંખોએ પાછું પી લીધું.


— નીવારોઝીન રાજકુમાર

નિયતિ


છેલ્લા બે પ્રહર જાણે પ્રહાર હતા.

સાંજે ઓરડીમાં આવેલા એ શખ્સને ગુસ્સાથી પીંખી નાખ્યો હતો. વીસ હજારની વસુલી રોજ ગડદાપાટુનો મૂઢમાર બની અંગઅંગ પર ચકામું બનશે? અડધી રાતે હિબકા ખાતી કુંજલને ગરમ સ્પર્શે જગાડી હતી. હબકી ગયેલી કુંજલ નિદ્રાનો ડોળ ઓઢી પડી રહી. હળદરની વાસ નાકમાં ઘુસી ગઈ. “મુઝે માફ કરના મેરી બચ્ચી.પર અબ કિસ્મત કે આગે ઝૂક જા” અને મૌસીનું ઘ્રુસકું… કાનો પર વિશ્વાસ તો ન બેઠો.

કળ તો શું વળે પણ એ ઘટના પછી ચેતનાએ કહેલા શબ્દો મનમાં વીંઝાઈ રહ્યા હતા. “કોઈને ચહેરો નથી કુંતલ, મહોરાં પાછળ બધે સૂનકાર જ હોય છે.”

કુંતલનાં મનમાં કુતુહલે ઉછળો માર્યો .

— નીવારોઝીન રાજકુમાર

સરકતા રંગો


હૈદરાબાદ તરફ ભાગતી, હાંફતી,ચીસો પાડતી ટ્રેનમાં બેઠેલી પૂજાની નિંદર નાસી ગઈ હતી.

ડોકટરે ફોનમાં કહેલું.

“આંખોની નસો સૂકાઇ રહી છે. બાયપાસ કરી અંધારાને ઉલેચવાની કોશિષ કરીએ.”

કાયમી અંધાપા તરફ સરકી રહેલી પૂજાની આંખો રંગબેરંગી પથ્થરની માળાઓ વેચનારી સ્ત્રી, હરિયાળા ખેતરો, ડબ્બામાં રમી રહેલા બાળકો અને દુનિયા.

ધસી આવેલા આંસૂઓ સાથે પૂજાએ રંગો ગટગટાવી લીધા.

— નીવારોઝીન રાજકુમાર

ઘરઘર


“ઘોડીનાં સહારે ચાલતો જીવનસાથી સાથે કેટલું ચાલશે ?”

અફસોસ અને અભિમાન મિશ્રિત આંસુથી તરબતર આંખો સામે એને ગુંડાઓથી બચાવવા જતાં પુલ પરથી નદીનાં ખાલી પટ પર પટકાયેલો અભિષેક છવાયો.

પિયરની શેરી વટાવતા એક ડૂમો ભરાઇ આવ્યો. સંતાકૂકડી,એનઘેન,પકડાપકડી ઓઝલ થઈ રહ્યા હતા.

“તારું અંજળ ખૂટ્યું.” પપ્પા બોલ્યા હતા.

પણ આજે ઇજ્જત બચાવનાર જીત્યો.

રેખા ઘરઘર રમવા ચાલી.

— નીવારોઝીન રાજકુમાર

વય નિવૃત્તિ


પોતાનાં નામનું કાગળીયું ઉખાડતા શ્વાસ ભરાઇ ગયો.

તાળુચાવી હાથમાં લઈ એ ધબ્બ દઇ બેસી પડી.

ખાલીખમ્મ લોકરમાંથી સાયકલોજી, ફિલોસોફી, મેનેજમેન્ટની નોટ્સ નીકળીને જાણે આખા રૂમમાં ઉડી રહી હતી.

“તમે બહુ યાદ આવશો. મેડમ,સંપર્કમાં રહેજો”

આ શબ્દોમાંની લાગણી આશાને ચારેબાજુથી વિંટળાઇ રહી હતી.

કોલેજનો ઘંટ અને ઘટનાઓ કાનોમાં ગૂંજ્યા. કરમાયેલા બૂકેની મીઠી સુગંધથી સંતોષ વ્યાપી ગયો.

— નીવારોઝીન રાજકુમાર